ભૂંસાતાં ગ્રામચિત્રો/૨૫. ધણ

Revision as of 11:25, 17 January 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૨૫. ધણ

ધણ એટલે ધણ. ગોધન, ગજધન — નો પણ જમાનો હતો. રાજાઓની સમૃદ્ધિ પણ એ ચોપગા ધનની મપાતી. દાન-દક્ષિણામાંય ‘ગોધન’નો મહિમા હતો ને ગોદાનથી મોક્ષ મળવાની માન્યતા લોકોમાં લોભી, રૂઢિજડ બ્રાહ્મણોએ વહેતી મૂકેલી — અલબત્ત, એના શાસ્ત્રસંદર્ભો છે પણ જરા જુદા છે. જે ધર્મમાં ઈશ્વરે ગોવાળ બનવાનું ચાહીને શૈશવને વ્હાલું કર્યું હોય ત્યાં ‘ગોધન’નો મહિમા પારાવાર હોય એ સમજી શકાશે.

ગાયની પૂજા અને એના પાવિત્ર્ય સાથે ધર્મને જોડીને જીવનરીતિનેય સદ્ આચારવાદી બનાવાઈ છે. ખેતીપ્રધાન દેશમાં ગોવંશનીય કદરદાની હોય. પશુપાલનમાં પણ ઉપયોગી — કમાઉ-પશુઓ સાથે આવાં કમાઉ અને પરંપરાથી પૂજાપાત્ર રહેલાં પ્રાણીઓ વિશેષ સ્થાન ધરાવતાં રહ્યાં છે. આજેય હિન્દુસ્થાનમાં ‘ગાય’નો મુદ્દો લાગણી સાથે — ધાર્મિક લાગણી સાથે — જોડાયેલો છે ને એ ઘણી વાર અત્યંત સંવેદનશીલ બની જાય છે. તોફાનો અને હત્યાઓ સુધી એ જઈ પહોંચે છે ત્યારે ખેદ થાય છે. ગાયોનું ધણ લઈને, જશોદાના મોકલેલા બાલકૃષ્ણ, ગોવાળિયાઓ સાથે વૃંદાવનના વગડામાં કાલિંદીને કાંઠે ધણ ચરાવવા જતા અને ‘અનેક પરાક્રમો’ કવતા એ રોમાંચક વાતો હવે તો દંતકથાઓ બની ગઈ છે. ગોપજીવનમાં એવાં દૃશ્યો ખોવાઈ ગયાં છે.

ગાયો પાળવાની જવાબદારી હવે તો કૃષ્ણમંદિરોની ગૌશાળાઓ પૂરતી સીમિત થઈ ગઈ છે. કોઈ ખેતી-ઉદ્યોગવાળી ગ્રામવિદ્યાપીઠ કે સ્વામીનારાયણ સંપ્રદાયની થાનકો જેવાં ગણ્યાંગાંઠ્યાં સ્થળોમાં જ હવે તો ગાયોનાં સ્વસ્થ ધણ જોવા મળે છે. છે ગામડામાં — ખાસ તો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના સરહદી જિલ્લાઓનાં ગામોમાં ગાયોનાં ધણ રાખનારા છે… પણ ચારા અને પાણી માટે એમનેય રઝળપાટ કરવો પડે છે. તમે મુસાફરી કરતાં સડક પસાર કરતાં ભૂખીડાંસ ગાયોનાં ધણ જોયાં હશે. દૂરનાં વેરાન-સૂકાં ચરિયાણોમાં ઘાસ માટે રવડતાં ધણ અને એમના ધણી — ઉભયની સ્થિતિ જરાય સુખદ નથી. ચોમાસાના છેલ્લા એકબે માસ કે ક્યાંક પાણિયા મલકમાં મન પ્રસન્ન થાય એવાં ગોધણ ક્વચિત્ જોવા મળે તો મળે. ગયા એ દિવસો જ્યારે સીમેથી ગોધણ ચરીને પાછાં વળતાં એમની ઘંટડીઓના મધુર રણકાર સંભળાતા અને આથમતા સૂરજના રતુંબડા તડકામાં ગોધૂલિ ભળતાં અપૂર્વ દૃશ્યો રચાઈ જતાં — મંદિરોમાં આરતીટાણું થતું ને ગાયો પોતાનાં વાછરડાંને હેતથી ચાટ્યા કરતી… આ દૃશ્યો આજે તો વિરલ થઈ ગયાં છે. મંદિરો વધ્યાં છે — ભક્તિભાવનાનો દાખડો કરનારા વધ્યા છે પણ ગાયોનાં ધણ ઓછાં થતાં જાય છે. પાંજરાપોળમાં યાતના ભોગવતી ગાયોની સાથે શહેરના માર્ગો ઉપર કૂડોકચરો ખાઈને અલમસ્ત થઈને ફરતી — ટ્રાફિક જામ કરતી ગાયો જોવા મળે છે ખરી. બંને તરફે માણસે, ગાયની સાથે ધાર્મિક લાગણીને નામે જવાબદારી તો ઉતારી જ નાખી છે! ગાય અને ગોવંશ બચાવવાની હાકલો કરનારાઓ ન તો ગાયો પાળે છે કે ન તો એમને સ્વસ્થ રીતે પોષે છે. ગાયનાં ઘી-દૂધેય ઘણાંને નથી ભાવતાં… મંદિરો ને આશ્રમ-અખાડા સિવાય જાણે પેલો ધાર્મિક મહિમાય નથી બચ્યો. ગાય કહેતાં હવે તો લોકો દૂધ માટે રાખેલી ‘જરસી’ (સંકર) ગાય સમજે છે. ગાયો નહીં, ભેંસો પાળવાનું નફાકારક ગણતો થયેલો ગ્રામસમાજ ભેંસોના તબેલા કરે છે. હવે.

