આત્માની માતૃભાષા/5

Revision as of 04:52, 16 December 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અંતરની આરતનું ગીત|}} <poem> સૂરજ ઢૂંઢે ને ઢૂંઢે ચાંદાની આંખડી, :...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


અંતરની આરતનું ગીત

સૂરજ ઢૂંઢે ને ઢૂંઢે ચાંદાની આંખડી,
નવલખ તારાનાં ટોળાં ટળવળે રે જી.
પૃથ્વીપગથારે ઢૂંઢે ભમતા અવધૂત કોઈ
વિશ્વંભર ભરવા નયણે રે હો જી.
— સૂરજ…
મહેરામણ ભૈરવનાદે અલખ પુકારે,
મૂંગા ગિરિઓનાં મસ્તક ઊંચે ઝંખતાં રે જી.
તલખે પંખી ને પ્રાણી, સરવર નદીઓનાં પાણી,
રાતે ડુંગરિયા દવ નો જંપતા રે હો જી.
— સૂરજ….
તરણાની છાયા હેઠે કાયા ઢંકાય તારી,
આભનાં આભૂષણ તોયે ઓછાં પડે રે જી.
બ્રહ્માંડ ભરીને પોઢ્યા, કીકીમાં માશો શેણે?
જોવા તોયે લોચનિયાં ઘેલાં રડે રે હો જી.
— સૂરજ…
ગગન ઘેરીને આજે દર્શન વરસો રે વ્હાલા!
ઉરે ઝૂરે રે મારો પ્રાણબપૈયો રે હો જી.
— સૂરજ…
વીસાપુર જેલ, મે ૧૯૩૨