ભારતીયકથાવિશ્વ-૨

Revision as of 21:15, 26 November 2021 by Atulraval (talk | contribs)
B K Part 2-Title-1.jpg


ભારતીય કથાવિશ્વ : ૨

સંપાદક: શિરીષ પંચાલ


આ પુસ્તકમાં નીચેના બે-માંથી કોઈપણ એેક રસ્તે પ્રવેશી શકાશે : ૧. પુસ્તકની જેમ પાનાં ફેરવવા, ફ્લીપ કરવાની રીતે PDF આવૃત્તિ (version) પસંદ કરીને; કે ૨. યુનિકોડમાં નીચે થયેલી નવી ઑનલાઈન આવૃત્તિ પસંદ કરીને.


પ્રારંભિક



પ્રસ્તાવના


રામાયણની કથાઓ


રામાયણની કથાઓ

સગરકથા

પ્રાચીન કાળમાં અયોધ્યા નગરીમાં સગર નામે રાજા. વિદર્ભ રાજાની પુત્રી કેશિની સાથે સગરનું લગ્ન થયું અને તે પટરાણી બની. બીજી રાણી સુમતિ, તે અરિષ્ટનેમિની પુત્રી. સંતાનપ્રાપ્તિ માટે સગર રાજા બંને પત્નીઓની સાથે તપ કરવા ભૃગુ પ્રસવણ નામના પર્વત આગળ ગયા. સો વર્ષ તપ કર્યું એટલે ભૃગુ ઋષિ પ્રસન્ન થયા અને રાજાને વરદાન આપ્યું. ‘તને ઘણા પુત્રો થશે, તારી કીતિર્ ચોમેર ફેલાશે, તારી બે રાણીમાંથી એકને મહાન પુત્ર થશે અને બીજી રાણી સાઠ હજાર પુત્રોને જન્મ આપશે.’ હવે બંને રાણીઓને કુતૂહલ જન્મ્યું. કોને એક પુત્ર જન્મશે અને કોને સાઠ હજાર પુત્રો જન્મશે? એટલે ઋષિએ કહ્યું, ‘બોલો, તમારી ઇચ્છામાં આવે તેવું વરદાન માગો. એક પુત્ર વંશવૃદ્ધિ કરશે, અને સાઠ હજાર પુત્રો બળવાન હશે. પટરાણી કેશિનીએ તો એક જ પુત્ર માગ્યો, અને સુમતિએ સાઠ હજાર પુત્રો માગ્યા. ‘ભલે એમ થાઓ’ કહીને ઋષિએ વિદાય લીધી. કેશિનીએ અસમંજ નામના પુત્રને જન્મ આપ્યો. જ્યારે સુમતિએ પ્રસવેલા તુમડામાંથી સાઠ હજાર પુત્રો જન્મ્યા, ધીમે ધીમે બધા પુત્રો યુવાન થયા. અસમંજ નગરનાં નાનાં બાળકોને લઈને સરયૂકાંઠે જતો અને બાળકોને પાણીમાં ડૂબાડી દેતો. રાજાએ છેવટે દુઃખી થઈને તેને નગરબહાર કાઢી મૂક્યો. તેનો પુત્ર અંશુમાન. બધા લોકોને તે વહાલો થયો. થોડા સમય પછી સગર રાજાને યજ્ઞ કરવાની ઇચ્છા થઈ. હિમાલય અને વિંધ્યાચળ બંને પર્વત ખાસ્સા ઊંચા, તે બંનેની વચ્ચે આવેલા કોઈ પ્રદેશમાં યજ્ઞ કરવાની તૈયારી સગર રાજાએ તો કરી. યજ્ઞના અશ્વની રક્ષા અંશુમાન કરતો હતો. પણ ઇન્દ્રે રાક્ષસી સ્વરૂપ ધારણ કરીને યજ્ઞના પર્વણીદિને અશ્વનું હરણ કર્યું. બધા બ્રાહ્મણોએ યજ્ઞમાં વિઘ્ન ઊભું થયું એમ મનાવી અશ્વને શોધી કાઢવા રાજાને કહ્યું. એટલે રાજાએ પોતાના પુત્રોને બોલાવી પોતાના પુણ્યની રક્ષા માટે યજ્ઞનો ઘોડો લઈ આવવાની આજ્ઞા આપી. ‘એક એક યોજન ધરતી ખોદતા જજો અને ઠેઠ સમુદ્ર સુધી પહોંચી જજો.’ પિતાની આજ્ઞાનું પાલન કરવા સગરપુત્રો નીકળી પડ્યા, બધે ફરી વળ્યા તો પણ અશ્વ ન મળ્યો, તે ન જ મળ્યો. આ સગરપુત્રોએ ઝનૂની બનીને અનેક ઓજારો વડે વસુમતિ (ધરતી)ને ખોદી નાખી. એટલે નાગ, અસુરો અને રાક્ષસો સુધ્ધાં હેરાનપરેશાન થઈ ગયા. ધરતી ખોદી ખોદી તો કેટલી ખોદી? સાઠ હજાર યોજન ખોદી નાખી. આમ કરતાં કરતાં જંબુદ્વીપની ચારે બાજુ આ સાઠ હજાર રાજકુમારો ફરવા લાગ્યા. એટલે પછી આ ત્રાસ ન જિરવાતાં દેવો, ગંધર્વો, અસુરો, નાગલોકો — બધા જ ચિંતાતુર બનીને બ્રહ્મા પાસે જઈ પહોંચ્યા અને દેવની સ્તુતિ કરીને તેમણે કહ્યું, ‘સગરરાજાના પુત્રો ધરતી ખોદી રહ્યા છે અને એને કારણે બધાં પ્રાણીઓને ભારે હેરાનગતિ ભોગવવી પડે છે. તે રાજકુમારો તો જેને જુએ છે તેને યજ્ઞના અશ્વનો ચોર જ માને છે.’ સગરરાજાના પુત્રોના વર્તાવથી ભયભીત થઈ જનારા લોકોને બ્રહ્માએ કહ્યું, ‘આ સમગ્ર પૃથ્વી વાસુદેવની છે, તેઓ જ કપિલ મુનિરૂપે ધરાને ટકાવી રહ્યા છે. સગરપુત્રોનો વિનાશ થવાનો છે અને પ્રત્યેક કલ્પમાં પૃથ્વી ભેદાતી હોય છે.’ બ્રહ્માની વાત સાંભળીને તેત્રીસ દેવતાઓ હર્ષ પામીને પોતપોતાના નિવાસે ગયા. આટલી મહેનત કરવા છતાં સગર રાજાના પુત્રોને યજ્ઞનો અશ્વ ન મળ્યો એટલે પિતા પાસે પાછા ગયા, ‘અમે આખી ધરતી ખોદી નાખી અને પિશાચો, નાગ, કિન્નરોને ત્રાસ આપ્યો તો પણ અશ્વ લઈ જનારને અમે શોધી શક્યા નથી. તો હવે અમે શું કરીએ?’ તેમની આ વાત સાંભળીને સગર રાજાએ કહ્યું, ‘તમે ફરી પૃથ્વીને ખોદો, કોઈ પણ રીતે યજ્ઞનો અશ્વ શોધી જ કાઢો.’ પિતાની આજ્ઞાનું પાલન કરવા ફરી રાજપુત્રો ધરતીને ખોદતાં ખોદતાં રસાતલમાં જઈ પહોંચ્યા. ત્યાં પૃથ્વીને ધારણ કરનાર પર્વત જેવો વિરુપાક્ષ નામનો દિશાગજ (હાથી) જોયો. તે હાથી પર્વત અને વન સમેત આ પૃથ્વીને ધારણ કરતો હતો. તે જ્યારે પોતાનું માથું હલાવે છે ત્યારે ભૂમિ કાંપી ઊઠે છે. ત્યાં પણ કશું ન હતું એટલે મહાગજની પ્રદક્ષિણા કરીને રાજપુત્રો આગળ ગયા. પછી તેઓ દક્ષિણ દિશામાં ગયા. ત્યાં પણ બીજો ગજરાજ જોયો, તેની પ્રદક્ષિણા કરીને પશ્ચિમ દિશામાં ગયા, ત્યાં સૌમનસ નામના બીજા એક ગજરાજને તેમણે જોયો. પછી તેઓ ઉત્તર દિશામાં ગયા, ત્યાં હિમ પર્વત જેવા ભદ્ર નામના ગજને જોયો. એની પણ પ્રદક્ષિણા કરીને હવે સગરપુત્રો પૂર્વોત્તર દિશામાં ગયા. ત્યાં જઈને ક્રોધે ભરાઈને ધરતી ખોદવા લાગ્યા. ત્યાં તેમણે વાસુદેવના અવતાર જેવા કપિલ મુનિને જોયા. ત્યાં જ પાસે યજ્ઞનો અશ્વ પણ જોયો. આણે જ અશ્વનું હરણ કર્યું છે એમ માનીને તે મુનિ ઉપર આયુધો લઈને ધસી ગયા. ‘તેં જ અમારા અશ્વનું હરણ કર્યું છે, અમે સગર રાજાના પુત્રો છીએ.’ આ સાંભળીને કપિલ મુનિએ ક્રોધે ભરાઈને એક હુંકાર કર્યો અને એ એક જ હુંકારમાં સાઠ હજાર સગરપુત્રો ક્ષણવારમાં બળીને ભસ્મ થઈ ગયા. આ બાજુ સગર રાજા ચિંતામાં પડી ગયા, હજુ મારા પુત્રો આવ્યા કેમ નહીં એમ વિચારી તેજસ્વી પૌત્રને કહ્યું, ‘તું બળવાન છે, તો કોણ અશ્વને ચોરી ગયો છે તે શોધી કાઢ. તારા કાકાઓનું શું થયું તે પણ જાણી લાવ. તને અંતરાયરૂપ બને તેમનો નાશ કરજે અને પૂજવા યોગ્ય મળે તેની વંદના કરજે.’ આ સાંભળીને અંશુમાન આયુધો લઈને નીકળી પડ્યો. પોતાના સ્વજનોએ ખોદેલા માર્ગે તે આગળ વધ્યો અને પૂર્વ દિશાનો હાથી જોયો, તેની પૂજા કરીને પોતાના સ્વજનોના સમાચાર પૂછ્યા, ‘તું આગળ જા અને અશ્વને લઈને પાછો આવીશ.’ એમ કહ્યું એટલે અંશુમાને બધા જ ગજરાજોને જોયા, તેમની વંદના કરી, બધાએ એવી જ ધરપત આપી. અને છેવટે પોતાના કાકાનાં શરીરની જ્યાં રાખ હતી ત્યાં તે આવી ચઢ્યો. દુઃખી થઈને તે રુદન કરવા લાગ્યો, ત્યાં દૂર યજ્ઞના અશ્વને ચરતો જોયો. પછી અંતિમ સંસ્કાર કરવા પાણીની શોધમાં નીકળ્યો, પણ કયાંય પાણી ન મળ્યું. પણ પોતાના કાકાના મામા ગરુડને જોયા. એટલે તેની પાસે જઈને બધી વાત કહી. ગરુડે તેને કહ્યું, ‘કપિલ મુનિએ આ બધાને ભસ્મ કરી દીધા છે. તેમને માટે તું પાણીની શોધ કરી રહ્યો છે, પણ હિમાલયની મોટી પુત્રી વડે તું તેમની લોકોત્તર ક્રિયા કર. જો પતિતપાવની ગંગા અહીં આવશે તો આ સગરપુત્રોનો ઉદ્ધાર થશે અને તેઓ સ્વર્ગે જશે. એટલે તું સૌથી પહેલાં તો આ અશ્વને લઈ જા અને યજ્ઞ પૂરો કરાવ.’ ગરુડની વાત સાંભળીને બળવાન અંશુમાન અશ્વને લઈને રાજા પાસે ગયો અને ગરુડે જે પ્રમાણે કહ્યું હતું તે બધું સગરને કહી સંભળાવ્યું. આ ભયંકર સમાચાર સાંભળીને સગર તો દુઃખી દુઃખી થઈ ગયા, પણ છેવટે યજ્ઞવિધિ પૂરો કર્યો. ગંગાને ધરતી પર લાવવાનો વિચાર કર્યો પણ કોઈ રસ્તો મળ્યો નહીં, છેવટે તે ત્રીસ હજાર વર્ષ રાજ કરીને સ્વર્ગવાસી થયા. સગર રાજાના મૃત્યુ પછી અંશુમાન રાજા થયા. તેમને એક પુત્ર દિલીપ હતો. દિલીપ જ્યારે યુવાન થયો ત્યારે તેને રાજગાદી સોંપીને અંશુમાન તપ કરવા હિમાલય ગયા અને ગંગાને પ્રસન્ન કરવા તપ કર્યું. દિલીપ પણ ગંગાને સ્વર્ગમાંથી ધરતી પર લાવી ન શક્યા. તેમનો એક પુત્ર ભગીરથ. દિલીપ રાજાએ ત્રીસ હજાર વર્ષ સુધી રાજ્ય કર્યું, યજ્ઞો કર્યા અને છતાં પૂર્વજોનો ઉદ્ધાર ન કરી શક્યા તે ન જ કરી શક્યા, છેવટે ભગીરથને રાજગાદી સોંપી પણ તેને એકે પુત્ર ન હતો, એટલે પુત્રની ઇચ્છા ફળી નહીં, છેવટે ગોકર્ણ નામના તીર્થમાં જઈને હાથ ઊંચા કરીને તેણે પંચાગ્નિ તપ કરવા માંડ્યું. આમ તપ કરતાં કરતાં એક હજાર વર્ષ વીતી ગયાં, છેવટે બ્રહ્મા પ્રસન્ન થયા, બધા દેવતાઓની સાથે આવીને ભગીરથને કહ્યું, ‘બોલ શું જોઈએ છે?’ ત્યારે ભગીરથે કહ્યું, ‘જો તમે મારા પર પ્રસન્ન થયા હો અને વરદાન આપવા ઇચ્છતા હો તો મારા પૂર્વજોનો ઉદ્ધાર થાય એટલા માટે તેમનાં શરીરની રાખને ગંગાજળનો સ્પર્શ થાય. વળી મારે કોઈ પુત્ર નથી એટલે પુત્રનું વરદાન પણ આપો. એટલું જ નહીં, સમગ્ર ઇક્ષ્વાકુ વંશમાં કોઈ પુત્ર વિનાનો ન રહે.’ ભગીરથની વાણી સાંભળીને બ્રહ્માએ મધુર શબ્દોમાં કહ્યું, ‘તારું કલ્યાણ થાય. હિમાલયની મોટી પુત્રી ગંગા ધરતી પર અવતરશે પણ તેનો ભાર ઝીલશે કોણ? શંકર ભગવાન સિવાય કોઈ ન ઝીલી શકે એટલે હવે તું શંકર ભગવાન પાસે જા.’ પછી ગંગાને પણ ભગીરથનું કહ્યું કરવાની સૂચન કરી બ્રહ્માએ મરુત્ગણો સાથે વિદાય લીધી. હવે ભગીરથે તપ કરવા માંડ્યું, કેવું આકરું તપ! પોતાના પગના અંગૂઠા પર ઊભા રહીને, એક વરસ સુધી શંકર ભગવાનને પ્રસન્ન કરવા તપ આદર્યું. મહાદેવ તો બહુ જલદી પ્રસન્ન થઈ ગયા, અને ભગીરથને દર્શન આપી કહેવા લાગ્યા, ‘તારા તપથી પ્રસન્ન. એટલે શૈલરાજની પુત્રીને મારા મસ્તકે ધારણ કરીશ.’ પણ આકાશમાંથી ધરતી પર ગંગાએ ઊતરવા માંડ્યું ત્યારે તેણે વિચાર્યું, ‘વેગીલા પ્રવાહને ઝીલશે કેવી રીતે? હું તો શંકરને પણ તાણી જઈશ.’ હવે ગંગા નદીનો આ વિચાર મહાદેવ ન જાણે તો કોણ જાણે? તેમણે ગંગાનું અભિમાન ઓગાળવાનો નિશ્ચય કર્યો અને જેવી ગંગા તેમના મસ્તક પર પડી કે તરત જ પોતાની જટાઓમાં તેને જકડી લીધી. એવી જકડી એવી જકડી કે તે જટામાંથી બહાર નીકળી જ ન શકી. અનેક વર્ષો સુધી જટામાં ને જટામાં ઘૂમરાતી રહી. છેવટે ભગીરથ પર કૃપા કરવા ભગવાને ગંગાને બિન્દુસાર આગળ મુક્ત કરી. પછી તો ગંગાનો ધસમસતો પ્રવાહ આગળ ને આગળ જવા લાગ્યો. આ દૃશ્ય જોવા માટે દેવો, ઋષિઓ, ગંધર્વો, યક્ષો, સિદ્ધો અનેક વાહનોમાં બેસીને આવવા લાગ્યા. અને આ અદ્ભુત દૃશ્ય તેમણે જોયું. શંકર ભગવાનના મસ્તકમાંથી નીચે પડેલી ગંગાનું પાણી અતિ પવિત્ર માનીને બધા આનંદ પામ્યા અને ભગીરથની પાછળ પાછળ ગંગા નદી વહેવા લાગી, અને છેવટે ભગીરથ કપિલ મુનિના આશ્રમમાં ગંગાને લઈ આવ્યા, અને ભગીરથે ગંગાજળ વડે પોતાના પિતૃઓનો ઉદ્ધાર કર્યો, ગંગાનું નામ બ્રહ્માએ ભાગીરથી તથા ત્રિપથગા પાડ્યું. ભગીરથના પૂર્વજોએ ગંગાને સ્વર્ગમાંથી ધરતી પર લાવવાના અનેક પ્રયત્ન કર્યા, પરંતુ છેવટે ભગીરથનો પુરુષાર્થ જ સફળ થયો. (બાલકાંડ, ૩૯-૪૩) — સમીક્ષિત વાચના

