ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/ઓડિસિ

Revision as of 08:49, 20 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ઓડિસિ : હોમર(આશરે ઇ.સ.પૂ.૧૦૦૦)નું ગ્રીક મહાકાવ્ય. ટ્રોય સાથે દસ વર્ષ યુદ્ધ કરી તેના પતન પછી ઓડિસ્યૂસ સાથીઓ સાથે વતન ઇથાકા જવા નીકળે છે પણ અનેક વિઘ્નો પસાર કરતો કરતો દસ વર્ષે પોતાને વતન પહોંચે છે. ટ્રોયથી નીકળ્યા પછી તે પોતાના કાફલા સાથે ઇસ્મારુસ પહોંચે છે. ત્યાંથી નીકળીને તેઓ ઇથાકા પહોંચે તે પહેલાં તો પ્રતિકૂળ પવન તેમને કમલજીવીઓના પ્રદેશમાં લઈ ગયો. ત્યાંથી તેઓ સાઈકલોપ્સ લોકોના ટાપુ પર પહોંચ્યા. અહીં તેઓ સાગરદેવતા પોસાઈડનના પુત્ર પોલીફેમસની ગુફામાં પ્રવેશે છે. પેલો માનવભક્ષી પોલીફેમસ ઓડિસ્યૂસના સાથીઓને ભચડી ખાય છે. ઓડિસ્યૂસ બચેલા સાથીઓ સાથે યુક્તિપૂર્વક ત્યાંથી સરકી જાય છે પણ પોસાઈડનના ક્રોધનો ભોગ બની ભયાનક રઝળપાટ ભોગવે છે. હવે તેઓ ઇઓલસના ટાપુ પર પહોંચી, એક માસ ગાળી, પવનદેવ ઇઓલસે પ્રતિકૂળ પવનોને એક કોથળીમાં પૂરી એ કોથળી ઓડિસ્યૂસને તે ન ખોલવાની શરતે ભેટ આપી. પરન્તુ તેના સાથીઓએ કુતૂહલવશ તે ખોલી કે તરત જ પ્રતિકૂળ પવનો કાફલાને પાછો ઇઓલસના ટાપુ પર ખેંચી ગયા. વળી પાછી છ દિવસની રઝળપાટ પછી કાફલો લીસ્ટ્રાઈગોનિયન રાક્ષસોના પ્રદેશ પાસે પહોંચ્યો. હજુ ઓડિસ્યૂસનાં ૧૨ વહાણો કિનારે નાંગરે ત્યાં જ રાક્ષસો ધસી ગયા અને ૧૧ વહાણોનો ભુક્કો બોલાવી દીધો. પોતાના વહાણના રસ્સાઓ કાપીને ઓડિસ્યૂસ અને તેના સાથીઓ ભાગી છૂટી માયાવિની સર્સીના ટાપુ પર પહોંચી ગયા. સર્સીએ પોતાના મહેલમાં આગંતુકોનું સ્વાગત કર્યું અને પોતના જાદુથી સહુને ડુક્કરમાં ફેરવી નાખ્યા. હર્મીસની સહાયથી ઓડિસ્યૂસે સર્સીના દિલને વશ કર્યું, પોતાની પ્રેમિકા બનાવી અને સહુને ડુક્કરોમાંથી ફરી મનુષ્યો બનાવરાવ્યા. એકાદ વર્ષ ત્યાં રહી, ઇથાકા જતાં પૂર્વે નરકલોકમાંથી પસાર થઈ ત્રિકાલવેત્તા ટીરેસિયસની ભવિષ્યવાણી સાંભળી કે ઇથાકા પહોંચતાં પૂર્વે થ્રિનાશિ ટાપુ પર જવું પડશે જ્યાં સૂર્યદેવતાનાં ઢોર ચરતાં હશે પણ તેના તરફ લાલચુ નજર નાખ્યા વગર આગળ વધવાનું રહેશે. એક સરખી રીતે ઘડેલું હલેસું લઈ એવા પ્રદેશે પહોંચવાનું રહેશે કે જ્યાંના લોકોને દરિયા વિશે જ્ઞાન ન હોય. વચ્ચે ત્યાં કોઈ મુસાફર તારા હલેસાને ‘સૂપડું’ કહે ત્યારે ત્યાં ભૂમિમાં તે રોપી આગળ વધજે. આ ભવિષ્યવાણી તે સાંભળી સર્સીના ટાપુ પર પાછો ફરે છે. ત્યાંથી નીકળી તે થ્રિનાશિ ટાપુ પર પહોંચે છે. અહીં