પરિષદ-પ્રમુખનાં ભાષણો/૬.

Revision as of 11:20, 22 December 2021 by KhyatiJoshi (talk | contribs)


શ્રી હરગોવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાળાનું ભાષણ

છઠ્ઠી ગુજરાતી સાહિત્ય પરિષદ: અમદાવાદ
એપ્રિલ: ૧૯૨૦


સ્વ. હરગોવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાળા
(ઈ.સ. ૧૮૪૪–૧૯૩૧)

છઠ્ઠી સાહિત્ય પરિષદને પ્રમુખપદે સ્વ. હરગોવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાળા બિરાજ્યા હતા. ગુજરાત તેમને ઓળખે છે ‘સાહિત્ય’ માસિકના સંસ્થાપક અને સંચાલક તરીકે “‘સાહિત્ય’ એટલે આમવર્ગનું માસિક” એ ધોરણે એમણે સંપાદન કરેલું. એમના પછી એમના પુત્ર મટુભાઈએ પણ એ નીતિ જ ચાલુ રાખેલી. વડોદરા રાજ્યે ગુજરાતી સાહિત્યને વેગ મળે તેવી ઘણી પ્રવૃત્તિઓ કરેલી છે એ તો સર્વવિદિત છે. આ પ્રવૃત્તિઓમાં એક કે બીજે સ્વરૂપે હરગોવિંદદાસભાઈ સંલગ્ન હતા. અને ‘પ્રાચીન કાવ્યમાળા’ના સંપાદકોમાંના તેઓ એક હતા એ તો સમસ્ત ગુજરાત જાણે છે. કાવ્યો અને વાર્તાઓ એ બંને ક્ષેત્રોમાં, એમણે સર્જેલું સાહિત્ય આજે ઉપલબ્ધ છે. તે ઉપરાંત શિક્ષણના ક્ષેત્રમાં પણ એમણે ઘણું ઉપયોગી કાર્ય કર્યું છે. પ્રકૃતિ અને પ્રવૃત્તિથી વેપારી ગણાય એવા આ સાહિત્યકારને ગુજરાતે પોતાની અમદાવાદ ખાતે મળેલી છઠ્ઠી સાહિત્ય પરિષદનું સુકાન સોંપ્યું હતું. સાહિત્યનો સામાન્ય જીવનવ્યવહાર સાથે સંબંધ વિચારી સાહિત્યને પણ વ્યવહારુ બનાવવું એ એમનો ઘણે સ્થળે વ્યક્ત થતો આશય છે. અને આ આશયના પ્રચારમાં ‘સાહિત્ય’ માસિકે પોતાના જીવન દરમ્યાન ઘણું કાર્ય કર્યું છે. વડોદરા રાજ્યે એમની સાહિત્યસેવાનો કરેલો સરવાળો, રાજ્ય તરફથી એમને બક્ષાયેલા “સાહિત્યમાર્તંડ”ના ખિતાબમાં આપણી દૃષ્ટિએ પડે છે. જીવનવ્યવસાયના અનેક ક્ષેત્રોમાં ગૂંથાયેલા આ સાહિત્યકારે સાહિત્ય સાથેનો પોતાનો સંબંધ આજીવન જીવતો રાખ્યો હતો. એમની સરળતા એમના સર્વ વ્યવહારોમાં ભૂષણરૂપ બનતી હતી. આવા સરળ સાહિત્યકાર હતા સ્વ. હરગોવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાળા.

