વેણીનાં ફૂલ/દરિયો
Revision as of 11:26, 2 February 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|દરિયો|}} <poem> <center>[નાણ્યું નાખે દાદુભા નૈં મળે]</center> દરિયો ડોલે ર...")
દરિયો
દરિયો ડોલે રે માઝમ રાતનો,
ઝૂલે જાણે પારણે મારો વીર રે! મધરાતે માતા
રોતા વીરાની દોરી તાણતી.
છલકે મોજાં ને છોળો મારતાં,
ખુંદે જાણે ખોળલા મારો વીર રે! મધરાતે માતા
રોતા વીરાની દોરી તાણતી.
આભમાંથી ચાંદો રેલે ચાંદની,
પાથરે જાણે વીરાના ઓછાડ રે! મધરાતે માતા
રોતા વીરાની દોરી તાણતી.
ઝલકે ઝલકે રે જળ માછલી,
ઝલકે જાણે વીર મારાની આંખ રે! મધરાતે માતા
રોતા વીરાની દોરી તાણતી.
ઉઘડે ઉઘડે ને બીડાય તારલા,
ઉઘડે જાણે મા-જાયાન નેન રે! મધરાતે માતા
રોતા વીરાની દોરી તાણતી.
ઝબકે ઝબકે રે ઝીણી વીજળી,
ઝબકે જાણે સોણલે મારો વીર રે! મધરાતે માતા
રોતા વીરાની દોરી તાણતી.
દરિયો ગાજે રે માઝમ રાતનો,
માવડી જાણે વીરને હાલાં ગાય રે! મધરાતે માતા
રોતા વીરાની દોરી તાણતી.
દરિયો મલકે ને ડોલર ફીણ વળે,
મલકે જાણે વીર મારાનાં મુખ રે! મધરાતે માતા
રોતા વીરાની દોરી તાણતી.