ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અખંડલહરી

Revision as of 08:16, 15 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


અખંડલહરી : નવલરામે ‘મનના વિચારો’માં શામળ અને પ્રેમાનંદની કૃતિઓના વાચન અંગેના પોતાના પ્રતિભાવો વ્યક્ત કરવા મહાકવિઓની બે જાતની શૈલી અંગે ‘અખંડલહરી’ અને ‘ખંડલહરી’ જેવી સંજ્ઞાઓ પ્રયોજી છે. શામળની બાનીમાં એમને ટુકડા ટુકડા પડતા લાગે છે અને મુગ્ધદૃષ્ટિને કારણે પ્રૌઢિ ઓછી લાગે છે, તો, પ્રેમાનંદમાં એમને અખંડલહરી જણાય છે. એક વિચારમાંથી બીજો અને બીજામાંથી ત્રીજો એ પ્રમાણે અખંડિત સ્ફુરણ સાથે મૂળ લગાડી ઝાડ નવપલ્લવિત થઈ જતું એમને દેખાય છે. પ્રેમાનંદમાં આ કારણે જ્ઞાન, અધ્યાત્મ અને રસજ્ઞાન શામળની જેમ નોખાં નથી ભાસતાં. આને આધારે નવલરામ અભિપ્રાય આપે છે કે પ્રેમાનંદ પંડિતનો, બ્રાહ્મણનો કવિ છે જ્યારે શામળ વાણિયાનો, સંસારબુદ્ધિવાળાનો કવિ છે. ચં.ટો.