ઉપોદ્‌ઘાત

સાહિત્ય પરિષદ જેવા વિદ્વજ્જનોના મહામંડળનું પ્રમુખપદ અતિ માનવંતું ને જોખમ ભરેલું છતાં તેને માટે સત્કારમંડળીના જે સભ્યોએ, તથા જે પત્રકારોએ, સંસ્થાઓએ અને અન્ય ગૃહસ્થોએ મારા લાભમાં સંમતિ આપવાની કૃપા કરી છે, તેમનો હું ખરા અંતઃકરણથી આભાર માનું છું. મારી પૂર્વે એ પદને જે સુપ્રસિદ્ધ સાક્ષરોએ શોભાવ્યું છે, તેમની સાથે સરખામણી કરતાં મારી યોગ્યતા ઊતરતી છે, અને મારા કરતાં વધારે લાયક વિદ્વાનો ઘણા છે એમ હું માનું છું. તેમ છતાં મારી જ પસંદગી કરવામાં આવી છે, તો હું મારું કર્તવ્ય બજાવવા પ્રયત્ન કરીશ. પ્રમુખ તરીકે મારી ફરજ અદા કરવા માટે અને સાહિત્યના હિતની ખાતર, કદી કોઈને અપ્રિય લાગે એવું કથન કરવું પડે, તો તેને માટે હું ક્ષમા ચાહું છું. બીજી બાબત મારે નિવેદન કરવાની એ છે, કે સાહિત્ય શબ્દને વાઙ્મયના અર્થમાં વાપરીને આ પરિષદનું ક્ષેત્ર વિશાળ કરવું જોઈએ. સાહિત્યમાં કાવ્યો, કાદંબરીઓ ને નાટકોનો જ નહિ, પણ બીજા સર્વ વિષયોનો સમાવેશ કરવો; એટલે તે સર્વ જાતિના ને સ્થિતિના લોકોને ઉપયોગી થઈ પડે, એવો આશય રાખવો જોઈએ. ત્રીજી બાબત હું નમ્રપણે એ જણાવું છું, કે આ વખત જેમ લોકસમૂહને માટે ભાષણો આપવાની યોજના કરી છે, તેમ આપણી પરિષદમાં તેઓ ભાવથી ભાગ લેતા થાય એવા ઇલાજ લેવા જોઈએ. એટલે આ પરિષદ એકલા સાક્ષરમંડળ માટે જ નહિ, પણ ગુજરાતી બોલનારા સર્વને માટે સમજવી જોઈએ. સરસ્વતીદેવીનાં મંદિર સર્વને માટે ખુલ્લાં રહે, અને આપણે જનસમૂહને સાથે રાખીએ, તો જ સાહિત્યનો ખરો ઉપયોગ થઈ દેશની ઉન્નતિ થવાની છે. ભાષાના ઇતિહાસ વગેરેના સંબધમાં વિદ્વાનો ઘણું લખી ચૂક્યા છે; પરંતુ નવાં નવાં સાધનો મળી આવવાથી જે નવી નવી બાબતો પ્રકાશમાં આવતી જાય તે દર્શાવવાના તથા જુદા જુદા વિચારોની સરખામણી કરી બતાવવાના હેતુથી મેં એ વિષય છોડી દીધો નથી. ભાષણ શરૂ કરતાં અગાઉ મારે અતિ દિલગીરી ભરેલી નોંધ લેવાની ફરજ બજાવવી પડે છે, તે એ કે ગઈ સાહિત્યપરિષદ ભરાયા પછી પાંચ વર્ષના ટૂંકા અરસામાં આપણે કેટલાક સારા લેખકો ખોયા છે. રણજીતરામ વાવાભાઈ, ભોગેન્દ્રરાવ દીવેટિયા, ચીમનલાલ દલાલ, ગણપતરામ ત્રવાડી, અમૃતલાલ પઢિયાર, શિવુભાઈ બાપુભાઈ, મલયાનિલ, ખુરશેદજી ફરામરોજ, તારાપુરવાળા, ભાગળિયા અને જહાંગીર પોલીસવાળાનો સ્વર્ગવાસ બહુ ખેદજનક છે. પડેલી ખોટ જલદીથી પૂરાતી નથી એ કમનસીબની વાત છે.

