આત્માની માતૃભાષા/33

Revision as of 09:42, 21 December 2021 by MeghaBhavsar (talk | contribs)


ઉન્મત્ત પ્રેમ અને ઘેરા વિષાદની બેવડી ભાત

વિનોદ જોશી

ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય કે ચૈતર કોણે દીઠો રે હો
વ્હાલા મોરા જોબન ઝોલાં ખાય કે ઝૂલણો લાગે મીઠો રે હો
ગોરી મોરી હૈયાં ઢળી ઢળી જાય કે ઝૂલશો ક્યાં લગી રે હો
વ્હાલા મોરા ઝૂલણો મેલ્યો ન જાય કે ઝૂલશું જિન્દગી રે હો
ગોરી મોરી ચૈતર ચાલ્યો જાય કે વૈશાખ વહી જશે રે હો
વ્હાલા મોરા આ શો અધીરો થાય કે આજ ઓછી કાલે હશે રે હો
ગોરી વ્હાલે મેલી આંબલિયાની ડાળ કે ચાલ્યા ચાકરી રે હો
લાગી ઊઠી વૈશાખ-જેઠની ઝાળ કે વેળા આકરી રે હો
આવી ત્યાં તો આષાઢી મેઘ સંભળાય, ગોરીનો ભીંજ્યો કંચવો રે હો
વ્હાલા મોરા ફાગણ પાછો લાવ કે ચૈતર ક્યાં મૂક્યો રે હો
આભમાં ફરકે શ્રાવણવીજ, ગોરીની રૂઠી આંખડી રે હો
વ્હાલા મોરા બીજની ન કરજે ત્રીજ, ભીંજાતી મેં અહીં ખડી રે હો
અમદાવાદ, ૧૯૩૮

