ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અનુભાવ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અનુભાવ : ભરતના રસસૂત્રમાં નિર્દેશાયેલું રસનિષ્પત્તિનાં સ્વીકૃત તત્ત્વોમાંનું એક. વિભાવાદિ સાથે એનો ઉલ્લેખ થતો આવ્યો છે. હંમેશાં એની સ્થિતિ ભાવોની અનુવર્તિની સ્થિતિ છે. એટલે કે વિભાવાદિ રસપ્રતીતિના કારણરૂપ છે, તો અનુભાવ કાર્યરૂપ છે. લૌકિક વ્યવહારમાં જે કાર્ય કહેવાય છે તેને કાવ્યજગતમાં અલૌકિક અનુભવ માટે ‘અનુભાવ’ની જુદી સંજ્ઞા આપેલી છે. ભરતે અનુભાવોને વાણી તથા અંગસંચાલન વગેરે દ્વારા વ્યક્ત અભિનયરૂપ અભિવ્યંજકો તરીકે ઓળખાવ્યા છે; તો ધનંજય એને ભાવ-ના સૂચક માને છે. વિશ્વનાથે આલંબન-ઉદ્દીપન જેવાં કારણોથી ઉત્પન્ન ભાવોને બાહ્ય પ્રકાશિત કરનાર કાર્ય તરીકે અનુભાવોની સ્પષ્ટ ઓળખ આપી છે. એટલે અનુભાવ દ્વારા વાચિક, આંગિક તથા સાત્ત્વિક અભિનય અનુભાવિત થાય છે. આમ, અનુભાવ આંતરિક ભાવોનાં વ્યક્ત બાહ્યરૂપો છે, ભાવોનો એ સાક્ષાત્કાર કરાવે છે. કોઈ એક વ્યક્તિ અન્ય વ્યક્તિના સંપર્કમાં આવે, એના મનમાં ભાવ જાગે, એને એ ચેષ્ટાઓ, સહજ પ્રતિક્રિયાઓ, વિકારો દ્વારા વ્યક્ત કરે છે. આ વિકારો ચેષ્ટાઓ દ્વારા આંગિક હોઈ શકે; શબ્દો દ્વારા વાચિક હોઈ શકે; સૂક્ષ્મ આંતરિક ક્રિયાથી સ્વત :સ્ફૂર્ત સાત્ત્વિક હોઈ શકે; કે પછી વેશભૂષાવિષયક પરિવર્તનથી આહાર્ય હોઈ શકે. ભરતે અનુભાવના વાચિક, આંગિક અને સાત્ત્વિક એમ ત્રણ ભેદ કર્યા છે. તો ભાનુદત્તે એને જુદી સંજ્ઞાઓ આપી કાયિક, માનસિક, આહાર્ય અને સાત્ત્વિક એમ ચાર ભેદ કર્યા છે. શારદાતનય શિંગભૂપાલ અને રૂપગોસ્વામીએ જુદી સંજ્ઞાઓથી ઓળખ આપી થોડીક નવીનતા લાવવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ સર્વમાન્ય રીતે ચાર ભેદ સ્વીકૃત છે : કાયિક; માનસિક, આહાર્ય અને સાત્ત્વિક. શરીરના સ્વાભાવિક અંગવિકારને દર્શાવતા સાત્ત્વિક અનુભાવના આઠ પ્રકાર છે : જડીભૂતતા બતાવતો સ્તંભ; પ્રસ્વેદ બતાવતો સ્વેદ; શરીરના રોમ રોમ ખડા થતા બતાવતો રોમાંચ, વાણીને તીવ્ર, મંદ કે ગદ્ગદ બતાવતો સ્વરભંગ; સ્પર્શ વગેરેથી શરીરનું કંપન બતાવતો કંપ; શરીરની કે મોંની રંગકાંતિ બદલતો વૈવર્ણ્ય; હર્ષશોકને કારણે આંખમાંથી ટપકતું જલ બતાવતો અશ્રુ; સુખદુઃખના આધિક્યથી ઉત્પન્ન જ્ઞાનશૂન્યતા બતાવતો ‘પ્રલય’. ચં.ટો.