વાસ્તુ/16

Revision as of 06:55, 2 February 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
સોળ

‘સર…’ અપર્ણા. એકાદ ક્ષણ મૌન. ‘હં?’ ‘હું અમિત સાથે પરણવાની છું.’ ‘મને ખબર છે.’ ‘અમિતે કહ્યું?’ ‘ના.’ ‘તો?’ ‘સુન્દરમ્‌ની પેલી પંક્તિ છે ને? – ‘બધું છૂપે, છૂપે નહિ નયન ક્યારે પ્રણયનાં.' ‘સર…’ દાખલ થતો અમિત બોલ્યો, ‘આયુર્વેદની બધી દવાઓ મળી ગઈ છે.’ ‘એ વાત પછી,’ કહેતો સંજય બેઠો થયો. ‘પહેલાં અહીં મારી પાસે બેસ.’ અમિત બાજુમાં બેઠો. સંજયની બીજી બાજુ અપર્ણા બેઠી હતી. બંનેના ખભે હાથ મૂકી બેયને પોતાના તરફ દાબતાં સંજયે જાણે લોટરી લાગી હોય એવા ઉમળકા સાથે બૂમ પાડી, ‘અ...મૃતા.’ જવાબ આવે એ પહેલાં તો ફરી, ‘અમૃતા… અમૃતા...’ ‘એ આવી’ શબ્દો સાથે જ અમૃતાય સાડીનો છેડો કેડમાં ખોસતી પ્રવેશી. સંજયની બેય બાજુ અડોઅડ બેઠેલાં અમિત અને અપર્ણા. બેયના ખભે વળી હાથ મૂકતાં સંજયે કહ્યું – ‘અમૃતા, અમિત-અપર્ણા પરણવાનાં છે...’ ‘મને તો ક્યારની ખબર છે.’ ‘કેવી રીતે?’ – અમિત. ‘આપણા ઘરે રોજ આવે-જાય, ખબર ન પડે? બંને એકમેકમાં કેવાં પરોવાઈ જતાં હોય છે!’ ‘અમે બંનેએ ઘરે પણ વાત કરી દીધી.’ અમિત. ‘અપર્ણાના મમ્મી-પપ્પાએ શું કહ્યું?’ અમૃતાએ તરત પૂછ્યું. ‘હા પાડી...’ અપર્ણાના અવાજમાંય જાણે લાલાશ દોડી આવી. ‘ચાલો સર, અમે જઈએ...' ‘ગુડનાઇટ’ કહેતાં અમિત-અપર્ણા ગયાં. ‘કેવી સરસ જોડી છે, નહિ!’ અમૃતા સ્વગત બોલી, ‘મને આ ક્ષણે અપર્ણાની ખૂબ ઈર્ષ્યા થઈ આવે છે.' ‘કેમ? એને કોઈ કવિ ના ભટકાયો એટલે?’ ‘ના’ અમૃતાનો અવાજ આંસુભીનો થઈ ગયો, ‘એનાં મમ્મી-પપ્પાએ લગ્ન માટે કેવી તરત હા પાડી…’ મૌન ઘૂંટાતું રહ્યું… ‘જ્યારે મારા પપ્પાએ તો જાણે મારા માટે નાહી જ નાખ્યું છે… રૂપા કે વિસ્મયના જન્મ વખતેય, સંબંધ ફરી જોડાયો નહિ તો કંઈ નહિ પણ તને આ રોગ થયો એ પછીય… કેટકેટલાં અજાણ્યાંય તને જોવા આવે છે. જ્યારે મારા પપ્પા...’ અમૃતા રડી પડી. સંજયે બેય હાથ લંબાવ્યા. ‘સર, પર્સ ભૂલી ગઈ..’ કહેતી અપર્ણા દાખલ થઈ ને ખોટી ક્ષણે આવી ગઈ હોય એમ પર્સ લઈને ઝડપથી ચાલી. ગઈ. ‘એમાં રડે છે શું? કાલે આપણે જઈ આવશું તારાં મમ્મી-પપ્પાને મળવા…’ ‘લગ્ન પછી પગે લાગવા ગયાં'તાં. ત્યારે એમણે જે રીતે કાઢી મૂક્યાં'તાં એમ –’ ‘– એમ આ વખતે કાઢી નહિ મૂકે. અને કદાચ બે વેણ કહે તોય શું? મરણ મને માન-અપમાન-અહમ્‌થી ધીરે ધીરે પર કરતું જાય છે... મારી નજીક જતો જઉં છું તેમ તેમ હું મારાથીય ધીરે ધીરે ડિટૅચ થતો જઉં છું...’ અમૃતા સંજયની આંખોમાં, કીકીઓમાં તાકી રહી. ‘નજીક અને નજીક આવતું જતું મરણ મને વધુ ને વધુ પારદર્શક બનાવતું જાય છે… જાણે ભીતરની બારીઓ ખૂલતી જાય છે એક પછી એક. ધીરે ધીરે મરણ જ મને ષડ્‌રિપુઓથી દૂર થવાય પ્રેરે છે ને ષડ્‌રિપુઓય જાણે બમણા ઝનૂનથી આક્રમણ કરે છે... અમિત-અપર્ણા પરણશે એવું સાંભળતાં જ થયું કે…’ ‘શું?!’ ‘આપણું ઘરનું ઘર થાય ત્યાં સુધી જ નહિ, પણ અપર્ણા-અમિત પરણે ત્યાં સુધી તો મારે કમસે કમ જીવવું જ રહ્યું…’ ‘મારાં દાદીય કહેતાં – અમૃતાનાં લગ્ન જોયા સિવાય હું જવાની નથી – એટલે જ હું તને કહેતી'તી. કે આપણે લગ્ન ભલે ભાગીને કરીએ, પણ લગ્ન રજિસ્ટર્ડ કરતી વેળાએ દાદી હાજર હોય તો?' અમૃતા અટકી. એનો ચહેરો ગંભીર થઈ ગયો. ‘–ને આપણે લગ્ન કર્યાં છે એ જાણ્યું એ દિવસે જ દાદી મરણ પામ્યાં..’ ચુપકીદી ઘેરાતી ગઈ. અંધકાર ઘટ્ટ થતો ગયો… સંજયને થયું, હુંય મારી રૂપાનાં લગ્ન સુધી જીવી શકું તો?! ના, ના; એટલું લાંબું તો ન ખેંચાય પણ વિસ્મયનું બારમું ધોરણ પતે ત્યાં સુધીય જો ટકી શકાય તોય… પણ, મરણ ક્યાં, ક્યારે ને કયા રૂપે આવે કોને ખબર?! સંજયને બાપુજીના એક મિત્રનું મરણ યાદ આવ્યું – જિતુકાકા ચોથા માળના ફ્લૅટમાં બેઠેલા. ને એમણે જોયું – રવેશમાં રમતો એમનો નાનકડો પૌત્ર પાળી પર વધારે ઝૂક્યો ને પોતે કંઈ બોલે એ પહેલાં તો… ‘એ… ગયો…’ નીચેવાળાને ત્યાં કડિયાકામ ચાલતું હતું તે રેતીનો મોટો ઢગલો પડેલો. એમાં પડવાને કારણે બાબો તો બચી ગયો પણ એને પડતો જોતાંવેંત દાદાનું હાર્ટ બંધ પડી ગયું. ‘અમૃતા...’ બહારથી જ બા બોલ્યાં, ‘વિસ્મય ઊંઘી ગયો છે તો ભલે મારી જોડે સૂતો… બાનો પાછા જવાનો અવાજ આવ્યો અને શમી ગયો. ‘ચાલો, આપણેય સૂઈ જઈશું?’ ‘હં’ કહેતાં સંજય ઊભો થયો. અમૃતાએ ચાદર ઝાટકીને ફરી પાથરી. સળ દૂર કરી કિનારી ચારે બાજુ ખોસી. પછી બંને પથારીમાં પડ્યાં. અમૃતાનું મન અને શરીર સંજય પાસેથી સાંત્વનનો સ્પર્શ ઝંખતું હતું. ઘડિયાળનો એકધારો ટક્ ટક્ અવાજ મોટો લાગતો હતો. પડોશીના ટીવીનો અવાજ જાણે માથામાં વાગતો હતો. બારણાંની ફ્રેમમાંથી સહેજ ત્રાંસું પ્રવેશતું સ્ટ્રીટલાઇટનું ઘનાકાર અજવાળાનું ચોસલું અંધકારના ઘન આકારને કાપતું ઊભું હતું. મરણ બારણાંમાંથી પ્રવેશતાં અજવાળા જેવું હશે? શરીર છોડીને જતો આત્મા તેજલિસોટા જેવો હશે? હાથ લંબાવીને મરણ મને વહાલથી બોલાવશે? એના હાથનો સ્પર્શ પણ હશે માના હાથ જેવો?! કે પછી હશે એ બિહામણું?! મસમોટા પહાડ જેવડા રાક્ષસ જેવું? – કાળુંમેંશ, રીંછ જેવી રુવાંટી ને ક્ષણવારમાં ચીરી નાખે એવા અસંખ્ય નહોરવાળું? ગમે તેવું હોય મરણ… હું એની સાથે દ્વંદ્ધ ખેલીશ… બેય હાથે મુક્કા મારીશ એના મોં પર… ઈજા પહોંચાડીશ એને… મારી બધીયે શક્તિ એકઠી કરીને પછાડીશ એને… કદાચ પછાડી ન શકું તો ઠેલી શકું... કદાચ એને હરાવી ન શકું તો હંફાવી શકું... કદાચ મરણ અદૃશ્ય રૂપે જ બિલ્લીપગે આવીને મને ઊંઘતો જ ઉપાડી જશે તો? કેમ મન આમ તરંગે ચડી ગયું છે?! સંજય મનમાં ચાલતા તરંગો પ્રત્યે સભાન થયો. કહે છે કે આયુષ્ય વરસો, મિનિટો ને સેકંડોમાં નથી હોતું પણ શ્વાસની કુલ સંખ્યામાં હોય છે... ઊંડા શ્વાસ લઉં તો? પ્રાણાયામ શીખું તો? બે વર્ષ ચાલે એટલા શ્વાસ ત્રણ વર્ષ ચલાવું તો? ત્રણ વર્ષ ચાલે એટલા શ્વાસ છ વર્ષ ચલાવું તો? કોઈ સારા જાણકાર પાસે કાલથી જ પ્રાણાયામ શીખવાનું શરૂ કરીશ. ને નિયમિત પ્રાણાયામનો અભ્યાસ કરીશ. એકદમ ધીરે ધીરે ધીરે ધીરે શ્વાસ અંદર લઈશ. પછી એને રોકાય તેટલું અંદર રોકીશ. પછી સાવ ધીમે ધીમે ધીમે ધીમે શ્વાસ બહાર આવવા દઈશ ને બીજો શ્વાસ લેતા અગાઉ શ્વાસ-શૂન્ય અવસ્થાનેય ચકાસી જોઈશ. કદાચ આ જ સૌથી સારો રસ્તો છે… મરણના પહાડને ધક્કા મારી મારીને પાછો ઠેલવાનો… કદાચ મારા શ્વાસની આંગળીએ ઊંચકીય શકાય મરણના પહાડને… વળી પાછા તરંગો ચાલવા લાગ્યા… સંજય વળી સભાન થયો. લાવ, અત્યારે મારા શ્વાસ કેવા ચાલે છે એ જોવા દે... આ શ્વાસ અંદર ગયો… સહેજ અટક્યો ને એટલી વારમાં આ બહાર આવ્યો. વળી શ્વાસ વધુ ધીમેથી અંદર ગયો. વધારે ઊંડે ગયો. સહેજ અટક્યો ને ધીમે ધીમે ધીમે બહાર...

