રા’ ગંગાજળિયો/૧૩. પાછા વળતાં

Revision as of 11:17, 24 December 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૧૩. પાછા વળતાં

વૈશાખ મહિનાના આગવર્ષાવણ મધ્યાહ્ને જ્યારે રા’એ પોતાનો રસાલો પાછો હંકારી મૂક્યો ત્યારે એ રસાલામાં બે માણસોનો ઉમેરો હતો : એક ભીલ જુવાન ને બીજી એની માતા. એ સભર-ભર તીર્થભૂમિને વિશે ન તો પ્રાચીના કુંડમાં સ્થાન પામી શકેલા કે ન ત્રિવેણીનું નાવણ પામી શકેલા વીંજલ વાજાને રા’એ રસ્તામાં કહી દીધું : “જાવ પાછા ઊનામાં. મુસલમાન દરવેશો સાથે બગાડશો મા. અત્યારે ગુજરાતની સુલતાનિયત પર એ હજરતોનું પરિબળ છે તે ભૂલશો મા, ને હિંદુ દેવસ્થાનાંથી વેગળા રહી રાજ કરજો. સાચવી શકાય ત્યાં સુધી સાચવજો. મને આશા તો નથી રહી, છતાં રાજપૂતોનું જૂથ જમાવવાનો એક યત્ન કરી જોઉં છું. એ નહીં થઈ શકે તો પછી જેવી પ્રારબ્ધની ગતિ. પણ ફરી સોમૈયાજીનાં દર્શન તો અમે નથી પામવાના તેવું લાગે છે. ભાંગેલ હૈયે પાછો જાઉં છું!” ઊનાના પાદરમાંથી જ પરબારા રા’એ દોંણ-ગઢડાના ભીલરહેઠાણ પર રસાલો હંકાર્યો ને એક દિવસ ભાટની વહુવારુને કાને જે સૂરો પડ્યા હતા તે જ મછુંદરીનાં નીર ઊતરતે ઊતરતે રા’એ સાંભળ્યા—

જોબનિયું આજે આવ્યું ને કાલ્ય જાશે,
જોબનિયું કાલ્ય જાતું રે’શે;
જોબનિયાને માથાના અંબોડલામાં રાખો,
જોબનિયું કાલ્ય જાતું રે’શે.

એવા સૂરો રા’ના હતાશ પ્રાણમાં સિંચાયા—મીઠા લાગ્યા. રા’નું મન મલકાયું—થોડીક વાર—ભલે ઘડીક જ વાર. સાચે જ શું આ સંસાર ને આ જોબનિયું માણી લેવા જેવાં જ હશે? એથી આગળ શું કંઈ જ નહીં હોય? ઘોડવહેલમાં બેઠાં બેઠાં રા’ને નવા વિચારો ઊપડવા લાગ્યા. ને પોતાનાથી ઓચિંતાનું ઉચ્ચારાઈ ગયું, “હુંય કેવો ઉત્પાતિયો જીવ છું! કુંતા સાચું કહેતી હતી તે રાત્રિએ : કોઈને પડી નથી! એક ફક્ત તું જ ગાડા હેઠળ ચાલતું કૂતરું બન્યો છે!” રસાલો આગળ ને આગળ ચાલ્યો. ગીરની વનરાઈ ઘાટી ને વધુ ઘાટી બનતી ગઈ. ઘોડવહેલ ને મ્યાનાનો માર્ગ બંધ થયો. રા’એ અને કુંતાદેએ બે ઘોડા પર રાંગ વાળી. ભીલકુમાર માર્ગ બતાવતો ચાલ્યો. કુંતાદેના અશ્વની કેશવાળી સમારતો ને એની માણેકલટ પંપાળતો ભીલ જુવાન પાછળ ફરી ફરી પોતાની બહેનની સામે નીરખતો જતો હતો ને માને કહેતો હતો, “મા, જોજે હો, બેનને ઝાડવાનાં ઝરડાં લાગે નહીં. મા, તું ડાળીઓને વાળતી આવ.” મચ્છર જેવાં ઝીણાં ઝીણાં જંતુઓનાં ઝૂમખેઝૂમખાં ઘોડાને ને ઘોડેસવારોને ઘેરી વળતાં હતાં, તેને ભીલકુમાર પોતાની પછેડીના ઝપાટા મારી મારી દૂર કરતો ગયો. ને મધગીર આવી ત્યારે જુવાને પોતાનો અવાજ તદ્દન ઝીણો કરી નાખી, એક પછી એક વિચિત્ર