અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર શાહ/નિરુદ્દેશે

Revision as of 22:18, 21 January 2022 by Atulraval (talk | contribs)


નિરુદ્દેશે

રાજેન્દ્ર શાહ

નિરુદ્દેશે
સંસારે મુજ મુગ્ધ ભ્રમણ
પાંશુ-મલિન વેશે.

ક્યારેક મને આલિંગે છે
         કુસુમ કેરી ગંધ,
ક્યારેક મને સાદ કરે છે
         કોકિલ મધુર-કંઠ,
નૅણ તો ઘેલાં થાય નિહાળી
         નિખિલના સહુ રંગ,
મન મારું લઈ જાય ત્યાં જાવું
         પ્રેમને સન્નિવેશે.

પંથ નહિ કોઈ લીધ, ભરું ડગ
         ત્યાં જ રચું મુજ કેડી,
તેજછાયા તણે લોક, પ્રસન્ન—
         વીણા પર પૂરવી છેડી,
એક આનંદના સાગરને જલ
         જાય સરી મુજ બેડી,
હું જ રહું વિલસી સહુ સંગ ને
         હું જ રહું અવશેષે.

(સંકલિત કવિતા, પૃ. ૩)




રાજેન્દ્ર શાહ • નિરુદ્દેશે • સ્વરનિયોજન: અજીત શેઠ • સ્વર: હરિહરન



આસ્વાદ: નિરુદ્દેશે કાવ્ય વિશે – મનસુખલાલ ઝવેરી

સંસાર પ્રત્યે કેટલાકની દૃષ્ટિ ઉપયોગિતાની હોય છે, તો કેટલાકની ઉપભોગની હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો કેટલાકની દૃષ્ટિ હોય છે વહેવારુ વેપારીની ને કેટલાકની દૃષ્ટિ હોય છે મુગ્ધ પ્રેમનીની. વેપારીની ગણતરી હોય છે એક જઃ પોતાને શું મળે છે તે, એવા માણસો સંસારમાં ફરતા હોય છે, સૌ સાથે હળતામળતા હોય છે, નાતો બાંધતા ને નભાવતા હોય છે. સંસારનું સૌન્દર્ય એમને પણ આકર્ષતું હોય છે, ને તેઓ પણ ઊર્મિલ બની જતા હોય છે, ઘણી વાર.

પણ એમની નજર ચોંટી હોય છે માન, ધન, સત્તા જેવી કોઈને કોઈ સ્થૂલ વસ્તુ પર કે પ્રેમ કે સર્જન માટેની પ્રેરણા કે સામગ્રી જેવી કોઈ ને કોઈ સૂક્ષ્મ વસ્તુ પર. એ વસ્તુ મળે કે મળવાની આશા રહે ત્યાં સુધી એમનો ઉમળકો ટકી રહેતો હોય છે. અર્થ સરવાની એમની આશા ફળી કે ટળી કે એમનું કામ પૂરું થયું! એમણે એક પ્રકારનું તાટસ્થ્ય કેળવી લીધું હોય છે. એટલે પોતાની જાતને ભૂલીને એ તલ્લીન કશાની સાથે થઈ શકતા નથી, મન મૂકીને એકરસ એ કોઈની સાથે થઈ શકતા નથી.

મુગ્ધ પ્રેમીની દૃષ્ટિ આના કરતાં જુદા પ્રકારની હોય છે. એ પણ સંસારમાં ફરતો હોય છે, સૌને હળતોમળતો હોય છે, સૌને હળતોમળતો હોય છે, નાતો બાંધતો ને નભાવતો હોય છે. સંસારનું સૌન્દર્ય એને પણ આકર્ષતું હોય છે ને એ પણ ઊર્મિલ બની જતો હોય છે. પણ આ બધું એ કરતો હોય છે તે સ્થૂલ કે સૂક્ષ્મ કોઈ પણ લાભને લોભે નહિ, પણ આમ કર્યા વિના એ રહી શકતો હોતો નથી તેટલા ખાતર. એ સંસારને પ્રેમ કરતો હોય છે, પ્રેમને ખાતર જ. એના બદલામાં એને કશું પણ—પ્રેમ પણ—પામવાની સ્પૃહા હોતી નથી. સદસદાત્મક સંસારનું સૌન્દર્ય મન ભરીને પીવું, ને તે આનન્દને આકંઠ આસ્વાદવો, એક એ ઉદ્દેશને અપવાદ રૂપે રાખીએ તો તેનાં રમણભ્રમણ હોય છે કેવળ નિરુદ્દેશ, કશી પણ વ્યાવહારિક ગણતરી વિનાનાં ને કશા પણ લૌકિક હેતુ વિનાનાં.

આ કાવ્યનો નાયક એવો મુગ્ધ પ્રેમી છે. એ કહે છે કે સંસારમાં હું ભમું છું, જે કંઈ જોઉં તેના પ્રેમમાં પડતો ભમું છું, સંસારથી અલગ, અતડો કે તટસ્થ રહીને નહિ, ગુરુભાવે પણ નહિ અને દાસભાવે પણ નહિ, પણ સંસારમાં એકરસ થઈ જઈને, સંસારની નાનીમોટી પ્રત્યેક વસ્તુ સાથે તાદાત્મ્ય સાધતો ને સંચારની ધૂળથી રજોટાતો રજોટાતો હું ભમું છું, કશા પણ ખાસ ઉદ્દેશ વિના.