તાટકાની કથા

વિશ્વામિત્ર ઋષિની સાથે રામ લક્ષ્મણ એક પછી એક સ્થળેથી પસાર થઈ રહ્યા છે. રસ્તામાં આવતા નદીસરોવર પર્વતનગર વિશે રામ જિજ્ઞાસાવશ વિશ્વામિત્ર ઋષિને પૂછી રહ્યા છે અને ઋષિ પણ બંને રાજકુમારોને માહિતી આપતા જાય છે. રામની જિજ્ઞાસાવૃત્તિ પ્રબળ છે, ઘોર અવાજ સંભળાય તો પૂછશે કે આ અવાજ શાનો છે, એટલે વિશ્વામિત્ર કહે છે, માનસરોવરમાંથી નીકળેલી સરયૂ નદી ગંગાને મળે ત્યારે ઘોર અવાજ થાય છે તે આ અવાજ છે. હવે ત્રણે જણ એક ભયાનક વનમાંથી પસાર થાય છે, આ વન તે કેવું ભયાનક? તમરાં, જાતજાતનાં પંખીઓ તો ખરાં જ, આ ઉપરાંત સિંહ, વાઘ, વરાહ, હાથી જોવા મળે અને વન હોય એટલે વૃક્ષો તો હોય જ. ધવ, સાગ, બીલી, પાટલ, અશ્વકર્ણ, બોરડી જેવાં વૃક્ષોનો પાર નહીં. વન વૃક્ષોથી શોભે અને આટલું સુંદર અને છતાં ભયાનક કેમ એવો પ્રશ્ન રામને થયો. કશી પણ શંકા થાય, જિજ્ઞાસા થાય એટલે રામ તરત જ વિશ્વામિત્રને પૂછવા બેસે, અને ઋષિ પણ બધી જ શંકાઓનું નિવારણ કરે. એટલે આ વનની ભયાનકતાનું કારણ વિશ્વામિત્ર કહેવા બેઠા. અને પછી કારણ કહેવું તો પૂરેપૂરું કહેવું અને એમ નિરાંતે ઋષિ આખો ઇતિહાસ કહેવા બેઠા. મલદ અને કારુષ નામના બે પ્રદેશો દેવોએ સર્જેલા હતા. ભૂતકાળમાં આ બંને પ્રદેશો ઘણી બધી રીતે સમૃદ્ધ, પણ ઇન્દ્રે વૃત્રાસુરનો વધ કર્યો, વૃત્રાસુર હતો બ્રાહ્મણ એટલે ઇન્દ્રને બ્રહ્મહત્યાનું પાપ લાગ્યું. સ્વર્ગના દેવરાજ પાપ અને ભૂખથી ગ્રસ્ત થયા. હવે? ઋષિમુનિઓને દયા આવી એટલે પવિત્ર પાણી વડે ઇન્દ્રને નવડાવ્યા. તેમના શરીરમાંથી મલ અને ક્ષુધા નીકળી ગયાં, અને બંને આ સ્થળે ફેલાઈ ગયાં. ઇન્દ્રે આ સ્થળો પર કૃપા કરી, ‘મારાં અનિષ્ટને તમે સ્વીકારી લીધું એટલે હવે તમે મલદ અને કારુષ નામે વિખ્યાત થશો, આ વિસ્તાર ધનધાન્યથી સમૃદ્ધ થશે.’ લાંબા સમય સુધી આ પ્રદેશોની સમૃદ્ધિ તો રહી, પણ પછી એક ભયંકર ઘટના બની. અહીં એક યક્ષિણી જોવા મળી, સુન્દ નામના એક વિદ્વાનની તે પત્ની, નામ તેનું તાટકા. બળવાન તો કેવી? હજાર હજાર હાથીનું બળ તેનામાં. તેને એક પુત્ર મારીચ. ઇન્દ્ર જેવો પરાક્રમી; માતા અને પુત્ર બંને ભેગા મળીને આ પ્રદેશોમાં ત્રાસ ગુજારે છે, એના ત્રાસને કારણે આ વન ભયાનક લાગે છે . હવે બીજા કોઈ ઋષિ હોત તો રામલક્ષ્મણને જુદા માર્ગે લઈ જાત; પણ વિશ્વામિત્ર પોતે કશાથી બીએ નહીં અને દશરથ પાસેથી આ બંને રાજકુમારોને લાવ્યા હતા શા માટે? રાક્ષસોનો નાશ કરવા. એટલે તાટકા જ્યાં હતી તે જ રસ્તે થઈને ઋષિ રામલક્ષ્મણને લઈ જાય છે. ‘એટલે હવે તમારા બાહુબળથી આ રાક્ષસીનો વધ કરો, રામ, તાટકાનો નાશ કરો, તો જ આ વન પહેલાં જેવું સમૃદ્ધ થશે.’ એમ વિશ્વામિત્રે તેમને કહ્યું, હવે રામે કોઈના મોઢે સાંભળ્યું હતું કે તાટકાનું બળ પહેલાં કંઈ આટલું ન હતું. તો પછી હજાર હાથીવાળું બળ તેનામાં આવ્યું ક્યાંથી? ફરી શંકા કરી એટલે વિશ્વામિત્ર ઋષિએ તેમની શંકાનું સમાધાન કર્યું. ભૂતકાળમાં સુકેતુ નામનો એક યક્ષ થઈ ગયો, તેને કોઈ સંતાન નહીં, એટલે સંતાન માટે તેણે બ્રહ્માનું તપ કરવા માંડ્યું. બ્રહ્મા પ્રસન્ન થયા અને ‘જા તને એક કન્યાનું વરદાન આપું છું’ તે કન્યા એટલે આ તાટકા. વળી પિતામહ બ્રહ્માએ આ કન્યાને હજાર હાથીનું બળ આપ્યું. સામાન્ય રીતે સ્ત્રીઓ આવી બળવાન ન હોય, રૂપવાન હોય-ગુણવાન હોય. પછી તો દિવસે દિવસે તે મોટી થઈ, યુવાન થઈ. પિતાએ એનું લગ્ન સુન્દ સાથે કરાવી આપ્યું. દિવસો વીત્યા અને તાટકાએ મારીચ નામના પુત્રને જન્મ આપ્યો. આ પુત્ર અગત્સ્ય ઋષિના શાપથી રાક્ષસ બની ગયો. તાટકાનો પતિ સુન્દ પણ ખૂબ જ ત્રાસ ગુજારતો હતો. અગત્સ્ય ઋષિના શાપથી તે મૃત્યુ પામ્યો. પોતાના પતિના મૃત્યુનું વેર લેવા માટે અગત્સ્ય ઋષિને મારી નાખવા તાટકા ધસી એટલે ઋષિએ માતાને અને પુત્રને શાપ આપ્યો. એ શાપને કારણે તાટકા વિકૃત સ્વરૂપવાળી, દારુણ રૂપવાળી બની ગઈ. પછી તો તાટકાને ક્રોધ આવ્યો, જે ક્રોધ આવ્યો, તેણે આ આખો પ્રદેશ વેરાન કરી નાખ્યો. ગાયોનું, બ્રાહ્મણોનું હિત કરવા માટે આ રાક્ષસીનો વધ કરો એવી આજ્ઞા વિશ્વામિત્રે રામને આપી. પણ તાટકા ભલે રાક્ષસી હોય, હતી તો સ્ત્રી ને! અને સ્ત્રીની હત્યા કેવી રીતે થાય? વિશ્વાંમિત્ર રામની આ દ્વિધા સમજી ગયા અને તે કહેવા લાગ્યા, ‘એ સ્ત્રી છે માટે તેનો વધ ન થાય એવું ન વિચારતા. સમગ્ર પ્રજાનું હિત જો સિદ્ધ થતું હોય તો સ્ત્રીનો પણ વધ કરવો જોઈએ. અને આ તાટકામાં ધર્મ જેવું તો કશું છે જ નહીં. ભૂતકાળમાં વિરોચનની પુત્રી મંથરાની હત્યા ઇન્દ્રે કરી હતી, વિષ્ણુએ પણ શુક્રાચાર્યની માતાનો વધ કર્યો જ હતો. બીજાઓએ પણ અધર્મી સ્ત્રીઓની હત્યા કરી જ હતી.’ આમ જુદાં જુદાં દૃષ્ટાન્ત આપી વિશ્વામિત્રે રામની દ્વિધા દૂર કરી. દશરથ રાજાએ પણ રામને વિશ્વામિત્રની આજ્ઞા માનવાની વાત કરી જ હતી. એટલે રામ તાટકાનો વધ કરવા તૈયાર થયા. અને ધનુષની પણછ ચડાવી ટંકાર કર્યો, એ અવાજ સાંભળી તાટકા રાક્ષસી ધસી આવી. એ રાક્ષસીનું ભયંકર રૂપ જોઈને રામ લક્ષ્મણ કહેવા લાગ્યા, ‘તું જો તો ખરો. આ કેવી ભયાનક છે.’ અને પછી અનેક બાણ મારીને રામે તાટકા રાક્ષસીનો વધ કર્યો. (બાલકાંડ ૨૩,૨૪)

કુશનાભ કન્યાઓની કથા

પ્રાચીન કાળમાં કુશ નામનો એક રાજા થઈ ગયો. આ ધર્મભીરુ રાજાની પત્ની વૈદર્ભી પણ એવા જ સ્વભાવની. તેણે ચાર પુત્રોને જન્મ આપ્યો. કુશાંબ, કુશનાભ, આધૂર્તરજસ અને વસુ. પુત્રો મોટા થયા એટલે રાજાએ તેમને ધર્માચરણ કરી પ્રજાપાલન કરવાની સૂચના આપી. દરેક પુત્રે જુદી જુદી નગરી વસાવી, કુશાંબે કૌશાંબી નગરી, કુશનાભે મહોદય નગરી, આધૂર્તરજસે ધર્મારણ્ય અને વસુએ ગિરિવ્રજ વસાવી. આ કથા પણ વિશ્વામિત્ર પાસેથી રામલક્ષ્મણને જાણવા મળે છે. ત્યાં મગધ દેશમાંથી વહી આવીને માગધી નામની નદી પાંચ પર્વતોની વચ્ચે સુંદર રીતે વહે છે. ઘૃતાચી નામની અપ્સરા પર કુશનાભ મોહી પડ્યો એટલે તેના દ્વારા સો કન્યાઓ જન્મી. સમય જતાં એ કન્યાઓ યુવાન થઈ, રૂપરૂપના અંબાર જેવી, અનેક અલંકારોથી શોભતી એ કન્યાઓમાં માત્ર આટલા જ ગુણ ન હતા, તે નૃત્ય-સંગીતમાં પણ બેનમૂન હતી. અને આવી કન્યાઓ તો દિવસે દીવો લઈને શોધવા જાઓ તો પણ આ ધરતી પર ભાગ્યે જ મળે. એક દિવસ આ કન્યાઓ ક્રીડા કરવા ઉદ્યાનમાં ગઈ. ત્યારે સ્વર્ગના વાયુદેવે આ રૂપવાન, ગુણવાન કન્યાઓને જોઈ અને તેઓ તો એમના પર મોહી જ પડ્યા. સ્વર્ગના દેવોને ધરતી પરની યુવતીઓ ભારે રોમાંચક લાગે છે. વાયુદેવે આ કન્યાઓને કહ્યું, ‘તમારા રૂપગુણથી હું આકર્ષાયો છું, તમે મારી પત્નીઓ બની જાઓ. તમે મનુષ્ય મટીને દેવ થઈ જશો, લાંબું આયુષ્ય મળશે.’ હવે સ્વર્ગના દેવની આવી લાલચને કોણ જતી કરે? પણ આ તો કુશનાભ જેવા ધામિર્ક રાજાની પુત્રીઓ હતી. તે કંઈ વાયુદેવની વાતોમાં ઓછી આવી જાય? તેઓ આ સાંભળીને હસી પડી, વાયુદેવ તો ભોંઠા પડી ગયા, દેવતાઓની કૃપાનો આદર કરનાર આ કન્યાઓ કેવી અભિમાની! આમ છતાં તે કન્યાઓ બોલી, ‘અમે તમારો પ્રભાવ ન જાણીએ એવું ઓછું છે? બધાં જ પ્રાણીઓ તમારા આશરે તો જીવે છે, તમે બધાનાં મનની વાત જાણો છો અને છતાં અમારાં મનની વાત ન જાણી? અને જાણવા છતાંય આવું દુસ્સાહસ કર્યું? અમે કોની પુત્રીઓ? અમે જો ધારીએ તો તમારાં પદપ્રતિષ્ઠા ધૂળમાં મળી જાય — પણ તેમ કરવા જઈએ તો અમારું તપ બળી જાય. અમે અમારા સત્યવાદી પિતાની આજ્ઞાંકિત પુત્રીઓ છીએ. અમે તેમની સંમતિ વિના સ્વયંવર કરી ન શકીએ. તેઓ જેની સાથે પરણાવશે તેમની સાથે અમે પરણીશું, બીજા કોઈને અમે પતિ નહીં બનાવીએ.’ સ્વર્ગના દેવો અભિમાની- આવો અનાદર તેઓ કેમ કરી વેઠી લે? એટલે કુશનાભ કન્યાઓની વાત સાંભળીને વાયુદેવના ક્રોધનો તો પાર ન રહ્યો. તેઓ એ કન્યાઓના એકેએક અંગમાં પ્રવેશ્યા અને બધાં અંગ ભાંગી નાખ્યાં. કુરૂપ થયેલી આવી કન્યાઓ રાજમહેલમાં ગઈ અને તેમને જોઈને રાજા તો દુઃખી દુઃખી થઈ ગયા. ‘અરે આ શું થઈ ગયું? આવો અધર્મ કોણે કર્યો? કોણે તમને કુબ્જા બનાવી દીધી?’ કુશનાભ રાજાની વાત સાંભળીને કન્યાઓએ પિતાને પ્રણામ કરી કહ્યું, ‘વાયુદેવે અમારી આવી સ્થિતિ કરી છે. ધર્મથી વિરુદ્ધ થઈને તે અમને વરવા માગતા હતા. અમે તો તેમને કહ્યું — અમે સ્વચ્છંદી નથી, અમારી સાથે લગ્ન કરવું હોય તો અમારા પિતા પાસે જઈને માગું કરો. જો તેઓ હા પાડશે તો અમારી હા.’ તેમની વાત સાંભળીને રાજા આનંદ પામ્યા, ‘તમે બહુ સારું કર્યું, તમે કુળની આબરુ સાચવી લીધી. તમે તેને ક્ષમા આપી એ જ મોટી વાત છે. ક્ષમા એ ગુણ તો સ્ત્રી અને પુરુષ બંનેમાં હોવો જોઈએ. ક્ષમાનો બહુ મોટો મહિમા છે.’ પછી કન્યાઓ પોતાના નિવાસમાં ગઈ અને રાજાએ મંત્રીઓ સાથે વિચારોની આપલે કરી. આ કન્યાઓના લગ્ન કોની સાથે કરવા જોઈએ એ વિશે પૂછ્યું? હવે એ સમયે ચૂલી નામના ઋષિ થઈ ગયા, તપસ્વી હતા, બ્રહ્મચારી હતા, ઊમિર્લા નામની એક ગંધર્વી, તેની પુત્રી સોમદા. આ પુત્રીએ ચૂલીની સેવા કરવા માંડી. તેની સેવાચાકરીથી ઋષિ પ્રસન્ન થયા અને બોલ્યા, ‘બોલ, તેં મને ખૂબ જ સંતુષ્ટ કર્યો છે, હવે હું તને શું આપું?’ તેમને પ્રસન્ન થયેલા જોઈ તેણે મધુર સ્વરે કહ્યું, ‘હું તમારા જેવો પુત્ર ઇચ્છું છું. મારું લગ્ન થયું નથી, અને હું લગ્ન કરવાની પણ નથી. તો તમે મારા પર કૃપા કરો.’ એટલે પ્રસન્ન થયેલા ઋષિએ તેને માનસપુત્ર આપ્યો, તેનું નામ બ્રહ્મદત્ત. કાંપિલી નગરીમાં તે સ્વર્ગના ઇન્દ્રની જેમ રાજ કરવા લાગ્યો. કુશનાભે તે જ વખતે નક્કી કરી લીધું કે મારી આ સો કન્યાનાં લગ્ન બ્રહ્મદત્ત સાથે જ કરીશ. એટલે બ્રહ્મદત્તને તેડાવીને પોતાની પુત્રીઓ તેની સાથે પરણાવી. બ્રહ્મદત્તના હાથનો સ્પર્શ થતાંવેંત તે કન્યાઓનો રોગ મટી ગયો. પછી પિતાએ પુત્રીઓને વળાવી. બ્રહ્મદત્તની માતા સોમદા પણ આ લગ્નથી બહુ રાજી થઈ. (બાલકાંડ, ૩૧-૩૨)