સૂરો કાઢવા શરૂ કર્યા. એ એની વિલક્ષણ વાંભ હતી. એ વાંભનું જાદુ અકળ અને અજબ બની ગયું. ગીરનાં ઝાડવેઝાડવાં જાણે સજીવન થયાં હોય તેમ કોતરોમાંથી ને ખીણોમાંથી, ડુંગરાની ટોચેથી ને તળેટીઓમાંથી માણસો ઊભરાયાં. એ સેંકડો લોકોના રંગ કાળા હતા, અંગો અધખુલ્લાં હતાં, ખભે કમાનો હતી, ભુજાઓ લોખંડી હતી, ચામડી ચળકાટ મારતી હતી. તેમના પગનાં તળિયાં નીચે બાવળ જેવા ઝાડના શૂળા પણ ભચરડાતા હતા. તેમના દેહ પર ચિરાડિયાં બોલાવતી કાંટાળી ડાળીઓને તેઓ ગણકારતા ન હતા. તેમનાં ટોળેટોળાં ઊભરાયાં, તેમના કિકિયાટા ઊઠ્યા, તેમનાં પપૂડાં વાગ્યાં, તેમ તેમ તો મેદની વિસ્તરતી ચાલી. તેમનાં ટોળાં હતાં, છતાં સરખી કતારમાં ગોઠવાઈને ચાલતાં હતાં. તેમના સીસમ સરીખા પગ ઢોલની સાથે તાલ મેળવી કદમો માંડતા હતા. તેમની આંખોમાં આનંદ નાચતો હતો. મધ્યગીરમાં એક ઉઘાડો ઓટો હતો. મંદિરનો ત્યાં ભપકો નહોતો. સાદા એક પથ્થરનું શિવલિંગ હતું. એની ચોપાસ ખુલ્લા ચોગાનમાં થાળી ફગાવો તો જાણે સપાટ ધરતી પર રમતી જાય એવી ઠાંસોઠાંસ માથે એ ભીલ-મેદની ઊભી રહી હતી. ઓટા ઉપર રા’ને ને રાણીને સિંહચર્મોનાં આસન પર બેસારી ભીલકુમારે સૌને કહ્યું— “આ મારાં બોન છે. આ ગંગાજળિયો રા’ છે. હિંદવો સૂરજ છે. હાજરાહજૂર દેવ છે. આ બોન છે. એ કેવી છે? કેમ કરીને કહું કે કેવી છે? બોન છે, બસ એમાં જ બધું આવી રિયું છે. બોનને ને રા’ને રીઝવવાં છે. રમતો દેખાડવી છે. દોંણેશર ડાડાની હજૂરમાં રમત માંડીએ.” પુરાતન યુગ રા’ની નજરમાં પાછો સજીવન થયો. દ્રોણ ગુરુએ શૂદ્ર કહી તરછોડેલો એકલવ્ય જે ઠેકાણે ગારાની ગુરુમૂર્તિ માંડીને અજોડ બાણાવળી બન્યો હતો, તે જ કહેવાતું આ ઠેકાણું હતું. પાંચ હજાર વર્ષ પહેલાંના એક બ્રાહ્મણાચાર્યે પણ શૂદ્રને તિરસ્કારેલો, અને ઉપર જાતાં એનો અંગૂઠો ગુરુદક્ષિણામાં છેદાવી લીધેલો. એની જ બિરદધારી આ જાતિ હતી. પાંચ હજાર વર્ષેય શંભુના પુરોહિતો શું એની એ જ આભડછેટ સાચવીને બેઠા હતા! આભડછેટ નહોતી ફક્ત આ શંભુને પોતાને, દેવાધિદેવને, સ્મશાનના સ્વામી મૃત્યુંજયને, જીવનના સૌંદર્યગામી વિરાટ નટરાજને… નટરાજની ઉપાસના રા’એ આ જંગલવાસી નરનારીઓના સહિયારા નૃત્યમાં નિહાળી. અન્ય કોઈ વેશે નહીં ને ભીલાંરાણીના વેશે ભોળો શિવ શીદ મોહાયા તેની આંહીં પ્રતીતિ દીઠી. હિંદવો દેવ દીવાનો નહોતો, વિષયભોક્તા કામાતુર નહોતો. ચાહે તેવા જંગલી ફૂલે અને ઝરણ-જળે તુષ્ટમાન રહેનારો એ પરમ પુરુષ કોઈને અપ્રાપ્ય નહોતો. હજારો શિવલિંગો ભલેને તૂટી ચૂક્યાં, હજારો કદાચ તૂટશે, સોમનાથનાં છિન્ન શિખરો પાછાં કદાચ નહીં ચડે, તોયે શંભુની ઉપાસના