મંત્રકવિતા/નિવેદન

Revision as of 18:50, 3 February 2022 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| નિવેદન | }} {{Poem2Open}} ૧૯૬૯ના રણજિતરામ સુવર્ણચન્દ્રકની અર્પણવ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


નિવેદન

૧૯૬૯ના રણજિતરામ સુવર્ણચન્દ્રકની અર્પણવિધિ પ્રસંગે આભારરૂપે ‘યંત્રવિજ્ઞાન અને મંત્રકવિતા’ વિશે વ્યાખ્યાન કરવું એવું વિચાર્યું હતું. એ અંગેનું લખાણ જેમ જેમ લખાતું ગયું તેમ તેમ વિસ્તરતું ગયું અને અંતે એનું નિબંધનું સ્વરૂપ થયું. પણ આ લખાણ અસલ વ્યાખ્યાન રૂપે વિચાર્યું હતું એથી એમાં ‘વ્યાખ્યાન’ શબ્દ સતત યોજાયો છે. આ નિબંધનાં કુલ સાત ખંડો છે. એમાંથી અહીં પ્રથમ પાંચ ખંડો નિબંધના પૂર્વાર્ધ રૂપે પ્રસિદ્ધ થાય છે. એ પાંચ ખંડો એક સ્વતંત્ર એકમ રૂપે અસ્તિત્વ ધારણ કરી શકે એવી એમાં વસ્તુવિષયની એકતા છે. બાકીના બે ખંડો આ નિબંધના ઉત્તરાર્ધ રૂપે હવે પછી પ્રસિદ્ધ થશે. એમાં છઠ્ઠા ખંડમાં આજે યંત્રવૈજ્ઞાનિક ક્રાંતિની પૂર્વસંધ્યાએ મનુષ્યજાતિ યંત્રવૈજ્ઞાનિક યુગના ઉંબર પર ઊભી છે અને એથી ભવિષ્યમાં, નિકટના જ ભવિષ્યમાં યંત્રવૈજ્ઞાનિક મનુષ્ય, સમાજ અને સંસ્કૃતિનું સર્જન થશે ત્યારે સમસ્ત મનુષ્યજાતિ સમક્ષ જાણે કે જીવન-મૃત્યુ જેવા અંતિમ વિકલ્પો રજૂ થશે અેન આ અંતિમ વિકલ્પોમાં મનુષ્ય માત્રએ જે પસંદગી કરવાની રહેશે એ અંગેનો અંગુલિનિર્દેશ છે. સાતમા અને અંતિમ ખંડમાં યંત્રવિજ્ઞાન સાથે મંત્રકવિતાનો શો સંબંધ છે? અને યંત્રવૈજ્ઞાનિક યુગ, મનુષ્ય, સમાજ અને સંસ્કૃતિના સંદર્ભમાં મંત્રકવિતાનો શો ધર્મ છે? – આ ગહનગભીર પ્રશ્નો પૂછવાનું નર્યું સાહસ છે. આ નિબંધના પાંચમા ખંડમાં ગુજરાતી ભાષાની પાંચ ગદ્ય-પદ્ય કૃતિઓનું મિતાક્ષરી વિશ્લેષણ અને વિવેચન છે એમાં એ કૃતિઓમાંથી અવતરણો છે એ માટે એ કૃતિઓના સર્જકો પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરું છું. – નિરંજન ભગત