ભાષા

ભાષાની ઉત્પત્તિ મનુષ્યની ઉત્પત્તિની સાથે જ થયેલી હોવી જોઈએ, કેમકે તે વગર મનુષ્યો એક બીજાના મનમાં ઉદ્ભવતા વિચાર જણાવવાને, અને એક બીજાની સહાયતા મેળવવાને શક્તિમાન થાય નહિ. ભાષા વગર પણ કેટલીક હદ સુધી માણસ વિચાર કરી શકે છે, અને તે કરપલ્લવી, નેત્રપલ્લવી જેવી નિશાનીઓથી બીજાને સમજાવી શકે છે; પરંતુ એ મૂંગાં-બહેરાંના જેવા સાધન વડે મનુષ્યનો કારવ્યવહાર સારી રીતે ચાલી શકે નહિ. ઇશ્વરે તેને વાચા આપી છે, તે વડે તે ભાષા ઉત્પન્ન કરી શકે છે. કોઈ કહે છે કે ભાષા ઇશ્વરદત્ત છે. પરમેશ્વરે માણસને ઉચ્ચાર કરવાને વાણીસ્થાન આપ્યાં છે, તેટલા પૂરતી તે ઇશ્વરદત્ત ગણાય, બાકી ભાષાને ઉપજાવનાર સમાજ છે, અને તેથી તે સમાજની સામાન્ય મિલકત છે. એ મિલકત પેઢી દરપેઢી વધતી જાય છે; અને તેનો વારસો વંશજોને મળ્યા કરે છે. તરતનું જન્મેલું બાળક અવાચક હોય છે. ધીમે ધીમે તે કંઈ અર્થ વગરના ઉચ્ચાર કરે છે. એ ઉચ્ચાર બહુધા ઓષ્ઠસ્થાની ને કંઠસ્થાની હોય છે. તે મ મ મા બ બ બા એવા ઉચ્ચાર કરે છે, તેને નજીકનાં સગાં – તેની માતા વાચક છે એમ સમજીને જરૂર પડે ત્યારે તે મા બા કહીને પોતાની માડીને બોલાવતાં શીખે છે. તે સહેલાઈથી બોલી શકે તેટલા માટે મા, બા, મમ (ખાવાનું), ભૂ, પા, બાપા, ભાઈ, બહેન, મામા, માસી, ફોઈ એવા ઓષ્ઠસ્થાની શબ્દો કે આદિ અક્ષરો વાળા નાના શબ્દો તેની માતા અને આસપાસનાં માણસો શરૂઆતમાં બોલતાં શીખવે છે, અને અમુક મનુષ્ય કે પદાર્થને લાગુ પાડી આપે છે. એ રીતે ભાષાની શરૂઆત થાય છે. બાળકને નવું નવું જાણવાની જેમ જેમ જિજ્ઞાસા વધતી જાય છે, તેમ તેમ તેનું શબ્દભંડોળ વધતું જાય છે. સૃષ્ટિ સમયે માણસને થોડી વસ્તુઓનો ખપ હોય અને તેના વિચાર પણ ટૂંકા હોય, તેની ભાષા નાની હોય. ભાષાની ઉત્પત્તિ મનુષ્યની સાથે થઈ, પરંતુ તે ક્યારે ને ક્યાં થઈ તે જાણવાને સાધન નથી. આપણે ભાષાને અનાદિ કહીએ છીએ, પણ જો મનુષ્ય અનાદિ હોય તો ભાષા અનાદિ કહી શકાય. ટેલર કહે છે કે સૃષ્ટિ સમયે માણસની ભાષા એક હતી. જો મનુષ્યની ઉત્પત્તિ એકજ સ્થળે અને એકજ જાતની થઈને આખી પૃથ્વી પર પસરી હોય, તો આ વાત માન્ય કરી શકાય. ભૂસ્તરવિદ્યાની શોધખોળ પ્રમાણે મનુષ્યની ઉત્પત્તિને લાખો વર્ષ થઈ ગયા છે (અને