ભારતીયકથાવિશ્વ−૪/હેમચંદ્રાચાર્યકૃત ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત

Revision as of 17:10, 3 December 2021 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| હેમચંદ્રાચાર્યકૃત ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત | }} {{Poem2Open}} ===...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


હેમચંદ્રાચાર્યકૃત ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત

સગર રાજાની કથા

સગર રાજાના શસ્ત્રમંદિરમાં સુદર્શન નામે ચક્રરત્ન ઉત્પન્ન થયું, આ અદ્ભુત ચક્રનો પૂજામહોત્સવ નગરજનોએ કર્યો. આમ કરવાનો વિચાર ચક્રે રાજાને બતાવ્યો હોય તેમ રાજા સ્નાનાદિ કર્મથી પરવારીને ગજરત્ન પર સવાર થયા. અને પુરોહિતો, સૈનિકો સાથે તેઓ ધીમે ધીમે મગધ દેશમાં જઈ પહોંચ્યા અને રાજાએ પોતાના નામથી અંકિત થયેલું બાણ રાજસભામાં પડેલું જોયું, રાજાએ બાણ પર નામ વાંચીને તેને બોલાવ્યો, તેણે સગર પાસે આવીને પોતાને સામંત તરીકે ઓળખાવ્યો. આ પછી ચક્ર દક્ષિણ દિશામાં ચાલ્યું. અનેક રાજાઓને નમાવ્યા, કેટલાકને પદભ્રષ્ટ કરીને નવા રાજાઓને બેસાડતા હતા, એમ કરતાં કરતાં દક્ષિણ દિશામાં જઈ પહોંચ્યા અને ત્યાં વરદામપતિ નામના રાજા પર બાણ છોડ્યું, તે રાજા પણ ભેટ સોગાદો લઈને સગર સમક્ષ આવ્યો. પોતાને શરણાગત તરીકે ઓળખાવ્યો. હવે ચક્રરત્નની પાછળ પાછળ રાજા પશ્ચિમ દિશામાં જવા નીકળી પડ્યા. મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર, કચ્છના રાજાઓને નમાવી પ્રભાસંપતિ રાજા પાસે જઈ પહોંચ્યો અને ત્યાં પણ તેમનો વિજય થયો, ત્યાંથી સિંધુદેવી પાસે ગયા અને તે દેવીએ પોતાને દાસી તરીકે ઓળખાવી. હવે ચક્ર ઉત્તરપૂર્વ દિશામાં નીકળ્યું અને ત્યાં વૈતાઢ્યકુમારે પણ રાજાને ઓળખીને ભેટસોગાદો ધરી. પછી અનેક વિદ્યાઓમાં કુશળ એવા પોતાના મલેચ્છ લોકોની ભાષા જાણતો હતો, સમગ્ર દેશના માર્ગોથી તે પરિચિત હતો. તે હવે કેટલાક મલેચ્છો, કિરાતો ભાગીને સિંધુ નદીને કિનારે જઈને બેઠા અને પોતાના કુળદેવતાઓને પ્રાર્થના કરી. એટલે દેવતાઓએ પ્રસન્ન થઈને તેમની ઇચ્છા પૂછી, ત્યારે કિરાતોએ કહ્યું, અમારા વિસ્તારમાં પ્રવેશીને એક વ્યક્તિએ અમને પરાજિત કર્યા છે, તો તમે તેને આજ્ઞા આપો કે અહીં પ્રવેશે નહીં: પણ તમારે માટે અમે તે રાજાને હંફાવીશું. એમ કહીને તેમના પર વરસવા માંડ્યું. પછી બીજા દેવતાઓએ આવીને ઉપદ્રવ કરનારાઓને બહુ ઠપકો આપ્યો, ધમકી પણ આપી એટલે તે બધા જળમાં સંતાઈ ગયા. આ જોઈને કિરાતોએ શરણાગતિ સ્વીકારી લીધી અને રાજાને પુષ્કળ ભેટસોગાદો આપી; પછી સેનાપતિએ રાજાની આજ્ઞાને માન આપીને સિંધુના પશ્ચિમ વિસ્તારને જીતી લીધો. પછી આ ચક્ર હિમાલય વિસ્તારમાં પ્રવેશ્યું. હિમાલય દેવ ઉપર પોતાના નામવાળું બાણ ફેંક્યું. અક્ષરો વાંચીને તેણે તો ઔષધિઓ, અલંકારો, કલ્પવૃક્ષની માળાઓ ભેટ ધરી. દિગ્વિજયની પ્રતિજ્ઞા પૂરી થઈ. એટલે સગરરાજાએ મોટો ઉત્સવ કર્યો. પછી ગંગાદેવીના ભુવને આવ્યા અને ત્યાં દેવીને ઉદ્દેશી તપ કર્યું. દેવીએ અંતરીક્ષમાં ઊભા રહીને રાજાને રત્નકુંભો, સિંહાસનો ભેટ આપ્યાં. પછી નાટ્યમાળદેવે પણ ચક્રવર્તીનો સત્કાર કર્યો. વિદ્યાધરોએ પણ સેવા કરવાનું સ્વીકાર્યું. ગંગાના પશ્ચિમ કિનારે છાવણી કરીને અઠ્ઠમ તપ કર્યું. પછી નવ નિધિ અને પ્રત્યેક નિધિના હજાર હજાર દેવતાઓએ રાજાના સેવક બનવાનું સ્વીકાર્યું. ચક્રવર્તી રાજા ચૌદ મહારત્ન, નવનિધિ, ધરાવતા હતા. બત્રીસ હજાર રાજાઓ સેવા કરતા હતા. ચોસઠ હજાર સ્ત્રીઓ ત્યાં હતી અને આમ અનેક પ્રકારની સમૃદ્ધિ તેઓ ધરાવતા હતા. તેમણે છેવટે વિનિતાનગરી પાસે પડાવ નાખ્યો, એક દિવસ રાજા તોફાની ઘોડા પર સવાર થયા. શરૂઆતમાં અંકુશમાં રહેલો ઘોડો એકાએક ઊઠીને રાજાને મોટા જંગલમાં લઈ ગયો, છેવટે ચાલતા ચાલતા એક સુંદર સરોવર પર આવી ચડ્યા, ત્યાં નાહીધોઈને કિનારે બેઠા. એટલામાં ત્યાં જળદેવી જેવી સુંદર એક યુવતી આવી ચઢી. અમૃતવૃષ્ટિ જેવું સ્ત્રીનું દર્શન લાગ્યું. તે સ્ત્રીએ પણ રાજાને જોયા અને કામદેવના શરથી વીંધાઈ. તેની સખીઓ માંડમાંડ સાચવીને તેને નિવાસસ્થાને લઈ આવી. કોઈ કંચુકીએ રાજા પાસે આવીને કહ્યું, ‘આ વૈતાઢ્ય પર્વતમાં ગગનવલ્લભ નગરમાં સુલોચન નામે વિદ્યાધર છે, તેને સહનયન નામે પુત્ર અને સુકેશા નામે પુત્રી છે. પુત્રીના જન્મ વખતે ભવિષ્ય ભાખવામાં આવ્યું. આ પુત્રી ચક્રવર્તીની પટરાણી થશે. ઘણા તેની સાથે લગ્ન કરવા તૈયાર હતા, પણ તેના પિતા કોઈની સાથે લગ્ન કરવા તૈયાર નથી. પૂર્ણમેઘ નામનો રાજા બળાત્કારે તેનું હરણ કરવા માગતો હતો. એટલામાં સહનયન ત્યાં આવી ચઢ્યો અને રાજાને પોતાના નિવાસસ્થાને લઈ ગયો ત્યાં તેણે પોતાની બહેન રાજાને આપી. રાજાએ સહનયનને વિદ્યાધરોનો નાયક બનાવ્યો. સુકેશાને લઈને સગરચક્રી રાજા સાકેત એટલે કે અયોધ્યા આવ્યા અને ત્યાં તપ કર્યું. પછી પોતાની અનેક રીતે શણગારેલી નગરીમાં પ્રવેશ કર્યો. બધા જ આશ્રિતોને તેમના સ્થાનકે જવાની આજ્ઞા આપી. એક દિવસ દેવતાઓએ સામે ચાલીને ચક્રવર્તીપણાનો અભિષેક કરવાની ઇચ્છા બતાવી. સગર રાજાએ સંમતિ આપી એટલે ભવ્ય અભિષેક થયો. ઉત્સવને અંતે નગરના અધ્યક્ષે પોતાના માણસોને હાથી પર બેસાડીને આખા નગરમાં આવી ઘોષણા કરી. એક વેળા ભગવાન અજિતનાથ સ્વામી સાકેતનગરના ઉદ્યાનમાં સમોસર્યા. સહનયને જૂનું વેર સંભારીને પૂર્ણમેઘનો વધ કર્યો એટલે તેનો પુત્ર શરણ લેવા અહીં આવી ચઢ્યો અને તેની પાછળ પાછળ સહલોચન પણ તેને મારી નાખવા આવ્યો પણ ભગવાનના પ્રભાવે કરીને તેનો ક્રોધ શમ્યો. સગરચક્રીએ ભગવાનને આવા વેરનાં કારણ પૂછ્યાં. એટલે ભગવાને વાત કહી, ‘ભાવન નામનો વણિક પોતાનું બધું દ્રવ્ય પુત્ર હરિદાસને સોંપી વેપાર કરવા પોતાને ઘેર આવ્યો. — આ ચોર છે એમ માનીને હરિદાસે તેનો વધ કર્યો. પછી બે પિતાપુત્રે એકબીજાને ઓળખી લીધા. આ ભાવનશેઠે બીજા જન્મે પૂર્ણમેઘ થયો અને હરિદાસ સુલોચન થયો. આમ બંને શત્રુ થયા. તે પ્રસંગે ભીમ નામના રાક્ષસપતિએ મેઘવાહનને ભેટીને કહ્યું, ‘હું પૂર્વભવમાં વિદ્કહ્યુંદ્રષ્ટ નામે રાજા હતો, તું મારો રતિવલ્લભ નામે પુત્ર હતો. આ જન્મે પણ તું મારો પુત્ર. તું મારા રાક્ષસદ્વીપનું રાજ સંભાળ. મારા પાટનગરથી થોડે દૂર લંકા નામની નગરી વસાવી છે, ત્યાં તું આવ; બંને નગરીનો સ્વામી બન.’ આમ મેઘવાહન બંને નગરીનો રાજા થયો, અને ત્યારથી ધનવાહનનો વંશ રાક્ષસવંશ તરીકે જાણીતો થયો. હવે સગર રાજા ચોસઠ હજાર સ્ત્રીઓ સાથે ઇન્દ્રની જેમ ક્રીડા કરવા લાગ્યા, કાળક્રમે જહ્નુકુમાર વગેરે સાઠ હજાર પુત્રો થયા. તેઓ મોટા થયા અને ઘણી બધી વિદ્યાઓમાં પારંગત થયા. એક દિવસ આ પુત્રોએ તેમના પિતાને પ્રાર્થના કરીને પૃથ્વી પર મનપસંદ વિહાર કરવાની આજ્ઞા માગી; અને તેમણે પ્રયાણની સર્વ તૈયારીઓ કરી દીધી, પણ સાથે સાથે તેમને ભારે અપશુકનો થયાં. સૂર્યમંડળ સેંકડો કેતુઓથી ઘેરાઈ ગયું, ચંદ્રના મંડળમાં છિદ્રો થયાં, પૃથ્વી કંપવા લાગી, શિલાઓના કટકા જેવા કરા વરસવા લાગ્યા; શિયાળવીની લાળી સંભળાવા માંડી. સગર રાજાએ સ્ત્રીઓ સિવાય ઘણાં બધાં રત્નો મોકલ્યાં. આ બધા પુત્રો શસ્ત્રસજ્જ થઈને ભરત ભૂમિમાં ભમવા લાગ્યા. એમ કરતાં કરતાં તેઓ અષ્ટાપદ પર્વતો પર આવી પહોંચ્યા. અમાત્યોને પૂછવાથી તેમને જાણ થઈ કે એ પર્વત પર ઋષભદેવ ભગવાન દસ હજાર સાધુઓની સાથે શાશ્વત પદને પામ્યા હતા. આ સાંભળીને કુમારો દર્શન કરવા પર્વત પર ચડ્યા. અને પછી ઋષભ સ્વામીની સ્તુતિ કરી. પછી જહ્નુકુમારે ત્યાં નવું ચૈત્ય ઊભું કરવાનો વિચાર કર્યો, પાછળથી એ પર્વતની ચારે બાજુ ખાઈ કરવા પૃથ્વી ખોદવા માંડી. હજાર યોજન ઊંડી ખાઈ ખોદાઈ એટલે ત્યાંનાં નાગમંદિરો ભાંગવા લાગ્યાં, નાગકુમારો ત્રાસ પામ્યા. ત્યાંનો રાજા જ્વલનપ્રભ કુમારો પાસે આવ્યો અને ક્રોધે ભરાઈને તેમને ઠપકો આપ્યો. જહ્નુકુમારે પોતાનો બચાવ કર્યો, ક્ષમા માગી એટલે નાગરાજનો કોપ શમ્યો. હવે જહ્નુને થયું કે આ ખાઈ પાણી વિના શોભે નહીં, અને એ માટે ગંગા જોઈએ. બીજા ભાઈઓએ હા પાડી એટલે જહ્નુકુમારે ગંગાના કાંઠાને તોડી નાખ્યો. અને ગંગા નદી અષ્ટાપદ પર્વત પાસે આવી, જહ્નુએ આ ગંગાને ખેંચી એટલે તેનું નામ જાહ્નવી પડ્યું. હવે ખાઈ પૂરતાં જે પાણી વધ્યું તે નાગકુમારોના સ્થાનમાં પ્રવેશ્યું. બધા નાગ આકુળવ્યાકુળ થઈ ગયા. એટલે જ્વલનપ્રભ નાગરાજ કોપ્યો. એક અપરાધ ક્ષમા કર્યો તો તેઓએ બીજો અપરાધ કર્યો. આમ ક્રોધે ભરાઈને તે નાગકુમારોની સાથે બહાર નીકળ્યો અને દૃષ્ટિવિષ સર્પરાજે ક્રોધે ભરાઈને કુમારો સામે જોયું એટલે બધા કુમારો ઘાસનો પૂળો આગથી સળગી જાય તેમ ભસ્મ થઈ ગયા. સૈન્યમાં હાહાકાર મચી ગયો, બધાં કલ્પાંત કરવા લાગ્યા, અંત:પુરની સ્ત્રીઓ પણ ભારે વિલાપ કરવા લાગી. હે ગંગા, તું ઊછળીને અમને મૃત્યુ આપ. હે કેશપાશ, હવે પુષ્પમાળા સાથેની મૈત્રી ત્યજી દો; હે નેત્ર, હવે કાજળને જળાંજલિ આપો; હે કપોલ, તમે પત્રરેખા સાથે સંબંધ ન રાખતા; હે હોઠ, હવે તમે અળતા સાથેનો વિચાર માંડી વાળો; હે કાન, હવે ગાયન સાંભળવાની ઇચ્છા ત્યજી દો. હે હૃદય, તું તત્કાળ પાકેલા ચીભડાની જેમ બે ભાગમાં વહેંચાઈ જા, હે બાહુ, હવે કંકણ અને બાજુબંધના ભારથી તમે મુક્ત થયા; હે કટિ, નિત્ય પ્રભાતનો ચંદ્ર જેમ કાંતિ ત્યજી દે તેમ તું કટિમેખલા ત્યજી દે, હે ચરણ, હવે તમે અનાથની જેમ આભૂષણમુક્ત થયા; હે અંગ, હવે કૌવચના સ્પર્શની જેમ અંગરાગની તમને જરૂર નહીં પડે.’ સેનાપતિ, સામંતો, મંડલેશો પણ જાતજાતના તર્કવિતર્ક કરતા બોલવા લાગ્યા. છેવટે તો દૈવને જ કારણભૂત માન્યું. પછી આકાશને મારી ન શકાય, પવનને પકડી ન શકાય એમ માનીને બધા લાચાર વદને અયોધ્યાની દિશામાં ચાલી નીકળ્યા. પણ રાજાને શું મોં દેખાડીશું એમ વિચારીને તેઓ આત્મહત્યા કરવા તૈયાર થયા. એવામાં જ ત્યાં કોઈ ભગવાં વસ્ત્રધારી બ્રાહ્મણ આવ્યો અને તેણે સૌને ઉપદેશ આપ્યો, મૃત્યુનો નિષેધ ન કરવા બધાને સમજાવ્યા. આકાશમાંથી પડતું વજ્ર મૂઠીમાં પકડી શકાય, સમુદ્રને પાળ બાંધીને રોકી શકાય, પડવા આવેલા પર્વતને ટેકા વડે ટકાવી શકાય, પવનને મંદ કરી શકાય પણ મૃત્યુને સેંકડો ઉપાયે રોકી ન શકાય. એક બ્રાહ્મણ રસ્તામાં કોઈ અનાથ મૃતક હતું તેને લઈને નગરીમાં પ્રવેશ્યો અને રાજાને ફરિયાદ કરી. ‘હું લુંટાઈ ગયો છું.’ એમ બોલતા બ્રાહ્મણને ધીરજ બંધાવી અને કેવી રીતે લુંટાયા છો તે પૂછ્યું. પછી બ્રાહ્મણે પોતાની વીતકકથા કહી, હું વિદ્યા ભણીને વતન આવ્યો ત્યારે પોતાના મરી ગયેલા પુત્ર માટે પુષ્કળ કલ્પાંત કરતી પત્ની મેં જોઈ. મારા પુત્રનું મૃત્યુ સર્પદંશથી થયું હતું. હું શોકથી ઘેરાઈને રાતે જાગતો બેસી રહ્યો ત્યારે કુળદેવીએ આવીને મને કહ્યું, ‘હું જે કહું તે પ્રમાણે કરીશ તો તારો પુત્ર જીવી જશે. જેના ઘરમાં કોઈ મૃત્યુ થયું ન હોય તેના ઘરમાંથી માંગલિક અગ્નિ લઈ આવ.’ એટલે હું ઘેર ઘેર ભટક્યો પણ એકે ઘર મૃત્યુ વગરનું ન નીકળ્યું. એટલે નિરાશ થઈને હું અહીં આવ્યો છું. તો રાજન્, હું મોટી આશા લઈને તમારા જેવા સમર્થ માનવી પાસે આવ્યો છું. મને મંગળ અગ્નિ લાવી આપો.’ આ સાંભળી રાજાએ પણ શોક પામીને પોતાની લાચારી બતાવી. ‘ઋષભસ્વામી, ભરત, બાહુબલિ, આદિત્યયશા વગેરે અનેક મૃત્યુ પામ્યા છે, તું આ મૃત્યુનો શોક ન કર.’ આ સાંભળીને બ્રાહ્મણે સગર રાજાને તેમના સાઠ હજાર પુત્રોના મૃત્યુના સમાચાર આપ્યા. અને ત્યાં કુમારોની સાથે ગયેલા બધા આવી ચઢ્યા. અસ્વસ્થ થયેલા રાજાને બ્રાહ્મણે ફરી રાજાને બોધ આપ્યો. રાજાને અમાત્યે આખી ઘટના કહી સંભળાવી. રાજા ફરી ફરી કરુણ વિલાપ કરવા લાગ્યા. એટલે સુબુદ્ધિ નામના અમાત્યે રાજાને એક કથા કહી સંભળાવી: સમુદ્ર કદાચ માઝા મૂકે, પર્વતો ડોલે તો પણ તમારા જેવા મહાત્મા ધૈર્ય ગુમાવે નહીં. આ જંબુદ્વીપમાં એક રાજા અનેક રીતે ગુણવાન હતો. એક વખત તેની રાજસભામાં કળાવિદનો આભાસ કરતો કોઈ પુરુષ આવી ચઢ્યો, રાજાએ આજ્ઞા આપી એટલે તે આવી ચઢ્યો. તે કોણ છે તે કહી શકાતું ન હતું. તેણે સભામાં આવીને રાજાને પુષ્પમાળા આપી. રાજાએ તે કોણ છે, તેની પાસે કઈ કઈ વિદ્યાઓ છે, તેનો વ્યવસાય કયો છે એ બધી વાત પૂછી. એટલે તેણે આત્મપ્રશંસા કરી, ‘હું વેદવિદ્યાનો સાથી છું, ધનુર્વેદ જાણનારાઓનો ગુુરુ છું. વેપારીઓનો પિતા છું. અત્યારે હું ઇન્દ્રજાળ બતાવવા આવ્યો છું. કહો તો ઉદ્યાન દેખાડું, કહો તો ઋતુપરિવર્તન કરી બતાવું, ગંધર્વ સંગીત સંભળાવું, ખેરના અંગારા ખાઈ જઉં, તપેલા લોઢાના તોમર ચાવી જઉં, જળચર, સ્થળચર, ખેચરનાં રૂપ ધારણ કરી બતાવું.’ રાજાને એ બધામાં રસ ન પડ્યો, એટલે દ્રવ્ય લઈને તેને વિદાય થવા કહ્યું. ત્યારે તેણે ના પાડી, ‘મારી વિદ્યા દેખાડ્યા વિના હું કશું ધન ન લઉં, હું બીજે જઈશ.’ પછી રાજાને થયું કે આ મને કૃપણ ગણશે એટલે તેને ઊભો રખાવ્યો. પણ તે તો ત્યાંથી નીકળી જ ગયો. સેવકોએ રાજાને આશ્વાસન આપ્યું. તે જ પુરુષ એક દિવસ બ્રાહ્મણનો વેશ લઈને આવ્યો અને ફરી રાજા સમક્ષ આવીને બોલ્યો, ‘હું નૈમિત્તિક છું. અને મારા જ્ઞાનને સાંભળો. આજથી સાતમે દિવસે સમુદ્ર આ પૃથ્વી પર પ્રલય આણશે.’ તેની આ વાતની સભાના બીજા નૈમિત્તિકોએ મજાક ઉડાવી. કદાચ પર્વતો ઊડવા માંડે, આકાશમાં પુષ્પો ઊગે, અગ્નિ શીતળ થાય, વંધ્યાને પુત્ર, ગર્દભને શિંગડાં ઊગે, પથરા પાણીમાં તરવા લાગે તો પણ આ કહે છે તેવું શું થવાનું નથી.’ એટલે પેલા નૈમિત્તિકે એ બધાની નિંદા કરી. ‘તમને તો મારે પ્રતીતિ કરાવવાની છે અને સાત દિવસ ક્યાં બહુ દૂર છે? હું અહીં સાત દિવસ રહીશ. જો મારું ખોટું પડે તો મારો વધ કરાવજો.’ રાજાએ તેની વાત માનીને તે બ્રાહ્મણની સોંપણી પોતાના અંગરક્ષકોને કરી. નગરમાં આ વાતની ચર્ચા થવા લાગી. અને છ દિવસ તો વીતી ગયા. રાજાએ છ દિવસ છ માસની જેમ વીતાવ્યા. સાતમે દિવસે રાજા ચંદ્રશાળા (અગાશી) પર બેસીને બોલ્યા, ‘તારી આગાહી ખોટી ઠરી, અત્યારે ક્યાંય જળ જોવા મળતું નથી. પણ તારો વધ કરવાથી મને શો લાભ? એટલે તું અત્યારે પણ જતો રહે.’ એમ કહી અંગરક્ષકોને આજ્ઞા કરી કે ‘આને છોડી દો.’ પણ પેલા બ્રાહ્મણે કહ્યું, ‘હજુ સાત દિવસનો અવધિ પૂરો થયો નથી. તમે ધીરજ રાખો, અને હવે ઊછળતા સમુદ્રના કલ્લોલને સાંભળજો.’ અને ત્યાં મૃત્યુની જાણે ગર્જના થતી હોય એમ લાગ્યું. ‘જુઓ, જુઓ આ સમુદ્ર પૃથ્વીને ડુબાડતો આવી રહ્યો છે.’ તે બ્રાહ્મણ આમ બોલતો રહ્યો અને ચારે બાજુ પાણી પાણી થઈ રહ્યું. પર્વતો ઢંકાઈ ગયા, વનનાં વન નાશ પામ્યાં. ગામડાં, ખીણો, નગરો પાણીમાં ડૂબ્યાં. ઘોડા દોડતા હોય તેમ પાણીનાં પૂર ફરી વળ્યાં. રાજન્, આ પ્રલયકાળ થયો.’ રાજાએ છેવટે પાણીમાં ઝંપલાવવા કૂદકો માર્યો. અને ત્યાં બીજી જ ક્ષણે રાજાએ પોતાને સિંહાસન પર બેઠેલો જોયો. બધું જળ અદૃશ્ય થઈ ગયું, આખું જગત જેવું હતું તેવું થઈ ગયું. પેલો ઇન્દ્રજાલિક કેડે ઢાલ બાંધી બોલવા માંડ્યો, ‘ઇન્દ્રજાળના સર્જક સવર નામના ઇન્દ્રને પ્રણામ.’ રાજાએ પછી જિજ્ઞાસાવશ પૂછ્યું, એટલે પેલાએ કહ્યું, ‘હું અગાઉ તમારી પાસે આવ્યો હતો ત્યારે તમે મારો તિરસ્કાર કર્યો હતો, એટલે મેં કપટ કરીને તમને ઇન્દ્રજાળ બતાવી.’ રાજાએ તેને આશ્વાસન આપ્યું, અને પછી કહ્યું, ‘તેં જેવી રીતે જળ પ્રગટાવ્યું અને નાશ પામ્યું એવી રીતે સંસારના બધા પદાર્થો પ્રગટ થઈને નાશ પામવાના. હવે સંસારનો મોહ શો?’ એમ કહી તેણે દીક્ષા લીધી. ત્યાર પછી બીજા એક મંત્રીએ રાજાનો શોક દૂર કરવા એક કથા કહી. ‘આ ભરત દેશમાં અનેક સદ્ગુણો ધરાવતા રાજાના દરબારમાં એક માયાપ્રયોગ કરનારો આવી ચઢ્યો પણ શુદ્ધ બુદ્ધિવાળા રાજાએ તેને મળવાની ના પાડી. એટલે તે પાછો જતો રહ્યો. થોડા દિવસે રૂપ બદલીને તે આવ્યો. તેના હાથમાં ખડ્ગ અને ભાલો હતા, વળી એક ઉત્તમ સ્ત્રી પણ હતી. ‘હે રાજન્, હું વિદ્યાધર છું અને આ મારી વિદ્યાધર પ્રિયા છે. મારે એક વિદ્યાધર સાથે વેર બંધાયું હતું, તેણે મારી પત્નીનું હરણ કર્યું હતું, પણ એને હું પાછી લઈ આવ્યો છું. તમારા સદ્ગુણોની તો કોઈ સીમા નથી, હું તમારી પાસે બીજું કશું માગતો નથી. મારી આ સ્ત્રીનું રક્ષણ થાપણ માનીને કરો. તમે પરસ્ત્રીલંપટ નથી અને વીર છો. એટલે તમે મારું આટલું કામ કરો. હવે મારો શત્રુ તો મૃત્યુ જ પામશે એમ માની લો.’ રાજાએ પોતે તેના શત્રુનો પરાજય કરવાની તૈયારી બતાવી પણ વિદ્યાધરે ના પાડી, ‘મારા શત્રુનો સામનો હું જ કરીશ. તમે મારી સ્ત્રીને સાચવો એટલે તમે શત્રુનો વધ કરી જ નાખ્યો.’ રાજાએ તે વિદ્યાધરને શત્રુનો સામનો કરવા જવા કહ્યું અને પોતે તેની સ્ત્રીની જાળવણી કરવાનું વચન આપ્કહ્યું, પછી તે વિદ્યાધર આકાશમાં ઊડી ગયો. રાજાએ તે પોતાની દીકરીની જેમ સાચવી. એ દરમિયાન આકાશમાંથી મારો-કાપો, ઊભો રહે-ઊભો રહે-એવા અવાજો આવવા માંડ્યા. એટલામાં ધરતી પર રત્નકંકણવાળો હાથ પડ્યો. વિદ્યાધરીએ એ ઓળખી બતાવ્યો કે આ તો મારા પતિનો હાથ છે; એમ કરતાં કરતાં એક પગ, બીજો હાથ, બીજો પગ અને માથું-ધડ પડ્યાં. એટલે તે સ્ત્રી ભારે કલ્પાંત કરવા લાગી, ‘હવે મને કોણ શૃંગારસજ્જ કરશે, હું કોના પર કોપ કરીશ.’ એમ અનેક રીતે કહીને તેણે અનુગમન માટેની તૈયારી બતાવી. પણ રાજાએ તેને આ તો વિદ્યાધરોની માયા છે એમ કહીને અટકાવી પણ તે સ્ત્રી કોઈ રીતે માની નહીં અને પોતાના માટે ચિતા રચવા કહ્યું. પછી તેણે પોતાની સાથે પતિનાં અંગો લીધાં, શ્વેત વસ્ત્ર પહેર્યું, માથામાં ફૂલ ગૂંથ્યાં અને તે નદી પર ગઈ. રાજા પણ તેની પાછળ પાછળ ગયો. તે સ્ત્રીએ અગ્નિમાં પ્રવેશ કર્યો અને થોડા વખતમાં વિદ્યાધરનાં અંગો, તે સ્ત્રી, લાકડાં — બધું જ ભસ્મીભૂત થઈ ગયું. પછી રાજા ત્યાં અંજલિ આપીને પોતાના મહેલમાં આવ્યો, અને સભામાં બેઠો. એવામાં તલવાર અને ભાલો લઈને વિદ્યાધર આકાશમાંથી ઊતર્યો અને પોતે શત્રુને કેવી રીતે પરાજિત કર્યો તેની માંડીને વાત કરી. પછી તેણે આકાશમાં શત્રુનાં અંગ કેવી રીતે કાપ્યાં તેની વાત કરી. આમ કહી રાજાની પ્રશંસા કરી અને થાપણરૂપે મૂકેલી પોતાની સ્ત્રી માગી. રાજાએ સભામાં જમીન પર પડેલાં વિદ્યાધરનાં અંગની, સ્ત્રીની સતી થવાની હઠની, તે સ્ત્રીના ચિતાપ્રવેશની વાત ભારે સાદે કરી. આ સાંભળી તે પુરુષે રાજા પર ક્રોધે ભરાઈને, ગમે તેમ બોલવા માંડ્કહ્યું. રાજાએ પણ બધાંનાં દેખતાં વિદ્યાધરીએ ચિતાપ્રવેશ કર્યો તેની વાત કરી. અને પછી વિદ્યાધરે રાજાને પાછળ જોવા કહ્યું, રાજાએ જોયું તો વિદ્યાધરી પાછળ બેઠી હતી. વિદ્યાધરે કહ્યું, ‘રાજન્, તમે મને બારણેથી જ કાઢી મૂક્યો હતો. હવે તમે મને આજ્ઞા આપો એટલે હું જઉં.’ રાજાએ કહ્યું, ‘જેવો આનો માયાપ્રયોગ તેવો જ આ સંસાર. અહીં પાણીના પરપોટાની જેમ બધું જ નાશવંત છે.’ મંત્રીઓની વાત સાંભળીને સગર રાજાનો શોક થોડો દૂર થયો. થોડી વારે અષ્ટાપદ પાસે રહેનારા લોકો આવ્યા અને બોલ્યા, ‘રાજન્, અમારી રક્ષા કરો. અષ્ટાપદ પર્વત આગળની ખાઈ પૂરવા માટે તમારા પુત્રો ગંગા નદીને લઈ આવ્યા, પણ નદીએ તો આસપાસના બધા વિસ્તારો ડૂબાડવા માંડ્યા છે. અમારે માટે તો જાણે પ્રલયકાળ આવી પહોંચ્યો, અમે ક્યાં જઈએ?’ આ સાંભળી પોતાના પૌત્ર ભગીરથને બોલાવ્યો અને કહ્યું, ‘અત્યારે, ગામડાંઓમાં ઘૂમતી ગંગા નદીને દંડ વડે આકર્ષીને પૂર્વસાગરમાં ભેળવી દે.’ થોડો ઉપદેશ પણ આપ્યો. ભગીરથ પિતામહની વાત માનીને ત્યાંથી ચાલી નીકળ્યો. (પર્વ-૮)

