હિમાંશી શેલતની વાર્તાઓ/સુવર્ણફળ
તો વાત આમ હતી! ખુરશીના હાથાને સજ્જડ પકડી એ દિગ્મૂઢ, અવાક્ બેસી રહી. આવું કશું એના જીવનમાં બની શકે એ સ્વીકારવાની એની બિલકુલ તૈયારી નહોતી. આ તો માની ન શકાય એવી, સ્વપ્નમાંયે ન આવે એવી વાત કહેવાય. એને પણ ખબર ન પડી હોત, જો તે દિવસે વત્સલા સમય ન ચૂકી હોત તો. આ ચંદ્રવદન જાગીરદાર એની રાહ જોઈને થાક્યા અને એમનાથી રહેવાયું નહીં એટલે ધસમસતા અહીં આવી પહોંચ્યા. પચાસની નજીક કોઈ પણ ઉંમર હોઈ શકે, પણ પહેલી જ વાર, એકદમ તાજા જ પ્રેમમાં પડ્યા હોય એવા હરખઘેલા, ઉત્સાહી, વ્યાકુળ! ‘વત્સલા નાણાવટી અહીં જ ને? તમે સુમિત્રાબહેન, બરાબર? વત્સલાએ સાત વાગ્યે ક્વૉલિટી પર આવવા કહેલું. આવી નહીં એટલે થયું કે તબિયત તો નહીં બગડી હોય ને! જરા ચિંતા થઈ એટલે...’ આવા અસાધારણ સંજોગોમાં જેટલી સ્વાભાવિકતાથી વર્તી શકાય એવું તે વર્તી, પણ એવું લાગતું હતું જાણે કોઈ વાર્તામાં બનતું હોય. ને તે પણ સાદી નહીં, કોઈ રંગીન-રોમૅન્ટિક વાર્તા.. ‘તમને વત્સલાએ વાત જ નથી કરી? કમાલ છે. ડિવોર્સ માટેની વિધિ પતી ગઈ છે. મારા બે દીકરા છે, પંચગની ભણે છે. એમને વાત કરવાની છે. સગપણમાં નજીકનું ખાસ કોઈ નથી. આવતે મહિને એકદમ સાદાઈથી ગોઠવવા વિચાર છે, આર્યસમાજ હૉલમાં.. થોડા અંગત મિત્રો ને તમે બધાં... વત્સલાનાં વેરવિખેર ચિત્ર એ મનમાં ગોઠવી રહી. વાળ કાળા કરવા માટે કોઈ પ્રયોગ કરતી વત્સલા, રાત્રે સૂતી વખતે આંખ નીચેની કાળાશ દૂર કરવા ક્રીમને કાળજીપૂર્વક ઘસ્યા કરતી વત્સલા, ચશ્માંની ફ્રેમ પસંદ કરવામાં ખૂબ વખત બગાડતી વત્સલા, ગળ્યું અને તળેલું છોડી વજન ઓછું કરવા મથતી વત્સલા, ખૂબ વ્યવસ્થિત સાડી પહેરી બહાર નીકળતી વત્સલા... ‘તેંતાળીસ વર્ષે આ શી પંચાત, વસુ? તને તો આવી વાતમાં રસ ક્યારેય નહોતો. એકાએક આવું કેમ?’ ‘ખાસ કંઈ નહીં. મોનોટોની ઓછી થાય એટલા માટે આ બધું... જરા જુદું લાગે...’ નાનાં હતાં ત્યારે ઘરઘરની રમતમાં પૂઠાંનું ઘર હોય અને દીવાસળીના બૉક્સના સોફા, એ પર કપડાંનાં ચીંથરાંની ઢીંગલીઓ બેસે, અને એમને અંદર બેસાડી પૂઠાંનું બારણું બંધ કરવાનું. આવું કરવાથી એને સલામતીની કોઈ અસ્પષ્ટ લાગણી થતી. ઘરની હૂંફમાં ઢીંગલીઓ કાયમ ખાઈ-પીને મોજ કરશે એવો એનો વિશ્વાસ હતો. આ ફ્લૅટ લીધો ત્યારેય એમ જ હતું કે બેય જણ જોડે છીએ એટલે વાંધો નથી. એકમેકની સામે