સાંભળો: કુમાઉમાં રખડપટ્ટી — યજ્ઞેશ દવે
ઓય મા. ઓય રે... ઓય વોય વોય.. મનેય ખબર ન પડી તેમ ચીસ નીકળી ગઈ. અલ્મોડામાં અમારી રેણુકા હોટલનો ફૂટડો નાનકડો જુવાન માલિક, નોકર ગોવિંદા, મારા સાથીદારો અંજુ, મંજુબહેન, વરુણ, શ્રીનિવાસ બધાં દોડતાં આવી મારી પાસે દોડી આવ્યાં – હાંફળાંફાંફળાં શું થયું છે તેનો ક્યાસ કાઢવા, સામે રોડ પર બેઠેલા બેચાર મજૂરોય દોડતા આવ્યા. હમણાં તો જીપવાળા છોકરા સાથે આવતી કાલે રવિવારે ફરવા જવા માટે જીપના ભાવની રકઝક ચાલતી હતી અને હમણાં જ બધું સેટલ થયું હતું, ત્યાં આ ચીસ શાની? નીકળતી વખતે ડ્રાઇવર શેકરાએ જીપ રિવર્સમાં લીધી અને ભૂલમાં જીપનાં પૈડાં પાસે સહેજ અંદર રહેલા મારા પગના પંજા પર જીપ ચડી ગઈ. આખી જીપના તોતિંગ ખાંચાદાર પૈડાંનો ભાર બિચારી ચાર આંગળીઓ અને અંગૂઠા પર. ડ્રાઇવર છોકરોય મારી ચીસ અને તરફડાટથી હકોબકો અને મૂંઝાયેલો, મારી ચીસ તેના મગજમાં ચડી ગયેલી. હળવેકથી તેણે જીપને ગિયરમાં પાડી આગળ લીધી અને મારા પગનો ‘ગજેન્દ્રમોક્ષ' થયો. ડ્રાઇવરેય તરત જીપમાંથી ઊતરી મારી પાસે આવ્યો. હું તો હોટલના ઓટલે બેસી પડેલો-મારા પગને પકડીને કણસતો. આસપાસ લોકોનું કૂંડાળું. મને એમ કે, પગની આંગળીઓના સાંધેસાંધા છૂટા પડી ગયા હશે, એકાદ-બે હાકડાં છુંદાઈ ગયાં હશે કે ક્રૅક તો પડી જ ગઈ હશે. બૂટ કાઢ્યા, પગ સહેજ છોલાઈ ગયો હતો, સખત દુઃખતો હતો અને સોજો ચડવા લાગ્યો હતો. હોટલમાલિક છોકરા આરિફે કહ્યું, ‘બિચ્છુઘાસ લગા લીજિયે સા'બ.’ આરિફના કહેવાની સાથે જ સામે રોડસાઇડ પર ઊગેલો એક છોડ કોઈ તોડી લાવ્યું. તે છોડનાં પાંદડાં પર, થડ પર ઝીણા જીણા સૂક્ષ્મ અસંખ્ય કાંટાઓ હતા. હું તો જોઈને જ ભડક્યો. એક તો દબાયેલા-છોલાયેલા પગની લ્હાય અને ઉપરથી આ કાંટા પગને ભોંકવાના અને તેય સામે ચાલીને? આરિફે ધરપત આપી ‘લગા લીજિયે સા'બ, થોડી જલન તો હોગી મગર સુજન નહીં આયેગી ઔર દર્દ ભી કમ હો જાયેગા.’ મેં હિંમત કરી. પગ પર તેનાં પાંદડાં ફેરવવા લાગ્યો. પાંદડાં ફરતાંવેંત જ પગમાં ઝીણા ઝીણા ડંખની તમતમાટી શરૂ થઈ. વળી આરિફ કહે, “ઐસે હલ્કે સે નહીં સા'બ, જરા જોરસે પાંવ પર ઇસે મારિયે. યહાં કી યહ અકસીર ઔષધિ હૈ.’ મેં વળી બિચ્છુઘાસ ‘સેસણી’નો છોડ છાપાથી પકડ્યો ને માંડ્યો હળવે હળવે પગ પર ઝટકોરવા, ઝાપટવા અને પગમાં અનેક, નાનાંનાનાં બિન્દુએ ઝિણા ઝિણા ડંખથી તમતમાટ થવા લાગ્યો. બિચ્છુઘાસ જાણે મારા પગમાં પીડાનો લઘુરુદ્રયજ્ઞ આરંભ્યો. ઓર્થોપેડિક હોસ્પિટલ જઈ ફોટો પડાવવો પડશે, પ્લાસ્ટર આવશે, પાટો આવશે તે બધી આશંકાએ રજા લીધી હતી. પગની આંગળીઓ વળતી ન હતી તે હવે આ નવી તમતમતી પીડાની મારી સળવળી. તે સળવળી ને જાણે મારાય જીવમાં જીવ આવ્યો. અજાણ્યા દેશમાં એક હેરાનગતિથી બચ્યા. હાશ. અને કેમ ન બચીએ? આવતી કાલે રજામાં અહીંના આરાધ્યદેવ ચિતઈના ગોલુદેવતા અને જ્યોતિર્લિંગ જાગેશ્વરના દર્શને જવાનું છે. સવાર સુધીમાં તો એ પહાડી ઔષધિની કમાલથી ખાસી રાહત થઈ ગઈ હતી. એક આછા ત્રમ્ ત્રમ્ સિવાય પગ ઑલરાઇટ હતો. પર્વત ચડવા ખીણ ઊતરવા માટે સાબદો થઈ ગયો હતો. સવારે પેલો મારો પગ કચરી ગયો હતો તે ડ્રાઇવર ન આવ્યો. મારો પગ કચર્યો તે પહેલાં જ તેણે જીભ કચરી હતી. જબાન આપી હતી કે સવારના સાત વાગે આવશે. એ તો સાંઢિયાનો લબડતો હોઠ નીકળ્યો. પડે તો કૂતરો ખાય ને! આવ્યો જ નહીં. અમે માલરોડ પરથી બીજી જીપ કરી. ‘જય જાગેશ્વર’ કહી અંદર બેઠા અને કાકાસાહેબ કહે છે તેમ અમારી રેલવેપાર્સલ જેવી મુસાફરી શરૂ થઈ. પગપાળા હજારો કિલોમીટરનો હિમાલયનો પ્રવાસ કરનારા કાકાસાહેબ ક્યાં, સ્વામી આનંદ ક્યાં અને ક્યાં જીપમાં હિમાલય માણ્યા વગર સરકી જતો હું, અને ક્યાં આ ટોળીબંધ કૂડીબંધ નેચરલવર ટ્રેકર્સ? ટ્રેકિંગની અને રૉક ક્લાયમ્બિંગ માઉન્ટેનિયરિંગ આરોહણનીય ફૅશન થઈ ગઈ. પ્રકૃતિ તેમની આસપાસ ભરચક હોવા છતાંય તેને જોઈ ને જોઈ નજરઅંદાજ કરી, લક્ષ્યને પામવા મથતા અને એ શિખર પર થોડી મિનિટો – કલાકો રહી શિખરને સર કર્યાનો વિજયી અહંકાર લઈ પાછા ફરતા એ સાહસિકોને આ પ્રચૂર સૌંદર્ય, નિબિડગંધ, પવનનાં અનેક રૂપોએ, પંખીગાને, બદલાતા રંગોએ, શિખરોનાં શાશ્વત મૌન અને આકાશની અફાટ આ અનંતતાએ ક્યારેય આકર્ષ્યાં નહીં હોય? આવો આનંદ લેવા માટે શું કવિ હોવાની ગાળ ખાવી જ પડે? અમદાવાદમાં એક વાર વરિષ્ઠ પોલીસ અધિકારી ચતુર્વેદીસાહેબને ઘરે બેઠો હતો ત્યારે તેમના કોઈ સંબંધીનો દીકરો માઉન્ટેનિયરિંગમાં હિમાલય જતો હતો તે આશીર્વાદ લેવા આવેલો. તેમણે આશીર્વાદ આપતાં કહેલું, ‘શિખર પર વિજય પાને કી ઇચ્છા સે નહીં, અહંકાર સે નહીં, પર શ્રદ્ધા સે ચઢના, પ્યાર સે ચઢના' એવી શ્રદ્ધાથી ઇન્દ્રિયોને