યુગવંદના/કસુંબીનો રંગ

Revision as of 10:37, 25 January 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કસુંબીનો રંગ| }} <poem> લાગ્યો કસુંબીનો રંગ – રાજ, મને લાગ્યો કસ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
કસુંબીનો રંગ

લાગ્યો કસુંબીનો રંગ –
રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ!
જનનીના હૈયામાં પોઢંતાં પોઢંતાં
પીધો કસુંબીનો રંગ;
ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ
પામ્યો કસુંબીનો રંગ. – રાજ
બહેનીને કંઠે નીતરતાં હાલરડાંમાં
ઘોળ્યો કસુંબીનો રંગ;
ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ
ચોળ્યો કસુંબીનો રંગ. – રાજ
દુનિયાના વીરોનાં લીલાં બલિદાનોમાં
ભભક્યો કસુંબીનો રંગ;
સાગરને પારે સ્વાધીનતાની કબરોમાં
મહેક્યો કસુંબીનો રંગ. – રાજ
ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર
ચાખ્યો કસુંબીનો રંગ;
વહાલી દિલદારાના પગની મેંદી પરથી
ચૂમ્યો કસુંબીનો રંગ. – રાજ
નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં કવિઓએ
ગાયો કસુંબીનો રંગ;
મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે
પાયો કસુંબીનો રંગ. – રાજ
પીડિતની આંસુડાધારે-હાહાકારે
રેલ્યો કસુંબીનો રંગ;
શહીદોના ધગધગતા નિ:શ્વાસે નિ:શ્વાસે
સળગ્યો કસુંબીનો રંગ. – રાજ
ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે
છલકાયો કસુંબીનો રંગ;
બિસ્મિલ* બેટાઓની માતાને ભાલે
મલકાયો કસુંબીનો રંગ. – રાજ
ઘોળી ઘોળી પ્યાલા ભરિયા: રંગીલાં હો!
પીજો કસુંબીનો રંગ;
દોરંગાં દેખીને ડરિયાં: ટેકીલાં હો!
લેજો કસુંબીનો રંગ! – રાજ
રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ –
લાગ્યો કસુંબીનો
રંગ.