બેઠાં આંખો નીચે વિસ્તરતી કાળાશ જોવા કરીશું. સેંથી પાસે કેટલા વાળ ધોળા થયા તેની નોંધ લેતાં જઈશું. નોકરી પૂરી થશે અને નિવૃત્તિ આવશે ત્યારે સાથે ધરમધ્યાનમાં લાગી જઈશું ને નિરાંતે જિંદગી પૂરી થશે. આમેય જે કોઈ ઘેર વહેલું આવે તે બીજાની રાહ જુએ. ચા તો સાથે જ પીવાની. પછી રોજ એકનો એક સંવાદ સાંભળવા મળે. ‘શું બનાવવું છે આજે?’ ‘આજે તો કંઈ ખાસ ઇચ્છા નથી થતી.’ ‘સવારનું વધ્યું છે કંઈ?’ ‘રોટલી છે થોડી...’ ‘આપણે કેટલું જોઈએ? ચાલી રહેશે. અથાણું તો છે જ, પછી કૉફી પી લઈશું મોડેથી....’ પેટમાં થોડુંઘણું નાખી બંને ટીવી સામે બેસી છાપું વાંચ્યા કરે. ખાસ બોલવાનું હોય નહીં. આંખો જરાતરા ઘેરાય એટલે પલંગ પર.. છેલ્લાં દસ વર્ષથી આમ ચાલ્યું આવ્યું હતું અને આ પરિચિત ક્રમ એમના શ્વાસમાં ઓગળી ગયો હતો. વત્સલાને વળી આ શું સૂઝ્યું! ‘આટલી ઉંમરે શી રીતે ફાવશે તને કોઈને ઘેર? છોકરાં મોટાં, મોટું ઘર, બધું ગોઠવાય એવું લાગે છે તને?’ ‘કોઈનું ઘર કેવી રીતે? હવે મારું જ ને વળી! મને તો કંઈ પારકું નથી લાગતું અને છોકરાઓ કંઈ નાના થોડા છે? બધું સમજે એવા તો છે. કાલે સવારે એય પરણશે, પછી ચંદ્રવદન તો એકલા જ પડવાના ને?’ એટલે ચંદ્રવદન એકલા પડે તેની ફિકર છે, પણ અહીં એની આવડી મોટી બહેન એકલી પડવાની તેનું... ‘આ કેવું લાગે છે, સુમિત્રા?’ મોટી મોટી બુટ્ટીઓ કાને વળગાડી વત્સલા પૂછે છે. ઘરડી ઘોડી ને લાલ લગામ જેવું, એમ કહેવાનું મન થઈ આવે પણ નથી કહેવાતું. શાણા થઈને એટલું જ કહેવાય છે કે અમુક ઉંમરે આવું બહુ તો ન જ શોભે. ‘તેસ્તો, મેં કહ્યું ચંદ્રવદનને, તો કહે કે ઉંમર તો મનનું કારણ છે. પહેરવા-ઓઢવામાં એવો વિચાર જ નહીં કરવાનો. જ્યારે જે ગમે તે પહેરવાનું.’ આજે બેડરૂમ માટે પડદાનું કાપડ લેવું છે, તો કાલે ચાદર, આજે ડિનરસેટ, તો કાલે સાડી. નવું ફર્નિચર કરાવવું છે અને તે પાછું બેડરૂમનું! આટલાં વર્ષ બધું ભોગવીને પરવારેલા સાથે જીવવાનું અને તેમાં આટલી ધમાધમ અને ઊછળકૂદ! બૅન્કમાં બધાં પૂછે કે તમારી બહેન કંઈ લગ્ન કરવાની છે એવું સાંભળ્યું છે, સાચી વાત કે? તો પેલો દોઢડાહ્યો દેસાઈ કહે કે એ ચંદ્રવદન તો પહોંચેલા છે, જરા સાચવીને આગળ વધવાનું કહેજો તમારી બહેનને... ‘જો સુમિત્રા, જે કરું છું તે પૂરો વિચાર કરીને જ કરું છું. બહારના માણસોનું સાંભળીને આવે છે તો મને કેમ પૂછતી નથી? આવો ભલો ભગવાન જેવો માણસ જડશે નહીં બીજો. તું માનશે નહીં પણ મને એક વાર કહે કે તારી બહેનને એકલવાયું લાગે તો એનેય આપણે ત્યાં રહેવા કહેજે. ફ્લૅટ ભલે પડ્યો, આપણું ઘર બહુ મોટું છે, અને તનેય સારું રહેશે...’ ઉત્સાહના વંટોળિયામાં ઘૂમરી ખાતી વત્સલા હવે ઝાલી ઝલાય તેમ નથી. ડહાપણની બધી વાતો આ તોફાનમાં ઊડી જવાની. એનાં તેંતાળીસ વર્ષ એ વંટોળમાં પાકાં પાન થઈ ક્યાંય દૂર ફંગોળાઈ ગયાં છે. પેલી કરમાયેલી, નિસ્તેજ, ભારેખમ ચહેરાવાળી વત્સલાની જગ્યાએ પ્રસન્નતામાં નખશિખ ઝબકોળાયેલી એક નમણી કન્યા પાનેતર ઓઢી ઊભી છે. ‘કોણ?’ સુમિત્રા ઝબકીને આંખેથી ચશ્માં કાઢી, થાકેલી આંખો ચોળી પૂછે છે. ‘અરે, હું જ છું! આમ ચમકે છે શાની?’ ‘તારાં ચશ્માં ક્યાં?’ ‘લે, એટલાથી હું ઓળખાઉં નહીં એટલી બદલાઈ ગઈ! કૉન્ટેક્ટ લૅન્સ અપાવ્યા છે એમણે... કહે કે વધારે નંબર હોય તો આવું સારું પડે, મારો તો જીવ ન ચાલે, પણ એટલો આગ્રહ કર્યો કે...’ ‘ઓહો... નવ વાગી ગયા ને! ચાલ જમી લઈએ.... ’ ‘ના, આજે બહાર જ પતાવી લીધું જમવાનું. મોડું થયેલું એટલે એ કહે કે જમીને જ જઈએ...’ શરૂઆત થઈ ગઈ હતી. હવે વત્સલા આમ જ કરવાની. આ ફ્લૅટમાં પછી માત્ર પોતે જ રહેશે, એકલી. હજી થોડા મહિના પહેલાં તો રજાઓ લઈ બહાર ફરવા જવાનું વિચારેલું. સિમલા-નૈનીતાલ કે એવી કોઈ સરસ જગ્યા. આરામથી રહેવું, ફરવું, તબિયત બનાવવી, વત્સલા જશે તો ખરી ફરવા, પણ તે ચંદ્રવદન જાગીરદાર જોડે, ફરીકરીને ખુશખુશાલ વત્સલા જાગીરદાર એને મળવા આવશે, અચાનક જ. ‘કેમ, સુમિ... મજામાં? પરમ દિવસે જ આવ્યાં. કાલે થાક બહુ લાગેલો એટલે નીકળાયું નહીં.’ ‘કેવી રહી મુસાફરી?’ એ પૂછશે, ખાલી પૂછવા ખાતર જ, કારણ વત્સલાનો આનંદ એના ચહેરા પર જ હશે. સૂકી ભઠ, બળબળતી ધરતી પર મન મૂકીને વરસેલા વરસાદની ભીની સુગંધ એની વાર્તામાંથી વહી આવશે. પોતાની પાસે તો વાતોનો કોઈ ખજાનો નહીં હોય. એની વાતોમાં વત્સલાને ઝાઝો રસ પણ નહીં પડે. ‘થોડા દિવસ પછી પંચગની જવું છે, પ્રણવ-કાર્તિકને મળવા. હવે એમને એકલું ન લાગવું જોઈએ. હું અવારનવાર જતી રહું તો જ એ બેય ઘેર આવવા ખેંચાય...’ આવી બધી વાતો કરીને વત્સલા તો જતી રહેશે. કંઈ લાવી હશે એને માટે, તે હોંશભેર આપશે, પણ પછી શું? રાતે સૂતાં-સૂતાં એ વત્સલાનો ખાલી પલંગ જોયા કરશે. વર્ષોથી સવારની ચા વત્સલા જ બનાવે છે, જાણે એક અફર નિયમ. હવે એણે જ ઊઠીને પોતાને માટે ચા બનાવવી પડશે, એકલાં બેસીને પીવી પડશે. રાતની ઊંઘ ઘસઘસાટ નહીં હોય તો સુસ્તી લાગશે, માથું વજનદાર લાગશે છતાં પોતાને માટે કંઈક રાંધવું પડશે, ખાવું પડશે. સવાર-સાંજ થયાં કરશે, વર્ષો જશે એવી રીતે. એક દિવસ એવો હશે જ્યારે આવ્યા પછી બીજે દિવસે નોકરી કરવા જવાનું નહીં હોય. ધ્રૂજતે હાથે, ધીમે ધીમે, એ ઘરનું કામ કરતી રહેશે. માંદી પડશે તો બળતી આંખે એ વત્સલાની રાહ જોયા કરશે. ક્યારેક અજાણી વ્યક્તિની જેમ, સાવ મહેમાન જેવી એ વત્સલાને ઘેર જશે. વત્સલા એના સંસારમાં બરાબર ગોઠવાઈ ગઈ હશે, એને કદાચ નિરાંતે વાત કરવાની ફુરસદ નહીં હોય એટલે – ‘તારે બોલાવવાં છે કોઈને? એમણે ખાસ કહ્યું છે કે બહેનના સર્કલમાં કોઈ બોલાવવા જેવું હોય તો રહી ન જવું જોઈએ...’ ‘ના રે, મારે વળી કોને કહેવાનું હોય?’ થોડી વાર ચુપકીદીનું વજન. ‘તું સાચવીને રહેજે, રજાને દિવસે બપોરે જાણ્યા-કર્યા વગર બારણું ખોલીશ નહીં. તારી ટેવ ખરાબ છે, ને રાતે તો ખોલીશ જ નહીં. હવે આ શહેર પહેલાં જેવું રહ્યું નથી. જોકે સુધાબહેનને કહ્યું તો છે કે જરા જોતાં રહે...ને આમ તો હુંયે આવતી-જતી રહીશ ને! મારે ક્યાં બહારગામ જવાનું છે?’ શરીર જૂઠું પડી ગયું છે. એટલે જ વત્સલા કહે છે તે અડકતું નથી. તો વત્સલા જાય છે, એમ? આ વાત નક્કર છે, હાથથી અડી શકાય, ચારે બાજુ ફેરવીને જોઈ શકાય, એટલી નક્કર, એ સમજવામાં વાર લાગે છે. તેંતાળીસ વર્ષની વત્સલા પાનેતર અને મંગળસૂત્ર પહેરવાની છે. એને ચંદ્રવદન જાગીરદાર નામનો શ્રીમંત માણસ મળી ગયો છે, જે એનાં સુખદુઃખને પોતાનાં કરીને જીવવાનો છે. વત્સલા કોઈ કલ્પવૃક્ષ નીચે ઊભી રહી છે, અને એના પાલવમાં ટપ ટપ સુવર્ણફળ પડતાં જાય છે. પાલવ છલકાઈ ગયો છે, ફસકાઈ પડવાની તૈયારીમાં છે, પણ ફળ તો ખરતાં જ જાય છે, નીચે વેરાય છે... ‘ચાલ, સુમિ, હું નીકળું હવે. હજી તો ફરસાણનો ઑર્ડર આપવાનો છે. જોકે જમવામાં તો કુલ મળીને વીસ કે પચીસ માણસોથી વધારે નહીં હોય, પણ ઘેર એ બધી ધમાલ ક્યાં કરવી?’ બૅગમાં છેલ્લી સાડી ગોઠવીને વત્સલા બૅગ બંધ કરે છે. ‘આપણે હૉલ પર આઠેક વાગ્યે પહોંચીશું. તૈયાર ત્યાં જ થઈશું. જોકે તૈયાર તો શું થવાનું હોય, છતાંયે... મારા કરતાં એમનો ઉત્સાહ વધારે છે...’ બોલતાં બોલતાં વત્સલા હસી પડે છે. એના સુખની સુવર્ણરજ આસપાસ વેરાઈ જાય છે. એટલે પરમદિવસે વત્સલા અહીં નહીં હોય. ફ્લૅટને બારણે બે નામ છે : કુ. વત્સલા નાણાવટી અને કુ. સુમિત્રા નાણાવટી. એક નામ હવે બિનજરૂરી બની જશે. આવું વત્સલા સાથે જ કેમ થયું? એની બાબતમાં પણ કદાચ આવું બની શક્યું હોત... કદાચ એ પોતે જ ચંદ્રવદનને પહેલી મળી હોત તો... તો? ઊંચા પહાડની ટોચ પરથી એનો પગ સરકી ગયો હતો, કે પછી ટોચ પગ નીચેથી સરકી ગઈ હતી? જે હોય તે, પણ એ નીચે, નીચે, ઊંડે, છેક ઊંડી ખીણમાં ફંગોળાઈ ગઈ હતી. ભયથી આંખો મીંચાયેલી હતી. ચોમેર કાળકાળા પહાડ, બિહામણા કાળા ઓળાઓ જેવા, એ સાવ એકલી, બૂમ કોને પાડે? ત્યાં કોઈકે એને અધ્ધર ઝીલી લીધી, હાથ, ટેકો, કંઈ દેખાય નહીં, પણ અવકાશમાં એ ઝૂલી રહી. ભય ઓછો થયો એટલે આંખો પણ આપોઆપ ખૂલી ગઈ, હળવાશ લાગતી હતી, એકદમ હળવાશ... કોને ખબર આટલી ઉંમરે વત્સલાને કોઈની જોડે ગોઠવાઈ જવાનું ફાવે કે ન ફાવે! નહીં જ ફાવે, એ ઓળખે છે વત્સલાને. જક્કી છે અને કચકચ પણ વધારે... નવું નવું છે એટલે ચંદ્રવદન શું જાણે? પણ આપણને તો ખબર હોય ને આટલાં વર્ષો જોડે કાઢ્યાં છે એટલે! ને એમ કંઈ મોટી ઉંમરે નવા વાતાવરણમાં ગોઠે કે? ને પાછા છોકરા કેટલા મોટા છે, કહો તો એમાં જ કંઈ તકલીફ થશે... એ ઊભી થઈ ગઈ. પર્સ હાથમાં લઈ, કાંસકો વાળ પર ફેરવી, પાઉડર થપથપાવી, ફ્લૅટનું બારણું બંધ કર્યું. થોડી ખરીદી કરવી જોઈએ, વત્સલાનાં લગ્ન છે ને! બારણે વળગેલાં બેય નામ પર મમતાથી નજર ફેરવી. છો રહ્યું કુ. વત્સલા નાણાવટીનું નામ ત્યાં... કોને ખબર થોડા દિવસ પછી કદાચ... આ સામે નયનાબહેન એમના ભાઈને ત્યાં રહેવા આવ્યાં જ છે ને! અને એમ તો ચંદ્રવદન જાગીરદારે પણ પહેલી બાઈથી ડિવોર્સ ક્યાં નથી લીધા? આ તો એવું, ફાવે તો ફાવે ને ન ફાવે તો બિલકુલ ન ફાવે. વત્સલા કંઈ એમ સહેલાઈથી ગોઠવાય એવી નથી.... એવું હોત તો તેંતાળીસ વર્ષ કોઈ બેસી ઓછું રહે? ને ન ફાવે તો શા સારુ કોઈની ગુલામી કરવી? આપણે ઘેર રહીએ નહીં આરામથી, આ ઘર તો છે જ ને! જઈશ નહીં પાછી એને ત્યાં, એનો પૈસો ને સગવડ એની પાસે, આપણને શું દુઃખ છે? હું તો એટલે જ પહેલેથી ના કહેતી હતી કે માણસને પૂરા ઓળખ્યા વગર... ને માણસ કંઈ ચીભડું છે કે ચાખી જોવાય? રહીશું બેય બેનો સાથે... એ મનોમન વત્સલાને કહેતી રહી. પેલા કલ્પવૃક્ષનું એક સાવ નાનું સુવર્ણફળ અણધાર્યું જ એના હાથમાં આવી પડ્યું હતું!