ભારતીય કથાવિશ્વ૧/કોણ શ્રેષ્ઠ

Revision as of 13:34, 26 November 2021 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| કોણ શ્રેષ્ઠ? | }} {{Poem2Open}} એક વેળા બધી ઇન્દ્રિયોમાં કલહ થયો, બધ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


કોણ શ્રેષ્ઠ?

એક વેળા બધી ઇન્દ્રિયોમાં કલહ થયો, બધી કહેવા લાગી, ‘હું જ શ્રેષ્ઠ છું.’ આ પ્રશ્નનો ઉત્તર મેળવવા તે બ્રહ્મા પાસે ગઈ. પૂછ્યું, ‘અમારામાં શ્રેષ્ઠ કોણ?’ ‘તમારામાંથી જે નીકળી જાય અને શરીરે અમંગળ થવા માંડે તે શ્રેષ્ઠ.’ સૌથી પહેલાં તો વાણી નીકળી ગઈ. એક વર્ષ સુધી વાણી બહાર રહી અને પાછી આવી, બધી ઇન્દ્રિયોને પૂછ્યું, ‘તમે મારા વિના કેવી રીતે જીવ્યા?’ ‘જેવી રીતે મૂગા પુરુષો પાસે વાણી નથી હોતી છતાં તેઓના પ્રાણ ચાલે છે, તેઓ આંખોથી જુએ છે, કાનથી સાંભળે છે, વીર્યથી સંતાનને જન્મ આપે છે, તેવી રીતે અમે જીવતાં રહ્યાં.’ આ સાંભળી વાણીએ શરીરમાં પ્રવેશ કર્યો. હવે આંખો બહાર જતી રહી. એક વર્ષ બહાર રહીને પાછી આવી; બધાંને પૂછ્યું, ‘તમે મારા વિના કેવી રીતે જીવ્યા?’ ‘જેવી રીતે આંધળાઓ જોતા ન હોવા છતાં તેમના પ્રાણ ટકે છે, વાણીથી તેઓ બોલે છે, કાનથી સાંભળે છે, મનથી જાણે છે, વીર્યથી સંતાનને જન્મ આપે છે, તેવી રીતે અમે જીવતા રહ્યા.’ આ સાંભળી આંખોએ શરીરમાં પ્રવેશ કર્યો. હવે કાન બહાર નીકળી ગયા. એક વર્ષ બહાર રહીને પાછા આવ્યા, બધાંને પૂછ્યું, ‘તમે મારા વિના કેવી રીતે જીવ્યા?’ ‘જેવી રીતે બહેરાઓ સાંભળતા ન હોવા છતાં તેમના પ્રાણ ટકે છે, વાણીથી તેઓ બોલે છે, આંખોથી તેઓ જુએ છે, મનથી જાણે છે, વીર્યથી સંતાનને જન્મ આપે છે, તેવી રીતે અમે જીવ્યા.’ હવે મન નીકળી ગયું. એક વર્ષ બહાર રહીને તે પાછું આવ્યું. બધાંને પૂછ્યું, ‘તમે મારા વિના કેવી રીતે જીવ્યા?’ ‘જેવી રીતે બુદ્ધિ ન હોવા છતાં ગાંડા માણસોના પ્રાણ ટકે છે, તેઓ વાણીથી બોલે છે, આંખોથી જુએ છે, કાનથી સાંભળે છે, વીર્યથી સંતાનને જન્મ આપે છે તેમ અમે જીવ્યા.’ આ સાંભળી મન શરીરમાં પ્રવેશ્યું. હવે વીર્ય બહાર નીકળી ગયું. એક વર્ષ બહાર રહીને પાછું આવ્યું, ‘તમે મારા વિના કેવી રીતે જીવ્યા?’ ‘જેવી રીતે નપુંસક લોક વીર્યથી પ્રજાને જન્મ આપતા નથી છતાં તેમના પ્રાણ ટકે છે, તેઓ વાણીથી બોલે છે, આંખોથી જુએ છે, કાનથી સાંભળે છે, મનથી બધું જાણે છે, એવી રીતે અમે જીવ્યા.’ આ સાંભળી વીર્ય શરીરમાં પ્રવેશ્યું. હવે પ્રાણે બહાર જવા માંડ્યું, જેમ સિંધુ દેશનો ઘોડો પોતાને બાંધવાની ખીંટીઓ ઉખાડી નાખે છે તેમ બધી ઇન્દ્રિયો હાલમડોલમ થવા લાગી. તેમણે કહ્યું, ‘ભગવાન, તમે ન જાઓ. તમારા વિના અમે જીવી નહીં શકીએ.’ એટલે પ્રાણે કહ્યું, ‘ભલે, તો તમે મને બલિ આપતા રહો.’ ઇન્દ્રિયોએ હા પાડી.

(બૃહદ આરણ્યક ઉપનિષદ : અધ્યાય-૬, બ્રાહ્મણ ૧)