બે દેશ દીપક/અભય

Revision as of 05:07, 12 January 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અભય|}} {{Poem2Open}} વેદના ગાનારાઓએ સપ્તસિંધુને તીરે બેસી ‘અભય'ની ગ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
અભય

વેદના ગાનારાઓએ સપ્તસિંધુને તીરે બેસી ‘અભય'ની ગાથાઓ લલકારી. मा भै मा भै: ડરીશ ના! કોઈથી ડરીશ ના! એવા મંત્રો ગવાડ્યા. ‘અભય'નું એ ગાન વિશ્વનું મહાગાન મનાયું છે. અન્ય એકેય ધ્વનિ એ ‘અભય'ના નાદ થકી ઉંચેરો જાણ્યો નથી. ‘અભય' સિવાય અન્ય મૂક્તિ પણ સરજાયેલી નથી. જગતને મનુષ્ય પગલે ને ડગલે ભયભીત બની જીવતા નરકનો અનુભવ કરે છે. માનવી જ્ઞાતિથી ને જાતિથી ડર્યો છે, ધર્માચાર્યોથી કંપે છે, રાજસત્તાથી થરથર્યો છે, વિરોધીઓના નિંદાપ્રલાપથી એ નાહિમ્મત બન્યો છે, ભય પામીને એણે પોતાની એબો છુપાવી છે, વિચાર–સ્વાતંત્ર્યને રુંધ્યું છે, મનની નબળાઈને ભલમનસાઈના રંગે રંગી છે, અને સ્વાર્થસિદ્ધિને વ્યવહારકુશળતાનાં વસ્ત્રો પહેરાવ્યાં છે. સંસાર આવા ક્ષુદ્ર મનુષ્યોથી ખદબદી રહ્યો છે. કોઈ કોઈ પુરુષસિંહ પાક્યો છે, કે જેણે વેદ-ગાયેલા એ ‘અભય'ને જીવનમાં ઝીલ્યું હોય. લાલાજીના જીવનની પલેપલ એ અભય-નાદને સાર્થક કરી ગઈ છે. જીવનના એકેએક ક્ષેત્રમાં કોઈની શેહમાં અંજાઈ જઈ પોતાને સૂઝેલું સત્ય ઉચ્ચારી કાઢતાં એ અટક્યા નથી. એની સમાધિ પર બસ એક જ બોલ લખાવો ઘટે છે – અભય! જીવનમાં પહેલીવાર એ નિર્ભયતાનો નાદ એણે ૧૮૮૮માં ત્રેવીસ જ વર્ષની યુવાન વયમાં ઉચ્ચાર્યો પોતાના રાજકારણી ગુરૂદેવ સર સૈયદ એહમદની સામે એકત્રિત આર્યાવર્તનાં સ્વપ્નાં સેવનાર, હિન્દુ અને મુસલમાન કોમને પોતાની જમણી ને ડાબી આંખો કહેનાર અને દયાનંદે વેદ માટે કર્યું તેવી રીતનું કુરાનનું બુદ્ધિગમ્ય વિશાળ ભાષ્ય તૈયાર કરનાર એ મહાન મુસ્લિમ સૈયદ એહમદ લાલાજીના આરાધ્ય દેવતા હતા. એને ચરણે બેસીને પિતાપુત્રે હિન્દી રાષ્ટ્રવાદની દીક્ષા લીધેલી. પરંતુ ૧૮૮૫માં મહાસભાનો પાયો નખાયા પછી એક દુર્ભાગ્ય-દિનનો સૂરજ ઉગ્યોઃ સૈયદ એહમદને ‘સર' ની પદવી મળી. એણે પાસું બદલ્યું. કુરાનના ઉદાર અર્થ કરવા છોડીને એ પુરુષ કોમી ઝનૂન જાગૃત કરવા બેઠા. ઐક્યનું સ્વપ્ન ઊડી ગયું. વીસ વરસના લાજપતે જોયું કે પોતાની આરાધ્ય પ્રતિમાના ટુકડા થઈ ગયા. એણે સર સૈયદ પર ખુલા પત્રો લખ્યા, સર સૈયદની નવી પ્રવૃત્તિને એણે ધિક્કારી કાઢી. પરંતુ એ ધિક્કાર કોઈ દુશ્મનનો, ગુસ્સા ને દ્વેષથી ભરેલો સસ્તો ધિક્કાર નહોતો, એ તો ઘવાયેલા મિત્ર–હૃદયના રૂધિર વડે લખાએલો, બહુમૂલો તિરસ્કાર હતો.

