ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રશિષ્ટ સાહિત્ય

Revision as of 08:38, 28 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પ્રશિષ્ટ સાહિત્ય (classic literature) : મૂળે ગ્રીક કે રોમન સાહિત્યકલા સાથે સંલગ્ન આ સંજ્ઞા ઉત્તમ શિષ્ટવર્ગીય સ્થાયી રસ ધરાવતા સાહિત્ય માટે વપરાય છે. આવું પ્રથમ પંક્તિનું સાહિત્ય ઉત્કટ રસ ધરાવતાં સહૃદયોને સંતૃપ્તિ આપે છે. આવા સાહિત્યનું સ્થાયીત્વ નીતિધોરણો પર નહીં પણ સતત આનંદ આપવાના એના સામર્થ્ય પર અવલંબિત હોય છે અને આવા સાહિત્યની ઉપેક્ષા કરવાનું સહૃદયોને પોસાય તેમ હોતું નથી. આ પ્રકારની ઊંચી ગુણવત્તા અને સિદ્ધિ દર્શાવતા સાહિત્યમાં સંવાદસૌષ્ઠવ, સમતુલન અને સંયમ જેવા આંખે ઊડીને વળગે એવા ગુણધર્મો મોજૂદ હોય છે. પરિણત પ્રતિભા દ્વારા જે તે ભાષાની શક્યતાઓની એમાં પૂરેપૂરી ઉપલબ્ધિ હોય છે. વૈયક્તિકતા અને સાર્વત્રિકતાનાં એનાં અભિલક્ષણોને કારણે આ સાહિત્ય કોઈપણ પરંપરામાં નિકષરૂપ બનેલું હોય છે. ગુજરાતીમાં ગોવર્ધનરામ ત્રિપાઠીની નવલકથા ‘સરસ્વતીચંદ્ર’ને કે ‘કાન્ત’ના ખંડકાવ્ય ‘વસંતવિજય’ને આ પ્રકારના પ્રશિષ્ટ સાહિત્યમાં મૂકી શકાય. ચં.ટો.