ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અનુભાવનશક્તિ

Revision as of 09:50, 19 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


અનુભાવનશક્તિ : વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ સાહિત્યમાં આનંદના વિકલ્પે પરનિર્વૃતિ કે વૃત્તિઓની તલ્લીનતા (Transport) ભાવસમાધિને આગળ ધરી છે અને મન કોઈપણ વૃત્તિમાં તદાકાર થઈ શકે છે અને એ તલ્લીનતા પ્રતિકૂળ વેદના નથી એવું ફલિત કરવાનો ઉદ્યમ કર્યો છે. આ તલ્લીનતાને એમણે મૂઢ તલ્લીનતા નહીં, પણ જાગ્રત અને સંચેત તલ્લીનતા, જેમાં ચિત્તની ચેતનાશક્તિ સંપૂર્ણપણે કામ કરતી હોય એવી તલ્લીનતા કહી છે. વળી, ભિન્નભિન્ન કે પરસ્પર વિરુદ્ધ આદર્શ કે વિચાર તાત્પર્યવાળાં કાવ્યો વિશે પણ તલ્લીનતા, તદાકારતા સંભવી શકે છે, એમાં એમણે મનુષ્યમાં રહેલી ગૂઢ અને સમર્થ સમાનભાવની ‘સમાન સંવેદનની શક્તિ જોઈ છે. સીતા, શકુન્તલા, દમયંતી પ્રત્યેક વિશિષ્ટ જીવનની સમૃદ્ધિ આપણા મન ઉપર મૂકી જાય છે; અને આ વિશિષ્ટનો અનુભવ જ એમને મન મૂલ્યવાન છે. ગમે તેવી વિશિષ્ટતાવાળી અનુભૂતિ હોય અને અનેકાનેક અનુભૂતિઓ વિશિષ્ટતાવાળી હોય જ – છતાં વાચક એને ઝીલે છે. વિષ્ણુપ્રસાદ આ શક્તિને અનુભાવન કે ભાવનાશક્તિ કહે છે. સાથે સાથે એવું પણ સ્વીકારે છે કે વાચકની અનુભાવનની આ અદ્ભુત સામર્થ્યવાળી શક્તિને પૂર્ણપણે પ્રગટ થવા માટે તેને કેળવણીની આવશ્યકતા છે તેમ તેને અવરોધનો પણ અભાવ જોઈએ. ચં.ટો.