‘કોણ છે આ લાજપતરાય?' તાડૂકીને એક આદમીએ કરડો અવાજ કાઢ્યો. એ અવાજ ફિરોઝશા મહેતાનો હતો ઈ. સ. ૧૯૦૪ નું વર્ષ હતું : મુંબઈ મુકામે મહાસભા મળી હતી. મુંબઈના સિંહ સર ફિરોઝશાની આણ વર્તતી હતી. એના પ્રભાવશાળી વ્યક્તિત્વના તાપમાં દેશના તમામ નેતાઓનું તેજ કરમાતું હતું. પોતાની દલીલશક્તિના અગ્નિ વડે એ પુરુષ સહુ કોઈને ડારતા હતા, એની સામે ઊઠનારની આબરૂના કાંકરા થઈ જતા હતા પરંતુ આ અધિવેશનમાં એને પોતાનો પ્રતિસ્પધીં લાધ્યો. વિષયસમિતિની બેઠકમાં મહાસભાના બંધારણનો પ્રશ્ન સળગ્યો હતો. વૃદ્ધ ફિરોઝશા શહેનશાહી અવાજે તાડૂકી ઊઠ્યા કે ‘મારા મંતવ્ય ઉપર આટલી ધૃષ્ટ ટીકા કરનાર આ લાજપતરાય કોણ છે?' ‘હું છું એ લાજપતરાય!' કહેતો ચાલીશ વર્ષનો પંજાબી નેતા એક ખૂણામાંથી વિદ્યતવેગે ખડો થઈ ગયો. એની મુખદ્રામાં હિમ્મત અને ગૈારવ ઝલકી રહ્યાં હતાં: પંદર મિનિટ સુધી એણે ફીરોઝશાના પંથભૂલ્યા વિચારો પર વાગ્ધારા ચલાવી. વિનયનો દોર ચૂક્યા વગર એના એકેએક મુદ્દાને તેજસ્વી દલીલોથી ચૂર્ણ કર્યો. ફિરોઝશાએ જીવનમાં પહેલી જ વાર તે દિવસે હાર ખાધી.

‘અભય'નાં મૂલ ચૂકવવાં અઘરાં હતાં. એ દિવસેામાં આજીજી, અરજી અને કૃપાયાચનાના ઠરાવ થતા હતા. પરંતુ કાશીની મહાસભામાં એ ભિક્ષા-યુગના કાળની અંદર ૧૯૦૫ની સાલમાં લાલાજીએ પંજાબમાં વર્તતી દમન-નીતિ પર પોતાની તલવાર શી તાતી તિરસ્કાર-ધારા ચલાવી. એ ‘અભય'નાં મૂલ એણે છ માસ સુધીની હદપારી વડે અને માંડલેના કારાવાસની વેદનાઓ વડે ચૂકવ્યાં. છ માસે છૂટી થતાં જ એ તલવાર મ્યાનમાંથી બહાર ખેંચાણી. એની ધાર બુઠી થવાને બદલે પીડનોનું પાણી પીપીને અધિક તેજીલી બની.

પોતે ઈંગ્લાંડ ઉપડ્યા છે. ૧૯૦૮નું વર્ષ છે : બ્લેકબર્નના સભામંડપમાં લેંકેશાયરનો શ્રોતાવર્ગ ઠાંસોઠાંસ ભરાયો છે. લાલાજી જાણે છે કે હિન્દ ઉપર સાચું શાસન લેંકેશાયર અને માન્ચેસ્ટરનું જ ચાલી રહ્યું છે, પાર્લામેન્ટ અને પ્રધાનમંડળ આ બે નગરોના મીલ-માલેકોની ભ્રકૂટીની કમાન પર ચાલે છે, અને અગાઉ કોઈ હિન્દીને મોંયેથી આ સુંવાળી ચામડીના હિન્દશોષક વેપારીઓએ અસભ્ય બોલ સાંભળ્યો નથી : સાંભળે તો સહન કરે કે કેમ તેનો સંદેહ છે. છતાં લાલાજી તો ‘અભય'નો પ્યાલો પી કરીને મસ્ત હતા. પોતાનું શું થશે તેની એને ખેવના નહોતી. એ બોલ્યા : વેદનાના સ્વરો થકી ગુંજતા અવાજે એણે અંગ્રેજી વાણી પરનું પોતાનું પ્રભુત્વ વહેતું મૂક્યું : ‘હું આંહીં બ્રીટીશ પ્રજા કે બ્રીટીશ સરકારની પાસે કશું ભીખવા માટે નથી આવ્યો. કેમકે હું માનું છું કે મારા દેશને ભીખવાથી અથવા પ્રાર્થના કરવાથી કશું નથી મળવાનું. હું તો અહીં આવ્યો છું તે ફક્ત તમને જણાવવા માટે, કે તમારું મહાબ્રીટન હિન્દ તરફ કેવી રીતે વર્તન ચલાવે છે અને હિન્દને કેવી રીતે લૂંટે છે!' આ શબ્દો પૂરાં વીસ વર્ષ પૂર્વે બોલાયા હતા. શત્રુના ઘરના ઊંબરમાં ઊભીને ઉચ્ચારાયા હતા.