એજ માન્યતા આપણી અને જૈન બંધુઓની છે.) પરંતુ ભૂસ્તરના જુદા જુદા યુગમાં જુદે જુદે સ્થળેથી જે માણસના અવશેષ મળી આવે છે, તે ઉપરથી જુદી જુદી જાતના મનુષ્યો જુદા જુદા યુગમાં થયેલા જણાય છે. એટલે તેમની ભાષા એક હોઈ શકે નહિ. જુજવી જાતોની બોલી એક નહિ પણ જુજવી હોય. ભૂસ્તરવેત્તાઓની શોધથી પાષાણયુગના ‘પેલીઓલીથિક’ સમયમાં વસતાં મનુષ્યોના શેષ ભાગ ફ્રાન્સ અને સ્પેન વચ્ચેના પિરિનિઝ પર્વતની ગુફામાંથી મળી આવ્યા છે. ગુફાની ભીંતોએ પ્રાણીઓનાં સપ્રમાણ ચિત્રો તથા ચિત્રલેખન કાઢેલાં છે, તે ઉપરથી લાખો વર્ષ પૂર્વે મનુષ્ય જાતમાં ભાષા હતી, તે ચિત્રલેખન વડે લખી જાણતી અને અને ચિત્રકળા પણ તે સારી રીતે જાણતી હતી, એમ માલમ પડે છે. વિદ્વાનોએ ભાષા વિષે જે શોધ કરેલી છે, તે બહુ કરીને યુરોપ અને એશિઆની ભાષા સંબંધે છે, તેમાં પણ તેમને ત્રણ કુટુંબથડની ભાષાઓ માલમ પડી છે. પરંતુ એ ત્રણનું પણ એક મૂળ નીકળતું નથી. તો બીજી સેંકડો ભાષાઓ જે આફ્રિકા, અમેરિકા આદિના અસલી વતનીઓમાં સ્વતંત્ર રીતે ચાલે છે, તેમનું મૂળ ક્યાંથી હોય? અર્થાત્ સૃષ્ટિ સમયે એક જ ભાષા હતી એ કલ્પના સાધાર જાણાતી નથી. સામાન્ય માન્યતા એવી છે કે જંગલી લોકોની ભાષાઓ ઘણી નાની એટલે હજાર પાંચસેં શબ્દોની બનેલી હોય છે; પણ સેંકડો વર્ષથી ચાલી આવતા સમાજનો વ્યવહાર એટલા થોડા શબ્દોથી ચાલી જ ન શકે. મી. મેરેટ જણાવે છે કે ટેરા ડેલ ફુઈગોના જંગલી લોકોની ભાષામાં ત્રીસ હજાર કરતાં વધારે શબ્દો છે.

આર્ય ભાષા

ઉપર કહ્યું તેમ યુરોપએશિઆની મુખ્ય ભાષાઓને ત્રણ કુટુંબ – થડમાં વહેંચેલી છે. ૧. આર્ય – ‘આર્યન’ (જેને ‘ઇંડોજર્મેનિક’ કે ઇંડોયુરોપિયન કહે છે.) ૨. ‘તુરેનિયન’ અથવા તુરાની અને ૩ સેમિટિક. એમાંની પહેલી બે ભાષાઓ સાથે હિંદની ભાષાઓને નિસ્બત હોવાથી સેમિટિકને આપણે છોડી દઈશું. યુરોપમાંની ‘આર્યન’ ભાષાઓ ‘સેલ્તિક’, ‘ઇતાલિક’, ‘ટ્યુટોનિક’, ‘હેલેનિક’ અને ‘ઇલાઇરિક’ છે. અને એશિયામાં ઇરાનની ને ભરતખંડની આર્ય ભાષાઓ છે. આર્ય લોકોનું મૂળ સ્થાન કાકેસસ પર્વત તરફ માનવામાં આવે છે. હિંદના ભાષાશાસ્ત્રના કર્તા બીમ્સ કહે છે, કે તેઓ ઉત્તરપશ્ચિમ તરફથી આવ્યા હતા. કોઈ હિંદુકુશ પર્વતને આર્યોનું મૂળ સ્થાન કલ્પે છે, તો