ખુલ્લી રાખી યાત્રાનો આનંદ લેતાં લેતાં ફરનારાં કેટલાં! જીપમાં જૂની ફિલ્મોનાં ગીતો ગાતાં ગાતાં વળાંકદાર સર્પીલા રસ્તે ચડતાં-ઊતરતાં પહેલાં અમે પહોંચ્યા ચિતઈ. અહીંના લોકદેવ ગોલુદેવતા-ગોલુભૈરવના મંદિરે. ચિતઈ સ્થળવિશેષમાં કાંઈ વિશેષ નથી. પણ અહીંના લોકોની શ્રદ્ધાએ એમાં અનોખો રંગ ભર્યો છે. અહીંની વિશેષતા તે તેના ગોલુદેવતા મંદિરના હજારો ઘંટો. હજારો એટલે ખરેખર હજારો. મંદિરના બહારના પ્રાંગણના પ્રવેશદ્વાર પર બે-ચાર મહાકાય ઘંટ બાંધેલા તેના ઠડાંગ ઠડાંગ મોટા ઘેરા અવાજથી પાસેની ખીણો ભરાઈ જતી. મંદિરની ચારે તરફ જાડા દોરડાઓ ઉપર, થાંભલા પર, રસ્તામાં બંને તરફ જ્યાં જુઓ ત્યાં નાનામોટા ઘંટોનાં તોરણ. અનેક શ્રદ્ધાળુઓ અનેક ઘંટ વગાડતા જાય અને અનેક જાતના રણકારો નીકળતા જાય. ગોલુભૈરવની બાધાઆખડી માની હોય, ઇચ્છાઓ પૂરી થઈ હોય તે અહીં અનેક ઘંટ રૂપે ગોલુભૈરવનો જયઘોષ કરે છે. ઘંટરૂપી ચડાવેલો સૂરનૈવેદ્ય બધાનો થઈ જાય છે. ઇચ્છાપૂર્તિના અનુગ્રહની આ પણ એક સંગીતમય રીત! બહાર ઘંટ વેચનારાઓની ચાર-પાંચ દુકાનો હતી. મેં ઘંટ ખરીદ્યા પણ ત્યાં ચડાવ્યા નહીં. ગોલુદેવતાનું સ્મરણ કરી ઘેર લઈ જવા માટે થેલામાં નાખ્યા. નીકળતી વખતે રસ્તાની બંને તરફ બાંધેલાં ઘંટતોરણો જોર કરી ફરી હલાવ્યાં અને સેંકડો ઘંટો બજી ઊઠ્યા. ચિતઈથી ફરી જીપમાં જાગેશ્વર તરફ. અવનવાં દૃશ્યો ઉઘાડતાં, પાઈનનાં જંગલોમાંથી પસાર થતાં સર્પિલ રસ્તાઓ પર પૂરપાટ સરતાં, મનને, હૃદયના ભાવોને અને ગળાને ખુલ્લા મૂકતાં, એક પછી એક જૂનાં ગીતો ગાતા ડ્રાઇવરના ઘુમાવદાર ઝડપી અને જોખમી ડ્રાઇવિંગથી વચ્ચે વચ્ચે ઊંચકાતું મન ફરી ટપારતાં, ‘હોની હો સો હોય' કહી ધરપત રાખતાં જાગેશ્વર પહોંચ્યા. જાગેશ્વર નામ એવું હતું કે તેણે કોઈ છાપ નહોતી પાડી. તેના વિશે કશું સાંભળ્યું પણ ન હતું. પણ જાગેશ્વર પહોંચતાં જ દેવદારૂના વનની છાયામાં નાનકડી પાર્વતી નદીના કિનારે ખીણના ઢોળાવ પર કંડારેલાં શિલાખંડ જેવાં જાગેશ્વરનાં મંદિરો જોયાં ત્યારે એમ થયું કે અહીં ન આવ્યો હોત તો અલ્મોડા યાત્રા અધૂરી રહી હોત. સ્થાનિક લોકો માને છે કે, આ મંદિરમાં જેની પૂજા કરવામાં આવે છે તે જાગેશ્વર-યોગેશ્વર લિંગ દ્વાદશજ્યોતિર્લિંગમાંનું એક છે. કુમાઉ પ્રદેશનું આ એક પવિત્ર-તીર્થ. જાગેશ્વર મંદિરસમૂહમાં મૃત્યુંજય મંદિર સહુથી પ્રાચીન છે અને પછી કાળક્રમે બીજાં મંદિરોમાં સૂર્ય, નવગ્રહ અને નીલકંઠેશ્વરનાં મંદિરો બન્યાં. ઈ.