વિશ્વામિત્રકથા

(અગત્સ્ય, દુર્વાસા, વસિષ્ઠ, વિશ્વામિત્ર જેવા ઋષિઓ સ્થળકાળની સીમાઓને ગણકાર્યા વિના ભારતીય કથાસાહિત્યમાં દેખા દે છે. મોટા ભાગના ભારતીયો વિશ્વામિત્રનો સંબંધ રામલક્ષ્મણ સાથે અને મેનકા સાથે જોડે છે. જેવી રીતે મહાભારતમાં બૃહદશ્વ ઋષિ યુુધિષ્ઠિરને અનેક કથાઓ કહે છે એવી રીતે રામાયણમાં વિશ્વામિત્ર રામની જિજ્ઞાસા સંતોષવા કેટલીક કથાઓ કહે છે. આ વિશ્વામિત્ર કોણ હતા? તેમની કથા ગૌતમ-અહલ્યાના પુત્ર શતાનંદ રામલક્ષ્મણને કહી સંભળાવે છે.) વિશ્વામિત્ર ધર્માત્મા હતા, શત્રુઓ પર વિજય મેળવીને પ્રજાનું કલ્યાણ કર્યું હતું. કુશ નામે રાજા બ્રહ્માના પુત્ર હતા. તેમના પુત્ર ધર્મજ્ઞ કુશનાભ હતા. આ કુશનાભ રાજાને ગાધિ નામનો પુત્ર હતો. અને આ ગાધિના પુત્ર તે વિશ્વામિત્ર. અત્યંત તેજસ્વી વિશ્વામિત્રે હજારો વર્ષ રાજ્ય કરીને પૃથ્વીનું પાલન કર્યું હતું. રાજ્ય કેવું ચાલે છે તે જોવા માટે વિશ્વામિત્ર રાજા પોતાની વિરાટ સેના લઈને ધરતી પર ફરવા લાગ્યા. અનેક નગરો, પ્રદેશો, નદીઓ, પર્વતો વટાવીને તેઓ વસિષ્ઠ ઋષિના આશ્રમે જઈ પહોંચ્યા. તે આશ્રમમાં અનેક પુષ્પ, ફળવાળાં વૃક્ષો હતાં, અનેક પ્રાણીઓ હતાં, અને ત્યાં સિદ્ધપુરુષો, ચારણો પૂજાપાઠ કરતા હતા. દેવ-દાનવ-ગંધર્વ-કિન્નર વગેરેથી તે આશ્રમ સોહી ઊઠતો હતો. હરણો શાંતિથી ફરતાં હતાં, પક્ષીઓનાં સમૂહ ત્યાં હતા. તપ કરી રહેલા, અગ્નિ જેવા તેજસ્વી બ્રહ્મર્ષિઓ, દેવર્ષિઓથી આશ્રમ શોભતો હતો. જળ, વાયુ, ખરેલાં પર્ણ, ફળમૂળ ખાનારા, જિતેન્દ્રિય એવા વાલખિલ્ય ઋષિઓ જપહોમ કરતા હતા. વસિષ્ઠ ઋષિનો આશ્રમ જાણે બીજો બ્રહ્મલોક. મહાબળવાન વિશ્વામિત્ર રાજા એવા આશ્રમને જોઈ આનંદ પામ્યા. જપ કરી રહેલા વસિષ્ઠ ઋષિને જોઈ વિશ્વામિત્રે તેમને પ્રણામ કર્યા. વસિષ્ઠ ઋષિએ પણ વિશ્વામિત્રનું સ્વાગત ઉષ્માથી કર્યું અને બેસવા આસન ચીંધ્યું. રૂઢિ પ્રમાણે ફળફૂલથી વિશ્વામિત્ર રાજાનો સત્કાર થયો. એ ગ્રહણ કરીને વિશ્વામિત્રે વસિષ્ઠ ઋષિને તપ, અગ્નિહોત્ર, શિષ્યગણ, ઝાડપાન વિશે પૂછ્યું. વસિષ્ઠે બધાની કુશળતા જણાવી વિશ્વામિત્ર રાજાને પૂછ્યું, ‘તમે કુશળ છો ને! ધર્મપૂર્વક પ્રજાપાલન કરો છો ને! નોકરચાકરો તમારું રાજકાજ સારી રીતે ચાલે તેમાં મદદરૂપ થાય છે ને? તમારા પુત્રો, પૌત્રો, મિત્રો કુશળ છે ને? તમારો રાજકોશ તો ભરેલો છે ને?’ વિશ્વામિત્રે બધાની કુશળતા જણાવી. બંનેએ અરસપરસ કેટલોક વાર્તાલાપ કર્યો અને બંને રાજી થયા. પછી વસિષ્ઠ ઋષિએ વિશ્વામિત્રને કહ્યું, ‘હું તમારા સૌનું સ્વાગત કરવા ઇચ્છું છું. તમારા જેવા શ્રેષ્ઠ અતિથિ તો પૂજનીય ગણાય.’ ‘તમારી વાણીથી જ સ્વાગત થઈ ગયું. વળી તમે ફળમૂળ, પાદ્ય વગેરેથી સ્વાગત કર્યું જ છે. તમારા દર્શનનો લાભ પણ મળ્યો છે. હવે હું જઈશ. મને આજ્ઞા આપો.’ રાજાની વાત સાંભળીને વસિષ્ઠે ફરી ફરી સત્કાર કરવાની વાત કરી એટલે છેવટે વિશ્વામિત્રે તેમની વાત સ્વીકારીને ‘હવે તમને જે યોગ્ય લાગે તે કરો.’ વસિષ્ઠ ઋષિએ પછી પોતાની શબલા ગાયને બોલાવી કહ્યું, ‘મારી વાત સાંભળ. હું વિશ્વામિત્ર રાજાનો ભારે સત્કાર કરવા માગું છું. દરેકની ઇચ્છા સંતોષાય એ રીતે ખટરસની વાનગીઓ તૈયાર કર. બધાને રસ, પાન, લેહ્ય, ચોષ્ય વાનગીઓ મળી રહે તે જોજે.’ તેમની વાત સાંભળીને શબલાએ બધાને મનગમતી વાનગીઓ તૈયાર કરવા માંડી. શેરડીનો રસ, મધ, મૈરેય, ગરમાગરમ ભાત, અનેક પીણાં, દહીંની વાનગીઓ, અનેક મીઠા પદાર્થો વગેરેથી પાત્રો છલકાવી દીધાં. પછી વિશ્વામિત્રને, બ્રાહ્મણો, પુરોહિતો, અમાત્યો, મંત્રીઓ, નોકરચાકર: બધાને ભોજન વડે તૃપ્ત કરી દીધા. વિશ્વામિત્રને આ ઘટનાની બહુ નવાઈ લાગી. તેમણે ગુપ્ત રીતે તપાસ કરાવી તો જાણવા મળ્યું કે આ બધું શબલા ગાયને કારણે બન્યું હતું. પછી વિશ્વામિત્રે વસિષ્ઠ ઋષિને કહ્યું, ‘તમે મને શબલા આપો, એના બદલામાં લાખ ગાયો આપું, આ ગાય તો રત્ન છે રત્ન.’ આ સાંભળી વસિષ્ઠ ઋષિએ વિશ્વામિત્ર રાજાને કહ્યું, ‘તમે મને લાખ ગાય આપવાનું કહો છો પણ હું કરોડ ગાયના બદલામાં પણ શબલા નહીં આપી શકું. સોનુંરૂપું આપો તો પણ નહીં. હું તેનો ત્યાગ કરી શકું નહીં. એના વડે જ હું હવ્ય, કવ્ય, બલિ, હોમ કરી શકું છું. બધા જ પ્રકારના યજ્ઞો એના વડે જ શક્ય છે. મને બધી રીતે તે સંતોષ આપનારી છે. એટલે હું ગાય તો નહીં આપું.’ આ સાંભળી વિશ્વામિત્રે વસિષ્ઠને કહ્યું, ‘હું તમને સુવર્ણઘંટાઓ આપંુ, અનેક રથ આપું, ચૌદેક હજાર હાથી, ઉચ્ચ જાતિના અગિયાર હજાર ઘોડા આપું, કરોડ ગાય આપું.’ આ સાંભળ્યા પછી પણ વસિષ્ઠે કહ્યું, ‘હું કોઈ પણ રીતે, શબલા નહિ આપી શકું. એ જ મારું રત્ન, મારું ધન — જે કહો તે એ જ છે. મારું સર્વસ્વ છે, શબલા મારું જીવન છે. મારા યજ્ઞયાગાદિ એના વડે જ થાય છે. વધુ તો હું તમને શું કહું? તે મારી કામદોહિની છે.’ વસિષ્ઠ મુનિએ શબલા ન આપી એટલે વિશ્વામિત્રે જોરજુલમ કરીને પણ તેને લઈ જવા માંડી. એટલે દુઃખી, શોકગ્રસ્ત શબલા ‘શું વસિષ્ઠ ઋષિએ મને ત્યજી દીધી છે એટલે આ લોકો મને બળજબરીથી લઈ જઈ રહ્યા છે? મેં આ ઋષિનો એવો તે કયો અપરાધ કર્યો છે?’ આમ વિચારીને નોકરોના પંજામાંથી છૂટી જઈને તે ઝડપથી વસિષ્ઠ ઋષિ પાસે દોડી ગઈ. રડતી, બરાડતી તે વસિષ્ઠ ઋષિને કહેવા લાગી, ‘ભગવન્, તમે મને શા માટે ત્યજી દો છો? આ સેવકો મને શા માટે ખેંચી જાય છે?’ શોકગ્રસ્ત દુઃખી અને બહેન જેવી શબલાની વાત સાંભળીને વસિષ્ઠ ઋષિએ કહ્યું, ‘હું તારો ત્યાગ નથી કરતો. આ બળવાન રાજા તને બળજબરીથી મારી પાસેથી લઈ જાય છે, રાજાની સરખામણીમાં હું નિર્બળ છું. વિશ્વામિત્ર પૃથ્વીનું ભરણપોષણ કરનારા રાજા છે, વિરાટ સેના તેમની પાસે છે, હાથીઘોડા રથ તેમની પાસે છે.’ વસિષ્ઠની આ વાત સાંભળીને શબલાએ કહ્યું, ‘ક્ષત્રિયોના બળ કરતાં બ્રાહ્મણોનું બળ વધારે જ હોય, વિશ્વામિત્ર મહાપરાક્રમી છે પણ તમારા જેટલા નહીં. તમારા બ્રહ્મતેજને તે સહન કરી નહીં શકે. જો તમે વિશ્વામિત્રને શિક્ષા કરી શકતા ન હો તો મને આજ્ઞા આપો. હું તેમના બળ, અભિમાનને ધૂળમાં મેળવી દઈશ.’ શબલાની વાત સાંભળી વસિષ્ઠ ઋષિએ તેને સંમતિ આપી. શબલાએ હંભારવ કર્યો એટલે સેંકડો પહ્લવો પ્રગટ્યા અને તેમણે વિશ્વામિત્ર રાજાના દેખતાં જ તેમની સેનાનો વિધ્વંસ કરવા માંડ્યો. એ જોઈને રાજા ભયંકર ક્રોધે ભરાયા, તેમની આંખો પહોળી થઈ ગઈ. પોતાનાં શસ્ત્રો વડે પહ્લવોનો નાશ કરવા માંડ્યો, પહ્લવોનો નાશ થતો જોઈ શબલાએ ફરી હુંકાર કર્યો; એટલે શક, યવન જેવા મહા પરાક્રમી પ્રગટ્યા, તે સૈનિકો કાંચનવર્ણા, અગ્નિ જેવા હતા. ફરી વિશ્વામિત્રે શસ્ત્રો ઉગામ્યાં. એને કારણે શબલાના સૈનિકો આકુળવ્યાકુળ થઈ ગયા, એ જોઈને વસિષ્ઠ ઋષિએ શબલાને કહ્યું, ‘તંુ ફરી તારી યોગવિદ્યાથી બીજી સેના ઊભી કર.’ એટલે શબલાએ ફરી હુંકાર કરીને અનેક સૈનિકો પ્રગટાવ્યા. તેના શરીરના અંગેઅંગમાંથી નવા નવા બળવાન સૈનિકો પ્રગટ્યા. તેમણે તરત જ આ જોઈને વિશ્વામિત્ર રાજાની બધા જ પ્રકારની સેનાનો નાશ કરી નાખ્યો. આ જોઈને વિશ્વામિત્રના સો પુત્રો ક્રોધે ભરાયા અને વસિષ્ઠ ઋષિ પાસે ધસી ગયા. ઋષિએ પણ ઘડીવારમાં હુંકાર કરીને બધાને ઘોડા, રથ સહિત ભસ્મ કરી દીધા. આમ સેનાનો અને પુત્રોનો વિનાશ જોઈને વિશ્વામિત્ર રાજા હેબતાઈ ગયા. તેમના હર્ષ, ઉત્સાહના ચૂરેચૂરા થઈ ગયા. પોતાના એક પુત્રને રાજગાદીએ બેસાડી મહાદેવને પ્રસન્ન કરવા તપ કરવા માંડ્યું. કેટલોક સમય વીત્યો એટલે વિશ્વામિત્રને મહાદેવે દર્શન આપ્યાં. ‘શા માટે રાજા, તમે તપ કરી રહ્યા છો? તમારી ઇચ્છા હોય તે વરદાન માગી લો.’ ભગવાનની આ વાત સાંભળીને વિશ્વામિત્ર ઋષિ બોલ્યા, ‘જો તમે મારા પર પ્રસન્ન થયા હો તો અંગ, ઉપાંગ સહિત મને ધનુર્વેદ આપો. દેવોના, દાનવોના, ગંધર્વો, યક્ષો, રાક્ષસોનાં શસ્ત્રો આપો. તો હું તુષ્ટ થઈશ.’ ભગવાને તથાસ્તુ કહ્યું, આ શસ્ત્રો મેળવીને રાજા વિશ્વામિત્ર અહંકારી થયા. પર્વના દિવસે સમુદ્રમાં ભરતી આવે તેમ હવે બળ મેળવીને વસિષ્ઠ ઋષિને પરાજિત કરવાનો વિચાર રાજાને આવ્યો. એટલે બીજો કશો વિચાર કર્યા વિના વિશ્વામિત્ર વસિષ્ઠ ઋષિના આશ્રમે પહોંચી ગયા અને અસ્ત્રો વડે ઋષિનો આશ્રમ બાળ્યો. એનાથી ડરીને બીજા ઋષિઓ ત્યાંથી નાસવા લાગ્યા. વસિષ્ઠના શિષ્યો, મૃગો, પક્ષીઓ પણ ભય પામીને ચારે બાજુ નાસવા લાગ્યા. વસિષ્ઠ ઋષિએ બધાને ધીરજ બંધાવી. ‘જેવી રીતે ભાસ્કર (સૂર્ય) ઝાકળનો નાશ કરે છે તેવી રીતે હું હમણાં જ રાજાને હંફાવીશ.’ એમ કહીને વસિષ્ઠ ઋષિએ વિશ્વામિત્ર રાજાને કહ્યું, ‘તમે દુરાચારી છો, મૂઢ છો. મેં આ આશ્રમની પાછળ કેટલો બધો સમય આપ્યો ત્યારે તે આવો રળિયામણો થયો હતો, હવે તમે મારી સામે ટકી નહીં શકો.’ આમ કહીને ખૂબ જ ક્રોધે ભરાયેલા વસિષ્ઠ ઋષિ હાથમાં દંડ લઈને ઊભા રહી ગયા. વસિષ્ઠની વાત સાંભળીને મહા બળવાન વિશ્વામિત્ર અગ્ન્યાસ્ત્ર ચઢાવીને બોલ્યા, ‘વસિષ્ઠ, ઊભા રહો, ઊભા રહો.’ વસિષ્ઠ પણ ક્રોધે ભરાઈને બોલ્યા, ‘હું આ ઊભો. તમારામાં જેટલું બળ હોય એટલું દેખાડો. હે ગાધિપુત્ર, શસ્ત્રો પામીને તમને અભિમાન આવી ગયું છે.’ વિશ્વામિત્રે અગ્ન્યાસ્ત્ર ફેંક્યું. પણ પાણી વડે જેમ આગ ઓલવાઈ જાય તેમ એ અસ્ત્ર શાંત થઈ ગયું. પછી વિશ્વામિત્રે અનેક પ્રકારનાં શસ્ત્ર ઉગામ્યાં, પણ એ બધાં જ શસ્ત્ર વસિષ્ઠે નિવાર્યાં, છેવટે હતાશ થઈને ધનુષ પર બ્રહ્માસ્ત્ર ચઢાવ્યું, ત્રણે લોક એથી ભય પામ્યા. પણ વસિષ્ઠ ઋષિએ પોતાના બ્રહ્મદંડ વડે તે બ્રહ્માસ્ત્રને પણ શાંત કરી દીધું. તે અસ્ત્ર ઋષિમાં જ સમાઈ ગયું. તેમની કાયામાંથી જાણે અગ્નિના સ્ફુલ્લંગોિ પ્રગટવા લાગ્યા. બધાએ વસિષ્ઠ ઋષિની સ્તુતિ કરી. પછી વિશ્વામિત્રે નિ:શ્વાસ નાખ્યો, ‘ક્ષત્રિયબળને ધિક્કાર છે. એક જ બ્રહ્મદંડ વડે મારાં બધાં અસ્ત્ર નિષ્ફળ થઈ ગયાં. એટલે હવે હું બ્રહ્મબળ મેળવવા તપ કરીશ.’ વિશ્વામિત્ર રાજાનું મન ભારે અસ્વસ્થ થઈ ગયું, પોતાના પરાજયનો ઘા તેમને વસમો લાગ્યો. પછી પોતાની પત્નીને લઈને દક્ષિણ દિશામાં જઈને તપ કરવાનો તેમણે નિર્ધાર કર્યો. ત્યાં ફળાહાર કરીને તેમણે ઘોર તપ આરંભ્યું. ત્યાં તેમને હવિષ્પંદ, મધુષ્પંદ, નેત્ર, મહારથ નામના ચાર પુત્ર થયા. તે બધા ધર્મજ્ઞ હતા. તેમણે હજાર વર્ષ સુધી તપ કર્યું. આ તપને કારણે બ્રહ્મા પ્રસન્ન થયા અને તપોધન વિશ્વામિત્રને તેમણે કહ્યું, ‘તમે ઘોર તપ કરીને રાજષિર્ લોકને જીતી લીધો છે. હવે અમે તમને રાજષિર્ તરીકે ઓળખીશું.’ પછી બ્રહ્મા તો ત્યાંથી ગયા પણ વિશ્વામિત્ર ઝંખવાઈ ગયા. ‘આટલા ઘોર તપ પછી પણ હું માત્ર રાજષિર્ જ થયો. બ્રહ્મર્ષિપદ માટે મારે ફરી તપ કરવું પડશે.’ એટલે રાજાએ ફરી તપ કરવા માંડ્યું. એ સમયે ઇક્ષ્વાકુ કુલના એક રાજા હતા. નામ તેમનું ત્રિશંકુ. તે સત્યનિષ્ઠ અને ધર્મજ્ઞ હતા. તેમને ઇચ્છા થઈ કે હું યજ્ઞ કરીને સદેહે સ્વર્ગમાં જઉં. તેમણે પોતાના ગુુરુ વસિષ્ઠને પોતાની ઇચ્છા જણાવી. વસિષ્ઠ ઋષિએ એ અશક્ય છે એમ કહી ના પાડી. વસિષ્ઠના નકાર પછી ત્રિશંકુ નિરાશ થઈને દક્ષિણ દિશામાં ગયા. ત્યાં સો વસિષ્ઠપુત્રો ભારે તપ કરી રહ્યા હતા. તેમના દર્શન કર્યા પછી રાજાએ પ્રણામ કરીને કહ્યું, ‘હું તમારા શરણે છું. વસિષ્ઠ ઋષિ પાસે જઈને મેં યજ્ઞ કરવાની ઇચ્છા પ્રગટ કરી, મારે સદેહે સ્વર્ગે જવું છે, પણ ગુરુએ મને ના પાડી. હવે તમે મારું કામ કરો. તમે ગુુરુપુત્રો જ મારું આ કાર્ય કરી શકશો.’ હવે જો વસિષ્ઠ ઋષિએ જે યજ્ઞ કરાવવાની ના પાડી હોય તે યજ્ઞ તેમના પુત્રો કેવી રીતે કરાવી શકે? ‘તમને અમારા પિતાને ના પાડી છતાં તમે અહીં આવ્યા? અમે પણ આ યજ્ઞકાર્ય ન જ કરાવી શકીએ. અમારા પિતા તો યજ્ઞ વડે ત્રિલોકપ્રાપ્તિ પણ કરાવી શકે, પણ જો તેમણે ના પાડી હોય તો આ કાર્ય ન જ થઈ શકે.’ વસિષ્ઠપુત્રોનું આ ક્રોધભર્યું વચન સાંભળીને ત્રિશંકુએ કહ્યું, ‘જો વસિષ્ઠ મુનિ અને તમે પણ ના પાડતા હો તો મારે કોઈ બીજા પુરોહિત પાસે જવું પડશે.’ આ સાંભળીને ઋષિપુત્રોએ ક્રોધે ભરાઈને રાજાને ચાંડાળ થઈ જવાનો શાપ આપ્યો. રાત્રિ પૂરી થઈ એટલે ત્રિશંકુ ચાંડાળ થઈ ગયા. તેમનું શરીર કાળું પડી ગયું, કેશ ઝાંખા થયા, આભરણો લોખંડનાં થઈ ગયાં. તેમને જોઈને બધા લોકો તેમનાથી દૂર થઈ ગયા. છતાં ત્રિશંકુએ પોતાની ઇચ્છા ટકાવી રાખી. એમ કરતાં કરતાં રાજા વિશ્વામિત્ર ઋષિ પાસે જઈ ચઢ્યા. ચાંડાળ બનેલા રાજા પર વિશ્વામિત્રને દયા આવી. ‘તમારા આગમનનું કારણ જણાવો.’ એટલે ત્રિશંકુ રાજાએ વિશ્વામિત્રને બધી વાત માંડીને કરી. ‘હું કદી અસત્ય બોલ્યો નથી. મેં ઘણા યજ્ઞ કર્યા છે. ધર્માનુસાર પ્રજાનું પાલન કર્યું છે. સત્કાર્યો વડે બધાને સંતોષ આપ્યો છે. અત્યારે પણ ધર્મ પ્રમાણે ચાલું છું. મારી ઇચ્છા સદેહે સ્વર્ગે જવાની છે. હવે મને લાગે છે કે પુરુષાર્થ નહીં, દૈવ જ બળવાન છે. બધા દૈવથી જીવે છે, મારા માટે હવે કોઈ માર્ગ નથી. મારી નિયતિને પુરુષાર્થ વડે પલટી નાખો.’ રાજાની આ વાત સાંભળીને વિશ્વામિત્રને તેમના પર દયા આવી, ‘ઇક્ષ્વાકુ વંશમાં જન્મેલા હે રાજા, તમે ધર્મજ્ઞ છો તે હું જાણું છું. તમે કશો ભય રાખતા નહીં. હું તમને સ્વીકારું છું. હું બધા પુણ્યશાળી ઋષિઓને બોલાવીશ, તેઓ મને તમારા માટેના યજ્ઞમાં મદદ કરશે. ગુરુપુત્રોના શાપથી તમારું રૂપ વિકૃત થયું છે, એ જ રૂપે તમે સ્વર્ગે જશો. હવે તમે માની જ લો કે સ્વર્ગ મળી ગયું છે. તમે કુશિક કુળને શરણે આવ્યા છો ને!’ એમ કહીને વિશ્વામિત્રે પોતાના, ધામિર્ક પુત્રોને યજ્ઞની તૈયારી કરવા કહ્યું, બધા શિષ્યોને બોલાવીને કહ્યું, ‘તમે બધા ઋષિઓ પાસે મારા કહેવાથી જાઓ, બધાને બોલાવો. આ આમંત્રણ જાણીને જે કંઈ પ્રતિભાવ કોઈ આપે તો તમારે મને કહી દેવા.’ વિશ્વામિત્રની આજ્ઞાથી બધા શિષ્યો ચારે દિશામાં ગયા. પછી બધા ઋષિઓ ત્યાં આવવા લાગ્યા. શિષ્યોએ પાછા આવીને વિશ્વામિત્રને બધી વાત કહી.‘અમે વસિષ્ઠપુત્રોને પણ મળ્યા. તેમણે કહ્યું, ‘યજ્ઞ કરાવનાર ક્ષત્રિય, ચાંડાળ માટે યજ્ઞ થાય. એમાં હવિભાગ લેવા દેવો આવશે કેવી રીતે? ચાંડાળનું ભોજન બ્રાહ્મણો કેવી રીતે કરશે?’ આ સાંભળીને વિશ્વામિત્રની આંખો લાલચોળ થઈ ગઈ. ‘તેઓ મને દોષ આપે છે. તેઓ બળીને ભસ્મ થઈ જશે. પછી તેઓ યમલોક જશે. પછી સાતસો જનમ સુધી કૂતરાનું માંસ ખાનારા તેઓ યમલોક જશે. ચાંડાળ થશે. દુર્બુદ્ધિ મહોદય ઋષિની પણ એવી જ હાલત થશે. તે નિષાદ થશે.’ વસિષ્ઠપુત્રોને અને મહોદયને શાપ આપીને પછી વિશ્વામિત્ર બોલ્યા, ‘ઇક્ષ્વાકુ વંશના આ ત્રિશંકુ રાજા ધર્મજ્ઞ છે, તે મારે શરણે આવ્યા છે. તે સદેહે સ્વર્ગે જવા માગે છે. એટલે તેમના માટે તમે મારી સાથે યજ્ઞ કરો.’ વિશ્વામિત્રની વાત સાંભળીને બધા અંદરઅંદર બોલ્યા, ‘કુશિક વંશમાં જન્મેલા આ ઋષિ મહાક્રોધી છે. તેમની વાત નહીં માનીએ તો શાપ આપશે એટલે તે કહે તેમ કરીએ. આપણે યજ્ઞ કરીએ.’ અને યજ્ઞ શરૂ થયો, વિશ્વાંમિત્ર મુખ્ય કર્તા બન્યા, બીજા ઋષિઓ ઋત્વિજ બન્યા. પછી થોડા સમયે હવિભાગ માટે વિશ્વામિત્રે દેવોને આમંત્ર્યા. પણ એકેય દેવ ત્યાં આવ્યા નહીં. એટલે વિશ્વામિત્ર ઋષિ ક્રોધે ભરાયા, પોતાના હાથમાં સુરવો રાખીને ત્રિશંકુને કહેવા લાગ્યા, ‘હવે જોજો, મારું તપોબળ. તમને હું સ્વર્ગે મોકલું છું. મેં જે કંઈ તપ કર્યું છે તેનું કશું પણ ફળ હોય તો તમે સ્વર્ગે જશો.’ મુનિની આ વાત સાંભળીને બધા ઋષિમુનિઓના દેખતાં ત્રિશંકુ સ્વર્ગે ગયા. તેમને સ્વર્ગમાં આવેલા જોઈ ઇન્દ્રે અને બીજા દેવોએ કહ્યું, ‘ત્રિશંકુ, સ્વર્ગ તમારે માટે નથી. તમે પૃથ્વી પર પાછા જાઓ.’ એટલે ત્રિશંકુ સ્વર્ગમાંથી નીચે પડવા લાગ્યા. ત્રિશંકુએ વિશ્વામિત્રને પોકાર્યા. એટલે ઋષિએ કહ્યું, ‘ઊભા રહો, ઊભા રહો.’ પછી વિશ્વામિત્રે પોતે બીજા બ્રહ્મા હોય તેમ નવું સ્વર્ગ રચવાનો સંકલ્પ કરી બેઠા. દક્ષિણ દિશામાં તેમણે સપ્તષિર્મંડળ ઊભું કર્યું. એટલું જ નહીં, તે બોલ્યા, ‘બીજો ઇન્દ્ર પણ જન્માવીશ અથવા ભલે સ્વર્ગ ઇન્દ્ર વિનાનું થઈ જાય. એટલે બધા ઋષિઓ, દેવો ભય પામ્યા અને વિશ્વામિત્રને કહેવા લાગ્યા, ‘આ રાજા ગુરુના શાપથી ચાંડાળપણું પામ્યો છે, તે સદેહે સ્વર્ગે ન જઈ શકે.’ દેવોની વાત સાંભળીને વિશ્વામિત્ર બોલ્યા, ‘મેં ત્રિશંકુ રાજાને સ્વર્ગે મોકલવાની પ્રતિજ્ઞા કરી છે તે મિથ્યા ન થવી જોઈએ. આ નક્ષત્રો, ધુ્રવ વગેરે પણ મેં સર્જ્યાં છે.’ આ સાંભળી દેવતાઓ બોલ્યા,‘ ભલે. તમે સર્જેલું આ નવું જગત આકાશમાં બીજી જગ્યાએ રહેશે, ત્રિશંકુ પણ અવળા મસ્તકે તેજસ્વી થઈને રહેશે.’ આમ વિશ્વામિત્રે ત્રિશંકુને સ્વર્ગે મોકલ્યા. પછી બધા પોતપોતાના સ્થાને ગયા.

