રા’ ગંગાજળિયો/૧૨. પૂજારીનું માનસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૨. પૂજારીનું માનસ

મેદની વીખરાયા પછી રા’એ મંદિરના મુખ્ય પુરોહિત સાથે એકાંતે મેળાપ કર્યો. પુરોહિત કનોજિયા બ્રાહ્મણ હતા. એમની અટક ગૌડ હતી. રાજા કુમારપાળના કાળમાં જે વિહસપત્તી ગૌડ હતા તેમના એ વંશજ થતા હતા. દેખાવે રૂપાળા હતા. રા’ની ને પુરોહિતની વચ્ચે નીચે મુજબ વાત ચાલી : “વીંજલ વાજાને સોમનાથનાં દર્શને આવતાં અટકાયત કરવાનું શું કારણ?” રા’એ પૂછ્યું. “એક કારણ તો એ છે કે એ શાપિત છે, ભયંકર રોગનો ભોગ થઈ પડેલા છે,” બોલતા ગૌડના તાંબૂલરંગ્યા દાંત દેખાયા. રા’ હસ્યા : “પણ મૂળ આ મંદિરની પ્રતિષ્ઠા જ ચંદ્રદેવે પોતાના ક્ષયરોગની શાંતિ કરવા અર્થે કરેલી છે. એને માથે પણ એના સસરા પ્રજાપતિનો શાપ હતો. સત્તાવીસમાંથી એક રોહિણી રાણી પ્રત્યેના એના પક્ષપાતને પરિણામે મળેલો એ શાપ હતો. એ શાપનું શમન જ ચંદ્રદેવે આ મંદિર સ્થાપીને મેળવ્યું હતું.” “દેવો તો ચાહે તે કરે; અમે માનવીઓ છીએ.” “માનવીઓ છો, છતાં અધિકારો તો દેવોના જ તમે ભોગવો છો ને? હમણાં જ મેં વારાંગનાઓને નાચતાં દીઠી!” “કોઈની વહુ-બેટીઓ ક્યાં ઉપાડી લાવ્યા છીએ? દેવની સેવિકાઓ છે.” ગૌડના શબ્દોમાં છૂપાં ભાલાં હતાં. “મારે તમને કહેવું જોઈએ, ગૌડજી! કે આ બધા નાટારંગે જ મંદિરનો ચાર વાર નાશ કરાવ્યો છે; કેમ કે એણે આપણી માણસાઈનો નાશ કર્યો હતો.” “એ બાત છોડ દીજિયે, રાજન.” પુરોહિતનો સ્વર દુભાયેલો હતો, “વીંજલ વાજાના નિષેધનું બીજું કારણ તો એ હતું કે, એણે બ્રાહ્મણરાજ ચંદ્રભાલ ઓઝાનો વધ કરી, સેંકડો બ્રહ્મહત્યાઓ કરી ઊનાનું રાજ લીધેલું તેની આ યોગ્ય સજા છે.” “તો પછી ત્રિવેણીના સૂર્યકુંડનાં દર્શને જતાં એનાં ઠકરાણાંની વે’લ્યના પડદા ઊંચા ચડાવીને બેઅદબી કરનારા બ્રાહ્મણોને દેવે કેમ કાંઈ સજા ન કરી? તમે પણ કેમ કશો દંડ ન દીધો?” “બ્રાહ્મણોનો વાદ કોઈએ શા માટે કરવો જોઈએ? જોકે મારે તમને આ વાતમાં વિશેષ ઠપકો દેવો રહે છે. તમે તો ખુદ સોમૈયાનો જ વાદ કરેલ છે.” “શો વાદ?” રા’ ચમક્યા. “રોજ ગંગાજળે સ્નાન કરો છો, ને પોતાને ગંગાજળિયો કહાવી રક્તપિત્તના શાપ ટાળવાનો દાવો ધરાવો છો.” “મેં શાપ ટાળવાનો દાવો કર્યો નથી.” “પ્રજામાં તો એમ જ બોલાય છે, ને અજ્ઞાનીઓની એ માન્યતા બંધાઈ છે. દેવનો કોપ શા માટે પ્રજ્વાલો છો, રાજન?” “દેવનો કોપ!” “ને પ્રજાનો પણ કોપ. સોરઠભરમાં તમારી સામે એ લાગણી પ્રસરી રહી છે. એ લાગણી લઈને દેશભરના યાત્રિકો પણ આંહીંથી જઈ રહેલ છે. તમે શું ન સાંભળ્યો એ અવાજ? શૂદ્રોને ફટવી મૂકેલા છે—એ લોકલાગણી તમારે માટે જોર પકડતી જાય છે.” રા’ના મોં પરની લાલી સુકાતી હતી. એણે કહ્યું : “શૂદ્રો શૂદ્રો કહી ક્યાં સુધી આપણું બળ ક્ષીણ કરવું છે, ગૌડજી? આ પાદશાહી હવે તો દરવાજે આવીને ઊભી છે.” “એ ઊભી છે તેનું કારણ જરા ઊંડું છે.” ગૌડાચાર્યે દલીલ ચલાવી : “બ્રાહ્મણોનું બળ ક્ષીણ કરવાનો પ્રયત્ન સોલંકીરાજ કુમારપાળે જ કર્યો હતો. આંહીં આ મંદિરની પ્રતિષ્ઠા કરવાને માટે એમને કોઈ ન મળેલો તે જૈન સાધુ હેમચંદ્ર જડ્યો. ખેપાન હતો