ક્યાં થોભવાની છે? મહાકાળનો વિલય ક્યાં શક્ય છે? કંકર એટલા શંકરની કહેતી ખોટી નહીં પડે. રા’ને ભેટ ધરવાનો સમય થયો. શિયાળુ મધના ઘડેઘડા આવ્યા. સિંહચર્મ, વાઘચર્મ અને મૃગચર્મની થપ્પીઓ ખડકાઈ ગઈ. ચણોઠીઓની રાતીચોળ ટોપલીઓ હાજર થઈ, અને પહાડોના કાળમીંઢ પથ્થરોમાંથી ઝરનાર રસના બનેલા ગુંદર શિલાજિતની સોગાદ થઈ. એ સૌની વચ્ચે ભીલકુમાર પોતાની બગલમાં બે નાનાં સિંહબચ્ચાં દબાવીને આવ્યો. એ બચ્ચાં એણે રાણીબહેનના ખોળામાં મૂકી દીધાં. કુંતાદે ડરી. રા’એ દાંત કાઢ્યા. નાનકડાં ધાવણાં બચ્ચાં જે ઘુરઘુરાટ કરતાં હતાં તે હજુ નકલી હતા. “રાખ બોન, રાખ. પાળી રાખજે. તારે ખપ લાગશે. તારી રક્ષા કરશે.” એમ કહીને ભીલયુવાન શું બહેનને કોઈ ચાલ્યા આવતા આપત્તિકાળની ચેતવણી આપતો હતો? હશે કદાચ, પણ રા’ને એની સરત નહોતી. એ તો શિલાજિતના શક્તિદાયી સેવનનું ધ્યાન ધરી રહ્યા હતા. રા’એ ને કુંતાદેએ એ ઝૂંપડાં જોયાં, જ્યાં સોમનાથની સહાયે જતાં હમીરજીનો સત્કાર થયો હતો, જ્યાં ભોજનનાં અને તે સાથે છૂપી વન-પ્રીતનાં પિરસણાં થયાં હતાં, ને જ્યાં પહેલી-છેલ્લી રાતનાં પોઢણ થયાં હતાં. રા’એ પેલી ઝાડઘટા જોઈ, જેની નીચે ઉઘાડી હવામાં હમીરજીના પુત્રનો પ્રસવ થયો હતો. એક રાત ત્યાં પડાવ રાખીને રા’એ રસાલો ઉપાડ્યો. પણ એ આખા નિવાસ દરમિયાન ભીલ જુવાનની માતા થોડી થોડી જ પ્રગટ થઈ હતી. એણે બન્યું ત્યાં સુધી પોતાની જાતને છુપાવી રાખી હતી. પોતાના પતિએ ને પિતાએ રક્ષેલા ને નિજ શોણિતથી છંટકારેલા દેવસ્થાનાંની છાયા હેઠળ પુત્રનું ગૌરવખંડન થયું તેની ખટક માતાના પ્રાણમાંથી રુઝાતી નહોતી. “જૂનાગઢ તેડાવીશ. આવજો.” એમ કહીને રા’એ રસાલો ઉપાડ્યો. પણ રા’ને જે એક વાતની ઝાઝી સરત નહોતી રહી તે તો આ હતી : ભીલજુવાન અને કુંતાદે વચ્ચે પરોવાઈ ગયેલી મમતા. ધ્રાફડ નદી ઊતરીને રા’ મોણિયાના માર્ગ પર ચડ્યા હતા. બીજા દિવસના બપોર ચડતા હતા. તે વખતે એણે ચાર દિવસ પર સાંભળી હતી તેવી પશુને મળતી કિકિયારી સાંભળી. કિકિયારી કરનાર પશુ નહોતો, પશુથીય બદતર દશામાં જઈ પડેલો એક માનવી હતો. એ હતો નગ્નહાલ ચારણ ભૂંથો રેઢ. કાળી ચીસ નાખીને નાસી જતા, ઠેકડા મારતા, વોંકળાની ભેખડો છલાંગતા એ લાંબાં મોટાં રૂંછડાંવાળા માનવીને કોઈક મીઠા દયામણા અવાજે બોલાવી રહ્યું છે : અવાજ એક સ્ત્રીનો છે : “ચારણ! ભાગ મા! ઠેકડા માર મા! સંતાઈ જા મા! ઊભો રે’, ઊભો રે’, આ લે, આ લે, ઊભો રે’, ચારણ.” ભૂંથો રેઢ અટકી જાય છે. વોંકળામાં વાછર ચરાવતી એક વૃદ્ધ બાઈ એના તરફ જાય છે. નગ્નહાલ ગાંડો પોતાની પીઠ ફેરવીને ઊભો છે. વૃદ્ધ સ્ત્રી પણ નીચું નિહાળી નિહાળી