ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મધ્યકાલીન છંદો

Revision as of 12:01, 1 December 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)



મધ્યકાલીન છંદો : મધ્યકાલીન સાહિત્યમાં મોટે ભાગે માત્રામેળ છંદો અને દેશીઓ પ્રયોજાયાં છે. ઉપરાંત સંસ્કૃત વૃત્તોનો પણ એમાં ઠીકઠીક ઉપયોગ થયેલો જોવા મળે છે. ૧, સંસ્કૃત વૃત્તો : ચૌદમા સૈકામાં ‘રણમલ્લ છંદ’, ‘સપ્તશતી’ જેવી રચનાઓમાં શ્રીધરે પંચપામર, ભુજંગપ્રયાત, સ્રગ્વિણી અને તોટક જેવા છંદો પ્રયોજ્યા છે. જયશેખરસૂરિએ ‘ત્રિભુવનદીપકપ્રબંધ’માં દ્રુતવિલંબિત અને ઉપજાતિ પણ રચ્યા છે. પરંતુ પંદરમા સૈકામાં શાલિસૂરિના ‘વિરાટપર્વ’માં સંસ્કૃતવૃત્તો અત્યંત આકર્ષક રીતે પ્રયોજાયાં છે. દ્રુતવિલંબિત માલિની, ઇન્દ્રવજ્રા, રથોદ્ધતા-સ્વાગતા અને વસંતતિલકા જેવાં વૃત્તો છટાદાર છે. એ પછી સોમસુંદરસૂરિએ ‘રંગસાગરનેમિફાગ’માં ‘કાવ્ય’ નામથી શાર્દૂલવિક્રીડિતનો ઉપયોગ કર્યો છે. ધનદેવગણિ (સુરંગાભિધાનેમિનાથફાગ), કાન્હ (‘કૃષ્ણક્રીડિતકાવ્ય’), કેશવદાસ (‘કૃષ્ણલીલાકાવ્ય’), વાસણદાસ (‘રાધારાસ’) જેવા કવિઓએ પંદરમીસોળમી સદીમાં શાર્દૂલવિક્રીડિતના સુદીર્ઘ લયમાં કરેલી રચનાઓ મનોહર છે. કેટલાક કવિઓએ ભુજંગી/ભુજંગપ્રયાતને ઠીકઠીક ઉપયોગમાં લીધો છે. ઈશ્વરસ્તુતિની રચનાઓ માટે અજ્ઞાતકવિ (‘ભવાનીનો છંદ’), લક્ષ્મીદાસ (રામરક્ષાસ્તુતિ), કહાન (કૃષ્ણસ્તુતિ) વગેરેએ ભુજંગીની ચાલને સારી પલોટી છે. એક અજ્ઞાત કવિની, ગણેશસ્તોત્ર માટે ચામર છંદ પર પણ પસંદગી ઢળેલી છે. પ્રેમાનંદે ખાસ તો ‘રણયજ્ઞ’માં અને ‘દશમસ્કંધ’માં પણ ભુંજગીને કુશળતાપૂર્વક પ્રયોજ્યો છે. સત્તરમી સદીના સળંગ વૃત્તબદ્ધકથાકાવ્ય ‘રૂપસુંદરકથા’માં માધવકવિએ અને ગોપાલભટ્ટે ‘ફૂલાંચરિત્ર’માં ભુજંગપ્રયાત ઉપરાંત રથોદ્ધતા-સ્વાગતા, સ્રગ્વિણી, દ્રુતવિલંબિત, માલિની, શાલિની-મંદાક્રાન્તા-સ્રગ્ધરા જેવાં અનેક વૃત્તોને ઠાઠમાઠથી ઉપયોગમાં લીધાં છે. આ દૃષ્ટિએ ‘વિરાટપર્વ’ અને ‘રૂપસુંદરકથા’ સળંગ પણ વિવિધ વૃત્તોમાં જ રચાયેલી કૃતિઓ છે. ‘આત્મવિચારચંદ્રોદય’માં રત્નેશ્વરે પણ વિવિધ વૃત્તોમાં રચના કરી છે. મીઠુએ ‘સ્ત્રીલહરી’ના અનુવાદમાં