કોઈ તે સ્થળ યુરોપની ઉત્તરપશ્ચિમે હતું, એમ કહે છે. છેલ્લી શોધને આધારે ગ્રિઅર્સન જણાવે છે, કે તે યુરોપને એશિયાની સરહદ ઉપર એટલે દક્ષિણ રૂશિઆના મુલકમાં હતું. લોકમાન્ય ટિળક સાબિત કરે છે, કે આર્યોનું નિવાસસ્થાન ઉત્તર ધ્રુવ તરફ હતું, જગદીશ ચેટરજી કહે છે, કે તેમનું મૂળ રહેઠાણ પોન્તસ ને આમિનિઆ હતું. આર્ય લોકોની સાથે બાબિલોનિઅન, ઈજીપ્શિઅન, ઈજીઅન અને હીબ્રુ લોકો હિંદમાં આવ્યા હતા, એટલું જ નહિ પણ દસ્યુ – દાસ, જેમને કેટલાક વિદ્વાનો આ દેશના અસલ વતનીઓ માને છે, તે પણ આર્યો સાથે આવ્યા હતા. આ ઉપરથી જણાશે કે આર્યોની સાથે બીજી ભાષાઓ વાપરનારા લોકો પણ પ્રાચીન સમયે આ દેશમાં આવી વસ્યા હતા. બીમ્સ લખે છે કે ‘તુરેનિઅન’ની પાંચ શાખા પૈકી ચાર શાખા આપણા તરફ ચાલે છે. (૧) હિમાલયી, (૨) લોહિટિ, (૩) કોલ, અને (૪) દ્રાવિડી. હિમાલયીની ૨૩ શાખા, લોહિટિ એટલે બ્રહ્મદેશની ભાષાની ૨૬ શાખા, કોલની ૯ શાખા (હિદુસ્તાનના જંગલી લોકો સન્થાલ, ગોંડ વગેરેની) અને, દ્રાવિડીની ૧૨ શાખા (સિંહલી સાથે) દ્રાવિડ દેશમાં વપરાય છે. દક્ષિણ હિદુસ્તાનમાં ‘તુરેનિઅન’ ભાષાઓએ આ દેશની આર્ય ભાષાઓ ઉપર કેટલીક અસર કરી છે, તેમ તેમની ભાષાઓ ઉપર આર્ય ભાષાઓની પણ ઘણી અસર થયેલી છે. કોઈ એમ પણ માને છે કે આર્યોની પહેલાં ‘તુરેનિઅન’ લોકો હિંદમાં આવીને આખા દેશમાં વસ્યા હતા.

સંસ્કૃત ભાષા

આર્ય લોકો સામટા એકીવખતે આ દેશમાં આવ્યા નહોતા. જુદાં જુદાં ટોળાં લાંબા અંતરે આવે તો તેમની ભાષામાં ફેરફાર હોય જ. તેમ અનેક ભાષા બોલનારી પ્રજાઓના ભેળસેળ થવાથી પણ ભાષામાં વધારે ઓછું મિશ્રણ થવા પામે. વેદની ભાષા થઈ તેને સંસ્કૃત નામ આપવામાં આવ્યું. જગદીશ ચેટરજી જણાવે છે, કે વેદ બન્યા પછી ઘણે કાળે આર્યો હિંદમાં આવ્યા હતા. તે તો વળી આગળ વધીને એમ પણ જણાવે છે કે ‘મહાભારત’ અને ‘રામાયણ’ના બનાવ પણ હિંદમાં બન્યા નહોતા! નવા નવા શોધોથી કેવી કેવી વાતો પ્રગટ થશે તે કહી શકાતું નથી. પામિર અને ગોબીના રણથી ઢંકાએલ ફળદ્રૂપ દેશમાં પૂર્વે આર્ય પ્રજા વસતી હતી. તેમનાં દેવળો ને પુસ્તકો સુધ્ધાં હાલમાં હાથ લાગ્યાં છે, તે ઉપરથી ભાષાઓની ઉત્પત્તિના સંબંધમાં વખતે નવો પ્રકાશ પડશે. સિંહલીની બીમ્સે ‘તુરેનિઅન’માં ગણના કરી છે, તે કદાચ હિમાલયમાં વસતી સિંહલીઆ જાતની ભાષા ‘તુરેનિઅન’ મૂળની છે, તેઓ પૂર્વે સિંહલ દ્વીપમાં જઈ રહ્યા હોય, એમ ધારીને કિંવા દ્રવિડ લોકોની મોટી સંખ્યા તેમાં જઈ વસી છે, તે ઉપરથી કલ્પના કરી હશે; પરંતુ બુદ્ધ ધર્મના પ્રચાર અર્થે ઈ.