એ હેમચંદ્ર; ચાલતે ગાડે ચડી જનારો હતો. રુદ્રમાળ જઈને રુદ્રની સ્તુતિ ગાતો હતો, ને સોલંકીરાજ આંહીં લઈ આવ્યા તો સોમનાથને સાષ્ટાંગ કરી શ્લોકો રટેલો. એટલું જ બસ નહોતું, તેણે રાજાના મન પર એવી ઇંદ્રજાલ પાથરી દીધી કે સોમનાથ પોતે જ જિન દેવતા છે. એના કહેવાથી તો સોલંકીરાજે મારા વડવા પાસેથી પુરોહિતપદ ખૂંચવી લીધેલું. એના શાપે આ નવું મંદિર પણ ત્રણ વાર ભંગાયું પરદેશીઓને હાથે! “એ શાપે? કે બ્રાહ્મણોના ભોગલાલસાભર્યાં આંહીંના જીવનને કારણે?” “બ્રાહ્મણો ભોગવતા નથી, બ્રાહ્મણો દ્વારા દેવ જ ભોગવે છે. ને બ્રાહ્મણોનું વર્ચસ્વ ટકાવશો ત્યાં સુધી જ તમે રાજાઓ ટકી રહેશો. શૂદ્રોને જગાડશો તો શૂદ્રો તમને જ ખાઈ જશે. ક્ષત્રિયોએ ટકવું હોય તો બ્રાહ્મણોનું વર્ચસ્વ સાચવી રાખે. ભૂવા હશે તો દેવ ટકશે.” “પણ ક્ષત્રિયો ખૂટી ગયા છે તે તો વિચારો. પાદશાહતનો દાવાનલ તસુએ તસુ ધરતી ભસ્મ કરતો આવે છે. તેની સામે કોણ ઊભશે દેવસ્થાનાં ટકાવવા? બ્રાહ્મણો?” “બ્રાહ્મણોનો એ ધર્મ નથી, તલવાર તો બ્રાહ્મણોએ તમને સોંપી છે.” “અમારી સંખ્યા ખૂટી છે, દાનત બગડી છે. કહું છું, ગૌડ, કે શૂદ્રોની તલવારને તમારી રક્ષાર્થે સ્વીકારો.” “અબ્રહ્મણ્યમ્.” “તો બધું યાવનમ્ યાવનમ્ બનશે.” “એ ભય અમને નહીં, તમને છે.” “તમને નહીં?” “ના. અમે તો જે સત્તા આવશે તેની રક્ષા હેઠળ મુકાઈ જશું.” “દ્રવ્ય દઈને?” “હા, તે પણ દેવું પડે.” “તે લખલૂટ દ્રવ્ય દેતાંય ગઝનવી જ્યોતિર્લિંગના ટુકડા કરતો અટક્યો હતો?” “ગઝનવીની બાત તમે સમજતા નથી. ગઝનવી તો પૂર્વાવતારમાં શંભુનો ગણ હતો. શિવ તો સ્વેચ્છાથી એની સાથે ગયા છે. એની નિંદા ન કરો.” આવી માન્યતા પૂજારીઓએ ચલાવી હતી, ને એ ચાર સૈકાથી લોકોને પાવામાં આવી હતી તે રા’ જાણતા હતા. છતાં અત્યારે સાંભળીને એ ખદખદી ઊઠ્યા; ત્યાં જ પાછું ગૌડે બળતામાં ઘી હોમ્યું: “દ્રવ્ય લઈને એ દૂર તો થઈ ગયો.” “એ દ્રવ્ય કોનું હતું?” “કોનું?” “દસ હજાર ગામડાંની ધરતી ખેડનાર શૂદ્રોનું.” “હશે.” “માટે કહું છું કે એ જ શૂદ્રોને યજ્ઞોપવિત પહેરાવી એની સમશેર પણ તમારી કરો.” “દેવની ઇચ્છા હશે ત્યારે એ જ કહેશે. અત્યારે તો દેવે મને સ્વપ્નમાં કહ્યું છે તે આ છે કે, શંભુની નકલ સોરઠરાજે ન કરવી.” “બ્રાહ્મણો, ત્યારે તો, મારાથી અસંતુષ્ટ લાગે છે.” “છે જ. ને હું આપને બીજું પણ કહી દઉં : મુસ્લિમો અમારાં દેવસ્થાનોની સંપૂર્ણ અદબ કરવાનાં કહેણ પણ મોકલી રહ્યાં છે.” રા’ ચમક્યા. એને સમજ પડી. એનો જીવ ઊંડો ઊતરી ગયો. એને જાણ થઈ કે મુસ્લિમો ફક્ત આંગણાની પાસે જ નથી ઊભા, છેક આંતરનિવાસમાં પહોંચી ગયા છે. “આ શું બોલો છો, ગૌડ? કઈ કાળ-વિપત્તિ નોતરવા માંડી છે, મને કહો તો ખરા!” “અમે સમજ વગર નથી કરતા.” “આ રહ્યાંસહ્યાં પણ તોડાવવાં છે?” “એકાદ-બે મસ્જિદો બનાવશે એટલું જ ને?” “હાં, હાં, ત્યારે તો આ તૂટેલાં પડેલાં શંકુ-શૃંગો પણ…” —એમ કહેતા રા’ ઊભા થયા ને મંદિરની બહાર નીકળી ગયા. તે પછી સાગરતટે ઊભા રહીને એણે સળગતા સૂર્યના તાપમાં મંદિરનાં ખંડિત શિખરો પર નેત્રો ઠેરવી રાખ્યાં. નેત્રોમાંથી અશ્રુધારા ખળખળી ગઈ.