વેણીનાં ફૂલ/તલવારનો વારસદાર

Revision as of 05:49, 3 February 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
તલવારનો વારસદાર
ઢાળ - શેના લીધા મારા શ્યામ અબોલડા આ શેના લીધા રે!

 
ભેટ્યે ઝૂલે છે તલવાર
વીરાજી કેરી ભેટે ઝૂલે રે.
ભીંતે ઝૂલે છે તલવાર
બાપુજી કેરી ભીંતે ઝૂલે રે.
મારા બાપૂને! બે બે બે કુંવરિયા
બે વચ્ચે પાડ્યા છે ભાગ:

  • હાં રે બેની! બે વચ્ચે પાડ્યા છે ભાગ

વીરાજી કેરી ભેટે ઝુલે રે.

  • બધી કડીઓમાં બીજી ત્રીજી વાર આ રીતે ગવાશે તો રાસડો ચગાવી શકાશે. ​


મોટે માગી છે મો’લ મે’લાતો વાડીઓ
નાને માંગી છે તલવાર
હાં રે બેની! નાને માંગી છે તલવાર – વીરાજી૦

મોટો મ્હાલે છે મો’લ મેડીની સાયબી
નાનો ખેલે છે શિકાર – વીરાજી૦

મોટો ચડિયો છે કાંઈ હાથી-અંબાડિયે
નાનેરો ઘોડો અસવાર – વીરાજી૦

મોટો કાઢે છે રોજ કાવા કસૂંબલા
નાનેરો ઘૂમે ઘમસાણ – વીરાજી૦

મોટો પોઢે છે લાલ રંગીલે ઢોલીએ
નાનો ડુંગરડાની ધાર – વીરાજી૦

મોટો મઢાવે વેઢે વીંટીને હારલા
નાનો સજાવે તલવાર – વીરાજી૦

મોટાને સોઈં હીર-ઝરિયાની આંગડી
નાનાને ગેંડાની ઢાલ – વીરજી૦

મોટો સંતાય સુણી શત્રુના રીડિયા
નાનેરો દ્યે છે પડકાર – વીરાજી૦

મોટો ભાગ્યો છે સેન શત્રુનાં ભાળતાં
નાનેરો *ઝીંકે છે ઘાવ – વીરાજી૦

મોટેરે માડી! તારી કૂખૂં લજાવી
નાને ઉજાળ્યા અવતાર – વીરજી૦

મોટાનાં મોત ચાર ડાઘુડે જાણિયાં
નાનાની ખાંભી પૂજાય – વીરાજી૦

ભેટે ઝુલે છે તલવાર
વીરાજી કેરી ભેટે ઝુલે રે!
ભીંતે ઝૂલે છે તલવાર
બાપૂજી કેરી ભીંતે ઝુલે રે!

બીજો પાઠ: ઝીલે છે ઘાવ.