નળદમયંતી કથા

વિદર્ભ દેશમાં કુંડિન નગર, ત્યાં રાજા ભીમરથ, તેની રાણી રૂપે દેવાંગનાઓને તિરસ્કારે એવી. તે બંને નિવિર્ઘ્ને સંસારસુખ ભોગવતાં હતાં. શુભ મુહૂર્તે ક્ષીરડિંડીરા નામની દેવી રાણીના ઉદરમાં પ્રવેશી. રાણીને સ્વપ્નમાં શ્વેત હસ્તી મહેલમાં આવતો જોયો. રાજાને ખ્યાલ આવ્યો કે કોઈ પુણ્યાત્મા ગર્ભમાં પ્રવેશ્યો છે. અને ત્યાં સ્વર્ગમાંથી જ જાણે કોઈ શ્વેત હસ્તી આવ્યો હોય એમ ત્યાં આવ્યો ને રાજારાણીને પોતાની પીઠે બેસાડી નગરમાં ફેરવ્યા અને પાછા મહેલે આવીને તેમને ઉતાર્યા. ગર્ભાવસ્થા પૂરી થઈ એટલે પવિત્ર દિવસે રાણીએ કન્યાને જન્મ આપ્યો અને કન્યાના લલાટમાં તેજસ્વી તિલક જન્મની સાથે જ હતું. રાણી સગર્ભા હતી ત્યારે દાવાનળથી બચવા આવી ચઢેલા શ્વેત દંતી (હસ્તી) ને જોયો હતો એટલે તે કન્યાનું નામ દવયંતી પાડ્યું. (બીજું નામ દમયંતી) તે કન્યાને ઓરમાન માતાઓ પણ રમાડવા લાગી. તેના જન્મથી રાજાની સમૃદ્ધિ વધી, આઠ વર્ષની ઉંમરે તે કન્યાની તાલીમ માટે એક ઉત્તમ કળાચાર્યને સોંપી. તે કન્યા ઘણી બધી રીતે પારંગત થઈ અને તેની પ્રતીતિ પિતાને કરાવી. રાજાએ એક લાખથી વધુ સોનામહોર કળાચાર્યને આપી. પછી નિવૃત્તિ નામની દેવીએ સુવર્ણની અર્હંત પ્રતિમા આપીને કહ્યું, ‘આ શાંતિનાથની પ્રતિમા છે, તારે દરરોજ તેની પૂજા કરવી.’ પછી દવયંતી પ્રતિમાને વંદન કરી પોતાના ખંડમાં લઈ ગઈ. હવે દવયંતી યુવાન થઈ, પણ તેના પિતા તેને માટે યોગ્ય વર શોધી ન શક્યા એટલે સ્વયંવર યોજવાનું ઠરાવ્યું. ત્યાં કોશલપતિ નિષધ રાજા પણ નળ અને કુબર નામના બંને પુત્રોને લઈને આવ્યો. સ્વયંવરને દિવસે બધા રાજાઓ પોતાની સમૃદ્ધિ વડે એકબીજાની સ્પર્ધા કરતા આસનો પર બેસી પોતાનાં જાતજાતનાં ચાતુર્ય બતાવવા લાગ્યા. અને ત્યાં મંડપને શોભાવતી દવયંતી આવી. તેને જોંતાવેંત રાજાઓ આતુર થઈ ગયા. રાજાની આજ્ઞાથી અંત:પુરની પ્રતિહારી દવયંતીને રાજાઓનો પરિચય આપવા લાગી. અને એમ ઋતુપર્ણ, ચંદ્રરાજ, સુબાહુ, ચંદ્રશેખર, શશિલક્ષ્ય, યજ્ઞદેવ, માવર્ધન, મુકુટેશ્વર જેવા રાજાઓને ઓળખાવ્યા. છેલ્લે નળ અને કુબર પાસે દવયંતી આવી અને તેણે નળના ગળામાં વરમાળા આરોપી. આ જોઈ કૃષ્ણરાજ નામનો રાજકુમાર નળ સાથે લડવા તૈયાર થઈ ગયો. બંનેનું સૈન્ય સજ્જ થયું. દવયંતી પોતાને તિરસ્કારવા લાગી કે મારે કારણે આ ઘટના બની. તેણે શાસનદેવીને પ્રાર્થના કરી અને જળનાં છાંટાં બંને સૈન્ય પર નાખ્યા. દવયંતીએ ખરા મનથી નળનો વિજય ઇચ્છ્યો હતો. ઝાંખા થઈ ગયેલા કૃષ્ણરાજના હાથમાંથી તલવાર પડી ગઈ, છેવટે તેણે નળની મહાનતા સ્વીકારી તેની ક્ષમા માગી. નળ અને દવયંતીનો વિવાહ ધામધૂમથી થયો, વિદાય લેતી દવયંતીને માતાએ પતિની નિકટ જ રહેવા કહ્યું. અને કોશલરાજાએ પોતાના દેશ ભણી પ્રયાણ કરવા માંડ્યું. ચારે બાજુ અંધારું થયું એટલે નળે પોતાના ખોળામાં સૂતેલી દવયંતીને કહ્યું, તમારા લલાટ પરના તિલકસૂર્યને પ્રગટ કરો અને દવયંતીએ તિલક ઉઘાડું કર્યું, ચારે બાજુ અજવાળું અજવાળું થઈ ગયું. રસ્તામાં એક મુનિનું દર્શન થયું, નળે પોતાના પિતાને એ મુનિની પૂજા કરવા કહ્યું, કોશલનગરીમાં પ્રવેશ થયો એટલે નળે જિનચૈત્યોથી ભરચક પોતાની નગરી બતાવી. દવયંતીએ એ જિનચૈત્યોની દરરોજ પૂજા કરવાની ઇચ્છા બતાવી. હવે બંને-પતિપત્ની વિહાર કરતા થયાં. નિષધરાજાએ નળને રાજા અને કુબરને યુવરાજ બનાવ્યો. નળરાજાનો કોઈ બીજા રાજાએ વિરોધ ન કર્યો, પણ તક્ષશિલા નગરીનો કદંબ રાજા નળની આણ માનતો ન હતો. એટલે પહેલાં તો દૂત મોકલી તે રાજાને સંદેશો કહેવડાવ્યો પણ તે રાજાએ દૂતનું અપમાન કર્યું. છેવટે બંને રાજા યુદ્ધ કરવા તૈયાર થયા. બીજાઓની હિંસા ન થાય એટલે નળે દ્વન્દ્વ યુદ્ધનો પ્રસ્તાવ મૂક્યો. નળરાજાએ બધાં જ યુદ્ધોમાં કદંબને હરાવ્યો એટલે તેણે વ્રતધારી બનવાનો વિકલ્પ સ્વીકારી લીધો અને નળે તેના પુત્ર જયશક્તિને સિંહાસન પર બેસાડ્યો. પરંતુ નળના નાના ભાઈ કુબરને રાજ્યનો મોહ હતો, તે નળના વાંક જોવા લાગ્યો. એેટલે તેણે દ્યૂત રમવા માંડ્યું. નળ ધીમે ધીમે બધું હારવા લાગ્યા, દવયંતીએ ત્યાં આવીને નળને દ્યૂત બંધ કરવા કહ્યું પણ નળ દ્યૂતમાં જ લીન રહ્યા, અને નળે બધું જ ગુમાવી દીધું એટલે કુબરે તેને રાજ્ય ત્યજી દેવા કહ્યું, દવયંતી તેની પાછળ જતી હતી એટલે કુબરે કહ્યું, ‘તું ક્યાં જાય છે? હું તને પણ જીત્યો છું.’ પણ મંત્રીએ કુબરને સમજાવ્યો કે ‘મોટા ભાઈની પત્ની મા કહેવાય, જો તું જુલમ કરવા જઈશ તો તે પતિવ્રતા તને બાળીને ભસ્મ કરી નાખશે.’ છેવટે કુબરે તેમની વાત માની, નળ તો રથ પણ લેવા તૈયાર ન હતા, પણ મંત્રીઓએ બહુ આગ્રહ કર્યો એટલે રથ સ્વીકાર્યો. એકવસ્ત્રા દવયંતીને જોઈ બધી સ્ત્રીઓ ભારે કલ્પાંત કરવા લાગી. નગરની વચ્ચે પાંચસો હાથ ઊંચા સ્તંભને રાજાએ ઊપાડ્યો અને પાછો ત્યાં જ સ્થાપ્યો. પછી દવયંતીની સૂચનાથી નળે રથને કુુંડિનપુરની દિશામાં ધપાવ્યો. રસ્તામાં ભીલોએ નળને ઘેરી લીધા એટલે રાજા તલવાર કાઢીને લડવા તૈયાર થયા. પણ દવયંતીએ તેમને વાર્યા. તેમણે કરેલા હુંકારાથી બધા ભીલ નાસી ગયા. બીજા ભીલો આવીને રથ લઈ ગયા. હવે કાંટા ભોંકાવાને કારણે દવયંતીના પગમાંથી લોહી નીકળવા લાગ્યું. દવયંતીની આસનાવાસના કરતા નળે તેને માટે અશોકનાં પાંદડાંની પથારી કરી આપી. દવયંતી નિદ્રાધીન થઈ ત્યારે નળ વિચારે ચઢ્યા, ‘સાસરે જવામાં પુરુષોની શોભા નથી. તો હું આ પ્રિયાનો ત્યાગ કરી બીજે એકલો જતો રહું.’ પછી નળે પોતાનું અર્ધવસ્ત્ર છેદી નાખ્યું, પોતાના લોહી વડે દવયંતીના વસ્ત્ર પર લખ્યું: એક માર્ગ વિદર્ભ જાય છે અને બીજો માર્ગ કોશલ દેશમાં જાય છે.’ પછી સવાર સુધી રાહ જોઈ અને સવારે ચાલી નીકળ્યા. રાત્રે એક દુ:સ્વપ્નની દવયંતી જાગી ગઈ અને નળને ક્યાંય જોયા નહીં; તે કલ્પાંત કરવા લાગી. પછી વસ્ત્ર પરના અક્ષર વાંચીને પિતાના ઘરનો રસ્તો લીધો. રસ્તામાં વાઘ કે સાપ, હાથી પણ તેને ઈજા કરી શકતા ન હતા. આગળ જતાં તેણે એક સાર્થ જોયો, તેને આશા બંધાઈ પણ તરત જ ચોરલોકોએ તે સાર્થને ઘેરી લીધો. ભયભીત થયેલા સાર્થજનોને દવયંતીએ હિંમત બંધાવી અને ચોરોને ભગાડવા મથી, શરૂઆતમાં ચોરો અડગ રહ્યા ત્યારે ભયંકર હુંકાર કર્યો એટલે છેવટે તેઓ ભાગી ગયા, સાર્થજનોએ તેને દેવી માની લીધી. અચાનક ત્યાં મુસળધાર વરસાદ પડવા માંડ્યો, પછી વૈદર્ભી સંઘનો સાથ છોડી એકલી ચાલી નીકળી, રસ્તામાં તેને ખાઈ જવા માગતો એક રાક્ષસ મળ્યો. પણ દવયંતી જરાય ડગી નહીં, રાક્ષસને પોતાની પવિત્રતાની પ્રતીતિ થશે એમ કહ્યું એટલે તેણે દવયંતીને બાર વર્ષે નળનું મિલન થશે એમ કહ્યું, પછી દવયંતીએ નિયમ લીધો: જ્યાં સુધી નળ નહીં મળે ત્યાં સુધી હું રાતાં વસ્ત્ર, તાંબૂલ, આભૂષણો નહીં પહેરું. પણ ફરી પેલો સાર્થવાહ દવયંતીને શોધતો આવ્યો, ત્યારે દવયંતી પૂજા પૂરી કરી તેની સાથે વાતો કરવા લાગી. ફરી ભારે વર્ષા શરૂ થઈ. બધાને ચિંતા થઈ, ક્યાં જઈશું? એટલે દવયંતીએ તેમને ધીરજ બંધાવી, ‘જો હું સાચી સતી હોઉં, અર્હંત શ્રાવિકા હોઉં તો આ વરસાદ કુંડની બહાર વરસે.’ એટલે તે કુંડની બહાર વરસાદ પડ્યો, અંદર નહીં. સાર્થવાહે દવયંતીને તમે કોની પૂજા કરો છો એ પૂછ્યું એટલે તેણે બધી વાત કરી, બધાએ જૈનધર્મ સ્વીકાર્યો. ત્યાં બધાંએ યશોભદ્રસૂરિને જોયા. તેમણે બધાને ઉપદેશ આપ્યો. દવયંતીએ દીક્ષા માગી પણ મુનિએ ના પાડી, હજુ નળરાજા સાથે જીવવાનું છે એમ કહ્યું. ત્યાં સાત વર્ષ દવયંતી ગુફામાં રહી. પછી તેને ખાઈ જવા માગતી રાક્ષસીને શાંત કરી. નિર્જળ નદીને તેણે જળવાળી કરી. પછી કેટલાક સાર્થજનો ત્યાં આવ્યા, ત્યાં અચલપુરમાં તેને મૂકીને બધા જતા રહ્યા. એ નગરમાં ઋતુપર્ણ રાજા અને ચંદ્રયશા તેની રાણી. વાવમાં પાણી ભરવા આવેલી દાસીઓએ મલિન વેશધારી દવયંતીને જોઈ રાણીને તેના સમાચાર આપ્યા. દાસીઓને દવયંતીને લઈ આવવાની આજ્ઞા આપી. આ ચંદ્રયશા વાસ્તવમાં દવયંતીની માતા પુષ્પદંતીની સગી બહેન હતી, પણ વૈદર્ભી તો તેમને ઓળખતી જ નથી. માસી પણ માની નથી શકતી કે નળની પત્નીની આવી દુર્દશા થાય. અનાથ લોકોને અન્ન આપવાની કામગીરી દવયંતીએ ઉપાડી લીધી હતી, તે દરેક યાચકને પૂછતી કે તમે આવા રૂપવાળા કોઈ પુરુષને જોયો છે ખરો? એક વેળા તે દાનશાળામાં ઊભી હતી ત્યારે કોઈ ચોરને વધસ્તંભે લઈ જવાતો તેણે જોયો. વૈદર્ભીને જોઈને ચોરે કહ્યું, ‘તમારી દૃષ્ટિ મારા પર પડી છે તો હું કેવી રીતે મૃત્યુ પામીશ?’ અને દવયંતીએ પોતાના સતીત્વની દુહાઈ આપીને ચોરનાં બંધન છોડાવી દીધાં. રાજા આ ઘટના જાણીને દવયંતીને કહેવા લાગ્યો, ‘રાજાનું કર્તવ્ય છે કે પ્રજાના જાનમાલનું રક્ષણ કરવું. જો આ ચોરને સજા ન કરું તો પછી લોકો પારકું ધન હરી લેવા માગશે.’ પણ દવયંતીએ ચોર મારા શરણે આવ્યો છે એમ કહીને તેને મુક્તિ અપાવી. ચોરે પણ દવયંતીને પ્રણામ કર્યાં અને દરરોજ તેની વંદના માટે આવવા લાગ્યો. વાતવાતમાં ચોરે પોતાનો ભૂતકાળ કહ્યો, અને પછી દવયંતીના કહેવાથી તેણે દીક્ષા લીધી. વિદર્ભ રાજાને પણ નળદવયંતીના સમાચાર મળ્યા. તેણે એક બહુને નળદવયંતીને શોધવા મોકલ્યો. તે બહુ અચલપુરમાં આવ્યો અને ભોજન કરતી વખતે દાનશાળામાં બેઠેલી દવયંતીને ઓળખી કાઢી, ચંદ્રયશાને વધામણી આપી. તે રાણીએ પણ દવયંતી પાસે જઈને ક્ષમા યાચી. દવયંતીએ કપાળ પરનું તિલક સાફ કર્યું, બહાર અંધકાર હતો પણ રાજસભામાં દવયંતીના તિલકને કારણે બધે પ્રકાશ હતો. રાજાએ આનું કારણ પૂછ્યું ત્યારે રાણીએ દવયંતીનું તિલક બનાવી બધી વાત કરી. પછી દવયંતીને પિતૃગૃહે મોકલી આપી. તે માતાપિતાને મળી અને બધાંએ હૈયાં ઠાલવ્યાં. આ તરફ નળરાજાનું શું થયું? તે જ્યારે વનમાં ભમતા હતા ત્યારે ત્યાં ધુમાડો જોયો, પછી અગ્નિજ્વાળા જોઈ અને ક્યાંકથી શબ્દો સંભળાયા, ‘હે નળરાજા, મારી રક્ષા કરો. તમને પણ હું કશીક સહાય કરીશ.’ નળરાજાએ નજીક જઈને જોયું તો એક મોટો સાપ હતો. પછી નળરાજાએ પોતાના વસ્ત્ર વડે સર્પને ઝાલ્યો, ભૂમિ પર મૂકવા જતાં સાપે નળના હાથે દંશ માર્યો. નળે કટાક્ષ કરી કડવાં વેણ કહ્યાં, અને સાપનું ઝેર નળના શરીરમાં પ્રસરવા લાગ્યું, કેશ પીળા થયા, હોઠ ઊંટ જેવા થયા, હાથપગ દૂબળા થયા, પેટ ગાગર જેવું થઈ ગયું. આ જોઈને નળને દીક્ષા લેવાનો વિચાર આવ્યો, ત્યારે પેલા સાપે એ રૂપ ત્યજીને દિવ્ય રૂપ ધારણ કર્યું. અને તે બોલ્યો, ‘હું તારો પિતા નિષધ છું. તારા શત્રુઓ તને હવે ઓળખી નહીં શકે. હજુ દીક્ષા લેવાનો સમય આવ્યો નથી. આ શ્રીફળ અને રત્નનો કંડિયો લે. જ્યારે મૂળ રૂપ જોઈએ ત્યારે શ્રીફળ વધેરજે, તેમાં દિવ્ય વસ્ત્ર હશે, અને આ રત્નના કંડિયામાં આભૂષણો હશે.’ નિષધરાજાએ તેને દવયંતીના સમાચાર આપ્યા અને નળને સુસુમાર નગર પાસે પહોંચાડી દીધા. નગર પાસેના નંદનવનમાં સિદ્ધાયતન જેવું ચૈત્ય જોયું. નળે ત્યાં વંદના કરી. એવામાં નગરનો ઉન્મત્ત થયેલો હાથી બંધન તોડીને નીકળ્યો હતો. રાજાએ હાથીને અંકુશમાં આણનારને મોંમાગ્યો બદલો આપવાની વાત કરી. નળે હાથીને લીલા વડે અંકુશમાં આણ્યો. રાજાએ પ્રસન્ન થઈ પૂછયું, ‘આ સિવાય કોઈ આવડત છે?’ ત્યારે નળે કહ્યું, ‘હું સૂર્યપાક રસવતી કરી જાણું છું.’ રાજાએ કૂબડા થયેલા નળને બધો સરંજામ મેળવી આપ્યો. નળે તરત જ સૌરી વિદ્યાનું સ્મરણ કરી રસોઈ કરી, રાજાએ પરિવાર સહિત તે આરોગી અને પૂછ્યું, ‘આવી રસવતી તો માત્ર નળરાજા કરી જાણે છે. શું તમે નળ છો? પણ નળ આવા વિરૂપ હોઈ ન શકે.’ નળે રાજાનો ઉપહાર સ્વીકારી બીજી માગણી કરી, ‘રાજ્યમાંથી વિહાર અને મદિરાપાનને દેશવટો આપો.’ એક વખત રાજા દધિપર્ણે કૂબડાને બોલાવી તેની માહિતી પૂછી, ‘હું નળરાજાને ત્યાં હુંડિક નામે રસૌયો હતો; નળરાજા પાસેથી રસોઈની કળા શીખ્યો છું.’ પછી નળના મૃત્યુના સમાચાર પણ આવ્યા, રાજાએ નળની મરણોત્તર ક્રિયા કરી. પછી તે રાજાએ દવયંતીના પિતા પાસે કોઈ દૂત મોકલ્યો અને તે દૂતે નળરાજાને ત્યાંથી કોઈ રસૌયો આવ્યો છે તેની વાત કરી. એટલે દવયંતીએ પિતાને કહ્યું, ‘ત્યાં તમે કોઈ દૂતને મોકલી તપાસ કરાવો. નળરાજા સિવાય સૂર્યપાક રસોઈ કોઈ જાણતું નથી, એ રસૌયો જ કદાચ નળ હોય તો!’ એટલે રાજાએ એક બ્રાહ્મણને મોકલ્યો અને તે કૂબડા પાસે ગયો. આવો વેશ જોઈને તે બ્રાહ્મણ દુઃખી થયો અને નળની નિંદા કરતા શ્લોક બોલ્યો. નળ રાજાએ એ સાંભળી આંસુ આવ્યાં, બ્રાહ્મણે પૂછ્યું એટલે નળે આખી વાત કહી. તે વાત તેણે વિદર્ભ રાજાને ત્યાં જઈ કહી. તે સાંભળી દવયંતીએ કહ્યું, ‘આ ચોક્કસ નળ જ હશે. તમે એને બોલાવો, હું પરીક્ષા કરીશ.’ એટલે પછી ભીમરાજાએ ખોટો સ્વયંવર યોજી દધિપર્ણ રાજાને બોલાવવાની વાત કરી. અને આમ દધિપર્ણ રાજાને દમયંતીના સ્વયંવરમાં આવવા આમંત્રણ મોકલ્યું. પણ રાજા ચિંતામાં પડ્યો, ત્યાં પહોંચવું કેવી રીતે? આ સમાચાર સાંભળી કૂબડો વિચારમાં પડ્યો. છેવટે નક્કી કર્યું કે આ રાજાને હું ત્યાં પહોંચાડું.’ રાજાએ પણ મોકળે મને દમયંતીની સાથે લગ્ન કરવાની ઇચ્છા પ્રગટ કરી. કૂબડાએ રાજાને સમયસર પહોંચાડવાનું વચન આપ્યું, અને ત્યાં રાજાને અને તેના સેવકોને રથમાં બેસાડી નીકળ્યા. રસ્તામાં રાજાનું વસ્ત્ર ઊડી ગયું, પણ તે વસ્ત્ર લેવાની વાત કરી ત્યાં સુધીમાં તો રથ પચીસ યોજન જતો રહ્યો હતો. રસ્તામાં બહેડાનું ઝાડ આવ્યું, નળે તે ઝાડ પર હાથ પછાડીને બધાં ફળ જમીન પર પાડી નાખ્યાં. રાજાએ એ ફળની સંખ્યા તરત ગણી, એટલે પછી કૂબડાએ પોતાની અશ્વવિદ્યા રાજાને આપી અને રાજાએ પોતાની વિદ્યા કૂબડાને આપી. તે જ વેળા વૈદર્ભીને જે સ્વપ્ન જોયું, તેનો અર્થ પિતાએ કરી આપ્યો કે હવે તને પતિનો મેળાપ થશે. આ વાતો ચાલતી હતી ને ત્યાં દધિપર્ણ રાજાના આગમનના સમાચાર મળ્યા. બંને રાજા એકબીજાને મળ્યા અને ત્યારે ભીમે કૂબડાની રસોઈ ચાખવાની ઇચ્છા વ્યક્ત કરી, કૂબડાએ તરત જ રસોઈ કરી આપી અને તે ચાખીને દવયંતીએ માની જ લીધું કે આ કૂબડો જ નળ છે. તેણે પિતાને કહ્યું, ‘આ સિવાય બીજી પણ એક પરીક્ષા છે, તે જો મને સ્પર્શ કરે તો મારા શરીરે રોમાંચ થાય.’ રાજાના અતિઆગ્રહથી કૂબડાએ દવયંતીના વક્ષસ્થળનો સ્પર્શ કર્યો અને તરત જ દવયંતી રોમાંચિત થઈ ગઈ. ‘ત્યારે તો મને સૂતી મોકલીને જતા રહ્યા હતા, હવે ક્યાં જશો?’ એમ કહી તે અંત:પુરમાં લઈ ગઈ. કૂબડાએ શ્રીફળ અને કરંડિયામાંથી વસ્ત્રાભૂષણ કાઢ્યાં અને તે પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગયા. ત્યાં મહિનો માસ રહ્યા પછી નળ-દવયંતી પોતાના દેશમાં આવ્યાં. નળે ફરી દ્યૂત રમવા કહેવડાવ્યું અને નળે કુબરની બધી લક્ષ્મી પાછી મેળવી લીધી. પણ નળે ઉદાર બનીને કુબરને ક્ષમા કર્યો અને યુવરાજપદ આપ્યું. વર્ષો સુધી રાજ કર્યા પછી નિષધ રાજાએ સ્વપ્નમાં આવીને નળને દીક્ષાની યાદ અપાવી. છેવટે બંને પતિપત્નીએ અનશન કરી વ્રત આદર્યાં.

કનકવતીની કથા

પેઢાલપુર નામના નગરમાં હરિશ્ચન્દ્ર રાજા અને લક્ષ્મીવતી તેની રાણી. કેટલાક સમયે એક કન્યાને રાણીએ જન્મ આપ્યો. કુબેરે ત્યારે કનકવર્ષા કરી એટલે રાજાએ તેનું નામ પાડ્યું કનકવતી. પુત્રીના શિક્ષણની બધી વ્યવસ્થા કરી, તે અઢારે પ્રકારની લિપિ, છંદ-અલંકારશાસ્ત્ર, ચિત્રકળા, સમસ્યા-પ્રહેલિકા, દ્યૂતક્રીડા, રસવતીકળા, વાદ્ય-સંગીતકળા, ઇન્દ્રજાળ વિદ્યા વગેરે કળાઓમાં પારંગત થઈ. પછી તેને લાયક પતિ ન મળ્યો એટલે સ્વયંવર યોજવાનો નિર્ણય કર્યો. એક વેળા કનકવતી મહેલમાં બેઠી હતી ત્યારે એક રાજહંસ ત્યાં આવી ચઢ્યો. જોતાંવેંત તે ગમી ગયો એટલે તેણે ધીમે ધીમે રહીને તેને પકડી લીધો અને પોતાની સખીને કાષ્ઠપિંજર લાવવા કહ્યું. રાજહંસ માનુષીવાણીમાં બોલ્યો, ‘કોશલ રાજાને સુકોશલા નામે પુત્રી છે અણે તેનો પતિ અદ્ભુત રૂપવાન છે. તમારા બેનું મિલન થવું જોઈએ. તારા સ્વયંવરનાં વખાણ સાંભળી મેં તેની આગળ તારું વર્ણન કર્યું છે, તે સ્વયંવરમાં આવશે.’ પછી કનકવતીએ હંસને છોડી દીધો, ઊડતાં ઊડતાં તેણે ચિત્રપટ કનકવતીના ખોળામાં નાખ્યું, એમાં તે પુરુષનું ચિત્ર હતું. કનકવતીના પૂછવાથી તે હંસે પોતાનો ખેચર તરીકે પરિચય આપ્યો. પછી એક વાત એ પણ કહી કે પેલો યુવાન બીજાનો દૂત બનીને તમારા સ્વયંવરમાં આવશે. પછી તે ચંદ્રાતપ ખેચર વસુદેવના ભવનમાં પ્રવેશ્યો, અને કનકવતીના બધા સમાચાર આપ્યા. પછી બીજે દિવસે વસુદેવ પેઢાલપુર આવ્યા અને હરિશ્ચન્દ્રે તેમને લક્ષ્મીરમણ નામના ઉદ્યાનમાં ઉતારો આપ્યો. વસુદેવે લક્ષ્મીદેવી અર્હંત પ્રભુ આગળ રાસ રમી હતી એટલે તે સ્થળનું નામ લક્ષ્મીરમણ પડ્યું. પછી વસુદેવે દેવની વંદના કરી. એવામાં ત્યાં કુબેર વિમાનમાં બેસીને ત્યાં આવ્યા. તેમણે પણ અર્હંતની પૂજા કરીને વસુદેવને જોયા. તેમણે ઇશારો કરીને પાસે બોલાવ્યા અને કહ્યું, ‘હું અહીંના રાજાની પુત્રી સાથે લગ્ન કરવા માગું છું. તું મારો દૂત થા. મારા પ્રભાવથી તું કનકવતીના આવાસમાં જઈ શકીશ.’ વસુદેવે તેમની વાત સ્વીકારી અને મલિન વેશે દૂત બનીને એક પછી એક કક્ષા વટાવી છેવટે વનલક્ષ્મી જેવી દેખાતી કનકવતી પાસે ગયા. ત્યાં કનકવતીએ તેમને જોયા, પણ વસુદેવે પોતાને દૂત તરીકે ઓળખાવ્યા. પણ કનકવતીએ તો પોતાનો દૃઢ નિર્ધાર જણાવ્યો. છેવટે વસુદેવે કુબેર પાસે જઈને બધી વાત જણાવી. કુબેરે પ્રસન્ન થઈને વસુદેવને પોતાનાં આભૂષણો આપ્યાં અને વસુદેવ કુબેર જેવા જ દેખાવા લાગ્યા. પછી કુબેર દેવાંગનાઓ સાથે એક સિંહાસન પર બેઠા અને પાસે જ કુબેર જેવા દેખાતા વસુદેવ બેઠા. કુબેરે એક મુદ્રિકા વસુદેવને આપી એટલે તેના પ્રભાવે બધાને તે બીજા કુબેર જ લાગ્યા. પછી કનકવતી શ્વેતવસ્ત્ર પહેરીને મંડપમાં આવી, તેના આગમનથી મંડપ શોભી ઊઠ્યો, પણ તેણે ક્યાંય વસુદેવને જોયા નહીં, એટલે ચિંતાતુર બનીને તેણે કુબેરને કહ્યું, ‘દેવ, હું તમારી પૂર્વજન્મની પત્ની છું, તમે મારી મજાક ન ઉડાવો, હું જેને પરણવા માગું છું તેમને તમે અદૃશ્ય કરી દીધા છે.’ એટલે કુબેરે વસુદેવને પેલી મુદ્રિકા કાઢી નાખવા કહ્યું એટલે તરત જ તે પોતાના મૂળ સ્વરૂપને પામ્યા અને કનકવતીએ તેમના ગળામાં વરમાળા આરોપી.

મહાવીર સ્વામી

મહાવીર સ્વામી વિહાર કરતાં કરતાં એક ગામમાં આવ્યા, ત્યાં વસવાની ઇચ્છા કરી પણ ત્યાં એક યક્ષને કારણે કોઈ રહી શકતું નથી. એમ કહી કોઈએ તે કથા વિગતે કહી. એક જમાનામાં અહીં વર્ધમાન નગર હતું. કાદવવાળી વેગવતી નામે નદી. ધનદેવ નામનો એક વણિક કરિયાણાનાં પાંચસો ગાડાં ભરીને આવ્યો હતો, તેની પાસે એક મોટો વૃષભ હતો, તેની મદદથી બધાં ગાડાં એ નદીની પાર ઉતાર્યાં. બહુ ભાર ખેંચવાને કારણે એ વૃષભ લોહી ઓકતો ત્યાં પડી ગયો. પછી તે વણિકે ગામલોકોને એકઠા કરીને કહ્યું કે હું આ વૃષભને અહીં મૂકીને જઉં છું, તમારે એનું સારી રીતે પોષણ કરવું. ઉપરાંત તેના ઘાસચારા માટે પુષ્કળ ધન પણ આપ્યું. પછી આંખોમાં આંસુ સાથે તે વણિક ચાલ્યો ગયો. ગામલોકોના મનમાં પાપ જાગ્યું, તેમણે ઘાસચારા માટે ધન લીધું હોવા છતાં તે વૃષભની જરાય સંભાળ ન લીધી. ભૂખેતરસે એ વૃષભના શરીરમાં માત્ર હાડકાં અને ચામડું જ રહ્યાં. એટલે તે વૃષભ વિચારવા લાગ્યો, ‘આ ગામ પાપી, નિષ્ઠુર છે. મારા સ્વામીએ ઘાસચારા માટે ધન આપ્યું હોવા છતાં મને ઘાસચારો ન મળ્યો.’ આમ ગામલોકો પર ક્રોધે ભરાયેલો તે વૃષભ શૂલપાણિ નામનો વ્યંતર થયો. પોતાના પૂર્વજન્મની કથા જાણીને ગામમાં તેણે મહામારીનો રોગ ફેલાવ્યો. ગામના લોકો મરવા માંડ્યા. લોકોએ જ્યોતિષીઓને પૂછીને શાંતિ માટે ઘણા ઉપાયો કર્યા પણ કશો અર્થ ન સર્યો. ગામલોકો બીજે ગામ ગયા તો ત્યાં પણ તે વ્યંતર તેમને મારવા લાગ્યો. છેવટે તેમને સમજાયું કે કોઈક દેવ કોપ્યા છે એટલે હાથ જોડીને તેમણે ક્ષમા માગી. પોતાના અપરાધ માફ કરી દેવાની વાત કરી. ત્યારે તે વ્યંતરે આકાશમાં રહીને કહ્યું, ‘તમે પેલા ભૂખેતરસે મરતા બળદને ઘાસ-પાણી નીર્યાં નહીં, તમને વણિકે એ માટે ધન આપ્યું હતું તે છતાં. તે વૃષભ હું શૂલપાણિ નામનો યક્ષ. હું તમને મારી નાખીશ.’ આ સાંભળી ફરી ગામલોકોએ નાકલીટી તાણી. વારેવારે ક્ષમા માગી. ત્યારે તે વ્યંતરે કહ્યું, ‘વૃષભ રૂપે મારી મૂર્તિ સ્થાપો.’ પછી ગામલોકોએ એ પ્રમાણે કર્યું. ઇન્દ્ર શર્મા નામના બ્રાહ્મણને સારું એવું વેતન આપી પૂજારી બનાવ્યો. અહીં જે કોઈ રાત્રિનિવાસ કરે છે તેને આ શૂલપાણિ યક્ષ મારી નાખે છે. એટલે બધા દિવસે રહી સાંજે પોતપોતાને ઘેર ચાલ્યા જાય છે.’ એટલે મહાવીર સ્વામીને પણ ત્યાં રાત રોકાવાની ના પાડી. પણ ભગવાને તો ત્યાં જ રહેવાનો આગ્રહ રાખ્યો. ઇન્દ્ર શર્મા પૂજારીએ પણ તેમને રાતવાસાની ના પાડી પણ તેઓ પોતાની વાતમાં અડગ જ રહ્યા. શૂલપાણિએ ભગવાનને અહંકારી માન્યા અને રાતે તેણે ભયાનક અટ્ટહાસ્ય કર્યું. ગામલોકોને પણ ભારે ચિંતા થઈ. અચાનક ત્યાં આવી ચઢેલા એક પરિવ્રાજકને વ્યંતરે વિકરાળ હાથીનું રૂપ પ્રગટાવ્યું. ભગવાન તો પણ સ્થિર રહ્યા. પછી પિશાચનું રૂપ પ્રગટાવ્યું. કશી અસર ન થઈ એટલે ભયાનક સર્પ બનીને ભગવાનના શરીરે વીંટળાઈ વળ્યો. એ પણ નિષ્ફળ ગયો એટલે તેણે શિર, નેત્ર, મૂત્રાશય, નાક, દાંત, પૃષ્ઠ, નખ — એમ સાત સ્થાને ભારે પીડા પહોંચાડી. આમાંની એક પણ પીડા મૃત્યુ નોંતરે પણ ભગવાન સ્થિર રહ્યા. ત્યારે ત્યાં દેવદૂતોએ આવીને બહુ જ ઠપકો આપ્યો. ‘આ ત્રણે લોક માટે વંદનીય એવા ભગવાનને તું જાણતો નથી. જો ઇન્દ્રને જાણ થશે તો વજ્રનો ભોગ બનીશ.’ છેવટે ભગવાને તેને અહિંસાનો મર્મ સમજાવ્યો. શૂલપાણિને ભારે પસ્તાવો થયો; અને સંગીત રજૂ કર્યું. ગામના લોકોને લાગ્યું કે મુનિનો વધ કરીને યક્ષ આનંદ કરી રહ્યો છે. તે શ્રમને કારણે થોડી વાર સૂતા અને દસ સ્વપ્ન જોયાં. ગામલોકોએ અક્ષત રહેલા ભગવાનને જોયા. ત્યાં આવેલા ઉત્પલે દસ સ્વપ્નના અર્થ કહી બતાવ્યા.

વસુમતી રાજકન્યાની કથા

શતાનિક નામના રાજાએ ચંપાનગરી પર આક્રમણ કર્યું ત્યારે ત્યાંનો રાજા તો નાસી ગયો. દુશ્મન રાજાના સૈનિકોએ ચંપાનગરી લૂંટવા માંડી. રાજાની રાણી ધારિણીને તેની પુત્રી વસુમતી સહિત કોઈ ઊંટવાળો લઈ ગયો. તેણે કૌશાંબી નગરીમાં જાહેર કર્યું કે આ સ્ત્રી સાથે હું લગ્ન કરીશ અને કન્યાને ચોકમાં લઈ જઈને વેચી દઈશ. આ સાંભળીને ધારિણી દુઃખી થઈ અને પોતે કેમ જીવે છે એનો ભારે શોક કરવા લાગી. ત્યાં તેનો જીવ જતો રહ્યો. પેલા માણસે એ બદલ દુઃખ વ્યક્ત કર્કહ્યું અને પેલી કન્યાને કૌશાંબીના રાજમાર્ગે વેચવા ઊભી કરી દીધી. ત્યાં ધનવાહ નામના શેઠે વસુમતીને જોઈ, તેના મનમાં વિચાર આવ્યો- ‘આ કોઈ સામાન્યા નથી. માતાપિતાથી વિખૂટી પડેલી આ કન્યા જો કોઈ હીન માણસના હાથમાં જશે તો શું થશે?’ આમ વિચારી તેણે પોતે જ એ કન્યા ખરીદી લીધી. તે ગભરુ બાળાને પોતાને ઘેર લઈ ગયા, તેને પુત્રીવત્ ગણીને તેની માહિતી પૂછી પણ તે કશું બોલી નહીં. એટલે શેઠે પોતાની પત્ની મૂલાને તેની સોંપણી કરી અને તે ત્યાં રોવા લાગી. શ્રેષ્ઠી પરિવારે તેનું નામ ચંદના પાડ્યું. સમય જતાં તે કન્યા યુવાનીમાં આવી. મૂલા શેઠાણીને હવે ધ્રાસકો પડ્યો, ‘અત્યાર સુધી તો પુત્રીની જેમ રાખી છે પણ તેના રૂપથી મોહ પામીને જો તેની સાથે લગ્ન કરશે તો મારું શું થશે?’ આમ વિચારી મૂલા રાતદિવસ ઉદાસ રહેવા લાગી. એક વાર ઉનાળાના તાપે અકળાઈને શેઠ દુકાનેથી ઘેર આવ્યા. તેમના પગ ધોવડાવવા કોઈ નોકર તે વખતે ત્યાં ન હતો. ચંદના ઊભી થઈને શેઠની નામરજી હોવા છતાં તે પગ ધોવડાવવા લાગી. તે વેળા તેનો કેશકલાપ છૂટો થઈને નીચે પડવા ગયો. ત્યારે આના કેશ કાદવમાં ન પડે એટલે શેઠે લાકડી વડે ઊંચા કર્યા. અને કેશ બાંધી દીધા. આ દૃશ્ય મૂલા શેઠાણીએ જોયું, ‘હવે ચોક્કસ આને પત્ની બનાવશે. પુત્રીનું કામ આવું નથી. એટલે આ કન્યાનો મૂળમાંથી કાકરો કાઢી નાખવો.’ શેઠ થોડો વિશ્રામ કરીને બહાર ગયા એટલે મૂલાએ એક વાળંદને બોલાવી ચંદનાનું મસ્તક મુંડાવી નાખ્યું. પગમાં બેડી નાખી તેને ખૂબ મારી. પછી ઘરના એક અવાવરુ ઓરડામાં પૂરી દીધી. આ વાત શ્રેષ્ઠીને કોઈ પણ સંજોગોમાં નહીં જણાવવા પોતાના પરિવારને કહ્યું, અને પોતે પિયર જતી રહી. સાંજે શેઠે ચંદના ક્યાં છે પૂછ્યું પણ મૂલાથી ડરી જઈને કોઈએ ઉત્તર ન આપ્યો. અહીં હશે, ત્યાં હશે, સૂઈ ગઈ હશે એમ માની લીધું. એમ કરતાં ત્રીજે દિવસે પણ તે દેખાઈ નહીં. એટલે શંકાકુશંકા કરીને ક્રોધે ભરાઈને તેમણે પૂછ્યું, ‘કહો જોઈએ, તમે જાણતાં હશો અને નહીં કહો તો તમારું આવી બનશે.’ આ સાંભળી એક ઘરડી દાસીએ વિચાર્યું, ‘હું તો કેટલું બધું જીવી છું, અને હવે તો મૃત્યુ પાસે છે. હું જો ચંદનાની વાત કરીશ તો શેઠાણી મને શું કરી લેશે?’ એટલે તેણે મૂલા અને ચંદનાની બધી વાત કહી અને જે ઓરડામાં ચંદનાને પૂરી હતી તે ઓરડો બતાવ્યો. ત્યાં ભૂખીતરસી, બેડીઓવાળી ચંદનાને જોઈ. તેને ધીરજ બંધાવી, ધનાવહ શેઠ રસોડામાં ગયા, પણ કશું ન મળ્યું. સૂપડામાં થોડા કુલ્માષ પડ્યા હતા તે ચંદનાને આપ્યા. ‘હું તારી આ બેડી તોડવા લુહારને બોલાવી લાવું છું. ત્યાં સુધી તું આ કુલ્માષ ખા.’ એમ કહીને તે બહાર ગયા. ચંદના વિચારવા લાગી, ‘ક્યાં હું રાજકુટુંબમાં જન્મેલી અને અત્યારે આ શું? એનો સામનો પણ કેવી રીતે કરું? આજે આઠમે જો કોઈ અતિથિ આવે તો તેને આ આપીને પછી જમું. ત્યાં સુધી જમીશ નહીં.’ એમ વિચારી દ્વાર પર નજર કરી. ત્યાં તો ભગવાન ભિક્ષા માટે આવી ચડ્યા. તેમને જોઈને ચંદનાને થયું, ‘આ કેવું ઉત્તમ પાત્ર — મારાં પુણ્ય કેવાં — આ મહાત્મા અહીં આવ્યા.’ એમ વિચારી તે સૂપડું લઈને એક પગ ઉમરાની અંદર અને એક પગ બહાર રાખી ઊભી રહી. બેડીને કારણે તે ઉમરો ઓળંગી ન શકી, ત્યાં રહીને ગળગળા સાદે તે બોલી, ‘ભગવાન, આ ભોજન આપને અનુકૂળ નથી છતાં એ સ્વીકારી મારા ઉપર ઉપકાર કરજો.’ બધી રીતે પોતાનો અભિગ્રહ પૂર્ણ થયેલો જાણી ભગવાને તે કુલ્માષ લેવા હાથ લંબાવ્યો. (ભગવાને એવો અભિગ્રહ લીધો હતો કે જો કોઈ સતી અને સુંદર રાજકુમારી દાસી બની હોય, પગમાં લોખંડની બેડીઓ હોય, માથું મુંડાવેલું હોય, ભૂખી હોય, રડતી હોય, એક પગ ઉમરા પર અને બીજો બહાર હોય, તેવી સ્ત્રી જો મને અડદ વહોરાવે તો પારણું કરીશ, નહીંતર નહીં કરું.’ આવી પ્રતિજ્ઞા લઈને તેઓ ભિક્ષા વહોરવા જતા હતા પણ ક્યાંય પોતાની ઇચ્છા પ્રમાણેની ભિક્ષા મળતી ન હતી. કોઈ કરતાં કોઈ રીતે ભગવાનની પ્રતિજ્ઞા પણ જાણી ન શકાઈ. પરિણામે લોકો લજ્જા અને શોક અનુભવતા હતા) ‘અરે હું તો ધન્ય ધન્ય થઈ ગઈ.’ એમ ધ્યાન ધરતી ચંદનાએ સૂપડાના અડદ ભગવાનના હાથમાં મૂક્યા. ભગવાનની પ્રતિજ્ઞા પૂરી થઈ એટલે દેવતાઓ આનંદ મનાવતા ત્યાં આવ્યા. ચંદનાની બેડીઓ તૂટી ગઈ, તેને ઠેકાણે સોનાનાં ઝાંઝર થઈ ગયાં, કેશપાશ પહેલાંના જેવો થઈ ગયો. બધા દેવતાઓએ ચંદનાને વસ્ત્રાલંકારથી શણગારી દીધી. દેવતાઓએ વાજિંત્રો વગાડ્યાં. એનો અવાજ સાંભળીને શતાનિક રાજા-રાણી પણ આવ્યાં. દધિવાહન રાજાનો એક કંચુકી સંપુલ ત્યાં આવ્યો. પોતાના રાજાની પુત્રીને જોઈને તે ચોધાર આંસુ સારવા લાગ્યો. પછી તેણે વસુમતીની વાત કરી. લોભી બનીને શતાનિક રાજાએ દેવતાઓએ પ્રગટાવેલ વસુમતીનું ધન લેવાની ઇચ્છા કરી. ત્યારે તેને કહેવામાં આવ્યું કે આ દ્રવ્યના માલિક તમે નથી. કન્યા જેને આપવા ઇચ્છે તેને આ ધન મળશે. ચંદનાને પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, ‘આ દ્રવ્ય ધનવાહ શેઠનું. તેમણે મારું પાલન કર્યું એટલે તે મારા પિતા કહેવાય.’ એટલે શેઠે તે દ્રવ્ય લીધું. ઇન્દ્રે રાજાને ચંદનાનું રક્ષણ કરવા કહ્યું. રાજા ચંદનાને પોતાને ત્યાં લઈ ગયા અને બીજી કન્યાઓ સાથે રાખી. ધનાવહ શેઠે અનર્થના મૂળ જેવી મૂલા શેઠાણીને કાઢી મૂકી, તે છેવટે મૃત્યુ પામીને નરકે ગઈ.


