ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/ભોમિયા વિના

Revision as of 18:24, 18 May 2021 by Atulraval (talk | contribs) (Created page with "=== ભોમિયા વિના === <br> <poem> ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા, જંગલની કુંજ ક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

ભોમિયા વિના


ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,
જંગલની કુંજ કુંજ જોવી હતી;
જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા,
રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી.

સૂના સરવરિયાની સોનેરી પાળે
હંસોની હાર મારે ગણવી હતી;
ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે
અંતરની વેદના વણવી હતી.

એકલા આકાશ તળે ઊભીને એકલો
પડઘા ઉરબોલના ઝીલવા ગયો;
વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,
એકલો અટૂલો ઝાંખો પડ્યો.

આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,
જંગલની કુંજ કુંજ જોવી ફરી;
ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,
અંતરની આંખડી લ્હોવી જરી.

ઑગસ્ટ ૧૯૩૨

(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૬૬)