શિખરિણી અને તોટકનો પ્રયોગ કર્યો છે. આ રીતે મધ્યકાળમાં શાર્દૂલવિક્રીડિત, દ્રુતવિલંબિત, ઉપજાતિ, માલિની, તોટક જેવાં વૃત્તોનો વ્યાપક ઉપયોગ થયો છે. દયારામે લાવણ્યસમય, લક્ષ્મીદાસ, ગોપાલ, કેસરવિમલ પછી કરેલો માલિનીનો પ્રયોગ નોંધપાત્ર છે. તોટક, ભુજંગી, સ્રગ્વિણી, ઇન્દ્રવિજય જેવા આવૃત્ત સંધિવાળા અક્ષરમેળ છંદોનો કવિઓએ સારો લાભ લીધો છે. તેમ છતાં જાતિછંદો અને દેશીઓની તુલનાએ સંસ્કૃતવૃત્તો ઓછાં પ્રયોજાયાં છે. એ નોંધવું જોઈએ. ૨, જાતિછંદો : માત્રામેળ : મધ્યકાળમાં ચોપાઈ, દુહા (દોહરો), રોળા, સવૈયા, હરિગીત, ઝૂલણા, કવિત (મનહર) જેવા માત્રામેળ છંદોનો મોટા પ્રમાણમાં ઉપયોગ થયો છે. વિવિધ સાહિત્યપ્રકારોમાં આ છંદો પ્રયોજાયેલા છે. અપભ્રંશ સાહિત્યના વારસારૂપ ચોપાઈ (ચઉપઈ) કથાશ્રિત કાવ્યપ્રકારમાં વિશેષરૂપે જોવા મળે છે. નાકરે તો ‘રામાયણ’માં કેટલાક દુહા અને ચોપાઈઓ પણ આપી છે. એનાં ‘પર્વો’માં ચોપાઈ (ચૌપૈ) વારંવાર આવે છે. પદ્યકથાના માધ્યમ તરીકે ચોપાઈએ સારું કામ આપ્યું છે. અસાઈતની ‘હંસાઉલી’, ભીમની ‘સદયવત્સવીર પ્રબંધ’, મલયચન્દ્રની ‘સિંહાસનબત્રીસી’, નરપતિની ‘પંચદંડ’ની વાર્તા વગેરે ઉપરાંત શિવદાસની ‘કામાવતીકથા’ અને શામળની ‘સિંહાસનબત્રીસી’, ‘મદનમોહના’, ‘નંદબત્રીસી’, વગેરે અનેક પદ્યવાર્તાઓમાં ચોપાઈનો વ્યાપકપણે ઉપયોગ થયો છે. ચોપાઈ સાથે દોહરાને આ વાર્તાઓમાં ગૂંથવામાં કવિએ વૈવિધ્ય દર્શાવ્યું છે. એકલા/માત્ર દોહરાનો ઉપયોગ કરીને લખાયેલી પદ્યકથાઓ પણ મળે છે. જેમકે ગણપતિની ‘માધવાનલકામકંદલાપ્રબંધ’ તથા દામોદરની ‘માધવાનલકથા’. દોહામાં લખાયેલી પદ્યકથાઓ ભાવપ્રધાન છે અને ચોપાઈમાં લખાયેલી પદ્યકથાઓ કથાનકના પ્રાધાન્યવાળી છે. કેટલીક વાર તો જૈન કવિઓએ ચોપાઈ-પ્રધાનતાને કારણે પોતાની પદ્યવાર્તાઓને ‘મારુઢોલાચોપાઈ’, ‘માધવાનંદ-કામકંદલા-ચોપાઈ’ એવાં નામોથી/ શીર્ષકોથી ઓળખાવી છે. કેટલીક વાર્તાઓમાં ચોપાઈ અને દોહા એક પછી એક આવ્યા કરે છે. શામળ જેવામાં બન્ને સાથે પ્રયોજાયેલાં છે. અને પછીથી દોહાનું પ્રમાણ વધતું ગયું છે. પદ્યવાર્તાઓમાં છપ્પાઓ પણ આવે છે (રોળા અને ઉલ્લાલનો સંશ્લેષ). છપ્પા, કુંડળિયા(દોહરો અને રોળા), ચંદ્રાવળા (ચરણાકુળ અને દોહરો) જેવી સંશ્લિષ્ટ રચનાઓ પણ મધ્યકાળમાં ઠીકઠીક મળે છે. શામળે તો કવિત-મનહર છંદનો પણ ઉપયોગ કર્યો છે. વળી, ‘કવિતદોઢ’ નામની મનહરની વધારેલી રચના પણ આપી છે. કવિ રાજેમાં પણ કવિત-મનહરનો પ્રયોગ મળે છે. પ્રબંધોમાં પણ ચોપાઈ પ્રયોજાઈ છે. ‘કાન્હડદેપ્રબંધ’ (પૂર્વાર્ધમાં પવાડા છંદ પછી ચોપાઈ), ‘વિમલપ્રબંધ’, ‘હમ્મીરપ્રબંધ’, ‘ત્રિભુવનદીપકપ્રબંધ’, વિદ્યાવિલાસપવાડુ’ વગેરેમાં ચોપાઈ સાથે દોહરા, વસ્તુ છંદ ઉપરાંત દેશીઓ અને સંસ્કૃત વૃત્તો પણ છે. રાસસાહિત્યમાં પણ ચોપાઈ અને દોહરાનો વિશેષ ઉપયોગ થયો છે. આરંભકાળની રચનાઓમાં ષટ્પદી (પહેલી બે પંક્તિ ૧૬ માત્રાની ચોપાઈની અને પછીની ચાર પંક્તિ જુદાજુદા માપની-એમ છ પંક્તિની કડી) વપરાઈ છે. જેમકે ‘જીવદયારાસ’, ‘ચંદનબાલારાસ’, ‘આબૂરાસ’માં ચોપાઈની ચાર પંક્તિ સાથે અન્ય માપની ચાર પંક્તિ આવે છે. પાછળની રચનાઓમાં ગેયતાનું પ્રમાણ વધતાં, પંક્તિઓના આરંભે, મધ્યે કે અંતે જુદાં જુદાં પાદપૂરકો કે લટકણિયાનાં ઉમેરણ થયાં છે. લઘુકાવ્ય પ્રકારોમાં નરસિંહનાં પ્રભાતિયાંનો ઝૂલણા છંદ એના પ્રલંબ લયથી સ્ફૂર્તિવાળો બન્યો છે. એની પૂર્વે પણ ઝૂલણા પ્રયોજાયાનું નિર્દેશાયું છે. નરસિંહે એનાં પદોમાં ચોપાઈ, હરિગીત, પવાડાના ઢાળનો સરસ ઉપયોગ કર્યો છે. ફાગુ કાવ્યપ્રકારમાં પણ આરંભે, ખાસ કરીને ‘સ્થૂલિભદ્રફાગ’, ‘નેમિનાથફાગુ’ જેવી રચનાઓમાં રોળા વપરાયો છે. દોહા કે ચોપાઈ પાછળથી વપરાશમાં આવ્યાં છે. ‘વસંતવિલાસ’માં દોહકઉપદોહક પ્રકારનો દુહો પ્રયોજાયો છે. અને યમકસાંકળી દ્વારા કવિએ એને સરસ ખીલવ્યો છે. વિશ્વનાથ જાનીએ પણ મુક્તકો જેવા સુંદર દોહા ‘પ્રેમપચીસી’માં આપ્યા છે. બારમાસા કાવ્યપ્રકારમાં, આરંભની કૃતિ નેમિનાથ-ચતુષ્પદિકા’માં ચોપાઈ છે. ‘સ્થૂલિભદ્રબારમાસા’માં હરિગીતનાં ચાર ચરણ પછી દોહાની દેશીની એક કડી પ્રયોજવામાં આવી છે. અખાના ‘છપ્પા’, પ્રીતમનો ‘કક્કો’ વગેરેમાં પણ ચોપાઈનો પ્રયોગ છે. અખાના ‘અનુભવબિન્દુ’માં રોળા છે. માતૃકા અને ચચ્ચરી પ્રકારની કૃતિઓમાં દોહા અથવા ચોપાઈ, સંવાદ શીર્ષકવાળી, ‘કૃષ્ણ-ગૃહિણીસંવાદ’, ‘રાવણ-મંદોદરી સંવાદ’, ‘કરસંવાદ’ જેવી રચનાઓ દોહાની દેશી કે