આત્માની માતૃભાષા/3

Revision as of 15:24, 20 December 2021 by Atulraval (talk | contribs)


માનવસંવેદનાનો તીણો-વેધક સૂર…

હરીશ વટાવવાળા

હું ગુલામ?
સૃષ્ટિબાગનું અમૂલ ફૂલ માનવી ગુલામ?
સ્વતંત્ર પુષ્પ ખીલતાં,
સ્વ-છંદ પંખી ઊડતાં,
હલાવતાં સુડાળ ઝાડ, ના કહેતું કોઈ ના.
સરે સરિત નિર્મળા,
નિરંકુશે ઝરે ઝરા,
વહે સુમંદ નર્તનો, ન હાથ કોઈ દેતું ત્યાં.
સિંધુ ઘૂઘવે કરાળ,
ઊછળે તરંગમાળ,
ગાન કોઈ રોકતું ન, નિત્ય ગીત ગાજતાં.
સ્વતંત્ર પ્રકૃતિ તમામ,
એક માનવી જ કાં ગુલામ?
દેત્રોજ પોલીસથાણું, નવેમ્બર ૧૯૩૦


કવિકુલગુરુ ઉમાશંકર જોશી (૧૯૧૧-૧૯૮૮)નું આ વર્ષ જન્મશતાબ્દી વર્ષ છે. તેઓ અર્વાચીન ગુજરાતી કવિતાના પ્રમુખ કવિ છે. સાહિત્ય, શિક્ષણ અને પત્રકારત્વ તેમને પ્રિય હતાં. ગુજરાતી પદ્ય અને ગદ્યમાં તેમની આગવી મુદ્રા ઊપસે છે. શબ્દને પામવાની ને હૃદય અને મનમાં સારવી-તારવી લેવાની તેમની વૃત્તિ બળવત્તર હતી. કવિ ઉમાશંકર જોશીએ આ કવિતા લખી ત્યારે તેમની ઉંમર ૧૯ વર્ષની હતી અને ૧૯૩૦ના આરંભમાં જ લાહોર કૉંગ્રેસના ઠરાવ મુજબ દેશભરમાં આઝાદીનું આંદોલન પ્રસરી ગયું હતું. ૧૨મી માર્ચ ૧૯૩૦ના દિવસે ગાંધીજીએ ‘દાંડીયાત્રા’ શરૂ કરી. અને અંગ્રેજો સામે પડકાર કરી કહ્યું: “કૂતરાંને મોતે મરીશ, પણ સ્વરાજ લીધા વગર આશ્રમમાં પગ નહીં મૂકું.” ભારતનું વાતાવરણ જ તે સમયે એવું હતું કે, દરેક વ્યક્તિ અંગ્રેજ શાસનથી મુક્તિ મેળવવા ઇચ્છતી હતી. અંગ્રેજોની નીતિ-રીતિ સામે આક્રોશ હતો. તો બીજી તરફ અંગ્રેજો પણ ભારતની દરેક વ્યક્તિ ગુલામ છે, એ દૃષ્ટિથી જ તેની સાથે વર્તતી હતી. આ ગુલામીની બેડીઓ તોડી સ્વરાજને પૂરબહારમાં ખીલવવા પ્રજા તલસી રહી હતી. પ્રજામાં જાગૃતિ અને આત્મબલિદાનનો મોટો જુવાળ આવ્યો હતો. કારાગૃહને ‘સ્વતંત્રતાની દેવી’નું સુવર્ણમંદિર સમજી સેંકડોની સંખ્યામાં દેશભક્તોએ જેલવાસ કર્યો હતો. ઉમાશંકર જોશી તેમાંના એક હતા. તેમને પણ દેત્રોજ પોલીસ થાણાની જેલમાં કેદ કર્યા હતા. તેમણે તે સમયે આ ‘ગુલામ’ કવિતાની રચના કરી હતી. પછી તેમને ‘સાબરમતી જેલ'માં લઈ જવામાં આવ્યા. ત્યાં તેમને ચૌદ દિવસ સુધી જેલમાં રાખવામાં આવ્યા. અહીં તેમને ‘વાંચનયોગ'ની ખરેખરી તક મળી. અહીં તેમણે મરાઠી, બંગાળી અને ઉર્દૂ શીખવાની શરૂઆત કરી. તે સમયે દરેક વ્યક્તિના કંઠમાં એક જ ઉદ્ઘોષ હતો: સહુ ચલો જીતવા જંગ બ્યુગલો વાગે, યા હોમ કરીને પડો ફતેહ છે આગે. — નર્મદ
