રાતભર વરસાદ/૩

Revision as of 21:20, 15 January 2022 by Atulraval (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


જાણે કોઈ બંધ તૂટ્યો હોય એમ લાગ્યું – પૂરમાં – એક ઘોડાપૂરમાં હું તણાઈ ગઈ. કદાચ સવારથી જ મહાકાય કાળાં વાદળ ભેગાં થતાં હતાં – દિવસ અંધારો થતો હતો – વધારે અંધારો – ઝાંખા ભૂરા બોગદા જેવો, ગરમ અને ભેજવાળો, ગૂંગળાવતો. સાંજે વાદળાં પ્રચંડ ગડગડાટ સાથે તૂટી પડ્યાં, ધોધમાર વરસાદ, અટક્યા વિના – મારા શરીરને કચડતો, તેનો ઉપભોગ કરતો, તેને વેરવિખેર કરી નાંખતો. તેં મને આમ જ કર્યું, જયંત. તારે ખાતર હું સો વાર લોટન બની ગઈ. મારા નાનકડા શરીરના ઊંડાણમાં આ ઘેરું વાદળ ક્યારનું ક્યાં છૂપાયું હતું? તો પછી મેં નયનાંશુને ક્યારેય ચાહ્યો ન હતો? ના, એમ નથી – એમ નથી કે મેં તેને ક્યારેય ચાહ્યો નથી પણ હું ક્યારેય સંપૂર્ણપણે તેની નથી થઈ. હવે મને સમજાય છે. અજાણતાં, મારો કોઈ એક અંશ મેં એક બાજુ પર રાખ્યો હતો. મારો એ અંગત, ગહન અને મૂળભુત અંશ મેં તારે માટે સાચવી રાખ્યો હતો, જયંત. તે મારો પતિ છે. અનેક રાતે, વર્ષો સુધી હું તેની બાજુમાં સૂતી છું. બેબી તેનાથી થયેલી મારી દીકરી છે. પણ એ બધાંનો કાંઈ જ અર્થ નથી. એક સભાન વિચાર, સાચી કામના કે પ્રેમ વિના પણ થોડી જ મિનિટોમાં સ્ત્રીના પેટમાં ગર્ભાધાન નથી થતું? હવે મને સમજાય છે કે સાત બાળકોની માતા પણ કેવી રીતે કુમારિકા રહી શકે છે – અસંખ્ય ઘરોમાં પત્નીઓ ત્રીસેક વર્ષનું પરિણીત જીવન મૂંગા અને બહેરા શરીરમાં જીવી હશે અને તેની તેમને ખબર પણ નહીં હોય. અને શું મને આ રહસ્ય ખબર પડયું હોત – જો હું જયંતને ન મળી હોત તો? અમે જ્યારે નવાં પરણેલાં હતાં ત્યારે પણ અંશુ મને પોતાની જાતમાંથી ખેંચી લાવીને, તાણીને ડૂબાડી દેતો ન હતો જેમ પેલા વાદળો સતત પડતા મૂશળધાર વરસાદમાં બધું જ નિ:શેષ કરી મૂકે છે. સ્ત્રીઓને ખરેખર ખબર ક્યારે પડે છે કે તે એક સ્ત્રી, એક નારી છે? કદાચ દરેકનો અનુભવ જુદો હશે. મારા ફ્રૉક પર લોહીનો ડાઘ જોઈને હું ગભરાઈને રડવા બેઠી હતી. તે વખતે હું સ્કૂલમાં હતી અને અમે નાસ્તાની રિસેસમાં સંતાકૂકડી રમતા હતા. સાડી પહેરતી છોકરીઓ મને રડતી જોઈને હસવા માંડેલી. હેડમિસ્ટ્રેસે મને સ્કૂલની નર્સ સાથે ઘરે મોકલી આપી હતી. મને થયું કે મને કોઈ ખરાબ રોગ થયો છે અને હવે હું મરી જઈશ. મારી માએ મને શાંત પાડી. તેણે મને ખૂબ વહાલ કર્યું અને હૂંફ આપી. તેણે મને જે કાંઈ કહ્યું એમાંથી હું એટલું સમજી કે બાર વર્ષની ઉંમરથી બધી જ સ્ત્રીઓ સમવયસ્ક થઈ જાય છે અને તે બધી જ એક એવી રહસ્યમય દુનિયામાં સરખેસરખી ભાગીદાર થઈ જાય છે જેમાં પુરૂષોનું કોઈ જ સ્થાન નથી હોતું પણ ત્યાં તેમની જ હકૂમત ચાલે છે – આ દુનિયા ખરેખર તો તેમને માટે જ બનાવવામાં આવી છે કે બની રહી છે. આ રહસ્યે મને – એક છઠ્‌ઠા ધોરણમાં ભણતી અને પોતાના ચોટલા ઝૂલાવતી છોકરીને શોધી કાઢી, તે જાણીને હું સ્તબ્ધ થઈ ગઈ હતી. સાથે સાથે મને થોડો ગર્વ પણ થતો હતો. હું તેર વર્ષની થઈ તે પહેલાં મને મારી માએ સાડી પહેરાવવા માંડી. બંગાળી છોકરીના જીવનમાં સાડી પહેરવા માંડવી એટલે એક દીક્ષા જેવું કહેવાય. રૂઢિચુસ્ત બ્રાહ્મણ કુટુંબના છોકરાઓને માટે જનોઈ હોય છે તેમ જ. પહેલાં પહેલાં સાડી પહેરવાનું ગમે તેટલું અઘરું કે અગવડભર્યું લાગે – દોરડા કૂદવા કે સંતાકૂકડી જેવી રમતમાં અવરોધ પણ કરે – પણ તેનાથી એક જાતની સ્ત્રૈણ, સુંદર અને પ્રતિષ્ઠિત મૂર્તિ ઊભી થતી હતી. મારા વિકસી રહેલાં સ્તનને ઢાંકવા હું કેવા કેવા હાસ્યાસ્પદ પ્રયત્નો કરતી – એનાથી મને કેટલી શરમ આવતી – સૂતાં પહેલાં હું મારી સાડીના પાલવના પરબિડિયામાં ઘૂસી જતી – જાણતી હતી કે એમાં મારો અમૂલ્ય – લાખો રૂપિયાનો કાગળ સચવાયો છે. એક દિવસ મારા ધ્યાનમાં એક એવી વસ્તુ આવી કે જે આખા ઘરમાં બીજા કોઈની નજરે ચડી ન હતી. અમારા બાથરૂમના દરવાજામાં એક નાનકડું કાણું હતું – એકદમ નાનું, મારી આંગળી પણ ન જાય એટલું નાનું. આસપાસ કોઈ ન હતું ત્યારે મેં જોઈ લીધું કે એક આંખ બંધ કરીને તેમાંથી જોતાં બાથરૂમમાં શું ચાલે છે તે જોઈ શકાતું હતું. ત્યારથી નહાવા જતાં પહેલાં હું કાગળના ડૂચાથી તે કાણું બંધ કરી દેતી જેથી કોઈ પણ મને જોઈ શકે નહીં. આવા ખાતરીવાળા એકાંતમાં નહાતાં પહેલાં કે પછી હું ચાટલામાં મારી જાતને જોતી. મારા વધતા જતા સૌંદર્યને, મારા પાતળા, નગ્ન, ગાભરૂ પણ ખુશમિજાજ શરીરને, મારા પહેલા વરસાદના ફૂલોને, મારા સાંકડા ખભાને, મારા નાનકડા પેટને હું જોઈ રહેતી. આ બધાંને હળવેથી પંપાળતી અને મારી જાતને કહેતી, ‘તું સરસ છે, તું મારી છે, બીજાંની પણ છું, ધીરજ ધર.’ કૉલેજમાં આવી ત્યાં સુધીમાં મારા શરીરની શરમ જતી રહી હતી. મારી મા કરતાં હું ઊંચી થઈ ગઈ હતી. લોકો કહેતાં કે હું સુંદર છું. હું સ્ત્રી તરીકે જન્મી એનો મને આનંદ હતો કરણ કે હું જાતજાતની ભાતભાતની અને રંગબેરંગી સાડી પહેરી શકતી. એક દિવસ મારી માએ મને એક એક કરીને તેના બધા જ દાગીના બતાવ્યા. સોનાનો ચંદ્રના આકારનો કૉલર, તલના જેવા મણકાની માળા, દામણી, રત્નજડિત માળા અને બંગડી અને બીજી ઘણી વસ્તુઓ જે મેં તેને પહેરતાં જોઈ જ ન હતી. મોટેથી મેં કહ્યું, ‘કેટલું ગૉડી! સારું છે કે હવે આટલાં બધાં ઘરેણાં પહેરવાની ફૅશન નથી.’ પણ અંદરથી તો હું રાજી થઈ હતી કે એક શરીરને શણગારવા માટે આટલી બધી વસ્તુઓની જરૂર છે અને લોકોને પણ એમ લાગતું કે આ બધું જરૂરી છે. ત્યાર બાદ જ્યારે પણ કોઈ લગ્નપ્રસંગ હોય કે કોઈની જન્મદિવસની પાર્ટી હોય ત્યારે મારી મા કાંઈ ને કાંઈ દાગીનો મને પહેરાવતી અને હું કોઈ પણ જાતના વિરોધ વિના તે પહેરતી. ખરેખર તો મને એમ લાગતું કે હું મારી જાતને જેવી બનાવવા માગતી હતી કે મારી જાતની જે કલ્પના કરતી હતી તેવી બનવામાં આ દાગીના મદદરૂપ થતા હતા. આની વધુ સાબિતી છોકરાઓની નજર અને વર્તણૂક પરથી મળતી હતી. જો કે તેમાંના ઘણાને તો હું અસંસ્કારી અને મૂર્ખ માનતી હતી. ચૌદ અને અઢાર વર્ષની વચ્ચે અનિવાર્યપણે બેચાર મામૂલી પ્રેમપ્રસંગ મારે ભાગે પણ આવ્યા હતા. તેમાંનો એક કદાચ વધુ આગળ વધત પણ અચાનક તે છોકરો પરદેશ જતો રહ્યો અને થોડાં આંસુ સારીને હું પણ તેને ભૂલી ગઈ. હું જ્યારે BAમાં ભણતી હતી ત્યારે મારી એક સરસ છાપ હતી – એક સ્માર્ટ, આકર્ષક, વિનોદી અને હોંશિયાર યુવાન સ્ત્રી તરીકેની. કૉલેજના કોઈ પણ કાર્યક્રમમાં મને પહેલું આમંત્રણ મળતું. જ્યારે નયનાંશુ અમારી કૉલેજમાં ભણાવવા આવ્યો ત્યારે બધી જ છોકરીઓ તેનાથી પ્રભાવિત થઈને તેની આસપાસ ફરતી હતી. મેં પણ સ્પર્ધામાં ઝંપલાવ્યું. મજાક ખાતર મેં તેની પાસે જઈને તેનો પરિચય કર્યો હતો. પણ ગંભીર સ્વભાવના નયનાંશુએ એ મજાકને એવા સંબંધમાં ઢાળી દીધી કે બે-ત્રણ મહિનામાં હું પણ અમારા સંબંધને જીવન-મરણના સવાલ તરીકે જોવા લાગી. મારું નસીબ પણ એવું કે મારા વડીલોએ પણ તેમની સંમતિ અપવામાં ઢીલ ન કરી. જો કે મારી માએ તો પોતાની બાળપણની એક બહેનપણીના છોકરા પર પોતાની પસંદગી ઉતારી હતી અને વાત થોડી આગળ પણ ચલાવી હતી. લગ્ન પછી જાણે રાતોરાત મારામાં એક નવી જ વ્યક્તિએ જન્મ લીધો. અંશુની મા, કાકી અને ફોઈઓ પાસેથી વહુ શબ્દ સાંભળતા હું જાણે મંત્રમુગ્ધ થઈ જતી. આ બંગાળી શબ્દનો અર્થ – લિજ્જત જાણે મારા અંગે અંગ પર છવાઈ જતી અને મને લાગતું કે આટલા દિવસ બહારથી ઝગમગ થતી હોવ છતાં અંદરથી તો હું એક પોલા કોચલા જેવી હતી. મારું આખું જીવન આમ જ વીતી જાત, જો અંશુ – ના, જયંત – ના, ના, મારે લીધે જ આ બધું થયું છે. જયંત, તને યાદ છે આપણી પહેલી મુલાકાત? શિયાળો હતો. નયનાંશુ તને ઑફિસમાંથી ઘરે લઈ આવેલો. તેણે ગ્રે પૅન્ટ અને એક સરસ ચોખ્ખી ટાઈ ઉપર ટ્‌વીડનો કોટ પહેર્યો હતો. તેના ચહેરા પર કે પહેરવેશ પર આઠ કલાકની સખત મહેનતના કોઈ જ ચિન્હ દેખાતાં ન હતાં. અને તું – ધોતી અને ઝભ્ભા (થોડાં મેલાં) ઉપર એક કધોણી નહેરૂ બંડી અને તારા પગ અને સૅન્ડલ તો ધૂળથી ખરડાયેલાં અને તારું ઊંચું, કદાવર શરીર અને ચશ્મા પાછળ ચમકતી આંખો. અંશુ નહાવા ગયો ત્યારે મેં તને ચા આપી અને તારી સાથે બેઠી. અંશુ શિયાળામાં પણ સાંજે નહાતો. તારી સાથે વાતો કરવા માંડી. અમારા ઘરનો નિયમ એવો હતો કે મારા પતિના મિત્રો સાથે મારે પણ મિત્રતા કેળવવાની – તેઓ મને ગમે કે ન ગમે! અમારા લગ્નના બરાબર એક વર્ષે નયનાંશુએ કૉલેજમાં ભણાવવાનું છોડી દીધું અને ક્લાઈવ સ્ટ્રીટ પર એક એડ્‌વર્ટાઈઝિંગ કંપનીમાં નોકરી લીધી. તેનો પગાર અઢીસોથી વધીને સીધો સાડાચારસો થઈ ગયો. અમે બેલઘાટ છોડીને આ ઝૌતોલા રોડના નવા બંધાયેલા સુઘડ ફ્લૅટમાં રહેવા આવ્યા. નયનાંશુએ તેની રૂચિ પ્રમાણે ફ્લૅટ શણગાર્યો – ખરેખર તો તેની રૂચિ પ્રમાણે મેં શણગાર્યો. તેના મત અનુસાર અમારું પરિણીત જીવન હવે જ શરૂ થયું હતું. તેનું મિત્રમંડળ મોટું હતું. લગભગ રોજ સાંજે કોઈ ને કોઈ અમારે ત્યાં આવતું. રવિવારે સવારે તો મંડળી બપોરે દોઢ સુધી વિખરાતી જ નહીં અને કોઈક રાતે તો સાડાદસ અગિયાર થઈ જતા. બેલઘાટમાં તેના મિત્રો નીચેના રૂમમાં મળતા. હું ઉપર રહેતી. મારા સાસુ નોકર સાથે ચા મોકલાવતા કે પછી તેઓ ફેવરીટ કેબીનમાં ચા પીવા જતા કે કોઈ બીજાને ત્યાં મળતા. મને આ વ્યવસ્થા સહજ અને વ્યાજબી લાગતી. પણ નયનાંશુને તેમ લાગતું નહીં. તે મને તેના મિત્રો વિશે વાત કરતો. આ બુદ્ધિશાળી છે અને પેલો વાતચીતમાં બાહોશ છે. હું આ બધાંને મળી ન શકતી તેનું તેને ખૂબ દુઃખ થતું. હું કહેતી, ‘જે ચાલે છે તે બરાબર છે – આ બધાંને મળવાનું મારે માટે જરૂરી નથી.’ મને એમ જ લાગતું હતું. તે વખતે હું અંશુને પહોંચી વળું તેમ હતી પણ તેણે મને ઠસાવ્યું કે જો સ્ત્રીઓ પુરૂષોેને મળે નહીં તો તે – સ્ત્રીઓ – મૂર્ખ અને અશિક્ષિત રહી જાય. સ્ત્રીઓ જો માત્ર ઘરરખુ પત્ની બની રહે અને તેમના સગાઓના વર્તુળની બહાર જ ન આવે તો તેમનો એક વ્યક્તિ તરીકે વિકાસ જ ન થાય. અમે અમારા નવા ઘરમાં આવ્યા પછી મને અંશુએ તેના અડ્‌ડાની બેઠકમાં ભાગ લેવા ફરજ પાડી. તેના મિત્રો ભાગ્યે જ તેમની પત્ની સાથે આવતા. કેટલાંક તો પરણ્યા પણ ન હતા. આ એક સારું સજાવેલું ઘર હતું. અહીં માત્ર પતિ અને પત્ની જ હતાં અને પૂરતી ચા ફરતી રહેતી. તદુપરાંત એક સ્ત્રીનો વ્યવસ્થિત કારભાર હતો અને તેની સોબત પણ મળતી. આવી જગાની બેઠકમાં કોને આનંદ ન આવે? એક તો આ બેઠકમાં માત્ર પુરૂષો જ હતા જેમાંના કેટલાયને હું બરાબર જાણતી પણ ન હતી અને મારે તેમની જાતજાતના વિષયો – સુધીન્દ્ર દત્તાની કવિતાથી માંડીને આફ્રિકાના રાજકારણ સુધીના! – પરની દલીલો સાંભળવી પડતી. નયનાંશુને જરાય ખ્યાલ હતો કે આ બધાંમાં મને કેટલો કંટાળો આવતો હતો? હું એટલી બધી બેચેન થઈ જતી કે મને ગૂંગળામણ થતી. ત્યાં ચૂપચાપ બેસી રહેવાથી મારાં જડબાં દુખી જતાં. મને મારાં માતાપિતા યાદ આવતાં, બેલઘાટના કુટુંબની સ્ત્રીઓ યાદ આવતી. તેના ફુરસદના સમયમાં પણ હું મારા પતિ સાથે એકલી પડતી ન હોવાથી હું ઘણી અસ્વસ્થ રહેતી. જો આવું જ થવાનું હતું તો સંયુક્ત કુટુંબમાંથી છૂટા થઈને એકલા રહેવાનો ફાયદો શું? હું ફરિયાદ કરતી, ‘તું શા માટે હંમેશા મને તારા મિત્રોની વચ્ચે ખેંચી જાય છે?’ ‘તું થોડી પડદો પાળે છે?’ ‘આ કાંઈ પડદો પાળવાનો સવાલ નથી. કોઈ પણ કારણ વિના મારે શા માટે ત્યાં બેસી રહેવાનું?’ ‘કારણ વિના કેમ કહે છે – આ તારું ઘર નથી? તારે આખો વખત ત્યાં બેસી રહેવું જરૂરી નથી. તને કંટાળો આવે ત્યારે તું ઊભી થઈને અંદર જઈ શકે છે. બસ, અવારનવાર તારે મોં બતાવી જવું.’ ‘કેમ, તારી પત્ની દેખાડો કરવાની વસ્તુ છે?’ ‘આવું તે કહેવાય?’ અંશુનું મોં પડી ગયું. ‘તું ત્યાં નથી હોતી તો કાંઈ ખૂટતું લાગે છે – એટલે.’ ક્ષણેક ચૂપ રહીને મેં કહ્યું, ‘તને ક્યારેય મારી સાથે એકલા રહેવાનું મન નથી થતું?’ ‘આપણે તો હંમેશા સાથે જ હોઈએ છીએને.’ ‘એટલે શું તારી પત્ની તારે માટે એક રાતે રમવાનું રમકડું છે?’ હું તડૂકી ઊઠી. નયનાંશુ મારી સામે કરડાકીથી જોઈને બોલ્યો. ‘માલતી, તું તો એક કુલીન સ્ત્રી છું. તને આવી વાત કરવી શોભે?’ થોડું અટકીને તેણે કહ્યું, ‘આપણે એકબીજાંને પરણેલાં છીએ એનો અર્થ એમ તો ન થાયને કે દુનિયામાં બીજું કોઈ છે જ નહીં.’ આ જ વાત બેલઘાટના સંયુક્ત કુટુંબ માટે પણ કહી શકાઈ હોત. પણ તે વખતે મને તે સૂઝ્યું નહીં. મારા અને નયનાંશુની કેળવણીની સરખામણી થઈ શકે તેમ ન હતી. તે મારાં કરતાં ઘણું વધારે જાણતો હતો. તેથી આવી દલીલોમાં મારે હંમેશા હાર કબૂલવી પડતી. મને મનમાં ખૂબ ગુસ્સો આવતો – નયનાંશુ કેમ મને રવિવારે પણ ફિલ્મ જોવા નથી લઈ જતો? શહેરમાં બીજા કેટલાય કાર્યક્રમો થતા હતા જેમાં બીજાં બધાં જતાં હતાં. તે શા માટે મને તેમાં લઈ જતો ન હતો? તેને એવું બધું ન ગમતું હોય એટલે મારે પણ મને ગમતું હોય તે નહીં કરવાનું? કોઈ વાર હું પડોશ કે મારા પિયર કે મારા સાસરાની સ્ત્રી સાથે જતી હતી પણ અંશુ કેમ મારી સાથે ન આવે? અમારા બધાં જ પડોશીઓ પોતની પત્નીને ફિલ્મમાં લઈ જતા હતા – નયનાંશુ જ એમાં અપવાદ હતો. બધું તેને ગમે તે જ કરવાનું? જો મને હિંદી ફિલ્મ જોવી ગમતી હોય તો તે મને ખુશ કરવા કેમ મારી સાથે ન આવે – ભલેને તેને તેમાં મઝા ન આવતી હોય! ઉપરાંત – તેની પેલી સાંજ, જેમાં તે કલાકો મશગૂલ થઈ જતો – તેમાં મને શું મઝા પડતી? ઘણી વાર હું ઊભી થઈને જતી રહેતી ને તેમને ખબર પણ ન્હોતી પડતી કે હું જતી રહી છું. સૂવાના રૂમમાં જઈને લાઈટ બંધ કરીને હું એકલી પડી રહેતી – મને ભૂખ લાગતી, ઉંઘ આવતી, રડવા જેવી થઈ જતી અને તેમના હસવાના અવાજ સાંભળીને હું ગુસ્સે થઈ જતી. સિગરેટના ધૂમાડાથી મારું માથું ચડી જતું અને તેઓ જવાનું નામ પણ ન લેતા. અમારું ઘર એક ઘર નહીં પણ હોટેલ હોય અને જાણે હું તે ચલાવતી ન હોઉં! પણ તે વખતે મારા ગુસ્સાએ કોઈ ઓળખાય એવું સ્વરૂપ ધારણ કર્યું ન હતું. હું તો ખૂબ જ આનંદમાં હતી કારણ કે અંશુ મને ગાંડાની જેમ પ્રેમ કરતો હતો. (પછી મને સમજાયું કે તે પ્રેમ કેટલો સ્વાર્થી હતો. મારે મારી માને ત્યાં એક દિવસ માટે જવું હોય તો તે રિસાઈ જતો. મારે બેચાર દિવસ મારી કાકીને ત્યાં – આસનસોલ જવું હોય તો તે કેવાં કેવાં બહાનાં કાઢીને મને જવા ન દેતો. અને છતાં આ બધી જ જગાએ તે મારી સાથે આવવા તૈયાર થતો નહીં. બીજા શબ્દોમાં કહું તો તેને જે થોડું પણ ન ગમતું હોય તે મારે ખાતર પણ તે કરવા તૈયાર ન હતો છતાં તે અપેક્ષા રાખતો કે તેને જે ગમે તેમાં મને આનંદ આવે જ. મારે હંમેશા જતું કરવાનું અને તે મારે ખાતર કાંઈ પણ કરવા તૈયાર ન હતો. આ હતી તેની પ્રેમની વ્યાખ્યા. જો કે તે વખતે મને આ બધું સમજાયું ન હતું.) તે વખતે મારું લગ્નજીવન ઉલ્લાસમાં વીતતું હતું અને સરળતાથી ચાલતું હતું. ‘શિયાળો બેસી ગયો છે. હવે પડદા બદલવા જોઈએ.’ ‘તકિયાના ગલેફ બદલવા જેવા થઈ ગયા છે.’ ‘મારા ઝભ્ભા ફાટવા આવ્યા છે.’ નયનાંશુ ફરમાનો છોડતો અને હું દુકાને દુકાને ફરીને તેની ઇચ્છા પૂરી કરતી. પણ તે મારે માટે એક સાડી પણ લાવતો નહીં અને પૂછતો પણ નહીં કે મારે કાંઈ જોઈએ છે! તે માત્ર ઑફિસે જતો – તે સિવાય અમારા ઘર માટે તે કાંઈ પણ કરતો નહીં. કપડાંની દુકાનમાં પગ પણ મૂકતાં તેને જોર આવતું. પડદા પસંદ કરવામાં એક કલાક પણ બગાડવાની તેની તૈયારી હતી નહીં પણ જો તેને રંગ પસંદ ન પડે તો તેની ફરિયાદોનો અંત જ ન આવતો. આ બધું જ હું ત્યારે પ્રેમની આંખે જોતી. મેં સ્વીકારી લીધું હતું કે તેને માટે આ જ યોગ્ય હતું અને બીજું કાંઈ તેને શોભે જ નહીં. તે ચોવીસે કલાક હું તેની પાસે જ રહું એવું ઇચ્છે તે જ મારે માટે ગર્વની વાત હતી. ક્યારેક બપોરે જમ્યા પછી હું મારી માને મળવા જતી. તે અમારા ઘરની પાસે જ રહેતી હતી. પણ જો મોડું થાય તો અંશુ ઘરે પહોંચે એના પહેલાં હું મારા ઘરે દોડી જતી. તે ઑફિસેથી પાછો આવે ત્યારે હું ઘરે ન હોઉં તે તેને ગમતું નહીં – મને પણ એ બરાબર લાગતું! પણ હું જો તેને ઑફિસેથી મારી માને ત્યાં આવવા કહેતી જેથી અમે ત્યાં ચા પીને અમારે ઘેર પાછા આવી શકીએ તો તે ક્યારેય હા પાડતો નહીં. મને મારી મા પાસે થોડો વધારે સમય રહેવાની ગમે તેટલી ઇચ્છા હોય તો પણ! તેને પોતાના ઘરની સગવડ ફાવતી. તેને જોઈતી હતી પોતાની જાત જેનો એક ભાગ હું હતી – અને ત્યારે મેં પણ મારી એ કામગીરી આનંદથી સ્વીકારી લીધી હતી. તેની સાંજની બેઠકોથી મને ગુસ્સો તો આવતો પણ મારા વિના આ બેઠકો અધૂરી છે એવું જાણતાં મને થોડો ગર્વ પણ થતો. નયનાંશુને મારી જરૂર છે, હું તેને માટે આટલી કીમતી છું, તે વિચાર માત્ર મારે માટે રોમાંચક હતો. અને ધીરે ધીરે, મને ખબર પણ ન પડે તેમ, મારા જીવનમાં એક ફેરફાર થવા માંડ્યો: હું નયનાંશુના મિત્રમંડળમાં ભળી ગઈ અને તેનો એક અંશ બની ગઈ. તેમની વાતચીતમાં ભાગ લેતા મને આવડી ગયું અને મને સમજાયું કે મારો અભિપ્રાય તેમને સાવ કાઢી નાંખવા જેવો લાગતો ન હતો. ક્યારેક તો તેઓ આશ્ચર્યથી મારી સામે જોઈ રહેતા. એટલું જ નહીં – મને લાગવા માંડ્યું કે કેટલાક મિત્રો ફક્ત નયનાંશુ માટે જ આવતા હતા એવું ન હતું – તેઓ મારે માટે પણ આવતા હતા! આ બેઠકમાં મને મારું પોતાનું એક સ્થાન મળવા માંડ્યું જે એક મિત્રની પત્ની હોવાને લીધે ન હતું પણ મારી લાયકાતને આભારી હતું. મને તે ગમવા માંડ્યું હતું. હું એક આગવી વ્યક્તિ બની રહી હતી અને અંશુને પણ તે જ જોઈતું હતુંને? મને થતું કે તેની મંડળીમાં મને મારી પોતાની એક જગા બનાવતી જોઈને અંશુ પણ ખુશ થતો હશે. છતાંય મને તેના અમુક ખ્યાલો અને વર્તણૂક થોડી વિચિત્ર લાગતી હતી. એક દિવસ અમને બિરેન તાલુકદારને ત્યાં જમવા બોલાવ્યા હતા. બિરેનભાઈ જ પોતાની ગાડીમાં અમને લઈ ગયા હતા. એમને ગણતાં અમે છ જણા હતા. અંશુએ મને બિરેનભાઈની સાથે બેસવાનું કહ્યું. મારે એમ કરવું ન હતું પણ મને ના પાડતાં શરમ આવતી હતી. મારી બાજુમાં એક ચૌદ વર્ષની જાડી છોકરી બેઠી હતી. બીજા માણસના શરીર સાથે ઘસાતા મને ત્રાસ થતો હતો. હું ઉભડક બેઠી. બિરેનભાઈ મને વારંવાર કહેતા રહ્યા કે મિસિસ મુખર્જી, આરામથી બેસો, મને ગાડી ચલાવવામાં કોઈ જ તકલીફ નથી થતી અને હું કહેતી રહી કે હું બરાબર જ બેઠી છું. ઘરે પાછા અવ્યા ત્યારે મેં અંશુને કહ્યું, ‘કેમ મને બિરેનભાઈની બાજુમાં બેસાડી?’ ‘કેમ, એમાં શું વાંધો આવ્યો?’ ‘બહુ પાસેપાસે હતું અને ફાવતું ન હતું.’ ‘અમારે માટે પણ તેવું જ હતું.’ ‘પણ –’ કેવી રીતે કહેવું તેનો હું વિચાર કરતી હતી ત્યાં તો નયનાંશુએ જ કહ્યું, ‘તું શું એટલી બધી ચોખલિયાત છું કે પતિ સિવાય બીજા કોઈ પણ પુરૂષ સાથે ગાડીમાં પણ ન બેસે? હું તો એવું માનું છું કે બીજા બધા સાથે હોય ત્યારે પતિ પત્નીએ એકબીજાની સાથે બેસવું ન જોઈએ.’ લો, સાંભળો વાત! આ તે કેવો વિચિત્ર વિચાર! બીજી એક વાર, અંશુ ઑફિસે જવા તૈયાર હતો અને તે જ સમયે તેનો એક જૂનો મિત્ર ટપકી પડ્યો. અંશુને મોડું થતું હતું પણ તેની બ્રિફચેસ ગોઠવતાં તેણે કહ્યું, ‘અસિત, તું જતો નહીં, બેસ અને એકાદ કપ ચા પીને જજે.’ થોડા શરમાઈને આસિતભાઈ બોલ્યા, ‘મને થયું કે તારે પણ આજે રજા હશે. કાંઈ નહીં, હું સાંજે પાછો આવીશ.’ ‘અરે ભાઈ, એમ તે કાંઈ ચાલે? છેક સુધી આવીને એમને એમ તે કાંઈ પાછા જવાય?’ ભાઈ બેઠા. મેં તેમને ચા અને બિસ્કીટ આપ્યા. તેમની વાતચીત પૂરી થઈ ત્યારે સાડાદસ વાગ્યા હતા. રાત્રે મેં નયનાંશુને કહ્યું, ‘તારામાં અક્કલ છે કે નહીં? અસિતભાઈને બેસવાનું કહેવાની શી જરૂર હતી?’ જવાબમાં અંશુએ કહ્યું, ‘અરે ભાઈ, તે કલકત્તામાં નથી રહેતો. તેને અહીં મને મળવા આવે ઘણો વખત થઈ ગયો. તેને તરત જ પાછો મોકલવો સારું કહેવાય?’ ‘તું ઘરે ન હોત તો શું થાત?’ ‘તો તારે તેને બેસાડીને ચાપાણી આપવા જોઈએ. અસિત કોઈ અજાણી વ્યક્તિ થોડી છે?’ ‘પણ હું ઘરમાં એકલી હતી. બેબી પણ સ્કૂલે ગઈ હતી.’ ‘તેથી શું?’ નયનાંશુ ચૂપ થઈને મારી સામે જોઈ રહ્યો. ઘડીક રહીને કહે, ‘અસિતને બદલે કોઈ સુપ્રભા કે તપતી હોત તો તેં શું કર્યું હોત?’ ‘પણ સ્ત્રીઓની વાત જુદી છે.’ ‘કેમ જુદી છે? તું ક્યારેય સ્ત્રી અને પુરૂષ વચ્ચેનો ફેર ભૂલી નહીં શકે?’ મેં મનમાં કહ્યું કે શું એ ભૂલવો શક્ય છે! અને આ માત્ર એ જ દિવસની વાત નથી – ઘણી વાર એવું થતું કે જ્યારે અંશુ ઘરે ન હોય ત્યારે મેં તેના મિત્રોની મહેમાનગીરી કરી હોય. કદાચ એક ગૃહિણી તરીકે આ મારી ફરજ હતી. પણ શરૂઆતમાં આ ફરજ મને શિક્ષા જેવી લાગતી હતી. ધીરે ધીરે મને તેમાં આનંદ આવવા માંડ્યો. જે બધું નયનાંશુ ધ્યાનથી સાંભળ્તો નહીં તે બધું જ હું ત્યારે કહી શકતી. કદાચ તે વિષય તેને માટે ચવાયેલો થઈ ગયો હશે પણ બીજાંને તો તેમાં રસ પડતો હતો. હું કોઈ પ્રસંગનું વર્ણન કરતી હોઉં તો હંમેશા અંશુ વચ્ચે બોલતો, ‘તું બરાબર નથી કહેતી, આવું થયું ન હતું. વાત એમ બની હતી કે ....’ પણ બીજા બધાને મારી વાતમાં રસ પડતો. અને અંશુ હાજર ન હોય ત્યારે મને વાત કરવામાં વધારે મઝા આવતી અને તેના મિત્રો પણ જાણે વધારે ખુલ્લા દિલથી વાતો કરતા. આખરે એવું થવા માંડ્યું કે અંશુ હોય ત્યારે પણ તેના કેટલાક મિત્રો મારા તરફ વધારે ધ્યાન આપતા અને તે તેને બહુ પસંદ ન પડતું. ભલેને તેણે આટલા વર્ષો મને ગાઈ વગાડીને કહ્યું હતું કે સ્ત્રીઓ અને પુરૂષો સરખાં જ છે! નયનાંશુને જાતજાતના મિત્રો હતા. કોઈ તેના કૉલેજના મિત્રો હતા, કોઈને તે પોતાના કામ અંગે મળ્યો હતો તો બીજા કોઈ પત્રકારો કે સાહિત્યની દુનિયાના હતા. તેને સહેજ પણ ગમતા માણસોને ઘરે બોલાવવા ગમતા. તેને બધાંને ઘરે બોલાવવાની ટેવ પડી ગઈ હતી. તેની બીજી એક ટેવ હતી – દરેક નવી ઓળખાણની શરૂઆતમાં તે માણસના છૂટે મોંએ વખાણ કરવાની. જેમ તેને ન ગમતા માણસો માટે તે ગમાર કે બાઘો જેવા શબ્દો વાપરી શકતો તેમ જ જેનામાં તેને સહેજ પણ સારા ગુણો દેખાતા તેને તે છાપરે ચડાવી દઈ શકતો. ‘ખૂબ સરસ માણસ – સંસ્કારી – ધંધાની દુનિયામાં આવા માણસો ભાગ્યે જ મળે.’ વ્યોમકેશ ભાદુરીની ઓળખાણ થઈ ત્યારે તે આવું બધું બોલતો હતો. પછી જ્યારે કોઈ રાજકીય મામલામાં તેમની ધરપકડ થઈ અને તેમને જેલમાં મોકલાયા ત્યારે ગુસ્સે થઈને નયનાંશુએ જાહેર કર્યું હતું કે આવા સદ્‌ગૃહસ્થને જેલમાં મોકલવો એ તદ્દન અન્યાયી કૃત્ય હતું. છતાં જ્યારે મારા નામે અલીપુર જેલના સિક્કાવાળું એક જાડું પરબીડિયું આવ્યું ત્યારે મેં નોંધ્યું હતું કે અંશુના ચહેરા પર એક ગમગીનીની લહેર ફરકી ગઈ હતી. મેં તેને તે નિર્દોષ કાગળ વાંચવા આપ્યો હતો. તેમાં લખ્યું હતું કે હવે જ્યારે બધું જ મઝા આવે તેવું વાતાવરણ તેની અત્યારની પરિસ્થિતિમાં દિવાસ્વપ્ન જેવું બની ગયું છે ત્યારે તેને અમારે ત્યાં કરેલી મઝા અને એ દિવસો ખૂબ યાદ આવતા હતા. મને તે કાગળ વાંચવામાં મઝા આવેલી અને વ્યોમકેશભાઈને માટે સહાનુભૂતિ થઈ હતી. પણ નયનાંશુએ કાગળ વાંચીને નીરસ અવાજમાં કહ્યું, ‘ભાઈ બંગાળી સારું લખી શકે છે.’ – માત્ર એટલું જ, બીજું કાંઈ જ નહીં. મને ખાતરી છે કે જો એ કાગળ મારે બદલે તેને સંબોધવામાં આવ્યો હોત તો તે તેના વખાણ કરવામાંથી ઊંચો ન આવ્યો હોત. રાતે જમતાં મારે વ્યોમકેશ ભાદુરીનાં ગુણગાન સાંભળવા પડ્યા હોત. બીજી એક વાર, અમને લેક રંજની ક્લબમાં સાંજે જમવા માટે આમંત્રણ મળ્યું હતું. ત્યાં સુપ્રસિદ્ધ લેખક, ગુણમય દેવ, નયનાંશુને જોઈને પૂછવા માંડ્યા, ‘માલતીદેવી ક્યાં છે?’ બીજી જ ક્ષણે મને જોઈને તેમણે હસીને કહ્યું, ‘કેમ છો મિસિસ મુખર્જી? તમારા પતિ તમારા વિના અધૂરા લાગે છે.’ તે દિવસે ફરી એક વાર મેં અંશુનું મોં પડી જતાં જોયું. ઘરે પહોંચીને અંશુ મને કહે, ‘ગુણમય ભાઈ થોડા બાલિશ કહેવાય નહીં? જે મનમાં આવે તે બોલતા જાય છે!’ મેં હોંશિયારીથી જવાબ આપેલો, ‘મને તો કોઈ તારા વિના અધૂરી કહે તો મને ખૂબ ગર્વ થાય.’ ‘બેમાંથી એકે સાચા નથી. વ્યક્તિની જો કોઈ કિંમત હોય તો તે તેના પોતાનામાં છે. કોઈના પતિ કે પત્ની હોવા ઉપરાંત આપણું પોતાનું પણ એક વ્યક્તિત્વ હોય છે. કોઈને માટે આમ કહેવું એ અવિવેક કહેવાય – મૂર્ખામી કહેવાય.’ મેં દલીલ કરી, ‘તો પછી મારે તારી પત્ની તરીકેનું નિમંત્રણ પણ ન સ્વીકારવું જોઈએને?’ ‘તારે ન સ્વીકારવું હોય તો ન સ્વીકારતી.’ જાણે મેં કાંઈ ખોટું કર્યું હોય તેમ, આગળ કાંઈ પણ બોલ્યા વિના નયનાંશુ પથારીમાં પડ્યો અને રિસાયો હોય તેમ પાસું ફેરવીને સૂઈ ગયો. હું પણ મોં ફેરવીને સૂઈ ગઈ. મને યાદ આવ્યો પેલો દિવસ: જ્યારે તેણે મને કહ્યું હતું કે મારા વિના તેની સાંજની બેઠકો અધૂરી હતી. તો પછી આજે કોઈએ એવો જ મત દર્શાવ્યો તેમાં શું ખોટું હતું? તેનાથી નયનાંશુને શા માટે ખરાબ લાગવું જોઈએ? ગુણમયનાં લખાણનાં વખાણ કરતાં તે થાકતો નહીં. એક વાર તો તેણે ગુણમયની છેલ્લી નવલકથાની એક કલાક સુધી વાત કરી હતી. ખરેખર તો ગુણમય દેવે તેના કરતાં મારામાં વધારે રસ લીધો હતો. હું જો ત્યાં ન હોત તો તેઓ નિરાશ થઈ ગયા હોત. મને જોતાં જ તેમની આંખો ચમકી ઊઠતી અને તેમનો ચહેરો ખીલી ઊઠતો. તેના પ્રિય લેખકને માટે પણ નયનાંશુ આ સહન કરી શકતો નહીં. પણ આમાં શું ખોટું હતું? આમાં કયો અવિવેક થયો હતો. રંજની ક્લબમાં જવા માટેનું આમંત્રણ અમારા બંને માટે હતું. સાચી વાત તો એ હતી કે અમારા બેમાંથી કોઈ એકની પણ ગેરહાજરીની નોંધ ચોક્કસ લેવાત. અને ‘તમારા પતિ તમારા વિના અધૂરા લાગે છે’ એ તો અમારા બંને માટેનાં અભિનંદન હતાં. અમે બે એક સુખી જણાતાં દંપતી હતાં – એટલી જ વાત એમાંથી પ્રગટ થતી હતી ગુણમય અમારે ત્યાં બેચાર વખત આવ્યા હતા અને અમે તેમને બીજે પણ મળ્યા હતા. તેમણે અમને બંનેને હંમેશા સાથે જ જોયા હતા. તેથી અમને સાથે જોવું જ તેમને માટે સ્વાભાવિક હતું. એમાં શું ખોટું હતું? અંશુને એમાં ગુસ્સે થવા જેવું શું લાગ્યું? હું તેની વ્યવસાયિક પાર્ટીમાં તેની પાછળ પાછળ તેની પત્ની તરીકે જ જતી હતીને. ત્યાં તેની પત્ની સિવાય મારું બીજું કયું અસ્તિત્વ હતું? આ તેને સહેલાઈથી સ્વીકાર્ય હતું. સાહેબ, સાચી વાત તો એ છે કે પતિ ક્યારેય ભૂલી નથી શકતો કે તે સ્વામી છે અને પત્ની તેના પર આધાર રાખે છે. આપણે આધુનિકતાના ગમે તેટલાં બણગાં ફૂંકીએ પણ ખરેખર તો સ્ત્રીઓ પુરૂષોના હાથમાં રમતી કઠપૂતળીઓ છે અને રહેવાની. અને આ જ વાત માટે નયનાંશુ કેવાં લાંબાં ભાષણો કરી શકત તેની કલ્પના જ કરવાની રહી. પણ અંદરખાનેથી તો તે એમ જ ઈચ્છતો હતોને કે બધાં જ હંમેશા મારા કરતાં તેના પર વધારે ધ્યાન આપે? તે કેટલો સ્વાર્થી, અદેખો અને દંભી કહેવાય? આ વિચાર કરતાં જ મારું માથું ફરી જતું. તે રાતે તેની બાજુમાં સૂતા મને ખૂબ જ ગુસ્સો આવ્યો. જે દિવસે જયંતને પહેલી વાર અંશુ ઘરે લઈ આવ્યો હતો ત્યારે પણ આમ જ થયું હતું. તેના ગયા પછી અંશુ તેના વખાણ કરવામાંથી ઊંચો જ આવતો ન હતો. ‘પૈસાની મુશ્કેલીને કારણે તે કૉલેજ પૂરી ન કરી શક્યો. પછી રાજકીય મુદ્દા પર તેને જેલમાં જવું પડ્યું. છૂટીને તે કલકત્તામાં ટૅક્સી ચલાવતો હતો. તે સારું ભણ્યો નથી પણ તેને ચોક્કસ કર્મવીર કહી શકાય.’ મેં પૂછ્યું હતું, ‘કેવી રીતે? તું શું કહેવા માંગે છે?’ ત્યારે તેણે સમજાવ્યું હતું કે પાંચેક વર્ષ પહેલાં કોઈ પણ જાતની મુડી વિના જયંતે એક સાપ્તાહિક ચાલુ કર્યું હતું અને ખૂબ મહેનત કરીને તેને તે એક સ્થાયી મુકામ પર લઈ આવ્યો હતો. તેમાંથી જેમતેમ કરીને પોતાનું ઘર ચલાવે છે. તેના સપ્તાહિકની અડધી સામગ્રી તે પોતે જ લખે છે, પ્રુફ પણ જાતે જ જુએ છે અને જાહેરખબર માટે પણ જાતે જ ફરે છે. ‘જરા વિચાર તો કર – આ રીતે સાપ્તાહિક ચલાવવાનું સહેલું નથી.’ ‘કર્મવીર’નું આ વર્ણન સાંભળીને હું હસી પણ હું જાણતી હતી કે અંશુને માટે કોઈ કે કશાને માટે આટલા ઉત્તેજિત થઈ જવાનું કેટલું સહેલું હતું અને આવા ઉત્સાહની સામે મારે મારા ખરા વિચારોને વાચા ન જ આપવી જોઈએ. ‘તે તારી પાસે જાહેરખબર લેવા આવ્યો હતો?’ અંશુએ માથું હલાવ્યું. ‘મને લાગે છે કે તેને માટે હું બધું જ બનતું કરીશ. તેને બોલતાં સાંભળીને હું તેનાથી પ્રભાવિત થયો છું.’ ‘તેનું બોલવાનું થોડું તોછડું કે અવિવેકી નથી લાગતું?’ જાણે તેની આ નવી શોધને કોઈ ઉતારી પાડતું હોય તેમ તેણે વિરોધ કરતાં કહ્યું, ‘હા, તેનો બહારનો દેખાવ થોડો અસંસ્કારી લાગે છે પણ તેનામાં સફળતા માટે જોઈતી ગુણવત્તા છે.’ અને ત્યારથી જયંતની અમારે ઘરે અવરજવર શરૂ થઈ. નયનાંશુએ જાતે જ તેમાં ભાગ ભજવ્યો હતો. થોડા જ દિવસોમાં ખબર પડી ગઈ કે જયંતને નયનાંશુ કરતાં મારામાં વધારે રસ હતો. તેણે તે છૂપાવવાનો કોઈ જ પ્રયત્ન કર્યો ન હતો. કોઈ જ જાતનો ડોળ નહીં – દરેક વખતે તેણે સ્પષ્ટ દર્શાવ્યું હતું કે તે આ ઘરમાં રોજ મારે લીધે આવતો હતો. ક્યારેક તે સવારના પહોરમાં આવી જતો – નયનાંશુના ઑફિસ જવાના સમયે. આરામથી સોફામાં બેસીને કહેતો, ‘મિસ્ટર મુખર્જી આપ ઑફિસે પધારો. મારે તો નોકરી નથી માટે હું થોડી વાર શ્રીમતી સાથે બેસીશ.’ જેને સારી રીતે જાણતાં ન હોઈએ તેની પાસેથી આવી વર્તણૂકની અપેક્ષા પણ ન રખાય અને કોઈ પણ પરણેલી સ્ત્રીને એ ગમે પણ નહીં. પણ બાર વર્ષથી અંશુ મને જે બધું ઠસાવતો આવ્યો હતો તેની હવે મારા પર અસર થવા માંડી હતી. ઉપરાંત, જો અંશુને વાંધો ન હોય તો મારે શેની ચિંતા કરવાની? કદાચ હું જયંત સાથે સારી રીતે વાતચીત ન કરત તો શી ખાતરી કે અંશુ મારા પર ચીડાયો ન હોત? જયંતની પહેલી મુલાકાત પછી લગભગ એક મહિને મેં અંશુને ને કહ્યું હતું કે તેના નવા મિત્રને કારણે થોડી તકલીફ પડતી હતી. બધું જ બરાબર સમજવા છતાં અંશુએ મને પૂછ્યું, ‘તું કોની વાત કરે છે?’ ‘જયંતભાઈ સવારના આવીને બેસી જાય છે અને મારે અહીં ઘરનું કામ કરવાનું હોય છે. બેબી સ્કૂલેથી ઘરે આવે, ક્યારેક રંગાબેન મળવા આવે, આજે ચારૂમામા – તારા મામા – આવ્યા હતા. આ બધું જ આ નાના ઘરમાં. મને મુશ્કેલી પડે છે.’ ‘તું એના પર ધ્યાન ન આપે તો કદાચ તે સવારના આવવાનું બંધ કરી દે.’ ‘અરે, આ તે કાંઈ ધ્યાન આપવાનો સવાલ છે? કોઈ તમારી સામે જ બેઠું હોય તો એમ કેમ મનાય કે સામે કોઈ છે જ નહીં?’ ‘જો એ પોતે ન સમજે કે તેની હાજરીથી તને તકલીફ થાય છે તો તારે તેને સમજાવવું જોઈએ.’ થોડા અચકાતાં મેં કહ્યું, ‘તું જ કોઈ વાર વાત કરને.’ ‘તે મને મળવા થોડો આવે છે? તો મારે શું કહેવાનું હોય?’ અંશુએ કોઈ ચોપડી ખોલતાં જવાબ આપ્યો. પણ મારે શા માટે જૂઠું બોલવું? હવે મને શાનો ડર છે? બોલ, માલતી, બોલ. સાચું કહી દે. તકલીફ ખરેખર જયંતને કારણે હતી? એ તો ગમે ત્યારે ટપકી પડીને તારા વાર્તાલાપમાં ભંગ પડાવતા સગાંવહાલાંને કારણે ન હતી? જે રીતે તેં ફરિયાદ કરી કે તે આવીને બેસી રહે છે – એટલે જાણે તું કાંઈ જાણતી જ ન હતી કે શું થઈ રહ્યું છે. તેમાં તારો કોઈ જ ફાળો ન હતો? કે પછી તું આડકતરી રીતે અંશુનું મન જાણવાનો પ્રયત્ન કરી રહી હતી? તું જ્યારે જયંત સામે કોઈ પણ સમયે કલાકોના કલાકો સુધી બેસી રહેતી હતી ત્યારે શું તને અંશુના ગુસ્સાનો ભય લાગતો હતો? કે પછી તને એવો ડર હતો કે તું તારા પતિએ આપેલી કેળવણીનો અનાદર કરી રહી હતી? તેનો અવાજ સાંભળતાં જ તું તારો મનગમતો બપોરનો આરામ ભૂલી જતી અને તે સાથે હોય ત્યારે તને ક્યારેય ઊંઘ ન્હોતી આવતી – પછી ભલેને રાત્રે એક વાગ્યો હોય! તેં બહાર જવાનું પણ લગભગ છોડી જ દીધું હતું – કદાચ તે અણધાર્યો આવી જાય અને તને ન જોતાં પાછો જતો રહે તો! આનો અર્થ કોણ નથી સમજતું? આમાં બીજા કોઈને વચ્ચે લાવવાની જરૂર નથી. માલતી, બોલ – આ ઘેરી અંધારી રાતમાં શબ્દો વરસાદના અવાજમાં ભળી જાય છે – કોઈ સાંભળતું નથી. કહી દે કે પહેલા જ દિવસથી તું જયંતને તાબે થઈ ગઈ હતી. જયંતે તારા એ અંશને જગાડ્યો હતો જેને અંશુ ક્યારેય અડકી પણ શક્યો ન હતો – એ અંશ જ્યાં તું તારા સમગ્ર ભૌતિક અસ્તિત્વથી એકસાથે રાણી અને બાંદી બનવા માંગતી હતી. તારું સ્ત્રીત્વ અને તારું યૌવન, બંને તત્કાળ અંકુરિત થઈને ઊભરાઈ રહ્યાં હતાં. પણ નયનાંશુએ કેમ કોઈ વિરોધ ન કર્યો? તે ક્યારેય કોઈ શબ્દ પણ કેમ ન બોલ્યો? તે બિલકુલ બોલ્યો ન હતો એવું ન હતું. તેણે તને ચેતવી પણ હતી. અદેખાઈ, માત્ર અદેખાઈ. જે પણ મારામાં કોઈ ખાસ વાત જોતું તેને તે ક્યાં સહન કરી શકતો હતો? એક દિવસ તેણે કહ્યું, ‘મને લાગે છે કે જયંતભાઈ તારા પ્રેમમાં પડી ગયા છે.’ મેં ગુસ્સે થઈને કહ્યું, ‘એટલે તું કહેવા શું માંગે છે?’ ‘હું એનો દોષ નથી જોતો. એનું કૌટુંબિક જીવન સુખી નથી. પણ આ કેટલું આગળ વધે છે તેનો આધાર તારા પર છે.’ તેની આ એકરાર કરાવતા પાદરી જેવી શૈલી ન સહન થતાં હું ચીડાઈને બોલી, ‘તું કહેવા શું માંગે છે – ચોખ્ખે ચોખ્ખું બોલ.’ ‘જે હું કહેવા માંગું છું તે એક સદ્‌ગૃહસ્થને માટે કહેવું મુશ્કેલ છે. મહેરબાની કરીને જાતે જ સમજી લે તો સારું.’ મેં સામો જવાબ આપ્યો, ‘તું તારી જાતને સદ્‌ગૃહસ્થ માને છે? શરમ નથી આવતી પોતાની પત્નીને માટે આવી વાતો કરતાં? જયંતભાઈ તારા મિત્ર છે, મારા નહીં. તેમને અહીં વારેવારે આવવાનું તું કહે છે, હું નહીં. કેમ તું તેમને ઘરની બહાર કાઢી મૂકતો નથી?’ ‘જો હું તેને ઘરની બહાર કાઢી મૂકીશ તો તને દુઃખ નહીં થાય?’ ‘મને દુઃખ થાય કે ન થાય તેનાથી તને શું ફરક પડે છે?’ ‘એનો અર્થ કે તને દુઃખ થશે?’ ‘મારી સામે એક જંગલીની જેમ ઘાંટા ન પાડ. મોડું થયું છે. મને સૂઈ જવા દે.’ મારું શરીર ગુસ્સાથી ધ્રૂજતું હતું. નયનાંશુ ઝેર જેવો લાગતો હતો. બીજા દિવસે સાંજે સાત વાગ્યાથી હું સૂવાના રૂમમાં જ ભરાઈ ગઈ. બાજુના રૂમમાંથી મને અવાજો સંભળાતા હતા. થોડીક જ વારમાં મને જયંતનો અવાજ સંભળાયો: કેમ શ્રીમતીજી દેખાતાં નથી? મને નયનાંશુનો જવાબ ન સંભળાયો. પણ ત્યાં તો એકદમ પડદો ખસેડીને જયંત અંદર આવ્યો. ‘અરે, આ શું? તમે આડા પડ્યાં છો?’ મારા મોંમાંથી જૂઠાણું નીકળી ગયું, ‘માથું દુખે છે.’ ‘માથું દુખે છે? તાવ છે?’ બોલતાં બોલતાં તેણે મારે માથે હાથ મૂક્યો – તેનો હાથ મોટો હતો – કોઈ પ્રાણીના પંજા જેવો. જલદી જલદી બેઠા થઈને મેં કહ્યું, ‘ચાલો, બાજુના રૂમમાં જઈએ.’ ‘કેમ? આ બરાબર છે.’ અંશુના લખવાના ટેબલ પાસેથી ખુરશી ખેંચીને તેણે પલંગની પાસે મૂકી અને તેના પર બેસીને શાંતિથી વાતો કરવા માંડ્યો. આને લીધે જ હું તને ચાહું છું. તું તારી ઇચ્છાઓને વાચા આપે છે. તું ડરતો નથી. તું સાવધાની પણ નથી રાખતો. તું તારા બધાં જ પત્તા ખુલ્લા રાખીને રમે છે. તેથી જ તને કોઈ રોકી શક્યું નથી અને શકશે પણ નહીં. મારો પ્રકાશ, મારો સૂર્ય-પ્રકાશ, મારો જયંત! તેં કેવી રીતે જાણ્યું મને નયનાંશુ પાસેથી શું નથી મળતું અને જેના અભાવથી હું વીલાતી જતી હતી? દીવા જેવી વાત છે – નયનાંશુને જોઈતી હતી તેની જુવાન પત્ની – પોતાના સંતોષ અને સગવડ માટે. તેણે ક્યારેય મારી લાગણીઓનો વિચાર કર્યો નથી. તેણે મારા કુટુંબ કે મારા ભૂતકાળમાં રસ લીધો નથી. પણ જયંત, તારે તો જાણવું હતું મારા બાળપણ વિશે, મારા કુટુંબ વિશે. તેં તો મારા પિયરની બાઈ, ગંગાની વાત પણ રસપૂર્વક સાંભળી હતી. નયનાંશુ એક શિક્ષક જેવો છે – જો કે પ્રેમાળ પણ છે. હું જે છું તેનાથી જુદી જ માલતી તેને જોઈએ છે. પણ જયંત, તને તો હું જે છું, જે કરું છું, જે બોલું છું, તે બધાંમાં આનંદ આવે છે. મેં તારી સાથે કેટકેટલી વાતો કરી છે – ઘરની, સામાન્ય, કુથલી અને બીજું ઘણું બધું જે મેં ક્યારેય નયનાંશુને નથી કહ્યું. કારણ તે તો સાંભળતો જ નથી. તેં મને એક દિવસ પૂછ્યું હતું, ‘તારું કોઈ વહાલનું નામ નથી?’ ‘છેને’ ‘તો કહેને.’ ‘લોટન. મારા પિયરમાં મને બધાં આ જ નામથી બોલાવતાં હતાં.’ થોડી વાર રહીને તેં મને એક તારા જીવનનો પ્રસંગ કહ્યો જેની નાયિકાનું નામ હતું, લોટન. મને થયું હતું કે તું આ વાર્તા તે જ વખતે બનાવતો જતો હતો જેથી તું લોટન વારે વારે બોલી શકે અને તેમાં તને આનંદ આવતો હતો. નયનાંશુ વિવેકથી મને માલતી કહીને બોલાવે છે. તેની નાજુક ક્ષણોમાં તે મને બીજાં અનેક નામોથી બોલાવે છે પણ તે મને લોટન કહીને ક્યારેય નથી બોલાવતો. તેને એ નામ બહુ કૃત્રિમ લાગે છે. એટલે અમારા લગ્ન પહેલાંના મારા વીસ વર્ષની બાદબાકી કરી નાંખવા માંગે છે. પણ તું તો મારા સમગ્ર જીવનમાં ભાગ લે છે – મારા વર્તમાનમાં અને મારા ભૂતકાળમાં પણ. મારે માટે કાંઈ પણ સાંભળતા તું થાકતો નથી. મને એમ લાગે છે કે હવે હું તારા જીવનનું મધ્યબિંદુ બની ગઈ છું. અને તેં આ પરિસ્થિતિ ખૂબ જ સહજતાથી, કોઈ પણ જાતના ભય કે શરમ વિના, સ્વીકારી લીધી છે. મારો હાથ તારા હાથમાં લઈને મારા કાનમાં લોટન કહેતાં તું કેટલો સરળ અને સ્પષ્ટ હતો. કોઈ આજુબાજુ ન હોય ત્યારે તું મને ‘તું’ કહીને સંબોધે છે તે કેટલું અંગત લાગે છે. મને તો એવું લાગે છે કે તેં મને પહેલેથી જ તું કહીને સંબોધી છે. તેથી જ જ્યારે તેં પહેલી વાર મને બાથમાં લઈને ચુંબન કર્યું ત્યારે મને જરાય આશ્ચર્ય થયું ન હતું. હું સાચાખોટાનો વિચાર કરવા પણ રોકાઈ નહીં. જાણે હું સોળ વર્ષની કુમારિકા હોઉં તેમ મારું આખું શરીર કાંપતું હતું. આપણે આ તબક્કે ક્યારે, કેટલા વખતે, કેવી રીતે પહોંચ્યા? એક વાર રાત્રે દસ વાગ્યા હશે. અંશુની સાંજની બેઠક હજી ચાલુ જ હતી. તેના બે કે ત્રણ મિત્રો તિબેટ, ચીન અને નહેરૂની વાત કરતા હતા. અંશુ કહી રહ્યો હતો કે જવાહરલાલે એક મોટી અને ગંભીર ભૂલ કરી હતી – એ જ વખતે કોઈએ બારણાં પર ટકોરા માર્યા. હું સાંજથી જ બેચેન હતી. બધાંથી પહેલાં હું બારણે પહોંચી ગઈ. બારણું લૉક કર્યું જ ન હતું. પાસે જતાં મેં એક ઊંચો પડછાયો જોયો. તેની ઊભા રહેવાની રીત પરથી જ હું તેને તરત ઓળખી ગઈ. આ તો એ જ વ્યક્તિ હતી જેની ગેરહાજરીથી હું ખાલીપો અનુભવતી હતી. એ દિવસે સવારે પણ જયંત આવ્યો ન હતો. આખા દિવસ દરમિયાન પણ તે દેખાયોે નહીં. કેટલાય મહિનાઓ પછી આવો દિવસ ગયો હશે. સાંજ વીતાવતાં તો હું અકળાઈ ગઈ હતી. બેબીને જમાડવા હું ઊભી થઈ હતી. પછી અંધારામાં હું બેબીની પાસે સૂતી હતી પણ પેલો પરિચિત અવાજ સાંભળવા આતુર હતી. બેબી સૂઈ ગઈ પછી હું અંશુ અને બીજાઓની વાતો સાંભળવાનો પ્રયત્ન કરતી હતી. ચીન અને તિબેટ જેવા દેશો, જે આપણે ફક્ત નકશામાં જ જોતા હોઈએ છીએ, તે ઝૌતોલા રોડ, કલકત્તામાં આટલી હલચલ કેવી રીતે મચાવી શકતા હશે તે મને સમજાતું ન હતું. આજે ટૅક્સીની હડતાળ હશે? ટ્રામ નહીં ચાલતી હોય? માંદગી? બીજી કોઈ મુસીબત? પણ એવી શી ખાતરી કે તે રોજ જ આવશે કે તેને રોજ આવવું જ પડે? અને જો એવું ન હતું તો તે શા માટે આટલા બધા દિવસોથી મને હેરાન કરતો હતો? શા માટે મારો સમય બગાડતો હતો?્‌ શા માટે મારા અને અંશુ વચ્ચે આ ઝઘડો ઊભો કર્યો? બેબીની વર્ષગાંઠની પાર્ટીમાં શા માટે પાણી અને કાદવથી ભરેલા રસ્તા પર ત્રણ માઈલ ચાલીને તે આવ્યો હતો? શું આ બધું એક રમત જેવું હતું? મન થાય ત્યારે આવવાનું અને મન થાય ત્યારે નહીં આવવાનું! એણે યાદ રાખવું જોઈએ કે અમારે તેની કોઈ જ જરૂરિયાત નથી. અમે તો તેને મન ફાવે ત્યારે ભૂલી જઈ શકીશું. એણે ભૂલવું ન જોઈએ કે હું એક સુખી અને પરણેલી સ્ત્રી છું. મારે એક પતિ અને એક બાળક છે. મારા માતાપિતા અને બીજાં સગાવહાલાં પણ છે. હું એક સંપૂર્ણ અને સમૃદ્ધ જીવન જીવી રહી છું. મને કોઈ સામાન્ય સામયિકના તંત્રીની શું પડી હોય? તેની મારા પતિ સાથે સરખામણી શક્ય જ નથી. અમે તેને આશરો આપ્યો હતો. એ તો મારો પતિ એટલો સારો માણસ છે કે તે અમારા ઘરમાં આવી શકે છે અને અમારા કુટુંબનો એક ભાગ બની શકે છે. તેને આ બધાંની કિંમત ન સમજાતી હોય તો ભલે તે જહન્નમમાં જતો. આવા ગુસ્સામાં મેં બારણા પાસે જયંતનો પડછાયો જોયો હતો. બારણું ખુલ્લું હોવા છતાં તેણે ટકોરા માર્યા હતા તેથી મને નવાઈ લાગી હતી. મને જોતાં જ તે અંદર ન આવ્યો તેથી વધારે નવાઈ લાગી. તે અંદર આવી શકે માટે હું બાજુ પર ખસી ગઈ. બારણાંની બહાર પ્રકાશ ઝાંખો હતો. મને એમ લાગ્યું કે જયંત થોડો વિચિત્ર દેખાતો હતો. તે મારી સામે તાકી રહ્યો. હું પાસે જ હતી છતાં તેને મારા ચહેરા સામે જોતાં જાણે થોડો સમય લાગ્યો, જાણે તેને જોવામાં તકલીફ ન પડતી હોય! મને તેની આંખો લાલ લાગી અને તેના હોઠ પર એક વિચિત્ર સ્મિત હતું. નીચેનો હોઠ ભીનો અને ચળકતો હતો. મને આશ્ચર્ય થયું કારણ કે તે ચૂપચાપ ત્યાં ઊભો જ રહ્યો હતો. તે કેમ કાંઈ બોલતો ન હતો? પછી અચાનક તેણે બે પગલાં મારી તરફ લીધાં અને મારી સામે તેનો હાથ લાંબો કર્યો. પણ તેનો હાથ બારણા પર ગયો. થોડું ખચકાતા અને વિચિત્ર અવાજમાં તે બબડ્યોે, ‘લોટન, તું એક વાર મને એકલી મળીશ? કાલે બે વાગે, મેટ્રો સિનમાની સામે?’ તે શું બોલતો હતો તે હું સમજી શકતી હતી. મારું હૃદય ધમધમ ધબકી રહ્યું હતું. શું કરવું જોઈએ તે હું નક્કી કરી શકતી ન હતી. અચાનક મેં બાજુમાં જોયું તો અંશુ ત્યાં જ ઊભો હતો. તેણે મારી સામે પણ ન જોયું. તેણે સખત અવાજમાં કહ્યું, ‘જયંતભાઈ, આવો મારી સાથે.’ તે હાથ પકડીને જયંતને નીચે લઈ ગયો. પહેલાં જયંતે થોડો વિરોધ કર્યો. પછી બેચાર વાર બોલ્યો, ‘લોટન, લોટન.’ ત્યાં ઊભા રહેવાને બદલે હું પાછી સૂવાના રૂમમાં ગઈ. અંશુના મિત્રો આજે લાંબા સમય સુધી બેસે એવી મારી ઇચ્છા હતી. પણ તિબેટ અને ચીન માટેની ઉત્તેજના શમી ગઈ અને થોડા જ સમયમાં ઘરમાં શાંતિ છવાઈ ગઈ. તે રાતે અમે ચૂપચાપ જમ્યા. જમ્યા પછી અંશુએ મારી સાથે થોડી વાતો કરી. હું ખૂબ જ ગભરાયેલી હતી. મારી આંખમાં આંસુ હતાં. શું થયું હતું તે જ મને સમજાતું ન હતું. પણ મને લાગતું હતું કે આજે મને શિક્ષા થવાની છે. અંશુ મને પાસે લઈને આશ્વાસન આપી શક્યો હોત. તેની છાતી પર માથું મૂકીને હું રડી શકી હોત તો મને ખૂબ સારું લાગત. તે ક્ષણથી આમારા જીવનનો રસ્તો કદાચ બદલાઈ ગયો હોત. પણ અંશુએ એવું કશું જ કર્યું નહીં. તે તેના ટેબલ પર બેઠો, લાઈટ કરી અને સિગરેટ સળગાવીને બોલ્યો, ‘જયંતભાઈ પીધેલા હતા. મેં તેમને ટૅક્સીમાં બેસાડીને રવાના કર્યા.’ છળી ઊઠી હોઉં એમ મેં કહ્યું, ‘પીધેલા?’ ‘કેમ, તને ખબર ન પડી?’ ‘ના.’ ‘તને ના ખબર પડી?’ અંશુએ આંખ ઊંચી કરી પણ મારી સામે ન જોયું. મારી જવાબ આપવાની ઇચ્છા જ ન હતી. અંદરથી મને થયું કે કદાચ અંશુ મારી વાત માનતો નહીં હોય. પણ તેને ખબર હોવી જોઈતી હતી કે મારા જીવનમાં મેં ક્યારેય દારૂ કે પીધેલા માણસને જોયો જ ન હતો (ફિલ્મ સિવાય). મેં જો કદાચ કોઈ પીધેલો માણસ જોયો પણ હશે તો હું સમજી શકું એમ ન હતું કે તે પીધેલો છે! નાનપણથી હું એવા વાતવરણમાં ઊછરી હતી કે દારૂ શબ્દથી પણ મને ડર લાગતો. થોડી વાર પછી અંશુ ફરીથી બોલ્યો – તેના હોઠ દબાયેલા હતા અને તે મારી સામે જોતો ન હતો – ‘માલતી, જો તેને તેનો પ્રેમ જાહેર કરવા માટે પીવું પડે તો તે કાયર કહેવાય.’ હું પગ વાળીને પલંગ ઉપર બેઠી હતી અને દાઢી ઢીંચણ પર મૂકીને નીચે તાકી રહી હતી. મારું શરીર જાણે પથ્થરનું થઈ ગયું હતું. થોડી વાર પછી ફરીથી અંશુનો અવાજ સંભળાયો, ‘મેં તેને ફરીથી અહીં આવવાની ના પાડી દીધી છે. જો કે તેના ભેજામાં આ વાત ઉતરી હશે કે કેમ તે હું નથી જાણતો.’ અંશુએ લૅમ્પ થોડો ત્રાંસો કર્યો જેથી પલંગ તેના પડછાયામાં આવે. પછી તેની સામે એક ચોપડી મૂકીને કાંઈ લખવા માંડ્યો – કદાચ કોઈ પરદેશી વાર્તાનો અનુવાદ – હમણાંથી થોડા વધારે પૈસા કમાવા માટે તેણે આ એક નવું સાધન પસંદ કર્યું હતું. તે રાતે તેણે દોઢ-બે વાગ્યા સુધી લખ્યું હશે. (ખરેખર કેટલું લખ્યું તે હું નથી જાણતી પણ તે સિગરેટ પીતો પીતો ત્યાં બેઠો હતો ખરો). હું મારી આંખો બંધ કરીને પડી હતી – દીવાસળી સળગાવવાનો અવાજ અને નોટમાંનો કાગળ ફેરવવાનો અવાજ હું સાંભળતી હતી. વચ્ચે વચ્ચે હું આંખ ખોલીને તેનો ચહેરો જોઈ લેતી. તે સાવ અપરિચિત લાગતો. જેની સાથે મારે કોઈ નિસ્બત જ ન હોય, એવા કોઈ માણસનો એ ચહેરો હતો. હું મનમાંને મનમાં બોલી રહી હતી, ‘અંશુ, મને ખૂબ જ એકલું લાગે છે, મારાથી સહન નથી થતું, પ્લીઝ, મારી પાસે આવ.’ હું જયંતનો વિચાર કરતી ન હતી – એનો વિચાર કરવાનું ટાળતી હતી. એના નાના સરખા વિચારથી પણ મને કંપારી છૂટતી હતી. દારૂ, કેટલું ઘૃણાસ્પદ! એક પીધેલો – કેટલું ત્રાસદાયક! આ માનસિક વેદનામાંથી છૂટવા માટે મારા મગજના એક ભાગને બૂઠો કરી નાંખ્યો. આખરે અંશુએ તેની ચોપડી બંધ કરી અને સાચવીને ખુરશીમાંથી ઊભો થયો – તેને એમ હશે કે હું સૂઈ ગઈ છું. તે દબાતા પગલે બાથરૂમમાં ગયો. મને તેના કોગળા કરવાનો અવાજ સંભળાતો હતો (તે ક્યારેય રાતે બ્રશ કર્યા વિના સૂતો નહીં). એક ગ્લાસ પાણી પીને તેણે લાઈટ બંધ કરી અને તેની પીઠ મારી તરફ રાખીને સૂઈ ગયો. હું રડવાનું રોકી જ શકતી ન હતી પણ અંશુનો કોઈ જ પ્રતિભાવ ન આવ્યો – કદાચ તે ખરેખર લખતો હશે અને હવે થાકીને ઊંઘી ગયો હશે. મને એવું ન લાગ્યું કે તે મારા અસ્તિત્વથી સભાન હતો. પણ તે રાતે હું એક ક્ષણ પણ સૂઈ ન શકી. એક, બે, ત્રણ – દિવસો પસાર થતા ગયા અને મને થયું, ચાલો એક શોચનીય પ્રસંગનો અંત અવ્યો. હવે બીજી કોઈ મુશ્કેલી નહીં ઊભી થાય. હું રોજ સાંજે બહાર જઈશ – ક્યારેક બેબી સાથે મારી માને ત્યાં, ક્યારેક કોઈક સગાને ત્યાં, કોઈ બહેનપણી સાથે ફિલ્મ જોવા કે પછી ગરિઆહાટ કારણ વિના ખરીદી કરવા. ઘરે આવીને હું બેઠકમાં નહીં જોડાઉં અને અંશુ પણ મને જોડાવા માટે નહીં કહે કે પૂછશે પણ નહીં કે હું ક્યાં ગઈ હતી. ‘માલતી, જો તેને તેનો પ્રેમ જાહેર કરવા માટે પીવું પડે તો તે કાયર કહેવાય.’ – અંશુના આ શબ્દો શિયાળામાં બંધ રૂમમાં ઘૂમરાતા સિગરેટના ધૂમાડાની જેમ આખા ફ્લૅટમાં ફેલાતા. હું ગૂંગળાતી હતી કારણ કે હું પણ એ જ શબ્દો કહી શકી હોત. મને ક્દાપિ ખ્યાલ ન હતો કે જયંત – ના, મારે જયંતનો વિચાર પણ મનમાંથી કાઢી નાંખવો છે. હું એક કૂતરું કે બિલાડી પાળીશ. કોઈ સંગીતની શાળામાં ફરીથી જોડાઈશ. સંગીતમાં ડિપ્લોમા લઈને હું પોતે સંગીત શીખવાડીશ. જિંદગીમાં કેટલું બધું કરવાનું છે. મારી બેબી છે. હું બીજા બાળક માટે પણ પ્રયત્ન કરી શકું. જો કે અંશુ તેમાં બિલકુલ સંમત નહીં થાય પણ હું તેને દબાણ તો કરી જ શકું. એક અઠવાડિયું પસાર થઈ ગયું. બીજું પણ કદાચ. અચાનક મને લાગવા માંડ્યું કે હું કદાચ જયંત સાથે વધારે પડતી કઠોર થતી હતી. કોઈ એક વાર વધારે પડતું પી લે તેને દારૂડિયો કહેવો યોગ્ય છે? જયંત લાંબા સમયથી રોજ ઘરે આવતો હતો. જો તે સાચે જ દારૂડિયો હોત તો એ વાત આટલા વખત સુધી ખબર પડ્યા વિના રહે? તેના મનમાં શું હતું તે તેને ઘણા વખતથી મને કહેવું હતું – જો કે કહેવાની કાંઈ જરૂર તો ન હતી કારણ કે તે સ્પષ્ટ હતું પણ પુરૂષોને પોતાની લાગણીઓ શબ્દોમાં વ્યક્ત કરવાની ટેવ હોય છે – પણ તે કહેવાની હિંમત કેળવી શકતો ન હતો. આમ જુઓ તો હું પરણેલી હતી, મારે એક બેબી હતી, મારા પતિએ તેને મદદ કરી હતી. તેની જીભ ન ઉપડે તેમાં કાંઈ નવાઈ ન હતી. તેની કાયરતા માટે તેને દોષ દેવાય તેમ ન હતું. આનાથી તો એમ સાબિત થાય છે કે તે પોતાના અંતરાત્માના અવાજને સાંભળનાર વ્યક્તિ છે. પોતાની શરમ ભાંગવા માટે અને જે કહેવું હતું તે કહેવાની હિંમત ભેગી કરવા માટે તે જો કાંઈ કરે તો તેમાં તેનો શું વાંક? તે મારા લગ્નને કેટલા સન્માનની નજરે જોતો હતો! આ જ તો કારણ હતું તેની પેલા દિવસની આવી અસભ્ય વર્તણૂકનું! વળી દારૂને આવી તિરસ્કારભરી નજરે જોવાનું મારે માટે બરાબર હતું? માણસો કેટલા વહેમી હોય છે? આપણા દેશમાં આપણે ગાયનું માંસ નથી ખાતા. પણ જે લોકો ખાય છે તે બધાં કાંઈ ખરાબ નથી હોતા – અરે ક્યારેક તો તેઓ આપણાંથી સારા પણ હોય છે. તેમના દેશમાં દારૂ છૂટથી મળતો હોય છે અને પીવાતો હોય છે અને હું તેના નામથી પણ ધ્રૂજી ઊઠું છું કારણ કે હું તેના વિશે કાંઈ જાણતી નથી, હું તેનાથી ટેવાયેલી નથી. અમારા લગ્ન પછી જ્યારે અંશુ મને કવિતા શીખવવાનો પ્રયત્ન કરતો હતો ત્યારે તે મને કવિઓના જીવન વિશે કહેતો – અંશુ, તારે તો શિક્ષક જ રહેવાની જરૂર હતી, તને ભાષણ કરવાં કેટલાં ગમે છે! – તેમાંના કેટલાંક દારૂને લીધે મરી ગયા તો કોઈ બીજાની પત્ની સાથે ભાગી ગયેલો. આ બધાંની સામે અંશુને કોઈ જ વાંધો ન હતો – તેમના પ્રત્યે તેના મનમાં પ્રેમ કે ભક્તિ જરાય ઓછા થયા ન હતા! તેના અવાજમાં પણ એવો ભાવ ન હતો કે તેમની વર્તણૂક બરાબર ન હતી. તેઓ કવિતા લખતા હતા માટે તેમના કોઈ જ પાપ સામે નહીં જોવાનું? અને જયંત એક જ દિવસ થોડું વધારે પીને આવ્યો માટે મારે તેને નહીં મળવાનું? ભલે જયંત કવિ નથી પણ એનો અર્થ એમ કે એનામાં બીજા કોઈ સારા ગુણ છે જ નહીં? અંશુ પોતે જ તેના કેટલાં વખાણ કરતો હતો કારણ કે જયંત થોડો સમય રાજકીય કારણસર જેલમાં જઈ આવ્યો હતો અને આઝાદી પછી દંડકારણ્ય અને આંદામાન જઈને તેણે નિરાશ્રિતોની પરિસ્થિતિનો અભ્યાસ કર્યો હતો. અને અંશુ તેના જીવનને એક સાહસ કહેતો હતો અને એકંદરે અંશુએ જયંતની ઘણી પ્રશંસા કરી હતી અને હવે એકદમ શું થઈ ગયું? સાચેસાચ શું થયું હતું? આજ સુધી જયંતે અમારા કુટુંબને શું નુકસાન પહોંચાડ્યું હતું? ખરેખર તો તે ઘણો જ મદદરૂપ થયો હતો. તેણે ઘરનાં ઘણાં કામ કર્યાં હતાં જે ખરેખર તો અંશુની જવાબદારી હતાં. તેના હૃદયમાં જો કાંઈ હોય – જો તે મને ચાહતો હોય – તો તે તેના હૃદયમાં છે અને તેનાથી કોઈને કાંઈ નુકસાન તો નથી થતુંને? તેના પર થોડી દયા ન ખાવી જોઈએ? જૂઠાણાં – આપણાં મનમાં આપણે કેટકેટલાં જૂઠાણાં જોડી કાઢીએ છીએ, પછી ગૂંથીએ છીએ કરોળિયાનાં જાળાંની જેમ અને પછી ફસાઈ જઈએ છીએ તેમાં જ, જ્યાં સુધી તે પવનના ઝપાટાથી વીંખાઈ ન જાય કે પછી આપણે આપણી જાતને છેતરવાના પ્રયત્નોથી થાકી જઈએ. મેં પણ તેમ જ કર્યું. જયાં સુધી જયંત પોતે હાજર ન હતો ત્યાં સુધી એના બચાવમાં મેં કેટલીય દલીલો આકાશ-પાતાળ એક કરીને ભેગી કરી – જેમ છોકરાંઓ એક પર એક પત્તું મૂકીને પત્તાંનો મહેલ બનાવે તેમ. પણ હું સૌથી અગત્યની દલીલ ક્યારેય બોલી ન શકી – મારા એકાંતમાં પણ નહીં! સૂઈ જતાં પહેલાં પણ હું મારી જાતને એ વાત કહી ન શકી. એક રવિવારે જમ્યા પછી અંશુએ કહ્યું, ‘મારી પાસે ટાગોરના ચંડાલિકાની ત્રણ ટિકિટો છે. બેબીને લઈને તું આવીશ?’ ‘ચારૂમુખ પ્રોડક્શન?’ ‘હા, તે જ. સારું હોવું જોઈએ.’ મારા જવાબની રાહ જોયા વિના તેણે ઉમેર્યું, ‘તારે ન આવવું હોય તો હું બેબીને લઈને જઈશ. બેબીને માટે જ જવાનું છે.’ મેં તરત જ કહ્યું, ‘તારે મને નથી લઈ જવી?’ ‘તારે બીજે ક્યાંય જવાનું હોય તો મને શી ખબર?’ ‘મારે બીજે ક્યાંય જવાનું નથી.’ ‘તો પછી બધાં જઈશું. બરાબર સાડા પાંચે નીકળીશું.’ અંશુએ સહજતાથી એક ચોપડી ઉપાડીને ખોલી. (તે જો થોડું ઓછું વાંચતો હોત તો તે બીજાના મનની વાત વધારે સારી રીતે સમજી શકત). મને એકદમ વિચાર આવ્યો કે પતિ પત્ની વચ્ચે આવો સંવાદ અસામાન્ય કહેવાય, કદાચ તેને કૃત્રિમ પણ કહી શકાય. પછી વધારે વિચારતાં મને સમજાયું કે છેલ્લા થોડા દિવસોથી અમારી વચ્ચે આવો જ સંવાદ ચાલતો હતો – સાવ શુષ્ક, જરાય રસકસ વિનાનો. અમારા બેમાંથી કોઈને પણ તે સુધારવામાં રસ જ ન હતો – કદાચ અમારામાં તેને માટે જોઈતી શક્તિ જ રહી ન હતી. સ્ટેજની સજાવટ જોઈએ તેવી ન હતી. પોષાકો ગમે તેવા ન હતા અને નાના પાત્રોની અદાકારી પણ ચાલે તેવી જ હતી. પણ સંગીત સરસ હતું. ઓરકેસ્ટ્રામાં વાયોલીન, તબલાં, વાંસળી અને મંજિરા હતાં. અવરનવાર વાગતી સરોદ વરસાદ જેવી લાગતી હતી. એમ લાગતું હતું કે વાજિંત્રો ટાગોરની બંદીશ સાથે જુગલબંદી રમતા હતા. પ્રકૃતિ અને તેની મા, બંનેનું નૃત્ય ખૂબ જ સુંદર હતું. આ બંનેની બદામના આકારની આંખો, તેમનું મંત્રમુગ્ધ કરી દેતું હાથ અને આંગળીઓનું હલનચલન અને ઝડપથી બદલાતા ચહેરાના હાવભાવ – આ બધાંથી હું મુગ્ધ થઈ ગઈ હતી. હું મારી ખુરશીમાં બેઠી બેઠી તાલ સાથે ડોલતી હતી અને ગીતનો એકેએક શબ્દ મોંમાંથી અવાજ કાઢ્યા વિના બોલતી હતી. અપેક્ષાથી ક્યાંય વધારે આનંદ મારા હૃદયમાંથી ઉભરાઈ રહ્યો હતો. મારા અંશુ સાથેના સંવાદને કારણે અને અમારા ઘરે પહોંચ્યા પછી જે થયું તેના કારણે એ રાત મારા મનમાં એકદમ સ્પષ્ટ સચવાયેલી છે. મને લાગે છે કે હું ઝીણામાં ઝીણી વિગત પણ ભૂલી નથી. અમારી વિસ્મૃતિના સ્રોતમાં એ રાત એક ટાપુ જેવી હતી. એ કોઈ બીજી જ દુનિયા હતી જ્યાં સુખ અને દુઃખ તો હતાં પણ કોઈ જ વેદના ન હતી, કોઈ જ મલિનતા ન હતી, કોઈ જ થીગડાં ન હતાં, કાંઈ ખોટું ન હતું, જ્યાં બધું જ એકબીજાની સાથે બરાબર બંધબેસતું હતું ને બધું જ મુક્ત અને તેજસ્વી હતું. એ દુનિયા એક વખત મારી હતી કે થઈ શકી હોત. સંગીતની સ્કૂલમાં મેં પણ એક વાર પ્રકૃતિનું પાત્ર ભજવ્યું હતું. અમારા લગ્ન પછી ઘણા સમય સુધી અંશુ અને હું અવારનવાર નાટક કે સંગીતના કાર્યક્રમમાં જતાં હતાં. (અંશુને નાટકોનો શોખ હતો પણ તેને સંગીતમાં રવીન્દ્રસંગીત સિવાય કાંઈ જ ગમતું નહીં). આવા કાર્યક્રમોમાં ગયે કેટલોય સમય થઈ ગયો હશે. હું રેડિયો પણ નથી સાંભળતી, બેબી ક્યારેક ચાલુ કરે છે. એક વખત તો મને એમ લાગ્યું કે મેં એક દબાયેલા ડૂસકાંનો અવાજ સાંભળ્યો. એ અવાજ અંશુની દિશામાંથી આવતો હોય એમ લાગ્યું. તેના તરફ જોતાં ઝાંખા પ્રકાશમાં મેં જોયું તો અંશુ તેની હથેળીથી તેની આંખ લૂછી રહ્યો હતો. પડદો પડ્યા પછી બહાર નીકળતાં અમને થોડાં ઓળખીતાં લોકો સામે મળ્યાં. કોઈને જવાબ આપતાં અંશુ અંગ્રેજીમાં બોલ્યો, ‘Well, that old man!’ અમે રસ્તા પર પહોંચ્યા ત્યારે તે પોતાની જાતને કહેતો હોય તેમ બોલી ઊઠ્યો, ‘અદ્‌ભુત, અદ્‌ભુત! કેટલું મધુર, કેટલું નાજુક, ક્યારેક લાગણીશીલ પણ ક્યાંક ક્યાંક કેટલી ઉચ્ચ ભૂમિકા પર પહોંચાડી દેતું!’ મહિનાના છેલ્લા દિવસો હોવા છતાં અંશુએ ટૅક્સી ઊભી રાખી, રસ્તામાં બેબી અંશુના ખોળામાં માથું અને મારા ખોળામાં પગ મૂકીને સૂઈ ગઈ. રસ્તામાં અંશુએ પૂછ્યું, ‘તને એમ લાગ્યું કે માની ભાષા સાદી અને તળપદી હતી જ્યારે દીકરી એકદમ સુધરેલી શૈલીમાં બોલતી હતી. આ એક ખામી ન કહેવાય?’ ‘મને ખબર નથી. મેં તેનો વિચાર પણ નથી કર્યો. મારું ધ્યાન માત્ર બંદીશ પર જ હોય છે એટલે હું ખરેખર શબ્દો સાંભળતી જ નથી.’ ‘એ તારી ભૂલ છે. ટાગોરના ગીતોમાં એક જાદુ છે.’ થોડી વાર રહીને તેણે ઉમેર્યું, ‘ના, મેં બરાબર કહ્યું નહીં. ખાસ કરીને નૃત્યનાટિકામાં શબ્દો બંદીશમાં એવા ભળી જાય છે કે આપણને શું થાય છે કે કેમ થાય છે એવો વિચારવાનો સમય જ મળતો નથી. છતાં આ એક વિચારવા જેવી વાત છે.’ અમે ઘરે પહોંચ્યા પછી પણ અંશુ આ જ વિષય પર વાત કરતો રહ્યો. તે લંબાણથી રવીન્દ્રનાથની વાત કરવા માંડ્યો. તેણે ચંડાલિકાનું પુસ્તક કાઢ્યું અને તેનાં પાનાં ઉથલાવવા માંડ્યો. અચાનક તેની આંખો ચમકી ઊઠી. ‘મળી ગયું – આ પંક્તિઓ –’ હે પવિત્ર મહાપુરૂષ, મારા અપરાધની શક્તિ કરતાં તમારી ક્ષમાની શક્તિ અનેક ગણી મહાન. તમારું થશે અસન્માન. તોય પ્રણામ, તોય પ્રણામ, તોય પ્રણામ. ‘અહીં અચાનક મા પણ એકાદબે પુસ્તકિયા શબ્દો વાપરે છે. ખાસ કરીને છપાયેલું થોડું વિચિત્ર લાગે છે. પણ જ્યારે ગવાય – અરે, તને યાદ છે આના સ્વર?’ મારી સામે જોઈને અંશુએ પૂછ્યું. ઘણા સમયથી એવો પ્રસંગ ઊભો થયો ન હતો જ્યારે તેને મને ગાતી સાંભળવાનું મન થાય. મેં તેને માટે ગાયું. થોડી ક્ષણ માટે અંશુ મૂંગો થઈ ગયો. પછી કહે, ‘હવે કાંઈ જ કહેવાનું રહેતું નથી. આનાથી વધુ કાંઈ જ ન હોઈ શકે.’ તે રાતે અમે બંને પડતાંની સાથે જ સૂઈ ગયા. એક ઘેરી, મધુર નિદ્રા. મોડી રાતે મારી આંખ હળવેકથી ખુલી. મને ખ્યાલ આવ્યો કે અંશુનો હાથ મારા ખભા પર હતો. મારી આંખો અંધારાથી ટેવાઈ ત્યારે મને દેખાયું કે મારા ચહેરા પર વળીને તે મને જોઈ રહ્યો હતો. મારા ગાલ પર તેનો શ્વાસ હું અનુભવતી હતી. મારા શરીરમાં એક આનંદની લહેર ફરકી ગઈ. કેટલાય સમય પછી મેં અંશુનો – એક પુરૂષનો સ્પર્શ અનુભવ્યો. એક જ ક્ષણ પછી એ આનંદ એક શૂળની વેદનામાં ફેરવાઈ ગયો. મારા ગળામાંથી એક મૂંગી સર્વનાશની ચીસ નીકળી ગઈ. મારું હૃદય જાણે સાવ નીચોવાઈ ગયું અને મને તેનું ભાન ત્યારે જ થયું. અંશુ મારી બાજુમાં સૂતો હતો. તેણે મારો ચહેરો પોતાના ચહેરા પાસે લીધો. મારું હૃદય સૂમસામ હતું પણ મેં ઉચિત પ્રતિભાવ આપ્યો. તે થોડી ક્ષણો માટે મેં તેને મારું શરીર સોંપી દીધું. તેને કાંઈ પણ મળ્યું હોય તો તે શું તે હું નથી જાણતી. પણ મને એક ઘૃણાની લાગણી થઈ આવી. મારા ઉપર, મારા શરીર ઉપર અંશુના હકના દાવા માટે હું અંશુને માફ ન કરી શકી. બીજી જ ક્ષણે હું મારી જાત ઉપર ધુંધવાઈ ઊઠી. અંશુ તરફ હું આવી વેરની લાગણી કેવી રીતે ધરાવી શકું? મારી ગરદન પર અંશુનો ચહેરો હતો અને તે ઘસઘસાટ ઊંઘી ગયો હતો – જાણે કોઈ નવલકથામાં આવતો સંતુષ્ટ પ્રેમી! કાંઈક ખોવાયેલું પાછું મળતાં બાળક કેટલા આરામથી સૂઈ જાય, તેમ જ! મેં તેને બાજુમાં ખસેડતા કહ્યું, ‘ઊઠ, તારા પલંગમાં જઈને સૂઈ જા.’ ‘અહીં જ રહું તો શું વાંધો છે?’ ‘તું સવાર પહેલાં ન ઊઠે તો? બેબી અંદર આવીને આપણને જુએ તો?’ અંશુ ગાઢી ઊંઘમાં જ ઊભો થઈને ગયો. મારા અંતરના ઊંડાણમાંથી એક વિચાર ધીરે ધીરે ઉપસી આવતો હતો. અંશુ ઉપરનો મારો ગુસ્સો, વિરોધ, વેદના – બધું જ જયંતને કારણે જ હતું. હું તેને ક્ષણ માત્ર માટે પણ ભૂલી શકતી ન હતી. તેથી જ આ વેદના. અંશુ અને હું સાથે ચંડાલિકા જોવા ગયાં હતાં અને એક અનોખો આનંદ અમે સાથે માણ્યો હતો જે ઈન્દ્રીયજન્ય હતો પણ ખરો અને ન પણ હતો! આ આનંદમાં જયંત ભાગીદાર ન હતો. અમારી જરૂરિયાત અને અમારા અધિકારથી પર એવી આ સુંદર લાગણી જેને પવિત્ર કે વિશુદ્ધ કહી શકાય, તે અમે બંને જણે થોડીક જ ક્ષણો માટે અનુભવી હતી. જયંત આ અનુભવમાંથી બાકાત હતો. થોડી જ વાર પહેલાં મેં મારું શરીર અંશુને સોંપ્યું હતું. અંશુને લાગ્યું કે તે સુખી છે અને તે ઊંઘી ગયો હતો. અને જયંતને આ ઘરમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યો હતો. અંશુએ, મારા પતિએ મારો વિચાર કર્યા વિના, મારી લાગણીનો વિચાર કર્યા વિના, જયંતને કાઢી મૂક્યો હતો. પછી ટાગોરનાં ગીતોની મોહિની છવાઈ ગઈ હતી. હું મારી જાતને જ ભૂલી ગઈ હતી. મને અંશુ શ્રેષ્ઠ, બુદ્ધિશાળી લાગતો હતો. ચંડાલિકા વિશેનો તેનો અભિપ્રાય મને અસાધારણ લાગ્યો હતો. પણ ઊંઘના કલાકોમાં પેલી ગીતોની મોહિની અદૃશ્ય થઈ ગઈ હતી. જેમાં મને અંશુ અદ્‌ભુત લાગ્યો હતો તે મારો મુડ પણ બદલાઈ ગયો હતો. અને હવે અચાનક અંશુના સ્પર્શથી હું વાસ્તવિક દુનિયામાં પાછી ફરી હતી. જ્યારે મારી જેમ જ જયંત પણ સતત પીડાતો હોય ત્યારે હું કેવી રીતે અંશુનું સુખ – તેને લાગતું સુખ – જોઈ, સ્વીકારી કે સહન કરી શકું? અને તેને તો મને મળતી જીવનની થોડી સગવડો કે સાંત્વના પણ નથી મળતાં! મને મારી અને અંશુની અદેખાઈ આવી કારણ કે અમે તો કોઈ ને કોઈ પ્રકારનું સુખ મેળવતા હતા કે મેળવ્યું હતું કે પછી મેળવીશું કે મેળવી શકીશું પણ જયંતના જીવનમાં તેને એ ક્યારેય મળવાનું ન હતું. એક સાદીસીધી અને માંદલી પત્ની, વિધવા મા, છોકરાંઓ અને ગરીબી – જયંતનું જીવન આ બધાંની વચ્ચે વીતતું હતું. પછી તે અમને મળ્યો. તેના જીવન વિશે તેણે જ આ બધું મને કહ્યું હતું. હું તેને ઘરે કે ઑફિસે ક્યારેય ગઈ ન હતી. પોતાના શરૂઆતના ઉત્સાહમાં અંશુએ ચીતરેલા જયંતને હું જીવનના સંગ્રામમાં એકલે હાથે લડતા એક સૈનિક તરીકે જોતી હતી જે સતત પ્રતિકૂળ વાતાવરણમાં સ્થાયી નોકરી વિના, તડકો છાંયડો જોયા વિના, રોજીરોટી કમાવા, વીખરાયેલા વાળ સાથે રસ્તા પર ફરતો રહેતો – દેશની તે સેવા કરતો અને અન્યાયની સામે તે લડતો. મને લાગતું કે તેનામાં ઘણી સારી ખાસિયતો હતી જે ગરીબીને કારણે કચડાઈ જતી અને બીજાંઓ જાણીબૂઝીને તેને અવગણતાં. મેં નક્કી કર્યું કે હું જયંતને આ ઘરમાં ગમે તેમ કરીને પાછો બોલાવીશ – તેની પ્રતિભાને હું પોષણ આપીશ અને તેના વિકાસમાં મદદ કરીશ. હું તેને આશરો આપીશ. મને થયું કે આખી દુનિયામાં હું જ તેની ખાસ મિત્ર છું અને હું તેની જરૂરિયાત છું. તેને મારાથી વંચિત રાખવો એ મારે માટે પાપ સમાન કહેવાય. ઊંડાં નિશ્વાસો નાંખતાં અને પાસાં ઘસતાં મેં બાકીની આખીય રાત પસાર કરી – આ જ રૂમમાં, આ જ પલંગમાં, મારા પતિના પલંગની બાજુમાં જ! બીજા દિવસે, બપોરના એકાંતમાં મેં એક કાગળ ઉપર લખ્યું, ‘જયંત, પાછો આવ.’ થોડી વાર હું એ ત્રણ શબ્દો સામે જોઈ રહી – જાણે તે લખવાનું કારણ અને તેનો અર્થ શોધી ન રહી હોઉં. વારંવાર તેના પર ઘૂંટીને મેં તે શબ્દોને ઘેરા કર્યા. અચાનક મને એક બીજી જ શક્યતાનો વિચાર આવ્યો – કદાચ જયંત કલકત્તા છોડીને જતો નહીં રહ્યો હોય? નસીબ – જેને સુખ કહેતા હોઈએ છીએ તેનો આધાર નસીબ ઉપર જ હોય છેને. તે તો છૂટ્‌ટો છે અને બેપરવા પણ! તેને કલકત્તા છોડીને જતાં કોણ રોકનાર છે? કદાચ પોતાના અપમાન અને વેદના સહન કરવાના ભાર સાથે તે જતો રહ્યો હોય જેથી નયનાંશુ અને તેની પત્ની છૂટા ન થઈ જાય! તેનું સામયિક, વર્તમાન, હજી ચાલુ છે? તે દર અઠવાડિયે અમને મળતું હતું. હમણાંથી આવ્યું છે? બેઠકના રૂમમાં મેં શોધવા માંડ્યું. અંશુએ મંગાવેલા જાતજાતના સામયિકો ત્યાં હતાં પણ વર્તમાનની એક પણ કૉપી ન હતી. તો પછી તે બંધ થઈ ગયું હશે કે વેચાઈ ગયું હશે? અંશુ ચોક્કસ જાણતો હશે પણ મને કહેતો નહીં હોય. કદાચ અંશુએ જ એને પટના કે ભુવનેશ્વરમાં નોકરી અપાવી હોય! મને એવો પણ વિચાર આવ્યો કે અંશુએ જ તેને મારાથી દૂર કરવા કોઈ કાવતરું નહીં કર્યું હોય? તેને તો મારા કોઈ પણ મિત્રો મારી આજુબાજુ ફરકે તે ગમતું ન હતું. કોઈ મારી નોંધ લે એ પણ તેનાથી ક્યાં સહન થતું હતું? નયનાંશુ – એ તો છે જ એવો અદેખો અને સ્વાર્થી. પણ જયંત, તેં પણ મારો વિચાર ન કર્યો? તે જ ક્ષણે મેં અચાનક જયંતને જોયો – બેઠકના રૂમમાં, મારી સામે ઊભેલો. સામયિકો ફંફોળતાં ઊંચું જોયું તો સામે ઊભો હતો, જયંત. થોડી વાર તો હું મારી આંખો પર વિશ્વાસ જ ન કરી શકી. તેણે ચોખ્ખાં ધોતી અને ઝભ્ભો પહેર્યાં હતાં અને તેના વાળ પણ બરાબર ઓળેલા હતા. તે થોડો સૂકાઈ ગયો હતો. ઊભા ઊભા જ તે બોલ્યો, ‘હું ફરી વાર આવ્યા વિના રહી ન શક્યો. મારે તને એક વાર તો મળવું જ હતું. પણ જો તારી ઇચ્છા ન હોય કે તમે બંને – તો હું આ જ મિનિટે જતો રહીશ. તમારા આખા જીવનમાં તમે મને ફરી નહીં જુઓ.’ મારું આખું શરીર કાંપવા માંડ્યું. હું ખુરશીમાં ફસડાઈ પડી. મારા ધબકારા વધી ગયા. ઘણી વાર સુધી એકબીજાંની સામે જોયા કે બોલ્યા વિના, માત્ર એકબીજાંની હાજરી અનુભવતાં અમે બેસી રહ્યાં. પછી જયંત બોલ્યો, ‘લોટન, મને માફ નહીં કરે? તું મારી સામે પણ નહીં જુએ?’ મેં તેની સામે જોયું અને તેની કાળી આંખોમાં સળગતી આગ મને દેખાઈ. બેબી સ્કૂલેથી પાછી આવી અને તેના જેન્તીકાકાને જોઈને ખુશખુશાલ થઈ ગઈ અને તેમની આસપાસ નાચવા લાગી. જયંતે તેને બાથમાં લઈને ચૂમી. ઑફિસમાંથી આવીને અંશુ ક્ષણમાત્ર માટે અચકાયો અને તરત જ સહજતાથી બોલ્યો, ‘આવી ગયા જયંતભાઈ? કેમ છો?’ એટલી જ સહજતાથી જયંતે જવાબ આપ્યો, ‘શ્રીમતી મુખર્જી, તમારો પતિ ગજબ છે. મારા જેવા હરામખોરને પણ એ સહન કરી શકે છે.’ અને આમ ફરીથી શરૂ થઈ ગયું અમારું રૂઢિગત જીવન જે ઘણાંને અ-રૂઢિગત પણ લાગે. ત્યારથી આજ સુધીનો રસ્તો ઝડપભેર કપાઈ ગયો. મેં કાંઈ ખોટું કર્યું છે? પણ હું કરી પણ શું શકી હોત? હું પણ હાડમાંસની જ બનેલી છું. જયંતને કોઈ પોતાની જાતે બનાવેલી કે પોતાની કલ્પના પ્રમાણે ઘડેલી પૂતળી નહીં પણ માલતી જોઈતી હતી – માલતી, જેવી છે તેવી, જેવી હતી તેવી, આ જ માલતી. કેવી રીતે અને શા માટે હું તેનો અસ્વીકાર કરું? પેલા પંદર-વીસ દિવસો જ્યારે જયંત ઘરે આવ્યો ન હતો તે સહેલાઈથી ભૂલાઈ ગયા – જાણે તેનું કોઈ અસ્તિત્વ જ ન હતું – જાણે જયંત હંમેશા અહીં જ હતો અને રહેવાનો હતો! કેટકેટલી રીતે તેણે મને જણાવ્યું હતું કે હું જ તેનું સર્વસ્વ હતી, તેના જીવનના કેન્દ્રમાં હતી. આવી ભક્તિના મૂલ્યની અવગણના થાય? હું સાવ નિષ્ઠુર છું? કેટલીય વાર એવું થયું હશે કે ઘર લોકોથી ભરેલું હોય, કોઈને કોઈ સગાઓ આવી ચડ્યાં હોય, હું હાંફળીફાંફળી આમથી તેમ કામ કરતી ફરતી હોઉં અને કલાકોના કલાકો જયંત બેસી રહે જેથી તે મારી સાથે ફક્ત પંદરેક મિનિટ એકલો વાત કરી શકે. (અમે એકબીજાની આંખોમાં આંખો મેળવી બેઠા રહીએ, એકાદ બે શબ્દો બોલીએ, મારા ઘરની કે તેના જીવનની કે દંડકારણ્યની પરિસ્થિતિની વાત કરીએ – તેને માટે મને એકલા મળવાનું કારણ આનાથી વધારે કાંઈ જ ન હતું). તે અમારાં સગાંવહાલાં સાથે હળીમળી જતો. બેબીનો તો ખાસ દોસ્ત બની ગયેલો. મારી ગૃહસ્થીની ઝીણામાં ઝીણી વિગત તે જાણતો હતો. તે જાણે આ ઘરનો, આ પરિવારનો એક ભાગ જ બની ગયો હતો. મને લાગતું હતું કે નયનાંશુને આ બહુ ગમતું નહીં. તેની પાસેથી એવી અપેક્ષા પણ ન રખાય તે હું સમજી શકતી હતી. જેમ જેમ દિવસો પસાર થતાં હતાં તેમ તેમ તેના મનમાં એક અમંગળ આશંકા ઊભી થતી હું અનુભવતી હતી. અમારા આ સંયુક્ત જીવનમાં અમારા બેમાંથી એકેનું સ્થાન સુરક્ષિત ન હતું એ મને ધીરે ધીરે સમજાતું હતું. દુઃખદ જરૂર, પણ શું બધાં જ ઈલાજ અને ઉપચાર મારા હાથમાં હતાં? ના, આ ઘરનો મલિક અંશુ છે. કઠોર નિર્ણયો તેણે લેવાના હોય. શા માટે તે લગામ પરનો પોતાનો કાબૂ છોડી દે છે? એક વખત જયંતને કાઢી મૂક્યા પછી શા માટે તેને ફરીથી આવવા દીધો? તે આખાબોલો અને તોછડો થઈ શક્યો હોત. મારી સાથે પણ સખતાઈથી વર્તી શક્યો હોત. કેમ તેણે ફક્ત બબડ્યા જ કર્યું અને એક છોકરીની જેમ રિસાતો જ રહ્યો? જો કે આ બધું ખોટું છે. આપણે આપણી જાતને અને બીજાંને અનેક રીતે છેતરી શકીએ છીએ. અને આ છેતરામણીની ચાળણીમાંથી આપણને ખબર પણ ન પડે તેમ જેને આપણે સારું કે ખરાબ કહીએ કે પછી યોગ્ય અને અયોગ્ય કહીએ તે ટપકે ટપકે નીકળી જાય છે. આ બધી અસ્પષ્ટ વાતોનો કાંઈ જ અર્થ નથી. મુખ્ય વાત છે – કામના. આપણે કામનાના તાબામાં છીએ અને તેના ચલાવ્યા ચાલીએ છીએ. આપણી પ્રકૃતિ જ એવી છે કે એકની કામના બીજાની કામનાથી જુદી જ હોય. પતિ અને પત્નીને સતત સાથે જ રહેવાનું હોઈ તેમની વચ્ચેનો ફરક વધુ ને વધુ દેખાવાનો. પણ ઘણું કરીને આનાથી બહુ વાંધો નથી આવતો અને નાનાંમોટાં સમાધાનથી કામ ચાલી જાય છે. પરિસ્થિતિનો સ્વીકાર કરવો કે તેમાં ગોઠવાઈ જવાનું શક્ય છે. પણ જ્યારે કોઈ કામના અત્યંત તીવ્ર થઈ જાય ત્યારે કોણ નક્કી કરી શકે કે સાચું શું અને ખોટું શું? એ અદમ્ય શક્તિને અટકાવવાનું બળ કોનામાં છે? છેલ્લા બાર વર્ષથી બધું જ અંશુની ઇચ્છા પ્રમાણે થતું આવ્યું છે. એક વાર મારી ઇચ્છા પ્રમાણે કાંઈ ન થઈ શકે? હું માત્ર તેની પત્ની જ છું? મારી પણ એક સ્વતંત્ર મરજી ન હોઈ શકે? એમ ન માનતા કે હું નયનાંશુની વેદનાથી અજાણ હતી કે હું તેને આનંદમાં રાખવાનો પ્રયત્ન કરતી ન હતી. જ્યારે મારી અને જયંતની વચ્ચે કાંઈ જ થયું ન હતું ત્યારે હું જોઈ શકતી હતી કે નયનાંશુ ધીરે ધીરે બદલાતો જતો હતો. તે ખૂબ ઓછું હસતો, મારા સવાલોના સીધા જવાબો ન આપતો – બીજી એક વ્યક્તિને તેના કરતાં મારામાં વધારે રસ હતો તે વાત તેને ખૂંચતી હતી. તે વખતે હું તેને માટે શું શું કરતી ન હતી? મને રસોઈનો શોખ નથી – છતાં તે વખતે તેને ભાવતું બધું જ હું રાંધતી. ભલે મને ગેસની ગરમીથી માથું ચડતું! અમારે ત્યાં નોકરો હોવા છતાં તેના ખમીસને હું જાતે જ ઈસ્ત્રી કરી આપતી. તેના બૂટ પૉલીશ કરવાનો પણ મને વાંધો ન હતો. તેને તેની સગવડો ગમતી હતી અને તે સુઘડતાનો આગ્રહી હતો. હું ઘણી મહેનત કરીને અમારું ઘર ચોખ્ખું રાખતી. લૅમ્પશેડ બદલવા, સોફાના કવર ચોખ્ખાં રાખવાં, જેથી બેઠકનો રૂમ સરસ દેખાય – આ બધાંનું હું ખાસ ધ્યાન રાખતી. પણ તે તો ક્યારેય આની નોંધ લેતો જ નહીં. જ્યારે જયંતની નજર એક પણ ઝીણી વિગત ચૂકતી નહીં. હું નવી બુટ્ટી પહેરું તેના પર પણ તેનું ધ્યાન જતું. ચા રેડતાં મારા હાથ પર મંડાયેલી તેની નજરને હું અનુભવી શકતી. મારે નયનાંશુને મારા શરીરથી ભોળવવાનો હતો? પણ તે તો કેવું ઘૃણાસ્પદ! શું કરું? હું આવી જ થઈ ગઈ છું. હું ઈચ્છું છું કે તે આનંદમાં રહે પણ મને તેના શરીરની સૂગ આવે છે. ક્યારેક તે બાથરૂમમાંથી ખુલ્લા શરીરે બહાર આવે ત્યારે પણ હું મારી નજર ફેરવી લઉં છું. ક્યારેક તો અમારે એક જ રૂમમાં સૂવું પડે છે તેનાથી પણ મને ગૂંગળામણ થાય છે. પ્રેમમાં જો શરીર કોઈ ભાગ જ ભજવતું ન હોત તો નયનાંશુ અને હું કેટલા સુખી હોત! તે બંનેને જુદા રાખીને આનંદમાં ન રહી શકે? તેણે જ્યારે તેની ઑફિસની અપર્ણા ઘોષને ચા માટે બોલાવી ત્યારે મને થોડી આશા બંધાઈ હતી. અપર્ણાએ છૂટાછેડા લીધેલા છે. તે પાર્ક સ્ટ્રીટની સ્ત્રીઓના જેવી છે. વાતોમાં ચબરાક છે. અને નયનાંશુ સામે વાંકી નજરે જોતી હોય છે. પણ તે વાત આગળ નહીં વધારવાનો. તે તો લાંબા વિચારો કરવામાં અને ચિંતા કરવામાં એક્કો છે. તેને કોઈ વાત સીધેસીધી કરવી ફાવે જ નહીં. તેની વિચારધારા જ વાંકીચૂંકી અને આડીઅવળી છે. તે પ્રયત્ન કર્યા વિના સુખી થઈ શકે તેમ જ નથી. તમને કહી દઉં કે હવે હું અંશુને નહીં પણ જયંતને પ્રેમ કરું છું? આ બધી પ્રેમની વાતો ઉપજાવી કાઢેલી છે – અંશુ જેવા લોકોએ. એક ખ્યાલ, એક કલ્પનાનો તુક્કો – કદાચ એક આદર્શ, જેને કોઈ પામી નથી શકતું પણ જેની બધાં જ મોટેમોટેથી વાતો કરે છે – પોતાની નિષ્ફળતા સંતાડવા માટે! ક્યાંય એવો કોઈ માણસ હશે જે બીજી વ્યક્તિની બધી જ કામના સંતોષી શકે? નાનપણમાં તમારો જીવન વિશે એક જુદો જ અભિગમ હોય છે, તમારી પાસે એક તાજું, વપરાયા વિનાનું, થનગનતું શરીર હોય છે. પછી એકદમ જ તમે કોઈ વ્યક્તિની બધી જ લાક્ષણિકતાઓથી મુગ્ધ થઈ જાઓ છો. તે પુરૂષ કે સ્ત્રી તમારે માટે બીજાં બધાંથી પર થઈ જાય છે. તમને લાગવા માંડે છે કે જો તમને એ વ્યક્તિ મળી જાય તો તમારે બીજાં કશાની જરૂર નથી. પણ જો તમને તે ખરેખર મળી જાય – ધારો કે લગ્નના રસ્તે – તો આ મુગ્ધાવસ્થા એક જ ઉનાળામાં કરમાઈને ખરી જવાની અને એક વરસાદમાં ધોવાઈ જવાની. જે બાકી રહેશે તે તો છે સ્વાર્થ, સહવાસના પરિણામ સ્વરૂપ વળગણ, એક ટેવ, એક નિરાંત -જૂના સ્લિપર પહેરીને અનુભવાતી નિરાંત – અને શરીર પણ રહેશે. શરીર પણ સહેલાઈથી થાકશે અને પોતાની અસંમતિ દર્શાવશે. કેટલી સહેલાઈથી આપણે બીજા કોઈ સુખનાં સ્વપ્ન જોવા શરૂ કરીએ છીએ. કોઈ સીધાસાદા લોકો આમાંથી અપવાદ હોઈ શકે કે પછી જેમની આંખની આગળ પડદો હોય જેથી તેઓ ફક્ત એક જ વ્યક્તિને જોઈ શકે! જયંતે મારી સાથે ઘણી વાતો કરી છે પણ તે એક વાર પણ પ્રેમ શબ્દ બોલ્યો નથી અને તેને માટે હું તેનો આભાર માનું છું. બીજી તરફ, હું તેને પ્રેમ કરું છું કે નહીં તે જાણવા માટે અંશુએ મને કેટલાય પ્રશ્નો પૂછીને મને ગાંડી કરી નાંખી હતી. મારી કૉલેજની બહેનપણી ઝરણાનો જ દાખલો લોને. તેના લગ્ન પછી તે તેના એન્જિનીયર પતિ સાથે અમારા ઘરે આવી હતી. એ બંને જેટલી વાર અમારી સાથે રહ્યા તે સમય દરમિયાન તેની નજર તો તેના પતિની સામે જ હતી. તેનો પતિ કાંઈ પણ બોલે તો તે ચાવી આપેલા રમકડાંની જેમ માથું ડોલાવતી અને તેના પતિએ જાણે કોઈ ગંભીર સત્ય જાહેર કર્યું હોય તેમ અમારી સામે જોઈ રહેતી. તેના પતિએ કહ્યું, ‘કાળા બજારિયાઓને પકડીને શૂળીએ ચડાવી દેવા જોઈએ.’ તરત જ ઝરણા ડોકું હલાવતાં બોલી ઊઠી, ‘જરૂર, તેમને જરૂર શૂળીએ જ ચડાવી દેવા જોઈએ.’ પતિએ જાહેર કર્યું, ‘આપણા દેશમાં સમાજવાદ ચાલે જ નહીં. આપણે તો સરમુખત્યારશાહીને જ લાયક છીએ.’ ઝરણાએ તરત જ ઉમેર્યું, ‘ખરેખર, આપણે ત્યાં સરમુખત્યારની જ જરૂર છે.’ તેમણે કહ્યું, ‘આ તે કેવી વિચિત્ર વાત છે! સાહેબ, ફીઝિક્સ અને કેમિસ્ટ્રી તે કાંઈ બંગાળીમાં ભણાવાય?’ નયનાંશુએ કહ્યું, ‘કેમ નહીં? જાપાનમાં બધા જ વિષયો તેમની ભાષામાં જ શીખવાય છે.’ ‘એ બધી વાત છોડો. અંગ્રેજી વિના ચાલે જ નહીં.’ તરત જ અમારા બધાંની સામે જોતાં ઝરણાએ ટાપસી પૂરાવી, ‘અંગ્રેજી વિના તો કેમ ચાલે?’ જયાં સુધી અમારી સાથે બેઠાં હતાં ત્યાં સુધી આમ જ ચાલ્યા કર્યું. મને થયું કે હું જાણું છું ત્યાં સુધી ઝરણા આવી બાઘી ન હતી. પછી મને સમજાયું કે એક તો તે મોડી પરણી હતી અને હજી તેનો લગ્નનો આવેશ શમ્યો ન હતો – જોકે વહેલો મોડો તે શમી તો જવાનો જ. પણ મેં જોયું કે પાંચ વર્ષ પછીય ઝરણા બદલાઈ ન હતી. હવે તે થોડી જાડી થઈ ગઈ હતી અને ત્રણ છોકરાંની મા હતી. તે અવારનવાર તેના પતિની ગાડીમાં આવતી અને જણાવ્યા વિના ઓચિંતી ટપકી પડતી. તેની વાતોમાં તેના પતિ સિવાય બીજું કાંઈ સંભળાતું જ નહીં. તે તેમને માટે સન્માનવાચક સંબોધન ‘એમને’ વાપરતી: એમને આમ જ કરવું ફાવે છે, એમને પેલું ગમે છે, હમણાંથી એમને સાંજે ડ્રિન્ક લેવાની ટેવ પડી છે, રવિવારે તો એમનાથી દસ વાગ્યા પહેલાં ઊઠાતું જ નથી – જાણે આ બધું જાહેર કરવા જેટલું અગત્યનું હોય! મેં મનમાં ને મનમાં તેની ખૂબ મશ્કરી કરી. છતાં કદાચ તેની મૂર્ખામીમાં કાંઈક વજૂદ હોઈ શકે. સફળ લગ્ન માટે એક પક્ષને બીજાના અંકુશમાં રહેવાનું જરૂરી હશે – મોટે ભાગે સ્ત્રી અંકુશમાં રહેતી હોય છે. એ તેની શોભા છે. અને જો જીવનનું લક્ષ્ય સુખ હોય તો તે કેવી રીતે મળે છે તેની ફિકર શાને માટે કરવી? ઝરણાને માટે તેના ‘એ’ અને ‘એમને’ અને ‘એમનું’ બરાબર છે. તેમને ક્યારેય કોઈ ક્લેશ કે દર્દ નહીં થાય. આખરે સુખી તો તે લોકો જ થાય છેને? પણ તકલીફ એમ છે કે હું ઝરણા નથી અને નયનાંશુ જેવા આદર્શોની દુનિયામાં રાચતા પુરૂષને ઝરણા જેવી સ્ત્રી સાવ નીરસ લાગે. એક દિવસ જયંતના સામયિક અંગે ચર્ચા ચાલતી હતી. નયનાંશુએ કહ્યું, ‘હવે તારે વર્તમાનનો બ્લૉક બદલવો જોઈએ. છેલ્લો ‘ન’ બહુ મોટો લાગે છે.’ જયંતે જવાબમાં કહ્યું, ‘એમાં શું ફરક પડે?’ ‘આમાં વધારે ખર્ચ નહીં થાય – બદલવું જ સારું, કારણ કે તે પહેલાં જ પાને છે અને આમ સારું નથી લાગતું.’ જયંતે કટાક્ષમાં હસીને સિગરેટ સળગાવી. અંશુ થોડી વાર તેની સામે ત્રાંસી નજરે જોઈ રહ્યો અને પછી બોલ્યો, ‘અને બીજું, તારા મૅગેઝિનમાં કુત્સિત શબ્દની જોડણી હંમેશા ખોટી હોય છે. તે તારે સુધારવી જોઈએ.’ જયંતના પહેલાં હું જ બોલી ઊઠી, ‘મને તો તેની જોડણી બરાબર લાગે છે.’ જયંત હળવાશથી હસીને બોલ્યો, ‘હું તો હંમેશા આમ જ લખતો આવ્યો છું.’ ‘બીજાં ઘણાં પણ આમ જ લખે છે – પણ ભૂલ તો ભૂલ જ કહેવાય.’ ‘એમાં ભૂલ શું છે?’ ‘એ સંસ્કૃત શબ્દ છે અને તેની જોડણી સંસ્કૃતના નિયમો મુજબ થવી જોઈએ.’ ‘પણ હું તેમ ન કરું તો શું નુકસાન થશે? તેનો અર્થ બદલાઈ જશે?’ ‘તો પછી સાચા અને ખોટા વચ્ચે કાંઈ ફરક જ નથી?’ ‘તું એ ફરક જુએ છે પણ હું નથી જોતો. મને તો જોડણી પણ એક વહેમ જ લાગે છે – ઘર છોડતાં આવતી છીંક જેમ અશુભ ગણાય છે તેમ!’ ‘પણ બંગાળી ભાષા મારી કે તારી અંગત મૂડી નથી કે તેની સાથે મન ફાવે તેવાં ચેડા કરી શકીએ.’ ‘જુઓ સાહેબ, મારે તો રોજીરોટી કમાવા ખૂબ મહેનત કરવી પડે છે. દરેક અઠવાડિયે મારે પંદર કોલમ લખવાની હોય છે. મને જોડણીની ફિકર કરવી પોસાય તેમ નથી. આ બધું તમને મોટા માણસોને પોસાય.’ મને નયનાંશુનો ચહેરો લાલ થઈ જતો દેખાયો. ‘ભલે, તારી મરજી. મારે થોડું કામ છે.’ આમ કહીને તે ત્યાંથી ઊભો થઈને સૂવાના રૂમમાં જતો રહ્યો. મને દલીલોની ચીડ છે. જ્યારે નયનાંશુ ખરાબ મુડમાં હોય ત્યારે હું સામાન્ય રીતે ચૂપ રહું છું. પણ તે રાતે હું જમ્યા પછી બોલ્યા વિના ન રહી શકી. ‘તું અચાનક ઊભો થઈને જતો કેમ રહ્યો?’ ‘મને ત્યાં મઝા આવતી ન હતી.’ ‘એટલે શું તારે સામાન્ય વિવેક ભૂલી જવાનો?’ ‘કેમ મારા ત્યાં ન રહેવાથી જયંતભાઈને તકલીફ થઈ હતી?’ તેના આડકતરા કટાક્ષને ન સમજવાનો ડોળ કરતી હું બોલી, ‘જોડણી કાંઈ બહુ અગત્યની વાત નથી. તેને કારણે ગુસ્સે થવું બરાબર ન કહેવાય. આવો છોકરમત ન બન.’ ‘તમને લોકોને જોડણી અગત્યની લાગતી નહીં હોય, મારે માટે જોડણી ખૂબ જ અગત્યની છે.’ તેણે જે રીતે ‘તમને લોકો’ કહ્યું તે મને ગમ્યું તો નહીં પણ મેં સંયમ રાખીને જવાબ આપ્યો, ‘તું તો જોડણીની ભૂલ નથી કરતોને? પછી શું વાંધો? પણ તારે બીજાના માસ્તર બનવાની શી જરૂર?’ ‘બિલકુલ સાચી વાત. જરાય જરૂર નહીં.’ નયનાંશુ ખુરશી પરથી ઊભો થઈને આમથી તેમ આંટા મારવા માંડ્યો. ‘જરાય ફરક પડતો નથી – છાપવામાં ભૂલો, જોડણીની ભૂલો, નકામી બંગાળી ભાષા – પીડાતા ગુલામો, શક્તિશાળી મજૂરવર્ગ – બધું કહેવા પૂરતું જ – અને જો કોઈ ભૂલ બતાવે તો પોતે ખોટા છે એવું સ્વીકારવાનું પણ નહીં!’ ‘પણ તેં જ જયંત રાયને પેટ છૂટા વખાણ કરીને કર્મવીરનો ખિતાબ આપ્યો ન હતો? અને વર્તમાનને જાહેર ખબરો લાવી આપીને મદદ કરી ન હતી?’ ‘ત્યારે મેં વર્તમાન વાંચ્યું ન હતું. માત્ર તેને સાંભળીને જ મેં નક્કી કર્યું હતું કે મારે તેને મદદ કરવી જોઈએ.’ ‘મદદ – દયાને ખાતર? એટલે તું જાહેર ખબર આપનારના પૈસા વેડફતો હતો?’ ‘તું જેમાં કાંઈ જ સમજતી નથી તેની વાત ન કર.’ નયનાંશુની આંખો લાલ લાલ થઈ ગઈ હતી. ‘અને તેના અભિપ્રાયો – સાવ ઠેકાણા વિનાના – આજે કૉંગ્રેસ, કાલે સામ્યવાદીઓ, પરમ દિવસે સ્વતંત્ર પાર્ટી – જે તરફનો પવન!’ હવે હું મોટેથી બોલી, ‘હવે તો તું ફક્ત જયંતભાઈનો વાંક જ કાઢવા માંગતો હોય એમ લાગે છે – મને કહે તો ખરો કે શું થયું છે?’ પોતાના વિચારોમાં ખોવાયેલા નયનાંશુએ બોલવા માંડ્યું, ‘સૌથી અગત્યનું વેચાણ. થોડી વધારે કમાણી કેમ થાય તેના સિવાય બીજા કશા સાથે નિસ્બત જ નહીં. જોડણી ખોટી હોય તો વેચાણને અસર નથી થવાની તો જોડણી ભલે ખોટી રહેતી. અને જો જૂઠાણાં છાપવાથી વેચાણ વધતું હોય તો જૂઠાણાં પણ છાપવાનાં. અંતરાત્મા જેવી કોઈ વસ્તુ જ નહીં. સભ્યતા જ નહીં.’ ‘તારો અંતરાત્મા રાખ તારી પાસે.’ મારું લોહી ઉકળી આવ્યું અને જે મનમાં આવ્યું તે હું બોલવા માંડી, ‘અને તું – જમણા હાથે જાહેર ખબર આપો અને ડાબા હાથે પોતાનું લખેલું છપાવવું – આ કાંઈ યોગ્ય કહેવાય? તું પેલા વધારાના રૂપિયા પાછળ છુંને?’ ‘એટલે? શું કહેવા માંગે છે?’ એકદમ ગોળ ફરીને નયનાંશુ મારી સામે જ સજ્જડ થઈને ઊભો રહી ગયો. ‘તું કહેવા શું માંગે છે?’ ‘કેમ? તું જેમને જાહેર ખબર આપે છે તેમની પાસેથી તને પૈસા નથી મળતા?’ ‘ના. ક્યારેય નહીં.’ ઘાંટો પાડતાં નયનાંશુનો અવાજ ફાટી જતો હતો. ‘હું લખું છું અને આજકાલ જેમનું લખાણ છપાય છે તે બધાંને પૈસા મળે છે. એને જાહેર ખબર સાથે કોઈ જ સંબંધ નથી.’ ‘તું તો જૂના પુરાણા અનુવાદો કરે છે – તું મૌલિક તો લખી શકતો નથી.’ મારા મોંમાંથી આ શબ્દો નીકળ્યા ને તરત જ નયનાંશુનો ચહેરો ઝાંખો પડી ગયો. એનો શ્વાસ ભારે થઈ ગયો. અચાનક તેનું મોં રડું રડું થતું મેં જોયું. તેના હાથથી મોં ઢાંકીને તે ખુરશીમાં ફસડાઈ પડ્યો. તેનાં ડૂસકાં મને સંભળાયાં. આ ફેબ્રુઆરીની વાત છે. જયંતને મળે બે મહિના થયા હતા. તેને પીધેલો કહીને કાઢી મૂકવાની તક હજુ અંશુને મળી ન હતી. ત્યારે મને મારી લાગણીનો બરાબર ખ્યાલ ન હતો. મને જયંત ગમતો જરૂર હતો પણ મને ખબર ન હતી કે હું ક્યાં જઈ રહી છું. તેનો મારા પ્રત્યેનો વધતો જતો ભક્તિભાવ જોઈને મને આનંદ થતો હતો. હું કોઈ નવાં જ સંવેદનો અનુભવતી હતી જેનાથી મને લાભ થતો હતો અને બીજા કોઈને જરાય નુકસાન થતું ન હતું. તે વખતે હું આમ સમજતી હતી પણ જે રાતે અંશુ સાથે આ બધી દલીલો થઈ ત્યારે મારા હૃદયના એક છૂપા ખૂણા ઉપર થોડો પ્રકાશ પડ્યો. હકીકત અને તર્કની દૃષ્ટિથી જોતાં અંશુની વાત સાચી હતી. પણ તે સાચો હતો એ મારાથી સહન થતું ન હતું! મને એમ લાગતું હતું કે તે વધારે ભણેલો છે, આર્થિક રીતે વધારે સદ્ધર છે અને જયંતને મદદ કરે છે માટે જ તે વગર કારણે જયંતની ટીકા કરે છે. બિચારો જયંત – તેણે જીવનમાં સુખ જોયું જ નથી અને તેની પત્ની સુકલકડી અને માંદલી છે – આ બધું અમારા મળ્યા પછી થોડા જ દિવસોમાં જયંતે અમને કહ્યું હતું. તેની પાસે કોઈ કાયમી નોકરી પણ ન હતી. ખૂબ મહેનત કરીને તે માંડ માંડ દુનિયામાં પોતાનું એક સ્વતંત્ર સ્થાન બનાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. નયનાંશુએ આવી વ્યક્તિનો અનાદર કર્યો તેથી હું ખૂબ ગુસ્સે થઈ હતી. પણ જો જયંતને બદલે બીજા કોઈનો અનાદર કર્યો હોત તો? પોતાનો જ જવાબ સાંભળીને મારું હૃદય નાચી ઊઠ્યું – આ ગુસ્સો જયંતના અનાદરને કારણે જ હતો! તે સમયે મને કલ્પના પણ ન હતી કે આનું કોઈ ભવિષ્ય પણ હોઈ શકે! એક પુરૂષને હું જીતી શકી છું એ વિચારથી જ હું તો ખુશ હતી. કોઈ દિવસ આનું વળતર આપવાનું આવશે એવો વિચાર પણ મને આવ્યો ન હતો. અંશુના મિત્રો સાથે હળવા-મળવાને કારણે મારો સ્વભાવ ઘણો બદલાઈ ગયો હતો. હવે, મારી નજરમાં બેલઘાટની માલતીનું વ્યક્તિત્વ શોચનીય હતું. કોઈ પુરૂષ મારાથી આકર્ષાય તેમાં મને કાંઈ જ ખોટું ન લાગતું અને તે મને ગમતું. જુદા જુદા લોકોને જુદા જુદા સંજોગોમાં જોયા પછી હું સમજી હતી કે દરેક પરણેલી સ્ત્રીને એકાદ નિર્દોષ અને નિરુપદ્રવી પુરૂષ ભક્ત મેળવવામાં આનંદ આવતો હતો. તે દિવસે મને અચાનક ખબર પડી કે અંશુ આનાથી નારાજ હતો. મને ખબર પણ પડ્યા વિના, એકદમ જ, અંશુ માટે મને જરાય માન ન રહ્યું. મને લાગ્યું કે તે એક દંભી અને શંકાશીલ માણસ છે. કારણ કે મારા વ્યક્તિત્વ વિશે તે ભાષણો કરતો પણ જ્યારે હું મારું વ્યક્તિત્વ પ્રગટ કરતી ત્યારે તે તેને સ્વીકારી શકતો ન હતો. પેલા દિવસે નયનાંશુને રડતો જોઈને મને ખૂબ ખરાબ લાગ્યું. મારી વાત તદ્દન ખોટી હતી. ખરેખર તો તે એક અનુવાદક તરીકે નામ કમાયો હતો અને ઘણાં સંપાદકો તેના અનુવાદોની માંગણી કરતા હતા. ક્યારેક ક્યારેક તેની મૌલિક વાર્તાઓ પણ છપાતી હતી. તેની ઑફિસમાં પણ તેનું ઘણું માન હતું અને તે તેની નોકરીમાં ઝડપથી આગળ વધ્યો હતો. હું આ બધું જ જાણતી હતી. છતાં જે મેં કહ્યું તે મારે કહેવું હતું. મારે તેની લાગણીઓને દુભવવી હતી. તેની વિચારસરણીને ન અનુસરનારા મૂર્ખ કે અભણ છે એવી તેની ઘમંડી માન્યતાના મારે ચૂરેચૂરા કરી નાંખવા હતા. પણ મને સ્વપ્નેય ખ્યાલ ન હતો કે તે આમ સાવ જ ભાંગી પડશે. મેં તેને પહેલાં ક્યારેય રડતાં જોયો ન હતો. કોઈ રડતાં પુરૂષની હાજરીમાં બીજાને કેવી અશક્ત અને લાચાર હોવાની લાગણી થાય તેનો મને ખ્યાલ જ ન હતો. તે રાતે એક ત્રાસદાયક લાગણી સાથે હું સૂવા ગઈ. મોડી રાતે હું ઊઠી અને તેની પથારીમાં સૂવા ગઈ. સ્ત્રીઓની પાસે આ એક પારસમણિ હોય છે, એક સંજીવની-શક્તિ! ત્યારે મને એવો ખ્યાલ હતો કે હું અંશુના પ્રેમમાં છું. ત્યાર પૂરતી તો સંધિ થઈ ગઈ. તો તને સમજાયુંને માલતી, કે તું એક ભયંકર જોખમની ધાર પર ચાલી રહી છું? તો પછી તેં વધુ સાવધાની કેમ ન રાખી? પણ હું શું કરી શકી હોત? મારા હાથમાં કશુંય હતું? સાચે જ ન હતું? આમ તો તું કહે છે કે તું તારી ઇચ્છાની માલિક છું અને બધી જવાબદારી તારા પતિ પર નાંખે છે? તું જયંતને વળગી રહે છે અને ઇચ્છે છે કે અંશુ તને જોખમમાંથી બચાવે? આ વધારે પડતી અપેક્ષા નથી? ને અંશુએ તેમ કર્યું પણ – તેને પીધેલો કહીને કાઢી મૂક્યો. તું એનાથી ખુશ હતીં? હું ખુશ હોઉં કે નહીં – એનાથી અંશુને શું ફેર પડે છે? તે તો એકદમ બદલાઈ ગયો છે. તે મારી સાથે એક અજાણ્યાની માફક વર્તે છે. હું કોનામાં વિશ્વાસ મૂકી શકું? મારી પરિસ્થિતિ મારે કોને સમજાવવી? મને કોણ સમજશે? જયંત જઈને પાછો આવ્યો અને અંશુએ તેને રોક્યો પણ નહીં અને તેની સામે વાંધો પણ ન લીધો. ત્યારથી મારું દાંપત્ય જીવન તૂટવાની શરૂઆત થઈ. અમે – હું અને અંશુ, જાણે એક રમત રમતા હતા – સ્ટેજ પર નાટક કરતા હોઈએ તેમ. એકબીજા સાથે નજર ન મેળવવાનો અને ન બોલવાનો સતત અને સભાન પ્રયત્ન તેમ જ એકબીજા પ્રત્યે અત્યંત વિવેકી વર્તન – અને છતાં ય ક્યારેક ક્યારેક નાની નાની વાતમાંથી તણખો ઝરીને મોટો ભડકો પણ થઈ જતો – કોઈ વખત તો બેબી કે દુર્ગામણિના દેખતાં પણ અમારા હૃદયમાં રહેલું ઝેર બહાર થૂંકાઈ જતું – જાણે છૂપાવી રાખેલું વેર ઢોળાઈ જતું! અંશુ જયંતનું નામ પણ ન બોલતો અને કટાક્ષ કર્યા કરતો. દાળ તીખી થઈ હોય કે તેની કોઈ ચોપડી ન મળતી હોય તો તેની વાત વારંવાર કર્યા કરતો જેથી હું અકળાઈ જતી. પણ હું જાણતી હતી કે તકલીફ શું હતી. મારો ઘાંટો મોટો થઈ જતો અને માથું ફાટી જતું. હું અંશુનું અપમાન કરતી અને તેનું મોં વાંકું વળી જતું. પછી અચાનક એક કઠોર શાંતિ ઘર પર છવાઈ જતી. કેવા ભયંકર અને અસભ્ય હતા તે ઝઘડાઓ! ત્યાં સુધી શરીરમાં તો શાતા હતી. હવે તો અમને તે રાહત મળવી પણ બંધ થઈ ગઈ. ત્યાર પછી તો અંશુના શરીરનો સ્પર્શ પણ મારે માટે અસહ્ય થઈ ગયો હતો. અંશુના પ્રયત્નો બંધ થઈ ગયા હતા એમ ન હતું. તેના પ્રયત્નો હંમેશા ભીરુ અને નમાલા રહેતા. હું તેનો તોછડાઈથી અસ્વીકાર કરતી તો ક્યારેક કોઈ પણ પ્રતિભાવ વિના પડી રહેતી. મારો અણગમો સંતાડીને હું મારી જાતને માંડ માંડ તૈયાર કરતી. મારું શરીર પથ્થરની જેમ ઠંડું અને કઠણ થઈ જતું. આંખો મીંચીને હું સેકંડ અને મિનિટ ગણતી. કદાચ આને લીધે જ નયનાંશુ પણ થોડા જ સમયમાં ભાંગી પડતો. અને પૂરું થતાં જ હું શાંતિનો નિશ્વાસ નાંખતી મારી પથારીમાં પાછી ફરતી. મને ખબર હતી કે હું શું કરું છું પણ મારી પાસે કોઈ ઉકેલ ન હતો. આ ગૂંચવાડામાંથી બહાર નીકળવાનો મને કોઈ જ રસ્તો દેખાતો ન હતો. જયંતને આવવાની ના પાડવી કે અંશુને કલકત્તા છોડીને જતા રહેવાનું કહેવું – બંને નાટકીય અને અવાસ્તવિક પ્રસ્તાવ હતા. અને મારે શાને માટે જયંતને છોડી દેવો? તેને લીધે તો ફરી એક વાર મારા જીવનમાં ભરતી આવી હતી. એવું ન હતું કે હું પ્રયત્ન કરતી ન હતી. સંઘર્ષ કરવાનો મેં બનતો બધો જ પ્રયત્ન કર્યો હતો. કેટકેટલી રાતે મેં મારી જાતને કહ્યું હતું કે આજે હું અંશુની પગે પડીને માફી માંગીશ. તે પણ સહન કરે છે. હું નથી જાણતી કે વાંક કોનો છે પણ હું તેની વેદના ઓછી કરવાનો પ્રયત્ન કરીશ. તરત જ બીજી ચશ્મા પહેરેલી આંખો મારી સામે આવતી અને અંશુ એક નાનું બિંદુ બનીને અવકાશમાં ભળી જતો. મારા મગજના બધા જ દરવાજા બંધ થઈ જતા અને અંશુને પ્રવેશ કરવાનો કોઈ રસ્તો જ ન રહેતો. હું વિચારતી: હું અંશુના ઘરનું ધ્યાન રાખું છું, એના બાળકની કાળજી રાખું છું, ઘરનો હિસાબ રાખું છું, કપડાં સમયસર ધોબીને ત્યાં મોકલી આપું છું – એની સગવડોને સાચવવામાં ને બધું જ તેને ગમે તેમ ગોઠવવામાં તો મેં કાંઈ જ બેદરકારી નથી રાખી તો આ બધાંના બદલામાં મને થોડો અંગત સંતોષ ન મળવો જોઈએ? લગ્ન પછી આપણે આપણા પિતા કે ભાઈઓને ભૂલી નથી જતા. મને મારો પતિ જે નથી આપતો કે આપી શકતો તે જો બીજો પુરૂષ મને આપે તો દુનિયાનું શું ખાટુંમોળું થઈ જવાનું છે? મારા વિચારો વ્યાજબી નથી? હું અનૈતિક વાત કરી રહી છું? ને નયનાંશુ આ ઘરનું વાતાવરણ કલુષિત કરી રહ્યો છે તેનું શું? તે કોઈની નજરે નથી ચડતું? સામાન્ય રીતે અમારા બે વચ્ચે થતા વિસ્ફોટ પછી તે પોતાના કોચલામાં સંકોચાઈ જતો – ઑફિસમાંથી મોડો ઘરે આવે, મારી સાથે આંખો મેળવવાનું ટાળે, કારણ વિના ઘરની બહાર જતો રહે. અમારી બે વચ્ચે બેબી હોય ત્યારે જ વાતો થાય. અને તે પણ કૃત્રિમ જ. આજકાલ તેનો સહજ અવાજ કે થોડું ઘણું હાસ્ય તેના મિત્રો આવ્યા હોય ત્યારે જ સંભળાય. એક વખત તેનું મોટેથી હસવાનું આજુબાજુના બધાં જ ફ્લૅટોમાં સંભળાતું હતું. તેના મિત્રોની મુલાકાત પણ પહેલાં કરતાં ઘણી ઓછી થઈ ગઈ હતી. મને લાગે છે કે તે જયંત પ્રત્યેના અણગમાને કારણે હોઈ શકે. જયંતે આ કુટુંબમાં મેળવેલા સ્થાનને કારણે બધાંને તેની અદેખાઈ આવતી હતી. મારા જેવી સામાન્ય અને તંદુરસ્ત સ્ત્રીનો શ્વાસ આ વાતાવરણમાં ગૂંગળાઈ ન જાય? હું કાંઈ નયનાંશુની માફક ધૂંધવાયેલી રહી શકું તેમ ન હતી! વળી પાછા થોડા દિવસો શાંતિથી પસાર થઈ જતા. એમ લાગે કે બધું જ હવે બરાબર છે પણ અંદરખાને તો અમે બંને જાણતાં હતાં કે આ સહજતા જ અસહજ હતી – કૃત્રિમ! એટલા માનસિક પ્રયાસથી આ શાંતિ રહેતી કે તેને લાંબા સમય સુધી સાચવવી અસંભવ હતું. આવા સમયે હું આખી દુનિયા સામે મારો રોષ પ્રગટ કરતી. મને લાગતું કે જયંત સિવાય મારું કોઈ છે જ નહીં અને મારા પતિએ મને તરછોડી દીધી છે, તે મને સ્વીકારવાનો કોઈ પ્રયત્ન જ નથી કરતો! તે જ મને ધકેલી રહ્યો છે – આટલાં વર્ષોથી ધકેલી રહ્યો છે અને આ પરિસ્થિતિમાં લઈ આવ્યો છે! અને હું એક નહીં પણ હજાર વાર કહીશ કે જે થયું તે તેને લીધે જ થયું છે. આમાં વાંક તેનો જ છે – તેની કાયરતા અને સમજણના અભાવને કારણે અમે આ પરિસ્થિતિમાં પહોંચ્યા છીએ. કોઈ મને કહેશે કે તેણે શા માટે મને સંયુક્ત કુટુંબના કવચમાંથી મુક્ત કરી, શા માટે તેના મિત્રમંડળમાં સામેલ કરી, શા માટે તેણે મને શીખવ્યું કે પ્રેમથી આગળ કાંઈ છે જ નહીં? – ભલે કોઈ જાણતું જ નથી કે પ્રેમ શું છે! પહેલેથી જ બધું જાણવા છતાં તે ચૂપ કેમ રહ્યો? શા માટે મને લાડ લડાવતો રહ્યો? મને શબ્દોથી વીંધવાને બદલે તેણે બળનો ઉપયોગ કેમ ન કર્યો? સમય હતો ત્યારે ચોખવટથી વાત કરીને કોઈ નીવેડો કેમ ન લાવ્યો? જ્યારે અણબનાવ વધતો જતો હતો ત્યારે તેણે જયંત તરફ કેમ સારપનો દેખાવ કર્યે રાખ્યો? તેને માટે દેખાવ તેની પત્ની કરતાં વધુ અગત્યનો હતો? સારી રીતભાતનું મહત્વ સુખ કરતાં વધારે હતું? તેનો અર્થ એમ થાય કે તેને મારે માટે સાચો પ્રેમ હતો જ નહીં. હું તો તેની શારીરિક ભૂખ સંતોષવાનું એક સાધન માત્ર હતી – જાણે કોઈ એક મશીન, જે તેની સગવડોે સાચવે! અને મને આની ખાતરી થયા પછી મારી પાસેથી સીતા જેવી સુશીલ પત્ની થવાની અપેક્ષા રાખવાનું ઉચિત કહેવાય? ના, મારે તો પ્રેમ જોઈએ – સંપૂર્ણ પ્રેમ. મારાં વખાણ, મારી પૂજા, મારી ભક્તિ – મારી મૂર્તિ, મારાથીય વિરાટ, મને જોવી ગમે છે. હું કાંઈ નયનાંશુ જેવી ચોપડી વાંચતી, વિચારો કર્યા કરતી વ્યક્તિ નથી. હું મારી જાતને અને બીજાંને ફક્ત વિચારોથી કેવી રીતે છેતરી શકું? હું શું કરી શકું? મારો શો વાંક છે? જે મારા પ્રેમમાં ગળાડૂબ હોય તેનો હું કેવી રીતે અસ્વીકાર કરી શકું? મારા એકલામાં આવી શક્તિની અપેક્ષા કેમ રાખી શકાય? હું પણ માણસ છું, એક સ્ત્રી છું, હાડમાંસની જ બનેલી છું. અને મારો વાંક હોય પણ – ધારો કે હું મારો દોષ સ્વીકારું અને એમ પણ સ્વીકારું કે નયનાંશુ જે કાંઈ કરતો હતો તે મારા સારા માટે જ કરતો હતો અને તેને મારે માટે પ્રેમ, – જેને તે પ્રેમ કહે છે તે પ્રેમ – છે (જો કે મારે માટે એવા પ્રેમની કોઈ જ કિંમત નથી!) ધારો કે હું એમ પણ સ્વીકારું કે હું તેને વફાદાર નથી રહી – તો શું? ચાલોને, હું બધું જ સ્વીકારું છું, પછી શું? નયનાંશુ, તારે મને પાઠ ભણાવવો છે? ચાલ, મને શિક્ષા કર, હું જેને લાયક હોઉં તેવી શિક્ષા કર. હું ચૂપચાપ સહન કરીશ, નયનાંશુ. હું તને બોલાવું છું. હવે તું જાણે છે કે તારી પત્ની તને વફાદાર નથી ત્યારે હું તને કહું છું કે ઊભા થઈને તેને ઘરની બહાર કાઢી મૂક, તેનું ગળું દબાવીને મારી નાંખ, તેની છાતીમાં ખંજર ખોસી દે – જે ફાવે તે. વેર, નયનાંશુ, વેર લે. તું જ માલિક છે, તું જ સ્વામી છે એવો હક જમાવ. પણ આ બધા બકવાસનો કોઈ ફાયદો નથી. આવું કાંઈ હવે થવાનું નથી. તો પછી આનો ઉકેલ શું? છૂટાછેડા? ના, એમાં તો ઘણી મુશ્કેલી છે. ઉપરાંત, બેબી છે. બેબી, મારી વહાલી બેબી. હું બેબીને ક્યારેય છોડીશ નહીં. નયનાંશુને પગે પડીને વિનવીશ કે મને કાઢી ન મૂકે, માત્ર અહીં પડી રહેવા દે. કે પછી હું મારી બેબીને લઈને મારે રસ્તે ચાલી જઈશ. હું કામ કરીને કમાઈશ. મારી પાસે મારાં ઘરેણાં છે, મારી પાસે BAની ડીગ્રી છે. જરૂર પડશે તો હું નયનાંશુના ગુસ્સાનો જવાબ આપીશ. મારે મારી બેબી જોઈશે જ. પણ જો તે તેને આપવા તૈયાર નહીં હોય તો? તે શું વિચારતો હશે તે કોને ખબર? તેને ઊઠાડીને પૂછું, ‘સાંભળ, મેં આવું કર્યું છે. હવે તું શું કરવા માંગે છે?’ બસ, માલતી, તું ગાંડી થઈ ગઈ છું? તો પછી એમ કહું, ‘અંશુ, તારો મહાન પ્રેમ એક જૂઠાણું છે. અગત્યનું છે કુટુંબ. તું મને પરણ્યો છું અને આપણે પતિ-પત્ની છીએ. આજે પણ છીએ. આપણે એક જ પથારીમાં સૂવાની કે સાથે બહાર જવાની જરૂર નથી. બહુ વાતો કરવાની પણ જરૂર નથી. બીજાં અનેક માણસોની જેમ આપણું પણ જીવન આમ જ પસાર કરીએ તો કેમ?’ એ શક્ય થશે? કે નહીં થાય? પણ પછી – માલતી તારા ‘પણ પછી’ હવે નહીં ચાલે. એવું શું થઈ ગયું છે કે તને આટલી ચિંતા થાય છે? આકાશ તો નથી તૂટી પડ્યું. તારે માથે વીજળી નથી પડી. કાલે સૂર્ય પણ ચોક્કસ ઊગશે જ. બધું જ ઠીકઠાક છે. ચૂપચાપ પડી રહે. દિવસો પસાર થવા દે, કોઈ ને કોઈ ઉકેલ નીકળી આવશે. કદાચ ન પણ આવે! બધું નસીબના હાથમાં છે. બધું સમય પર છોડી દે. જો નયનાંશુ અત્યારે પડખું ફરીને મને પૂછે કે તેને જેની શંકા છે તે સાચું છે કે નહીં તો હું તેને કહીશ કે ભગવાનને સાક્ષી રાખીને, મારી બેબીના માથા પર હાથ મૂકીને હું કહું છું કે તે જે વિચારે છે તે સાચું નથી. તે એક જૂઠાણું છે. તે હજાર વાર પૂછશે તો હું હજાર વાર આ જ જવાબ આપીશ.પછી સવાર પડશે, બીજો એક દિવસ, પછી ફરી બીજો એક દિવસ અને ફરી બીજો એક .....એ જ મારું જીવન – જેની સાથે મારે શરીર કે હૃદયની કોઈ જ નિસ્બત નથી, તેની સાથે! એક દેખાવ, શુષ્ક અને મૃત ઢાંચાને વળગી રહેવાનું – એ જ તેની સાથેનું મારું જીવન. હજી કેટલાં વર્ષ મારે કાઢવાનાં – અને કેવી રીતે હું રહીશ, હસીશ, શ્વાસ લઈશ? હે પ્રભુ, કેમ મને આવી શિક્ષા કરી?