સ. પૂ. ૫૪૩માં વિજયે પાલિ ભાષા દાખલ કરી, તે પછી તેનો એટલો પ્રચાર થયો છે કે હાલની સિંહલીને આર્ય ભાષાની શાખા ગણી શકાય, અને તે જાણે ગુજરાતી સાથે બહુ સંબંધ ધરાવતી હો. એવી દેખાય છે. તેમાંના થોડાક શબ્દો જુઓઃ સિંઘાલી ગુજરાતી સિંઘાલી ગુજરાતી માસમ માંસ એકય એક દવસ દિવસ તુનય ત્રણ મુલ મૂળ અટય આઠ પેટ્ટીય પેટી દહય દસ-દહ સીતલ શીતળ કોઈ કયું કરનવા કરવું દૂર દૂર મરનવા મરવું નમ નામ દેનવા દેવું ગીયા ગયા વળી હાલના સિંહલીઓમાં સંસ્કૃત શબ્દો વાપરવાની રૂઢિ વધી પડી છે. જ્યાં જ્યાં બુદ્ધ ધર્મ પ્રવર્ત્યો, ત્યાં ત્યાં પાલિ અને સંસ્કૃતની અસર થયેલી છે. જાવા ને બાલિ બેટોમાં ધર્મને લીધે તથા ખાસ કરીને પ્રાચીન આર્યો જથાબંધ જઈ વસેલા હોવાથી ત્યાં સંસ્કૃત શબ્દો ઘણા વપરાય છે. જાવાની જૂની કવિતાની ભાષા જેને કવિ ભાષા કહે છે, તે તો લગભગ આખી આર્ય ભાષા છે. આ દેશની સર્વ આર્ય ભાષાઓ – પ્રાકૃત અને ચાલુ – નું મૂળ સંસ્કૃત છે. તેણે આપણને અખૂટ ભંડાર વારસામાં આપેલો છે. તેની મહત્તા સંબંધે પંડિત હરબિલાસે પોતાના કીમતી ગ્રંથમાં જે વિદ્વાનોના મત ટાંક્યા છે, તે મેં ‘સાહિત્ય’ માસિકમાં છપાવેલા છે. તેથી તેમાંના એક જ વિદ્વાનનું મત અત્રે આપી સંતોષ માનીશ. સર વિલિયમ જોન્સ કહે છે કે સંસ્કૃતનું બંધારણ આશ્ચર્યકારક છે; તે ગ્રીક કરતાં વધારે પૂર્ણ, લાટિન કરતાં વધારે વિશાળ અને બંને કરતાં વધારે સુંદર રીતે સંસ્કારી છે. સંસ્કૃત ભાષાનું સર્વોપરિપણું સાબિત કરવા માટે બીજો એક જ દાખલો બસ થશે. ભગવાન પાણિનિએ શાસ્ત્રીય રીતે લખેલા વ્યાકરણ જેવું વ્યાકરણ કોઈ ભાષામાં નથી. વળી મહામહોપાધ્યાય શ્રી. હરપ્રસાદ શાસ્ત્રીએ જણાવ્યું હતું, કે શ્રીમાન રાજેંદ્રલાલ મીતરે વ્યાકરણશાસ્ત્રના જુદા જુદા ૮૫૦ ગ્રંથનો સંગ્રહ કર્યો હતો. દુનિયામાં છે કોઈ એવી ભાષા કે જેમાં વ્યાકરણશાસ્ત્રના સેંકડો ગ્રંથ હોય? લેખનકળા સંબંધે ટેલર કહે છે કે રોમીય ભાષા બોલનારે ગ્રીક લોકોને પ્રથમ અક્ષરજ્ઞાન ઈ.