(ત્રિશંકુને સ્વર્ગે મોકલ્યા પછી વિશ્વામિત્ર ઋષિએ પોતે અને બીજાઓ પાસે સ્થળાંતર કરાવ્યું. સમીક્ષિત વાચનામાં હરિશ્ચંદ્ર — રોહિતની કથા નથી. એ કથા તો ઐતરેય બ્રાહ્મણમાં છે, એ વાત ભાગ ૧માં જોવા મળશે. અહીં અંબરીષ રાજાની વાત છે.)

એ સમયે અયોધ્યા નગરીમાં અંબરીષ નામના રાજા થઈ ગયા. તે રાજા એક વાર યજ્ઞ કરી રહ્યા હતા ત્યારે તે યજ્ઞના પશુનું અપહરણ ઇન્દ્ર કરી ગયા. એટલે બ્રાહ્મણોએ રાજાને કહ્યું, ‘કાં તો તમારા કારણે કાં તો તમારા સેવકોની બેદરકારીને કારણે યજ્ઞપશુ ખોવાઈ ગયો છે. એ બહુ મોટો દોષ ગણાય. એટલે હવે તેનું પ્રાયશ્ચિત્ત તમારે કરવું પડશે. કાં તો તમે યજ્ઞપશુને શોધી લાવો કાં તો કોઈ નરપશુ લઈ આવો.’ બ્રાહ્મણોની વાત સાંભળીને અંબરીષ રાજાએ હજારો ગાયો આપીને પણ કોઈ નરપશુ લાવવાનો નિર્ધાર કર્યો. જુદા જુદા દેશ, જનપદ, વન, આશ્રમોમાં એ રાજાએ પુષ્કળ શોધ ચલાવી. ભૃગુતુંગ નામના પર્વતશિખરે ઋચીક નામના ઋષિ રહેતા હતા. તેમની પાસે જઈને તેજસ્વી રાજાએ પ્રણામ કરીને કહ્યું, ‘હું તમને એક લાખ ગાય આપંુ, તમે તમારો એક પુત્ર મને યજ્ઞપશુ તરીકે આપો. મારો યજ્ઞપશુ ખોવાઈ ગયો છે, મેં તેની શોધ બહુ કરી પણ હું નિરાશ થયો.’ આ સાંભળીને ઋષિએ કહ્યું, ‘હું મારો સૌથી મોટો પુત્ર આપી ન શકું.’ ઋષિ આમ બોલતા હતા ત્યાં જ તેમની પત્નીએ કહ્યું, ‘મને મારો સૌથી નાનો પુત્ર શુનક વધુ વહાલો છે. મોટે ભાગે એવું જોવા મળે છે કે પિતાને સૌથી મોટો પુત્ર વહાલો હોય છે અને માતાને સૌથી નાનો પુત્ર વહાલો હોય છે.’ આમ મુનિપત્નીની વાત સાંભળીને વચલા પુત્ર શુન:શેપે પોતાની જાતે જ કહ્યું, ‘પિતા મોટો પુત્ર આપવાની ના પાડે છે અને માતા નાના પુત્રની ના પાડે છે. તો પછી વચલો પુત્ર જ બાકી રહે છે, એટલે રાજા, તમે મને જ લઈ જાઓ.’ આમ લાખ ગાયો આપીને રાજાએ શુન:શેપ મેળવ્યો અને તરત જ તેને રાજા રથમાં બેસાડીને લઈ ગયા. મધ્યાહ્નના સમયે રાજાએ પુષ્કર તીર્થમાં થોડો વિરામ કર્યો. તે વેળાએ શુન:શેપે વિશ્વામિત્ર ઋષિને જોયા. થાક, ભૂખ-તરસથી પીડાતો શુન:શેપ વિશ્વામિત્રના ખોળામાં બેસી ગયો અને બોલ્યો, ‘હવે નથી મારે કોઈ પિતા કે માતા, હે મુનિ, તમે મને બચાવો. તમે બધાનું રક્ષણ કરો છો, આ રાજાને યજ્ઞનું ફળ મળે અને હું દીર્ઘાયુ થાઉં એવું કશું કરો. હું શ્રેષ્ઠ તપ કરીને સ્વર્ગે જઉં એવું તમે કરો. હું અનાથ છું તો તમે મને સનાથ કરો. પિતા જેમ પુત્રનું રક્ષણ કરે તેમ મને આ દુઃખમાંથી છોડાવો.’ તેની વાત ઋષિએ સાંભળી અને તેને ઘણી રીતે સાંત્વન આપ્યું. પછી પોતાના પુત્રોને કહ્યું, ‘શુભપ્રાપ્તિ માટે પિતાઓ પુત્ર ઇચ્છતા હોય છે, તો તમારે માટે એ સમય આવી ગયો છે. આ મુનિપુત્ર મારે શરણે આવ્યો છે, તે ગમે તે રીતે જીવતો રહે એ માટે પ્રયત્ન કરો. તમે બધા સત્કાર્ય કરનારા છો, ધર્મપરાયણ છો તો રાજાના યજ્ઞમાં પશુરૂપ થઈ શુન:શેપની રક્ષા કરો.’ વિશ્વામિત્રની આ વાત સાંભળીને તેમના મધુષ્પન્દા પુત્રોએ કહ્યું, ‘તમારા પોતાના પુત્રોનો વધ કરાવીને બીજાના પુત્રની રક્ષા શા માટે કરો છો? તમારું આ કાર્ય નિંદાવાળું છે, જાણે ભોજનમાં કૂતરાનું માંસ ખાવાનું ન હોય!’ પુત્રોની આવી વાત સાંભળીને વિશ્વામિત્ર બહુ ક્રોધે ભરાયા, તેમની આંખો રાતી થઈ ગઈ. પછી બોલ્યા, ‘તમે ધર્મવિરુદ્ધ અને કઠોર વચન બોલ્યા. તમે પણ વસિષ્ઠપુત્રોની જેમ હજાર વર્ષ સુધી કૂતરાનું માંસ ખાનારા મુષ્ટિક જાતના ચાંડાળ થઈને રહેશો.’ પુત્રોને આવો શાપ આપીને શુન:શેપને આશ્વાસન આપ્યું, ‘તને જ્યારે ચંદનનો લેપ કરે, તારા ગળે ફૂલનો હાર પહેરાવે અને યજ્ઞના થાંભલા સાથે બાંધે ત્યારે તું અગ્નિની સ્તુતિ કરજે. જે બે ગાથા કહું તે ગાજે, અને આમ કરવાથી અંબરીષ રાજાના આ યજ્ઞમાં તને સિદ્ધિ મળશે.’ પછી શુન:શેપે વિશ્વામિત્ર ઋષિ પાસેથી બે ગાથા શીખી લીધી અને રાજા પાસે જઈને કહ્યું, ‘હવે આપણે યજ્ઞસ્થળે જઈએ, તમે સત્વર યજ્ઞદીક્ષા લો અને કાર્ય પૂરું કરો.’ ઋષિપુત્રની વાત સાંભળીને હર્ષ પામતા રાજા તરત જ યજ્ઞસ્થળે પહોંચ્યા. પછી રાજાએ બધાની સંમતિથી શુન:શેપને લાલ વસ્ત્ર પહેરાવ્યું, યૂપ સાથે બાંધ્યો. આમ બંધાયેલા શુન:શેપે અગ્નિની અને ઇન્દ્રની, ઇન્દ્રના અનુજની સ્તુતિ કરવા માંડી. આ સ્તુતિથી પ્રસન્ન થયેલા ઇન્દ્રે તેને ચિરંજીવ કર્યો, રાજાને પણ યજ્ઞફળ મળ્યું. વિશ્વામિત્ર ઋષિએ ફરી પુષ્કરમાં હજાર વર્ષનું તપ આરંભ્યું. એટલે બ્રહ્મા તેમની પાસે આવ્યા, ‘ઋષિ, તમારું કલ્યાણ થાઓ. તમે કર્મો કરીને ઋષિપદ મેળવ્યું છે.’ એમ કહી દેવ ત્યાંથી જતા રહ્યા. ફરી વિશ્વામિત્રે તપ કરવા માંડ્યું કારણ કે તેમની ઇચ્છા બ્રહ્મર્ષિપદ મેળવવાની હતી. આમ ઘણો સમય વીતી ગયો. મેનકા નામની અપ્સરા પુષ્કર સરોવરમાં નહાવા આવી ચઢી. વાદળમાં વીજળી ચમકે એમ ચમકતી રૂપવાન મેનકાને વિશ્વામિત્ર ઋષિએ જોઈ. તે તરત જ કામવશ થઈ ગયા, અપ્સરા પાસે જઈને બોલ્યા, ‘મારા આશ્રમમાં તારું સ્વાગત છે. હું મદનથી મોહ પામ્યો છું, તો મારા પર અનુગ્રહ નહીં કરે?’ વિશ્વામિત્રની વાત સાંભળીને મેનકા તેમના આશ્રમમાં જઈને વસી. અને ઘણો સમય વીતી ગયો. એટલે મુનિ ચિંતાતુર થઈ શોક કરવા લાગ્યા. મારા તપમાં વિઘ્ન આવ્યું. દસ વરસ આમ જ વીતી ગયાં. વિશ્વામિત્ર પશ્ચાત્તાપ કરીને દુઃખી થઈ ગયા એટલે અપ્સરા હાથ જોડીને ઊભી રહી ગઈ. વિશ્વામિત્ર ઋષિએ તેને મીઠા શબ્દોથી સ્વર્ગે જવાની આજ્ઞા આપી. પછી કામને જીતવાનો સંકલ્પ કરી વિશ્વામિત્રે કૌશિકી નદીના કિનારે ઘોર તપ આંરભ્યું, બધા દેવોએ બ્રહ્માને પ્રાર્થના કરીને તેમને મહર્ષિપદ અપાવ્યું. બ્રહ્માની વાણી સાંભળીને વિશ્વામિત્ર ઋષિએ બે હાથ જોડીને કહ્યું, ‘તમે હજુ મને બ્રહ્મર્ષિપદ આપ્યું નથી. મારે જિતેન્દ્રિય બનવું છે.’ વિશ્વામિત્રની વાત સાંભળીને બ્રહ્માએ કહ્યું, ‘તમે હજુ તમારી ઇન્દ્રિયો પર વિજય મેળવ્યો નથી. એટલે તે મેળવો.’ એમ કહીને દેવ જતા રહ્યા. પછી વિશ્વામિત્રે પોતાના બંને હાથ ઊંચા રાખીને, માત્ર વાયુનો જ આહાર કરીને પંચાગ્નિ તપ કરવા માંડ્યું, વર્ષાઋતુમાં આકાશ નીચે ઊભા રહ્યા. શિશિર ઋતુમાં પાણીમાં ઊભા રહ્યા. આવું ઘોર તપ કરતાં હજાર વર્ષ વીતી ગયાં. આ તપથી ઇન્દ્રને ત્રાસ થયો. બધા દેવોની સંમતિથી અપ્સરા રંભાને બોલાવીને તેમણે કહ્યું, ‘રંભા, તારે આજે દેવોનું એક કાર્ય કરવાનું છે. વિશ્વામિત્ર ઋષિ તપ કરી રહ્યા છે, તેમને મોહિત કરી તપમાં વિઘ્ન ઊભું કર.’ આ સાંભળીને રંભાએ ઇન્દ્રને કહ્યું, ‘વિશ્વામિત્ર ઋષિ મહા ક્રોધી છે, એમાં કશી શંકા નથી. મને ડર લાગે છે. આ કામ મને ન સોંપો.’ ત્યારે હાથ જોડીને ઊભી રહેલી રંભાને ઇન્દ્રે કહ્યું, ‘તું ડરીશ નહીં. મારી આજ્ઞાનું પાલન કર. હું કોયલ બનીને કામદેવ સાથે સુંદર વૃક્ષ પર બેસીશ. તું પણ તારા રૂપથી તેમને પ્રસન્ન કરજે.’ આ સાંભળી રંભા પોતાનું રૂપ દેખાડતી વિશ્વામિત્ર પાસે આવી ચઢી. કોયલનો ટહુકાર થયો. આનંદ પામીને વિશ્વામિત્રે આંખો ઊઘાડી તો સામે રંભા. આ બધું જોઈ સાંભળીને વિશ્વામિત્રને શંકા ગઈ. તેમણે દિવ્ય દૃષ્ટિથી જાણી લીધું કે રંભા ઇન્દ્રના કહેવાથી અહીં આવી છે. એટલે તેમણે રંભાને શાપ આપ્યો, ‘હું ઇન્દ્રિયોને જીતવા માગું છું અને તું એમાં વિઘ્ન ઊભાં કરે છે, એટલે દસ હજાર વર્ષ સુધી તું શિલા થઈને રહેજે. પછી કોઈ મહાતેજસ્વી બ્રાહ્મણ તને મારા શાપથી મુક્ત કરશે.’ પણ તેઓ પોતાના કોપને શમાવી શક્યા નહીં એટલે મનમાં સંતાપ થયો. તેમના શાપથી રંભા શિલા થઈને પડી, કંદર્પ અને ઇન્દ્ર ત્યાંથી નાસી ગયા. વિશ્વામિત્ર પોતાની ઇન્દ્રિયો પર વિજય મેળવી ન શક્યા અને વારે વારે ક્રોધ કરવાને લીધે તપ નાશ પામ્યું, તેમને શાંતિ ન મળી. હવે વિશ્વામિત્ર દિશા બદલીને પૂર્વ દિશામાં ગયા અને ત્યાં જઈને કઠોર તપ કરવા બેઠા. મૌનવ્રત ધારણ કરીને હજાર વર્ષ તપ કર્યું. તેમનું શરીર સુકાયેલા લાકડા જેવું થઈ ગયું. અનેક વિઘ્નો વચ્ચે તેઓ સ્થિર રહ્યા. તેમના અંતરમાં ક્રોધ ન પ્રગટ્યો. પછી દેવતાઓ, ગંધર્વો, પન્નગો, અસુરો, રાક્ષસો તેમના તપથી ભારે સંતાપ પામ્યા. તે બધા બ્રહ્મા પાસે જઈને બોલ્યા, ‘અમે તેમનામાં ક્રોધ અને લોભ જાગે એ માટે બહુ પ્રયત્ન કર્યા પણ અમે નિષ્ફળ ગયા, તેમનું તપ વધ્યા જ કરે છે. હવે તેમનામાં કોઈ દોષ જોવા મળતો નથી. તેમને જે વરદાન જોઈએ છે તે નહીં આપો તો પોતાના તપના પ્રભાવથી ત્રણે લોક બાળી નાખશે. બધી દિશાઓ અંધકારમય થઈ ગઈ છે, સમુદ્ર ખળભળી ઊઠ્યા છે, પર્વતો ધ્રૂજી રહ્યા છે, પવનનું તોફાન વધ્યું છે, બધાની બુદ્ધિ બહેર મારી ગઈ છે. એ અગ્નિમય દેખાય છે. ત્રિલોકને ભસ્મ કરે તે પહેલાં તેમને જે જોઈએ છે તે આપી દો.’ પછી બધા બ્રહ્માને આગળ કરીને વિશ્વામિત્ર પાસે આવ્યા. બ્રહ્માએ કહ્યું, ‘તમારા તપથી મને બહુ સંતોષ થયો છે, બ્રહ્મર્ષિ, તમે તપ કરીને બ્રહ્મર્ષિપદ મેળવ્યું છે. તમે દીર્ઘાયુ થાઓ, સુખ પામો અને હવે તપ પૂરું કરો.’ પિતામહની વાત સાંભળીને આનંદિત થયેલા વિશ્વામિત્રે કહ્યું, ‘તમારી કૃપાથી મને બ્રહ્મર્ષિપદ તો મળ્યું, વસિષ્ઠ પાસે યજ્ઞના જે અંગઉપાંગ છે તે પણ મને મળે. આ બધું વસિષ્ઠ ઋષિ પણ માન્ય કરે, એવી મારી ઇચ્છા છે.’ દેવતાઓએ પણ વસિષ્ઠ ઋષિને આ વાત કરી, વસિષ્ઠે તેમને સ્વીકાર્યા, વિશ્વામિત્રે વસિષ્ઠ ઋષિને વંદન કર્યાં.

ત્રિજટ ઋષિની કથા

તે સમયે ગર્ગ્ય વંશમાં જન્મેલો ત્રિજટ નામે બ્રાહ્મણ રહેતો હતો. તેને ધનની જરૂર પડી એટલે તે રામચંદ્ર પાસે ગયો. ‘હે યશસ્વી રાજકુમાર, હું નિર્ધન છું અને મારો પરિવાર મોટો છે. હું મહેનત કરીને જીવું છું, મારા પર કૃપા નહીં કરો?’ તેની વાત સાંભળીને રામે હસતાં હસતાં કહ્યું, ‘મારે ત્યાં તો બહુ ગાયો છે, હજુ તો હજાર ગાયનું દાન પણ કર્યું નથી. તમે અહીં ઊભા રહીને લાકડી ફેંકો, જેટલે દૂર જશે તેટલામાં સમાય એટલી ગાયો હું આપીશ.’ આ સાંભળીને ત્રિજટે કમર કસી, અને ખૂબ ઝડપથી, પોતાની બધી શક્તિ એકઠી કરીને લાકડી ફેંકી. પછી રામે કહ્યું, ‘હું તો મજાક મશ્કરીમાં બોલ્યો હતો.’ પછી મળી એટલી ગાયો લઈને ત્રિજટ આનંદ પામતો ઘેર ગયો. (બાલકાંડ, ૩૦) — સમીક્ષિત વાચના

ઉપલી કથા સાથે લિયો તોલસ્તોયની એક વાર્તા ‘હાઉ મચ લેન્ડ અ મૅન રિક્વાયર્સ?’ને સરખાવી શકાય. એ વાર્તામાં પાહોમ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી જેટલું ચાલે એ બધી જમીન તેને દાનમાં આપવાની વાત હતી. પણ પાહોમ ભૂખેતરસે એટલો બધો થાકી ગયો હતો કે સૂર્યાસ્ત થયો ત્યારે ત્યાં જ ઢળી પડ્યો. આમ છેવટે તો તેને પોતાની કબર થાય એટલી જ જમીન મળી.

કબંધકથા

(સીતાહરણ પછી રામલક્ષ્મણ સીતાની શોધ્ માટે વનમાં ભટકે છે ત્યારે કબંધ નામનો રાક્ષસ તેમને મળે છે, અને તેમને ખાઈ જવાની વાત કરે છે. રામલક્ષ્મણ તેના બંને હાથ છેદી નાખે છે ત્યારે કબંધ પોતાનો ભૂતકાળ જણાવે છે.)

એક જમાનામાં હું બહુ પરાક્રમી હતો, મહાબાહુ હતો, ત્રણે લોકમાં મારું રૂપ અનુપમ હતું. ચંદ્ર, ઇન્દ્ર, સૂર્યની કાંતિ મારામાં હતી. રૂપના અભિમાનને કારણે હું પ્રજાને રાક્ષસ વેશે ખૂબ ત્રાસ આપવા લાગ્યો. વનમાં જઈને ઋષિઓને પણ ત્રાસ આપતો હતો. એક વખત સ્થૂલશિરા નામના ઋષિને મેં ત્રાસ આપ્યો, એટલે તે મારા પર ક્રોધે ભરાયા. તેમણે મને શાપ આપ્યો. ‘જા, તારું આ રૂપ કાયમી રહેશે.’ પછી મેં ઋષિને બહુ વિનંતી કરી, તેમની ક્ષમા માગી ત્યારે તેમણે કહ્યું,‘ જ્યારે રામ વનમાં આવી તારી ભુજાઓ છેદશે ત્યારે તને મુક્તિ મળશે.’ ‘હે લક્ષ્મણ, હું દનુનો પુત્ર છું. ઇન્દ્ર સામે હું યુદ્ધે ચડ્યો અને ઇન્દ્રના શાપથી મારી આ હાલત થઈ છે. પિતામહે તો મને દીર્ઘ આયુષ્યનું વરદાન આપ્યું છે તો પછી ઇન્દ્ર કઈ રીતે મારો વાળ પણ વાંકો કરી શકશે એમ વિચારી મેં ઇન્દ્ર સાથે યુદ્ધ માંડ્યું. ઇન્દ્રે મારા પર વજ્ર ઉગામ્યું એટલે મારા પગ અને મસ્તક મારા શરીરમાં પેસી ગયા. મેં ઇન્દ્રને મારા પર કૃપા કરવા કહ્યું. પિતામહનું વરદાન તો સાચું પડવું જોઈએ. ‘હું આહાર વિના કેવી રીતે જીવી શકીશ? તમે તો વજ્ર વડે મારું શરીર વિકૃત કરી નાખ્યું.’ એટલે ઇન્દ્રે મારા બંને હાથ લાંબા કર્યા. એક સો યોજન જેટલા લાંબા મારા હાથ થઈ ગયા, મારું મોં તીક્ષ્ણ દાઢોવાળું બની ગયું. એટલે આ વનમાં ઘણા લાંબા સમયથી રહું છું. સિંહ, હાથી, હરણ, વાઘ અને બીજાં પ્રાણીઓને મારીને ખાઈ જઉં છું. ઇન્દ્રે પણ મને કહ્યું કે રામલક્ષ્મણ આવીને જ્યારે તારા બંને હાથ છેદી નાખશે ત્યારે તુું સ્વર્ગ પામીશ. એટલે રાજા, હું તમારી રાહ જોઈને બેઠો હતો. તમારા વિના કોઈનાથી મારો પરાભવ થવાનો ન હતો. મહર્ષિએ પણ એવી જ વાત કરી હતી. હવે તમારા હાથે મારો અગ્નિદાહ થશે એટલે હું મારા ભૂતકાલીન રૂપને પામીશ.’ પછી રામે તે દાનવને કહ્યું, ‘રાવણ મારી પત્ની સીતાને હરી ગયો છે. હું માત્ર તેનું નામ જ જાણું છું, તેના નિવાસસ્થાનની મને જાણ કર.’ પણ કબંધ રાક્ષસપણું પામ્યો હોવાને કારણે હવે તેને દિવ્ય જ્ઞાન ન હતું. રામ લક્ષ્મણે તેનો અગ્નિસંસ્કાર કર્યો એટલે તે દિવ્ય રૂપ પામ્યો અને તેણે સુગ્રીવની મૈત્રી કરવા રામને જણાવ્યું. (અરણ્યકાંડ, ૬૭-૬૮)