ગોધન તો રાતું-ધોળિયું ધન ગણાતું. ભેંસો કાળિયું ધન છે — હવે! શ્વેતક્રાંતિએ ભેંસોને ગ્રામપ્રજાના આર્થિક વિકાસમાં કેન્દ્રસ્થાને આણી દીધી છે… ને ગાયો કહેવાય છે તે તો ૨૦થી ૩૦ કિલો (લીટર) દૂધ આપતી ‘જરસી’ (વિલાયતી) ગાયો! આ પશુઓ હવે કમાઉ દીકરા ગણાય છે. પશુઓ દયામાયાથી નથી પળાતાં. આજે તો એ વ્યવસાયનાં સાધનો કે વ્યવસાય જ છે — ગઈ કાલે હતો એનાથી જુદી રીતભાતનો આ વ્યવસાય છે!અહીં ‘સેવાચાકરી’ની સામે દૂધ-મલાઈમાવા-ની રૂપિયા-આનામાં સીધી ગણતરી છે. ખેતરમાં ઢાળિયું ઘર કરો એટલે ‘ફાર્મહાઉસ’ તૈયાર. ને કોઢિયા જેવું લાંબું ઘાસછાયું છાપરું કરો એટલે તૈયાર ભેંસોનો તબેલો! આ ધંધો હવે ઠીક જામ્યો છે. લોકો સ્પષ્ટ કહે છે કે એક દીકરો ભણાવીએ ને બે લાખ ખર્ચતાંય નોકરી ના મળે — એનાથી એટલા રૂપિયામાં તબેલો ના કરીએ?! વાત સાચી છે, દરેક ગામનાં શાંતાકાકી અને ઝવરબા કહે છે કે — ‘આ મારી ભેંસ તો ‘એમ.એ., બી.એડ.’ છે, ભૈ! હાસ્તો, એક માસ્તરથીય વધારે પગાર લાવે છે મારી ભૂરી ભેંસ! — આવી કમાઉ ભેંસોને હવે ધણમાં છોડવામાં આવતી નથી. એમને તો ગમાણમાં જ નીરણપાણી મળે છે ને ગમાણ રોજ ધોવાય છે — ભેંસોને રોજ નવરાવવામાં આવે છે — હવે એ તળાવો કે ખાબોચિયાનાં કાદવિયા પાણીમાં પડી રહેવા જતી નથી! દૂર ટેકરીઓમાં કે નદીકોતરે ચરવા લઈ જવાતી ભેંસો હવે આમ વાત નથી રહી. હશે કોઈની વસૂકેલી કે ઘરડી ભેંસ જે ચરામાં કે તળાવે અટવાતી હશે. બાકી, ગાયોને નહીં, હવે તો ભેંસોને વી.આઈ.પી. ટ્રીટમેન્ટ મળે છે. કોઈ વસવાયાનું ઢોર રખડતું મળે એ માફ.