મહાત્મા ગાંધીજીની બોલબાલા હતી. ‘બાપુ'નો પડ્યો બોલ દેશભરમાં ઝીલાતો. એ પુરુષની નરમાશની અંદર પણ એવું તેજ સંઘરાયું હતું, કે ભલભલાઓના હોઠ ફફડીને અણઊઘડ્યા રહેતા. એ પ્રતાપ કરડી મુખમુદ્રાનો, કતલ કરતી જીભનો કે સામાની પ્રતિષ્ઠા હણતી એકચક્રી કાર્યપદ્ધતિનો ફીરોઝશાહી પ્રતાપ નહોતો, પણ વિશુદ્ધ જીવનના આત્મસમર્પણનો સત્યાગ્રહી પ્રતાપ હતો. તેથી જ એની સામે બોલવા ઊઠવું એ ૧૯૨૦ ના એના દેશવ્યાપી સત-દાવાનળને સમયે સહેલું નહોતું. એવે ટાણે કલકતાની અસાધારણ મહાસભાના અધિવેશનમાં અસહકારનું સમર્થન કરતાં મહાત્માજી બોલ્યા કે ‘હું સ્વરાજ કરતાં પણ રામરાજનો પક્ષકાર છું. જો પંજાબના હત્યાકાંડનું અને ખિલાફતના અન્યાયનું પ્રાયશ્ચિત્ત બ્રીટીશ સરકાર કરી કાઢે અને એ બે મુદ્દાઓ ઉપર પ્રજાને સંતોષી લે, તો મારે એની સામે કશું કહેવાનું રહે નહિ વગેરે.' ‘ના જી!' કહેતા લાલાજી પ્રમુખસ્થાનેથી ઊછળી પડ્યા, ‘ મારે તો સ્વરાજને જ ખાતર સ્વરાજ જોઈએ છે. પરદેશીઓ છો ને દેવના દીકરા હોય, છો ને એમની સામે આપણે એક પણ ફરિયાદ ન હોય, છતાં મારે તો હિન્દના ઉપર હિન્દીનું જ રાજ જોઈએ છે. મારે રામરાજ નથી ખપતું.' ગાંધીયુગના તપતા મધ્યાહને બોલાએલા આ શબ્દો છે. Brutally frank: નિષ્ઠૂરતાપૂર્વક નિખાલસ : એ એમણે પોતાને માટે તેમજ પોતાની સમસ્ત પંજાબી ઓલાદને માટે સ્વીકારેલું વિશેષણ પોતાના જીવનના આખરકાળ સુધી સાર્થક કરી બતાવ્યું છે. લોઈડ જ્યોર્જને ખુલ્લો પત્ર લખ્યો, મોન્ટેગૂને લખ્યો, અસહકારના ભરસંગ્રામમાંથી વિનીતોના દળ ઉપર હૂમલો કર્યો, સાઈમન કમીશનના સત્કાર વિરૂદ્ધ વરિષ્ટ ધારાસભામાં ઉત્તમોત્તમ વ્યાખ્યાનોની પંકિતમાં બેસે તેવું વ્યાખ્યાન આપતાં સરકારની બાજી પર બેાલ્યા, અથવા તો લખનૌની મહાસમિતિ વેળા સ્વાતંત્ર્યવાદના દેવયુગલ જવાહર-સુભાષ પર ટીકા કરી : તે તમામમાં એ જ ‘અભય' ગાજી રહ્યો છે. એ જ વજ્રટંકાર સંભળાય છે. અને એ નિખાલસપણાની રમૂજી અાંકણી પોતે સ્વયમેવ કરી કાઢી છે કે ‘I have already earned a name for being tactless and indiscrect: વ્યવહારશૂન્ય અને બેવકૂફ તરીકે તો મેં ક્યારનું યે નામ કાઢ્યું છે.' પરંતુ નિખાલસપણું-સ્પષ્ટવક્તૃત્વ એટલે ઉધ્ધતાઈ નહિ. ત્રીસ કરોડ લોકો અરધી સદી સુધી તુંડમિજાજીને પોતાની આગેવાનીની કલગી ન જ પહેરાવી રાખે. બેાલવું કંઈક અને આચરવું બીજું કંઈક, એવા દંભનાં-છલનાં શાસન આર્યાવર્ત જેવા મહાન દેશનાં મનુષ્યો પર વિશેષ ચાલ્યાં નથી. નિખાલસપણાનો અધિકાર આટલી વાતો માગી લે છે : બોલ્યા મુજબનું આચરણઃ નિઃસ્વાર્થી કારકીર્દિ : અંગત કડવાશ વિનાની ખલાડી-નીતિ : પોતાના મતસમર્થન પૂરતો વિશાળ અનુભવ અને ઊંડો અભ્યાસ : સત્ય સૂઝવાની ક્ષણે જ દોષોને સ્વીકાર : સત્ય સૂઝાડનારની સરદારી નીચે અદના સિપાહી બનીને આત્મસમર્પણને પંથે નીકળી પડવાની નિરભિમાનતા : ને સર્વોપરિ તો નિષ્કલંક ચારિત્ર, લાજપતરાયનું જીવન–સરવૈયું કાઢનારાઓ એકસ્વરે બોલી ઊઠ્યા છે કે એની કારકીર્દિમાં આ તમામ ગુણોનો સંયોગ થતો હતો.