અમૃતાનું વિશાળ કપાળ. એમાં બે ભમરોની બરાબર વચ્ચે મોટો રાતો ઘેરો ચાંલ્લો... એ ચાંલ્લો સહેજ મોટો થયો… અરે, આ તો ચાંલ્લો મોટો ને મોટો થતો ચાલ્યો... હવે તો થાળી જેવડો… ક્ષણે ક્ષણે વધુ ને વધુ ચમકતો જતો…! મોટા થતા જતા ચાંલ્લાનું તેજ વધતું જાય છે… હવે તો એ કોઈ હિલસ્ટેશનના સનસેટ પૉઇન્ટ પરથી દેખાતા સૂરજ જેવો! રાતોચોળ! અગ્નિ જેવો રાતો! લોહી જેવો રાતો! ગોરા ગોરા કપાળ પર સાક્ષાત્ સૂરજ! ધીરે ધીરે ડૂબતી જતી કાણી હોડી જેવી સાંજ! સૂરજની કોર જરીક ડૂબી. આખીયે ધરતી પર, ક્ષીણ ને ક્ષીણ થતો જઈને સમેટાતો જતો માંદલો, ફિક્કો સૂર્યપ્રકાશ. ક્ષિતિજને બીજે છેડેથી ગોરંભાતું વૈતરણીના કીચડ જેવું અંધારું. આખીયે ધરતી પર, ન એક્કે નગર, ન ગામ, ન એક્કે ઘર, ન કોઈ જ પહાડ, ન દરિયો, ન નદી, ન ટીપુંયે જળ, ન માણસ, ન પશુ, ન પંખી, ન માખી, ન મચ્છર, ન એક્કેય જીવ… નજર પહોંચે ત્યાં સુધી વૃક્ષો જ વૃક્ષો… માત્ર વૃક્ષો, જેના પર ન એક્કેય માળો, ન એકેય પાન! નર્યાં હાડપિંજર જેવાં વૃક્ષો… આખીયે સૂકીભઠ ધરતી પર ખડકાઈને, તીક્ષ્ણ પવનના સુસવાટામાં કોઈ પ્રેતના અટ્ટહાસ્ય જેવું ખડ ખડ ખડ ખખડતાં, ખિખિયાટા કરતાં, ઊડતાં-પડતાં-ધસતાં-ધસમસતાં સુક્કાં પાંદડાંઓના ઢગલેઢગલા… હવે ત્રીજના ચંદ્ર જેટલી સૂરજની કોર ડૂબી. કેટલીયે ક્ષણો સિંદૂરી કીડીઓની હારની જેમ પસાર થતી ગઈ… કલાકોના કલાકો થઈ ગયા પહાડની જેમ પસાર... તે છતાં, હજીયે, ત્રીજના ચંદ્ર જેટલી જ સૂરજની કોર ડૂબેલી છે. સૂરજ હવે જરીકે વધારે ડૂબતો નથી…! લગરીક કોર ડૂબેલો સૂરજ સ્થગિત… ઊડતાં પાંદડાંય હવામાં સાવ સ્થગિત! સૃષ્ટિની સઘળી ગતિનું રૂપાન્તર જાણે સ્થિતિમાં. સમય ગોકળગાય જેટલુંયે સરકતો નથી! સારસની જેમ ડોક સાવ ઢાળી દઈને હવે તો પવન પણ પડ્યો છે શબવત્! આખીયે પૃથ્વી પર, ક્ષિતિજો સુધી પથરાયેલાં હાડપિંજર જેવાં વૃક્ષો નીચેનાં સુક્કાં-પીળાં પાનના ઢગલેઢગલાય હવે સ્મશાન જેવા ચૂપ. ધરતી કે આકાશ – ચારેકોર ભેંકાર. ન ક્યાંય, કશો સંચાર… નવાઈની વાત – સાવ હાડપિંજર થઈ ગયેલા દરેકેદરેક વૃક્ષ પર હજીયે લટકે છે માત્ર એક એક પાન – લીલુંછમ! વૃક્ષ અને ધરતીએ, જાણે પોતાની રહી-સહી બધી જ લીલાશ-ભીનાશ સંચિત કરી રાખી છે આ એક પાંદડામાં! આ એક લીલું પાંદડું જાણે ઝાડ આખાનો જીવ! દરેક વૃક્ષે, ભૂખરી