ભારતીય કથાવિશ્વ૧/દેવાસુર સંગ્રામની કથા

Revision as of 16:21, 10 November 2021 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| દેવાસુર સંગ્રામની કથા | }} {{Poem2Open}} બ્રહ્મે જ નિર્ધાર કરીને દ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


દેવાસુર સંગ્રામની કથા

બ્રહ્મે જ નિર્ધાર કરીને દેવતાઓને વિજયી બનાવ્યા. બ્રહ્મના એ વિજયથી બધા દેવ મહાન બની ગયા. તેઓ માનવા લાગ્યા કે આ વિજય અમારો જ છે. આ મહિમા અમારો જ છે. એ બ્રહ્મે એમનો દેવોનો — ભાવ જાણી લીધો અને એમની સામે એ પ્રગટ થયું, ત્યારે ‘આ યક્ષ (પૂજ્ય) કોણ છે?’ તે તેઓ જાણી ના શક્યા. તે અગ્નિને કહેવા લાગ્યા, ‘હે જાતવેદ, આ પૂજનીય કોણ છે તે જાણો છે? પાસે જઈને જાણી લાવો.’ ‘ભલે.’ એમ કહીને તે દોડી ગયો. તેણે (બ્રહ્મે) પૂછ્યું, ‘કોણ છે તું?’ ‘હું અગ્નિ છું. નિશ્ચય જાતવેદ છું.’ એવો ઉત્તર આપ્યો. ‘તારામાં શું બળ છે?’ ‘આ પૃથ્વી ઉપર જે કંઈ છે, એ બધું હું બાળી શકું.’ તેની સામે ઘાસ મૂક્યું. ‘લે આને બાળી નાખ.’ અગ્નિ તેની પાસે ગયો, પૂર્ણ વેગથી પણ એને બાળી ન શક્યો. તે ત્યાંથી પાછો હઠ્યો, ‘આ જે યક્ષ છે તેને જાણવા હું અસમર્થ છું.’ પછી વાયુને કહ્યું, ‘હે વાયુ, આ યક્ષ કોણ છે તે જાણી લાવો.’ ‘ભલે.’ તે દોડ્યો. તેણે પૂછ્યું, ‘તું કોણ છે?’ વાયુ બોલ્યો, ‘હું વાયુ છું. હું માતરિશ્વા છું.’ ‘તારામાં શું બળ છે?’ ‘આ પૃથ્વી પર જે છે તે હું ઉડાવી શકું છું.’ તેની સામે ઘાસ મૂકવામાં આવ્યું. ‘આને ઉડાવ.’ વાયુ એની પાસે ગયો. બધી શક્તિ વાપર્યા પછી એને ઉડાવી ન શક્યો. એટલે તે પાછો વળ્યો. ‘આ યક્ષ કોણ છે તે જાણી શકતો નથી.’ પછી ઇન્દ્રને કહ્યું, ‘હે મઘવા, આ યક્ષ કોણ છે તે જાણો.’ ‘ભલે.’ તેની પાસે તે ગયો. તેની સામેથી યક્ષ અદૃશ્ય થઈ ગયો. ઇન્દ્ર આકાશમાં અતિ શોભાયમાન હૈમવતી ઉમા નામની સ્ત્રી પાસે આવ્યો. ‘આ યક્ષ કોણ છે?’ તેણે એ સ્ત્રીને પૂછ્યું. એણે કહ્યું, ‘તે બ્રહ્મ છે. આ બ્રહ્મના વિજયમાં જ તમે મહિમાવંત બન્યા છો.’ આ રીતે બ્રહ્મ છે એવું જ્ઞાન પ્રાપ્ત થયું. તેથી એ દેવ અન્ય દેવોથી અધિક શ્રેષ્ઠ બન્યા. અગ્નિ, વાયુ, ઇન્દ્ર, એમની નિકટ બ્રહ્મને જોઈ શક્યા. તેઓ પણ આ બ્રહ્મ છે એવું પહેલી વાર જાણી ગયા. એથી જ ઇન્દ્ર બીજા દેવો કરતાં અધિક શ્રેષ્ઠ બન્યો. પાસે રહેલા બ્રહ્મને તે જોઈ શક્યો. (કેન ઉપનિષદ સામવેદના જૈમિનીય બ્રાહ્મણનો નવમો અધ્યાય)