ગોવાળે કરેલી હિંસા

એક વખત ભગવાન ગામની બહાર હતા. ત્યારે એક ગોવાળ ભગવાનની પાસે બળદો મૂકીને ગાયો દોહવા ગયો. એ દરમિયાન બળદો ચારો ચરતા દૂર જતા રહ્યા. ગોવાળે પાછા આવીને બળદ જોયા નહીં એટલે તેણે પૂછ્યું, ‘અરે અધમ દેવ, મારા બળદ ક્યાં ગયા? તું બોલતો કેમ નથી? શું તારા કાન નકામા છે?’ તો પણ મહાવીર ન બોલ્યા ત્યારે તે ગોવાળે ભગવાનના બંને કાનમાં સળીઓ નાખી. અને પછી તે સળીઓ જાણે એક જ હોય તેવી થઈ ગઈ. પછી તે ગોવાળ તે સળીઓનો બહાર દેખાતો ભાગ છેદીને જતો રહ્યો. કાનમાં નાખેલા આ શલ્યથી ભગવાન કંપ્યા નહીં. પછી પારણા કરવા માટે સિદ્ધાર્થ વણિકને ત્યાં ગયા. ત્યાં સિદ્ધાર્થનો એક વૈદ્ય મિત્ર ખરક પહેલેથી બેઠો હતો. તે બુદ્ધિશાળી હતો એટલે ભગવાનને જોઈને તેને થયું કે ભગવાન થોડા મ્લાન દેખાય છે. ક્યાંક શલ્ય હોવું જોઈએ. એટલે સિદ્ધાર્થે તે શલ્ય શોધી કાઢવા કહ્યું. પછી તે વૈદ્યે ભગવાનના કાનમાં ખીલા જોયા. સિદ્ધાર્થે કહ્યું, ‘કોઈ પાપીએ આ કાર્ય કર્યું છે. શલ્ય ભગવાનના કાનમાં છે પણ પીડા મને થાય છે.’ વૈદ્ય ભગવાનની ચિકિત્સા કરવા શરૂમાં તો તૈયાર ન હતો પણ પાછળથી તેણે હા પાડી. ભગવાનને તેલની કુંડીમાં બેસાડ્યા. ચંપી કરનારા બળવાન માણસો પાસે ભગવાનના શરીરનું મર્દન કરાવ્યું. શરીરના બધા સાંધા ઢીલા કરી નાખ્યા. પછી બે સાણસી લઈને બંને ખીલા એક સાથે ખેંચ્યા. ભગવાનને તે વેળા એટલી બધી વેદના થઈ કે તેઓ મોટેથી ચીસ પાડી બેઠા. પછી સંરોહિણી ઔષધિથી કાન રુઝવ્યા, વૈદ્ય પોતાને ઘેર ગયા, ગોવાળ મરણ પામી નરકે ગયો. ભગવાને ત્યાં મોટો નાદ કર્યો એટલે તે ઉદ્યાન મહાભૈરવના નામે જાણીતું થયું, લોકોએ ત્યાં એક દેવાલય બંધાવ્યું. (પર્વ-૧૦)

ચેલ્લણા અને શ્રેણિક રાજાની કથા

ચેલ્લણા સાથે શ્રેણિક રાજા સુખચેનથી રહેતો હતો, તે પત્નીના કેશ પણ ગૂંથી આપતો હતો. તેના ગાલે કસ્તુરીનું લેપન કરતો હતો, રાતદિવસ તે પત્નીનું પડખું પણ મૂકતો ન હતો. એવામાં ગરીબોને અકળાવી નાખતી શિશિર ઋતુ આવી. શ્રીમંતો સગડીઓ સળગાવી ટાઢ ઉડાડવા માંડ્યા. ગરીબ લોકોનાં બાળક ખુલ્લા હાથ કરીને ધૂ્રજતા ઊભા રહેતાં હતાં, તેમના દાંત કડકડતા હતા. યુવાન પુરુષો પ્રિયાઓના વક્ષ:સ્થળેથી હાથ ખસેડતા ન હતા. એવામાં જ્ઞાનચંદન વીરપ્રભુ આવ્યા. તે સમાચાર સાંભળી શ્રેણિક રાજા બપોરે ચેલ્લણાદેવી સાથે તેમને વંદન કરવા આવ્યા. પાછા આવતી વખતે કોઈ જળાશય પાસે એક મુનિ જોયા. ઉત્તરીય વિનાના તે મુનિ ઠંડી સહન કરતા હતા. રાજારાણીએ તેમની વંદના કરી, પછી બંને મહેલમાં આવ્યાં. સાયંકાળે બધાં નિત્યકર્મ પતાવી રાજા શયનગૃહમાં ગયો. અને રાજા પત્નીની છાતી પર હાથ મૂકીને સૂઈ ગયો. રાજાના આલિંગનથી રાણીને પણ ઊંઘ આવી ગઈ. ફરી હાથને અંદર લીધો. તે જ વેળા પેલા ઉત્તરીય વસ્ત્ર વિનાના મુનિનું સ્મરણ થયું, તે બોલી પડી, ‘આવી ઠંડીમાં તેનું શું થતું હશે?’ આમ બોલીને તે ઊંઘી ગઈ. ચેલ્લણાના આ બોલથી રાજા જાગી ગયો, તે વિચારવા લાગ્યો, ‘આના મનમાં કોઈ બીજો પુરુષ રમતો હોવો જોઈએ.’ આવા વિચારને કારણે રાજા ઊંઘી ન શક્યો. સવારે ચેલ્લણાને અંત:પુરમાં મોકલી, અભયકુમારને શ્રેણિકે બોલાવ્યો, ‘વત્સ, મારું અંત:પુર દુરાચારથી ભરેલું છે, તે તું બાળી નાખ. માતા પર જરાય મોહ રાખીશ નહીં.’ આમ અભયને આજ્ઞા આપી રાજા ભગવાનને વંદવા ગયા. અભય પિતાની આજ્ઞા સાંભળીને તો ડરી જ ગયો. પણ તે વિચારીને કામ કરનાર હતો એટલે તે મનમાં વિચાર કરવા લાગ્યો, ‘મારી બધી માતાઓ તો મહાસતીઓ છે, હું તેમનો રક્ષક. પિતાની આવી આજ્ઞાનું શું કરવું? પણ થોડો સમય જશે તો પિતાનો ક્રોધ શમી જશે.’ એમ વિચારી અંત:પુર પાસેની હાથીખાનાની જીર્ણ કુટીરો સળગાવી દીધી અને ઘોષણા કરી કે અંત:પુર સળગાવી દીધું. દરમિયાન શ્રેણિક રાજાએ વીરપ્રભુને પૂછ્યું, ‘હે પ્રભુ, ચેલ્લણા એક પતિવાળી છે કે અનેક પતિવાળી?’ પ્રભુએ કહ્યું, ‘તારી પત્ની ચેલ્લણા મહાસતી છે, શીલથી તે શોભે છે, તેના પર કશી શંકા કરીશ નહીં.’ પ્રભુની વાત સાંભળી પશ્ચાત્તાપ કરતો રાજા પોતાના નગર બાજુ ઉતાવળે ચાલ્યો. આ તરફ અભય આગ ચાંપીને આવતો હતો, તે સામે મળ્યો. રાજાએ પૂછ્યું, ‘મારી આજ્ઞાનું પાલન કર્યું?’ અભયે નિર્ભય થઈને કહ્યું, ‘તમારી આજ્ઞા બીજાઓ માને તો હું કેમ ન માનંુ?’ રાજા બોલ્યો, ‘અરે પાપી, તારી માતાઓને બાળીને તું કેમ જીવે છે? તું કેમ બળી ન મર્યો?’ અભયે કહ્યું, ‘ભગવાનની આજ્ઞા થશે ત્યારે હું પણ મૃત્યુ પામીશ.’ રાજાએ કહ્યું, ‘મારી વાત માનીને આવું અકાર્ય કેમ કર્યું?’ એમ બોલી જાણે ઝેર પી ગયો હોય તેમ રાજા જમીન પર પડી ગયો. અભયે તેમના પર શીતળ જળનો છંટકાવ કરી કહ્યું, ‘અંત:પુરમાં બધે કુશળતા છે. કોઈ દુર્ભાગ્યને કારણે તમે આવી આજ્ઞા કરી પણ મેં એનું પાલન કર્યું નથી. એ મારો અપરાધ. મેં અંત:પુર પાસેની હાથીઓની જીર્ણ કુટીરો બાળી નાખી છે.’ રાજા તે સાંભળીને આનંદ પામ્યો, ‘વત્સ, તું મારો સાચો પુત્ર, મારા પર આવેલું કલંક તે દૂર કર્યું.’ અભયને પારિતોષિક આપી રાજા અંત:પુરમાં જઈને ચેલ્લણા સાથે આનંદ મનાવતો રહ્યો. (પર્વ ૧૦)

