યુગવંદના/જન્મભોમના અનુતાપ
[ભજન]
જી રે બાપુ! તમને કરાવી પારણિયાં,
હું થઈ ઉપવાસણી રે જી.
જી રે બાપુ! ગોઝારાં અમારાં આંગણિયાં,
હું દેવી થઈ છું ડાકણી હો જી.
જી રે બાપુ! નુગરી* મને આપે માનેલી,
મેં સંઘર્યા’તા ઓરતા રે જી.
જી રે બાપુ! જાતને જ નહિ મેં તો જાણેલી,
ધોખા એ હૈયે ધીકતા હો જી.
જી રે બાપુ! મેંણલાં દઈને બૌ બાળેલો
હો! તું વણતેડ્યો આવિયો રે જી,
જી રે બાપુ! પગલે ને પગલે પરઝાળેલો,
જાકારો સામો કા’વિયો* હો જી.
જી રે બાપુ! હીરલાના પરખું હોંશીલા,
હસતો ને રમતો ઊતર્યો રે જી;
જી રે બાપુ! કોયલાનાં આંહીં તો દલાલાં
હો! ભરોંસે તું ભૂલો પડ્યો હો જી.
જી રે બાપુ! ચૂમિયું ભરીને ચાટી લીધાં
હો! લોહીઆળાં જેનાં મોઢડાં રે જી,
જી રે બાપુ! દૂધ પી કરીને ડંખ દીધા
હો! વશિયલ એ ભોરીંગડા* હો જી.
જી રે બાપુ! તમે રે સંભારી જ્યાં સમાધ*
હો! ખાંપણ* ત્યાં તો સાબદા રે જી,
જી રે બાપુ! તમે કીધા અલખના આરાધ*
હો! પડઘા મેં દીધા પાપના હો જી.
જી રે બાપુ! મેણલાંની દિજે બાપ માફી
હું પાપિણી ખોળા પાથરું રે જી.
જી રે બાપુ! જતિ ને સતીનાં સત માપી,
હું પાને પાને પરઝળું હો જી.
૧૯૩૯