વાલી-સુગ્રીવનો ભૂતકાળ

(રામલક્ષ્મણ સુગ્રીવ સાથે મૈત્રી કરે છે અને વાલીવધની પ્રતિજ્ઞા કરે છે ત્યારે સુગ્રીવ પોતાના ભૂતકાળની કથા માંડે છે.) વાલી નામનો મારો મોટો ભાઈ મને અને મારા પિતાને બહુ પ્રિય હતો. પિતાના મૃત્યુ પછી વાલી મોટો પુત્ર છે એટલે મંત્રીઓએ તેને રાજગાદી સોંપી. પરંપરાથી ચાલતું આ રાજ્ય વાલી ભોગવતો હતો અને હું નિત્ય તેની સેવામાં હતો. તે સમયે માયાવી નામનો એક બળવાન રાક્ષસ હતો. સ્ત્રીને કારણે વાલી સાથે તેને ઝઘડો થયો હતો. એક વેળા જ્યારે નગરીના લોકો સૂઈ ગયા હતા ત્યારે તે કિષ્કિન્ધાના બારણે આવીને બરાડવા લાગ્યો. એનો ઘોર અવાજ સાંભળીને મારો ભાઈ આગળપાછળનો કશો વિચાર કર્યા વિના નીકળી પડ્યો. અંત:પુરની સ્ત્રીઓએ અને મેં તેને રોકવાનો બહુ પ્રયત્ન કર્યો પણ બધાને અવગણીને તે તો નીકળી પડ્યો. હું પણ સ્નેહવશ તેની સાથે નીકળ્યો. દૂરથી અમને જોઈને તે રાક્ષસ ત્રાસ્યો અને નાઠો. અમે તેની પાછળ દોડ્યા. રસ્તામાં ચન્દ્રનો પ્રકાશ હતો. પછી તે ઘાસથી ઢંકાયેલા એક ભોંયરામાં પેસી ગયો. એવી રીતે શત્રુને ભોંયરામાં પેસી જતો જોઈને વાલી ક્રોધે ભરાયો. પછી તેણે મને ભોંયરાના અગ્રભાગે ઊભો રાખ્યો. ‘હું પાછો ન આવું ત્યાં સુધી તું અહીં જ ઊભો રહેજે.’ મેં તેની સાથે જવા બહુ કહ્યું પણ તેણે મને ના જ પાડી અને તે અંદર જતો રહ્યો. એક વરસ સુધી હું તેની રાહ જોતો બહાર જ ઊભો રહ્યો. મને એવી શંકા ગઈ કે તે મૃત્યુ તો પામ્યો નહીં હોય ને! તે છતાં હું ત્યાં જ ઊભો રહ્યો. પછી મેં ભોંયરામાંથી લોહી નીકળતું જોયું. રાક્ષસની ગર્જનાઓ સાંભળી પણ વાલીનો અવાજ ન સંભળાયો. એટલે મેં માની લીધું કે વાલી મૃત્યુ પામ્યો હશે. એક મોટી શિલા વડે મેં ગુફાને ઢાંકી દીધી, દુઃખી થઈને કિષ્કિન્ધા પાછો આવ્યો. મેં વાત છાની રાખવા બહુ પ્રયત્ન કર્યો પણ વિચક્ષણ મંત્રીઓ તે જાણી ગયા. પછી વિધિપૂર્વક તેમણે મને રાજગાદી પર બેસાડ્યો. અને મેં ન્યાયપૂર્વક રાજ્ય કરવા માંડ્યું. થોડા સમય પછી રાક્ષસને મારીને વાલી આવી ચઢ્યો. મને સિંહાસન પર બેઠેલો જોઈ વાલી તો બહુ ક્રોધે ભરાયો. મંત્રીઓને બાંધીને મને ગમે તેમ બોલવા લાગ્યો. હું તેનો સામનો કરી શકત પણ ભાઈ માટેની લાગણીને કારણે હું ચૂપ રહ્યો, મેં તેને પ્રસન્ન કરવા બહુ કહ્યું પણ તેનો ક્રોધ શમ્યો જ નહીં. મેં બધી વાત કહી, રાજગાદી પાછી સોંપવાનું કહ્યું પણ તે ન જ માન્યો. તેણે બધાને માયાવી રાક્ષસ સાથેના યુદ્ધની કથા કહી. ‘મેં રાક્ષસનો નાશ કર્યો, તેના મોંમાંથી નીકળેલા લોહીથી ભોંયરું ભરાઈ ગયું. હું બહાર નીકળવા ગયો, પણ નીકળી ન શક્યો. સુગ્રીવને ઘણી વાર બોલાવ્યો, છેવટે મેં લાત મારીને શિલા તોડી નાખી અને અહીં આવ્યો.’ પછી તો મને સુગ્રીવે કાઢી મૂક્યો, મારી પત્ની છિનવી લીધી....’ (કિષ્કિન્ધા કાંડ, ૯,૧૦) — સમીક્ષિત વાચના

સંપાતિની કથા

(વાનરો સીતાની શોધમાં નીકળ્યા હતા, ત્યારે તેમનો ભેટો જટાયુના મોટા ભાઈ સંપાતિ સાથે થયો, સંપાતિ તેમને પોતાની કથા કહે છે.) ‘ભૂતકાળમાં જ્યારે ઇન્દ્રે વૃત્રાસુરનો વધ કર્યો ત્યારે અમે બંને ભાઈઓ જય મેળવવા છેક ઉપર જવા લાગ્યા અને ત્યાં સૂર્યનાં આકરાં કિરણો વાગવા માંડ્યાં. મારો ભાઈ સૂર્યતેજ સહન ન થયું એટલે દુઃખી થઈ ગયો. એની પીડા જોઈને મેં મારી પાંખોમાં લઈ લીધો, હું પાંખો બળી જવાને કારણે વિંધ્ય પર પડ્યો. મારા ભાઈનું શું થયું તેની મને કશી જાણ ન થઈ.’ આ સાંભળી અંગદે તેને રાવણનું નિવાસસ્થાન પૂછ્યું. સંપાતિએ આ સાંભળી કહ્યું, ‘મારી પાંખો બળી ગઈ છે, હું વૃદ્ધ થયો છું. એટલે માત્ર બોલીને જ રામને સહાય કરી શકીશ. હું વરુણલોક જાણું છું, વિષ્ણુએ ત્રણ ડગલાં ભરીને ત્રિલોક આવરી લીધા તે પણ જાણું છું. દેવદાનવોએ કરેલા સમુદ્રમંથનની પણ મને જાણ છે. મારે રામનું કાર્ય કરવું જ જોઈએ પણ હું વૃદ્ધ છું, લાચાર છું. થોડા સમય પહેલાં મેં અલંકારોથી સજ્જ, રૂપવાન સ્ત્રીને રાવણ હરી જતો હતો તે દૃશ્ય જોયું હતું. તે યુવતી હે રામ, હે લક્ષ્મણ બોલતી હતી. શરીર પરથી અલંકારો ઉતારી ઉતારીને ફેંકતી હતી. તે સ્ત્રીનું વસ્ત્ર પર્વતશિખર પર ઝીલાતા સૂર્યતેજ જેવું હતું. તે સ્ત્રી વારેવાર રામ રામ જ બોલતી હતી. વિશ્રવાનો પુત્ર રાવણ લંકા નામની નગરીમાં રહે છે. વિશ્વકર્માએ આ નગરી ઊભી કરી હતી, તે અહીંથી સો યોજન દૂર છે. એ નગરીમાં કૌશેય વસ્ત્ર પહેરેલી સીતા રાવણના અંત:પુરમાં છે, રાક્ષસીઓ તેની ચોકી કરે છે. તમે ત્યાં જઈને સીતાને જોઈ શકશો. હું દિવ્ય દૃષ્ટિથી તેને જોઈ શકું છું. જુદાં જુદાં પક્ષીઓની ગતિ જુદી જુદી હોય છે. ધાન્ય પર જીવનારાં પક્ષી પહેલા માર્ગે ઊડે છે. વૃક્ષ પરનાં ફળ ખાનારાં પક્ષી બીજા માર્ગે ઊડે છે. ક્રૌંચ, ટીટોડી જેવાં પંખી ત્રીજા માર્ગે ઊડે છે, શ્યેન ચોથા માર્ગે અને ગીધ પાંચમા માર્ગે ઊડે છે. બળવાન, પરાક્રમી, રૂપવાન હંસો છઠ્ઠા માર્ગે અને ગરુડ તો એથીય ઊંચે ઊડે છે. અમારા બધાનો જન્મ વિનતાપુત્ર અરુણથી થયો છે. અહીં રહીને પણ હું રાવણને અને જાનકીને જોઈ શકું છું. અમારી દિવ્ય દૃષ્ટિ દૂર દૂર સુધી જઈ શકે છે. હવે તમે જઈ શકશો. હું મારા ભાઈને અંજલિ આપવા માગું છું. એટલે મને સમુદ્રકિનારે લઈ જાઓ.’ વાનરો સંપાતિને ઊંચકી સાગરકાંઠે લઈ ગયા, અને ત્યાં સંપાતિએ વિધિ કર્યો. વાનરો પાછા તેને તેના સ્થાને લઈ આવ્યા. પછી વાનરોમાં ઉત્તમ એવા જાંબવાને ઊભા થઈને સંપાતિને પૂછ્યું. ‘સીતાને કોણે જોઈ હતી? કોણે તેનું અપહરણ કર્યું હતું? એ બધી વાત અમને કહે. એવો કોણ છે કે જે રામલક્ષ્મણની બાણવર્ષાને પણ ગણકારતો નથી?’ સીતાના સમાચાર જાણવા આતુર વાનરોને સંપાતિએ કહ્યું, ‘મેં જે સાંભળ્યું છે અને મને જે કહેવામાં આવ્યું છે તે સાંભળો. પુષ્કળ વિસ્તારવાળા આ પર્વત પર ઘણા વખતથી રહું છું. વૃદ્ધ છું. મારો પુત્ર સુપાર્શ્વ યોગ્ય સમયે મારા માટે આહાર લાવી આપે છે. ગંધર્વોમાં કામ પ્રબળ, ભુજંગોમાં ક્રોધ પ્રબળ અને મૃગોમાં ભય પુષ્કળ. અને અમને ભૂખ ભયંકર. એક દિવસ સવારે મને ભૂખ લાગી એટલે મારો પુત્ર આહાર લેવા નીકળ્યો તો ખરો, પણ સૂર્યાસ્ત સમયે તે ખાલી હાથે આવ્યો. હું ગુસ્સે થયો પણ તે ધીરજ રાખીને બોલ્યો, ‘હું નિયમ પ્રમાણે મહેન્દ્ર પર્વત સુધી ઊડ્યો હતો ત્યાં સમુદ્રકાંઠે પક્ષીઓને પકડવા ઊભો રહ્યો. ત્યારે મેં સૂર્યોદયના તેજવાળી સ્ત્રીને હરી જતા એક પુરુષને જોયો. હું તેમને પકડી લેવા દોડ્યો પણ પેલા પુરુષે મને જવા દેવા વિનંતી કરી. ગમે તેવો નીચ પણ આવી માગણી કરે તો ના પડાય નહીં, એટલે મેં તેને રોક્યો નહીં. એટલામાં મારી પાસે મહર્ષિઓએ આવીને મને આશીર્વાદ આપ્યા. પછી બધી માહિતી આપી. એ સ્ત્રી રામલક્ષ્મણનું નામ વારે વારે બોલતી હતી. આમ કહીને સંપાતિએ પોતાનાથી બને તેટલી સહાય કરવાનું વચન આપીને ફરી પોતાની કથા કહી સંભળાવી. ‘આગળ કહ્યું તે પ્રમાણે હું વિંધ્ય પર્વત પર પડ્યો હતો. સૂર્યના તેજથી મારી પાંખો તો બળી ગઈ હતી, હું બહુ અસ્વસ્થ હતો, મને દિશાનું કે સ્થળનું ભાન રહ્યું ન હતું. પછી ધીમે ધીમે આસપાસનાં સ્થળોને ઓળખવા માંડ્યા, અહીં આગળ એક આશ્રમમાં નિશાકર નામના ઋષિ તપ કરતા હતા. તે મુનિ સ્વર્ગે ગયા ત્યારથી માંડીને આઠ હજાર વર્ષ સુધી હું અહીં રહ્યો. વિંધ્ય પર્વત પર પડ્યા પછી ધીમે ધીમે હું તીણા દર્ભવાળી પૃથ્વી પર આવ્યો. મેં અને જટાયુએ એ ઋષિની સેવા ખાસ્સી કરી હતી. હું તે આશ્રમ પાસે ગયો. ત્યાં સુવાસિત પવન વાતો હતો. એક પણ વૃક્ષ ફળ કે ફૂલ વિનાનું ન હતું. તે આશ્રમમાં જઈ એક વૃક્ષના મૂળ પાસે બેઠો અને નિશાકર ઋષિની રાહ જોવા લાગ્યો. પછી અત્યંત તેજસ્વી ઋષિને દૂરથી આવતા જોયા. જેવી રીતે દાતાની આજુબાજુ બધા યાચકો ચાલે એવી રીતે રીંછ, મૃગ, વાઘ, સિંહ, હાથી, સાપ તેમની આગળપાછળ ચાલતા હતા. ઋષિ આશ્રમમાં પ્રવેશ્યા એટલે રાજા જેમ અંત:પુરમાં પ્રવેશે ત્યારે મંત્રીઓ વિદાય લે તેવી રીતે બધાં પ્રાણીઓ પણ ચાલ્યાં ગયાં. ઋષિએ મને જોયો હતો એટલે તરત બહાર આવીને મને પૂછ્યું, ‘તારા રોમ નથી, તારી પાંખો બળી ગયેલી છે, એટલે ઓળખી શકાતો નથી. પહેલાં મેં માતરિશ્વા જેવા વેગવાળા બે પક્ષી જોયાં હતાં, તેઓ ધારે તે રૂપ લઈ શકતાં હતાં, બંને સહોદર હતા. હવે ખ્યાલ આવે છે: તું મોટો સંપાતિ અને નાનો એટલે જટાયુ. તમે મનુષ્ય રૂપે મારી બહુ સેવા કરી હતી. તને કયો રોગ છે? તારી પાંખો કેમ ખરી પડી, તને આવી શિક્ષા કોણે કરી?’ જ્યારે મને આમ ઋષિએ પૂછ્યું ત્યારે મેં સૂર્યની પાછળ જવાના મારા સાહસિક કાર્યની વાત કરી. એને કારણે હું બેબાકળો બની ગયો, થાકી ગયો, અત્યારે હું ખૂબ જ શરમિંદો છું. હું અને જટાયુ અભિમાની બનીને સ્પર્ધા કરતા ઊડ્યા, અમે કૈલાસ પર્વત શિખર પર મુનિઓ આગળ પ્રતિજ્ઞા લીધી, ‘સૂર્ય આથમે ત્યાં સુધીમાં અમારે તેનો સ્પર્શ કરવો. અમે પૃથ્વી પરથી ઊંચે ઊડ્યા, જુદાં જુદાં નગરો રથનાં પૈડાં જેવાં દેખાયા. ક્યાંક વાજિંત્રો સંભળાયાં, ક્યાંક રાતાં વસ્ત્રો પહેરેલી અપ્સરાઓ જોઈ, જ્યારે અમે સૂર્યમાર્ગની ખૂબ જ નજીક પહોંચી ગયા ત્યારે પૃથ્વી એક વન જેવી લાગી. હિમાલય, વિન્ધ્ય, મેરુ જેવા ઊંચા ઊંચા પર્વતો જળાશયમાં ઊભેલા હાથી જેવા દેખાયા. પછી તો અમને બહુ પરસેવો થયો, ભય લાગ્યો, અમે ભારે અસ્વસ્થ થઈ ગયા. અમને મૂર્ચ્છા આવી. અમને દિશાઓનું ભાન ન રહ્યું. અમને એવું લાગ્યું કે આ સૂર્ય જે રીતે બધાને બાળી રહ્યો છે તે જોતાં યુગનો અંત આવી ગયો છે, જટાયુ તો ધરતી પર ઊતરવા લાગ્યો, મેં પણ તેનું જોઈને પડતું નાખ્યું. મારી પાંખો નીચે જટાયુને ઢાંકી દીધો, તેને આંચ ન આવી, પણ મારી પાંખો બળી ગઈ, પછી બળી ગયેલી પાંખો સાથે હું વિંધ્ય પર્વત પર પછડાયો. હું તો વિનાનો, બળેલી પાંખોવાળો, બળ વિનાનો થઈ ગયો, હવે સામેના પર્વત શિખરેથી હું પડતું મૂકીશ. આમ કહીને હું દુઃખી થઈને રડવા લાગ્યો, ભગવાને ઘડી ભર ધ્યાન ધર્યુર્ં અને પછી તે બોલ્યા, ‘તને નવી પાંખો આવશે, આંખોનું તેજ વધશે, નવું બળ મળશે. મેં પુરાણોમાંથી જાણ્યું છે, સાંભળ્યું પણ છે, એમ મોટી ઘટના બનશે. ઇક્ષ્વાકુ વંશના રાજા દશરથને ત્યાં મહાતેજસ્વી પુત્ર રામ જન્મશે. તે લક્ષ્મણની સાથે વનમાં જશે... રાવણ નામનો રાક્ષસ રામની પત્નીનું અપહરણ કરશે, રાવણ તેને ભોજનની લાલચો આપશે પણ સીતા તેનો અસ્વીકાર કરશે. આ જાણીને ઇન્દ્ર તેને અમૃત જેવું ભોજન મોકલશે, દેવોને પણ દુર્લભ એવું ભોજન હશે. તે અન્નને પૃથ્વી પર સીતા મૂકશે, રામ અને લક્ષ્મણ જો જીવતા હોય કે દેવલોક પામ્યા હોય તો તેમને આ અન્ન પહોંચે. સીતાની શોધ કરવા માટે રામના દૂત વાનરો આવશે અને તેને તું સીતાના સમાચાર આપજે. અહીંથી તું બીજે ક્યાંય જતો નહીં. દેશ-કાળની રાહ જો. તને પાંખો ફૂટશે. હું અત્યારે પણ તને પાંખો આપી શકું, પણ અહીં આ રીતે રહીને લોકકલ્યાણ કર. તું આ રીતે એ બંને રાજપુત્રોનું, બ્રાહ્મણોનું, ગુરુઓનું, મુનિઓનું, ઇન્દ્રનું હિત સાધી શકીશ. હું એ બંને ભાઈઓને જોવા માગું છું, પણ હવે આ શરીર બહુ જર્જરિત થઈ ગયું છે. એટલે તે ટકાવવાની ઇચ્છા નથી.’ આ પ્રમાણે તે મુનિએ મારી ઘણી પ્રશંસા કરી અને પછી આશ્રમમાં પ્રવેશ્યા. ધીમે ધીમે હું પર્વતની બખોલોમાંથી બહાર આવ્યો. અને વિંધ્ય પર્વત પર રહ્યો. એ પછી તો સૈકાઓ વીતી ગયા. દેશકાળની પ્રતીક્ષા કરું છું, મુનિનાં વચન હૃદયમાં રાખ્યાં છે. નિશાકર મુનિ તો દેવલોક પામ્યા ત્યારથી હું તર્કવિતર્ક કરતો, સંતાપ પામતો રહ્યો છું. તેમણે આપેલી બુદ્ધિ વડે હું જીવતો હતો. અગ્નિજ્યોત જેમ અંધકારને દૂર કરે તેમ બુદ્ધિ મારાં દુઃખ નિવારતી હતી. મારા પુત્રના બળને હું જાણતો હતો એટલે મેં તેને ઠપકો આપ્યો, મૈથિલીનું રક્ષણ કેમ ન કર્યું, સીતાનો વિલાપ સાંભળતો જ કેમ રહ્યો? રામ અને લક્ષ્મણની સ્થિતિ જાણ્યા વિના તેં સીતાને બચાવી કેમ નહીં... અને બધાના દેખતાં મને પાંખો ફૂટી, મેં વાનરોને કહ્યું, ‘જુઓ, ઋષિની કૃપાથી મને નવી પાંખો ફૂટી, નવાં બળ મળ્યાં, હવે તમે સીતાની શોધમાં લાગી જાઓ.’ (કિષ્કંધાિકાંડ, ૫૭થી ૬૨)—સમીક્ષિત વાચના