રામ, કૃષ્ણ તથા અરિષ્ટનેમિનો જન્મ: કંસનો વધ અને દ્વારિકાનગરીનું સ્થાપન

હસ્તિનાપુરમાં કોઈ શ્રેષ્ઠી રહેતો હતો. તેને લલિત નામે એક પુત્ર હતો. તે તેની માતાને ઘણો વહાલો હતો. એક વખતે તે શેઠાણીને ઘણો સંતાપદાયક ગર્ભ રહ્યો. તેણીએ વિવિધ દ્રવ્યોપચારોથી તે પાડવા માંડ્યો તો પણ તે ગર્ભ પડ્યો નહીં. સમય પૂર્ણ થયે શેઠાણીને પુત્ર આવ્યો. તેને કોઈક સ્થળે મૂકી દેવાને માટે તેણે દાસીને આપ્યો. તે શેઠના જોવામાં આવતાં તેણે દાસીને પૂછ્યું: ‘આ શું કરે છે?’ દાસી બોલી: ‘આ પુત્ર શેઠાણીને અનિષ્ટ છે, તેથી તેનો ત્યાગ કરાવે છે.’ તે જાણી શેઠે દાસી પાસેથી તે પુત્રને લઈ લીધો અને ગુપ્ત રીતે બીજે સ્થાને ઉછેરવા આપ્યો. પિતાએ તેનું ગંગદત્ત એવું નામ પાડ્યું. તેને માતાથી છાની રીતે લલિત પણ રમાડતો હતો. એક વખતે વસંતોત્સવ આવ્યો ત્યારે લલિતે પિતાને કહ્યું: ‘આજે ગંગદત્તને સાથે જમાડો તો ઘણું સારું. શ્રેષ્ઠી બોલ્યા ‘પુત્ર! જો તારી માતા જુએ તો સારું નહીં.’ લલિતે કહ્યું: ‘હે તાત! મારી માતા જુએ નહીં તેવો હું યત્ન કરીશ.’ પછી શેઠે તેમ કરવાની આજ્ઞા આપી એટલે લલિતે ગંગદત્તને પડદામાં રાખી જમવા બેસાડ્યો અને શેઠ તથા લલિત તેની આડા બેઠા. તેઓ જમતાં જમતાં છાની રીતે ગંગદત્તને ભોજન આપવા લાગ્યા તેવામાં અકસ્માત્ ઉત્કટ થયેલા પવને પેલા પડદાને ઉડાડ્યો એટલે ગંગદત્ત શેઠાણીના જોવામાં આવ્યો. તેણે તત્કાળ કેશ વડે તેને ખેંચ્યો અને સારી પેઠે કૂટીને તેને ઘરની ખાળમાં નાખી દીધો. તે જોઈ મહામતિ શેઠે અને લલિતે ઉદ્વેગ પામીને શેઠાણીથી છાની રીતે પાછો ગંગદત્તને ત્યાંથી લઈ ન્હવરાવીને કેટલોક બોધ આપ્યો. તે સમયે કોઈ સાધુઓ ભિક્ષા માટે ફરતા ફરતા ત્યાં આવ્યા. તેમને પિતાપુત્રે શેઠાણીને તે પુત્ર ઉપર દ્વેષ થવાનું કારણ પૂછ્યું. એટલે એક સાધુ બોલ્યા: ‘એક ગામમાં બે ભાઈઓ રહેતા હતા. એક વખતે કાષ્ઠ લેવા માટે તેઓ ગામ બહાર ગયા અને કાષ્ઠની ગાડી ભરી પાછા વળ્યા. તે વખતે મોટો ભાઈ આગળ ચાલતો હતો, તેણે માર્ગમાં ચીલા ઉપર એક સર્પિણીને જતી જોઈ. તેથી નાનો ભાઈ કે જે ગાડી હાંકતો હતો તેને તેણે કહ્યું કે ‘અરે ભાઈ! આ ચીલામાં સર્પિણી પડી છે, માટે તેને બચાવીને ગાડી ચલાવજે.’ તે સાંભળી પેલી સર્પિણીને વિશ્વાસ આવ્યો. તેવામાં પેલો કનિષ્ઠ ભાઈ ગાડી સાથે ત્યાં આવ્યો. તેણે આ સર્પિણીને જોઈને કહ્યું: ‘આ સર્પિણીને મોટા ભાઈએ બચાવી છે, પણ હું તેની ઉપર થઈને જ ગાડી હાંકું, કારણ કે તેનાં અસ્થિનો ભંગ સાંભળતાં મને ઘણો હર્ષ થશે.’ પછી તે ક્રૂર એવા લઘુ ભાઈએ તેમ કર્યું. તે સાંભળી તે સર્પિણી ‘આ મારો વૈરી છે’ એમ ચિંતવન કરતી મરણ પામી. હે શ્રેષ્ઠી! તે સર્પિણી મરીને આ તારી સ્ત્રી થયેલી છે અને પેલા બેમાં જ્યેષ્ઠ બંધુ હતો તે આ લલિત થયેલો છે. પૂર્વ જન્મના કર્મથી તે માતાને ઘણો પ્રિય છે અને જે કનિષ્ઠ બંધુ હતો તે આ ગંગદત્ત થયેલો છે, તે પૂર્વકર્મથી તેની માતાને ઘણો અનિષ્ટ લાગે છે કેમકે ‘પૂર્વ કર્મ અન્યથા થતું નથી.’ મુનિનાં આ પ્રમાણેનાં વચનો સાંભળી શેઠે અને લલિતે સંસારથી વિરક્ત થઈ તત્કાળ દીક્ષા ગ્રહણ કરી અને વ્રત પાળી કાળે કરીને તે બંને મહાશુક્ર દેવલોકમાં દેવતા થયા. પછી ગંગદત્તે પણ ચારિત્ર લીધું. અંતસમયે માતાનું અનિષ્ટપણું સંભારી વિશ્વવલ્લભ થવાનું નિયાણું કરી મૃત્યુ પામીને તે પણ મહાશુક્ર દેવલોકમાં ગયો. લલિતનો જીવ મહાશુક્ર દેવલોકથી ચ્યવી વસુદેવની સ્ત્રી રોહિણીના ઉદરમાં ઉત્પન્ન થયો. તે સમયે અવશેષ રાત્રિએ તેણે બળભદ્રના જન્મને સૂચવનારાં હાથી, સમુદ્ર, સિંહ અને ચંદ્ર એ ચાર સ્વપ્ન મુખમાં પ્રવેશ કરતાં જોયાં. પૂર્ણ સમયે રોહિણીએ રોહિણીપતિ (ચંદ્ર) જેવા પુત્રને જન્મ આપ્યો. મગધાદિક દેશના રાજા(સમુદ્રવિજય વિગેરે)એ તેનો જન્મોત્સવ કર્યો. વસુદેવે તેમનું રામ એવું ઉત્તમ નામ પાડ્યું. (તે બળભદ્રના નામથી પ્રખ્યાત થયા) સર્વના મનને રમાડતા રામ અનુક્રમે મોટા થયા. તેમણે ગુરુજનની પાસેથી સર્વ કળાઓ ગ્રહણ કરી તેમની નિર્મળ બુદ્ધિ વડે દર્પણની જેમ તેનામાં સર્વ શાસ્ત્રો સંક્રાંત થઈ ગયાં. એક સમયે વસુદેવ અને કંસાદિકના પરિવાર સાથે સમુદ્રવિજય રાજા બેઠા હતા, તેવામાં સ્વચ્છંદી નારદ મુનિ ત્યાં આવ્યા. સમુદ્રવિજયે, કંસે અને બીજા સર્વેએ ઊભા થઈ ઉદય પામતા સૂર્યની જેમ તેમની પૂજા કરી. તેમની પૂજાથી પ્રસન્ન થયેલા નારદ ક્ષણ વાર બેસીને પાછા ત્યાંથી બીજે જવાને માટે આકાશમાં ઊડી ગયા, કેમકે તે મુનિ સદા સ્વેચ્છાચારી છે. તેમના ગયા પછી કંસે પૂછ્યું: ‘આ કોણ હતું?’ એટલે સમુદ્રવિજય બોલ્યા: ‘પૂર્વે આ નગરની બહાર યજ્ઞયશા નામે એક તાપસ રહેતો હતો. તેને યજ્ઞદત્તા નામે સ્ત્રી હતી, તથા સુમિત્ર નામે એક પુત્ર હતો. તે સુમિત્રને સોમયશા નામે પત્ની હતી. અન્યદા કોઈ જૃંભક દેવતા આયુષ્યનો ક્ષય થતાં ચ્યવીને સોમયશાની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયો તે આ નારદ થયેલ છે. તે તાપસો એક દિવસ ઉપવાસ કરીને બીજે દિવસ વનમાં જઇ ઉછવૃત્તિ૧ વડે આજીવિકા કરે છે. તેથી તેઓ એક વખતે આ નારદને અશોકવૃક્ષ નીચે મૂકીને ઉછવૃત્તિને માટે ગયા હતા. તે વખતે આ અસમાન કાંતિવાળો બાળક જૃંભક દેવતાઓના જોવામાં આવ્યો. અવધિજ્ઞાન વડે નારદને પોતાના પૂર્વજન્મનો મિત્ર જાણી તેઓએ તેની ઉપર રહેલી અશોકવૃક્ષની છાયાને સ્તંભિત કરી. પછી તે દેવતાઓ પોતાનાં કાર્યને માટે જઈ અર્થ સિદ્ધ કરીને પાછા ફર્યા. તે વખતે સ્નેહ વડે નારદને અહીંથી ઉપાડીને વૈતાઢ્યગિરિ ઉપર લઈ ગયા. તે દેવતાએ છાયા સ્તંભિત કરી ત્યારથી એ અશોકવૃક્ષ પૃથ્વીમાં છાયાવૃક્ષ એવા નામથી વિખ્યાત થયું. જૃંભક દેવતાઓએ વૈતાઢ્યગિરિની ગુફામાં રાખીને તેનું પ્રતિપાલન કર્યું. આઠ વર્ષનો થતાં તેને તે દેવોએ પ્રજ્ઞપ્તિ વિગેરે બધી વિદ્યાઓ શીખવી. તે વિદ્યાના પ્રભાવથી તે આકાશગામી થયેલ છે. એ નારદ મુનિ આ અવસર્પિણીમાં નવમા થયા છે અને તે ચરમશરીરી૨ છે. આ પ્રમાણે ત્રિકાળજ્ઞ સુપ્રતિષ્ઠ મુનિએ આ નારદ મુનિની ઉત્પત્તિ પૂર્વે મને કહી હતી. એ પ્રકૃતિથી કલહપ્રિય છે, અવજ્ઞા કરવાથી તેને કોપ ચઢે છે, તે એક ઠેકાણે રહેતા નથી અને સર્વ ઠેકાણે પૂજાય છે.’ એક વખતે કંસે સ્નેહથી વસુદેવને મથુરા આવવા માટે બોલાવ્યા, એટલે દશાર્હપતિ સમુદ્રવિજયની આજ્ઞા લઈને તે મથુરામાં ગયા. એક સમયે જીવયશા સહિત બેઠેલા કંસે વસુદેવને કહ્યું કે: ‘મૃત્તિકાવતી નામે એક મોટી નગરી છે. ત્યાં દેવક નામે રાજા છે. તે મારા કાકા થાય છે. તેમને દેવકન્યા જેવી દેવકી નામે પુત્રી છે. તેને તમે ત્યાં જઈને પરણો. હું તમારો સેવક છું, માટે આ પ્રાર્થનાનું તમે ખંડન કરશો નહીં.’ આ પ્રમાણે દાક્ષિણ્યનિધિ દશાર્હ વસુદેવને કહ્યું, એટલે તે તેમણે કબૂલ કર્યું અને કંસની સાથે ત્યાં જવા ચાલ્યા. મૃત્તિકાવતીનગરીએ જતાં માર્ગમાં નારદ મળ્યા. એટલે વસુદેવે અને કંસે વિધિથી તેમની પૂજા કરી. નારદે પ્રસન્ન થઈને પૂછ્યું: ‘તમે ક્યાં જાઓ છો?’ વસુદેવ બોલ્યા: ‘આ મારા મિત્ર કંસની સાથે તેમના કાકા દેવકરાજાની કન્યા દેવકીને પરણવા જાઉં છું.’ નારદ બોલ્યા: ‘આ કાર્ય કંસે સારું આરંભ્યું, કેમ કે વિધાતા નિર્માણ કરે છે, પુરુષોમાં તમે રૂપથી અપ્રતિરૂપ છો, તેમ સ્ત્રીઓમાં તે દેવકી પણ અપ્રતિરૂપ છે. તમે ઘણી ખેચરકન્યાઓને પરણ્યા છો, પણ એ દેવકી જોશો એટલે પછી તે બધી અસાર લાગશે. હે વસુદેવ! આ યોગ્ય સંયોગમાં તમને કયાંયથી પણ વિઘ્ન નહીં થાય. હું પણ જઈને દેવકીને તમારા ગુણ કહું છું.’ આ પ્રમાણે કહી નારદ સત્વર ઊડીને દેવકીને ઘેર ગયા. દેવકીએ તેમની પૂજા કરી એટલે નારદે આશિષ આપી કે: ‘તારા પતિ વસુદેવ થાઓ.’ દેવકીએ પૂછ્યું: ‘તે વસુદેવ કોણ?’ નારદ બોલ્યા, ‘તે યુવાન એવા દશાર્હ છે અને વિદ્યાધરોની કન્યાઓને અતિ પ્રિય છે. વધારે શું કહું? દેવતાઓ પણ જેના રૂપને તુલ્ય નથી એવા તે વસુદેવ છે.’ આ પ્રમાણે કહીને નારદમુનિ ત્યાંથી અંતર્ધાન થઈ ગયા. નારદની આવી વાણીથી વસુદેવે દેવકીના હૃદયમાં પ્રવેશ કર્યો. વસુદેવ અને કંસ અનુક્રમે મૃત્તિકાવતી નગરીએ આવી પહોંચ્યા. વિવેકી દેવક રાજાએ વસુદેવની અને કંસની પૂજા કરી. પછી અમૂલ્ય આસન પર બેસાડીને આગમનનું કારણ પૂછ્યું. કંસે કહ્યું, ‘કાકા! તમારી દુહિતા દેવકી આ વસુદેવને અપાવવા આવ્યો છું. મારું અહીં આવવાનું પ્રયોજન તે જ છે.’ દેવકે કહ્યું: ‘કન્યાને માટે વર પોતે જ આવે તેવી રીતિ નથી, તેથી તેવી રીતે આવનાર વરને હું દેવકી આપીશ નહીં.’ આવાં દેવક રાજાનાં વચન સાંભળીને કંસ અને વસુદેવ બન્ને વિલખા થઈ પોતાની છાવણીમાં આવ્યા અને દેવકરાજા પોતાના અંત:પુરમાં ગયા. ત્યાં દેવકીએ હર્ષથી પિતાને પ્રણામ કર્યાં, એટલે ‘હે પુત્રી! યોગ્ય વરને પ્રાપ્ત કર.’ એમ દેવકે આશિષ આપી. પછી દેવકે પોતાની દેવીરાણીને કહ્યું કે ‘આજે વસુદેવને દેવકી આપવાને કંસે ઉત્સુક થઈ મારી પાસે માગણી કરી, પણ પુત્રીના વિરહને નહીં સહન કરનારા મેં તે વાત કબૂલ કરી નહીં.’ આ પ્રમાણે સાંભળી દેવી ખેદ પામી અને દેવકીએ ઊંચે સ્વરે રુદન કરવા માંડ્યું. આવો તેમનો વસુદેવ તરફ પ્રીતિભાવ જોઈને દેવકે કહ્યું કે: ‘તમે ખેદ કરો નહીં, હું પૂછવાને આવ્યો છું.’ એટલે દેવીએ કહ્યું: ‘એ વસુદેવ દેવકીને યોગ્ય વર છે અને પુત્રીના પુણ્યથી જ અહીં વરવાને આવેલ છે.’ આ પ્રમાણેનો વિચાર જાણીને તત્કાળ દેવકે મંત્રીને મોકલી કંસ અને વસુદેવને પાછા બોલાવ્યા અને પ્રથમ જેનું અપમાન કરેલ તેનો ફરી વાર ઘણો સત્કાર કર્યો. પછી શુભ દિવસે તારસ્વરે ગવાતાં ધવલમંગળ સાથે વસુદેવ અને દેવકીનો વિવાહોત્સવ થયો. દેવકે પાણિગ્રહણ વખતે વસુદેવને સુવર્ણ વિગેરે પુષ્કળ પહેરામણી અને કોટિ ગાય દશ ગોકુળના પતિ નંદને આપ્યાં. પછી વસુદેવ અને કંસ નંદ સહિત મથુરામાં આવ્યા. ત્યાં કંસે પોતાના સુહૃદના વિવાહની ખુશાલીને માટે મોટો મહોત્સવ આરંભ્યો. એ અરસામાં જેણે પૂર્વે ચારિત્ર ગ્રહણ કરેલ છે એવા કંસના અનુજ બંધુ અતિમુક્ત મુનિ તપસ્યાથી કૃશ અંગવાળા થયા હતા તે કંસને ઘેર પારણાને માટે આવ્યા. તે વખતે મદિરાને વશ થયેલી કંસની સ્ત્રી જીવયશા ‘અરે દિયર! આજે ઉત્સવને દિવસે આવ્યા તે બહુ સારું કર્યું, માટે આવો, મારી સાથે નૃત્ય અને ગાયન કરો.’ આ પ્રમાણે કહી તે મુનિના કંઠે વળગી પડી અને ગૃહસ્થની જેમ તેમની ઘણી આસનાવાસના કરી. તે વખતે જ્ઞાની મુનિએ કહ્યું કે: ‘જેને નિમિત્તે આ ઉત્સવ થાય છે, તેનો સાતમો ગર્ભ તારા પતિનો અને પિતાનો હણનાર થશે.’ વજ્ર જેવી આ વાણી સાંભળી તત્કાળ જીવયશા કે જેની ભયથી મદાવસ્થા જતી રહી હતી તેણીએ તે મહામુનિને છોડી દીધા અને તત્કાળ પોતાના પતિ પાસે જઈને એ ખબર કહ્યા. કંસે વિચાર્યું કે: ‘કદી વજ્ર નિષ્ફળ થાય પણ મુનિનું ભાષિત નિષ્ફળ થતું નથી, તો પણ જ્યાં સુધી આ ખબર કોઈને પડ્યા નથી ત્યાં સુધીમાં હું વસુદેવની પાસે દેવકીના ભાવી સાત ગર્ભ માગી લઉં. જો મારા મિત્ર વસુદેવ માગણી કરવાથી મને દેવકીના ગર્ભ ન આપે તો પછી બીજો કોઈ પ્રયત્ન કરું કે જેથી મારા આત્માનું કુશળ થાય.’ આ પ્રમાણે ચિંતવી જો કે પોતે મદરહિત હતો, તથાપિ મદાવસ્થાનો દેખાવ કરતો અને દૂરથી અંજલિ જોડતો કંસ વસુદેવની પાસે આવ્યો. વસુદેવે ઊભા થઈ તેની યોગ્યતા પ્રમાણે તેને માન આપ્યું અને સંભ્રમથી કર વડે સ્પર્શ કરીને કહ્યું: ‘કંસ! તમે મારા પ્રાણપ્રિય મિત્ર છો. આ વખતે કાંઈ કહેવાને આવ્યા છો એમ જણાય છે, તો જે ઇચ્છા હોય તે કહો. જે કહેશો તે હું કરીશ.’ કંસે અંજલિ જોડીને કહ્યું: ‘હે મિત્ર! પ્રથમ પણ જરાસંધ પાસેથી જીવયશાને અપાવીને તમે મને કૃતાર્થ કર્યો છે, તો હવે મારી એવી ઇચ્છા છે કે દેવકીના સાત ગર્ભ જન્મતાં જ મને અર્પણ કરો.’ સરલ મનવાળા વસુદેવે તેમ કરવાને કબૂલ કર્યું. મૂળ વૃત્તાંતને નહીં જાણનારી દેવકીએ પણ તેને કહ્યું: ‘હે બંધુ! તારી ઇચ્છા પ્રમાણે થાઓ. વસુદેવના અને તારા પુત્રોમાં કાંઈ પણ અંતર નથી. અમારા બન્નેનો યોગ વિધિની જેમ તારાથી જ થયેલો છે, તે છતાં હે કંસ! જાણે અધિકારી જ ન હો તેમ કેમ બોલે છે?’ વસુદેવ બોલ્યા: ‘સુંદરી! હવે બહુ બોલવાનું કાંઈ કામ નથી. તારા સાત ગર્ભો જન્મ પામતાં જ કંસને આધીન થાઓ.’ કંસ બોલ્યો કે: ‘આ તમારો મારા પર મોટો પ્રસાદ છે.’ ઉન્મત્તપણાના મિષે આ પ્રમાણે કહીને પછી વસુદેવની સાથે મદિરાપાન કરી તે પોતાને ઘેર ગયો. ત્યાર પછી વસુદેવે મુનિનું સર્વ વૃત્તાંત સાંભળ્યું એટલે જાણ્યું કે: ‘કંસે મને કપટથી છળી લીધો.’ પરંતુ પોતાના સત્યવચનીપણાથી તેને આપેલા વચન સંબધી ઘણો પશ્ચાત્તાપ થયો. એ સમયમાં ભદ્દિલપુરમાં નાગ નામે એક શેઠ રહેતો હતો. તેને સુલસા નામે સ્ત્રી હતી. તે બન્ને પરમ શ્રાવક હતા. અતિમુક્ત નામના ચારણમુનિએ તે સુલસાના સંબંધમાં તેની બાલ્ય વયમાં કહ્યું હતું: ‘આ બાળા નિંદુ(મૃતપુત્રા) થશે.’ તે સાંભળી સુલસાએ ઇન્દ્રનાં સોનાની નૈગમેષી દેવની આરાધના કરી. તે દેવ સંતુષ્ટ થયો એટલે તેણીએ પુત્રની યાચના કરી. દેવે અવધિજ્ઞાનથી જાણીને કહ્યું કે: હે ધાર્મિક સ્ત્રી! કંસે મારવાને માટે દેવકીના ગર્ભ માગ્યા છે, તે હું તને તારા મૃતગર્ભના પ્રસવ સમયે અર્પણ કરીશ.’ એમ કહી તે દેવે પોતાની શક્તિથી દેવકી અને સુલસાને સાથે જ રજસ્વલા કરી અને તેઓ સાથે જ સગર્ભા થઈ. બંનેએ સાથે જ ગર્ભને જન્મ આપ્યો. એટલે સુલસાના મૃતગર્ભને ઠેકાણે તે દેવતાએ દેવકીના સજીવન ગર્ભને મૂક્યા અને તેના મૃતગર્ભ દેવકી પાસે મૂક્યા. એવી રીતે તે દેવતાએ ફેરફાર કરી દીધો. કંસે પેલી સુલસાના મૃતગર્ભને પથ્થરની શિલા ઉપર દૃઢપણે અફળાવ્યા. (અને પોતે મારી નાખ્યાનું માનવા લાગ્યો.) એ રીતે દેવકીના ખરા છ ગર્ભ સુલસાને ઘેર પુુત્રની જેમ તેનું સ્તનપાન કરીને સુખે સુખે વૃદ્ધિ પામવા લાગ્યા. તેમનાં અનીકયશ, અનંતસેન, અજિતસેન, નિહતારિ, દેવયશા અને શત્રુસેન એવાં તેણે નામ પાડ્યાં. અન્યદા ઋતુસ્નાતા દેવકીએ નિશાને અંતે સિંહ, સૂર્ય, અગ્નિ, ગજ, ધ્વજ, વિમાન અને પદ્મસરોવર એ સાત સ્વપ્ન જોયાં. તે વખતે પેલા ગંગદત્તનો જીવ મહાશુક્ર દેવલોકમાંથી ચ્યવીને તેની કુક્ષિમાં અવતર્યો. એટલે ખાણની ભૂમિ જેમ રત્નને ધારણ કરે તેમ દેવકીએ ગર્ભ ધારણ કર્યો. અનુક્રમે શ્રાવણ માસની કૃષ્ણ અષ્ટમીએ મધ્યરાત્રે દેવકીએ કૃષ્ણ વર્ણવાળા પુત્રને જન્મ આપ્યો. તે પુત્ર દેવના સાંનિધ્યથી જન્મતાં જ શત્રુઓના દૃષ્ટિપાતનો નાશ કરનારો થયો. જ્યારે તેનો જન્મ થયો ત્યારે તેના પક્ષના દેવતાઓએ કંસે રાખેલા ચોકીદાર પુરુષોને પોતાની શક્તિથી જાણે વિષપાન કર્યું હોય તેમ નિદ્રાવશ કરી દીધા. તે સમયે દેવકીએ પોતાના પતિને બોલાવીને કહ્યું: ‘હે નાથ! મિત્રરૂપે શત્રુ એવા પાપી કંસે તમને વાણીથી બાંધી લીધા અને પાપીએ મારા છ પુત્રોને જન્મતાં જ મારી નાખ્યા, માટે આ પુત્રની માયા વડે પણ રક્ષા કરો. બાળકની રક્ષા કરવા માટે માયા કરવી તેમાં પાપ લાગતું નથી. મારા આ બાળકને તમે નંદના ગોકુળમાં લઈ જાઓ, ત્યાં મોસાળની જેમ રહીને આ પુત્ર મોટો થશે.’ આવાં તેનાં વચન સાંભળી. ‘તેં બહુ સારો વિચાર કર્યો.’ એમ બોલતા સ્નેહાર્દ્ર વસુદેવ તે બાળકને લઈને જેમાં પહેરેગીરો સૂઈ ગયા હતા એવા તે ઘરમાંથી બહાર નીકળ્યા. તે વખતે દેવતાઓએ તે બાળક ઉપર છત્ર ધર્યું, પુષ્પની વૃષ્ટિ કરી અને આઠ ઉગ્ર દીવાઓથી માર્ગમાં ઉદ્યોત કરવા લાગ્યા. પછી શ્વેત વૃષભરૂપે થઈને તે દેવતાઓએ બીજાઓ ન જાણે તેમ નગરીનાં દ્વાર ઉઘાડી દીધાં. જ્યારે વસુદેવ ગોપુર(દરવાજા) પાસે આવ્યા, એટલે પાંજરામાં રહેલા ઉગ્રસેન રાજાએ ‘આ શું?’ એમ વિસ્મયથી વસુદેવને પૂછ્યું, એટલે ‘આ કંસનો શત્રુ છે.’ એમ કહી વસુદેવે હર્ષથી તે બાળક ઉગ્રસેનને બતાવ્યો અને કહ્યું: ‘હે રાજન્! આ બાળકથી તમારા શત્રુનો નિગ્રહ થશે અને આ બાળકથી જ તમારો ઉદય થશે, પણ આ વાર્તા કોઈને કહેશો નહીં.’ ઉગ્રસેને કહ્યું: ‘એમ જ થાઓ.’ પછી વસુદેવ નંદને ઘેર પહોંચ્યા. તે સમયે નંદની સ્ત્રી યશોદાએ પણ એક પુત્રીને જન્મ આપ્યો હતો, એટલે વસુદેવે તેને પુત્ર આપીને તેની પુત્રી લીધી અને દેવકીની પાસે લઈ જઈ તેના પડખામાં પુત્રને સ્થાનકે મૂકી દીધી. વસુદેવ આ પ્રમાણે ફેરફાર કરીને બહાર ગયા એટલે કંસના પુરુષો જાગી ઊઠ્યા અને ‘શું જન્મ્યું?’ એમ પૂછતા અંદર આવ્યા. ત્યાં પુત્રી જન્મેલી તેમના જોવામાં આવી. તેથી તેઓ તે પુત્રીને કંસની પાસે લઈ ગયા. તેને જોઈ કંસ વિચારવા લાગ્યો કે: જે સાતમો ગર્ભ મારા મૃત્યુને માટે થવાનો હતો તે તો આ સ્ત્રી માત્ર થયો. તેથી હું ધારું છું કે મુનિનું વચન મિથ્યા થયું. તો હવે આ બાળકીને વ્યર્થ શા માટે મારવી? ’ એવું વિચારી તે બાળાની એક બાજુની નાસિકા છેદીને તેને દેવકીને પાછી સોંપી. અહીં કૃષ્ણ અંગને લીધે કૃષ્ણ એવા નામથી બોલાવાતો દેવકીનો પુત્ર દેવતાઓએ રક્ષા કરાતો નંદને ઘેર વૃદ્ધિ પામવા લાગ્યો. એક માસ વ્યતીત થયા પછી દેવકીએ વસુદેવે કહ્યું: ‘હે નાથ! તે પુત્રને જોવાને હું ઉત્કંઠિત થઈ છું, માટે હું આજે ગોકુળમાં જઈશ.’ વસુદેવે કહ્યું: ‘પ્રિય! જો તમે અકસ્માત ત્યાં જશો તો કંસના જાણવામાં આવશે, માટે કોઈ પણ કારણ બતાવીને જવું ઉચિત છે, તેથી ઘણી સ્ત્રીઓને સાથે લઈ ગાયને માર્ગે ગોપૂજા કરતાં તમે ગોકુળમાં જાઓ.’ દેવકી તે પ્રમાણે કરીને નંદના ગોકુળમાં આવી, ત્યાં હૃદયમાં શ્રીવત્સના લાંછનવાળો, નીલ કમળ જેવી કાંતિવાળો, પ્રફુલ્લિત કમળ જેવાં નેત્રવાળો, કર ને ચરણમાં ચક્રાદિકનાં ચિહ્નોવાળો અને જાણે નિર્મળ કરેલો નીલમણિ હોય તેવો હૃદયાનંદન પુત્ર યશોદાના ઉત્સંગમાં રહેલો તેણે જોયો. પછી દેવકી ગોપૂજાનાં મિષથી હમેશાં ત્યાં જવા લાગી. ત્યારથી લોકોમાં ગોપૂજાનું વ્રત પ્રવર્ત્યું. અન્યદા સૂર્પકની બે પુત્રી શકુની અને પૂતના વિદ્યાધરીઓ કે જે પોતાનું વેર લેવાને માટે વસુદેવનો બીજો અપકાર કરવાને અસમર્થ હતી, તે ડાકણની જેવી પાપિણી ખેચરીઓ યશોદા અને નંદ વગરના એકલા રહેલા કૃષ્ણને મારવાને માટે ગોકુળમાં આવી. શકુનીએ ગાડા ઉપર બેસી નીચે રહેલા કૃષ્ણને દબાવ્યા અને તેની પાસે કટુ શબ્દ કર્યો એટલે પૂતનાએ વિષથી લિપ્ત કરેલું પોતાનું સ્તન કૃષ્ણના મુખમાં આપ્યું. તે વખતે કૃષ્ણના સાંનિધ્યમાં રહેલા દેવતાઓએ તે ગાડા વડે જ તે બંનેને પ્રહાર કરીને મારી નાખી. નંદ ઘેર ગયો એટલે એકલા રહેલા કૃષ્ણને, વિંખાઈ ગયેલા ગાડાને અને પેલી મૃત્યુ પામેલી બે ખેચરીઓને તેણે જોઈ. ‘હું લૂંટાયો.’ એમ બોલતા નંદે કૃષ્ણને ઉત્સંગમાં લીધા અને આક્ષેપથી ગોવાળોને કહ્યું: ‘આ ગાડું શી રીતે વિંખાઈ ગયું? અને આ રાક્ષસ જેવી રુધિરથી વ્યાપ્ત મૃત્યુ પામેલી બે સ્ત્રીઓ કોણ છે? અરે! આ મારો વત્સ કૃષ્ણ એકાકી તેના ભાગ્યથી જ જીવતો રહ્યો છે.’ ગોપ બોલ્યા: ‘હે સ્વામિન્! બાળ છતાં પણ આ તમારા બળવાન બાળકે ગાડાને વિંખી નાખ્યું છે અને તેણે એકલે જ આ બે ખેચરીને મારી નાખી છે.’ તે સાંભળી નંદે કૃષ્ણનાં બધાં અંગ જોયાં તેને સર્વ અંગમાં અક્ષત જોઈ નંદે યશોદાને કહ્યું: ‘હે ભદ્રે! આ પુત્રને એકલો મૂકીને બીજું કામ કરવા તું શા માટે જાય છે? આજે તેં થોડો વખત પણ તેને રેઢો મૂક્યો તેટલામાં તો તે આવા સંકટમાં આવી પડ્યો. માટે હવે ઘીના ઘડા ઢોળાઈ જતા હોય તો પણ એ કૃષ્ણને મૂકીને તારે બીજે જવું નહીં. તારે માત્ર એને જાળવવો, બીજંુ કાંઈ પણ કામ કરવાની જરૂર નથી.’ આ પ્રમાણે પોતાનાં પતિનાં વચનો સાંભળીને ‘હા! હું હણાણી!’ એમ બોલતી અને દિલગીર થતી યશોદાએ કૃષ્ણ પાસે આવીને તેને તેડી લીધો. પછી ‘ભાઈ! તને કાંઈ વાગ્યું તો નથી ને?’ એમ પૂછતાં તેણે કૃષ્ણનાં સર્વ અંગ તપાસ્યાં, બધે હાથ ફેરવ્યો, તેના મસ્તક પર ચુંબન કર્યું અને છાતી સાથે દબાવ્યો. ત્યારથી યશોદા આદરપૂર્વક નિરંતર તેને પોતાની પાસે જ રાખવા લાગી. તે છતાં પણ ઉત્સાહશીલ કૃષ્ણ છળ મેળવીને આમતેમ ભાગી જવા લાગ્યા. અન્યદા એક દોરડી કૃષ્ણના ઉદર સાથે બાંધી અને તે દોરડી એક ઉદ્ખલ૧ સાથે બાંધીને તેના ભાગી જવાથી બીતી બીતી યશોદા પાડોશીને ઘેર ગઈ. તે વખતે સૂર્પંક વિદ્યાદ્યરનો પુત્ર પોતાના પિતામહ સંબંધી વેરને સંભારીને ત્યાં આવ્યો અને પાસે પાસે રહેલા અર્જુન૨ જાતિના બે વૃક્ષરૂપ તે થયો. પછી કૃષ્ણને ઉદ્ખલ સહિત ચાંપી મારવા માટે તે બે વૃક્ષના અંતરમાં તેને લાવવાનો પ્રયત્ન કરવા લાગ્યો, એટલે કૃષ્ણના રક્ષક દેવતાઓએ તે અર્જુન વૃક્ષને ભાંગી નાખીને તેના પર અત્યંત પ્રહાર કર્યા. તે ભાંગી ગયો. તેવામાં ‘કૃષ્ણે હાથીનાં બચ્ચાંની જેમ બંને અર્જુન વૃક્ષો ભાંગી નાંખ્યાં છે’ એવી વાત સાંભળીને નંદ યશોદા સહિત ત્યાં આવ્યા. તેમણે ધૂળીવડે ધૂસર થયેલા કૃષ્ણના મસ્તક પર ચુંબન કર્યું. તે વખતે ઉદરને દામ(દોરડી) વડે બાંધેલ દેખીને બધા ગોપો તેને ‘દામોદર’ કહીને બોલાવવા લાગ્યા. ગોપોને અને ગોપાંગનાઓને તે બહુ વહાલા (પ્રાણવલ્લભ) લાગતા હોવાથી તેઓ તેને રાત્રિદિવસ છાતી પર, ખોળામાં અને મસ્તક પર રાખવા લાગ્યા. કૃષ્ણ દહીંનું મથન કરવાની મથની (ગોળી)માંથી ચપળપણે માખણ લઈ લઈને ખાઈ જતા હતા, પરંતુ સ્નેહાર્દ્ર તેમ જ કૌતુક જોવાના ઇચ્છુક ગોવાળો તેને વારતા નહોતા. કોઈને મારે, સ્વેચ્છાએ ફરે, વિચરે અને કાંઈ ઉપાડી જાય તો પણ યશોદાનો પુત્ર ગોવાળોને આનંદ ઉત્પન્ન કરતો હતો, તેને રખે કાંઈ કષ્ટ આવે એટલા માટે કૃષ્ણ જ્યારે દોડતા ત્યારે ગોપો તેને પકડી રાખવા માટે તેની પાછળ દોડતા હતા, પરંતુ તેઓ તેને રોકી શકતા નહીં, માત્ર તેના સ્નેહરૂપ ગુણ(દોરડા) વડે આકર્ષિત થઈને તેની પાછળ જતા હતા. સમુદ્રવિજયાદિ દશાર્હોએ પણ સાંભળ્યું ‘કૃષ્ણે બાળક છતાં શકુની ને પૂતનાને મારી નાખી, ગાડું ભાંગી નાખ્યું અને અર્જુન જાતિનાં બે વૃક્ષો ઉન્મૂળી નાખ્યાં.’ આ વાત સાંભળીને વસુદેવ ચિંતવવા લાગ્યા. ‘મેં મારા પુત્રને ગોપવ્યો છે, છતાં પણ તેના પરાક્રમથી તે પ્રસિદ્ધ થશે અને તેને કંસ પણ જાણશે, તેથી તે તેનું અમંગળ કરવાનો પ્રયાસ કરશે. જો કે તેમ કરવામાં હવે તે સમર્થ થશે નહીં, પરંતુ તે બાળકની સહાય કરવા માટે હું એક પુત્રને મોકલું તો ઠીક. પણ કદી અક્રૂર વિગેરેમાંથી કોઈને મોકલીશ તો તેને તો તે ક્રૂર બુદ્ધિવાળો કંસ ઓળખતો હોવાથી ઊલટો તેને વિશેષ શક પડશે, માટે બલરામને જ ત્યાં મોકલવા યોગ્ય છે, કેમકે હજુુ તેને કંસ ઓળખતો નથી.’ આ પ્રમાણે નિશ્ચય કરીને કૃષ્ણના કુશળને માટે રોહિણી સહિત રામને શૌર્યપુરથી તેડી લાવવા માટે વસુદેવે એક માણસને સમજાવીને મોકલ્યો. તેમના આવ્યા પછી રામને પોતાની પાસે બોલાવી, સર્વ હકીકત યથાર્થ રીતે સમજાવી, શિખામણ આપીને તેને નંદ તથા યશોદાને પુત્રપણે અર્પણ કર્યો. બલરામના ગોકુળમાં ગયા પછી દશ ધનુષ્ય ઊંચા શરીરવાળા અને સુંદર આકૃતિવાળા તે બંને બીજાં સર્વ કાર્ય મૂકીને નિર્નિમેષ નેત્રે ગોપો વડે જોવાતા ક્રીડા કરવા લાગ્યા. બલરામની પાસે કૃષ્ણ ધનુર્વેદ તેમ જ અન્ય સર્વ કળાઓ શિખ્યા અને ગોપ વડે સેવા કરાતા સુખે રહેવા લાગ્યા. કોઈ વખત તે બંને મિત્રો થતા હતા અને કોઈ વખત શિષ્ય અને આચાર્ય થતા હતા. એ પ્રમાણે ક્ષણમાત્ર પણ અવિયોગીપણે રહેતા તેઓ વિવિધ પ્રકારની ચેષ્ટા કરવા લાગ્યા. માર્ગે ચાલતાં મદોન્મત્ત બળદોને પૂંછડા વડે પકડીને કેશવ ઊભા રાખતા હતા, તે વખતે રામ ભાઈના બળને જાણતા હોવાથી ઉદાસીનતાથી જોયા કરતા હતા. એ પ્રમાણે જેમ જેમ કૃષ્ણ વૃદ્ધિ પામતા ગયા તેમ તેમ ગોપાંગનાઓનાં ચિત્તમાં તેમને જોવાથી કામદેવનો વિકાર ઉત્પન્ન થવા લાગ્યો. કૃષ્ણને વચમાં બેસાડીને તેઓ તેના ફરતી ફુદડી ખાઈને રાસડા ગાવા લાગી અને કમળ ફરતી ભમરીઓ ફર્યા કરે તેમ નિર્ભર ચિત્તે તેના ફરતી ફરવા લાગી. તેની સામું એક નજરે જોઈ રહેતી ગોપાંગનાઓ જેમ પોતાનાં નેત્રોને બંધ કરતી નહોતી તેમ ‘કૃષ્ણ કૃષ્ણ’ બોલતી પોતાના ઓષ્ઠપુટને પણ બંધ કરતી નહોતી. કૃષ્ણની તરફ મનવાળી ગોપાંગનાઓ દૂધ દોહતી વખતે દૂધની ધારાને પૃથ્વી પર પડતી પણ જાણતી નહોતી. કૃષ્ણ જ્યારે પરાઙ્મુખ થઈને જતા હોય ત્યારે તેને પોતાની સામું જોવરાવવા માટે વગર કારણે તે ત્રાસ પામી હોય તેમ પોકાર કરતી હતી, કારણ કે તે ત્રાસ પામેલાનું રક્ષણ કરનારા હતા. કેટલી વખત સિંદુવારાદિ પુષ્પોની માળાઓ ગૂંથી ગૂંથીને ગોપીઓ પોતે જ સ્વયંવરમાળાની જેમ તે માળાઓને કૃષ્ણના હૃદય પર પહેરાવતી હતી. વળી જાણી જોઈને ગોપીઓ ગીતનૃત્યાદિકમાં સ્ખલિત થતી હતી કે જેથી શિક્ષાના મિષે કૃષ્ણ આલાપ કરી બતાવે. વિકારને નહીં ગોપવી શકનારી ગોપીઓ હરકોઈ પ્રકારે કૃષ્ણને બોલાવતી હતી અને તેનો સ્પર્શ કરતી હતી. મયૂરપિચ્છનાં આભરણવાળા કૃષ્ણ ગોપીઓનાં ગાનથી અવિચ્છિન્નપણે પુરાતા કર્ણવાળા થયા હતા. જ્યારે કોઈ પણ ગોપી યાચના કરતી ત્યારે કૃષ્ણ અગાધ જળમાં રહેલાં કમળને પણ હંસની જેમ લીલામાત્રમાં તરીને લાવી આપતા હતા. બલરામને ગોપીઓ ઓળંભા આપતી હતી કે તમારા લઘુ ભાઈ દીઠા છતાં અમારાં ચિત્તને હરે છે અને નથી દેખાતા ત્યારે અમારાં જીવિતને હરે છે. ગિરિશૃંગ પર બેસીને વેણુને મધુર સ્વરે વગાડતા અને નૃત્ય કરતા કૃષ્ણ બલરામને વારંવાર હસાવતા હતા. જ્યારે ગોપીઓ ગાતી હતી અને કૃષ્ણ નાચતા હતા ત્યારે બલરામ રંગાચાર્યની જેમ ઉદ્ભટપણે હસ્તતાલ દેતા હતા. આ પ્રમાણે ત્યાં ક્રીડા કરતા રામ કૃષ્ણને સુષમા કાળની જેમ અત્યંત સુખમાં અગિયાર વર્ષ વીતી ગયાં. અહીં સૂર્યપુરમાં સમુદ્રવિજયની પ્રિય શિવાદેવીએ એકદા શેષ રાત્રિ બાકી રહી ત્યારે હાથી, વૃષભ, સિંહ, લક્ષ્મીદેવી, પુષ્પમાળા, ચંદ્ર, સૂર્ય, ધ્વજ, કુંભ, પદ્મસરોવર, સમુદ્ર, વિમાન, રત્નપુંજ અને અગ્નિ એ ચૌદ મહાસ્વપ્નો દીઠાં. તે વખતે કાર્તિક કૃષ્ણ દ્વાદશીએ ચિત્રા નક્ષત્રમાં ચંદ્રનો યોગ આવ્યે અપરાજિત વિમાનથી ચ્યવીને શંખરાજાનો જીવ શિવાદેવીની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયો. તે વખતે નારકીના જીવોને પણ સુખ થયું અને ત્રણ જગતમાં ઉદ્યોત થયો. ‘અરિહંતના કલ્યાણકને વખતે અવશ્ય એ પ્રમાણે થાય છે.’ પછી શિવાદેવીએ જાગીને સમુદ્રવિજય રાજાને તે સ્વપ્નની સર્વ વાત કહી બતાવી. સમુદ્રવિજયે સ્વપ્નાર્થ પૂછવાને માટે ક્રોષ્ટુકીને બોલાવ્યો, એટલે તે તરત આવ્યો. તેવામાં એક ચારણશ્રમણ સ્વયમેવ ત્યાં પધાર્યા. રાજાએ ઊભા થઈને તેમને વંદના કરી અને એક ઉત્તમ આસન પર બેસાડ્યા. પછી તે ક્રોષ્ટુકીને અને મુનિને રાજાએ સ્વપ્નનું ફળ પૂછ્યું. તેમણે કહ્યું કે ‘તમારે ત્રણ જગતના પતિ એવા તીર્થંકર પુત્ર થશે.’ આ પ્રમાણે કહીને તે મુનિ ગગનમાર્ગે ચાલ્યા ગયા. રાજા ને રાણી તેમની વાણીથી જાણે અમૃત વડે નાહ્યાં હોય એમ અત્યંત હર્ષ પામ્યાં. તે દિવસથી દેવીની જેમ સુખ આપનાર અને પ્રત્યેક અંગમાં લાવણ્ય અને સૌભાગ્યના ઉત્કર્ષને આપનાર ગૂઢગર્ભને શિવાદેવીએ ધારણ કર્યો. અનુક્રમે ગર્ભસ્થિતિ પૂર્ણ થયે શ્રાવણ માસની શુકલ પંચમીની રાત્રિએ ચિત્રા નક્ષત્રમાં ચંદ્રનો યોગ આવ્યે છતે કૃષ્ણ વર્ણવાળા અને શંખના લાંછનવાળા પુત્રને શિવાદેવીએ જન્મ આપ્યો. તે વખતે છપ્પન દિશાકુમારીઓએ પોતપોતાને સ્થાનકેથી ત્યાં આવીને શિવાદેવી અને જિનેન્દ્રનું પ્રસૂતિકર્મ કર્યું. પછી શક્ર ઇન્દ્રે ત્યાં આવી પાંચ રૂપ કર્યાં. તેમાં એક રૂપ વડે પ્રભુને હાથમાં ગ્રહણ કર્યા. બે રૂપ વડે ચામર વિંઝવા લાગ્યા. એક રૂપ વડે મસ્તક ઉપર ઉજ્જ્વળ છત્ર ધારણ કર્યું. અને એક રૂપ વડે હાથમાં વજ્ર લઈને નાટકીઆની જેમ પ્રભુની આગળ નાચતા નાચતા ચાલવા લાગ્યા. એ પ્રમાણે મેરુપર્વતના શિખર ઉપર અતિપાંડુકબલા નામની શિલા પાસે આવ્યા. તે શિલા ઉપરના અતિ ઉચ્ચ સિંહાસન ઉપર ભગવંતને ખોળામાં લઈને શક્રેન્દ્ર બેઠા તે વખતે અચ્યુતાદિ ત્રેસઠ ઇન્દ્રો પણ તત્કાળ ત્યાં આવ્યા અને તેમણે શ્રી જિનેન્દ્રને ભક્તિપૂર્વક સ્નાન કરાવ્યું. પછી ઈશાન ઇન્દ્રના ખોળામાં પ્રભુને અર્પણ કરીને શક્રેન્દ્રે વિધિપૂર્વક પ્રભુને સ્નાન કરાવ્યું અને કુસુમાદિકથી પૂજા કરી. પછી સ્વામીની આરતી ઉતારી, નમસ્કાર કરી, અંજલિ જોડીને ભક્તિનિર્ભર વાણી વડે ઇન્દ્રે આ પ્રમાણે સ્તુતિ કરી: ‘હે મોક્ષગામી અને શિવાદેવીની કુક્ષિરૂપ શુક્તિમાં મુક્તામણિ સમાન પ્રભો! તમે કલ્યાણના એક સ્થાનરૂપ અને કલ્યાણના કરનારા છો. જેમની સમીપે જ મોક્ષ રહેલો છે એવા, સમસ્ત વસ્તુઓ જેમને પ્રગટ થયેલ છે એવા અને વિવિધ પ્રકારની ઋદ્ધિના નિધાનરૂપ હે બાવીસમા તીર્થંકર! તમને નમસ્કાર થાઓ. તમે ચરમદેહધારી જગદ્ગુરુ છો. તમારા જન્મથી હરિવંશ અને આ ભરતક્ષેત્રની ભૂમિ પણ પવિત્ર થઈ છે. હે ત્રિજગદ્ગુરુ! તમે જ કૃપાના એક આધાર છો, બ્રહ્મસ્વરૂપના એક સ્થાન છો અને ઐશ્વર્યના અદ્વિતીય આશ્રય છો. હે જગત્પતિ! તમારા દર્શને કરીને જ અતિ મહિમા વડે પ્રાણીઓના મોહનો વિધ્વંસ થવાથી આપનું દેશનાકાર્ય સિદ્ધ થાય છે. હરિવંશમાં અપૂર્વ મુક્તાફળ સમાન હે પ્રભો! તમે કારણ વિના ત્રાતા, હેતુ વિના વત્સલ અને નિમિત્ત વિના ભર્તા છો. અત્યારે અપરાજિત વિમાન કરતાં પણ ભરતક્ષેત્ર ઉત્તમ છે, કારણ કે તેમાં લોકોના સુખને માટે બોધ આપનાર એવા આપ અવતર્યા છો. હે ભગવંત! તમારા ચરણ નિરંતર મારા માનસને વિષે હંસપણાને ભજો અને મારી વાણી તમારા ગુણની સ્તવના કરવા વડે ચરિતાર્થ(સફળ) થાઓ.’ આ પ્રમાણે સ્તુતિ કરી જગન્નાથ પ્રભુને લઈને ઇન્દ્ર શિવાદેવી માતા પાસે આવ્યા અને તેમની પાસેથી જેમ લીધા હતા તેમ જ મૂકી દીધા. પછી ભગવંતનું પાલન કરવા માટે પાંચ અપ્સરાઓને ધાવ તરીકે ત્યાં રહેવા આજ્ઞા કરીને ઇન્દ્ર નંદીશ્વર દ્વીપે ગયા અને ત્યાં યાત્રા કરીને પોતાને સ્થાનકે ગયા. પ્રાત:કાળે સૂર્યની જેમ ઉદ્યોત કરતા મહાકાંતિમાન પુત્રને જોઈને સમુદ્રવિજય રાજાએ હર્ષિત થઈને મહાજન્મોત્સવ કર્યો. ભગવંત ગર્ભમાં હતા ત્યારે માતાએ અરિષ્ટમયી ચક્રધારા સ્વપ્નમાં જોઈ હતી, તેથી પિતાએ તેમનું ‘અરિષ્ટનેમિ’ નામ સ્થાપન કર્યું. અરિષ્ટનેમિનો જન્મ સાંભળીને હર્ષના પ્રકર્ષથી વસુદેવાદિકે મથુરામાં પણ મહોત્સવ કર્યો. અન્યદા દેવકી પાસે આવેલા કંસે તેના ઘરમાં ઘ્રાણપુટ(નાસિકા) છેદેલી પેલી કન્યાને દીઠી તેથી ભય પામેલા કંસે પોતાને ઘેર આવી ઉત્તમ નિમિત્તિયાને બોલાવીને પૂછ્યું કે: ‘દેવકીના સાતમા ગર્ભથી મારું મૃત્યુ થશે એમ એક મુનિએ કહ્યું હતું તે વૃથા થયું છે કે કેમ?’ નૈમિત્તિકે કહ્યું કે: ‘ઋષિનું કહેલું મિથ્યા થતું જ નથી, તેથી તમારો અંત લાવનાર દેવકીનો સાતમો ગર્ભ કોઈ પણ સ્થાનકે જીવતો છે એમ જાણજો. તેની પરીક્ષા માટે અરિષ્ટ નામનો તમારો બળવાન બળદ, કેશી નામનો મહાન્ અશ્વ અને દુર્દાંત એવા ખર અને મેષ વૃન્દાવનમાં છૂટા મૂકો. પર્વત જેવા દૃઢ એ ચારેને સ્વેચ્છાએ ક્રીડા કરતા કરતા જે મારી નાખશે તે જ દેવકીનો સાતમો ગર્ભ તમને હણનાર છે એમ જાણજો. વળી ક્રમાગત જ્ઞાનીઓએ કહ્યું છે કે ભુજાબળમાં વાસુદેવ ઇતર જનોથી દુઃખે સ્પર્શ થાય તેવા હોય છે. તે વાસુદેવ મહાક્રૂર કાળીનાગને દમશે, ચાણૂર તથા મુષ્ટિક મલ્લનો વધ કરશે, તમારા પદ્મોત્તર ને ચંપક નામના બે હાથીને મારશે અને તે જ તમને પણ મારશે.’ આ પ્રમાણેના નૈમિત્તિકનાં વચનથી પોતાના શત્રુને જાણવા માટે અરિષ્ટાદિક ચારે બળવાન પશુને કંસે વૃન્દાવનમાં છૂટા મૂક્યા અને ચાણૂર તથા મુષ્ટિક નામના બે મલ્લને શ્રમ કરવા માટે આજ્ઞા કરી. મૂર્તિમંત અરિષ્ટ જેવો અરિષ્ટ બળદ શરદઋતુમાં વૃન્દાવનમાં જતા આવતા ગોપલોકોને ઉપદ્રવ કરવા લાગ્યો. તે બળદ નદીના તટ પર રહેલા કાદવને ઉડાડે તેમ શ્રુંગના અગ્રભાગથી ગાયોને ઉડાડવા લાગ્યો અને તુંડાગ્રથી ઘીનાં અનેક ભાજનોને ઢોળી નાખવા લાગ્યો. તેના આવા ઉપદ્રવથી ‘હે કૃષ્ણ! હે કૃષ્ણ! હે રામ! હે રામ! અમારી રક્ષા કરો, રક્ષા કરો.’ એવા અતિ દીન કલકલ શબ્દો ગોવાળો બોલવા લાગ્યા. તેનો આવો કલકલાટ સાંભળીને સંભ્રમથી ‘આ શું?’ એમ બોલતા કૃષ્ણ રામ સહિત ત્યાં દોડી ગયા. એટલે મહાબળવાન્ વૃષભને તેમણે દીઠો. તે વખતે ‘અમારે ગાયોનું કાંઈ કામ નથી અને ઘીની પણ જરૂર નથી’ એમ અનેક વૃદ્ધોએ નિષેધ કર્યા છતાં પણ કૃષ્ણે તે વૃષભને બોલાવ્યો. તેમના આહ્વાનથી શંગિડાંઓને નમાવી, રોષ વડે મુખનું આકુંચન કરી અને પુચ્છને ઊંચું કરીને તે બળદ ગોવિંદની સામે દોડ્યો, એટલે તેને શંગિડા વડે પકડી શીઘ્ર તેનું ગળું વાળી દઈ નિરુચ્છ્વાસ કરીને કૃષ્ણે મારી નાખ્યો. અરિષ્ટના મરણ પામવાથી જાણે તેમનું મૃત્યુ જ મરણ પામ્યું હોય એવા તે ગોવાળો ખુશ થયા અને કૃષ્ણને જોવાની તૃષ્ણા ધરાવતા તેને પૂજવા લાગ્યા. કૃષ્ણ વૃંદાવનમાં ક્રીડા કરતા હતા તેવામાં અન્યદા કંસનો કેશી નામે બળવાન અશ્વ યમરાજની જેમ દુષ્ટ આશા ધરાવતો મુખ ફાડીને ત્યાં આવ્યો. દાંત વડે વાછરડાઓને ગ્રહણ કરતા, ખુરી વડે ગર્ભિણી ગાયોને હણતા અને ભયંકર હ્રેષારવ કરતા એ અશ્વને જોઈને કૃષ્ણે તેની તર્જના કરી. પછી મારવાની ઇચ્છાથી પ્રસારેલા અને દાંતરૂપી કરવતથી દારુણ એવા તેના મુખમાં વજ્રના જેવો પોતાનો હાથ કૃષ્ણે વાળીને નાખી દીધો. ગ્રીવા સુધી તે હાથ લઈ જઈને તેના વડે તેનું મુખ એવું ફાડી નાંખ્કહ્યું કે જેથી તે અરિષ્ટના સમૂહની જેમ તત્કાળ પ્રાણરહિત થઈ ગયો. એક વખતે કંસના પરાક્રમી સાથી એવા ખર અને મેંઢો ત્યાં આવ્યા, તેમને પણ મહાભુજ કૃષ્ણે લીલામાત્રમાં મારી નાખ્યાં. આ બધાંને મારી નાખેલાં સાંભળીને કંસે શત્રુની બરાબર પરીક્ષા કરવાને માટે શાર્ઙ્ગ ધનુષ્યના પૂજોત્સવના મિષથી સભામાં સ્થાપના કરી. તેની ઉપાસના કરવા માટે પોતાની કુમારિકા બહેન સત્યભામાને તેની પાસે બેસાડી અને મોટો ઉત્સવ આરંભ્યો. કંસે એવી આ ઘોષણા કરાવી કે: ‘જે આ શાર્ઙ્ગ ધનુષ્યને ચઢાવશે તેને આ દેવાંગના જેવી સત્યભામા આપવામાં આવશે.’ આ ઘોષણા સાંભળી દૂરદૂરથી ઘણા રાજાઓ ત્યાં આવ્યા; પણ કોઈ તે ધનુષ્ય ચઢાવવાને સમર્થ થયો નહીં. આ ખબર વસુદેવની સ્ત્રી મદનવેગાના પુત્ર અનાધૃષ્ટિએ સાંભળી; એટલે તે વીરમાની કુમાર વેગવાળા રથમાં બેસીને ગોકુળમાં આવ્યો. ત્યાં રામ કૃષ્ણને જોઈ તેમના આવાસમાં એક રાત્રિ આનંદવાર્તા કરવાને રહ્યો. પ્રાત:કાળે અનુજ બંધુ રામને ત્યાં રાખી મથુરાના માર્ગને બતાવનાર કૃષ્ણને સાથે લઈ તે ચાલ્યો. મોટાં વૃક્ષોથી સંકીર્ણ એવા માર્ગે ચાલતાં તેનો રથ એક વડના વૃક્ષ સાથે ભરાયો. તે રથને છોડાવવાને અનાધૃષ્ટિ સમર્થ થયો નહીં. તે વખતે પગે ચાલતા કૃષ્ણે લીલામાત્રમાં તે વડને ઉખેળીને દૂર ફેંકી દીધો અને રથનો માર્ગ સરલ કરી દીધો. અનાધૃષ્ટિ કૃષ્ણનું પરાક્રમ જોઈને બહુ ખુશ થયો, તેથી રથ ઉપરથી નીચે ઊતરી તેણે કૃષ્ણને આલિંગન દીધું અને રથમાં બેસાડ્યા. અનુક્રમે યમુના નદી ઊતરી મથુરાનગરીમાં પ્રવેશ કરીને જ્યાં અનેક રાજાઓ બેઠેલા છે એવી શાર્ઙ્ગ ધનુષ્યવાળી સભામાં તેઓ આવ્યા. ત્યાં જાણે ધનુષ્યની અધિષ્ઠાત્રી દેવતા હોય તેવી કમળલોચના સત્યભામા તેમના જોવામાં આવી. સત્યભામાએ કૃષ્ણની સામે સતૃષ્ણ દૃષ્ટિએ જોયું અને તત્કાળ તે કામદેવના બાણથી પીડિત થઈ મન વડે કૃષ્ણને વરી ચૂકી. પ્રથમ અનાધૃષ્ટિએ ધનુષ્ય પાસે જઈને તે ઉપાડવા માંડ્યું; પણ કાદવવાળી ભૂમિમાં જેનો પગ લપટી ગયો હોય એવા ઊંટની જેમ તે પૃથ્વી પર પડી ગયો, તેનો હાર તૂટી ગયો, મુગટ ભાંગી ગયો અને કુંડળ પડી ગયાં. તે જોઈ સત્યભામા સ્વલ્પ અને બીજા સર્વે વિકસિત નેત્રે ખૂબ હસી પડ્યા. આ સર્વના હાસ્યને નહીં સહન કરતા કૃષ્ણે પુષ્પમાળાની જેમ લીલામાત્રમાં તે ધનુષ્યને ઉપાડી લીધું અને તેની પણછ ચઢાવી. કુંડળાકાર કરેલા તે તેજસ્વી ધનુષ્ય વડે ઇન્દ્રધનુષ્યથી જેમ નવો વર્ષતો મેઘ શોભે તેમ કૃષ્ણ શોભવા લાગ્યા. પછી અનાધૃષ્ટિ ઘેર જઈ તેના દ્વાર પાસે કૃષ્ણને રથમાં બેસાડી રાખી પોતે એકલો ગૃહમાં ગયો અને પિતા વસુદેવને કહ્યું કે: ‘હે તાત! મેં એકલાએ શાર્ઙ્ગ ધનુષ્યને ચઢાવી દીધું છે કે જેને બીજા રાજાઓ સ્પર્શ પણ કરી શકતા ન હતા.’ તે સાંભળતાં જ વસુદેવે આક્ષેપથી કહ્યું કે: ‘ત્યારે તું સત્વર ચાલ્યો જા, કારણ કે તને ધનુષ્ય ચઢાવનાર જાણશે તો કંસ તત્કાળ મારી નાખશે.’ આ પ્રમાણે સાંભળી અનાધૃષ્ટિ ભય પામી શીઘ્ર ઘરની બહાર નીકળ્યો અને કૃષ્ણની સાથે સત્વર નંદના ગોકુળમાં આવ્યો. ત્યાંથી રામ કૃષ્ણની આજ્ઞા લઇને તે એકલો શૌર્યપુર ગયો. અહીં લોકોમાં વાર્તા ચાલી કે નંદના પુત્રે ધનુષ્ય ચઢાવ્યું. તે ધનુષ્યના ચઢાવવાથી કંસ અત્યંત દુભાણો તેથી તેણે ધનુષ્યના મહોત્સવને દૂર કરીને બાહુયુદ્ધ કરવા માટે સર્વ મલ્લોને આજ્ઞા કરી. તે પ્રસંગમાં બોલાવેલા રાજાઓ મલ્લયુુદ્ધ જોવાની ઇચ્છાથી મંચો ઉપર આવી આવીને બેઠા અને મોટા મંચ ઉપર બેઠેલા કંસની સામે દૃષ્ટિ રાખવા લાગ્યા. કંસનો દુષ્ટ ભાવ જાણીને વસુદેવે પોતાના સર્વ જ્યેષ્ઠ બંધુઓને અને અક્રૂર વિગેરે પુત્રોને ત્યાં બોલાવ્યા. તેજ વડે સૂર્યના જેવા તેઓને કંસે સત્કાર કરીને ઊંચા મંચો ઉપર બેસાડ્યા. મલ્લયુદ્ધના ઉત્સવની વાર્તા સાંભળીને કૃષ્ણે રામને કહ્યું: ‘આર્યબંધુ! ચાલો, આપણે મથુરામાં જઈને મલ્લયુદ્ધનું કૌતુક જોઈએ.’ તે કબૂલ કરી રામે યશોદાને કહ્યું: ‘માતા! અમારે મથુરાપુરી જવું છે, માટે અમારી સ્નાન વિગેરેની તૈયારી કરો.’ તે કાર્યમાં યશોદાને કાંઈક મંદ જોઈ બલદેવે કૃષ્ણના ભ્રાતૃવધની હકીકત કહેવાની પ્રસ્તાવના કરવા માટે જ હોય તેમ આક્ષેપથી કહ્યું: ‘અરે યશોદા! શું તું પૂર્વનો દાસીભાવ ભૂલી ગઈ, જેથી અમારી આજ્ઞાનો અમલ કરવામાં વિલંબ કરે છે?’ રામના આવાં અપમાનજનક વચનથી કૃષ્ણના મનમાં બહુ ખેદ થયો, તેથી તે નિસ્તેજ થઈ ગયા. પછી કૃષ્ણને બલરામ યમુના નદીમાં સ્નાન કરાવવા લઈ ગયા. ત્યાં રામે કૃષ્ણને પૂછ્યું: ‘હે વત્સ! ચોમાસાના મેઘવાયુનો સ્પર્શ થયેલા દર્પણની જેમ તું નિસ્તેજ કેમ લાગે છે?’ કૃષ્ણે બળદેવને ગદ્ગદ્ સ્વરે કહ્યું: ‘ભદ્ર! તમે મારી માતા યશોદાને આક્ષેપથી દાસી કહીને કેમ બોલાવી?’ રામે મિષ્ટ અને મનોહર વચન વડે કૃષ્ણને કહ્યું: ‘વત્સ! તે યશોદા તારી માતા નથી અને નંદ પિતા પણ નથી, પણ દેવકરાજાની પુત્રી દેવકી તારી માતા છે અને વિશ્વમાં અદ્વિતીય વીર તેમ જ મહાસૌભાગ્યવાન વસુદેવ તારા પિતા છે. સ્તનપયથી પૃથ્વીને સિંચન કરતા દેવકી નેત્રમાં અશ્રુ લાવી પ્રત્યેક માસે તને જોવા માટે અહીં આવે છે. દાક્ષિણ્યના સાગર આપણા પિતા વસુદેવ કંસના આગ્રહથી મથુરામાં રહેલા છે. હું તમારો મોટો સાપત્ન(સાવકો) ભાઈ છું. તમારી ઉપર વિઘ્નની શંકાવાળા પિતાની આજ્ઞાથી હું તમારી રક્ષા કરવાને અહીં રહ્યો છું.’ કૃષ્ણે પૂછ્યું: ‘ત્યારે પિતાએ મને અહીં કેમ રાખ્યો છે?’ એટલે કંસનું ભ્રાતૃવધ સંબંધી બધું વૃત્તાંત કહી સંભળાવ્યું. તે સાંભળી વાયુ વડે અગ્નિની જેમ કૃષ્ણને દારુણ ક્રોધ ચઢ્યો, જેથી તેમણે તત્કાળ કંસને મારવાની પ્રતિજ્ઞા કરી. પછી નદીમાં સ્નાન કરવાને માટે પ્રવેશ કર્યો. કંસનો પ્રિય મિત્ર હોય તેવો કાલિય નામે સર્પ યમુનાના જળમાં મગ્ન થઈ કૃષ્ણને ડસવા માટે તેની સામે દોડ્યો. તેના ફણામણિના પ્રકાશથી ‘આ શું હશે?’ એમ સંભ્રમ પામી રામ કંઈક કહેવા જતા હતા તેવામાં તો કૃષ્ણે કમળનાળની પેઠે તેને પકડી લીધો. પછી કમળનાળથી તેને વૃષભની જેમ નાસિકામાં નાથી લીધો. અને તેની ઉપર ચઢીને કૃષ્ણે તેને ઘણી વાર જળમાં ફેરવ્યો. પછી તેને નિર્જીવ જેવો કરી, અત્યંત ખેદ પમાડીને કૃષ્ણ બહાર નીકળ્યા. તે વખતે સ્નાનવિધિ કરનારા બ્રાહ્મણો કૌતુકથી ત્યાં આવીને કૃષ્ણને વીંટાઈ વળ્યા. ગોપથી વીંટાયલા રામ તથા કૃષ્ણ મથુરા તરફ ચાલ્યા અને કેટલાક સમયે તે નગરીના દરવાજા પાસે આવ્યા. તે વખતે કંસની આજ્ઞાથી મહાવતે પદ્મોત્તર અને ચંપક નામના બે હાથીને તૈયાર રાખ્યા હતા. તેને જેવી પ્રેરણા કરી તેવી તે બંને તેની સન્મુખ દોડ્યા. કૃષ્ણે દાંત ખેંચી કાઢીને મુષ્ટિના પ્રહારથી સિંહની જેમ પદ્મોત્તરને મારી નાખ્યો અને રામે ચંપકને મારી નાખ્યો. તે વખતે નગરજનો પરસ્પર વિસ્મય પામી બતાવવા લાગ્યા કે ‘આ બંને અરિષ્ટ વૃષભ વિગેરેને મારનાર નંદના પુત્રો છે.’ પછી નીલ અને પીત વસ્ત્રને ધારણ કરનારા, વનમાળાને ધરનારા અને ગોવાળીઆઓથી વીંટાયલા તે બન્ને ભાઈઓ મલ્લોના અક્ષવાટ(અખાડા)માં આવ્યા. ત્યાં એક મહામંચની ઉપર બેઠેલા લોકોને ઉઠાડી તે પર બંને ભાઈઓ પરિવાર સાથે નિ:શંક થઈને બેઠા. પછી રામે કૃષ્ણને કંસ શત્રુ બતાવ્યો અને પછી અનુક્રમે સમુદ્રવિજયાદિ દશાર્હ કાકાઓને અને તેની પાછળ બેઠેલા પોતાના પિતાને ઓળખાવ્યા. તે સમયે ‘આ દેવ જેવા બે પુરુષ કોણ હશે?’ એમ મંચ ઉપર રહેલા રાજાઓ અને નગરજનો પરસ્પર વિચાર કરતા તેમને જોવા લાગ્યા. કંસની આજ્ઞાથી પ્રથમ તો તે અખાડામાં અનેક મલ્લો યુદ્ધ કરવા લાગ્યા. પછી કંસે પ્રેરેલો ચાણૂર મલ્લ પર્વતની આકૃતિ ધરતો ઊભો થયો, મેઘની જેમ ઉગ્ર ગર્જના કરતો અને કરાસ્ફોટ વડે સર્વ રાજાઓને આક્ષેપ કરતો તે ઊંચે સ્વરે બોલ્યો: ‘જે કોઈ વીરપુત્ર હોય અથવા જે કોઈ વીરમાની દુર્ઘષ પુરુષ હોય તે મારી બાહુયુદ્ધની શ્રદ્ધા પૂરી કરે.’ આ પ્રમાણે અતિ ગર્જના કરતા ચાણૂરના ગર્વને નહીં સહન કરતા મહાભુજ કૃષ્ણે મંચ ઉપરથી નીચે ઊતરીને તેની સામે કરાસ્ફોટ કર્યો. સિંહના પૂંછના આસ્ફોટની જેમ તે કૃષ્ણના કરાસ્ફોટે ઉગ્ર ધ્વનિથી ભૂમિ અને અંતરીક્ષને ફોડી નાખ્યાં. ‘આ ચાણૂર વય અને વપુથી મોટો, શ્રમ કરવા વડે કઠોર, બાહુયુદ્ધથી જ આજીવિકા કરનારો અને દૈત્યની જેવો સદા ક્રૂર છે, અને આ કૃષ્ણ દુગ્ધમુખ, મુગ્ધ, કમળોદરથી પણ કોમળ અને વનવાસી હોવાથી મલ્લયુદ્ધના અભ્યાસ વગરના છે. તેથી આ બંનેનું યુદ્ધ ઘટતું નથી, આ અઘટિત થાય છે, આવા વિશ્વનિંદિત કામને ધિક્કાર છે!’ આ પ્રમાણે ઊંચે સ્વરે બોલતાં લોકોનો કોલાહલ ચારે તરફ થઈ રહ્યો. એટલે કંસે ક્રોધથી કહ્યું: ‘આ બે ગોપબાળકને અહીં કોણ લાવ્યું છે? ગાયના દૂધ પીવાથી ઉન્મત્ત થયેલા તેઓ સ્વેચ્છાએ અહીં આવેલ છે, તો તે સ્વેચ્છાથી યુદ્ધ કરે તેમાં કોણ વારે? તેમ છતાં જેને આ બંનેની પીડા થતી હોય તે જુદા પડીને મને જણાવો.’ કંસનાં આવાં વચન સાંભળી સર્વ જનો ચૂપ થઈ ગયા. પછી નેત્રકમળનો વિકાસ કરતા કૃષ્ણ બોલ્યા: ‘ચાણૂર મલ્લકુંજર રાજપિંડથી પુષ્ટ થયેલો છે, સદા મલ્લયુદ્ધનો અભ્યાસ કરનારા છે અને શરીરે મહાસમર્થ છે, તે છતાં ગાયના દૂધનું પાન કરીને જીવનાર હું ગોપાળનો બાળક, સિંહનો શિશુ જેમ હાથીને મારે તેમ, તેને મારી નાખું છું. તે સર્વ લોકો અવલોકન કરો.’ કૃષ્ણનાં આવાં પરાક્રમનાં વચન સાંભળી કંસ ભય પામ્યો, એટલે તત્કાળ એક યુદ્ધ કરવાને માટે તેણે બીજા મુષ્ટિક નામના મલ્લને આજ્ઞા કરી. મુષ્ટિકને ઊઠેલો જોઈ બળરામ તરત જ મંચ ઉપરથી નીચે ઊતર્યા અને રણકર્મમાં ચતુર એવા તેમણે યુદ્ધ કરવા માટે તેને બોલાવ્યો. કૃષ્ણ અને ચાણૂર તથા રામ અને મુષ્ટિક નાગપાશ જેવી ભુજા વડે યુદ્ધ કરવા પ્રવર્ત્યા. તેઓના ચરણન્યાસથી પૃથ્વી કંપાયમાન થઈ અને કરાસ્ફોટના શબ્દોથી બ્રહ્માંડમંડપ ફૂટી ગયો. રામ અને કૃષ્ણે તે મુષ્ટિક અને ચાણૂરને તૃણના પૂળાની જેમ ઊંચે ઉછાળ્યા, તે જોઈ લોકો ખુશ થયા. પછી ચાણૂર અને મુષ્ટિકે રામ કૃષ્ણને સહેજ ઊંચા ઉછાળ્યા તે જોઈ સર્વ લોકો મ્લાન મુખવાળા થઈ ગયા. તે વખતે કૃષ્ણે હાથી જેમ દંતશૂળથી પર્વતની ઉપર તાડન કરે તેમ દૃઢ મુષ્ટિથી ચાણૂરની છાતી ઉપર તાડન કર્યું, એટલે જયને ઇચ્છતા ચાણૂરે કૃષ્ણના ઉરસ્થળમાં વજ્ર જેવી મુષ્ટિથી પ્રહાર કર્યો, તે પ્રહારથી મદ્યપાનની જેમ કૃષ્ણની આંખે અંધારાં આવી ગયાં અને અતિ પીડિત થઈ આંખો મીંચીને તે પૃથ્વી પર પડ્યા. તે વખતે છળને જાણનાર કંસે દૃષ્ટિ વડે ચાણૂરને પ્રેરણા કરી એટલે પાપી ચાણૂર બેભાન થઈને પડેલા કૃષ્ણને મારવા માટે દોડ્યો. તેને મારવાની ઇચ્છાવાળો જાણી તત્કાળ બલરામે વજ્ર જેવા હાથના પ્રકોષ્ટ(પહોંચા)નો તેના પર પ્રહાર કર્યો, જે પ્રહારથી ચાણૂર સાત ધનુષ્ય પાછો ખસી ગયો. તેવામાં કૃષ્ણ પણ આશ્વાસન પામીને ઊભા થયા અને તેમણે યુદ્ધ કરવા માટે ચાણૂરને ફરી વાર બોલાવ્યો. પછી મહાપરાક્રમી કૃષ્ણે ચાણૂરને બે જાંઘની વચમાં લઈ દબાવી ભુજા વડે તેનું મસ્તક નમાવીને એવો મુષ્ટિનો ઘા કર્યો કે જેથી ચાણૂર રુધિરની ધારા વમન કરવા લાગ્યો અને તેનાં લોચન અત્યંત વિહ્વળ થઈ ગયાં, તેથી કૃષ્ણે તેને છોડી દીધો. તે જ ક્ષણે કૃષ્ણથી ભય પામ્યા હોય તેમ તેના પ્રાણે તેને છોડી દીધો, અર્થાત્ તે મરણ પામ્યો. તે વખતે ભય, કોપથી કંપતો કંસ બોલ્યો: ‘અરે! આ બંને અધમ ગોપબાળોને મારી નાખો. વિલંબ કરો નહીં અને આ બંને સર્પોરૂપી કુમારનું પોષણ કરનાર નંદને પણ મારો અને દુર્મતિ નંદનું સર્વસ્વ લૂંટીને અહીં લઈ આવો, તેમ જ જે નંદનો પક્ષ લઈ વચમાં આવે તેને પણ તેના જેવો દોષિત ગણી મારી આજ્ઞાથી મારી નાખો.’ એ સમયે ક્રોધથી રાતાં નેત્ર કરી કૃષ્ણે કહ્યું: ‘અરે પાપી! ચાણૂરને માર્યો તો પણ હજુ તું તારા આત્માને મરેલો માનતો નથી? તો પ્રથમ મારાથી હણાતા તારા આત્માની હમણાં રક્ષા કર. પછી ક્રોધ કરી નંદ વિગેરેને માટે આજ્ઞા કરજે.’ આ પ્રમાણે કહી કૃષ્ણે ઉછાળો મારી, મંચ ઉપર ચઢી કંસને કેશ વડે પકડીને પૃથ્વી પર પાડી દીધો. તેનો મુકુટ પૃથ્વી પર પડી ગયો, વસ્ત્ર ખસી ગયાં અને નેત્ર ભયથી સંભ્રમ પામી ગયાં. કસાઈને ઘેર બાંધેલ પશુની જેમ તે કંસને કૃષ્ણે કહ્યું: ‘અરે અધમ! તેં તારી રક્ષાને માટે વૃથા ગર્ભહત્યાઓ કરી, હવે તું જ જીવવાનો નથી, તેથી સ્વકર્મનાં ફળ ભોગવ.’ તે વખતે ઉન્મત્ત હાથીને સિંહ પકડે તેમ હરિએ કંસને પકડેલો જોઈ બધા લોકો વિસ્મય પામી ગયા અને અંતરમાં ડરવા લાગ્યા. તે સમયે રામે બંધનથી શ્વાસરહિત કરી યજ્ઞમાં લાવેલા પશુની જેમ મુષ્ટિકને મારી નાખ્યો. એવામાં કંસની રક્ષા કરવા માટે રહેલા કંસના સુભટો વિવિધ પ્રકારનાં આયુધો હાથમાં લઈને કૃષ્ણને મારવા દોડ્યા, એટલે રામે એક માંચડાનો સ્તંભ હાથમાં લઈને મધપૂડા ઉપરથી મક્ષિકાઓને ઉડાડે તેમ તેઓને નસાડી મૂક્યા. પછી કૃષ્ણે મસ્તક પર ચરણ મૂકીને કંસને મારી નાખ્યો અને ઓવાળને સમુદ્ર બહાર કાઢી નાખે તેમ તેને કેશથી ખેંચીને રંગમંડપની બહાર ફેંકી દીધો. કંસે પ્રથમથી જરાસંધના કેટલાએક સૈનિકોને બોલાવી રાખ્યા હતા. તેઓ રામ કૃષ્ણને મારવાને તૈયાર થવા લાગ્યા. તેમને તૈયાર થતાં જોઈ રાજા સમુદ્રવિજય તૈયાર થઈ યુદ્ધ કરવાને આવ્યા, કારણ કે તેમનું આવવું તેને માટે જ હતું. જ્યારે ઉછળતા સમુદ્રની જેમ રાજા સમુદ્રવિજય તૈયાર થઈને આવ્યા એટલે જરાસંધના સૈનિકો દશે દિશાઓમાં નાસી ગયા. પછી સમુદ્રવિજયની આજ્ઞાથી અનાધૃષ્ટી રામ કૃષ્ણને પોતાના રથમાં બેસાડીને વસુદેવને ઘેર લઈ ગયો. સર્વ યાદવો અને સમુદ્રવિજય વિગેરે પણ વસુદેવને ઘેર ગયા અને ત્યાં એકઠા મળી સભા ભરીને બેઠા. વસુદેવ અર્ધાસન પર રામને અને ઉત્સંગમાં કૃષ્ણને બેસાડી, નેત્રમાં હર્ષાશ્રુ લાવી તેમના મસ્તક પર વારંવાર ચુંબન કરવા લાગ્યા. તે વખતે વસુદેવના મોટા સહોદર બંધુઓએ તેને પૂછ્યું: ‘આ શું?’ એટલે વસુદેવે અતિમુક્ત મુનિનાં વૃત્તાંતથી માંડીને બધો વૃત્તાંત જણાવ્યો. પછી રાજા સમુદ્રવિજયે કૃષ્ણને પોતાના ઉત્સંગમાં બેસાડ્યા અને તેના પાલન કરવાથી પ્રસન્ન થઈ રામની વારંવાર પ્રશંસા કરી. તે વખતે દેવકી એક ફોયણાવાળી૧ પુત્રીને સાથે લઈ ત્યાં આવ્યા. અને એક ઉત્સંગમાંથી બીજા ઉત્સંગમાં સંચરતા કૃષ્ણને તેણે દૃઢ આલિંગન કર્યું. પછી બધા યાદવો હર્ષાશ્રુ વર્ષાવતા બોલ્યા: ‘હે મહાભુજ વસુદેવ! તમે એકલા જ આ જગતને જીતવાને સમર્થ છો, તે છતાં તમારાં બાળકોને જન્મતાંવેંત જ એ ક્રૂર કંસે મારી નાખ્યાં તે તમે કેમ સહન કર્યું?’ ત્યારે વસુદેવ બોલ્યા: ‘મેં જન્મથી જ સત્યવ્રત પાળેલું છે, તેથી તે વ્રતની રક્ષાને માટે (પ્રથમ વચન આપેલું હોવાથી) આવું દુષ્ટ કર્મ પણ સહન કર્યું. દેવકીના આગ્રહથી આ કૃષ્ણને નંદના ગોકુળમાં મૂકી આવી તેને બદલે આ નંદની પુત્રીને અહીં લઈ આવ્યો, એટલે દેવકીનો સાતમો ગર્ભ કન્યામાત્ર જાણી, એ પાપી કંસે અવજ્ઞાથી નાસિકાનું એક ફોયણું છેદીને આ બાળકીને છોડી મૂકી હતી.’ આ પ્રમાણે વાતચીત થયા પછી ભાઈ અને ભ્રાતૃપુત્રોની સંમતિથી સમુદ્રવિજયે કારાગૃહમાંથી છૂટા કરીને ઉગ્રસેન રાજાને તેડાવી મંગાવ્યા અને તેની સાથે યમુનાને કાંઠે જઈ સર્વેએ કંસનું પ્રેતકાર્ય કર્યું. કંસની માતાએ અને બીજી પત્નીઓએ યમુના નદીમાં તેને જલાંજલિ આપી, પણ તેની રાણી જીવયશાએ માન ધરીને જલાંજલિ આપી નહીં. તે તો કોપ કરીને બોલી કે: ‘આ રામ કૃષ્ણ ગોપાળને અને સર્વ સંતાન સહિત દશાર્હોને હણાવીને પછી મારા પતિનું પ્રેતકાર્ય કરીશ; નહિ તો હું અગ્નિમાં પ્રવેશ કરીશ.’ આવી પ્રતિજ્ઞા લઈને તે જીવયશા મથુરાથી નીકળી તત્કાળ પોતાના પિતા જરાસંધે આશ્રિત કરેલ રાજગૃહી નગરીએ આવી. અહીં રામ કૃષ્ણની અનુજ્ઞાથી સમુદ્રવિજયે ઉગ્રસેનને મથુરાપુરીના રાજા કર્યા. ઉગ્રસેને પોતાની પુત્રી સત્યભામા કૃષ્ણને આપી અને ક્રોષ્ટુકિએ કહેલા શુભ દિવસે તેનો યથાવિધિ વિવાહ થયો. અહીં જીવયશા છૂટા કેશે રુદન કરતી જાણે મૂર્તિમાન અલક્ષ્મી હોય તેમ જરાસંધની સભામાં આવી. જરાસંધે રુદનનું કારણ પૂછ્યું એટલે તેણીએ બહુ પ્રયાસે અતિમુક્તનો વૃત્તાંત અને કંસના ઘાત સુધીની સર્વ કથા કહી સંભળાવી. તે સાંભળી જરાસંધ બોલ્યો: ‘કંસે પ્રથમ દેવકીને મારી નહીં, તે જ સારું કર્યું નહીં, કારણ કે તેને મારી હોત તો પછી ક્ષેત્ર વિના કૃષિ શી રીતે થાત? હે વત્સે! હવે તું રુદન કર નહીં, હું મૂળથી કંસના સર્વ ઘાતકોને સપરિવાર મારી નાખીને તેમની સ્ત્રીઓને રોવરાવીશ.’ આ પ્રમાણે કહેવા વડે જીવયશાને શાંત કરીને જરાસંઘે સોમક નામના રાજાને બધી સમજાવી સમુદ્રવિજયની પાસે મોકલ્યો. તે તત્કાળ મથુરાપુરીએ આવ્યો અને તેણે રાજા સમુદ્રવિજયને કહ્યું: ‘તમારા સ્વામી જરાસંધ તમને એવી આજ્ઞા કરે છે કે — અમારી પુત્રી જીવયશા અને તેના સ્નેહને લીધે તેના પતિ કંસ બંને અમને પ્રાણથી પણ વહાલા છે, તે કોનાથી અજાણ્યું છે? તમે અમારા સેવકો છો તે સુખે રહો, પણ તે કંસનો દ્રોહ કરનારા રામ કૃષ્ણને અમને સોંપી દ્યો. એ દેવકીનો સાતમો ગર્ભ છે તેથી તમે તેને અર્પણ તો કરેલો જ છે, છતાં તમે તેને ગોપવવાનો અપરાધ કર્યો, તેથી હવે ફરી વાર અમને સોંપી દ્યો.’ સોમકનાં આવાં વચનો સાંભળી સમુદ્રવિજયે તેને કહ્યું: ‘સરલ મનવાળા વસુદેવે મારાથી પરોક્ષપણે છ ગર્ભ કંસને અર્પણ કર્યા તે જ ઉચિત થયેલું નથી અને રામ કૃષ્ણે પોતાના ભ્રાતૃવધના વેરથી કંસને માર્યો તેમાં તેમનો શો અપરાધ છે? અમારો આ એક દોષ છે કે આ વસુદેવ બાલ્યવયથી જ સ્વેચ્છાચારી છે, તેથી તેની બુદ્ધિ વડે પ્રવર્તવાથી મારા છ પુત્રો માર્યા ગયા. હવે આ બે રામ કૃષ્ણ તો મને પ્રાણથી પણ વહાલા છે અને તેમને મારવાની ઇચ્છાએ તારો સ્વામી માગણી કરે છે, તે તેનું તદ્દન અવિચારીપણું છે.’ પછી સોમક રાજાએ કોપથી કહ્યું: ‘પોતાના સ્વામીની આજ્ઞામાં સેવકોએ યુક્તાયુક્તનો વિચાર કરવો યોગ્ય નથી. હે રાજન્! જ્યાં તમારા છ ગર્ભ ગયા છે ત્યાં આ બે દુર્મતિ રામ કૃષ્ણ પણ જાઓ. તેને રાખવાના વિચારથી તક્ષક નાગના મસ્તક ઉપર ખુજલી શા માટે કરો છો? બલવાનની સાથે વિરોધ કરવો તે કુશળતાને માટે થતો નથી. તમે જરાસંધની પાસે હાથીની આગળ મેંઢાની જેમ કોણ માત્ર છો?’ તે વખતે કૃષ્ણે ક્રોધથી કહ્યું: ‘અરે સોમક! અમારા પિતાએ સરલતાથી તારા સ્વામી સાથે આજ સુધી સ્નેહસંબંધ પાળ્યો, તેથી શું તારો સ્વામી મોટો સમર્થ થઈ ગયો? એ જરાસંધ અમારો સ્વામી નથી, પણ તેનાં આવાં વચનોથી તે બીજો કંસ જ છે, માટે અહીંથી જા અને તારી ઇચ્છા પ્રમાણે તારા સ્વામીને કહે.’ કૃષ્ણનાં આવાં વચન સાંભળી સોમકે સમુદ્રવિજયને કહ્યું: ‘હે દશાર્હમુખ્ય! આ તારો પુત્ર કુલાંગાર છે, છતાં તું એની ઉપેક્ષા કેમ કરે છે?’ તેનાં આવાં વચનથી કોપથી પ્રજ્વલિત થયેલા અનાધૃષ્ટિએ કહ્યું: ‘અરે દુષ્ટ! વારંવાર અમારા પિતા પાસે પુત્રોની યાચના કરતો તું કેમ શરમાતો નથી? પોતાના જામાતા કંસના જ માત્ર વધથી તારો સ્વામી આટલો બધો દુભાયો છે તો શું અમારા છ ભાઈઓના વધથી અમે નથી દુભાયા? હવે આ પરાક્રમી રામ કૃષ્ણ અને બીજા અક્રૂર વિગેરે અમે તારા આવા ભાષણને સહન કરશું નહીં.’ આ પ્રમાણે અનાધૃષ્ટિએ તિરસ્કાર કરેલો અને સમુદ્રવિજયે ઉપેક્ષા કરેલો તે સોમકરાજા રોષવિહ્વળ થઈ રાજગૃહી તરફ ચાલ્યો ગયો. બીજે દિવસે દશાર્હપતિએ પોતાના સર્વ બાંધવોને એકઠા કરી હિતકારક એવા ક્રોષ્ટુકિ નિમિત્તિયાને બોલાવીને આ પ્રમાણે પૂછ્યું: ‘હે મહાશય! અમારે ત્રિખંડ ભરતક્ષેત્રના પતિ જરાસંધની સાથે વિગ્રહ ઊભો થયો છે, તો હવે તેમાં પરિણામ શું આવશે તે કહો.’ ક્રોષ્ટુકિ બોલ્યો: ‘હે રાજેંદ્ર! આ પરાક્રમી રામ કૃષ્ણ થોડા સમયમાં તેને મારી ત્રિખંડ ભરતના અધિપતિ થશે, પણ હમણાં તમે પશ્ચિમ દિશા તરફ સમુદ્રતટને ઉદ્દેશીને જાઓ. ત્યાં જતાં જ તમારા શત્રુઓના ક્ષયનો આરંભ થશે. માર્ગે ચાલતાં આ સત્યભામા જે ઠેકાણે બે પુત્રને જન્મ આપે, તે ઠેકાણે એક નગરી વસાવીને તમે નિ:શંકપણે રહેજો.’ ક્રોષ્ટુકિનાં આવાં વચનથી રાજા સમુદ્રવિજયે ઉદ્ઘોષણા કરાવીને પોતાનાં સર્વ સ્વજનોને પ્રયાણના ખબર આપ્યા અને અગિયાર કુળકોટી યાદવોને લઈને તેણે મથુરાનગરી છોડી. અનુક્રમે શૌર્યપુર આવ્યા, ત્યાંથી પણ સાત કુળકોટી યાદવોને લઈને જ્ઞાતિવર્ગ સહિત આગળ ચાલ્યા. ઉગ્રસેન રાજા પણ સમુદ્રવિજયને અનુસરીને સાથે ચાલ્યા. અનુક્રમે સર્વે વંધ્યિગિરિની મધ્યમાં થઈને સુખે આગળ ચાલવા લાગ્યા. હવે પેલા સોમક રાજાએ અર્ધચક્રી જરાસંધની પાસે આવી સર્વ વૃત્તાંત જણાવ્યા કે જે તેના ક્રોધરૂપ અગ્નિમાં ઈંધણ જેવો થઈ પડ્યો. તે સમયે ક્રોધ પામેલા જરાસંધને તેના કાળ નામના પુત્રે કહ્યું: ‘એ તપસ્વી યાદવો તમારી આગળ કોણ માત્ર છે? માટે મને આજ્ઞા આપો. હું દિશાઓના અંતભાગમાંથી, અગ્નિમાંથી અથવા સમુદ્રના મધ્યમાંથી જ્યાં હશે ત્યાંથી એ યાદવોને ખેંચી લાવી મારી નાખીને અહીં આવીશ. તે સિવાય પાછો નહીં આવું.’ જરાસંધે પાંચ સો રાજાઓ સાથે મોટી સેના આપીને કાળને યાદવો ઉપર ચઢાઈ કરવાની આજ્ઞા આપી. કાળ પોતાના ભાઈ યવન અને સહદેવ સહિત અપશુકનોએ વાર્યો તો પણ આગળ ચાલ્યો. યાદવોને પગલે પગલે ચાલતો કાળ થોડા સમયમાં વંધ્યાિચળની નજીકની ભૂમિ કે જ્યાંથી યાદવો નજીકમાં જ હતા ત્યાં આવી પહોંચ્યો. કાળને નજીક આવેલો જોઈ રામ કૃષ્ણના રક્ષક દેવતાઓએ એક દ્વારવાળો, ઊંચો અને વિશાળ પર્વત વિકુર્વ્યો અને ‘અહીં રહેલું યાદવોનું સૈન્ય અગ્નિથી ભસ્મ થઈ ગયું.’ એમ બોલતી અને મોટી ચિતા પાસે બેસીને રુદન કરતી એક સ્ત્રીને વિકુર્વી. તેને જોઈ કાળ કાળની જેમ તેની પાસે આવ્યો, એટલે તે સ્ત્રીએ કહ્યું: ‘તારાથી ત્રાસ પામીને બધા યાદવો આ અગ્નિમાં પેસી ગયા; દશાર્હ અને રામ કૃષ્ણ પણ અગ્નિમાં પેસી ગયા. તેથી બંધુઓનો વિયોગ થવાથી હું પણ આ અગ્નિમાં પેસું છું.’ આ પ્રમાણે કહીને તેણે અગ્નિમાં પ્રવેશ કર્યો. દેવતાના એ કાર્યથી મોહ પામેલો કાળ અગ્નિમાં પેસવાને તૈયાર થયો અને તેણે પોતાના ભાઈ સહદેવ, યવન, અને બીજા રાજાઓને કહ્યું કે — ‘મેં પિતાની અને બહેનની પાસે પ્રતિજ્ઞા કરી છે કે અગ્નિ વિગેરેમાંથી પણ ખેંચી લાવીને હું યાદવોને મારી નાખીશ તે યાદવો મારા ભયથી અહીં અગ્નિમાં પેસી ગયા, તો સત્ય પ્રતિજ્ઞાવાળો હું પણ તેમને મારવા માટે આ પ્રજ્વલિત અગ્નિમાં પ્રવેશ કરું છું.’ આ પ્રમાણે કહીને તે કાળ ઢાલ તરવાર સહિત પતંગની જેમ અગ્નિમાં કૂદી પડ્યો અને ક્ષણ વારમાં દેવમોહિત થયેલા પોતાના લોકોના જોતાં જોતાં તે બળીને મૃત્યુ પામી ગયો. એ સમયે ભગવાન્ સૂર્ય અસ્તગિરિએ ગયા, તેથી યવન અને સહદેવ વિગેરે ત્યાં જ વાસ કરીને રહ્યા. જ્યારે પ્રભાત કાળ થયો ત્યારે તેઓએ પર્વત કે ચિતા કાંઈ પણ ત્યાં જોયું નહીં અને હેરિક લોકોએ આવીને ખબર આપ્યા કે ‘યાદવો દૂર ચાલ્યા ગયા’ કેટલાએક વૃદ્ધજનોએ વિચાર વડે એ દેવતાનો કરેલો મોહ હતો એવો નિર્ણય કર્યો. પછી યવન વિગેરે સર્વે પાછા વળી રાજગૃહીએ આવ્યા અને સર્વ વૃત્તાંત જરાસંધને જણાવ્યો. તે હકીકત સાંભળી જરાસંધ મૂર્ચ્છા ખાઈને પૃથ્વી પર પડી ગયો અને ક્ષણવારે સંજ્ઞા પામી ‘હે કાળ! હે કાળ! હે કંસ! હે કંસ!’ એમ પોકાર કરીને રુદન કરવા લાગ્યો. અહીં કાળના મૃત્યુના ખબર જાણી માર્ગે ચાલતા યાદવો જેની પૂર્ણ પ્રતીતિ આવી છે એવા ક્રોષ્ટુકિને ઘણા હર્ષથી પૂજવા લાગ્યા. માર્ગમાં એક વનમાં પડાવ કરી રહ્યા હતા ત્યાં અતિમુક્ત ચારણ મુનિ આવી ચઢ્યા. દશાર્હપતિ સમુદ્રવિજયે તેમની પૂજા કરી, તે મહામુનિને પ્રણામ કરીને પૂછયું: ‘હે ભગવન્! આ વિપત્તિમાં અમારું છેવટે શું થશે?’ મુનિ બોલ્યા: ‘ભય પામશો નહીં, તમારા પુત્ર કુમાર અરિષ્ટનેમિ ત્રૈલોક્યયાં અદ્વૈત પરાક્રમી બાવીસમા તીર્થંકર થશે અને બલદેવ તથા વાસુદેવ એવા રામ કૃષ્ણ દ્વારિકા નગરી વસાવીને રહેશે અને જરાસંધનો વધ કરી અર્ધ ભરતના સ્વામી થશે.’ આ પ્રમાણે સાંભળી હર્ષ પામેલા સમુદ્રવિજયે પૂજા કરીને મુનિને વિદાય કર્યા અને પોતે સુખકારક પ્રયાણ કરતાં અનુક્રમે સૌરાષ્ટ્ર દેશમાં આવ્યા. ત્યાં રૈવતક (ગિરનાર) ગિરિની વાયવ્ય દિશા તરફ અઢાર કુલકોટી યાદવો સાથે છાવણી નાખી. ત્યાં કૃષ્ણની સ્ત્રી સત્યભામાએ બે પુત્રોને જન્મ આપ્યો, તેમનાં ભાનુ અને ભામર એવાં નામ પાડ્યાં. તે બંને પુત્રની જાતિવંત સુવર્ણ જેવી કાંતિ હતી પછી ક્રોષ્ટુકીએ કહેલા શુભ દિવસે કૃષ્ણે સ્નાન કરી બલિદાન સાથે સમુદ્રની પૂજા કરી અને અષ્ઠમ તપ કર્યું. ત્રીજી રાત્રિએ લવણસાગરનો અધિષ્ઠાતા સુસ્થિત દેવ આકાશમાં રહી અંજલિ જોડીને પ્રગટ થયો. તેણે કૃષ્ણને પાંચજન્ય નામે શંખ અને રામને સુઘોષ નામે શંખ આપ્યો; તે સિવાય દિવ્ય રત્નમાળા અને વસ્ત્રો આપ્યાં. પછી તેણે કૃષ્ણને કહ્યું: ‘તમે મને શા માટે સંભાર્યો છે? હું સુસ્થિત નામે દેવ છું. કહો તમારું શું કાર્ય કરું?’ કૃષ્ણે કહ્યું: ‘હે દેવ! પૂર્વના વાસુદેવની દ્વારકા નામે જે નગરી અહીં હતી તે તમે જળમાં ઢાંકી દીધી છે, તેથી હવે મારા નિવાસને માટે તે જ નગરીવાળું સ્થાન બતાવો.’ પછી તે સ્થાન બતાવીને તે દેવે ઇન્દ્રની પાસે જઈ તે હકીકત નિવેદન કરી. ઇન્દ્રની આજ્ઞાથી કુબેરે તે સ્થાને બાર યોજન લાંબી અને નવ યોજન વિસ્તારવાળી રત્નમય નગરી બનાવી આપી. અઢાર હાથ ઊંચો, નવ હાથ ભૂમિમાં રહેલો અને બાર હાથ પહોળો, ફરતી ખાઈવાળો તેની આસપાસ કિલ્લો કર્યો. તેમાં ગોળ, ચોરસ, લંબચોરસ, ગિરિકૂટાકારે અને સ્વસ્તિકને આકારે સર્વતોભદ્ર, મંદર, અવતંસ અને વર્દ્ધમાન એવાં નામવાળા એક માળ, બે માળ અને ત્રણ માળ વિગેરે માળવાળા લાખો મહેલો બનાવ્યા. તેના ચોકમાં અને ત્રિકમાં વિચિત્ર રત્નમાણિક્ય વડે હજારો જિનચૈત્યો નિર્માણ કર્યાં. અગ્નિદિશામાં સુવર્ણના કિલ્લાવાળો સ્વસ્તિકના આકારનો મહેલ સમુદ્રવિજય રાજા માટે બનાવ્યો. તેની પાસે અક્ષોભ્ય અને સ્તિમિતના નંદાવર્ત અને ગિરિકૂટાકારે બે પ્રાસાદ કિલ્લા સહિત બનાવ્યા. નૈર્ઋત્ય દિશામાં સાગરને માટે આઠ વાંસવાળો ઊંચો પ્રાસાદ રચ્યો અને પાંચમા છઠ્ઠા દશાર્હને માટે વર્ધમાન નામના બે પ્રાસાદો રચ્યા. વાયવ્ય દિશામાં પુષ્કરપત્ર નામે ધરણ માટે પ્રાસાદ રચ્યો, અને તેની પાસે આલોકદર્શન નામે પૂરણને માટે પ્રાસાદ રચ્યો. તેની નજીક વિમુક્ત નામે ચંદ્રને માટે પ્રાસાદ રચ્યો અને ઈશાન દિશામાં કુબેરચ્છદ નામે વસુદેવને માટે પ્રાસાદ રચ્યો. તેમ જ રાજમાર્ગની સમીપે સ્ત્રીવિહારક્ષમ નામે ઉગ્રસેન રાજા માટે અતિ ઊંચો પ્રાસાદ રચ્યો. આ સર્વ પ્રાસાદો કલ્પદ્રુપથી વીંટાયેલા, ગજશાળા તથા અશ્વશાળાઓ સહિત, કિલ્લાવાળા, મોટાં દ્વારવાળા અને ધ્વજાપતાકાની શ્રેણી વડે શોભતા હતા. તે સર્વની વચમાં ચોરસ, વિશાળ દ્વારવાળો પૃથિવીજય નામે બલરામને માટે પ્રાસાદ રચ્યો અને તેની નજીક અઢાર માળનો અને વિવિધ ગૃહના પરિવાર સહિત સર્વતોભદ્ર નામે પ્રાસાદ કૃષ્ણને માટે રચવામાં આવ્યો. તે રામ કૃષ્ણના પ્રાસાદની આગળ ઇન્દ્રની સુધર્મા સભા જેવી સર્વપ્રભા નામે એક વિવિધ માણિક્યમયી સભા રચી. નગરીના મધ્યમાં એક સો આઠ મહા શ્રેષ્ઠ જિનબિંબોથી વિભૂષિત, મેરુગિરિના શિખર જેવું ઊંચું, મણિ, રત્ન અને હિરણ્યમય વિવિધ માળ અને ગોખવાળું, તેમજ વિચિત્ર પ્રકારની સુવર્ણની વેદિકાવાળું અર્હંતનું એક મંદિર વિશ્વકર્માએ બનાવ્યું. સરોવર, દીર્ઘિકાઓ, વાટિકાઓ, ચૈત્યો, ઉદ્યાનો અને રસ્તાઓ તેમ જ બીજું સર્વ અતિ રમણિક છે જેમાં એવું નગર કુબેરે એક રાત્રિદિવસમાં તૈયાર કર્યુ. એવી રીતે વાસુદેવની દ્વારકા નગરી દેવતાઓએ નિર્માણ કરેલી હોવાથી ઇન્દ્રપુરી જેવી હતી, તેની પશ્ચિમમાં સોમનસ પર્વત અને ઉત્તરમાં ગંધમાદન ગિરિ હતો. પૂર્વોક્ત પ્રકારે દ્વારકાની રચના કરીને પ્રાત:કાળે કુબેરે આવી કૃષ્ણને બે પીતાંબર, નક્ષત્રમાળા, હાર, મુકુટ, કૌસ્તુભ નામે મહામણિ, શાર્ઙ્ગ ધનુષ્ય, અક્ષય બાણવાળાં ભાથાં,નંદક નામે ખડ્ગ, કૌમોદકી ગદા અને ગરુડધ્વજ રથ એટલાં વાનાં આપ્યાં. રામને વનમાળા, મુસળ, બે નીલ વસ્ત્ર, તાલધ્વજ રથ, અક્ષય ભાથાં, ધનુષ્ય અને હળ આપ્યાં, અને દશે દશાર્હોને રત્નનાં આભરણો આપ્યાં, કારણ કે તેઓ રામ કૃષ્ણને પૂજ્ય હતા. પછી સર્વ યાદવોએ કૃષ્ણને શત્રુસંહારક જાણી હર્ષથી પશ્ચિમ સમુદ્રના તીર ઉપર તેનો રાજ્યાભિષેક કર્યો. ત્યારબાદ રામ સિદ્ધાર્થ નામના સારથિવાળા અને કૃષ્ણ દારૂક નામના સારથિવાળા રથમાં બેસી દ્વારકામાં પ્રવેશ કરવાને તૈયાર થયા અને ગ્રહ નક્ષત્રોથી પરવરેલા સૂર્ય ચંદ્રની જેમ અનેક રથોમાં બેઠેલા યાદવોથી પરવર્યા. તેમણે જયજયના નાદ સાથે દ્વારકામાં પ્રવેશ કર્યો. ઇન્દ્રની આજ્ઞાથી કુબેરે બનાવેલા મહેલોમાં દશાર્હો, રામ કૃષ્ણ, બીજા યાદવો અને તેમનો પરિવાર આવીને રહ્યો. કુબેરે સાડાત્રણ દિવસ સુધી સુવર્ણ, રત્ન, ધન, વિચિત્ર વસ્ત્રો અને ધાન્યોની વૃષ્ટિ કરીને તે અભિનવ નગરીને પૂરી દીધી.

