ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ત/તત્ત્વજ્ઞાન અને સાહિત્ય

Revision as of 11:21, 26 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


તત્ત્વજ્ઞાન અને સાહિત્ય : સાહિત્યમાં તત્ત્વવિચાર અને સાહિત્ય અંગેનો તત્ત્વવિચાર એ બે વચ્ચે સ્પષ્ટ ભેદ પાડવો જોઈએ. સાહિત્યકારો કોઈ તત્ત્વવિચાર સ્વીકારતા હોય અને તેમની કૃતિઓમાં તે વિચારો કલાત્મક રીતે રજૂ થયા હોય તેવું ઘણીવાર જોવા મળે છે. પરંતુ આવી અભિવ્યક્તિઓ સાહિત્યમાં વ્યક્ત થતાં તત્ત્વજ્ઞાનનાં દૃષ્ટાંતો છે. જ્યારે સાહિત્ય અંગેનું તત્ત્વજ્ઞાન તો કલાવિષયક તત્ત્વવિચારનો એક પેટા વિભાગ છે. અને કલાવિષયક તત્ત્વવિચાર સૌન્દર્યવિચારનો પેટા વિભાગ છે. આમ સાહિત્યનું તત્ત્વજ્ઞાન સૌન્દર્યવિચારનો જ પેટાવિભાગ છે અને સૌન્દર્યવિચાર તત્ત્વજ્ઞાનની એક શાખા છે. સાહિત્ય અને કલાના ક્ષેત્રે જે તાત્ત્વિક વિભાવનાઓ પ્રયોજાય છે તેની ચર્ચા સાહિત્યના તત્ત્વવિચારમાં સમાવેશ પામે છે. સાહિત્યના તત્ત્વવિચારમાં સાહિત્યકલાનું સ્વરૂપ, તેનાં કાર્યો, તેનો સત્વિષયક (ontological) દરજ્જો વગેરેની સમીક્ષા થાય છે ફિલસૂફોનો સદવસ્તુવિચાર તેમની કલાની વિભાવના નિર્ધારિત કરે છે. વીસમી સદીમાં ખાસ કરીને અર્થઘટનવિચાર, પ્રતિભાસવિચાર, સંરચનાવાદ, વિરચન (દેરિદા) જેવા તાત્ત્વિક અભિગમો સાથે સાહિત્યસિદ્ધાંતો પણ સ્થપાયા છે અને વિકસ્યા છે. એટલે પ્લેટોથી દેરિદા સુધી તત્ત્વજ્ઞાનનાં કોઇ ને કોઇ સિદ્ધાંતનું સાહિત્યસિદ્ધાંતમાં કે કલામીમાંસામાં રૂપાન્તર થતું જ રહ્યું છે. વીસમી સદીના છેલ્લા બે દાયકાના સાહિત્યસિદ્ધાંતો અંગેનાં પુસ્તકો જોઈએ તો આપણને તે પુસ્તકો તત્ત્વજ્ઞાનનાં છે કે સાહિત્યનાં તેવો પ્રશ્ન ઉદ્ભવે છે. કોઈ સાહિત્યકૃતિમાં કોઈપણ પ્રકારનું તત્ત્વજ્ઞાન ન આવતું હોય તો પણ સાહિત્યકૃતિ તરીકે તેને ઘટાવવામાં કોઈ ને કોઈ તત્ત્વચિંતનાત્મક વિચારકોટિઓ પ્રયોજાયેલી હોય જ છે. પ્લેટો-એરિસ્ટોટલનો હોય કે હાય્ડેગર દેરિદાનો હોય; તત્ત્વવિચારના કોઈ ને કોઈ અભિગમ વગર સાહિત્યવિષયક વિચારણા શક્ય જ નથી. સાહિત્ય સિદ્ધાંતોનું વૈવિધ્ય તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતોના વૈવિધ્યને આભારી છે. તત્ત્વજ્ઞાન સદવસ્તુનું જ્ઞાન આપે છે, તેવા પ્લેટોના અભિગમથી માંડીને તત્ત્વજ્ઞાનના પ્રશને ભાષાગત ગેરસમજણમાંથી ઉદ્ભવે છે, તેવા વિટગેન્સ્ટાઈનના અભિગમ સુધી તત્ત્વજ્ઞાનના પોતાના વિષય અંગે જ સર્વસંમતિ નથી. તે જ રીતે તત્ત્વચિંતકોની લેખનશૈલી પણ સર્વસંમતિથી ધોરણબદ્ધ થયેલી નથી. પ્લેટોના સંવાદો, ડેકાર્ટના મેડિટેશન્સ, સ્પિનોઝાની ગાણિતિકશૈલી, કિર્કગાર્ડનાં જર્નલો, ડાયરીઓ, નિત્શેનાં સૂત્રો, વિટ્ગેન્સ્ટાઈનના ઉદ્ગારો ઉક્તિઓ વગેરે પ્રકારની અનેકવિધ લેખનશૈલીઓ તત્ત્વજ્ઞાનમાં પ્રવર્તે છે. તે જ રીતે પ્લૅટો કે હેગેલની ડાયાલેક્ટિક પદ્ધતિ, ડેકાર્ટની સંશયપદ્ધતિ, યોસ્ટિનની ભાષાવિશ્લેષણની પદ્ધતિ, હસેર્લની પ્રતિભાસાત્મક પદ્ધતિ કે દેરિદાની વિરચનાત્મક રીતો પણ તત્ત્વજ્ઞાનમાં વિષયવસ્તુ, શૈલી તેમજ પદ્ધતિની વિવિધતા દર્શાવે છે. મ.બ.