વિશ્રવાની કથા

(રામચંદ્ર અગત્સ્ય મુનિને ઇન્દ્રજિતની પ્રશંસા કરવાનું કારણ પૂછે છે ત્યારે અગત્સ્ય રાવણકુળની કથા કહી સંભળાવે છે.) પ્રજાપતિના પુત્ર પુલસ્ત્ય ઋષિ દેવોને પ્રિય હતા. તેઓ તપ કરવા માટે તૃણબિંદુ રાજષિર્ના આશ્રમમાં ગયા. ત્યાં ઇન્દ્રિયોને નિયમનમાં રાખી. ભારે તપ કરવા લાગ્યા. પરંતુ કેટલીક કન્યાઓ આશ્રમમાં જઈને વિઘ્નો ઊભાં કરવા લાગી. દેવોની, નાગોની, રાજાઓની કન્યાઓ ત્યાં રમતગમત કરતી હતી. બધી જ ઋતુઓમાં એ આશ્રમ ક્રીડાયોગ્ય અને સુંદર હતો, એટલે તે કન્યાઓ, બહુ જ મસ્તી કરતી હતી. આથી મુનિ ક્રોધે ભરાયા અને બોલ્યા, ‘હવે જે કન્યાઓ મારી આંખે ચડશે તે સગર્ભા થઈ જશે.’ ઋષિની આ વાત સાંભળીને બધી કન્યાઓ ડરી ગઈ અને તેમણે ત્યાં જવાનું બંધ કર્યું: તૃણબિંદુ રાજાની કન્યાએ આ વાત જાણી ન હતી, તે તો નિર્ભય બનીને ત્યાં ગઈ. તે વેળા મહાન તેજસ્વી ઋષિ સ્વાધ્યાયમાં પરોવાયેલા હતા. તે કન્યા વેદધ્વનિ સાંભળી તપોધન ઋષિને જોવા ઊભી રહી ગઈ. ઋષિની આંખે તે ચઢી એટલે તરત જ તે પીળી પડી ગઈ, શરીરમાં ફેરફાર થયા અને તે ઉદાસ થઈને પોતાના આશ્રમે આવી. તેના પિતાએ કન્યાને જોઈને પૂછ્યું, ‘આ શું થઈ ગયું? તારું શરીર આવું કેમ લાગે છે?’ ત્યારે કન્યાએ બે હાથ જોડીને કહ્યું, ‘પિતાજી, મને પણ ખબર નથી પડતી. શા કારણે આવું થયું? હું પુલસ્ત્ય ઋષિના આશ્રમમાં ગઇ હતી, ત્યાં મેં મારી કોઈ સખીઓને જોઈ નહીં. અને મારા શરીરમાં અચાનક આવો ફેરફાર થઈ ગયો.’ તૃણબિંદુ રાજા તપસ્વી હતા, તપના તેજથી મળેલી દિવ્ય દૃષ્ટિથી બધી વાત જાણી લીધી. મહર્ષિના શાપથી આ બધું બન્યું છે એ વાતની જાણ તેમને થઈ ગઈ. તેઓ પોતાની કન્યાને ઋષિ પાસે લઈ ગયા. ‘મારી આ ગુણવાન કન્યાને તમે સ્વીકારો. તપ કરવાથી તમે જ્યારે થાકશો ત્યારે તે તમારી સેવા કરશે, એમાં જરાય શંકા નથી.’ રાજાની વાત સાંભળીને ઋષિએ તેનો સ્વીકાર કર્યો, કન્યા આપીને રાજા વિદાય થયા, અને તે કન્યા પતિની સેવા કરતી તેને રીઝવવા લાગી. ઋષિએ તેને કહ્યું, ‘હું તારાથી ખૂબ સંતોષ પામ્યો છું, તને એક ગુણવાન પુત્ર થશે. માતા-પિતાના વંશની વૃદ્ધિ કરનારો તે પુત્ર પૌલસ્ત્ય નામથી પ્રખ્યાત થશે. હું વેદાધ્યયન કરી રહ્યો હતો ત્યારે તેં મને સાંભળ્યો હતો એટલે તેનું નામ વિશ્રવા પડશે. પછી યોગ્ય સમયે તેણે વિશ્રવાને જન્મ આપ્યો. પિતાની જેમ તે પણ તપસ્વી નીવડ્યા. (ઉત્તર કાંડ, ૨)—સમીક્ષિત વાચના

કુબેરની કથા

પુલસ્ત્યના પુત્ર વિશ્રવાએ પિતાની જેમ જ તપ કરવા માંડ્યું. તે સત્યવચની, શીલવાન, સ્વાધ્યાયરત, પવિત્ર અને ઇન્દ્રિયજિત હતા. તેમને આવા જાણીને ભરદ્વાજ ઋષિએ પોતાની દેવવણિર્ની નામની કન્યા આપી. આ લગ્નથી વિશ્રવાને ખૂબ જ આનંદ થયો અને થોડા સમયે તેમને ત્યાં પુત્ર જન્મ્યો. પુલસ્ત્ય તેને જોઈને ખૂબ જ રાજી થયા અને બોલ્યા, ‘આ પુત્ર તેના પિતા જેવો જ થશે. તેનું નામ વૈશ્રવણ પાડ્યું.’ આશ્રમમાં ઊછરી રહેલો પુત્ર આહુતિ આપવાથી વૃદ્ધિ પામતા અગ્નિની જેમ મોટો થવા લાગ્યો. તેને ધર્મમાં જ ધ્યાન પરોવવાનું મન થયું. તેણે હજાર વર્ષ સુધી પાણી પીને, વાયુભક્ષણ કરીને તપ કર્યંુ. બ્રહ્મા અમે બીજા દેવો ત્યાં આવ્યા અને બોલ્યા, ‘તારા તપથી હું પ્રસન્ન થયો છું, જે વરદાન જોઈતું હોય તે માગી લે.’ એટલે વૈશ્રવણે કહ્યુંં, ‘ભગવાન, મારી ઇચ્છા ધનરક્ષક-લોકપાલ થવાની છે.’ એટલે બ્રહ્માએ પ્રસન્ન થઈને કહ્યું, ‘હું ચોથા લોકપાલની શોધમાં જ હતો. એટલે યમ, ઇન્દ્ર અને વરુણના જેવું તને ગમતું પદ આપીશ. તું ચોથો લોકપાલ થઈશ, સૂર્યતેજ જેવું પ્રકાશિત પુષ્પક વિમાન લે. હવે અમે જઈશું, તારું કલ્યાણ થાઓ.’ એ બધા ગયા ત્યારે વૈશ્રવણે પિતાને કહ્યું, ‘મને વરદાન તો મળ્યું પણ કોઈ જીવને હાનિ ન થાય એવું નિવાસસ્થાન બતાવો.’ વિશ્રવાએ કહ્યું, ‘સાંભળ, વિશ્વકર્માએ ઊભી કરેલી લંકાનગરી છે, તે સુંદર છે, વિષ્ણુના ભયથી રાક્ષસો ત્યાંથી પાતાળમાં જતા રહ્યા છે એટલે તે સૂની છે. તું ત્યાં જઈને રહે.’ એટલે વૈશ્રવણ હજારો સેવકોને લઈને લંકામાં રહેવા લાગ્યા. માતાપિતાને મળવા પુષ્પક વિમાનમાં બેસીને જતા હતા. દેવો, ગંધર્વો, સિદ્ધો અને ચારણો તેમની પ્રશંસા કરતા હતા. (ઉત્તરકાંડ, ૩)—સમીક્ષિત વાચના

અગત્સ્યને આભરણોની પ્રાપ્તિ

(રામચંદ્રે અગત્સ્યનાં સુંદર આભરણો જોઈ પૂછ્યું કે આ તમને ક્યાંથી, કેવી રીતે મળ્યાં ત્યારે ઋષિએ એની કથા કહી.) ત્રેતાયુગમાં બહુ વિશાળ એવું એક વન મૃગ કે પક્ષીઓ વિનાનું હતું, વળી તે નિર્જન હતું. ત્યાં હું ઉત્તમ તપ કરવા માગતો હતો, એ અરણ્ય જોવા એક વેળા હું નીકળી પડ્યો. ત્યાં અનેક સ્વાદિષ્ટ ફળવાળાં વૃક્ષ હતાં. તેને પૂરેપૂરું તો કોણ જાણી શકે? તે અરણ્યની વચ્ચે એક યોજનના વિસ્તારવાળું એક સરોવર હતું. ત્યાં સુંદર કમળ હતાં, શેવાળ ન હતી. અચરજ તો એ વાતનું કે તેનું પાણી સ્વાદિષ્ટ હતું; સ્વચ્છ હતું, કાંઠે અનેક પક્ષીઓ હતાં. સરોવર પાસે એક અદ્ભુત આશ્રમ હતો, તે પ્રાચીન હોવા છતાં કોઈ તપસ્વી ત્યાં ન હતા. ગ્રીષ્મ ઋતુમાં એક રાત્રિ હું તે આશ્રમમાં જ રહ્યો અને સવારે સ્નાન કરવા કાંઠે ગયો. ત્યાં મેં એક ભરાવદાર શબ જોયું. ઘડીભર હું ત્યાં કિનારે બેસીને વિચારવા લાગ્યો, આ કોનું શબ હશે? પછી થોડી વારે એક દિવ્ય અને અદ્ભુત દૃશ્ય આંખે પડ્યું. હંસના વાહનવાળું એક મનોવેગી વિમાન આવ્યું. તેમાં એક ઉત્તમ રૂપવાળો, આભરણોથી શોભતો પુરુષ બેઠો હતો. તેની આસપાસ ઉત્તમ આભૂષણો પહેરેલી હજાર અપ્સરાઓ ગાતી હતી, વાદ્યો વગાડતી હતી. પછી તે પુરુષ પાણી પીવા સરોવરમાં ઊતર્યો. પાણી પીને ઇચ્છા પ્રમાણે માંસ આરોગીને, પછી તે સ્વર્ગીય પુરુષ વિમાનમાં ચઢવા ગયો ત્યારે હું બોલ્યો, ‘તમે દેવતુલ્ય કોણ છો? આવો નિંદ્ય આહાર કેમ ખાઓ છો? આવું શબ ભોજનયોગ્ય નથી.’ મારી વાત સાંભળીને તે પુરુષે હાથ જોડીને મને કહ્યું, ‘તમે જો સાંભળવા માગતા હો તો મારા સુખદુઃખની વાત સાંભળો ત્યારે. તેનું નિવારણ થઈ ન શકે તેવું છે. ભૂતકાળમાં સુદેવ નામના રાજા વિદર્ભ દેશમાં થઈ ગયા. તે મહાપરાક્રમી હતા, તેજસ્વી હતા. બે સ્ત્રીઓથી બે પુત્રો જન્મ્યા. હું શ્વેત અને ભાઈ સુરથ. પિતાનો સ્વર્ગવાસ થયો એટલે મારો રાજ્યાભિષેક થયો. ધર્મપૂર્વક મેં હજાર વર્ષ રાજ્ય કર્યું. કોઈક રીતે હું મારું આયુષ્ય જાણી ગયો એટલે વનમાં ગયો. પશુપક્ષી વિનાના આ ઘોર વનમાં સરોવર કાંઠે તપ કર્યું. હવે સુરથ રાજ્ય ચલાવતો હતા, ત્યાં ત્રણ હજાર વર્ષ તપ કરીને હું બ્રહ્મલોકમાં ગયો. સ્વર્ગમાં હોવા છતાં મને ભૂખતરસ સતાવતાં હતાં. આકળવિકળ થયો એટલે બ્રહ્મા પાસે જઈને મેં કહ્યું, ‘ભગવાન, સામાન્ય રીતે બ્રહ્મલોકમાં ભૂખતરસ ન લાગે પણ મને કેમ લાગે છે? મારે શો આહાર કરવો?’ એટલે બ્રહ્માએ કહ્યું, ‘તારું પોતાનું શરીર જ તારો આહાર બનશે. ઉત્તમ તપ છતાં તેં તારું શરીર પુષ્ટ કરેલું છે. તેં માત્ર તપ જ કર્યું છે, દાન જરાય કર્યું નથી. એટલે જ સ્વર્ગમાં હોવા છતાં તને ભૂખતરસ હેરાન કરે છે. એટલે તું તારા જ પુષ્ટ શરીરનો આહાર કર. જ્યારે અગત્સ્ય ઋષિ આવશે ત્યારે તું શાપમુક્ત થઈશ. તેઓ તો દેવતાઓનો ઉદ્ધાર કરવા પણ સમર્થ છે તો ભૂખતરસથી પીડાતા તારા જેવાને તારવો તો બહુ સહેલું છે.’ બ્રહ્માની આ વાત સાંભળ્યા પછી હું નિત્ય આવો આહાર કરું છું. વર્ષો વીતી ગયાં, આ શરીર ખૂટતું નથી, મને પણ તૃપ્તિ થતી નથી. એટલે હવે તમે જ મને મુક્ત કરો, તમે જ અગત્સ્ય ઋષિ છો. અહીં બીજું કોઈ તો આવી જ ન શકે. હું તમને આ આભરણો આપું છું, તે તમે ગ્રહણ કરો, મારા પર ઉપકાર કરો.’ મેં તેના પર કૃપા કરવા આ આભરણો સ્વીકાર્યાં. એટલે તેનો જાણે નવો જન્મ થયો. ઇન્દ્રનાં આભરણો જેવાં જ આ છે.’ (ઉત્તરકાંડ, ૬૯)—સમીક્ષિત વાચના