સ. પૂ. ૧૪૯૩–૧૫૦૦માં આપ્યું: અર્થાત્ લેખનકળા પ્રથમ રોમીય લોકોએ શોધી કાઢી એમ કહેવાનો ભાવાર્થ છે. મેક્સ મ્યુલર કહે છે કે ઈ.સ.પૂ. ૩૫૦ અગાઉનાં લેખી પુસ્તકો નથી. આ બંને મત ખરાં નથી, તેના પ્રમાણમાં પંડિત શ્યામજી કૃષ્ણવર્માએ પૂર્વદેશીય ભાષાજ્ઞોની લંડનમાં મળેલી પરિષદ (સન ૧૮૮૩)માં જે લેખ વાંચ્યો હતો તેમાં જણાવ્યું છે, કે મેક્સ મ્યુલરને પોતાને કબૂલ કરવું પડ્યું હતું કે સૂત્રોના કર્તાઓ લેખનકળા જાણતા હતા. વળી તે કહે છે કે વેદની સંહિતાઓમાં બ્રાહ્મણ અને સૂત્રોના ગ્રંથોમાં એવાં શબ્દો ને વાક્યો છે, કે તે વડે પ્રાચીન હિંદમાં લેખનકળાનો ઉપયોગ થતો તે વિષે શંકા રહેતી નથી. પાણિનિની પૂર્વે લાંબા વખત પરના જે નિયમિત પ્રબંધો ગદ્યમાં છે તે લેખનની મદદ વગર બને નહિ. પ્રોફેસર વિલ્સન કહે છે કે છેક જૂના વખતથી હિંદમાં અક્ષરજ્ઞાન હતું અને તે શિલાલેખો ને તામ્રલેખોમાં જ નહિ, પણ સામાન્ય જિંદગીના દરેક કામમાં વપરાતું. કાઉન્ટ જોનેસ્ટર્જન જણાવે છે કે હિંદુ કને ઈ.સ. પૂર્વે ૨૮૦૦ અથવા ઈબ્રાહિમની પૂર્વે ૮૦૦ વર્ષ પહેલાંનાં લેખી ધર્મનાં પુસ્તકો હતાં. મહાભારત સંબંધે એવી વાત ચાલે છે કે વ્યાસ ભગવાને તે તૈયાર કર્યું, તેને લખવા માટે શ્રી. ગણપતિએ બીડું ઝડપીને તે લખ્યું હતું. આ વાતને ઓછામાં ઓછાં પાંચ હજાર વર્ષ થઈ ગયાં. ટેલર અક્ષરજ્ઞાન માટે ઈ.સ.પૂ. ૧૫૦૦ પરની વાત કરે છે, પરંતુ બાબિલોનના લોકોને ઈ.સ.પૂ. ૨૦૦૦ની પહેલાં લખવાની કળા માલમ હતી. ‘આસિરિઅન’ અને ‘એક્કેડિઅન’ ભાષાના શબ્દસંગ્રહો, વ્યાકરણો, કોષો અને પાઠ્ય પુસ્તકોનો શોધ લાગ્યો છે (પાટી ઉપરના હજારો લેખોમાંનો ઘણો ભાગ વિલાયતના સંગ્રહસ્થાનમાં રાખેલો છે.) બાબિલોનના લોકો ઝાડની છાલ વગેરે પર અને પાછળથી માટીની નાની પાટીઓ ઉપર વતરણાથી લખતા હતા. મીસરના છેક પ્રાચીન કાળના લોકો ચિત્રલેખન (લિપિ)થી કામ નિભાવતા. ભાષા પેદા થયા પછી થોડે કાળે લેખનની જરૂર પડે, કેમ કે ગામ પરગામ ખબર આપવાના, હિસાબ રાખવાના, પોતાના વિચાર સંગ્રહી રાખવાના પ્રસંગ આવ્યા વિના રહે નહિ. શરૂઆતમાં આ કાર્ય ચિત્રલેખનથી થતું એમ માલમ પડે છે. સંસ્કૃત ભાષા એ સર્વ લોકની બોલી હતી કે કેમ એ વાત શંકા પડતી છે. સુધારેલી સંસ્કૃત એ વિદ્વાનોની કદાપિ ભાષા હશે, પરંતુ બાકીના લોકો તે સમયે પ્રાકૃત ભાષા બોલવામાં વાપરતા હશે એમ લાગે છે. પ્રાકૃત ભાષા ક્યારથી પ્રચારમાં આવી તે કહેવું મુશ્કેલ છે, તથાપિ પાલિ ભાષાને જ્યારે સુમારે અઢી હજાર વર્ષ થયાં છે, ત્યારે પ્રાકૃત ભાષા તે અગાઉ ઘણાં સૈકાથી ચાલુ થએલી હોવી જોઈએ. ગ્રિઅર્સન કહે છે કે વેદની સંસ્કૃત ભાષા ઉપરથી પ્રાકૃત ભાષા થઈ છે. કોઈ પ્રાકૃત સુધારીને નવી સંસ્કૃત ઉપજાવવામાં આવી એમ પણ ધારે છે. એ પછી દ્વિતીય પ્રાકૃત ઉદ્ભવી અને છેવટના વખતમાં તૃતીય પ્રાકૃત થઈ. વ્યાકરણતીર્થ બહેચરદાસ તેમને સંસ્કૃતસમ પ્રાકૃત અને દેશ્ય (દેશી) પ્રાકૃત એવાં નામ આપે છે. એમાંથી પાછલી પ્રાકૃતો થઈ અને એ પ્રાકૃતોમાંથી ચાલુ આર્ય દેશી ભાષાઓ ઉત્પન્ન થઈ. દ્વિતીય પ્રાકૃતથી પાલિ ઉદ્ભવી અને તે બૌદ્ધોના ધર્મની પવિત્ર ભાષા બની. જૈન ધર્મીઓએ કઈ પ્રાકૃત પસંદ કરી તે વિષે મતભેદ ચાલે છે. બીમ્સ કહે છે કે તે ભાષા શૌરસેની હતી. ગ્રિઅર્સન માને છે કે તે વિદર્ભદેશની મહારાષ્ટ્રી (દક્ષિણની મરાઠીની માતા) હતી. કોઈ કહે છે કે તે અર્ધમાગધી હતી, પરંતુ પંડિત બહેચરદાસ આ સર્વ મતને ખોટા ઠરાવે છે અને કહે છે કે “જૈન પ્રાચીન પુસ્તકોમાં પ્રાકૃત1 ભાષા પ્રયોજાઈ છે. શ્રી. હેમચંદ્રનું જ વ્યાકરણ જૈન સૂત્રોની ભાષાને અર્ધમાગધી કહેવાની ના પાડે છે. જૈન ધર્મનાં પુસ્તકોમાં કોઈ કોઈ ઠેકાણે દેશ્ય પ્રાકૃતનો અને શૌરસેની ભાષાનો પણ એકાદ શબ્દ આવી ગયો છે. પણ એટલાથી એમ કેમ નક્કી થાય કે જૈનસૂત્રો અર્ધમાગધીમાં છે?” આ ઠેકાણે જણાવવું જોઈએ કે જે ધર્મના ને અન્ય વિષયોના ગ્રંથો સંસ્કૃતમાં લખવાનો વહીવટ હતો, તે તોડીને લોકભાષાનો ઉપયોગ કરવાનું માન જૈન અને બૌદ્ધ આચાર્યોને ઘટે છે. તેમણે જેમ પ્રાકૃત ભાષામાં ગ્રંથો લખ્યા, તેમ તેઓ વ્યાખ્યાન વગેરે પણ પ્રાકૃત ભાષામાં આપતા હતા. બૌદ્ધ ધર્મની પાલિ ભાષા પછી ઉદ્ભવેલી પ્રાકૃતોમાં તેમના ગ્રંથો પ્રકટ ન થયા; પરંતુ જૈનોએ તો જેમ જેમ ભાષાઓ બદલાતી ગઈ તેમ તેમ નવી થયેલી ભાષાઓમાં ગ્રંથો લખ્યા છે, એ તેમનું કાર્ય ખરેખર પ્રશંસાને પાત્ર છે. અને એ જ પદ્ધતિથી તેમણે ગુજરાતી ભાષાના સાહિત્યની ઉમદા સેવા બજાવી છે.