રુક્મિણી વિગેરે સ્ત્રીઓનો વિવાહ, પાંડવ-દ્રૌપદીનો સ્વયંવર અને પ્રદ્યુમ્નનું ચરિત્ર

હવે દ્વારકામાં કૃષ્ણ વાસુદેવ રામ સહિત દશાર્હોને અનુસરતા અને યાદવોના પરિવારથી પરવરેલા સુખે ક્રીડા કરતા રહેવા લાગ્યા અને દશાર્હોને તેમ જ રામકૃષ્ણને હર્ષ આપતા અરિષ્ટનેમિ ભગવાન પણ અનુક્રમે વધવા લાગ્યા. અરિષ્ટનેમિ કરતાં સર્વ બંધુઓ મોટા હતા, પણ અરિષ્ટનેમિની સાથે તેઓ નાના થઈને ક્રીડાગિરિ ઉપર તથા ક્રીડોદ્યાન વિગેરે ભૂમિમાં ક્રીડા કરવા લાગ્યા. પ્રભુ દશ ધનુષ ઊંચી કાયાવાળા થઈ યૌવનવયને પ્રાપ્ત થયા, પરંતુ જન્મથી જ કામને જીતનાર હોવાથી તદ્દન અવિકારી મનવાળા હતા. માતાપિતા અને રામ કૃષ્ણાદિ ભ્રાતાઓ હમેશાં કન્યા પરણવાને માટે તેમને આગ્રહ કરતા અને શક્ર તથા ઈશાનંદની જેમ બંને બંધુઓ પ્રજાને પાળવા લાગ્યા. એક વખતે નારદજી ફરતા ફરતા કૃષ્ણના રાજમંદિરમાં આવ્યા. રામકૃષ્ણે વિધિથી તેમની પૂજા કરી. પછી તે અંત:પુરમાં ગયા. ત્યાં સત્યભામા દર્પણ જોતી હતી, તેથી તેમાં વ્યગ્ર થયેલી. તેણે આસન વિગેરે આપીને નારદને સત્કાર કર્યો નહીં, તેથી નારદ ક્રોધ પામીને ત્યાંથી ચાલ્યા ગયા અને મનમાં વિચાર કરવા લાગ્યા કે ‘કૃષ્ણના અંત:પુરની બધી સ્ત્રીઓ સદા મારી પૂજા કરે છે, પણ આ સત્યભામા પતિના પ્રેમને લીધે રૂપયૌવનથી ગર્વિત થયેલ છે, તેથી દૂરથી મને જોઈ ઊભી તો થઈ નહીં, પણ મારી સામી દૃષ્ટિ પણ કરી નહીં, માટે એ સત્યભામાને કોઈ તેનાથી અતિ રૂપવાળી સપત્ની(શોક્ય)ના સંકટમાં પાડી દઉં.’ એવું વિચારતા નારદ કુંડિનપુર નગરે આવ્યા. કુંડિનપુરમાં ભીષ્મક નામે રાજા હતો. તેને યશોમતી નામે રાણી હતી. તેમને રુક્મી નામે પુત્ર હતો તથા રુક્મિણી નામે બહુ સ્વરૂપવાન પુત્રી હતી. નારદ ત્યાં ગયા એટલે રુક્મિણીએ તેમને નમસ્કાર કર્યા. નારદે કહ્યું કે: ‘અર્ધ ભરતક્ષેત્રના પતિ કૃષ્ણ તારા પતિ થાઓ.’ રુક્મિણીએ પૂછયું કે ‘તે કૃષ્ણ કોણ છે?’ પછી નારદે કૃષ્ણનાં રૂપ, સૌભાગ્ય અને શૌર્ય વિગેરે અદ્વૈત ગુણો કહી સંભળાવ્યા. તે સાંભળી રુક્મિણી કૃષ્ણ ઉપર અનુરાગી થઈ અને કામપીડિત થઈ કૃષ્ણને જ ઝંખવા લાગી. પછી રુક્મિણીનું રૂપ ચિત્રપટમાં આળેખીને નારદ દ્વારકામાં આવ્યા અને દૃષ્ટિને અમૃતાંજન જેવું તે રૂપ કૃષ્ણને બતાવ્યું. તે જોઈ કૃષ્ણે પૂછયું કે: ‘ભગવન્! આ કઈ દેવીનું રૂપ તમે પટમાં આળેખ્યું છે?’ નારદ હસીને બોલ્યા: ‘હરિ! આ દેવી નથી, પણ માનુષી સ્ત્રી છે અને કુંડિનપતિ રુક્મી રાજાની રુક્મિણી નામે બહેન છે.’ તેનું રૂપ જોઈને વિસ્મય પામેલા કૃષ્ણે તત્કાળ રુક્મી પાસે એક દૂત મોકલી પ્રિય વચન વડે તેની માગણી કરી. તે માગણી સાંભળી રુક્મીએ હસીને કહ્યું: અહો! કૃષ્ણ હીણકુળવાળો ગોપ થઈ મારી બહેનની માગણી કરે છે! તે કેવો છે? અને તેનો આ કેવો નિષ્ફળ મનોરથ? આ મારી બહેનને મૈત્રીભાવ વધારવા માટે શિશુપાલ રાજાને આપીશ કે જેથી ચંદ્ર અને રોહિણીની જેમ તેમનો ઘટતો યોગ થશે.’ આ પ્રમાણે ઉત્તર સાંભળી તે દૂતે રુક્મીની કઠોર અક્ષરવાળી વાણી દ્વારકામાં આવીને કૃષ્ણને જણાવી. અહી કુંડિનપુરમાં આ ખબર સાંભળી રુક્મિણીની ફૂઈ જે તેની ધાત્રી હતી તેણીએ એકાંતમાં લઈ જઈને રુક્મિણીને પ્રેમપવિત્ર વાણીએ કહ્યું કે, ‘હે રાજકુમારી! જ્યારે તમે બાળક હતાં તે વખતે એક વાર મારા ઉત્સંગમાં બેઠાં હતાં. તેવામાં તમને જોઈ અતિમુક્તક નામના મુનિએ કહ્યું હતું કે: ‘આ પુત્રી કૃષ્ણની પટ્ટરાણી થશે.’ તે વખતે મેં તેમને પૂછ્યું હતું કે ‘તે કૃષ્ણને શી રીતે ઓળખવા?’ એટલે તેમણે કહ્યું હતું કે ‘જે પશ્ચિમ સાગરને કિનારે દ્વારકા વસાવીને રહે તે કૃષ્ણ છે એમ જાણી લેવું.’ આ પ્રમાણે છતાં આજે તે કૃષ્ણે દૂત દ્વારા તમારી માગણી કરી તો પણ તમારા ભાઈ રુક્મીએ તેની માગણી સ્વીકારી નહીં અને દમઘોષ રાજાના પુત્ર શિશુપાલ વેરે મને આપવાનો નિરધાર કર્યો.’ રુક્મિણી બોલી: ‘હે માતા! શું મુનિઓનાં વચન નિષ્ફળ થાય? પ્રાત:કાળના મેઘનો શબ્દ(ગર્જારવ) શું કદી નિષ્ફળ થયો છે?’ આ પ્રમાણેનાં વચનોથી રુક્મિણીનો અભિલાષ કૃષ્ણને પરણવાનો જાણી તે ફુઈએ ગુપ્ત રીતે એક દૂત મોકલી કૃષ્ણને આ પ્રમાણે જણાવ્યું: ‘માઘ માસની શુક્લ અષ્ટમીએ નાગપૂજાના મિષથી હું રુક્મિણીને લઈને નગર બહારની વાડીમાં આવીશ. હે માનદ! જો તમારે રુક્મિણીનું પ્રયોજન હોય તો તે સમયે ત્યાં આવી પહોંચવું, નહીં તો પછી તેને શિશુપાલ પરણી જશે.’ અહીં રુક્મીએ પોતાની બહેન રુક્મિણીને પરણવાને માટે શિશુપાલને બોલાવ્યો, એટલે તે મોટી સેના લઈને કુંડિનપુર આવ્યો. રુક્મિણીને વરવા માટે તૈયાર થઈને આવેલા શિશુપાલને જાણીને કલહપ્રિય નારદે તે ખબર કૃષ્ણને આપ્યા. એટલે કૃષ્ણ પણ પોતાના સ્વજનથી અલક્ષિયપણે૧ રામની સાથે જુદા જુદા રથમાં બેસી કુંડિનપુર આવ્યા. તે વખતે પોતાની ફુઈ અને સખીઓથી પરવરેલી રુક્મિણી નાગપૂજાનું મિષ કરીને ઉદ્યાનભૂમિમાં આવી. ત્યાં કૃષ્ણ રથમાંથી ઊતર્યા અને પ્રથમથી પોતાને ઓળખાવી રુક્મિણીની ફુઈને નમસ્કાર કરી રુક્મિણી પ્રત્યે બોલ્યા: ‘માલતીના પુષ્પની સુગંધથી ભ્રમર આવે તેમ તારા ગુણથી આકર્ષાઈને હું કૃષ્ણ તારી પાસે દૂરથી આવ્યો છું; માટે આ મારા રથમાં બેસી જા.’ પછી તેના ભાવને જાણનારી ફુઈએ આજ્ઞા આપી, એટલે રુક્મિણી તરત જ કૃષ્ણના રથમાં હૃદયની જેમ આરૂઢ થઈ. જ્યારે કૃષ્ણ થોડે દૂર ગયા ત્યારે પોતાનો દોષ ઢાંકવાને માટે તે ફુઈએ અને દાસીઓએ મળીને મોટો પોકાર કર્યો: ‘અરે રુક્મી! અરે રુક્મી! આ તમારી બહેન રુક્મિણીને ચોરની જેમ રામ સહિત કૃષ્ણ બળાત્કારે હરી જાય છે.’ દૂર ગયા પછી રામકૃષ્ણે પાંચજન્ય અને સુઘોષ નામના શંખ ફૂંક્યા, તેથી સમુદ્રની જેમ બધું કુંડિનપુર ક્ષોભ પામી ગયું. પછી મહાપરાક્રમી અને મહાબળવાન રુક્મી અને શિશુપાલ મોટી સેના લઈ રામકૃષ્ણની પછવાડે ચાલ્યા. તેમને પછવાડે આવતા જોઈ ઉત્સંગમાં બેઠેલી રુક્મિણી ભય પામી કૃષ્ણ પ્રત્યે બોલી: ‘હે નાથ! આ મારો ભાઈ રુક્મી અને શિશુપાલ ઘણા ક્રૂર અને પરાક્રમી છે. વળી તેના પક્ષના બીજા પણ ઘણા વીરો તૈયાર થઈને તેની સાથે આવે છે. અહીં તમે બંને ભાઈ તો એકલા છો, તેથી મને ભય લાગે છે કે આપણી શી ગતિ થશે?’ હરિએ તેનાં આવાં ભયભરેલાં વચનો સાંભળી હાસ્ય કરીને કહ્યું: ‘પ્રિયે! ભય પામીશ નહીં, કેમકે તું ક્ષત્રિયાણી છે. આ બિચારા રુક્મી વિગેરે મારી પાસે કોણ માત્ર છે? હે સુભ્રૂ! તું મારું અદ્ભુત બળ જો.’ આ પ્રમાણે કહી તેને પ્રતીતિ થવા માટે કૃષ્ણે અર્ધચંદ્ર બાણ વડે કમળનાળની પંક્તિ જેમ તાલવૃક્ષની શ્રેણીને એક ઘાએ છેદી નાખી અને અંગૂઠાને આંગળીની વચ્ચે રાખીને પોતાની મુદ્રિકાનો હીરો મસૂરના દાણાની જેમ ચૂર્ણ કરી નાખ્યો. પતિના આવા બળથી રુક્મિણી હર્ષ પામી અને પ્રભાતકાળના સૂર્ય વડે પદ્મિનીની જેમ તેનું મુખ પ્રફુલ્લિત થઈ ગયું. પછી કૃષ્ણે રામને કહ્યું: ‘આ વધૂને લઈને તમે ચાલ્યા જાઓ, હું એકલો આપણી પછવાડે આવતા રુક્મી વગેરેને જીતીને આવીશ.’ રામે કહ્યું: ‘તમે જાઓ, હું એકલો આ સર્વને જીતી શકીશ.’ બંનેનાં આવા વચન સાંભળી રુક્મિણી ભય પામીને બોલી: ‘હે નાથ! મારા સહોદર રુક્મીને બચાવજો, મારશો નહીં.’ રામે કૃષ્ણની સંમતિથી રુક્મિણીનું તે વચન સ્વીકાર્યું અને પોતે એકલા યુદ્ધ કરવાને ત્યાં ઊભા રહ્યા. કૃષ્ણ દ્વારકા તરફ ચાલ્યા ગયા. અનુક્રમે શત્રુઓનું સૈન્ય નજીક આવ્યું, એટલે રામ મુસળ ઉગામી સમુદ્રને મંદરાચળની જેમ રણમાં તે સૈન્યનું મંથન કરવા લાગ્યા. વજ્ર વડે પર્વતોની જેમ રામના હળથી હાથીઓ ભૂમિ પર પડ્યા અને મુસળથી ઘડાનાં ઠીકરાંની જેમ રથો ચૂર્ણ થઈ ગયા. છેવટે શિશુપાલ સહિત રુક્મીની સેના પલાયન કરી ગઈ, પણ વીરમાની રુક્મી એકલો ઊભો રહ્યો. તેણે રામને કહ્યું: ‘અરે ગોપાળ! મેં તને જોયો છે, મારી આગળ ઊભો રહે, ઊભો રહે, હું તારા ગોપાળના પાનથી થયેલા મદને ઉતારી નાખીશ.’ તેનાં આવાં અભિમાનનાં વચન છતાં તેને બચાવવાનું પોતે કૃષ્ણની આગળ કબૂલ કરેલું હોવાથી તે વચન સંભારીને રામે મુસળને છોડી દીધું અને બાણોથી તેનો રથ ભાંગી નાંખ્યો, કવચ છેદી નાખ્યું અને ઘોડાને હણી નાખ્યા. પછી જ્યારે રુક્મી વધકોટિમાં આવ્યો ત્યારે રામે બાણથી તેના મુખ પરના કેશનું લુંચન કરી નાખી હસતાં હસતાં કહ્યું: ‘અરે મૂર્ખ! મારી ભ્રાતૃવધૂનો તું ભાઈ થાય છે, તેથી મારે અવધ્ય છે, માટે ચાલ્યો જા, મારા પ્રસાદથી તું મુંડ થયા છતાં પણ તારી પત્નીઓ સાથે વિલાસ કર.’ આવાં રામનાં વચનથી લજ્જા પામીને રુક્મી કુંડિનપુરમાં ગયો નહીં, પણ ત્યાં જ ભોજકટ નામે નગર વસાવીને રહ્યો. અહીં કૃષ્ણ રુક્મિણીને લઈને દ્વારકા પાસે આવ્યા. દ્વારકામાં પ્રવેશ કરતાં કૃષ્ણે રુક્મિણીને કહ્યું: ‘હે દેવી! જુઓ, આ અમારી રત્નમયી દ્વારકાનગરી દેવતાએ રચેલી છે. હે સુભ્રૂ! આ નગરીનાં દેવવૃક્ષમય ઉદ્યાનોને વિષે દેવીની જેમ અવિચ્છિન્ન સુખથી તમે મારી સાથે ક્રીડા કરશો.’ રુક્મિણી બોલી: ‘હે સ્વામિન્! તમારી બીજી પત્નીઓ તેમના પિતાઓએ મોટા પરિવાર તથા સમૃદ્ધિ સાથે તમને આપેલી છે અને મને તો તમે એકલી કેદીની જેમ લઈ આવ્યા છો, માટે હું મારી સપત્નીઓની આગળ હાસ્યપાત્ર થાઉં નહિ તેમ કરો.’ આવાં તેનાં વચન સાંભળી ‘તને હું સર્વથી અધિક કરીશ.’ એમ કહી કૃષ્ણે રુક્મિણીને સત્યભામાના મહેલની પાસેના એક મહેલમાં ઉતારી. ત્યાં તેને ગાંધર્વ વિવાહથી પરણીને કૃષ્ણ તેની સાથે સ્વચ્છંદે ક્રીડા કરવા લાગ્યા. કૃષ્ણે રુક્મિણીના ઘરમાં બીજા કોઈનો પ્રવેશ અટકાવ્યો હતો, તેથી એક વખતે સત્યભામાએ કૃષ્ણને આગ્રહથી કહ્યું: ‘તમારી નવી પ્રિયાને તો બતાવો.’ કૃષ્ણે લીલોદ્યાનમાં શ્રીદેવીના ગૃહમાંથી સ્વજનોથી છાની રાતે તેની પ્રતિમા ઉપડાવી લીધી અને નિપુણ ચિત્રકારો પાસે શ્રીદેવીની પ્રતિમા ચીતરાવી. પછી કૃષ્ણે ત્યાં આવી શ્રીદેવીના સ્થાનમાં રૂકમિણીને સ્થાપિત કરી અને શિખવ્કહ્યું કે ‘અહીં મારી બધી દેવીઓ આવે, ત્યારે તું નિશ્ચળ રહેજે.’ પછી કૃષ્ણ સ્વસ્થાને ગયા, એટલે સત્યભામાએ પૂછ્યું: ‘નાથ! તમે તમારી વલ્લભાને કયા સ્થાનમાં રાખી છે?’ કૃષ્ણે કહ્યું: ‘શ્રીદેવીના ગૃહમાં રાખેલાં છે.’ પછી સત્યભામા બીજી સપત્નીઓને સાથે લઈને શ્રીદેવીના મંદિરમાં આવી. ત્યાં રુક્મિણીને શ્રીદેવીના સ્થાનમાં જોઈ તેનો ભેદ જાણ્યા સિવાય શ્રીદેવી જ છે એમ જાણીને સત્યભામા બોલી: ‘અહો! આ શ્રીદેવીનું કેવું રૂપ છે? અહો! આના બનાવનારા કારીગરનું કેવું કૌશલ્ય છે?’ આ પ્રમાણે કહી તેણીએ તેને પ્રણામ કર્યાં. પછી કહ્યું: ‘હે શ્રીદેવી! તમે પ્રસન્ન થઈને એવું કરો કે જેથી હું હરિની નવી પત્ની રુક્મિણીને મારી રૂપલક્ષ્મીથી જીતી લઉં. આ કાર્ય સિદ્ધ થવાથી હું તમારી મહાપૂજા કરીશ.’ એમ કહી તે કૃષ્ણની પાસે આવી અને પૂછ્યું: ‘તમારી પત્ની કયાં છે? શ્રીદેવીના ગૃહમાં તો નથી.’ પછી કૃષ્ણ સત્યભામા અને બીજી પત્નીઓ સાથે શ્રીદેવીના મંદિરમાં આવ્યા, એટલે રુક્મિણી અંદરથી બહાર આવી અને કૃષ્ણને પૂછયું કે ‘હું કોને નમું?’કૃષ્ણે સત્યભામાને બતાવી, એટલે સત્યભામા બોલી ઊઠી: ‘આ દેવી મને શી રીતે નમશે? કારણ કે હુું જ હમણાં અજ્ઞાનથી તેને નમી છું.’ હરિએ હાસ્ય કરીને કહ્યું: ‘તમે તમારી બહેનને નમ્યાં તેમાં શો દોષ છે?’ તે સાંભળી સત્યભામા વિલખી થઈને ઘેર ગઈ અને રુક્મિણી પણ પોતાને મંદિર આવી. કૃષ્ણે રુક્મિણીને મોટી સમૃદ્ધિ આપી. અને તેની સાથે પ્રેમામૃતમાં મગ્ન થઈને રમવા લાગ્યા. આ વખતે નારદ ફરતાં ફરતાં ત્યાં આવી ચઢ્યા. કૃષ્ણે તેમની પૂજા કરી અને પૂછ્યું: ‘હે નારદ! તમે કૌતુક માટે જ ભમો છો, તો કોઈ પણ આશ્ચર્ય કોઈ સ્થાનકે જોવામાં આવ્યું છે?’ નારદ બોલ્યા: ‘હમણાં જ એક આશ્ચર્ય જોયું છે તે સાંભળો: -‘વૈતાઢ્યગિરિ ઉપર જાંબવાન નામે એક ખેચરેંદ્ર છે, તેને શિવચંદ્રા નામે પ્રિયા છે. તેમને વિશ્વક્સેન નામે એક પુત્ર અને જાંબવતી નામે કન્યા છે, પણ ત્રણ જગતમાં તેના જેવી કોઈ સ્વરૂપવાન કન્યા નથી. તે બાળા નિત્ય ક્રીડા કરવાને માટે હંસની જેમ ગંગા નદીમાં જાય છે. તે આશ્ચર્યભૂત કન્યાને જોઈને હું તમને કહેવા માટે જ આવ્યો છું.’ તે સાંભળી કૃષ્ણ તરત જ બલદેવ સહિત ગંગાકિનારે ગયા. ત્યાં સખીઓથી પરવરેલી અને ક્રીડા કરતી જાંબવતી તેમના જોવામાં આવી. ‘જેવી નારદે કહી હતી તેવી જ આ છે.’ એમ બોલતાં હરિએ તેનું હરણ કર્યું, એટલે તત્કાળ મોટો કોલાહલ થઈ રહ્યો. તે સાંભળી તેનો પિતા જાંબવાન ક્રોધ કરતો ખડ્ગ લઈને ત્યાં આવ્યો. તેને અનાધૃષ્ટિએ જીતી લીધો અને કૃષ્ણની પાસે લાવીને મૂક્યો. જાંબવાને પોતાની પુત્રી જાંબવતી કૃષ્ણને આપી અને પોતે અપમાન થવાથી વૈરાગ્ય પામીને દીક્ષા ગ્રહણ કરી. જાંબવાનના પુત્ર વિશ્વકસેનની સાથે જાંબવતીને લઈ કૃષ્ણ દ્વારકામાં આવ્યા, ત્યાં કૃષ્ણે રુક્મિણીના મહેલની પાસે જાંબવતીને પણ મહેલ આપ્યો અને તેને યોગ્ય બીજું પણ આપ્યું. તેને રુક્મિણીની સાથે સખીપણું થયું. એક વખતે કૃષ્ણના મોકલવાથી સિંહલપતિ શ્લક્ષ્ણરોમા પાસે જઈને પાછા ફરેલા દૂતે કૃષ્ણ પાસે આવીને આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરી: ‘હે સ્વામિન્! શ્લક્ષ્ણરોમા રાજા તમારો હુકમ માનતો નથી. તેને લક્ષ્મણા નામે એક કન્યા છે તે લક્ષણોથી તમારે જ લાયક છે, તે દ્રુમસેન સેનાપતિના રક્ષણ નીચે હમણાં સમુદ્રમાં સ્નાન કરવાને આવી છે. ત્યાં સાત દિવસ સુધી રહીને તે સ્નાન કરશે.’ આ પ્રમાણે સાંભળી કૃષ્ણ રામની સાથે ત્યાં ગયા અને તે સેનાપતિને મારીને લક્ષ્મણાને લઈ આવ્યા. પછી લક્ષ્મણાને પરણી જાંબવતીના મહેલ પાસે જ તેને એક રત્નમય મંદિર રહેવા આપ્યું અને બીજો પરિવાર આપ્યો. આયુસ્ખરી નામની નગરીમાં સૌરાષ્ટ્ર દેશનો રાજા રાષ્ટ્રવર્ધન રાજ્ય કરતો હતો. તેને વિજયા નામે રાણી હતી. તેમને નમુચિ નામે એક મહાબળવાન યુવરાજ પુત્ર હતો, અને સુસીમા નામે રૂપસંપત્તિની સીમારૂપ પુત્રી હતી. નમુચિએ અસ્ત્રવિદ્યા સિદ્ધ કરી હતી તેથી તે કૃષ્ણની આજ્ઞા માનતો નહોતો. એક વખતે તે સુસીમા સાથે પ્રભાસ તીર્થમાં સ્નાન કરવાને ગયો. ત્યાં છાવણી નાખીને પડેલા નમુચિને જાણીને કૃષ્ણ રામની સાથે ત્યાં ગયા અને તેને સેના સહિત મારી સુસીમાને લઈ આવ્યા. પછી તેને વિધિથી પરણી લક્ષ્મણાના મંદિર પાસે મંદિર આપીને તેમાં રાખી અને તેને મોટી સામગ્રી આપી. રાજા રાષ્ટ્રવર્ધને સુસીમાને માટે દાસીઓ વિગેરે પરિવાર અને કૃષ્ણને માટે હાથી વિગેરે વિવાહનો દાયજો મોકલ્યો. પછી મરુદેશના વીતભય રાજાની ગૌરી નામની કન્યાને કૃષ્ણ પરણ્યા અને તેને સુસીમાના મંદિર પાસે એક મંદિરમાં રાખી. એક વખતે હિરણ્યનાભ રાજાની પુત્રી પદ્માવતીના સ્વયંવરમાં કૃષ્ણ રામને લઈને અરિષ્ટપુર ગયા. ત્યાં બલદેવની માતા રોહિણીના સહોદર હિરણ્યનાભે પોતાના ભાણેજ જાણીને બંનેની વિધિ સહિત હર્ષથી પૂજા કરી. તે હિરણ્યનાભ રાજાને રૈવત નામે એક જ્યેષ્ઠ બંધુ હતો, તે નમિ ભગવાનના તીર્થમાં પોતાના પિતા સાથે દીક્ષા લઈને ચાલી નીકળ્યો હતો. તેને રેવતી, રામા, સીતા અને બંધુમતી નામે પુત્રીઓ હતી, તે પૂર્વે રોહિણીના પુત્ર રામને આપી હતી. પછી સર્વે રાજાઓના જોતાં છતાં કૃષ્ણે પદ્માવતીનું હરણ કર્યું અને સ્વયંવરમાં આવેલા રાજાઓમાંથી જે યુદ્ધ કરવા આવ્યા તેમને જીતી લીધા. રામકૃષ્ણ પોતપોતાની સ્ત્રીઓને લઈને દ્વારકામાં આવ્યા. ત્યાં કૃષ્ણે ગૌરીના મંદિર પાસે એક નવીન ગૃહમાં પદ્માવતીને રાખી. ગાંધાર દેશમાં પુષ્કલાવતી નગરીને વિષે નગ્નજિત રાજાનો પુત્ર ચારુદત્ત નામે રાજા હતો. તેને ગાંધારી નામે સુંદર બહેન હતી. તે લાવણ્યસંપત્તિથી ખેચરીઓને પણ હરાવતી હતી. ચારુદત્તનો પિતા નગ્નજિત મૃત્યુ પામ્યા પછી તેના ભાગીદારોએ ચારુદત્તને જીતી લીધો. એટલે તેણે દૂત મોકલીને શરણ કરવા યોગ્ય કૃષ્ણનું શરણ લીધું. કૃષ્ણે ગાંધારદેશમાં આવી તેના ભાગીદારોને મારી નાખ્યા. અને ચારુદત્તને રાજ્ય ઉપર સ્થાપન કર્યો. એટલે ચારુદત્તે પોતાની બહેન ગાંધારી કૃષ્ણની વેરે પરણાવી. કૃષ્ણ તેને દ્વારકામાં લાવ્યા. અને પદ્માવતીના મંદિરની પાસે તેને એક પ્રાસાદ આપ્યો. આ પ્રમાણે કૃષ્ણને આઠ પટ્ટરાણીઓ થઈ. તેઓ સર્વ અનુક્રમે પૃથક્ પૃથક્ મહેલોમાં રહેવા લાગી. એક વખતે રુક્મિણીના મંદિરમાં અતિમુક્ત મુનિ આવ્યા. તેમને જોઈ સત્યભામા પણ ઉતાવળે ત્યાં આવી. રુક્મિણીએ મુનિને પૂછ્યું: ‘મારે પુત્ર થશે કે નહીં?’ મુનિએ કહ્યું: ‘તારે કૃષ્ણ જેવો પુત્ર થશે.’ આ પ્રમાણે કહીને મુનિ ગયા પછી મુનિનું આ વચન પોતાને માટે છે એમ સત્યભામા માનવા લાગી અને તેણીએ રુક્મિણીને કહ્યું: ‘મારે કૃષ્ણ જેવો પુત્ર થશે.’ રુક્મિણી બોલી: ‘મુનિનું વચન કાંઈ છલ કરવાથી ફળતું નથી, માટે તેવો પુત્ર તો મારે થશે.’ એમ પરસ્પર વાદ કરતી તે બંને કૃષ્ણની પાસે આવી. એ સમયે સત્યભામાનો ભાઈ દુર્યોધન ત્યાં આવી ચઢ્યો. તેને સત્યભામાએ કહ્યું: ‘મારો પુત્ર તારો જામાતા થશે.’ રુક્મિણીએ પણ તે પ્રમાણે તેને કહ્યું, એટલે તેણે કહ્યું: ‘તમારામાંથી જેને પુત્ર થશે તેને હું મારી પુત્રી આપીશ.’ સત્યભામા બોલી: ‘જેનો પુત્ર પ્રથમ પરણે, તેના વિવાહમાં બીજીએ પોતાના કેશ આપવા. આ વિષે રામ, કૃષ્ણ અને આ દુર્યોધન સાક્ષી અને જામીન છે.’ આ પ્રમાણે કબૂલ કરીને તે બંને પોતપોતાને સ્થાનકે ગઈ. એક વખતે રુક્મિણીએ સ્વપ્નમાં જોયું કે. ‘જાણે પોતે એક શ્વેત વૃષભ ઉપર રહેલા વિમાનમાં બેઠેલી છે.’ તે જોઈ તે તરત જાગૃત થઈ. તે વખતે એક મહર્દ્ધિક દેવ મહાશુક્ર દેવલોકમાંથી ચ્યવી રુક્મિણીના ઉદરમાં અવતર્યો. પ્રાત:કાળે ઊઠી રુક્મિણીએ તે સ્વપ્નની વાત કૃષ્ણને કહી, એટલે ‘તમારે વિશ્વમાં અદ્વિતીય વીર એવો પુત્ર થશે.’ એમ કૃષ્ણે કહ્યું. આ સ્વપ્નની વાર્તા સત્યભામાની એક દાસીએ સાંભળી, એટલે તેણે શ્રવણમાં દુઃખદાયક તે વાર્તા સત્યભામાને કહી. તત્કાળ તેણે પણ એક સ્વપ્નની કલ્પના કરી કૃષ્ણ પાસે જઈને કહ્યું કે: ‘આજે મેં સ્વપ્નમાં ઐરાવત હસ્તી જેવો હાથી જોયો છે.’ કૃષ્ણે તેની ઇંગિત ચેષ્ટા ઉપરથી ‘આ વાર્તા ખોટી છે’ એવું ધારી લીધું; પણ તેને કોપાવવી નહીં એમ વિચાર કરી કહ્યું: ‘તારે પણ શુભ પુત્ર થશે.’ દૈવયોગે સત્યભામાને પણ ગર્ભ રહ્યો, તેથી તેનું ઉદર વૃદ્ધિ પામ્યું. રુક્મિણીના ઉદરમાં ઉત્તમ ગર્ભ હતો, તેથી તેનું ઉદર જેવું હતું તેવું જ રહ્યું. ગૂઢ રીતે ગર્ભ વૃદ્ધિ પામવા લાગ્યો, તેથી એક દિવસ સત્યભામાએ કૃષ્ણને કહ્યું: ‘આ તમારી પત્ની રુક્મિણીએ તમને ખોટો ગર્ભ કહ્યો છે, કારણ કે અમારાં બંનેનાં ઉદર જુઓ.’ તે વખતે એક દાસીએ આવીને વધામણી આપી કે ‘રુક્મિણી દેવીએ સુવર્ણ જેવી કાંતિવાળા મહાત્મા પુત્રને જન્મ આપ્યો છે.’ તે સાંભળી સત્યભામા વિલખી અને ક્રોધવિહ્વળ થઈ ગઈ. ત્યાંથી ઘેર આવતાં તેણે પણ ભાનુક નામના પુત્રને જન્મ આપ્યો. કૃષ્ણ પુત્રજન્મની વધામણીથી હર્ષ પામી રુક્મિણીના મંદિરમાં ગયા અને બહાર સિંહાસન પર બેસી પુત્રને મંગાવી જોયો. પુત્રની કાંતિથી સર્વ દિશાઓને ઉદ્યોતવાળી થયેલી જોઈને તેનું પ્રદ્યુમ્ન એવું નામ પાડ્યું અને કૃષ્ણ તેને હુલરાવવાને માટે ક્ષણવાર ત્યાં બેઠા. તે વખતે પૂર્વ ભવના વૈરથી ધૂમકેતુ નામે એક દેવ રુક્મિણીનો વેષ લઈ કૃષ્ણ પાસે આવ્યો અને કૃષ્ણ પાસેથી બાળકને લઈને વૈતાઢ્યગિરિ ઉપર ચાલ્યો ગયો. ત્યાં ભૂતરમણ ઉદ્યાનમાં જઈ ટંકશિલા ઉપર બેસી વિચાર કરવા લાગ્યો: ‘આ બાળકને અહીં અફળાવીને મારી નાખું? પણ ના, તેથી તો બહુ દુઃખી થશે; માટે આ શિલા ઉપર મૂકીને ચાલ્યો જાઉં કે જેથી અહીં નિરાધાર અને ક્ષુધાતુર એવો એ આક્રંદ કરતો કરતો મરી જશે.’ આવો વિચાર કરી તેને ત્યાં છોડી દઈને તે ચાલ્યો ગયો. તે બાળક ચરમદેહી૧ હતો અને નિરુપક્રમ જીવિતવાળો૨ હતો, તેથી શિલા પરથી ઘણાં પાંદડાંવાળા પ્રદેશમાં તે નિરબાધપણે પડી ગયો. પ્રાત:કાળે કાળસંવર નામે કોઈ ખેચર વિમાનમાં બેસીને અગ્નિજ્વાલ નગરથી પોતાને નગરે જતો હતો, તેનું વિમાન ત્યાં સ્ખલિત થઈ ગયું. ખેચરપતિએ સ્ખલિત થવાનો હેતુ વિચારતાં નીચે જોયું તો ત્યાં તે તેજસ્વી બાળકને અવલોક્યો. એટલે ‘મારા વિમાનને સ્ખલિત કરનાર આ કોઈ મહાત્મા બાળક છે.’ એવું જાણી તેને લઈને તેણે પોતાની કનકમાળા નામની રાણીને પુત્ર તરીકે અર્પણ કર્યો. પછી તેણે પોતાના મેઘકૂટ નગરમાં જઈને એવી વાર્તા ફેલાવી કે ‘મારી પત્ની ગૂઢગર્ભા હતી. તેણે હમણાં એક પુત્રને જન્મ આપ્યો છે.’ પછી કાળસંવર ખેચર પુત્રનો જન્મોત્સવ કર્યો અને તેના તેજથી દિશાઓમાં પ્રદ્યોત થતો જોઈને શુભ દિવસે તેનું પ્રદ્યુમ્ન એવું જ નામ પાડ્યું. અહીં રુક્મિણીએ કૃષ્ણની પાસે આવીને પૂછ્યું કે: ‘તમારો પુત્ર ક્યાં છે?’ કૃષ્ણે કહ્યું: ‘તમે હમણાં જ પુત્રને લઈ ગયા છો. રુક્મિણી બોલી: ‘અરે નાથ! શું મને છેતરવા માગો છો? હું લઈ ગઈ નથી.’ ત્યારે કૃષ્ણે જાણ્યું કે જરૂર મને કોઈ છળી ગયું. પછી તરત જ પુત્રની શોધ કરાવી, પણ ક્યાંયથી પુત્રના ખબર મળ્યા નહીં, એટલે રુક્મિણી મૂર્ચ્છા પામીને પડી ગઈ. થોડી વારે સંજ્ઞા પામીને તે પરિજન સાથે ઊંચે સ્વરે રુદન કરવા લાગી. એક સત્યભામા વગર સર્વ યાદવો, તેમની પત્નીઓ અને બધો પરિવાર દુઃખી થઈ ગયો. ‘કૃષ્ણ જેવા સમર્થ પુરુષને પણ પુત્રનો વૃત્તાંત કેમ ન મળે?’ એમ બોલતી રુક્મિણી દુઃખી કૃષ્ણને વધારે દુઃખી કરવા લાગી. એ પ્રમાણે સર્વ યાદવો સહિત કૃષ્ણ ઉદ્વેગમાં રહેતા હતા, તેવામાં એકદા નારદ સભામાં આવ્યા. તેમણે ‘આ શું છે?’ એમ પૂછ્યું, એટલે કૃષ્ણ બોલ્યા કે: ‘હે નારદ! રુક્મિણીનો તરતનો જન્મેલો બાળક મારા હાથમાંથી કોઈ હરી ગયું છે, તેની શુદ્ધિ કાંઈ તમે જાણો છો?’ નારદ બોલ્યા: ‘અહીં અતિમુક્ત મુનિ મહાજ્ઞાની હતા તે તો હમણાં જ મોક્ષે ગયા. તેથી હવે ભારતવર્ષમાં અત્યારે કોઈ બીજા જ્ઞાની નથી; તો પણ હે હરિ! હાલમાં પૂર્વ વિદેહક્ષેત્રે સીમંધર નામે તીર્થંકર વિચરે છે, તે સર્વ સંશયનો નાશ કરનારા છે, તેથી ત્યાં જઈને હું તેમને પૂછીશ.’ પછી કૃષ્ણે અને બીજા યાદવોએ નારદની અનેક પ્રકારે પૂજા કરી અને આગ્રહપૂર્વક ખબર લાવવાની પ્રાર્થના કરી. એટલે નારદ જ્યાં સીમંધર પ્રભુ હતા ત્યાં ત્વરાથી ગયા. ત્યાં પ્રભુ સમવસરણમાં બિરાજેલા હતા તેમને પ્રણામ કરીને નારદે પૂછયું: ‘હે ભગવાન્! કૃષ્ણ અને રુક્મિણીનો પુત્ર હાલ ક્યાં છે?’ પ્રભુ બોલ્યા: ‘ધૂમકેતુ નામે એક તે પુત્રનો પૂર્વ ભવનો વેરી દેવ છે, તેણે છળ કરી કૃષ્ણની પાસેથી તે પુત્રનું હરણ કરેલું છે. તેણે વૈતાઢ્ય ઉપર જઈ તે બાળકને શિલા ઉપર મૂક્યો હતો પણ તે મૃત્યુ પામ્યો નથી; કારણ કે તે ચરમદેહી છે, તેથી કોઈનાથી મારી શકાય તેમ નથી. પ્રાત:કાળે ત્યાંથી કાળસંવર નામે કોઈ ખેચર જતો હતો, તેણે તે બાળકને લઈને પોતાની પત્નીને પુત્ર તરીકે સોંપ્યો છે અને હાલ તે તેને ઘેર વૃદ્ધિ પામે છે.’ નારદે ફરીથી પૂછ્યું: ‘હે ભગવન્! તે ધૂમકેતુને તેની સાથે પૂર્વે જન્મનું શું વેર હતું?’ નારદના આ પ્રમાણે પૂછવાથી પ્રભુએ તેના પૂર્વભવનો વૃત્તાંત કહેવા માંડ્યો: ‘આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં મગધ દેશને વિષે શસલિગ્રામ નામે એક મહર્દ્ધિક ગામ છે. તેમાં મનોરમ નામે એક ઉદ્યાન છે. તે ઉદ્યાનનો અધિપતિ સુમન નામે એક યક્ષ હતો. તે ગામમાં સોમદેવ નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તે સોમદેવની અગ્નિલા નામની પત્નીથી અગ્નિભૂતિ અને વાયુભૂતિ નામે બે પુત્રો થયા. તેઓ વેદાર્થમાં ચતુર હતા. યૌવન વયને પ્રાપ્ત થયેલા તેઓ વિદ્યાથી પ્રખ્યાત થઈ વિવિધ ભોગને ભોગવતા મદોન્મત્ત થઈને રહેતા હતા. એક દિવસે તે મનોરથ ઉદ્યાનમાં નંદિવર્ધન નામે આચાર્ય સમવસર્યા. લોકોએ ત્યાં જઈને તેમને વંદના કરી. તે સમયે આ ગર્વિષ્ઠ થયેલા અગ્નિભૂતિ અને વાયુભૂતિએ ત્યાં આવી આચાર્યને કહ્યું: ‘અરે શ્વેતાંબરી! જો તું કાંઈ શાસ્ત્રાર્થને જાણતો હોય તો બોલ.’ તેમનાં આવાં ગર્વયુક્ત વચન માત્રથી નંદિવર્ધન આચાર્યના સત્ય નામના શિષ્યે તેમને પૂછ્યું: ‘તમે ક્યાંથી આવ્યા છો?’ તેઓ બોલ્યા: ‘અમે શાલિગ્રામથી આવ્યા છીએ.’ સત્યમુનિ ફરી વાર બોલ્યા: ‘તમે કયા ભવમાંથી આ મનુષ્યભવમાં આવ્યા છો? એમ મારું પૂછવું છે, તે જો તમે જાણતા હો તો કહો.’ તે સાંભળી તે બંને તે વિષયના અજ્ઞાની હોવાથી લજ્જાથી અધોમુખ થઈને ઊભા રહ્યા. એટલે મુનિએ તેમનો પૂર્વભવ કહેવા માંડ્યો: ‘અરે બ્રાહ્મણો! તમે પૂર્વભવને વિષે આ ગ્રામની વનસ્થલીમાં માંસભક્ષક શિયાળ થયેલા હતા. એક કણબીએ પોતાના ક્ષેત્રમાં રાત્રે ચર્મની રજ્જુ વિગેરે મૂકી હતી તે વૃષ્ટિથી આર્દ્ર થતાં તમે બધી ભક્ષણ કરી ગયા. એ આહારથી મૃત્યુ પામીને પોતાના પૂર્વકૃત કર્મથી આ ભવમાં તમે સોમદેવ બ્રાહ્મણના બે પુત્રો થયા છો. પ્રાત:કાળે તે ખેડુ કણબી સર્વ ચર્મરજ્જુને ભક્ષણ કરેલી જોઈ પોતાને ઘેર ગયો. અનુક્રમે મૃત્યુ પામીને તે પોતાની પુત્રવધૂના ઉદરથી પુત્રપણે જન્મ્યો. ત્યાં તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, તેથી તેણે જાણ્યું કે ‘આ મારી પુત્રવધૂ તે મારી માતા થઈ છે અને મારો પુત્ર તે મારો પિતા થયો છે, તો હવે મારે તેમને શી રીતે બોલાવવા?’ આવા વિચારથી તે કપટ વડે જન્મથી જ મૂંગો થઈને રહેલો છે, જો આ વૃત્તાંત વિષે તમને પ્રતીતિ ન આવતી હોય તો તે મૂંગા ખેડુ પાસે જઈને તેને પૂછો એટલે તે મૌન છોડી દઈને તમને સર્વ વૃત્તાંત જણાવશે.’ પછી લોકો તત્કાળ તે મૂંગા ખેડૂતને ત્યાં લઈ આવ્યા. મુનિએ તેને કહ્યું: ‘તારા પૂર્વભવનો વૃત્તાંત પ્રથમથી કહી બતાવ. આ સંસારમાં કર્મને વશે પુત્ર તે પિતા પણ થાય અને પિતા તે પુત્ર પણ થાય એવી અનાદિ સ્થિતિ છે, એમાં કાંઈ આશ્ચર્ય નથી; માટે પૂર્વજન્મના સંબંધથી થતી લજ્જા અને મૌનપણું છોડી દે.’ પછી પોતાના પૂર્વ સંબંધને બરાબર કહેવાથી હર્ષ પામેલા તે ખેડૂતે મુનિને નમસ્કાર કરી સર્વના સાંભળતાં પોતાના પૂર્વ જન્મનો વૃત્તાંત જેમ મુનિએ કહ્યો હતો તેમ કહી સંભળાવ્યો. તે સાંભળી ઘણા લોકોએ દીક્ષા લીધી. તે ખેડૂત પ્રતિબોધ પામ્યો અને પેલા અગ્નિભૂતિ અને વાયુભૂતિ લોકોથી ઉપહાસ્ય પામતા વિલખા થઈને ઘેર ચાલ્યા ગયા. પછી તે ઉન્મત્ત બ્રાહ્મણો વેર ધારણ કરી રાત્રે ખડ્ગ લઈને તે મુનિને મારવા આવ્યા. ત્યાં પેલા સુમન યક્ષે તેમને સ્તંભિત કરી દીધા. પ્રાત:કાળે લોકોએ તેવી સ્થિતિમાં તેમને દીઠા. તેનાં માતાપિતા તેને સ્તંભાયેલા જોઈ આક્રંદ કરવા લાગ્યાં. તે વખતે સુમન યક્ષ પ્રત્યક્ષ થઈને કહેવા લાગ્યો: ‘આ પાપી દુર્મતિઓ રાત્રિએ મુનિને મારવા માટે ઇચ્છતા હતા, તેથી મેં તેને સ્તંભિત કર્યા છે. હવે જો તેઓ દીક્ષા ગ્રહણ કરવાનું કબૂલ કરે તો હું તેમને છોડીશ, અન્યથા છોડીશ નહીં.’ તેઓએ કહ્યું: ‘અમારાથી સાધુનો ધર્મ પાળવો મુશ્કેલ છે, તેથી અમે શ્રાવકને યોગ્ય એવો ધર્મ આચરશું.’ આ પ્રમાણે તેમના કહેવાથી દેવતાએ તેમને છોડી મૂક્યા. ત્યારથી તેઓ તો શ્રાવક થઈને જિનધર્મને યથાવિધિ પાળવા લાગ્યા. પણ તેમનાં માતાપિતાએ જૈનધર્મને અંગીકાર કર્યો નહીં. અગ્નિભૂતિ અને વાયુભૂતિ મૃત્યુ પામી સૌધર્મકલ્પમાં છ પલ્યોપમના આયુષ્યવાળા દેવતા થયા. ત્યાંથી ચ્યવીને હસ્તિનાપુર નગરમાં અર્હદાસ વણિકને ઘેર પૂર્ણભદ્ર અને માણિભદ્ર નામે પુત્ર થયા. પૂર્વભવના ક્રમથી તેઓ શ્રાવકધર્મ પાળવા લાગ્યા. એક વખતે માહેંદ્ર નામે એક મુનિ ત્યાં સમવસર્યા. તેમની પાસેથી ધર્મ સાંભળીને અર્હંદ્વાસે દીક્ષા લીધી. પૂર્ણભદ્ર અને મણિભદ્ર તે મહેંદ્ર મુનિને વાંદના જતા હતા ત્યાં માર્ગમાં એક કૂતરી અને ચાંડાળને જોઈને તેમની ઉપર તેઓને સ્નેહ ઉત્પન્ન થયો, તેથી તેઓએ મહર્ષિ પાસે આવી નમીને પૂછ્યું: ‘આ ચાંડાળ અને કૂતરી કોણ છે કે જેને જોવાથી અમને સ્નેહ ઉપજે છે?’ મુનિ બોલ્યા: ‘તમે પૂર્વભવમાં અગ્નિભૂતિ અને વાયુભૂતિ નામે બ્રાહ્મણ હતા. તે વખતે સોમદેવ નામે તમારો પિતા અને અગ્નિલા નામે તમારી માતા હતી. તે સોમદેવ મૃત્યુ પામીને આ ભરતક્ષેત્રમાં આવેલા શંખપુરમાં જિતશત્રુ નામે રાજા થયો, જે સદા પરસ્ત્રીમાં આસક્ત હતો. અગ્નિલા મૃત્યુ પામીને તે જ શંખપુરમાં સોમભૂતિ ગામના બ્રાહ્મણની રુક્મિણી નામે સ્ત્રી થઈ. એક વખતે રુક્મિણી પોતાના ઘરના આંગણામાં ઊભી હતી તેવામાં તે માર્ગે નીકળેલા જિતશત્રુ રાજાના જોવામાં આવી. તત્કાળ તે રાજા કામવશ થઈ ગયો, તેથી સોમભૂતિ ઉપર કાંઈક ગુન્હો મૂકી રાજાએ તે સ્ત્રીને પોતાના અંત:પુરમાં દાખલ કરી. તેના વિરહથી પીડિત સોમભૂતિ અગ્નિમાં મગ્ન થયો હોય તેમ દુઃખપૂર્વક રહેવા લાગ્યો. રાજા જિતશત્રુ તે સ્ત્રીની સાથે એક હજાર વર્ષ સુધી ક્રીડા કરી મૃત્યુ પામીને પહેલા નરકમાં ત્રણ પલ્યોપમના આયુષ્યવાળો નારકી થયો. ત્યાંથી નીકળીને હરિણ થયો. તે ભવમાં શિકારીએ મારી નાખતાં મરણ પામીને માયાકપટી એવો શ્રેષ્ઠીપુત્ર થયો. ત્યાંથી મરણ પામીને માયાના યોગથી હાથી થયો. તે ભવમાં દૈવયોગે તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું; તેથી અઢાર દિવસનું અનશન પાળી મૃત્યુ પામ્યો અને ત્રણ પલ્યોપમ આયુષ્યવાળો વૈમાનિક દેવતા થયો. ત્યાંથી ચ્યવીને તે આ ચાંડાળ થયો છે અને પેલી રુક્મિણી અનેક ભવમાં પરિભ્રમણ કરીને આ કૂતરી થઈ છે, તેથી (પૂર્વભવના તમારાં માતાપિતા હોવાથી) તેઓની ઉપર તમને સ્નેહ ઉત્પન્ન થાય છે.’ આ પ્રમાણે પોતાના પૂર્વભવનો વૃત્તાંત સાંભળી તે પૂર્ણભદ્ર અને માણિભદ્રને જાતિસ્મરણ જ્ઞાન થયું. પછી તેઓએ તે ચાંડાળને અને કૂતરીને પ્રતિબોધ આપ્યો, જેથી તે ચાંડાળ એક માસનું અનશન કરી મૃત્યુ પામીને નંદીશ્વર દ્વીપમાં દેવતા થયો અને કૂતરી પ્રતિબોધ પામી અનશન કરી મૃત્યુ પામીને શંખપુરમાં સુદર્શના નામે રાજપુત્રી થઈ. ફરી વાર પાછા માહેંદ્ર મુનિ ત્યાં આવ્યા ત્યારે અર્હદાસના પુત્રોએ ચાંડાળ અને કૂતરીની ગતિ વિષે પૂછ્યું, એટલે તેમણે તે બંનેની થયેલી સદ્ગતિનો વૃત્તાંત કહી સંભળાવ્યો. તેઓએ શંખપુર જઈ રાજપુત્રી સુદર્શનાને પ્રતિબોધ આપ્યો, જેથી તે દીક્ષા લઈને મૃત્યુ પામી દેવલોકે ગઈ. પૂર્ણભદ્ર અને માણિભદ્ર ગૃહસ્થધર્મ પાળી મૃત્યુ પામીને સૌધર્મ દેવલોકમાં ઇન્દ્રના સામાનિક૧ દેવતા થયા. ત્યાંથી ચ્યવી હસ્તિનાપુરમાં વિશ્વક્સેન રાજાના મધુ અને કૈટભ નામે બે પુત્રો થયા. પેલો નંદીશ્વરમાં ઉત્પન્ન થયેલ દેવ ત્યાંથી ચ્યવી ચિરકાળ ભવભ્રમણ કરી વટપુર નગરમાં કનકપ્રભ નામે રાજા થયો. સુદર્શના પણ દેવલોકથી ચ્યવી ઘણા ભવ ભ્રમણ કરી તે કનકપ્રભ રાજાની ચંદ્રાભા નામે પટ્ટરાણી થઈ. રાજા વિશ્વકસેન મધુને રાજ્યપદે અને કૈટભને યુવરાજપદે સ્થાપન કરી પોતે વ્રત લઈ મૃત્યુ પામીને બ્રહ્મ દેવલોકમાં દેવતા થયા. મધુ અને કૈટભે બધી પૃથ્વી વશ કરી લીધી. તેમના દેશ ઉપર ભીમ નામે એક પલ્લીપતિ ઉપદ્રવ કરવા લાગ્યો તેને મારવાને મધુ ચાલ્યો. ત્યાં માર્ગમાં વટપુરના રાજા કનકપ્રભે ભોજનાદિકથી તેનો સત્કાર કર્યો. પછી સ્વામિભક્તિથી સેવકપણે વર્તતો તે રાજા ચંદ્રાભા રાણીની સાથે ભોજનને અંતે તેમની પાસે આવ્યો. અને કેટલીક ભેટ ધરી. ચંદ્રાભા રાણી મધુને પ્રણામ કરીને અંત:પુરમાં ચાલી, તે વખતે કામપીડિત મધુએ તેને બળાત્કારે પકડવાની ઇચ્છા કરી, તે વખતે મંત્રીએ તેને અટકાવ્યો, એટલે મધુરાજા આગળ ચાલ્યો. પછી ભીમ પલ્લીપતિને જીતીને પાછા ફરતાં તે વટપુરમાં આવ્યો. રાજા કનકપ્રભે ફરી વાર તેનો સત્કાર કર્યો. જ્યારે તે ભેટ ધરવા આવ્યો ત્યારે મધુરાજા બોલ્યા કે ‘તમારી બીજી ભેટ મારે જોઈતી નથી, માત્ર આ ચંદ્રાભા રાણી મને અર્પણ કરો.’ તેની આવી માગણીથી જ્યારે કનકપ્રભે પોતાની રાણી તેને આપી નહીં ત્યારે તે બળાત્કારે ખેંચી લઈ પોતાના નગરમાં ચાલ્યો ગયો. રાણીના વિયોગથી વિધુર થયેલો કનકપ્રભ રાજા મૂર્ચ્છા ખાઈ પૃથ્વી પર પડ્યો. થોડી વારે સાવધ થઈ ઊંચે સ્વરે વિલાપ કરવા લાગ્યો અને ઉન્મત્તની પેઠે આમતેમ ભમવા લાગ્યો. અહીં મધુરાજા એક વખતે મંત્રીઓની સાથે ન્યાયના કાર્યમાં બેઠો હતો તેમાં ઘણો વખત થવાથી તેનો ચૂકાદો કર્યા વગર રાજા ચંદ્રાભાને મંદિરે ગયો. ચંદ્રાભાએ પૂછયું:‘આજે મોડા કેમ આવ્યા?’ તેણે કહ્યું: ‘આજે એક વ્યભિચાર સંબંધી કેસનો ન્યાય આપવાનો હતો તેમાં રોકાયો હતો.’ ચંદ્રાભા હસીને બોલી: ‘તે વ્યભિચારી પૂજવા યોગ્ય છે.’ મધુરાજાએ કહ્યું: ‘વ્યભિચારી શી રીતે પૂજવા યોગ્ય થાય? તેઓને તો શિક્ષા જ કરવી જોઇએ.’ ચંદ્રાભા બોલી: ‘જો તમે એવા ન્યાયવાન હો તો તમે જ પ્રથમ વ્યભિચારી છો, તે કેમ જાણતા નથી?’ તે સાંભળી મધુરાજા પ્રતિબોધ પામી લજ્જા પામી ગયો. એ સમયે કનકપ્રભ રાજા ચંદ્રાભા રાણીના વિયોગથી ગાંડો બની ગામેગામ ભટકતો અને બાળકોથી વીંટાયલો તે જ નગરના રાજમાર્ગમાં ગાતો અને નાચતો નીકળ્યો. તેને જોઈ ચંદ્રાભા વિચાર કરવા લાગી: ‘અહો! મારો પતિ મારા વિયોગથી આવી દશાને પ્રાપ્ત થયો, તો મારા જેવી પરવશ સ્ત્રીને ધિક્કાર છે!’ આ પ્રમાણે ચંતિવી તેણે મધુને પોતાનો પતિ બતાવ્યો, એટલે તેને જોઈ પોતાના દુષ્ટ કામને માટે મધુને અતિ પશ્ચાત્તાપ થયો. તેથી તત્કાળ મધુએ ધુંધુ નામના પોતાના પુત્રને રાજ્ય સોંપી કૈટભની સાથે વિમલવાહન મુનિની પાસે દીક્ષા લીધી. તેઓ હજારો વર્ષ સુધી ઉગ્ર તપ કરી દ્વાદશાંગના ધારણ કરનારા અને સદા સાધુઓની વૈયાવૃત્ત્ય કરનારા થયા. અંતે અનશન કરી સર્વ પાપની આલોચના કરીને તે બન્ને મૃત્યુ પામી મહાશુક્ર દેવલોકમાં સામાનિક દેવતા થયા. રાજા કનકપ્રભ પણ ક્ષુધાતૃષાથી પીડિત થઈ ત્રણ હજાર વર્ષ વ્યર્થ ગુમાવી મૃત્યુ પામ્યો અને જ્યોતિષ દેવોમાં ધૂમકેતુ નામે દેવ થયો. અવધિજ્ઞાનથી પૂર્વનું વેર જાણી તે મધુના જીવને શોધવા લાગ્યો, પણ મધુ તો સાતમા દેવલોકમાં મહર્દ્ધિક દેવ હોવાથી તેના જોવામાં આવ્યો નહીં. પછી તે ત્યાંથી ચ્યવી મનુષ્યભવ પામીને તાપસ થયો. તે ભવમાં બાળતપ કરી મૃત્યુ પામીને તે વૈમાનિક દેવ થયો. તથાપિ તે ભવમાં પણ મધુને જોવાને સમર્થ થયો નહીં. પાછો ત્યાંથી ચ્યવી સંસારમાં પરિભ્રમણ કરી કર્મયોગે જ્યોતિષીમાં ફરીને ધૂમકેતુ નામે દેવ થયો. તે વખતે મધુનો જીવ મહાશુક્ર દેવલોકમાંથી ચ્યવી કૃષ્ણ વાસુદેવની પટ્ટરાણીમાં ઉદરમાં પુત્રપણે ઉત્પન્ન થયો. પેલો ધૂમકેતુ પૂર્વના વેરથી તે બાળકને જન્મતાં જ હરી ગયો અને તેને મારવાની ઇચ્છાથી તે દુષ્ટ એક ટંકશિલા ઉપર તેને મૂકીને ચાલ્યો ગયો, પણ પોતાના પ્રભાવથી તે સર્વ અંગે અક્ષત રહ્યો અને તેને કાળસંવર વિદ્યાધર પોતાને ઘેર લઈ ગયો. સોળ વર્ષને અંતે રુક્મિણી સાથે તેને સમાગમ થશે.’ (સર્ગ-૫)