ભૂખરી ડાળીઓના પીંજરા વચ્ચે, ખરવાની ક્ષણને જાણે પાછી ઠેલી ઠેલીને હૈયાસરસું જાળવી રાખ્યું છે એક માત્ર છેલ્લું લીલુંછમ પાંદડું – ચાંગળુંક ગંગાજળ સમું! ત્યાં તો, અચાનક જ અંધારાના કાળાડિબાંગ પહાડો ઘેરાઈ આવ્યા ઘનઘોર… આવો અંધકાર તો કદી જોયો નહોતો… ખોદવો પડે એવો અંધકાર... એના પેટાળમાં હશે અજવાળાની ખાણ?! લગરીક કોર ડૂબેલો સૂરજ હજીય સ્થગિત, જેમનો તેમ. એના આથમતા, ફિક્કા-પીળા-માંદલા, અજવાળાને રોકીને ઊભાં છે આકાશમાં અધવચ, અસંખ્ય ગીધનાં ટોળે-ટોળાં, બિહામણાં, પ્રસારેલી પાંખો એકમેક સાથે મિલાવીને, સ્થગિત હવામાં, શબવત્! ના, અસંખ્ય ગીધ નહિ, પણ આકાશ જેવડું મસમોટું એક જ ગીધ ઊભું રહી ગયું છે, આકાશમાં ઊર્ધ્વ માર્ગ રોકીને, ક્ષિતિજના આ છેડાથી તે છેક પેલા છેડા સુધી પાંખો ફેલાવીને, પૃથ્વી આખીયને ઢાંકી દઈને, એની તીક્ષ્ણ નજર અને ભાલા જેવી ચાંચ મંડાયેલી છે મારા ભણી… એની નજરમાં તગતગે છે યુગોની ભૂખ-તરસ.. ભયથી છળી મરેલો મારો દેહ પડ્યો છે ચુપચાપ, શબાસનમાં… ચીસનો ઠળિયો અઢાઈ રહ્યો છે મારા ગળામાં.. પણ ફાટતા જતા મારા ડોળામાંથી જીવની જેમ નીકળે છે મૂક ચીસો, સતત. છતાં બધુંયે મરણ જેવું જ ચૂપ. સૃષ્ટિ આખીયે જાણે એક વિરાટ શબ! ન ક્યાંય કશોય સંચાર, ન ક્યાંય કશાયનો અણસાર. મારાં ફેફસાંની એક ડાળ પર ચોંટી રહ્યું છે હજીયે એક લીલુંછમ પાન! એ પાનમાં હજીયે ભરાઈ-સંતાઈ રહ્યા છે મારા આછા આછા ધબકાર… જાણે ઝીણી તારલીના ઝીણા ઝબકાર… આકાશ જેવડું એ ગીધ આવીને ચડી બેઠું મારી છાતી પર ને એની તીક્ષ્ણ ચાંચ ભોંકી… ખટ્ કડ કડ્ કડ્ કરતી કેટલીક પાંસળીઓ તૂટી... સાથે સાથે થોડી નાડીઓય તૂટી… ફેફસાંની ડાળે ચોંટી રહેલા પેલા લીલાછમ પાંદડાને સંતાડવા મથે મારા પારદર્શક શ્વાસ… શ્વાસ ફેરવાતા જાય ધીરે ધીરે રૂપેરી અજવાળામાં… પેલા લીલાછમ પાંદડામાં કોઈ જ્યોતનો આછો ફરફરાટ ઝાંખો-પાંખો ભળાય-સંભળાય… આંખ-કાન-નાક-જીભ શ્વાસ… બધે જ જાણે હોલવાતા પહેલાંની જ્યોતનો અતિ તેજસ્વી ફરફરાટ.. ગીધ માંસને બદલે આરોગતું જાય મારા રૂપેરી શ્વાસ… ને ત્યાં તો એ ગીધે એની ડોક પાછી ખેંચી ને જોરથી એની ચાંચનો પ્રહાર કર્યો મારા કપાળમાં, બંને ભમરોની વચ્ચોવચ્ચ… – ‘ઓ મા… અમૃતા... રૂપા…’ – ‘શું થયું? શું થાય છે?’ સંજયની ચીસથી જાગી ઊઠેલી અમૃતાએ પૂછ્યું.