દંડ રાજાની કથા

(શ્વેત રાજાએ જે વનમાં તપ કર્યું હતું તે નિર્જન કેમ બન્યું તે વિશે રામચંદ્રને જાણવાની ઇચ્છા થઈ એટલે અગસ્ત્ય ઋષિએ એક કથા કહેવા માંડી.) મનુના પુત્ર ઇક્ષ્વાકુને ત્યાં સો પુત્ર જન્મ્યા. તેમાં સૌથી નાનો પુત્ર મૂઢ હતો, તેનું નામ દંડ પાડવામાં આવ્યું. તે પુત્રને શૈવલ અને વિંધ્ય વચ્ચેનું રાજ્ય આપ્યું. ત્યાં તેને એક નગર વસાવી તેનું નામ મધુમન્ત પાડ્યું, પોતાના પુરોહિત ઉશનસ્ અર્થાત્ શુક્રાચાર્યને નીમ્યા. દેવરાજ્યની જેમ તેનું રાજ્ય બન્યું. એક વેળા તે દંડ રાજા ભાર્ગવના આશ્રમમાં પ્રવેશ્યો. ચૈત્ર માસ હતો. ત્યાં તેણે શુક્રાચાર્યની અતિ રૂપવાન કન્યાને વિહાર કરતી જોઈ. તેને જોઈને રાજા કામવશ બન્યો, તેની પાસે જઈને તે બોલ્યો, ‘તું કોણ છે? કોની પુત્રી છે? કામવશ થયેલો હું તને ચાહું છું.’ આ સાંભળી વિનયપૂર્વક તે કન્યાએ ઉત્તર આપ્યો, ‘હું શુક્રાચાર્યની પુત્રી અરજા છું. આ આશ્રમમાં રહું છું. મારા પિતા તમારા ગુરુ છે. મારા પિતા મહાક્રોધી છે, મને વરવી હોય તો ધર્મમાર્ગ ગ્રહણ કરો. નહીંતર તમે ભારે દુઃખ ભોગવશો. મારા પિતા જો ક્રોધે ભરાશે તો ત્રણે લોકને ભસ્મ કરી નાખશે.’ આ સાંભળીને કામવશ થયેલો રાજા બોલ્યો, ‘તું મારા પર કૃપા કર. વિલંબ ન કર. મારા પ્રાણ જતા રહે, ભલે મારો વધ થાય, હું પાપી ગણાઉં.’ આમ કહીને રાજાએ તે કન્યાને જુલમ કરીને ઝાલી લીધી અને તેના પર બળાત્કાર કર્યો. પછી તો તે રાજા નગરમાં જતો રહ્યો. અરજા આશ્રમમાં રડતી કકળતી બેસીને પિતાની રાહ જોવા લાગી. શિષ્યોના મોઢે આખી વાત સાંભળીને ભૂખ્યાતરસ્યા તે આશ્રમમાં આવી ચઢ્યા, ત્યાં તેમણે ગ્રસેલી જ્યોત્સ્ના જેવી, મલિન અરજાને જોઈ. તેમણે પોતાના શિષ્યોને કહ્યું, ‘હવે તમે જોજો. દંડ રાજા પર મારા ક્રોધને કારણે આફત આવી પડશે. તે દુરાત્માનો વિનાશકાળ આવી પહોંચ્યો છે. તેણે અગ્નિશિખાનો સ્પર્શ કર્યો છે. સાત રાત્રિમાં તે રાજા સેવકો, વાહનો સહિત નાશ પામશે. આ રાજ્યના સો યોજન વિસ્તારમાં ઇન્દ્ર ધૂળનો વરસાદ વરસાવશે, તેમાં જે કોઈ હશે તે બધા નાશ પામશે.’ આમ ક્રોધે ભરાયેલા શુક્રાચાર્યે પોતાના આશ્રમવાસીઓને પણ ત્યાંથી જતા રહેવા કહ્યું. બધા ત્યાંથી જતા રહ્યા. પછી તે મુનિએ અરજાને કહ્યું, ‘હે દુષ્ટ બુદ્ધિશાળી, તું આશ્રમમાં જ રહેજે, આ એક યોજનના વિસ્તારવાળા સરોવરના કાંઠે રહેજે. જે જીવો તારી નિકટ હશે તેમનો નાશ નહીં થાય.’ અરજાએ તેમની વાત સ્વીકારી. પછી શુક્રાચાર્ય પણ બીજે વસવા જતા રહ્યા. બ્રહ્મર્ષિના શાપથી સાત દિવસમાં દંડનું રાજ્ય પૂરેપૂરું નાશ પામ્યું. અને આ પ્રદેશ ત્યારથી દંડકારણ્ય તરીકે ઓળખાય છે. (ઉત્તરકાંડ, ૭૧,૭૨)—સમીક્ષિત વાચના

ઇલ રાજાની કથા

(રામલક્ષ્મણ વાતો કરી રહ્યા છે ત્યારે રામ લક્ષ્મણને ઈલ રાજાની કથા કહે છે.) એવું સાંભળ્યું છે કે કંદર્પ નામના પ્રજાપતિને ઇલ નામનો પુત્ર હતો. બાહ્લિક દેશનો તે રાજા હતો. અને સમગ્ર પૃથ્વી તેણે પોતાના અંકુશમાં આણી હતી. પ્રજાને સંતાન માનીને તેનું પાલન કરતો હતો. દેવતાઓ, અસુરો, નાગ, રાક્ષસો, ગંધર્વ, યક્ષ — બધા તેની પૂજા કરતા હતા. તેના ક્રોધથી ત્રણે લોક ધૂ્રજી ઊઠતા હતા. તે ઘણો ધર્મનિષ્ઠ અને પરાક્રમી હતો. તે રાજા એક વખત મૃગયા માટે નોકરચાકર, વાહનો લઈને નીકળી પડ્યો. ઘણા બધા મૃગોને મારવા છતાં તે ધરાયો નહીં. શંકર ભગવાન ને કાર્તિક સ્વામીના જન્મસ્થાને તે પહોંચી ગયો. ત્યાં શંકર ભગવાન પાર્વતી અને બીજા અનુચરો સાથે વિહાર કરતા હતા. શંકર ભગવાન સ્ત્રીરૂપે વિહરતા હતા. તે વનમાં બધાં જ પ્રાણીઓ નારી રૂપે હતાં. તે જ વખતે કંદર્પ પુત્ર ઇલ મૃગયા રમીને ત્યાં જઈ ચઢ્યો. તેણે બધાં જ પ્રાણીઓને સ્ત્રીરૂપે જોયાં, પોતાને પણ સ્ત્રીમાં ફેરવાયેલી જોઈ. આ જોઈને તેને બહુ લાગી આવ્યું. આ ઉમાપતિની લીલા છે એ જાણી તે લાચાર થઈ ગયો. એટલે તે રાજા બધાને લઈને મહાદેવ પાસે ગયો. મહાદેવ સાથે પાર્વતી પણ હતાં. દેવે હસીને કહ્યું, ‘ઊઠો, રાજષિર્, પુરુષત્વ સિવાયનું વરદાન માગો.’ ભગવાને ના પાડી એટલે રાજા વધુ દુઃખી થયો, બીજું કોઈ વરદાન રાજાએ માગ્યું નહીં. પછી રાજાએ દુઃખી થઈને પાર્વતીને સાચા અંત:કરણથી પ્રાર્થના કરી. ‘હે વરદાયિની દેવી, તમે બધાને વરદાન આપો છો, તમારું દર્શન તો અમોઘ છે. તો અમારા પર કૃપા કરો.’ ભગવાનની સંમતિથી દેવીએ કહ્યું, ‘અડધું વરદાન ભગવાન આપે, અડધું હું આપું. એટલે પુરુષત્વ-સ્ત્રીત્વનું અડધું વરદાન માગ.’ દેવીની આ વાણી સાંભળીને રાજા આનંદ પામ્યા, ‘અનુપમ રૂપ ધરાવતાં હે દેવી, જો તમે પ્રસન્ન થયા હો તો હું એક મહિનો સ્ત્રી અને એક મહિનો પુુરુષ રહું એવું વરદાન આપો.’ રાજાની આવી ઇચ્છા જાણીને સુંદર મોંવાળાં દેવીએ હા પાડી. ‘જ્યારે તું સ્ત્રી હોઈશ ત્યારે પુરુષત્વ યાદ નહીં આવે અને પુરૂષ હોઈશ ત્યારે સ્ત્રીત્વ યાદ નહીં આવે.’ આમ રાજા એક મહિનો પુરુષ અને એક મહિનો ઇલા રૂપે રહેવા લાગ્યો. તે ઇલ રાજા પહેલા મહિને સુંદર સ્ત્રી થઈને વનમાં વિહરવા લાગ્યો. કમળપત્ર જેવી તેની આંખો હતી. તે પગે ચાલીને લતા, પાદપ અને વૃક્ષોથી છવાયેલા વનમાં ફરતી હતી. વાહનો ત્યજીને તે પર્વત પાસે ફરતી હતી. ત્યાં વિવિધ પ્રકારનાં પક્ષીઓવાળું એક મનોહર સરોવર હતું. તે વખતે ઇલાએ સોમ એટલે કે ચન્દ્રના પુત્ર બુધને જોયો. તે પાણીમાં ઊભા રહીને તપ કરતા હતા. ઇલાએ સરોવરને ખળભળાવી મૂકયું. બુધની આંખે ઇલા પડી, તે એને જોઈને કામવશ થઈ ગયો. ઇલાને જોઈ, તેમને થયું, ‘ત્રિલોકમાં, દેવલોકમાં આનાથી વધુ રૂપવાન કઈ હશે? દેવીઓમાં, નાગકન્યાઓમાં, અસુર સ્ત્રીઓમાં કે અપ્સરાઓમાં આનાથી વધુ સુંદર સ્ત્રી મેં જોઈ નથી. જો કોઈનું લગ્ન તેની સાથે થયું ન હોય તો હું એની સાથે લગ્ન કરી શકું.’ એમ વિચારી બુધ પાણીમાંથી બહાર આવ્યા. આશ્રમમાં જઈને બધી સ્ત્રીઓને બોલાવી, પછી બુધે તેમને પૂછ્યું, ‘આ લોકસુંદરી કોણ છે? તે શા માટે અહીં આવી છે? મને વિના વિલંબે કહો.’ આ સાંભળી તે સ્ત્રીઓએ કહ્યું, ‘તે અમારી ઉપરી છે. હજુ લગ્ન નથી થયું. અમારી સાથે આ વનમાં વિહરે છે.’ પછી રાજાએ આવર્તની વિદ્યા વડે ઇલ રાજાની બધી હકીકત જાણી. બધી સ્ત્રીઓને કહ્યું, ‘તમે અહીં પર્વત પાસે ઊભા રહો. તમે ફળફૂલમૂળ ખાઈને નિર્વાહ કરો.’ બુધે પોતાના તપોબળથી બધાને કિન્નર બનાવી દીધા. ત્યાર પછી બુધે ઇલાને કહ્યું, ‘હું સોમનો પુત્ર છું. તું સ્નેહાળ આંખો વડે મારી સેવા કર.’ આ સાંભળી નિર્જન અરણ્યમાં રહેતી ઈલા બોલી, ‘હું સ્વતંત્ર છું, તમારે આધીન થઉં છું. મને આજ્ઞા કરો. ઇચ્છા થાય તે કરો.’ ઇલાની વાત સાંભળીને આનંદિત થયેલો અને તે ઇલા સાથે રમણ કરવા લાગ્યો. ચૈત્ર મહિનો તો ક્ષણવારમાં વીતી ગયો. એક મહિનો પૂરો થયો એટલે ઇલ પુરુષ બનીને જાગ્યો. તેણે હાથ ઊંચા કરીને સરોવરમાં તપ કરતા ચન્દ્રને જોયા, ‘ભગવન્, હું મારા અનુચરો સાથે આ વનમાં પ્રવેશ્યો હતો. મારી સેના પણ દેખાતી નથી. તે ક્યાં ગઈ?’ પોતાની સ્ત્રીઅવસ્થા ભૂલી ગયેલાને બુધે શાંત પાડ્યા, ‘પવનના તોફાનને કારણે તારા સેવકો નાશ પામ્યા. વંટોળ અને વર્ષાથી ડરીને તું આશ્રમની અંદર સૂઈ રહ્યો હતો. હવે તું નિર્ભય બનીને આ ફળમૂળ ખા.’ બુધનાં વચન સાંભળીને ધીમાન રાજાએ કહ્યું, ‘સેવકોનો ભલે વિનાશ થયો હોય પણ હું મારા રાજ્યમાં પાછો જઈશ. હું નહીં જઉં તો શશબિન્દુ મારું રાજ્ય છિનવી લેશે. હું નોકરચાકર, સ્ત્રીઓને ત્યજી નહીં શકું. એટલે હવે મને જવા દો.’ આ સાંભળી બુધ બોલ્યા, ‘અહીં તમારે રહેવું જોઈએ. તમે સંતાપ ન કરો, એક વરસ અહીં વીતાવો. તમારું હિત કરી શકીશ.’ તેમની વાત સાંભળીને ઇલ રાજાએ ત્યાં જ રહેવાનો નિર્ધાર કર્યો. સ્ત્રી થતા ત્યારે બુધ સાથે ક્રીડા કરતા અને પુરુષ થતા ત્યારે ચર્ચા કરતા. આમ નવ માસે ઇલાએ ચંદ્ર દ્વારા પુત્રને જન્મ આપ્યો. તેનું નામ પાડ્યું પુરૂરવા. ઇલાએ પુત્રને પિતાના ખોળામાં મૂક્યો. બુધ પણ ક્રીડા અને ધર્મચર્ચા દ્વારા આનંદ પામતા હતા... હવે એક વેળા ઇલ રાજા પુરુષ રૂપે હતા ત્યારે બુધ દેવે ચ્યવન, અરિષ્ટનેમિ, પ્રમોદન, મોદક તથા દુર્વાસા મુનિને આશ્રમમાં નિમંત્ર્યા. બધાનો સત્કાર કર્યા પછી બધાને તેમણે કહ્યું, ‘આ ઇલ કર્દમ પ્રજાપતિનો પુત્ર છે. તમે તેમની બધી વાત જાણો છો. તેનું યોગ્ય કલ્યાણ થાય એવો રસ્તો વિચારો.’ આ વાત ચાલતી હતી અને ઓમકાર પણ આવ્યા હતા. બધાએ એકબીજા સાથે ચર્ચા કરીને જુદા જુદા રસ્તા વિચાર્યા. પોતાના પુત્રના કલ્યાણનો વિચાર કરીને કર્દમે કહ્યું, ‘અરે બ્રાહ્મણો, આ રાજાનું કલ્યાણ થાય એ માટે મારી વાત સાંભળો. એ માટેનો ઉપાય શંકર ભગવાન જ બતાવી શકે. તે દેવને અશ્વમેધ યજ્ઞ બહુ પ્રિય છે. એટલે આપણે અશ્વમેધ યજ્ઞ કરીએ.’ કર્દમ પ્રજાપતિની વાતને બધાએ સ્વીકારી અને રુદ્રની પૂજા માટે યજ્ઞ આદર્યો. એવામાં સંવર્ત ઋષિના શિષ્ય વિખ્યાત મરુત રાજા પણ આવી ચઢયા. તેમણે યજ્ઞસામગ્રી એકઠી કરી, બુધના આશ્રમ પાસે જ યજ્ઞ આરંભાયો. રુદ્ર પરમ સંતોષ પામ્યા અને બોલ્યા, ‘આ યજ્ઞથી હું આનંદ પામું છું, તમારું શું પ્રિય કરું?’ ત્યારે બધા દ્વિજોએ ભગવાનને કહ્યું, ‘આ રાજાનું કલ્યાણ કરો.’ પ્રસન્ન થયેલા રુદ્રે ઇલાને પુરુષત્વ આપ્યું અને તે અંતર્ધાન થયા. યજ્ઞની પૂર્ણાહુતિ થઈ. બધા મુનિઓએ વિદાય લીધી. ઇલ રાજા ત્યાંથી મધ્યદેશમાં ગયા, ત્યાં પ્રતિષ્ઠાનપુર વસાવી તે રાજ્ય કરવા લાગ્યા. શશબિન્દુને બાહલિક રાજ્ય સોંપ્યું. અશ્વમેધ યજ્ઞનો આવો પ્રભાવ, સ્ત્રીત્વને બદલે ઇલને પુરુષત્વની પ્રાપ્તિ થઈ, બીજું દુર્લભ પણ પ્રાપ્ત થાય. (ઉત્તર કાંડ, ૭૮થી ૮૧) — સમીક્ષિત વાચના


મહાભારતની કથાઓ