ઉમાશંકરનો વાગ્વૈભવ/ઉપસંહાર/અનુવાદ

Revision as of 20:28, 9 November 2021 by Atulraval (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ઉપસંહાર: અનુવાદ

ઉમાશંકરને મૌલિક રીતે શબ્દને વિવિધ રીતે પ્રયોજવામાં જેમ રસ હતો તેમ તેમને અન્ય દ્વારા પ્રયોજાતા શબ્દને – ખાસ કરીને સર્જનાત્મક શબ્દને જોવા-જાણવા-માણવાનોયે ઉત્કટ રસ હતો. તેમનું અનુવાદકાર્ય એમની શબ્દપ્રીતિનું દ્યોતક છે. મરાઠી, હિન્દી, બંગાળી, સંસ્કૃત, અંગ્રેજી જેવી ભાષાઓની એમની જાણકારી – તે તે ભાષાઓનાં સાહિત્યોનો એમનો પરિચય ભારતીય તેમ જ વિશ્વસાહિત્યના આપણા જે કેટલાક સાહિત્યકારો, એમાં એમને ગૌરવભર્યું સ્થાન અપાવે છે. એમના અનુવાદો એમની ભાવયિત્રી પ્રતિભાનો તો ખરો જ, કદાચ કેટલીક રીતે કારયિત્રી પ્રતિભાનોયે પરચો આપે છે. અનુવાદકાર્ય કેવળ કારયિત્રી કે કેવળ ભાવયિત્રી પ્રતિભાનું નહિ, પણ ઉભય પ્રતિભાઓના સમન્વિત – કહો કે એક ત્રીજી જ પ્રતિભાના ઉન્મેષરૂપ કાર્ય લાગે છે. ઉમાશંકરના કાલિદાસકૃત ‘શાકુંતલ’ તેમ જ ભવભૂતિકૃત ‘ઉત્તરરામચરિત’ના અનુવાદો ગુજરાતીમાં તે તે કૃતિઓના સર્વોપરી અનુવાદો તરીકે પંકાયા છે. એમના ‘ઇફિજિનિયા ઇન ટૉરિસ’ના તેમ જ ‘મૅકબેથ’ના કેટલાક અંશોના અનુવાદ પણ ધ્યાનપાત્ર છે. ઉમાશંકરે ‘એકોત્તરશતી’માં રવીન્દ્રનાથની કેટલીક રચનાઓના આપેલ અનુવાદ રવીન્દ્રપ્રીતિના તેમ જ ભારતીય સાહિત્ય માટેની પ્રીતિના નિર્દેશક છે. તેમણે પૉલિશ કવિ મિત્સ્કિયોવિચના ‘ક્રીમિયન સૉનેટ્સ’નો કરેલો અનુવાદ યુરોપીય સાહિત્યના અનુવાદ કરવાની એક સુચેષ્ટા તરીકે ધ્યાનાર્હ છે. જે સુચેષ્ટા – વલણ પછી સુરેશ જોષી જેવા અધિકૃત ભાવકાગ્રેસર સર્જક-વિવેચકો દ્વારા એક આંદોલનની રીતે ચાલી ગુજરાતની સાહિત્યિક દૃષ્ટિનો ક્ષિતિજ-વિસ્તાર સાધવામાં પ્રોત્સાહક-માર્ગદર્શક થવાનું હતું. ઉમાશંકરેય ‘કાવ્યાયન’ દ્વારા પછી એ જ દિશાના કાર્યને વધુ વ્યાપક ને વેગીલું બનાવવાની એક મનીષા પ્રગટ કરી જ હતી. એમની ‘નિશીથ’ પુરસ્કાર ગ્રંથમાળાએ – ગંગોત્રી ટ્રસ્ટે આ અનુવાદક્ષેત્રને સમૃદ્ધ કરવામાં મહત્ત્વનું પ્રદાન કર્યું છે.