દ્રૌપદીની કથા

પૂર્વે શ્રી ઋષભદેવ સ્વામીને કુરુ નામે એક પુત્ર હતો, જેના નામથી કુરુક્ષેત્ર કહેવાય છે. તે કુરુનો પુત્ર હસ્તી નામે થયો, જેના નામથી હસ્તિનાપુર નગર વસેલું છે. તે હસ્તી રાજાના સંતાનમાં અનંતવીર્ય નામે રાજા થયો. તેનો પુત્ર કૃતવીર્ય નામે રાજા થયો. તેનો પુત્ર સુભૂમ નામે ચક્રવર્તી થયો. તે પછી અસંખ્ય રાજાઓ થઈ ગયા. બાદ શાંતનુ નામે એક રાજા થયો. તેને ગંગા અને સત્યવતી નામે બે પત્નીઓ હતી. તેમાં ગંગાને ભીષ્મ પરાક્રમવાળો ભીષ્મ નામે પુત્ર થયો અને સત્યવતીને ચિત્રાંગદ નામે ને ચિત્રવીર્ય નામે બે પુત્રો થયા. ચિત્રવીર્યને અંબિકા, અંબાલિકા અને અંબા નામે ત્રણ સ્ત્રીઓ હતી. તેનાથી ધૃતરાષ્ટ્ર, પાંડુ ને વિદુર નામે અનુક્રમે ત્રણ પુત્રો થયા. તેમાં પાંડુ ધૃતરાષ્ટ્રને રાજ્ય સોંપી મૃગયા કરવામાં તત્પર રહેવા લાગ્યો. ધૃતરાષ્ટ્ર સુબળ રાજાના પુત્ર અને ગાંધાર દેશના રાજા શકુનિની ગાંધારી વિગેરે આઠ બહેનોને પરણ્યો. તેનાથી તેને દુર્યોધન વિગેરે સો પુત્રો થયા. પાંડુરાજાને કુંતી નામની સ્ત્રીથી યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન નામે ત્રણ પુત્રો થયા અને બીજી સ્ત્રી માદ્રી કે જે શલ્ય રાજાની બહેન થતી હતી તેનાથી નકુળ અને સહદેવ નામે બે બળવાન પુત્રો થયા. વિદ્યા અને ભુજબળથી ઉગ્ર એવા એ પાંચે પાંડુકુમારો પંચાનન-સિંહની જેમ ખેચરોને પણ અજેય થયા. પોતાના જ્યેષ્ઠ બંધુ તરફ વિનયવાળા અને દુર્નીતિને નહીં સહન કરનારા તે પાંચે પાંડવો પોતાના લોકોત્તર ગુણ વડે લોકોને આશ્ચર્ય પમાડવા લાગ્યા. અન્યદા કાંપીલ્યપુરથી દ્રુપદરાજાના દૂતે આવી નમસ્કાર કરી પાંડુરાજાને આ પ્રમાણે કહ્યું: ‘અમારા સ્વામી દ્રુપદ રાજાને ચુલની રાણીના ઉદરથી જન્મેલી અને ધૃષ્ટદ્યુમ્નની નાની બહેન દ્રૌપદી નામે કન્યા છે તેના સ્વયંવરમાં દશે દશાર્હો, રામકૃષ્ણ, દમદંત, શિશુપાલ, રુક્મી, કર્ણ, સુયોધન અને બીજા પણ રાજાઓને તથા તેમના પરાક્રમી કુમારોને દ્રુપદ રાજાએ દૂતો મોકલીને બોલાવ્યા છે. તેઓ હાલ ત્યાં જાય છે; તો તમે પણ આ દેવકુમાર જેવા પાંચ કુમારો સાથે ત્યાં આવી સ્વયંવરમંડપને અલંકૃત કરો.’ તે સાંભળી પાંચ જયવંત બાણ વડે કામદેવની જેમ પાંચ પુત્રોયુક્ત પાંડુરાજા કાંપીલ્યપુર ગયા અને બીજા પણ અનેક રાજાઓ ત્યાં આવ્યા. દ્રુપદ રાજાએ પૂજેલા પ્રત્યેક રાજાઓ અંતરીક્ષમાં રહેલા ગ્રહોની જેમ સ્વયંવરમંડપમાં હાજર થયા. તે અવસરે સ્નાન કરી, શુદ્ધ(ઉજ્જ્વળ) વસ્ત્ર પહેરી, માલ્યાલંકાર ધારણ કરી અને અર્હંતપ્રભુને પૂજીને રૂપ વડે દેવકન્યા જેવી દ્રૌપદી સખીઓ સાથે પરવરી સતી સામાનિક દેવતાઓની જેવા કૃષ્ણાદિક રાજાઓથી અલંકૃત સ્વયંવરમંડપમાં આવી. તેની સખીએ તેને પ્રત્યેક રાજાને નામ લઈ લઈને બતાવવા માંડ્યા. તેઓને અનુક્રમે જોતી જોતી દ્રૌપદી જ્યાં પાંચે પાંડવો બેઠા હતા ત્યાં આવી અને તેણે અનુરાગી થઈને પાંચે પાંડવોના કંઠમાં સ્વયંવરમાળા આરોપણ કરી.૧