તેના તરફ જાય છે, ને નજીક પહોંચીને એક લૂગડું ફેંકે છે. પોતાના દેહ પર ઓઢેલ સફેદ ઊનનો ભેળિયો (ચારણીનું ઓઢણું) ઉતારીને ઘા કરે છે, ઘા કરતી કરતી બોલે છે : “માતાજી! ખમૈયાં કરજો, મૂંથી નથી જોવાતું! વીશ વરસ થઈ ગયાં. કેટલો બધો દખી થયો હશે? એનું કોણ? બહુ કરી, અહહહ! બહુ કરી. હવે તો મારું એક પણ પાપ ન હોય, તો માતાજી, એની એબને ઢંકાવા દેજો.” એમ બોલીને એ સ્ત્રી પોતાનો ભેળિયો એ માનવી તરફ ફેંકે છે. નગ્ન ચારણ એ ઝીલે છે. આજ વર્ષો સુધી એણે ભોગવેલી હાલત એકાએક બદલાય છે. ભેળિયો સળગતો નથી. ભેળિયો લઈને ચારણ પોતાની કમર ફરતો લપેટી લે છે, લપેટીને શાંતિ પામે છે, ઊભો રહે છે. પાછી આંસુ સારતી એ ડોશીની સામે કરુણાર્દ્ર નયને ને ગરીબડે મોંએ જોઈ રહે છે. અને એ અરધું અંગ ઢંકાયાની ખાતરી કરતો જાય છે. લપેટેલ ભેળિયો હેમખેમ છે કે નહિ તેની ખાતરી થયા પછી ધીરે પગલે ચાલી નીકળે છે. ચાલતો ચાલતો પણ એ ખાતરી કરતો જાય છે. લપેટેલ ભેળીઓ હેમખેમ છે કે નહિ તેની ખાતરી વારંવાર સ્પર્શ કરી કરીને મેળવે છે. પોતે મરી ગયો છે એવા સ્વપ્નમાંથી જાગી ઊઠેલો માણસ પોતાની હયાતીની ખાતરી કરતો કાળી મધરાતે જે લાગણી અનુભવે, તે લાગણી આ ચારણ અનુભવી રહ્યો. ને પોતાના મહાપરાધી માણસની એબ, ખુદ પોતે જ નવસ્ત્રી બનીને ઢાંકનાર એ બુઢ્ઢી બાઈ અર્ધઉઘાડા દેહે વાછરું હાંકતી ક્યારની ટૂંકા માર્ગે મોણિયા ગામ ભણી ચાલી નીકળી હતી. આ ઓઢણા વગરની બુઢ્ઢી બાઈનું અચરજ નિહાળતા નિહાળતા રા’ મોણિયાને પાદર ગયા. બપોરા કરવાનું ને રોંઢો ગાળવાનું રા’ના રસાલા માટે ત્યાં ઠર્યું હતું. ચારણોનું એ આખું ગામ ઢોલ-શરણાઈએ સામે હાલ્યું હતું. નહોતાં આવ્યાં ફક્ત એક ચારણી નાગબાઈ. રા’એ પૂછપરછ કરી ત્યારે એમને ખુલાસો કરવામાં આવ્યો કે, “આઈના સંસારમાં બધું એવું બની ગયું છે કે પોતે આવા રાજઅવસરે બહાર નીકળતાં નથી. ને આજ હૈયા ઉપર કાંઈક વધારે ભાર છે.” એ ભાર શેનો છે તે ખબર તો કોઈને નહોતી પડી. એનો પુત્ર ખૂંટકરણ ગઢવી, જે ચારણોનો ન્યાત-પટેલ હતો, ને પૌત્ર નાગાજણ ગઢવી, બેઉ હાજર હતા. નાગાજણ પાંચેક વર્ષ રા’થી નાનો હતો, પણ બોલવે ભારી વાતડાહ્યો નીકળ્યો. રા’ને નાગાજણે સાંજ સુધી એટલી બધી સુવાણ કરાવી કે રા’ને ને એને પ્રથમ મેળાપે જ પ્રીત બંધાઈ ગઈ. રા’ના ગયા પછી ગામમાં વાતો થઈ કે આઈ આજે વગડેથી ઉઘાડાં કેમ આવ્યાં હતાં? સાંજે ગૌધણ આવ્યાં ત્યારે ગોવાળોએ ખબર દીધા કે ઓલ્યા નાગાને કોઈકે છેવટે ઢાંક્યો છે. પણ એણે પહેરેલ તો હતો એક ભેળિયો. ને એ તો ગુલતાનમાં આવી જઈ બોલતો જાતો હતો કે, “ઢાંક્યો—ઢાંક્યો—મને એણે જ ઢાંક્યો!”