અંગ્રેજ શાસકોએ ભારતની ગુલામ પ્રજા ઉપર ગમે તેવા વેરાઓ નાખીને તેને પાંગળી બનાવી દીધી હતી. ઉમાશંકર જોશીનો આ આક્રોશ અંગ્રેજ શાસકો સામેનો હતો. તેમની આ કવિતાની શરૂઆત જ ‘હું ગુલામ?'માં જ પ્રશ્નાર્થ છે. અહીં માનવસંવેદનાનો તીણો-વેધક સૂર સ્પષ્ટ સંભળાય છે. તાદૃશતા, કરુણચિત્રો અને નિરૂપણની આગવી શૈલી તેમની કવિતામાં વિશેષ નોંધપાત્ર છે. તો વિષયસંવેદનાની ચટકીલી રજૂઆત અને સંાપ્રતનો જીવંત સ્પર્શ એમનાં કાવ્યોનો વૈભવ છે. સમાજાભિમુખતા એમના સર્જનમાં બહુધા જોવા મળે છે. પ્રસંગોચિત્ત લખાયેલી એમની કેટલીક રચનાઓનું પણ ચિરંજીવ સ્થાન રહ્યું છે. તો હૃદય હૃદય વચ્ચે સંવાદ સાધવાની મનીષા પણ તીવ્ર રહી છે. ‘ગુલામ’ કવિતા એ કવિના હૃદયની વાણી છે. આ સર્જકે જ્યારે આ કવિતા લખી ત્યારે આપણે આગળ જોયું તેમ આઝાદીની ચળવળનો મધ્યાહ્ન તપતો હતો. ‘દાંડીકૂચ'નો નશો ઊતર્યો નહોતો. લોકોમાં ઉત્સાહ અને આક્રોશ મિશ્રભાવે પ્રકટતા હતા. તો ઉમાશંકર જોશી એમાંથી બાકાત કેમ રહી શકે? તેમને ગુલામીની દશા અનેક રીતે કઠવા લાગી. એમણે પણ ચળવળમાં સક્રિય ભાગ લીધો. પોલીસના હાથે પકડાઈ ગયા અને દેત્રોજ પોલીસ થાણામાં લઈ ગયા. પોલીસ થાણામાં રહ્યે રહ્યે પણ એમણે ગુલામી દશાની અનુભૂતિ કરી અને તેમણે ‘ગુલબંકી છંદ'માં ‘ગુલામ’ કાવ્યની રચના કરી. આ કાવ્ય સંદર્ભે ચંદ્રકાન્ત શેઠ કહે છે: “ઉમાશંકર જોશીએ કેવળ પ્રકૃતિનિઝરનો જ નહિ, કવિતાનિઝરનો સૌન્દર્યમંત્ર પણ અંત:શ્રુતિપટ પર ઝીલ્યો હતો. કવિએ શરૂઆતમાં જ ‘હું ગુલામ?’ એવો પ્રશ્ન કર્યો છે. તેમના મનમાં સતત એમ થયા કરે છે કે: ‘હું જ શા માટે ગુલામ?’ આ ‘હું'માંથી કવિ બહાર આવીને સમષ્ટિના દરેક માનવીને આવરી લે છે. અને તેઓ કહે છે: મનુષ્ય તો ‘સૃષ્ટિબાગનું અમૂલ ફૂલ છે.’ એને ગુલામ કઈ રીતે બનાવી શકાય?! તેઓ એના ખુલાસાઓ આપતાં જણાવે છે: ‘અહીં પુષ્પોને ખીલવાની સ્વતંત્રતા છે, પક્ષીઓ મુક્ત રીતે ઉડ્ડયન કરી શકે છે, વૃક્ષો પણ પોતાની ડાળીઓને મુક્ત રીતે ડોલાવી શકે છે, પ્રકૃતિ, પશુ-પક્ષી માટે ક્યાંય ગુલામી નથી. ઝરા, ઝરણ, નદી નૃત્ય કરતાં, નર્તનતાં વહી રહ્યાં છે. મહાસાગર પણ સતત ઘૂઘવ્યા કરે છે. એમને તેમ કરતાં કોઈ રોકતું નથી. આખું પ્રકૃતિ જગત સ્વતંત્ર છે. ના તો તેમને કોઈ રોક છે ન ટોક છે. તેમ છતાં ‘એક માનવી જ કાં ગુલામ?’ એમ પ્રશ્ન પણ કવિ કરે છે. કવિનો આ પ્રશ્ન માત્ર એમનો જ નથી પણ સમગ્ર માનવસૃષ્ટિનો છે. નિયમો, બંધનો, મર્યાદાઓ અને ભેદભાવ વગેરે માત્ર મનુષ્યને જ લાગુ પડે છે. પરંતુ અહીં સ્થિતિ કંઈક અલગ છે. એમણે જે અનુભવ્યું તેનું અહીં આકલન કર્યું છે. આડકતરી રીતે અંગ્રેજોની નીતિ-રીતિને કવિએ ખુલ્લી પાડી છે. તો સાથે સાથે કવિનો આક્રોશ પ્રકટતો પણ જોઈ શકાય છે.

અહીં મને ‘રેફ્યુજી’ ફિલ્મનું એક ગીત યાદ આવે છે, જે કવિ શ્રી જાવેદ અખ્તરે લખ્યું છે:

પંછી નદિયાં પવન કે ઝોંકે,
કોઈ સરહદ ના ઇન્હે રોકે;