સ. આઠમી-દસમી સદી દરમ્યાન મધ્યયુગમાં ચૈત્યશૈલીમાં તેનું નિર્માણ થયું છે. મંદિર શબ્દ સાંભળતાં જ જે ભીડ અને ગંદકીનો ભાવ જાગે છે તેનો અહીં સંપૂર્ણ અભાવ. મંદિરના એકએક ઘંટના સ્વચ્છ રણકાર સાંભળી શકો તેટલી શાંતિ. મંદિરના ગર્ભાગારમાં ઘીના દીવાનું અજવાળું છે – પીળું. નાચતા પડછાયાઓવાળું. મંદિરના ગૂઢમંડપમાં અંધારું હતું. એ અંધારામાં આપમેળે જ ફોકસમાં હતું, ઘીના દીવાના પ્રકાશમાં લાલપીળાં ફૂલો વચ્ચે ઢંકાયેલું લિંગ અને અંદર જ પૂજા માટે બેઠેલું એક કુમાઉની કુટુંબ. ઉપરથી ગળતી ધારથી શિવલિંગ ઘસાઈ ગયું હતું. રક્ષણ માટે તેના પર ચાંદીનો નકશીદાર મુકુટ ઓઢાડ્યો હતો. જ્યારે અર્ચનઅભિષેક કરવો હોય ત્યારે પૂજારી ચાંદીનો મુગટ ઊંચો કરે ને ફરી ઢાંકી દે, બહાર ‘ફોટોગ્રાફી સ્ટ્રીક્ટલી પ્રોહિબિટેડ’ લખ્યું હતું ને અંદર પૂજામાં બેઠેલ પરિવારમાંનો એક પુરુષ પૂજા કરતી તેમની સ્ત્રીઓ, ખોળામાં સૂતું બાળક, શિવલિંગના ફોટા પાડતો હતો. ભગવાનને સાધવાની વાત નહીં પૂજારીને સાધો. મંદિરના પ્રાંગણ પાછળ જ વહેતું પહાડી ઝરણું, જાણે મંદિરનું પ્રક્ષાલન કરતું હતું. આ આખાય પરિસરમાં ધ્યાન ખેંચતા હતા, પ્રાંગણમાં જ ઊગેલાં દેવદારૂનાં અભ્રગામી મહાકાય ઊંચાં ઊંચાં વૃક્ષો. વૃક્ષની ઊંચાઈ એટલે ૨૦૦ ફૂટ અને તેનો ઘેરાવો વીસ ફૂટનો. આટલું મોટું તોતિંગ વૃક્ષ પણ તેની મેસિવનેસ' તેની સ્થૂળતાનો અનુભવ ન થાય. અનુભવ થાય તેના લાલિત્યસભર શાખાવિન્યાસનો અને તેની મહત્તાનો. અને મહાદેવ શંકર સાથે તો આ દેવદારૂનો નિકટનો સંબંધ. તેમનું પ્રીતિપાત્ર વૃક્ષ. આચાર્ય હજારીપ્રસાદ દ્વિવેદીએ તેમના ‘દેવદારૂ' લલિતનિબંધમાં દેવદારૂનું મહિમાગાન આ રીતે કર્યું છે. આચાર્ય કહે છે, “વૃક્ષ શું છે. કોઈ કવિના ચિત્તનો મૂર્તિમાન છંદ છે – ધરતીના આકર્ષણને અભિભૂત કરી લહેરદાર વિતાનોની શૃંખલાને સંભાળતો, વિપુલ વ્યોમની તરફ એકાગ્રીભૂત મનોહર છંદ. કેવી શાન છે, ગુરુત્વાકર્ષણના જડવેગને અભિભૂત કરવાની કેવી સ્પર્ધા છે. પ્રાણના આવેગની કેવી ઉલ્લાસિત અભિવ્યક્તિ છે! દેવતાઓનું લાડકું વૃક્ષ નથી તો આ શું છે? કેમ મહાદેવે સમાધિ લગાવવા માટે ‘દેવદારૂ-દ્રુમવેદિકા’ જ પસંદ કરી? તેનામાં કશુંક તો હોવું જોઈએ.” આ દેવદારૂએ જ એટલું મન મોહી લીધું કે મંદિરસંકુલનાં બીજાં મંદિરો નિરાંતે જોયાં જ નહીં. ઊંચી ડોક કરી દેવદારૂ વૃક્ષરાજની નીચે તેમાંથી પ્રકાશનાં, સૂર્યનાં કિરણોની શલાકાઓ અને દેવદારૂના લલિત-હરિત વિન્યાસને જ જોતો રહ્યો. પ્રાચીન મંદિરો જોવા તો ઢાંકીસાહેબ કે નરોત્તમ પલાણની આંખ મારે જોઈએ, પણ આ દેવદારૂ-દ્રુમ મંદિર જોવા મારી આંખ જ પૂરતી હતી. સામે જ ઝરણાંની પેલે પાર કુબેરમંદિર હતું. તેના એકમુખલિંગનાં દર્શન કર્યાં તો વળી ફરી સામે એ દેવદારૂ નજરે પડ્યાં. આંખ ફરી ત્યાં સ્થિર થઈ. ફરી બંનેનાં દર્શન કર્યાં. રસ્તામાંથી અબરખના પડમાં ધાતુની કાંતિ સાચવી બેઠેલા ચળકતા કાળા, રાતા, રાખોડી, પીળા, બદામી પડવાળા, ધાત્ત્વિક અબરખિયા પથ્થરો વીણ્યા. જાગેશ્વરને, દેવદારૂને મનોમન પ્રણામ કરી જીપમાં ફરી યાત્રા આરંભી ‘બિન્સર'ના જંગલ તરફ. અયજીને બહુ ગમતું આ બિન્સર. બિન્સરના રસ્તે શૉર્ટકટ લેવા ગયા તો ફસાઈ ગયા. વાંકોચૂકો ધૂળિયો રસ્તો. ડ્રાઇવર ગાંડાની જેમ સ્ટીયરિંગને આમથી તેમ ઘુમાવી જીપ ચલાવતો જાય ને ધૂળના ગોટેગોટ ઉડાડતો જાય. ધૂળથી ભૂત જેવા દિદાર થઈ ગયા. રસ્તા પર ઠેકઠેકાણે રસ્તો પાકો બનાવવા માટે કામ ચાલે, નુકીલા અણિયાળા પથ્થરો પાથરેલા. તેના પર અમારી જીપ સખળડખળ ઢખળખખળ ચાલે. કામ કરતા મજૂરો તો જોઈ જ રહે કે આ રસ્તે તે વળી કોણ આવ્યું! ફરી ધૂળિયો રસ્તો, ફરી પથ્થરો પર ઢખળખખળ. માંડ માંડ ‘બિન્સર’ રિઝર્વ ફોરેસ્ટ પહોંચ્યા. રસ્તામાં એક ખીણમાં ખીણભરી પડઘાઓ પણ પાડ્યા. અહીં આવ્યા અને યાત્રાના કષ્ટનું વળતર મળી ગયું. પાઈનનાં વૃક્ષો હવે નીચે રહી જતાં હતાં અને મોટાં મોટાં લાલચટ્ટક ગુચ્છાઓવાળા ર્હોડોડેન્ડ્રોન'નાં વૃક્ષોનું જંગલ શરૂ થતું હતું. ચારે તરફ બીજાં અનામી લીલાં વૃક્ષોની ઘન નિબિડ વનરાજી અને તેમાં ઠેકઠેકાણે લાલ-જ્યોતથી સળગતા હોડોડેન્ડ્રોન. માઈલો દૂર ઉપત્યકામાં દેખાતાં સોપાન ખેતરો, ઝાંખું ધુમ્મસ, બપૈયા અને પહાડી પક્ષીઓના અનેક અવાજો, સાંદ્ર વાનસ્પતિક ગંધ અને વૃક્ષવેલીઓની અવનવી સૃષ્ટિ. થોડો જ સમય ત્યાં રહ્યા પણ મેં મારી સમગ્ર ઇન્દ્રિયોથી ‘સારભૂત’ બિન્સરનું વન મારી અંદર ઉતારી લીધું છે. મન પડે ત્યારે ત્યાં ખોવાઈ જવા જઈ આવું છું.