મિલન અને વિરહની સ્થિતિઓમાં ઘૂંટાતા પ્રેમનું સ્વાભાવિક અને નિરાળું નિરૂપણ અહીં થયું છે. લગભગ નાટ્યની કક્ષાએ પહોંચી જાય તે પ્રકારનો ક્રિયાવેગ અને ભાવભંગિમાઓનો અદ્ભુત સમન્વય અહીં મળે છે. નાયક, નાયિકા અને પ્રવક્તાની ત્રિપુટી આપણને ઉન્મત્ત પ્રેમ અને ઘેરા વિષાદની એમ બેવડી ભાતમાં એક પછી એક મૂકી આપી વિલક્ષણ ભાવશબલતાનો અનુભવ કરાવે છે. વસંતઋતુની માદકતા અને તેના પ્રભાવમાં નાયક-નાયિકાના પ્રેમના ઉછાળાનું આલેખન કરતી અનેક રચનાઓ આપણા સાહિત્યમાં ઉપલબ્ધ છે. પણ અહીં તો એક સાથે ભાવ અને ભાષાની વૈવિધ્યપૂર્ણ તેમજ મોહક મુદ્રાઓથી કંઈક આગવો જ સૌંદર્યલોક અનુભવાય છે. કાવ્યનો પ્રારંભ ‘ગોરી મોરી’ એવા સંબોધનથી થાય છે. કવિ વિશેષણને નામ બનાવી દે છે અને પછી તેના પર પોતાના અધિકારની મહોર મારે છે. પ્રિયતમા ગોરી છે અને પોતાની છે તેવું સાનંદ અનુભવતો કાવ્યનાયક ફાગણનો મતવાલો ખેલૈયો છે. વાસંતી પ્રભાવ એને એટલો તો ઉન્મત્ત બનાવી મૂકે છે કે ચૈતરના આગમનની એ ઐતીતૈસી કરીને જ ચાલે છે. કાલની ચિંતામાં આજનો લ્હાવો જતો કરવાનું એને પરવડતું નથી. અને કાવ્યનાયિકા પણ એવી જ મદીલ છે. પ્રિયતમના પ્રેમના ઝૂલે એ જોબનને ઝુલાવતી ઝૂલી રહી છે. જોબન એને વશ નથી અને ઝૂલવું એને મીઠું લાગી રહ્યું છે. ઝૂલવાની ક્રિયા સાથે પ્રેમના સ્વાદને જોડી દઈ કવિ રમણીય ભાવપ્રદેશને ઉઘાડે છે. ‘વ્હાલા મોરા’ કહીને પોતાના ગળચટ્ટા અનુભવનો એકરાર કરી લેતી નાયિકા વસંતને વશ છે એટલી જ પ્રિયતમને પણ વશ છે. એને માટે તો પ્રિયતમ સ્વયં ઝીલનાર અને ઝુલાવનાર બંને છે. આ ઝૂલો વિશિષ્ટ તો છે જ પરંતુ મનભાવન પણ છે. તેથી તેનાથી છૂટવાનું તો મન થાય જ કેમ? ‘ઝૂલશો ક્યાં લગી રે’ એવા પિયુના પ્રશ્નનો ઉત્તર એટલે તો એ યથાશીઘ્ર આપી દે છે: ‘વ્હાલા મોરા ઝૂલણો મેલ્યો ન જાય કે ઝૂલશું જિંદગી રે હો’. આખાયે આયખાનો હવાલો આપી દઈ નાયિકાએ પ્રેમના ઝૂલે સતત ઝૂલતા રહેવાનો મનસૂબો જાહેર કરી દીધો. ઉત્તરની ઘનતા અને તીવ્રતામાં પ્રેમના છાક અને છાલક બેઉનો પરિચય મળી જાય છે. પણ ‘ચૈતર કોણે દીઠો’ જેવો નાયકનો બેફિકરાઈભર્યો અગાઉનો ઉદ્ગાર હવે ‘ચૈતર ચાલ્યો જાય’ અને વૈશાખ વહી જશે રે’ એવી વાસ્તવિકતા અને આશંકામાં બદલાઈ ગયો. નાયિકા તો હજી ઉન્મત્ત છે. એ તો વાસંતી ઉન્માદમાં જાણે ભાન ભૂલી ગઈ છે. નાયક હાથથી છૂટી જતા ફાગણ-વૈશાખથી સભાન પરંતુ અધીર છે. આ લ્હાવો ચાલ્યો જવાનો એવી ભીતિમાં એને નાયિકા આશ્વસ્ત કરતાં કહે છે: ‘વ્હાલા મોરા આ શો અધીરો થાય કે આજ ઓછી કાલે હશે રે હો.’ ‘આજનો લ્હાવો લીજીએ રે કાલે કોણે દીઠી'ની પુરસ્કર્તા હોય તેવી નાયિકા ‘આજ'ને માણી લેવાની અસ્તિત્વપરક ફિલસૂફી વ્યક્ત કરતી અદા ધારણ કરી લે છે. બેઉનું સંવાદીઝુલણ એકમેકને પ્રેમનો અભિષેક કરે છે અને આવનારી ‘કાલ'ને પડતી મૂકી બેઉને ‘આજ'માં નિમજ્જન કરાવે છે. પણ તે વેળાએ જ અચાનક સંવાદ અટકી પડે છે. ‘ગોરી મોરી’ અને ‘વ્હાલા મોરા'ના ભાવવાહી સંબોધનથી પ્રારંભાતો વિશ્રંભાલાપ સમેટાઈ જાય છે. કોઈ વચ્ચે આવી જઈને માહિતી આપે છે: ‘ગોરી વ્હાલે મેલી આંબલિયાની ડાળ કે ચાલ્યા ચાકરી રે હો.’ આંબલિયાની ડાળ કે જેને પકડી અત્યાર સુધી ઝૂલતા રહેવાયું તેને ‘મેલી’ દેવાની ઘડી જાણે અણધારી આવી ગઈ. પ્રિયતમાનો સંગ છૂટી ગયો. કારણમાં તો એટલું કે ચાકરીએ ગયા વગર છૂટકો નહોતો. નાયિકાને તો જાણે એની સરત જ રહી નહોતી. એ તો કોઈ બીજું આવીને કહી ગયું ત્યારે સફાળી જાગી. પછીનો વખત બહુ આકરો નીકળ્યો. વૈશાખ-જેઠની ઝાળમાં એ જાણે શેકાતી રહી. પિયુવિરહના ઉત્તાપને સહેતી એ વિયોગિની સ્મૃતિમંજૂષામાં સંગોપેલી ફાગણ-ચૈતરની રમ્ય પળોને સંભારતી એકાકી બેઠી હશે ત્યાં જ આષાઢી મેઘ ગોરંભાયાનો અણસાર મળ્યો. વસંતની રમણા વર્ષામાં તો વધુ બહેકી ઊઠી. ભીંજાતા કંચવે હૃદયના ધબકાર વધારી દીધા અને જાણે ફરી ફાગણની સ્મૃતિમાં નાયિકા ધકેલાઈ ગઈ. કોણ કરે છે આ વાત? નાયિકા નહીં. કવિએ ખુદ નાયિકાની આ વાત કરવા માટે પ્રવક્તા મોકલ્યો છે. એ આ વિયોગિનીનો વલોપાત આપણી સમક્ષ વર્ણવી રહ્યો છે. નાયિકાને પોતાનો પિયુ જાણે ક્યાંક આસપાસમાં હોય તેવા ભણકારા વાગી રહ્યા છે. ગ્રીષ્મની દાહકતામાં બળીઝળીને એ એવી તો વિરહિણી થઈ ગઈ છે કે આ આષાઢી ઉદ્દીપનની મારી એ ફરી ઉચ્ચારી બેસે છે: ‘વ્હાલા મોરા ફાગણ પાછો લાવ કે ચૈતર ક્યાં મૂક્યો રે હો’ એક તરફ ફાગણ-ચૈતરનો સ્મરણલોક ખૂલી ગયો છે અને બીજી તરફ શ્રાવણી વીજ જાણે ગોરીની એકલતાની મશ્કરી કરી રહી છે. પ્રવક્તા ફરી પાછો પ્રવેશે છે અને માહિતી આપી જાય છે. ‘આભમાં ફરકે શ્રાવણ વીજ ગોરીની રૂઠી આંખડી રે હો’ રોષિત વિપ્રલંભાની પ્રેમોર્મિઓનો ઉછાળ અષાઢી મેઘની જાણે સ્પર્ધા કરે છે. એને આકંઠ ખાતરી છે કે પોતાની એકલતા દીર્ઘકાલીન નથી. પ્રિયતમ પણ પોતાને મળવા અધીરો હશે તેવી હૈયાધારણ હોવા છતાં એ પોતાની અધીરાઈ રોકી શકતી નથી અને જાણે કાકલૂદી કરતી કહી દે છે: ‘વ્હાલા મોરા બીજની ન કરજે ત્રીજ’ ઊભી ઊભી ભીંજાતી રહેતી પ્રતીક્ષારત નાયિકા જાણે હવે પ્રિયતમના આગમન સુધી અહીંથી નહીં ખસી શકે તેવી મજબૂત ખાતરી આપણને પણ થઈ જાય છે. આખુંયે ગીત લોકલય-લોકઢાળમાં છે. કવિએ પસંદ કરેલ વિશ્રંભાલાપની પ્રયુક્તિ સરસ સંવાદપરક ભાવોન્મેષ રચે છે. પ્રારંભે સંયોગની અવસ્થિતિ પછીથી વિપ્રલંભમાં પ્રવેશે તેની સાથે ઋતુઓના નિર્વહણને પણ કવિએ પ્રયોજી સપ્રમાણ અને સંતુલિત એવી આકૃતિ રચી છે. કવિ પ્રકૃતિ અને મનુષ્યના સાયુજ્યની તીવ્ર સહોપસ્થિતિ અહીં આલેખે છે અને તેમાંનાં નાયક-નાયિકા સહુ કોઈના પ્રતિનિધિ બની જાય છે. પ્રણયનું નિતાન્ત સૌકુમાર્ય આલેખવામાં કવિએ અપાર કાળજી લીધી છે. લયભાતમાં શબ્દો સમુચિત રીતે આવીને બેસી ગયા છે. કોઈ કુશળ દિગ્દર્શકને પ્રસ્તુતિ માટે ઉત્તેજક નીવડે તેવી નાટ્યક્ષમતા આ ગીતમાં છે. તેમાંનું કથન પાતળું છે પણ ભાવનિક્ષેપની શક્યતાઓ ભરપૂર છે. તેમાંનો ક્રિયાવેગ અને કાવ્યાંતે સૂચવાતો સ્થિતિબોધ પ્રેક્ષણીય છે એટલો જ ભાવોદ્દીપક પણ છે. મનુષ્યના હૃદયતલમાં અને તે જ રીતે તેના ભાવ-ભાષા ઇત્યાદિમાં પ્રેમના તીવ્ર અનુભવનો જે સચ્ચાઈભર્યો રણકો રહેલો હોય છે તે અહીં સંભળાય છે; દેખાય પણ છે.