આજે તો જે કમાણી કરી આપે તે વ્હાલું લાગે — પછી એ વહુ હોય કે ભેંસ! ગામડાંનાં લોકો પણ જીવતર પૂરતું અર્થશાસ્ત્ર સમજતાં થઈ ગયાં છે. ગામડે તો દૂધ દેતી ભેંસનાં ખાણદાણ પતે, પછી જ દીકરાને માટે થાળી પીરસાય છે કે પતિનું પાણી મુકાય છે. હવે ‘ધણ’ — નહીં ‘ગણ’-નો જમાનો છે — ‘ગણ’ કહેતાં ગણતર-નો. જણતર ઘટ્યાં ને ભણતર જેટલાં જ ગણતર વધ્યાં છે.

એક જમાનો હતો કે ગામેગામ ધણ છૂટતાં; ગોવાળ એમને સીમ- વગડે ચરાવવા રોજેરોજ લઈ જતો. ‘ધણ છૂટ્યાંની વેળા’ — એટલે અમારાં ગામોમાં ‘ઢોર અઢ્યાં’-ની વેળા! ઢોરોને ‘આડવા’ (આઢવા–રોકી રાખવા) લઈ જતાં પડતાં. રોજ પૂંજો ગોવાળ સવારે દશ વાગતાં ઉફરે ફળિયેથી બૂમ મારતો — ‘ઢોર છોડજો… ઈ!’ આંગણામાં ઘાસ-મેડીઓ નીચે કે ભીંત પાસેની ગમાણે બાંધેલાં પાડાં-ભેંસો છૂટતાં… ફળિયે ફળિયેથી ઢોર ધોરી નળિયે નીકળતાં ને પાદરે કે મંદિર થાનકે થઈને દૂર ચરવા ચાલી નીકળતાં. ગોવાળને ખભે ઝોળીમાં રોટલાશાક બાંધેલાં હોય. વારા પ્રમાણે ઘરદીઠ રોટલા અપાતા. જે ઘરેથી રોટલાનો વારો નીકળે એ ઘરની વહુ- દીકરીઓનો પોદળા વીણવાનો પણ વારો ગણાતો. રોટલાના બદલામાં ગાડું ભરાય એટલું છાણ મળતું! નહીં નહીં તોય સોએક ભેંસોનું ધણ થતું. ભેંસોમાં વેતર આવેલી હોય તો ગોવાળ સાંજે ઘરધણીને કહેતો જાય; ઘણુંખરું તો ભેંસની પાછળ સાંજે પાડો પણ ફળિયે આવીને ઊભો રહેતો. ક્યારેક આખી રાત ભેંસને બહાર પાડા પાસે બાંધી રાખવી પડતી. ધણ રોજ જુદી જુદી દિશાએ જાય ને છેક દા’ડો ડૂબ્યે પાછું વળે! વગડામાં ધણ-ગોવાળની કાયમી આવજા! લોકોનેય બધી વાતની સરત રહેતી.

પશુજગતની આ દુનિયાથી ગામ વધારે જીવતાંજાગતાં વર્તાતાં. ક્યારેક પાદરે-કૂવે ભેંસો લડતી ને લોકો લાકડીઓ લઈને વિખેરવા દોડતા. છોકરાં ઓટલે ચઢી જતાં ને સ્ત્રીઓ કૂવાની વંડીએ રહી રહીને ચીસો પાડતી. પણ પાસપાસેનાં બે ગામોનાં ધણ જો મળે ને એના પાડા લડે તો આકી સીમ હાકોટા અને પડકારોથી ગાજી ઊઠતી. પાડાઓનો ખાર તો જબરો. એટલે તો દ્વેષીલા-ડંખીલા મનેખ માટે ‘પાડાખાર’ રૂઢિપ્રયોગ વપરાય છે. લડતા પાડાઓને વેરવાનું કામ કપરું. મારકણો પાડો માણસોની પાછળ પડે તો ઝાડ ઉપર ચઢ્યે જ છૂટકો થતો. નદીએ પાણી પિવરાવવા સારુ અમે બળદ લઈને જતા. વારાફરતે જતા વળતા બળદો ક્યારેક નેળિયામાં સામસામે થઈ જતા ને રેલ્લાઓ કે ધોરીડાઓ લડી પડતા. અમે છીંડાં ખોળતાં, એક હાથે ચડ્ડી પકડીને દૂર ભાગતા. લડતા બળદોનાં ભટકાતાં શીંગડાંનો અવાજ કે છીંકોટા કંપાવી મૂકતાં… ક્યારેક બળદોને વાગતું — નુકસાન થતું. પણ આવી રોજની ‘લડાઈઓ’થી રંગત આવતી. ક્યારેક કોતરમાં પડેલાં ભેંસ-બળદને કાઢવા કે કાદવમાં કળી ગયેલી ભેંસને બહાર લાવવા ગામ આખું ભેગું થઈ જતું! મોટાં લાકડાંના કમઠાણ બંધાતાં ને હોંકારા સાથે ઢોરને ઊંચકી લેવાતાં. એ જ રીતે બળદને નાથ ઘાલવા ને રોગ વેળા ડામ દેવા, કંબોડ થતાં શીંગડું કાપવા જાણકાર આવતા ને ફળિયું ભરચક થતું! નવા રેલ્લાઓને ‘જેહા’ — કરીને પલોટવા વેળાએ પણ એનાં તોફાન અને તેંવર જોવા સૌ એકઠાં થઈ જતાં, જીવતરનો હિસ્સો હતું આ બધું!