રૂપ, રસ, ગન્ધ, શબ્દ અને સ્પર્શની સૃષ્ટિ કેવો મુગ્ધ કરી મૂકે છે મને! ક્યારેક પુષ્પોનો પરિમલ મને સર્વાંગ આશ્લેષમાં લઈ લેતો હોય છે, તો ક્યારેક પંખીગણનો મધુર કલશોર હરી લેતો હોય છે મારા મનને. આ અખિલ વિશ્વ, એનાં જડ અને ચેતન, અણુથી વિભુ સુધીનું એનું એકે એક સત્ત્વ, પ્રતિક્ષણ પલટાતાં તેનાં સ્વરૂપ અને ભાવઃ આ બધું જોઈને મારી આંખો થઈ જાય છે ગાંડીતૂર; ધરવ જ થતો નથી એને આ બધું જોતાં, ને ખસેડી ખસતી જ નથી એ તેના પરથી. આપણે તો સ્વીકારી ચે બસ એક જ રીતિઃ વ્યવસ્થિત અને પૂર્વનિર્ણીત યોજના પ્રમાણે નહિ, પણ મન કોળે ત્યાં ને મન ફાવે તેમ જવું, કોઈપણ બાહ્ય કે આન્તર દબાણને વશ વર્તીને નહિ, પણ પ્રેમથી અને કેવળ નિજાનંદ ખાતર. આખું જગત છે મારા પ્રેમનું પાત્ર. એમાંની એકેએક વસ્તુ મને ગમે છે. કશું જ મારી દૃષ્ટિને નથી લાગતું વિરૂપ કે નથી લાગતું અભદ્ર.

જગતમાં વિનાકલેશે અને અવિરોધે આનન્દપૂર્વક જીવવા માટે મનુષ્ય અનેક પ્રયોગો કરતો આવ્યો છે અને અનેક પરંપરાઓ સર્જતો આવ્યો છે. એમાંની કોઈપણ રૂઢ પ્રણાલિકાને હું સ્વીકારતો નથી. જીવનની મારી પોતાની રીતિ હું પોતે ઉપજાવતો આવું છું. હું પોતે મારી કેડી કોરતો આવું છું. જે માર્ગે જતાં મને પોતાને આનંદ થતો હોય તે માર્ગ જ હું લઉં છું; ને એ માર્ગ પણ હું લેતો હોઉં છું કેવળ સ્વાન્તઃ સુખાય, લાભાલાભની કે એવી કોઈ બીજી ગણતરીથી પ્રેરાઈને નહિ.

જગતમાં તેજ પણ છે, છાયા પણ છે, સદ્ પણ છે ને અસદ્ પણ છે. શુભ પણ છે ને અશુભ પણ છે. એ દ્વંદ્વ એકબીજાની સાથે એવી રીતે જોડાયાં છે કે એમને એકબીજાથી જુદાં પાડી શકાતાં નથી કે અલગ અલગ જોઈ કે અનુભવી શકાતાં નથી. તેજછાયાના આ લોકમાં, સદસદાત્મક આ સંસારમાં, નથી હું તેજ જોઈને હર્ષથી ઉન્મત્ત થઈ જતો, નથી છાયા જોઈને શોકથી ખિન્ન બની જતો, પણ જીવનની કોઈપણ સ્થિતિમાં પ્રસન્નતા—હર્ષ અને શોક, બન્નેથી પર, નિર્મળ, સ્વસ્થ અને પ્રશાંત ચિત્તવૃત્તિ–નો અનુભવ કરું છું. અને એ પ્રસન્નતામાંથી મારા હૃદયમાં આપમેળે ને અનાયાસે જે ભાવસંવેદનો ઊઠે તેને ગુંજું છું ને ગાઉં છું.

ને આમ, આપણને તો છે બસ આનન્દ આનન્દ જ, જીવનની કે જગતની કોઈપણ સ્થિતિ મને તો આસ્વાદ કરાવતી હોય છે એકલા આનન્દનો જ. અને સ્થાવરજંગમાત્મક આ આખા જગતના નાનામોટા એકેએક તત્ત્વ સાથે હું એવો તન્મય થઈ જાઉં છું કે મારાથી અલગ અને મારાથી સ્વતંત્ર એવું કંઈ જ આ વિશ્વમાં રહેતું નથી, જુદા જુદા પદાર્થોના નામરૂપના ભેદો લુપ્ત થઈ જાય છે અને અવશેષમાં રહી જાય છે કેવળ હું–સૌન્દર્યલોકનો નિરંકુળ ને મનમોજી આનન્દયાત્રી!

આમ, આ કાવ્યમાં જગતના તત્ત્વમાત્રની સાથે એકત્વની અનુભૂતિ એ જીવનની કૃતાર્થતા, એ થાય નિર્મળ અને નિઃસીમ આનન્દની અવસ્થામાં, એ આનન્દ જન્મે સૌન્દર્યના સાક્ષાત્કારમાંથી, અને એ સાક્ષાત્કાર થાય નિઃસ્વાસ્થ ને ભાવમુગ્ધ પ્રેમીઓને, જેમના પ્રેમ પાસે નથી રહેતું કશું કુરૂપ કે નથી રહેતું કશું ત્યાજ્ય કે નિરસ્કરણીયઃ આ સત્યનું આલેખન કરવામાં આવ્યું છે.

(‘આપણો કવિતા-વૈભવ’)