દોહા-ચોપાઈમાં લખાયેલી છે. આમ, દોહરો અને ચોપાઈ મધ્યકાલીન સાહિત્યમાં અત્યંત વ્યાપક છે. શામળનો એમાં નોંધપાત્ર ફાળો છે. સવૈયો, હરિગીત, પ્લવંગમ, ચોપાયો, રોળા, પદ્ધડી ઉપરાંત કેટલીક મિશ્ર રચનાઓ મધ્યકાળમાં ઉપયોગમાં લેવાઈ છે. લયમેળ – દેશીઓ : મધ્યકાળમાં વિવિધ પ્રકારની દેશીઓ તાલબદ્ધ રાગિણીઓમાં ગાઈ શકાય એ રીતે રચાયેલી. ‘દેશી’ શબ્દ દેશી રાગોનો વાચક છે. જે તે રાગને આધારે જે તે દેશમાં રૂઢ થયેલાં ગીતોની ગતો એવો એનો અર્થ સમજવાનો છે. શિષ્ટ કે શાસ્ત્રીય સંગીતમાં સ્થાન નહિ પામેલું ગુજરાતનું સંગીત એ દેશી સંગીત છે. એના ગાનના સ્વરૂપને દેશી કહે છે. આખ્યાનો ગેય છે. લોકો સમક્ષ જુદી જુદી રાગ-રાગિણીઓમાં એ ગવાતાં. એમાં માત્રાઓ ઓછીવત્તી પણ થતી, ઉમેરણો પણ થતાં. પંક્તિને આરંભે, મધ્યે કે અંતે, પંક્તિવિસ્તાર માટે એમાં લટકણિયાં ઉમેરાતાં. આખ્યાનોમાં કડવાંને આરંભે અમુક રાગનું નામ આપેલું હોય છે. કેદારો, ગોડી, આશાઉરી/વરી, ધનાશ્રી, વગેરે. આ બધાં શિષ્ટ સંગીતનાં નામો છે. પણ ગુજરાતીમાં રૂઢ થયેલી અમુક નિયત તાલબદ્ધ સ્વરાવલિની એ છંદોરચના છે. ઘણીવાર લહિયા રાગનાં નામ ખોટાં પણ લખતા. માત્રામેળ છંદોની શિથિલરૂપવાળી આ ગેય રચનાઓ છે. એટલે માત્રાસંધિઓ અહીં પ્લુતિ દ્વારા પ્રેરાઈને એનો લય જાળવીને ગવાતી, કેટલીક વાર ઢાળને પણ દેશીના પર્યાય તરીકે પ્રયોજવામાં આવતો. આખ્યાનો અને પદોના અનેક પ્રકારો (ગરબી-ગરબાભજન વગેરે) આ દેશીઓનાં ગેય રૂપોમાં લખાયા છે. છંદ કરતાં દેશીમાં હ્સ્વ-દીર્ઘની છૂટ વધુ લેવાતી હોય છે. ‘વૈદરભી વનમાં વલવલે, અંધારી રાત/ભામિની ભય પામે ઘણું, એકલડી જાત’ – ‘નળાખ્યાન’ની આ પંક્તિ શુદ્ધ દોહરો નથી પણ ષટ્કલ રચનાથી એનું ગાન થાય છે. અલબત્ત, એનું કાઠું દોહરાનું છે. મધ્યકાળના ભાલણ, નાકર, પ્રેમાનંદ જેવા અનેક કવિઓએ ‘સુણ સુંદરી રે’, ઘેલી કોણિ કરી રે’ અથવા ‘તને સાંભરે રે’ – ‘મને કેમ વીસરે રે’ એવા ધ્રુવખંડોવાળી દોહરાબંધની દેશીઓ વ્યાપકપણે પ્રયોજેલી છે. ‘પંખી દીઠો કનકની પાંખ રે, ચેહેવા રાને મન થઈ ધાંખ રે’ એમાં ‘રે’ કે અન્યત્ર ‘જી’ મૂકીને ચોપાઈબંધની દેશી વપરાઈ છે. ‘વિનવે દેવકી હો વીરાને વલવલી’ – એ રોળાની