ત્યારે ઘડિયાળો ક્યાં હતી? ‘ઢોર અઢ્યાં’-ની ગોવાળની બૂમ સાંભળતાં જ અમે લેશન પડતું મૂકી રોટલા-કઢી ઝાપટીને દફ્તર ખભે નાખતાંકને નિશાળે જવા નીકળી જતા. ખેતરમાં ભાત લઈ જવાનો પણ એ જ વખત! સાંજે ધણ આવે એટલે રમવાનું છોડીને ઘેર આવી જવાનું. ક્યારેક ભેંસને બીજે ગામ દવરાવવા ભાઈ લઈ જાય તો આપણે પાછળ હાંકવા જવાનું. શિયાળે બળદ વેચવા નીકળનારા વેપારીઓ રેલ્લા-બળદોનું ધણ લઈ આવતા ને પાદરે પડાવ નાખતા. ઘઈડિયા હાથો ઉપર રૂમાલ ઢાંકીને બળદ મૂલવતા… ગાયો તો પંચમહાલના પાટીદારોએ પાળી જ નથી! સમ ખાવા કોઈ બ્રાહ્મણને ઘેર ગાય હોય તો તે કારજપાણી વેળા ‘પાંચ પાણી’ની વિધિ માટે લવાતી. નાયકા-પગી બકરાં પાળતા, કૂતરાં-બિલાડાં તો ફળિયાં ને ઘર પ્રમાણે કાયમી વગ કરીને વસતાં જ હોય. સૌને રોટલોપાણી મળી રહેતાં… સહજીવનની એ દુનિયા જ ન્યારી હતી! ઢોરોને લઈને ભેળાડના અને બીજા ઝઘડા જામતા ને પાછા સંપ થઈ જતાં.

આજે વતન જાઉં છું; સીમ-વગડો જાેઉં છું. ક્યાંય ધણ ચરતું દેખાતું નથી. બેચાર બકરાં વાડે-વાટે રવડે છે; બસ! ટ્રૅક્ટરો આવતાં હવે તો બળદનાં ચલણ પણ ઓછાં થવા લાગ્યાં છે. આંગણાં ઢોરથી ભરેલાં હતાં ત્યાં હવે સ્કૂટરો-મોટરો મુકાયાં છે — ને ઢોર તબેલામાં કે ખેતરની કોઢમાં ચાલ્યાં ગયાં છે. ચરા-ચરિયાણમાં વસ્તી વસી ગઈ છે. હવે ધણને ચરવાની જગા જ ક્યાં છે? ગોવાળ નથી રહ્યો ને નથી રહી એની મીઠી હલકો! ફળિયાં ઢોર વિનાનાં સૂનાં સૂનાં છે. ભેંસોને ‘ઇંજેક્શનથી દવરાવવાનું વિજ્ઞાન’ આવતાં ‘પાડા’ દેખવા જ મળતા નથી. ઘૂઘરમાળ રણકાવતાં બળદગાડાંને બદલે સંભળાય છે ટ્રૅક્ટરોનો ધુમાડિયો ઘોંઘાટ. નીલગાયો — રોઝ ને શિયાળવાંય ઓછાં થઈ ગયાં છે — વગડે. ફળિયું સાચવતાં આળસુ કૂતરાંય માંડ બેચાર મળે છે. હવે ધણ છૂટતાં નથી. ઢોર અઢ્યાં-ની વેળાઓ વીતી ગઈ છે, વીસમી સદીનાં છેલ્લાં વર્ષોએ બધું બદલી નાખ્યું છે — ગામડાનો ચહેરો પણ!!

[૧૦-૫-૧૯૯૯]