તે વખતે ‘આ શું?’ એમ સર્વ રાજમંડળ આશ્ચર્ય પામી ગયું. તેવામાં કોઈ ચારણ મુનિ આકાશમાર્ગે ત્યાં આવ્યા, એટલે કૃષ્ણાદિક રાજાઓએ તે મુનિને નમસ્કાર કરી વિનયપૂર્વક પૂછ્યું કે ‘આ દ્રૌપદીને પાંચ પતિ થશે?’ મુનિ બોલ્યા, ‘આ દ્રૌપદી પૂર્વભવના કર્મથી પાંચ પતિવાળી થશે, પણ તેમાં આશ્ચર્ય શું છે? કેમકે કર્મની ગતિ મહાવિષમ છે. તેનું વૃત્તાંત સાંભળો: ચંપાનગરીમાં સોમદેવ, સોમભૂતિ અને સોમદત્ત નામે ત્રણ બ્રાહ્મણો રહેતા હતા. તેઓ સહોદર બંધુ હતા. ધનધાન્યથી પરિપૂર્ણ એવા તેઓને અનુક્રમે નાગશ્રી, ભૂતશ્રી અને યક્ષશ્રી નામે પત્નીઓ હતી. તે ત્રણે ભાઈઓ પરસ્પર સ્નેહ ધરાવતા હતા, તેથી તેઓએ એક વખતે એવો ઠરાવ કર્યો કે ‘આપણે ત્રણ ભાઈઓએ એક એક ભાઈને ઘેર વારા પ્રમાણે સાથે ભોજન કરવું.’ તે પ્રમાણે વર્તતાં એક દિવસ સોમદેવને ઘેર જમવાનો વારો આવ્યો, એટલે ભોજનનો અવસર પ્રાપ્ત થયા અગાઉ નાગશ્રીએ વિવિધ પ્રકારનાં ભોજનની તૈયારી કરવા માંડી. તેમાં તે રમણીએ અજાણ્યે કડવી તુંબડીનું શાક કર્યું. પછી એ શાક કેવું થયું છે એ જાણવાને માટે તેણીએ ચાખી જોયું, ત્યાં તો બહુ કડવું હોવાથી તેને અભોજ્ય જાણી તેણે થૂંકી કાઢ્યું. પછી વિચારવા લાગી કે, ‘મેં ઘણા સ્વાદિષ્ટ વિવિધ પદાર્થોથી આ શાક સુધાર્યું, તથાપિ એ કડવું જ રહ્યું. આમ વિચારી તેણીએ તે શાક ગોપવી દીધું અને તે સિવાયનાં બીજાં ભવ્ય ભોજન વડે તેણે પોતાને ઘેર આવેલા કુટુંબ સહિત પોતાના પતિને તથા દીએરને જમાડ્યા. તે સમયે સૂભુમિભાગ નામના તે નગરના ઉદ્યાનમાં જ્ઞાનવાન્ અને પરિવાર સહિત શ્રીધર્મઘોષ આચાર્ય સમવસર્યા. તેમના ધર્મરુચિ નામે એક શિષ્ય માસક્ષમણને પારણે, સોમદેવાદિક સર્વે જમી ગયા પછી, નાગશ્રીને ઘેર ભિક્ષા લેવા આવ્યા. નાગશ્રીએ વિચાર કર્યો કે ‘આ શાકથી આ મુનિ જ તોષિત થાઓ.’ એમ વિચારી તેણે તે કડવી તુંબડીનું શાક તે મુનિને વહોરાવ્યું. મુનિએ જાણ્યું કે ‘આજે મને આ કોઈ અપૂર્વ પદાર્થ મળ્યો છે.’ તેથી તેમણે ગુરુ પાસે જઈ તેમના હાથમાં તે પાત્ર આપ્યું. ગુરુ તેની ગંધ લઈને બોલ્યા: ‘હે વત્સ! જો આ પદાર્થ તું ખાઈશ તો મૃત્યુ પામીશ, માટે આને પરઠવી દે અને ફરી વાર હવે આવો પિંડ સારી રીતે તપાસીને લેજે.’ ગુરુનાં આવાં વચનથી તે મુનિ ઉપાશ્રયની બહાર શુદ્ધ સ્થંડિલ પાસે તે પરઠવા આવ્યા, તેવામાં પાત્રમાંથી શાકનું એક બિંદુ ભૂમિ પર પડી ગયું તેના રસથી ખેંચાઈને અનેક કીડીઓ આવી તેને લગ્ન થઈ. તે બધી તત્કાળ મૃત્યુ પામી ગઈ. તે જોઈ તે મુનિને વિચાર થયો કે ‘આના એક બિંદુમાત્રથી અનેક જંતુઓ મરે છે, તો તેને પરઠવવાથી કેટલાંય જંતુઓનું મરણ થશે, માટે હું એક મૃત્યુ પામું તે સારું, પણ ઘણાં જંતુઓ મરે તે સારું નહીં.’ આવો નિશ્ચય કરી તેણે તે તુંબડીનું શાક સમાહિતપણે ભક્ષણ કરી લીધું. પછી સમાધિપૂર્વક સમ્યક્ પ્રકારે આરાધના કરીને મૃત્યુ પામેલા તે ધર્મરુચિ મુનિ જ સર્વાર્થસિદ્ધ વિમાનમાં અહમિંદ્ર દેવ થયા. અહીં ધર્મઘોષ આચાર્યે ‘ધર્મરુચિ મુનિને આટલો બધો વિલંબ કેમ થયો?’ એ જાણવાને માટે બીજા મુનિઓને તપાસ કરવા મોકલ્યા. તેઓએ બહાર જઈને જોયું તો તેમને મૃત્યુ પામેલા દીઠા, તેથી તેમનું રજોહરણ વગેરે લઈ ગુરુ પાસે આવી મહાખેદપૂર્વક તે વાત ગુરુને જણાવી. ગુરુએ અતિશયવાળા જ્ઞાનના ઉપયોગથી તે હકીકત જાણી લઈને પોતાના સર્વ શિષ્યોને નાગશ્રીનું બધું દુશ્ચચરિત્ર જણાવ્યું. તે સાંભળવાથી બધા મુનિઓને અને સાધ્વીઓને કોપ ઉત્પન્ન થયો, તેથી તેઓએ તે વાર્તા સોમદેવ વિગેરે અનેક લોકોને જણાવી. તે સાંભળી સોમદેવ વિગેરે વિપ્રોએ નાગશ્રીને ઘરમાંથી કાઢી મૂકી. લોકોએ પણ તેનો ઘણો તિરસ્કાર કર્યો, તેથી તે સર્વત્ર દુઃખી થઈ ભટકવા લાગી અને કાસ, શ્વાસ, જ્વર અને કુષ્ઠ વિગેરે સોળ ભયંકર રોગોથી પીડા પામતી સતી તે ભવમાં જ નારકીપણાને પ્રાપ્ત થઈ. એ પ્રમાણે ક્ષુધાતૃષાથી આતુર, ફાટાંતુટાં વસ્ત્ર પહેરતી અને નિરાધાર ભટકતી એ સ્ત્રી અનુક્રમે મૃત્યુ પામીને છઠ્ઠી નરકે ગઈ. ત્યાંથી નીકળીને મલેચ્છ જાતિમાં ઉત્પન્ન થઈ અને મૃત્યુ પામીને સાતમી નરકે ગઈ. પછી તે મત્સ્ય જાતિમાં ઉત્પન્ન થઈ, મરીને સાતમી નરકે ગઈ. ત્યાંથી નીકળીને મલેચ્છ થઈ. એવી રીતે તે પાપિણી સર્વ નરકમાં બે બે વાર જઈ આવી. પછી પૃથ્વીકાય વગેરેમાં અનેક વાર ઉત્પન્ન થઈ અને અકામનિર્જરાથી ઘણાં કર્મને ખપાવ્યાં. પછી ચંપાનગરીમાં સાગરદત્ત શેઠની સ્ત્રી સુભદ્રાના ઉદરથી સુકુમારિકા નામે પુત્રી થઈ. એ જ નગરમાં જિનદત્ત નામે એક ધનવાન સાર્થવાહ રહેતો હતો, તેને ભદ્રા નામે ગૃહિણી અને સાગર નામે પુત્ર હતો. એક વખત જિનદત્ત સાગરદત્તને ઘેર ગયો. ત્યાં સુકુમારિકાને યૌવનવતી જોઈ. તે મહેલ ઉપર ચડીને કંદુકક્રીડા કરતી હતી. તેને જોઈ જિનદત્તને વિચાર થયો કે ‘આ કન્યા મારા પુત્રને યોગ્ય છે.’ આવું ચિંતવન કરતો તે પોતાને ઘેર આવ્યો. પછી ફરીને બંધુવર્ગ સહિત સાગરદત્તને ઘેર જઈ પોતાના પુત્રને માટે સુકુમારિકાની માગણી કરી. સાગરદત્ત બોલ્યો: ‘આ પુત્રી મારે પ્રાણથી પણ પ્રિય છે, એના વિના હું ક્ષણ વાર પણ રહી શકતો નથી, માટે જો તમારો પુત્ર સાગર મારે ત્યાં ઘરજમાઈ થઈને રહે તો હું મારી પુત્રી ઘણા દ્રવ્ય સાથે અર્પણ કરું.’ ‘હું વિચારીને કહીશ’ એમ કહીને જિનદત્ત પોતાને ઘેર ગયો અને તે વાત સાગરને કહી. તે સાંભળી સાગર મૌન રહ્યો એટલે ‘જેનો નિષેધ ન કરે તે સંમત છે.’ એવા ન્યાયથી તેના પિતાએ સાગરને ઘરજમાઈપણે રહેવા દેવાનું કબૂલ કર્યું. અનુક્રમે સાગરને તે કુમારી સાથે પરણાવ્યો. રાત્રે તેની સાથે તે વાસગૃહમાં જઈ શય્યામાં સૂતો. તે વખતે પૂર્વકર્મના યોગે તે સુકુમારિકાના સ્પર્શથી સાગરનું અંગ અંગારાની જેમ બળવા લાગ્યું, તેથી તે માંડમાંડ ક્ષણવાર સહન કરીને સૂઈ રહ્યો. પણ જ્યારે સુકુમારિકા ઊંઘી ગઈ, ત્યારે તેને છોડી દઈને તે પોતાને ઘેર નાસી ગયો. નિદ્રા પૂર્ણ થતાં પાસે પતિને ન જોવાથી સુકુમારિકા ઘણું રુદન કરવા લાગી. પ્રાત:કાળે સુભદ્રાએ વધૂવરને દંતધાવન કરાવવાને માટે એક દાસીને મોકલી. ત્યાં જતાં દાસીએ સુકુમારિકાને પતિરહિત અને રુદન કરતી જોઈ, એટલે તેણે સુભદ્રા પાસે આવીને તે વાત કહી. સુભદ્રાએ શેઠને જણાવી, એટલે શેઠે જિનદત્ત પાસે જઈને તેને ઉપાલંભ આપ્યો. જિનદત્તે પોતાના પુત્રને એકાંતમાં બોલાવીને કહ્યું, ‘હે વત્સ! તેં સાગરદત્ત શેઠની પુત્રીનો ત્યાગ કર્યો તે ઠીક કર્યું નહીં, માટે હમણાં તે સુકુમારિકા પાસે પાછો જા; કારણ કે મેં સજ્જનોની સમક્ષ તને ત્યાં રાખવાનું કબૂલ કર્યું છે.’ સાગર બોલ્યો: ‘હે પિતા! અગ્નિમાં પેસવાને તૈયાર થવું તે હું સારું ગણું છું, પણ તે સુકુમારિકા પાસે જવા કદી પણ ઇચ્છતો નથી.’ આ બધી વાર્તા દીવાલની પાછળ ગુપ્તગણે ઊભા રહીને સાગરદત્ત શેઠ સાંભળતા હતા, તેથી તે નિરાશ થઈને પોતાને ઘેર આવ્યા અને સુકુમારિકાને કહ્યું: ‘હે પુત્રી! તારી ઉપર સાગર તો વિરક્ત થયો છે, માટે હું તારે માટે બીજો પતિ શોધી આપીશ, તું ખેદ કરીશ નહીં.’ એક વખતે સાગરદત્ત શેઠ પોતાના મહેલના ગોખમાં બેસીને માર્ગ તરફ જોતા હતા, તેવામાં હાથમાં ખપ્પર ધારણ કરનારો, જીર્ણ વસ્ત્રના ખંડને પહેરનારો અને મક્ષિકાથી વીંટાયેલો કોઈ ભિક્ષુક માર્ગે ચાલ્યો જતો તેમના જોવામાં આવ્યો, એટલે સાગરદત્તે તેને બોલાવી ખપ્પર વગેરે છોડાવી સ્નાન કરાવીને જમાડ્યો અને તેનું શરીર ચંદનથી અચિર્ત કરાવ્યું. પછી તેને કહ્યું કે ‘રે ભદ્ર! આ મારી પુત્રી સુકુમારિકા હું તમને આપું છું, માટે ભોજન વગેરેમાં નિશ્ચંતિ થઈને એની સાથે અહીં સુખે રહો.’ આ પ્રમાણે કહેવાથી તે સુકુમારિકાની સાથે વાસગૃહમાં ગયો; પણ તેની સાથે શયન કરતાં તેણીના અંગના સ્પર્શથી જાણે અગ્નિનો સ્પર્શ થયો હોય તેમ તે દાઝવા લાગ્યો, તેથી તત્કાળ ઊઠીને પોતાનો જે વેશ હતો તે પહેરીને તે પલાયન કરી ગયો. સુકુમારિકા પ્રથમની જેમ જ ખેદ પામી. તેની એવી અવસ્થા જોઈ તેના પિતાએ કહ્યું: ‘વત્સ! ખેદ કર નહીં, તારા પૂર્વ પાપકર્મનો ઉદય થયો છે, બીજું કોઈ કારણ નથી; માટે સંતોષ ધારણ કરી મારે ઘેર રહી નિત્ય દાન પુણ્ય કર્યા કર.’ આ વચનથી સુકુમારિકા શાંત થઈ અને ધર્મતત્પર થઈને ત્યાં રહી સતી નિરંતર દાન આપવા લાગી. અન્યદા ગોપાલિકા નામે સાધ્વી તેને ઘેર આવી ચઢ્યા. તેમને સુકુમારિકાએ શુદ્ધ અન્નપાનથી પ્રતિલાભિત કર્યા. પછી તેની પાસેથી ધર્મ સાંભળી પ્રતિબોધ પામીને સુકુમારિકાએ ચારિત્ર ગ્રહણ કર્યું. ચતુર્થ, છઠ્ઠ અને અઠ્ઠમ વિગેરે તપને આચરતી એ સુકુમારિકા સાધ્વી ગોપાલિકા આર્યાની સાથે હંમેશાં વિહાર કરવા લાગી. એક વખતે સુકુમારિકા સાધ્વીએ પોતાની ગુરુણીને કહ્યું: ‘પૂજ્ય આર્યા! આપની આજ્ઞા હોય તો હું સુભૂમિભાગ નામના ઉદ્યાનમાં રવિમંડળની સામે જોતી સતી આતાપના લઉં.’ આર્યા બોલ્યા: ‘પોતાના નિવાસસ્થાનની બહાર રહીને સાધ્વીને આતાપના લેવી કલ્પતી નથી, એમ આગમમાં કહેલું છે.’ ગુરુણીએ આ પ્રમાણે કહ્યાં છતાં તે સાંભળ્યું ન હોય તેમ કરીને સુકુમારિકા સુભૂમિભાગ ઉદ્યાનમાં ગઈ, અને સૂર્ય સામી દૃષ્ટિ સ્થાપન કરીને આતાપના લેવા લાગી. એક વખતે દેવદત્તા નામની એક વેશ્યા ત્યાં ઉદ્યાનમાં આવેલી તેના જોવામાં આવી. તેના એક કામી યારે તેને ઉત્સંગમાં બેસાડેલી હતી, એકે તેના માથા પર છત્રી ધરી હતી, એક તેને વસ્ત્રના છેડા વડે પવન નાખતો હતો, એક તેના કેશને બાંધતો હતો અને એકે તેના ચરણને ધરી રાખ્યા હતા. આ પ્રમાણે જોઈ સુકુમારિકા સાધ્વી કે જેને ભોગની ઇચ્છા પૂર્ણ થઈ નહોતી, તેણે એવું નિયાણું કર્યું કે ‘આ તપસ્યાના પ્રભાવથી હું આ વેશ્યાની જેમ પાંચ પતિવાળી થાઉં.’ ત્યાર પછીથી તે વારંવાર પોતાના શરીરને સાફ રાખવા લાગી. આર્યાઓ તેને તેમ કરતાં વારતી ત્યારે તે ચિત્તમાં વિચારતી કે ‘હું જ્યારે પૂર્વે ગૃહસ્થ હતી ત્યારે, આ આર્યાઓ મારું સારું માન જાળવતી હતી, પણ હવે તેમની સાથે ભિક્ષુકી થઈ એટલે તેઓ મને જેમ તેમ તિરસ્કાર આપે છે, માટે મારે તેમની સાથે રહેવાની શી જરૂર છે?’ આવું ધારી તે જુદા ઉપાશ્રયમાં રહી, અને એકાકી સ્વતંત્રપણે વિચરતી વ્રતને પાળવા લાગી. એ પ્રમાણે ચિરકાળ વ્રત પાળી પ્રાંતે આઠ માસની સંલેખણા કરી, પૂર્વપાપની આલોચના કર્યા વિના તે મૃત્યુ પામી અને નવ પલ્યોપમના આયુષ્યવાળી સૌધર્મકલ્પમાં દેવી થઈ, ત્યાંથી ચ્યવીને તે આ દ્રૌપદી થઈ છે અને પૂર્વ ભવમાં કરેલા નિયાણાથી તેને પાંચ પતિઓ થયા છે, તો તેમાં શું આશ્ચર્ય છે?’ આ પ્રમાણે મુનિએ કહ્યું હતું તે વખતે આકાશમાં ‘સાધુ, સાધુ,’ એવી વાણી થઈ. એટલે એને પાંચ પતિ યુક્ત છે એમ કૃષ્ણ વિગેરે કહેવા લાગ્યા. પછી સ્વયંવરમાં આવેલા રાજાઓએ અને સ્વજનોએ કરેલા મોટા ઉત્સવ સાથે પાંડવો દ્રૌપદીને પરણ્યા. પાંડુ રાજા દશ દશાર્હને, કૃષ્ણને અને બીજા રાજાઓને જાણે વિવાહને માટે બોલાવ્યા હોય તેમ માનપૂર્વક પોતાને નગરે લઈ ગયા. ત્યાં તેમને ચિરકાળ રાખી, સારી પેઠે ભક્તિ કરીને જ્યારે દશાર્હે અને રામ કૃષ્ણે રજા માગી ત્યારે તેમને તેમ જ બીજા રાજાઓને વિદાય કર્યા. પાંડુરાજા યુધિષ્ઠિરને રાજ્ય સોંપી મૃત્યુ પામ્યા અને માદ્રી પણ પોતાના બે પુત્ર કુંતીને સોંપીને પાંડુરાજાની પછવાડે મરણ પામી. જ્યારે પાંડુરાજા અસ્ત પામ્યા ત્યારે મત્સરવાળા ધૃતરાષ્ટ્રના પુત્રો પાંડવોને માનવા ન લાગ્યા અને તેઓ દુષ્ટ આશયથી રાજ્ય લેવાને ઉદ્યુક્ત થયા. દુર્યોધને વિનય વગેરેથી સર્વ વૃદ્ધોને સંતુષ્ટ કર્યા અને પાંડવોને દ્યૂતમાં જીતી લીધા. યુધિષ્ઠિરે લોભથી દ્યૂતમાં રાજ્યની અને છેવટે દ્રૌપદીની પણ હોડ કરી, તે પણ દુર્યોધને જીતીને પોતાને સ્વાધીન કર્યું. પછી ક્રોધથી રાતાં થયેલાં નેત્રોવાળા ભીમથી પામીને દુર્યોધને દ્રૌપદી તેમને પાછી સોંપી. પછી ધૃતરાષ્ટ્રના પુત્રોએ અપમાન કરીને પાંડવોને પોતાના દેશમાંથી કાઢી મૂક્યા, એટલે તેઓએ વનવાસ સ્વીકાર્યો. લાંબા કાળ સુધી વને વન ભટકતાં તે પાંચે પાંડવોને છેવટે દશાર્હની અનુજ બેન કુંતી દ્વારકામાં લઈ ગઈ. દિવ્ય અસ્ત્રોથી યુદ્ધ કરનારા અને વિદ્યા તથા ભુજબળથી ઉગ્ર એવા તેઓ પ્રથમ સમુદ્રવિજય રાજાને ઘેર આવ્યા. રાજા સમુદ્રવિજયે અને અક્ષોભ્ય વિગેરે તેમના ભાઈઓએ પોતાની બહેનનો અને ભાણેજોનો સ્નેહપૂર્વક સારી રીતે સત્કાર કર્યો. દશાર્હ બોલ્યા, ‘હે બહેન! તે તમારા ભાગીદારો-કૌરવો પાસેથી ભાગ્યયોગે સંતાન સહિત તું જીવતી આવી તે જ સારું થયું.’ કુંતી બોલી કે: ‘જ્યારે મેં સાંભળ્યું કે તમે પુત્રાદિક પરિવાર સહિત જીવતા છો ત્યારે જ હું સંતાન સહિત જીવતી રહી છું. વળી રામકૃષ્ણનું લોકોત્તર ચરિત્ર સાંભળી હર્ષ પામેલી તેમને જોવાને ઉત્સુક થઈને હું અહીં આવી છું.’ પછી ભાઈઓએ કહ્યું એટલે કુંતી પુત્ર સહિત સભામાં આવી. તેને જોઈ રામ કૃષ્ણ ઊભા થયા અને ભક્તિથી તેમને નમસ્કાર કર્યા. પછી રામ, કૃષ્ણ અને પાંડવો ક્રમ પ્રમાણે પરસ્પર નમસ્કાર અને આલિંગન કરી યથાયોગ્ય સ્થાને બેઠા. કૃષ્ણ બોલ્યા: ‘તમે અહીં તમારે જ ઘેર આવ્યા તે બહુ સારું કર્યું કારણ કે તમારી અને યાદવોની લક્ષ્મી પરસ્પરને સાધારણ છે.’ એટલે યુધિષ્ઠિર બોલ્યા: ‘હે કૃષ્ણ! જેઓ તમને માને છે તેઓને લક્ષ્મી સદા દાસીરૂપ છે, તો જેઓને તમે માનો તેઓની તો વાત જ શી કરવી? અમારા માતૃકુળ(મોસાળ)ને જ્યારથી તમે અલંકૃત કરો છો ત્યારથી અમે યદુકુળને અને અમને સર્વથી વિશેષ પરાક્રમી માનીએ છીએ.’ એવી રીતે વિવિધ વાર્તાલાપ થયા પછી કુંતી અને તેના પુત્રોનો સત્કાર કરીને કૃષ્ણે તેમને જુદા જુદા મહેલમાં નિવાસ કરાવ્યો. દશાર્હોએ લક્ષ્મીવતી, વેગવતી, સુભદ્રા, વિજયા અને રતિ નામની પોતાની પાંચ કન્યાઓ અનુક્રમે પાંચે પાંડવોને આપી. યાદવોએ અને રામ કૃષ્ણે પૂજેલા તેઓ ત્યાં સુખે રહેવા લાગ્યા. અહીં સંવર વિદ્યાધરને ઘેર પ્રદ્યુમ્ન મોટો થયો. પછી તેણે બધી કળાઓ પ્રાપ્ત કરી. તેને યૌવનવયમાં આવેલો જોઈ સંવર વિદ્યાધરની સ્ત્રી કનકમાળા કામાતુર થઈ. તેણી ચિંતવવા લાગી કે ‘આના જેવો સુંદર પુરુષ કોઈ ખેચરોમાં નથી. દેવ પણ આવો હોય એમ હું માનતી નથી તો મનુષ્યની શી વાત? જેમ પોતે ઉછેરેલા આ પ્રદ્યુમ્નના યૌવનનું ભોગરૂપ ફળ મારે સ્વયમેવ જ ભોગવવું; નહીં તો મારો જન્મ વૃથા છે.’ આવો વિચાર કરી એક વખતે તેણે મધુર વાણીથી પ્રદ્યુમ્નને કહ્યું: ‘અહીં ઉત્તરશ્રેણીમાં નલપુર નામે નગર છે. તેમાં ગૌરી વંશનો નિષધ નામે રાજા છે, તે રાજસિંહની હું પુત્રી છું અને તેને નૈષધી નામે એક પુત્ર છે. મારા પિતાએ મને ગૌરી વિદ્યા આપી છે અને સંવર વિદ્યાધર પ્રજ્ઞપ્તિ વિદ્યા મને આપીને પરણ્યો છે. મારામાં અનુરક્ત થયેલો સંવર બીજી કોઈ યુવતીને ઇચ્છતો નથી. હું કે જેણે પૂર્વોક્ત બંને વિદ્યા સિદ્ધ કરી છે તેના બળથી સંવરને આ જગત્ તૃણ સમાન છે. આવી હું તારા પર અનુરાગી થઈ છું, માટે મને સ્વીકાર. અજ્ઞાનથી પણ મારા પ્રેમનો ભંગ કરીશ નહીં.’ એટલે પ્રદ્યુમ્ન બોલ્યો, ‘અરે, પાપ શાંત થાઓ! આ તમે શું બોલો છો? તમે માતા છો અને હું પુત્ર છું, માટે આ આપણા બંનેના નરકપાતની વાત છોડી દો.’ ત્યારે કનકમાળા બોલી: ‘તું મારો પુત્ર નથી. તને કોઈએ માર્ગમાં ત્યજી દીધેલો તે અગ્નિજ્વાળપુરથી આવતાં સંવર વિદ્યાધર અહીં લાવેલ છે. તેણે મને ઉછેરવાને માટે આપ્યો હતો, માટે તું બીજા કોઈનો પુત્ર છે, તેથી નિ:શંકપણે તારી ઇચ્છા પ્રમાણે મારી સાથે ભોગ ભોગવ.’ આવાં વચન સાંભળીને પ્રદ્યુમ્ને વિચાર્યું કે ‘હું આ સ્ત્રીના પાશમાં ફસી પડ્યો છું, માટે મારે શું કરવું?’ પછી તે વિચાર કરીને બોલ્યો: ‘રે ભદ્રે! જો હું એવું કામ કરું તો પછી સંવર અને તેના પુત્રો પાસેથી શી રીતે જીવવા પામું?’ કનકમાળા બોલી: ‘સુભગ! તેનો ભય રાખીશ નહીં. મારી પાસે જે ગૌરી ને પ્રજ્ઞપ્તિ નામની બે વિદ્યા છે તે તું ગ્રહણ કર અને જગતમાં અજેય થા.’ પછી ‘કદી પણ મારે આ અકૃત્ય કરવું નથી.’ એવો અંત:કરણમાં નિશ્ચય કરીને પ્રદ્યુમ્ન બોલ્યો કે ‘પ્રથમ મને તે બે વિદ્યા આપો, પછી હું તમારું વચન સ્વીકારીશ. ’ કામાતુર થયેલી કનકમાળાએ ગૌરી અને પ્રજ્ઞપ્તિ નામની બે વિદ્યા તત્કાળ તેને આપી, એટલે પ્રદ્યુમ્ને પુણ્યોદયના પ્રભાવથી તેને સત્વર સાધી લીધી. પછી તેણીએ ફરી વાર ક્રીડા કરવાની પ્રાર્થના કરી એટલે પ્રદ્યુમ્ન બોલ્યો: ‘હે અનઘે! તમે મને ઉછેરવાથી પ્રથમ તો માતા જ માત્ર થયાં હતાં, પણ હવે વિદ્યાદાન કરવાથી તો ગુરુ થયાં છો, માટે હવે એ પાપકર્મ સંબંધી મને કાંઈ પણ કહેશો નહિ.’ આ પ્રમાણે તેને કહી ઘર છોડીને પ્રદ્યુમ્ન નગરની બહાર ચાલ્યો ગયો અને ત્યાં કાલાંબુકા નામની વાપિકાને કાંઠે જઈને દુઃખી હૃદયે વિચાર કરતો બેઠો. અહીં કનકમાળાએ પોતાના શરીર પર નખના ઉઝરડા કરીને પોકાર કર્યો, એટલે ‘આ શું?’ એમ પૂછતા તેના પુત્રો દોડી આવ્યા. ત્યારે તે બોલી કે ‘તમારા પિતાએ જે પેલા પ્રદ્યુમ્નને પુત્ર તરીકે માનેલો છે તે દુષ્ટ યુવાને માર્જાર જેમ પિંડ આપનારને વિદારે તેમ મને વિદારણ કરી નાખી છે.’ આ હકીકત સાંભળીને તત્કાળ તેઓ સર્વ ક્રોધ કરી કાલાંબુકાને તીરે ગયા અને ‘અરે પાપી! અરે પાપી!’ એમ બોલતા પ્રદ્યુમ્નને પ્રહાર કરવા લાગ્યા એટલે તત્કાળ વિદ્યાના પ્રભાવથી પ્રબળ થયેલા પ્રદ્યુમ્ને લીલામાત્રમાં સિંહ જેમ સાબરને મારે તેમ તે સંવરના પુત્રોને મારી નાખ્યા. પુત્રનો વધ સાંભળી સંવર પણ ક્રોધ કરીને પ્રદ્યુમ્નને મારવા આવ્યો; પરંતુ વિદ્યાથી ઉત્પન્ન કરેલી માયા વડે પ્રદ્યુમ્ને સંવરને જીતી લીધો. પછી પ્રદ્યુમ્ને પશ્ચાત્તાપપૂર્વક મૂળથી માંડીને કનકમાળાનો બધો વૃત્તાંત સંવરને કહ્યો. તે સાંભળી પશ્ચાત્તાપ કરતાં સંવરે પ્રદ્યુમ્નની ઊલટી પૂજા કરી. તેવામાં ત્યાં નારદ મુનિ પ્રદ્યુમ્નની પાસે આવ્યા. પ્રજ્ઞપ્તિ વિદ્યાથી ઓળખેલા નારદની પ્રદ્યુમ્ને પૂજા કરી અને તેમને કનકમાળાની હકીકત જણાવી, એટલે નારદ સીમંધર પ્રભુએ કહેલું પ્રદ્યુમ્ન અને રુક્મિણીનું સર્વ વૃત્તાંત પ્રથમથી જણાવીને આ પ્રમાણે બોલ્યા કે ‘હે પ્રદ્યુમ્ન! જેનો પુત્ર પ્રથમ પરણે તેણીને બીજીએ પોતાના કેશ આપવા.’ આવું પણ (પ્રતિજ્ઞા) તમારી સાપત્ન માતા સત્યભામા સાથે તમારી માતા રુક્મિણીએ કરેલ છે. તે સત્યભામાનો પુત્ર ભાનુક હાલમાં જ પરણવાનો છે તેથી જો તે પહેલો પરણશે તો તમારી માતાને પણમાં હારી જઈ પોતાના કેશ આપવા પડશે, ત્યારે કેશદાનની હાનિથી અને તમારા વિયોગની પીડાથી તમારા જેવો પુત્ર છતાં રુક્મિણી મૃત્યુ પામશે.’ આ પ્રમાણેની ખબર સાંભળી પ્રદ્યુમ્ન નારદની સાથે પ્રજ્ઞપ્તિ વિદ્યાએ નિર્માણ કરેલા વિમાનમાં બેસીને તત્કાળ દ્વારકાપુરી પાસે આવ્યો. તે વખતે નારદે કહ્યું;‘ હે વત્સ! આ તારા પિતાની દ્વારકાપુરી આવી, જેને કુબેરે રત્નોથી નિર્મીને પછી ધન વડે પૂરી દીધી છે.’ પ્રદ્યુમ્ન બોલ્યો, ‘મુનિવર્ય! તમે ક્ષણવાર આ વિમાનમાં અહીં જ રહો, હું નગરીમાં જઈ કાંઈક ચમત્કાર કરું.’ નારદે તે સ્વીકાર્યું. પછી પ્રદ્યુમ્ન આગળ ચાલ્યો. ત્યાં તો તેણે સત્યભામાના પુત્રના વિવાહની જાન આવતી જોઈ. એટલે પ્રદ્યુમ્ને તેમાંથી કન્યાને હરી લીધી અને જ્યાં નારદ હતા ત્યાં મૂકી. નારદે કન્યાને કહ્યું, ‘વત્સે! ભય પામીશ નહીં. આ પણ કૃષ્ણનો જ પુત્ર છે.’ પછી પ્રદ્યુમ્ન એક વાનરને લઈને વનમાં ગયો અને વનપાળકોને કહ્યું કે: ‘આ મારો વાનર ક્ષુધાતુર છે, માટે તેને ફળાદિક આપો.’ વનપાળકો બોલ્યા: ‘આ ઉદ્યાન ભાનુકુમારના વિવાહને માટે રાખેલું છે, માટે તારે કાંઈ પણ બોલવું કે માગવું નહીં.’ પછી પ્રદ્યુમ્ન ઘણા દ્રવ્યથી તેમને લોભાવીને તે ઉદ્યાનમાં પેઠો અને પોતાના માયાવી વાનર પાસે બધું ઉદ્યાન ફળાદિક રહિત કરાવી નાખ્યું. પછી એક જાતિવંત અશ્વ લઈ વણિક બનીને તૃણ વેચનારની દુકાને ગયો અને પોતાના અશ્વને માટે તે દુકાનદાર પાસે ઘાસ માગ્યું. તેઓએ પણ વિવાહકાર્યનું કારણ બતાવીને આપવાની ના પાડી, એટલે તેમને દ્રવ્યથી લોભાવી વિદ્યાબળ વડે સર્વ તૃણ વગરનું કરી દીધું. તેવી જ રીતે સ્વાદિષ્ટ જળવાળાં જે સ્થાનો હતાં તે બધાં જળ રહિત કરી દીધાં. પછી પોતે જળક્રીડા કરવાને સ્થાનકે જઈ અશ્વને ખેલાવવા લાગ્યો. તે અશ્વ ભાનુએ જોયો. એટલે તેની પાસે જઈ પૂછ્યું કે ‘આ અશ્વ કોનો છે?’ પ્રદ્યુમ્ને કહ્યું, ‘આ મારો અશ્વ છે.’ ભાનુએ આદરથી કહ્યું: ‘આ અશ્વ મને આપશો? જે તમે માગશો તે મૂલ્ય હું આપીશ.’ પ્રદ્યુમ્ને કહ્યું કે ‘પરીક્ષા કરીને લ્યો, નહિ તો હું રાજાના અપરાધમાં આવું.’ ભાનુએ તે વાત કબૂલ કરી અને પરીક્ષા કરવા માટે તે અશ્વ ઉપર પોતે બેઠો. પછી અશ્વની ચાલ જોવાને માટે તેને ચલાવતાં જ અશ્વે ભાનુને પૃથ્વી પર પાડી નાખ્યો. પછી નગરજનોએ જેનું હાસ્ય કરેલું છે એવો પ્રદ્યુમ્ન મેંઢા ઉપર બેસી કૃષ્ણની સભામાં આવ્યો અને સર્વ સભાસદોને હસાવવા લાગ્યો. વળી ક્ષણવારે બ્રાહ્મણ થઈ મધુર સ્વરે વેદ ભણતો દ્વારિકાના ચૌટામાં અને શેરીએ શેરીએ ભમવા લાગ્યો. માર્ગમાં સત્યભામાની એક કુબ્જા દાસી મળી, એટલે તેને બરૂની લતાની જેમ વિદ્યાથી સરળ અંગવાળી કરી દીધી. તે દાસી પ્રદ્યુમ્નના પગમાં પડીને બોલી કે: ‘તમે ક્યાં જાઓ છો?’ એટલે પ્રદ્યુમ્ન બોલ્યો: ‘જ્યાં ઇચ્છા પ્રમાણે ભોજન મળે ત્યાં જાઉં છું.’ દાસી બોલી ‘ચાલો સત્યભામા દેવીને ઘેર, પુત્રના વિવાહને માટે તૈયાર કરેલા મોદક વિગેરે તમને યથારુચિ આપીશ.’ પછી પ્રદ્યુમ્ન કુબ્જાની સાથે સત્યભામાને ઘેર આવ્યો. તોરણદ્વાર (મૂળદ્વાર) પાસે તેને ઊભો રાખી કુબ્જા સત્યભામાની પાસે ગઈ, એટલે સત્યભામાએ પૂછ્યું કે: ‘તું કોણ છે?’ દાસી બોલી ‘હું કુબ્જા છું.’ સત્યભામાએ કહ્યું કે ‘તને આવી સરળ કોણે કરી?’ એટલે દાસીએ તે બ્રાહ્મણનો બધો વૃત્તાંત કહ્યો. સત્યભામાએ પૂછ્યું કે તે ‘તે બ્રાહ્મણ ક્યાં છે?’ દાસી બોલી કે ‘હું તેને તોરણદ્વાર પાસે ઊભો રાખી તમારી પાસે આવી છું.’ એટલે ‘તે મહાત્માને અહીં લાવ.’ એમ સત્યભામાએ આજ્ઞા આપી, તેથી દાસી વેગથી દોડી જઈને તે કપટી બ્રાહ્મણને તેડી લાવી. તે આશિષ આપીને સત્યભામા પાસે બેઠો, એટલે સત્યભામાએ કહ્યું ‘હે બ્રહ્મન્! મને રુક્મિણીથી અધિક રૂપવાળી કરો.’ કપટી વિપ્રે કહ્યું: ‘તમે તો બહુ સ્વરૂપવાન દેખાઓ છો, તમારા જેવું કોઈ બીજી સ્ત્રીનું રૂપ મેં ક્યાંય પણ જોયું નથી.’ સત્યભામા બોલી: ‘ હે ભદ્ર! તમે કહો છો તે સત્ય છે, તથાપિ મને રૂપમાં વિશેષ અનુપમ કરો.’ બ્રાહ્મણે કહ્યું: ‘જો સર્વથી રૂપમાં અધિક થવું હોય તો પ્રથમ વિરૂપા થઈ જાઓ, કારણ કે મૂળથી વિરૂપતા હોય તો વિશેષ રૂપ થાય છે.’ સત્યભામાએ પૂછ્યું, ‘ત્યારે પ્રથમ હું શું કરું?’ બ્રાહ્મણ બોલ્યો, ‘પ્રથમ મસ્તક મુંડાવો અને પછી મશીવડે બધા દેહ ઉપર વિલેપન કરી સાંધેલાં જીર્ણ વસ્ત્ર પહેરી મારી આગળ આવો; એટલે હું તમારામાં લાવણ્ય અને સૌભાગ્યની શોભાનું આરોપણ કરીશ.’ વિશેષ રૂપને ઇચ્છનારી સત્યભામાએ તરત જ તે પ્રમાણે કર્યું, એટલે કપટી બ્રાહ્મણ બોલ્યો: ‘હું બહુ ક્ષુધાતુર છું, માટે અસ્વસ્થપણે હું શું કરી શકું?’ સત્યભામાએ તેને ભોજન આપવા માટે રસૌયાને આજ્ઞા કરી, એટલે બ્રાહ્મણે સત્યભામાના કાનમાં આ પ્રમાણે ઉપદેશ કર્યો કે ‘હે અનઘે! જ્યાં સુધી હું ભોજન કરું ત્યાં સુધી કુળદેવીની આગળ બેસીને તમારે ‘રૂડુ બુડુ, રૂડુ બુડુ.’ એવો મંત્ર જપવો.’ સત્યભામા તરત જ કુળદેવી પાસે જઈ જાપ કરવા લાગી. અહીં પ્રદ્યુમ્ને વિદ્યાશકિત વડે બધી રસોઈ સમાપ્ત કરી દીધી. પછી હાથમાં જળકળશ લઈ રસોઈ કરનારી સ્ત્રીઓ સત્યભામાથી બીતી બીતી બ્રાહ્મણ પ્રત્યે બોલી કે ‘હવે તો ઊઠો તો ઠીક.’ ‘એટલે હજુ સુધી હું તૃપ્ત થયો નથી, માટે જ્યાં તૃપ્તિ થશે ત્યાં જઈશ.’ એમ બોલતો તે કપટી વિપ્ર ત્યાંથી ચાલ્યો ગયો. પછી તે બાળસાધુનું રૂપ લઈને રુક્મિણીને ઘેર ગયો. રુક્મિણીએ નેત્રને આનંદરૂપ ચંદ્ર જેવા તેને દૂરથી જોયો. તેને માટે આસન લેવા રુક્મિણી ઘરમાં ગઈ, એટલે ત્યાં પ્રથમથી મૂકી રાખેલા કૃષ્ણના સંહાિસન ઉપર તે બેસી ગયો. જ્યારે રુક્મિણી આસન લઈ બહાર નીકળી ત્યારે કૃષ્ણના સંહાિસન પર તેને બેઠેલો જોઈ તે વિસ્મયથી નેત્ર વિકાસ કરતી બોલી: ‘કૃષ્ણ કે કૃષ્ણના પુત્ર વિના આ સિંહાસન ઉપર બેઠેલા કોઈ પુરુષને દેવતાઓ સહન કરી શકતા નથી.’ તે કપટી સાધુએ કહ્યું કે ‘મારા તપના પ્રભાવથી કોઈ દેવતાનું પરાક્રમ મારી ઉપર ચાલતું નથી.’ પછી રુક્મિણીએ પૂછ્યું કે ‘તમે શા કારણે અહીં પધાર્યા છો?’ એટલે તે બોલ્યો: ‘મેં સોળ વર્ષ સુધી નિરાહાર તપ કરેલું છે, વળી મેં જન્મથી જ માતાના સ્તનનું પાન કર્કહ્યું નથી, હવે હું અહીં તેના પારણાને માટે આવ્યો છું, તેથી જે યોગ્ય લાગે તે મને આપો.’ રૂક્મિણી બોલી: ‘હે મુનિ! મેં ચતુર્થ તપથી આરંભી વર્ષ સુધીનું તપ સાંભળ્યું છે; પણ કોઈ ઠેકાણે સોળ વર્ષનું તપ સાંભળ્યું નથી.’ તે બાળમુનિ બોલ્યો, ‘તમારે તેનું શું કામ છે? જો કાંઈ હોય અને તે મને આપવાની ઇચ્છા હોય, તો આપો, નહીં તો હું સત્યભામાને મંદિરે જઈશ.’ રુક્મિણી બોલી ‘મેં ઉદ્વેગને લીધે આજે કાંઈ રાંધેલું નથી.’ બાળમુનિએ પૂછ્યું, ‘તમારે ઉદ્વેગ થવાનું શું કારણ છે?’ રુક્મિણીએ કહ્યું, ‘મારે પુત્રનો વિયોગ થયો છે, તેના મેળાપની આશાએ મેં આજ સુધી કુળદેવીનું આરાધન કર્યું, આજે છેવટે કુળદેવીને મસ્તકનું બલિદાન આપવાની ઇચ્છાથી મેં મારી ગ્રીવા ઉપર પ્રહાર કર્યો, એટલે દેવીએ કહ્યું, ‘પુત્રી! સાહસ કર નહીં. આ તારા આંગણામાં રહેલું આમ્રવૃક્ષ જ્યારે અકાળે ખીલી નીકળશે ત્યારે તારો પુત્ર આવશે.’ આજે આ આમ્રવૃક્ષ તો વિકસિત થયું, પણ મારો પુત્ર હજુ આવ્યો નહીં, માટે હે મુનિરાય! તમે હોરા જુઓ, મારે પુત્રનો સમાગમ ક્યારે થશે?’ મુનિ બોલ્યો: ‘જે ખાલી હાથે પૂછે તેને હોરાનું ફળ મળતું નથી.’ રુક્મિણી બોલી: ‘કહો ત્યારે તમને શું આપું?’ મુનિ બોલ્યા: ‘તપથી મારું ઉદર દુર્બળ થઈ ગયું છે, તેથી મને ક્ષીરભોજન આપો.’ પછી રુક્મિણી પ્રથમ તૈયાર કરેલા મોદકની ખીર કરવા લાગી, પણ તે મુનિના વિદ્યાપ્રભાવથી અગ્નિ પ્રજ્વલિત થયો નહીં. જ્યારે રુક્મિણીને અતિ ખેદ પામેલી જોઈ ત્યારે તે મુનિએ કહ્યું: ‘જો ખીર રંધાય તેવું ન હોય તો એ મોદકથી જ મારી ક્ષુધાને શાંત કરો.’ રુક્મિણી બોલી‘ભગવન્! આ મોદક કૃષ્ણ વગર બીજા કોઈને જરી શકે તેવા નથી, માટે તે તમને આપીને હું ઋષિહત્યા નહીં કરું.’ મુનિ બોલ્યો, ‘તપસ્યાના પ્રભાવથી મારે કાંઈ પણ દુર્જર (ન જરે તેવું) નથી.’ પછી રુક્મિણી શંકિત ચિત્તે તેને એકેક મોદક આપવા લાગી. જેમ જેમ તે આપવા લાગી તેમ મુનિ ઉતાવળો ઉતાવળો ખાતો ગયો, એટલે તે વિસ્મય પામીને બોલી, ‘મહર્ષિ! તમે તો ઘણા બળવાન લાગો છો.’ આ બાજુ સત્યભામા ‘રૂડુ બુડુ’ મંત્રને જપતી હતી ત્યાં બાગવાન પુરુષોએ આવીને કહ્યું,‘ સ્વામિની! કોઈ પુરુષે આપણા ઉદ્યાનને ફળ વગરનું કરી દીધું છે.’ કોઈએ આવીને જણાવ્યું કે ‘ઘાસની દુકાનોમાંથી ઘાસને ખુટાડી દીધું છે.’ કોઈએ આવીને જાહેર કર્યું કે ‘બધાં ઉત્તમ જળાશયો નિર્જળ કર્યાં છે.’ અને કોઈએ આવીને કહ્યું કે ‘ભાનુકુમારને અશ્વ ઉપરથી કોઈએ પાડી નાખ્યો છે.’ તે સાંભળી સત્યભામાએ દાસીને કહ્યું કે ‘અરે! તે બ્રાહ્મણ ક્યાં છે?’ એટલે દાસીઓએ તેની જે બીના બની હતી તે યથાર્થ કહી બતાવી. પછી ખેદ પામ્યા છતાં અમર્શ ધરતી સત્યભામાએ કેશ લાવવાને માટે હાથમાં પાત્ર આપીને દાસીઓને રુક્મિણી પાસે મોકલી. તેઓએ આવીને રુક્મિણીને કહ્યું, ‘હે માનિની! તમારા કેશ અમને શીઘ્ર આપો; અમારી સ્વામિની સત્યભામા તેમ કરવાને આજ્ઞા કરે છે.’ તે સાંભળી પેલા કપટી સાધુએ તે દાસીઓના જ તથા સત્યભામાના પૂર્વે મૂંડેલા કેશ વડે તે પાત્ર ભરી આપી તેમને સત્યભામા પાસે મોકલી. સત્યભામાએ તે દાસીઓને કેશ વિનાની જોઈને પૂછ્યું કે ‘આ શું?’ એટલે દાસીઓ બોલી કે ‘શું તમે નથી જાણતાં કે જેવાં સ્વામિની હોય તેવો જ પરિવાર હોય છે.’ પછી ભ્રમિત થયેલી સત્યભામાએ કેટલાએક નાપિત લોકોને રુક્મિણીને ઘેર મોકલ્યા, એટલે તે સાધુએ તેઓને શિર પરની ત્વચા પણ છેદાય તેમ વિદ્યા વડે મુંડીને કાઢી મૂક્યા. તે નાપિતોને મુંડેલા જોઈ સત્યભામાએ ક્રોધથી કૃષ્ણની પાસે આવીને કહ્યું ‘સ્વામિન્! તમે રુક્મિણીના કેશ અપાવવાના જામીન થયા છો, માટે તે પ્રમાણે મને આજ તેના કેશ અપાવો અને એ કાર્ય માટે તમે પોતે જઈને રુક્મિણીના મસ્તકને મુંડિત કરાવો.’ એટલે હરિ હસતાં હસતાં બોલ્યા, ‘તમે જ મુંડિત તો થયા છો.’ સત્યભામા બોલી, ‘હમણાં મશ્કરી કરવી છોડી દો અને તેના કેશ મને આજે જ અપાવો.’ પછી કૃષ્ણે તે કાર્ય માટે બળભદ્રને સત્યભામા સાથે રુક્મિણીને ઘેર મોકલ્યા. ત્યાં પ્રદ્યુમ્ને વિદ્યાથી કૃષ્ણનું રૂપ વિકુર્વ્યું એટલે તેમને ત્યાં જોઈ રામ લજ્જા પામી પાછા વળ્યા. પૂર્વ સ્થાનકે આવતાં ત્યાં પણ કૃષ્ણને જોઈને તે બોલ્યા કે ‘તમે મારું ઉપહાસ્ય કેમ કરો છો? તમે મને કેશને માટે ત્યાં મોકલી પાછા તમે પોતે જ ત્યાં આવ્યા, અને પાછા અહીં આવતા રહ્યા. જેથી તમે સત્યભામાને અને મને બન્નેને સમકાળે શરમાવી દીધાં.’ કૃષ્ણે સોગન ખાઈને ક્હ્યું કે ‘હું ત્યાં આવ્યો નહોતો.’ એમ કહ્યા છતાં પણ ‘આ બધી તમારી જ માયા છે.’ એમ બોલતી સત્યભામા રીસ ચડાવીને પોતાના મહેલમાં ચાલી ગઈ. પછી તેને મનાવવા માટે હરિ તેને ઘેર ગયા. અહીં નારદે રુક્મિણીની પાસે આવીને કહ્યું કે ‘આ તમારો પુત્ર પ્રદ્યુમ્ન છે.’ એટલે તત્કાળ માતાના ચિરકાળના વિયોગદુઃખરૂપ અંધકારને ટાળવામાં સૂર્યસમાન પ્રદ્યુમ્ન પોતાનું દેવ જેવું રૂપ પ્રગટ કરી માતાના ચરણમાં પડ્યો. રુક્મિણીના સ્તનમાંથી દૂધની ધારા ચાલી. તત્કાળ તેણે પુત્રને આલિંગન કર્યું અને નેત્રમાં અશ્રુ લાવી તે વારંવાર પુત્રના મસ્તક પર ચુંબન કરવા લાગી. પછી પ્રદ્યુમ્ને કહ્યું, ‘માતા! હું મારા પિતાને કાંઈક આશ્ચર્ય બતાવું ત્યાં સુધી તમે મને ઓળખાવશો નહીં.’ હર્ષમાં વ્યગ્ર થયેલી રુક્મિણીએ કાંઈ પણ પ્રત્યુત્તર આપ્યો નહીં. પછી પ્રદ્યુમ્ન રુક્મિણીને એક માયારથમાં બેસાડીને ચાલ્યો અને શંખ ફૂંકીને જણાવ્યું કે ‘હું આ રુક્મિણીનું હરણ કરું છું. જો કૃષ્ણ બળવાન્ હોય તો તેની રક્ષા કરે.’ તે સાંભળી ‘આ કોણ દુર્બુદ્ધિ મરવાને ઇચ્છે છે?’ એમ બોલતા કૃષ્ણ હાથમાં ધનુષ્ય લઈ સૈન્ય સહિત તેની પાછળ દોડ્યા. પ્રદ્યુમ્ને વિદ્યાના સામર્થ્યથી તે ધનુષ્ય ભાંગી નાખીને હાથીને દાંત રહિત કરે તેમ તત્કાળ કૃષ્ણને આયુધ વગરના કરી દીધા. તે વખતે જેવામાં હરિ ખેદ પામ્યા તેવામાં તેની જમણી ભુજા ફરકી, એટલે તેમણે તે વાત રામને જણાવી. તે વખતે નારદે આવીને કહ્યું, ‘કૃષ્ણ, આ રુક્મિણી સહિત તમારા જ પુત્ર પ્રદ્યુમ્ન છે, તેથી તેને ગ્રહણ કરો અને યુદ્ધની વાર્તા છોડી દો.’ તત્કાળ પ્રદ્યુમ્ન કૃષ્ણને નમી રામના ચરણમાં પડ્યો. તેઓએ ગાઢ આલિંગન કરી વારંવાર તેના મસ્તક પર ચુંબન કર્યું. જાણે યૌવન સહિત જ જન્મ્યો હોય તેવા અને દેવની લીલાને ધારણ કરતા પ્રદ્યુમ્નને પોતાના ખોળામાં બેસાડીને કૃષ્ણે લોકોના મનને કૌતુક ઉત્પન્ન કરતા સતા રુક્મિણી સાથે ઇન્દ્રની જેમ તે વખતે દ્વાર ઉપર રચેલાં નવીન તોરણોથી ભ્રૂકુટીના વિભ્રમને કરાવતી કરાવતી દ્વારિકામાં પ્રવેશ કર્યો. (પર્વ-૮, સર્ગ-૬)