તેના સાથીઓ સૂર્યદેવતાનાં ઢોરને મારી મિજબાની ઉડાવે છે. પરિણામે સૂર્યદેવતાની ફરિયાદ સાંભળી ઝ્યૂસ ઓડિસ્યૂસના વહાણનો ખાતમો બોલાવી દે છે. સહુ સાથીઓ નાશ પામે છે. નવ દિવસ સુધી સાગરથપાટો ઝીલતો ઝીલતો ઓડિસ્યૂસ અપ્સરા કેલિપ્સોના ટાપુ પર જઈ પહોંચે છે અને તેના પ્રેમમાં પડે છે. આ તરફ ઇથાકામાં વીસ વીસ વર્ષોથી ઓડિસ્યૂસના કંઈ સમાચાર નથી તેથી તેની પત્ની પેનેલપિને પરણવા તલપાપડ અનેક રાજકુમારો તેના મહેલે પડાવ નાખીને પડ્યા છે. દીકરો ટેલિમેક્સ પિતાની શોધમાં નીકળ્યો છે. કેલિપ્સોના મોહપાશમાંથી નીકળી ઓડિસ્યૂસ એકલો સાગરમાં આગળ તો વધે છે પણ ફરી પોસાઈડનના ક્રોધનો ભોગ બને છે જેમાંથી સમુદ્રદેવી લ્યુકોથેઆ તેને બચાવે છે. બે દિવસ પછી ફીઆસીઅન લોકોના પ્રદેશમાં ઓલિવવૃક્ષની ઘટામાં નિર્વસ્ત્ર ઓડિસ્યૂસ પડાવ નાખે છે અને પર્ણો ઓઢી સૂઈ જાય છે. ત્યાંથી સખીઓ સાથે પસાર થતી ત્યાંની રાજકુમારી નોસિકા એને વસ્ત્રદાન કરે છે ને એની કરુણ કથની સાંભળ્યા બાદ પોતાના મહેલે લઈ જાય છે. રાજકુમારીના પિતા ઓડિસ્યૂસની આખી કથા સાંભળે છે ને દયાપ્રેર્યો રાજા તેને પોતાના માણસો સાથે એક નૌકામાં ઇથાકાને તટે પહોંચાડે છે. અહીં દેવી એથીની તેને ભિખારીના વેશમાં ફેરવી નાખે છે. ટેલિમેક્સ પણ ત્યાં આવી પહોંચતાં પિતાપુત્રનું મિલન થાય છે, પણ પુત્રને ખબર નથી કે પેલો વૃદ્ધ ભિખારી તે પિતા ઓડિસ્યૂસ છે. એથીની હવે ઓડિસ્યૂસને સુન્દર યુવારૂપમાં પલટી નાખે છે ને દીકરો બાપને પહેચાની લે છે. ફરી પાછો તે ભિખારીવેશમાં આવી જાય છે અને પોતાના જ મહેલમાં ભીખ માગે છે. તે પેનેલપિને મળે છે, પણ તેને તે ઓળખી શકતી નથી. ભિખારીવેશે ઓડિસ્યૂસ કહે છે કે ઓડિસ્યૂસ આવી રહ્યો છે. પેનેલપિએ લગ્નના ઉમેદવારોની કસોટી લેવાનું નક્કી કર્યું છે કે જે કોઈ ઓડિસ્યૂસના ધનુષથી ૧૨ કુહાડીઓનાં ફળાંમાંથી તીર પસાર કરશે તેને પોતે પરણશે. કોઈ તેમ કરી શકતું નથી. ભિખારીવેશે આવેલો ઓડિસ્યૂસ તેમ કરે છે. પેનેલપિ હર્ષ પામે છે. પરીક્ષા ખાતર પોતાના પુરાણા લગ્નખંડની બહાર તેમનો પલંગ ઢાળવા પેનેલપિ દાસીને કહે છે. ઓડિસ્યૂસ જાણે છે કે તેમના અસલી પલંગનો એક પાયો જીવતા ઓલિવ વૃક્ષનો હતો અને તેથી તે પલંગ ખસેડી શકાય તેમ નહોતો. આથી ઓડિસ્યૂસ કહે છે કે જો દાસી પલંગ ખસેડી શકે તેમ હોય તો તે અસલી પલંગ નથી. પેનેલપિને હવે પાક્કી ખાતરી થઈ જાય છે કે આ સાચેસાચ ઓડિસ્યૂસ જ છે. અને વૃદ્ધ પિતા લેરટીઝ અને યુવાન પુત્ર ટેલિમેક્સને ઓડિસ્યૂસ હર્ષપૂર્વક મળે છે. ધી.પ.