દેશી છે. એ જ રીતે ‘હંસે માંડ્યો રે વિલાપ પાપી માણસાં રે’ પણ રોળાની દેશીમાં છે. પ્રસિદ્ધ ભજન વૈષ્ણવજન તો તેને કહિયે (જે) પીડ પરાઈ જાણે રે’ ‘રે’ અન્તવાળો ત્રીસો સવૈયો છે. ‘મા તું પાવાની પટરાણી કે, કાળી કાલિકા રે લોલ’ પણ એ જ ધાટીની છે. ‘જલકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે’ – એ સપ્તકલસંધિની દેશી છે. ‘ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી’માં સપ્તકલોનું આવર્તન વરતાય છે. ‘બાણ વરસે, વીર તરસે, રુધિર કર્દમ થાય રે’ એ હરિગીતની દેશી છે. ‘કોણ સુત કરમથી કુંઅર થઈ અવતર્યો? એહ આશે કરી મંન ઠરતાં’ – એ ઝૂલણાની દેશી છે. ‘જશોદાજી છોડો સુંદર શ્યામને, કઠણ દામણું ખૂંચે કોમલ તન હો’ – એ પ્લવંગમની દેશી છે. આ રીતે મધ્યકાળના કવિઓએ દોહરા, ચોપાઈ, રોળા, સવૈયા, ઝૂલણા, હરિગીત, ચરણાકુળ, પ્લવંગમ, ભુજંગી વગેરે માત્રાબંધની દેશીઓને વિશાળ રૂપમાં/વિપુલ માત્રામાં પ્રયોજી છે. જુદા જુદા રાગમાં એકની એક દેશી પણ ગવાતી હતી. આ રાગ શાસ્ત્રીય સ્વરૂપના નહિ પણ રાગના સ્વર બાંધીને દેશી ઢબે આખ્યાન વગેરેમાં ગાઈને લોકને સંભળાવાતા હતા. પદોમાં અનેક પ્રચલિત લોકગીતોના ઢાળ પણ ઉપયોગમાં લેવાતા હતા. આખ્યાનોમાં વચ્ચે વચ્ચે ઊર્મિની તીવ્રતા દર્શાવવા પદો પણ ગૂંથવામાં આવતાં હતાં. અઢી હજાર જેટલા દેશીબંધોનો વિદ્વાનોએ નિર્દેશ કરેલો છે. કેટલીક મિશ્રરૂપોવાળી દેશીઓ પણ વપરાઈ છે. જેમાં પહેલી બે પંક્તિ ચોપાઈની અને ત્રીજી દોહરાનું ચોથું ચરણ હોય કે ચોપાઈ પણ હોય. ભોજા ભગતે પોતાના ચાબખા ષટ્કલમાં લખ્યા છે. ‘મૂરખો રળી રળી કમાણો રે, માથે મેલશે મણનો પાણો.’ દયારામની ‘નેણ નચાવતા નંદના કુંવર પાધરે પંથે જા!’માં પણ ષટ્કલ રચના જોવા મળે છે. દેશીઓનું મધ્યકાળમાં મોટું પૂર આવેલું પ્રતીત થાય છે. મોટેથી લલકારીને ગાવા માટે જ આ દેશીઓ રચાઈ છે. એટલે એની જુદી જુદી પંક્તિઓની માત્રાઓ સરખી હોતી નથી. તેમ છતાં ગવાતી વખતે દેશીઓના સંધિઓ આપણા ઉપર સ્પષ્ટ સંસ્કાર પાડે છે અને એ સંધિઓની આવૃત્તિઓ પ્લુત ઉચ્ચારણો દ્વારા પ્રેરાઈને એના પિંગળરૂપને પ્રગટ કરે છે. મધ્યકાલીન સાહિત્યમાં દેશીઓનું અપાર વૈવિધ્ય રહેલું છે. ચિ.ત્રિ.