હિમાંશી શેલતની વાર્તાઓ/સ્ત્રીઓ

Revision as of 05:29, 5 March 2022 by Atulraval (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સ્ત્રીઓ

ખચકાતી, સંકોચાતી નજર મોટા સભાખંડને ખૂણેખાંચરે ફરી વળી, પછી ઉપર ચડતી દીવાલ સુધી પહોંચી. મંચ પાછળની દીવાલને બાદ કરતાં બાકીની ત્રણેય દીવાલો સૂત્રો અને પોસ્ટર્સથી છવાયેલી હતી. જમનીને કેટલું વાંચતાં-લખતાં આવડતું હતું તેનો ઉપયોગ આ બધાં લખાણો સમજવામાં થાય એમ નહોતો. એને એવો રસ પણ નહોતો. જોકે ચિત્રો જોવાનું ગમ્યું. સાઇકલ પર બેસીને ભણવા જતી છોકરીઓ, દારૂની બાટલીમાં બંધ થઈ ગયેલો આદમી, છોડવાં ઉછેરતી ગામડાની બાઈઓ, મંચ પર બે-ચાર યુવતીઓ ફાઇલ અને કાગળિયાં જોડે ગડમથલમાં દેખાઈ. સાવ આગળ ચારેક પ્રૌઢાઓ ઊંડી ચર્ચામાં પડેલી હોય એમ લાગ્યું. કોઈએ જમનીને જોઈ નહોતી એટલું તો ચોક્કસ. અને એમાં એમનો વાંક પણ નહોતો. કંતાઈ ગયેલું ઝાંખુંઝપ શરીર, નર્યા ઓળા જેવું. દેખાય તોયે ન દેખાય એવું. જમનીને એકદમ ફોતરા જેવી દ્વિધા હતી. જેમ કે ચંપલ કાઢવાં જોઈએ કે પહેરી રાખવાનાં, આગળ જઈ પોતે આવી ગયાની જાહેરાત કરવાની કે બારણા પાસે જ ઊભાં રહેવાનું. ત્યાં તો મંચ પરની એક ચકોર છોકરીએ આમતેમ ડાફોરિયાં મારતી જમનીને પકડી પાડી.

પેલાં ખડકમાળવાળાં જમનીબેન આવ્યાં લાગે છે!
કોણ જમનીબેન?
ભાવનાબેનનો કેસ. એમને પૂછો.

ભાવનાબેનની બૂમો પડી. એ ક્યાંકથી આવી ચડ્યાં અને જમનીનો હાથ સાહી આગળ લઈ આવ્યાં. ખુરશીમાં બેસવાની બિલકુલ આદત નહીં એટલે જમની જાતને સતત ગોઠવતી રહી. જરા વારે ફરી ચોપાસ જોવાનું એણે ચાલુ કર્યું. પેલી હજી આવી નહોતી. સાદડા બસસ્ટેન્ડ પર પણ નહોતી. એ નથી જ આવવાની. એના છોકરા સામે ફરિયાદ અને હવે પકડાયેલો છોકરો જેલમાં, એ કંઈ આવી સભાફભામાં આવે કે? હાથમાં પકડેલી થેલીને વાળતી-ખોલતી અને ફરી વાળતી જમની અહીં આવ્યાના વસવસામાં હતી ત્યાં જ –

તમે બેન શી રીતે આવ્યાં ખડકમાળથી?

ઝબકીને, થોથવાતી જીભે ઉત્તર આપ્યો.

ખડકમાળથી સાદડા છકડામાં, સાદડાથી આટલે લગણ બસમાં.

ખંડના મોટા દરવાજામાંથી સ્ત્રીઓનો પ્રવાહ એકધારો ઠલવાઈ રહ્યો હતો. થોડી ઝૂમખામાં, થોડી જોડીમાં, થોડી એકાકી, કાને શબ્દો તો પડતા હતા, પરંતુ એનો કોઈ અર્થ જમની પકડી શકતી નહોતી.

પાંચ વર્ષની રિન્કુ કોથળામાં.
યસ, રેઇપ ઍન્ડ મર્ડર.
ને પેલી કમ્પાર્ટમેન્ટમાં મળી તે.
પચાસની એ તો.
કમિશનરે ચિંતનસભા કરી.
ધૂળ ને પથરા...
માય ફૂટ...
લિવિંગ ઇન એ ડર્ટી ઍન્ડ અનહેલ્થી સોસાયટી.
જુઓ, અહીં તમારી દીકરીના બધા સમાચાર તારીખ પ્રમાણે ગોઠવ્યા છે.

આંગળીની દિશામાં જમની ગઈ. મોટા પાટિયા પર છાપાંની કતરણો, ફોટો, અધિકારીઓ સામે રજૂઆત કરતી, રેલીઓ કાઢી સૂત્રોચ્ચાર કરતી સ્ત્રીઓના. બધું એકદમ વ્યવસ્થિત જમની છંડવાળ એટલે માથે છાણાં, રંડવાળ હોત તો બાપડી-બચારી કરનારાં નીકળી આવત. જેમ પેલીને માટે બધા દોડી આવ્યા છે તેમ. એના હલકટ છોકરાનું કોઈ નામ નથી લેતું, જાણે એ મવાલી દેવનો દીધેલ! દીકરીના હાલહવાલ જોતી જમનીના નાકમાં સાવ અચાનક એ અણગમતી ગંધ પેસી ગઈ. નક્કી પેલી રાંડ આવી. એનામાંથી જ આવી વાસ આવે. તે દિવસે પોલીસચોકીમાં બિલકુલ આવી જ વાસ હતી. છાણ, હગાર, લીંડી, મૂતર. બધું એકઠું, ઓકારી આવે.

લો! આ પાલીબેન પણ આવી ગયાં. હવે નિરાંત.
કમિશનરસાહેબને ફોન કર્યો? પેલાં મહિલાવિકાસવાળાં આવી ગયાં? ચલો ચલો, શરૂ કરી દઈએ.

પાલીને આગલી હરોળમાં બેસાડી જમનીને પણ ત્યાં જ લઈ ગયા. વચ્ચે બે-ત્રણ જણ બેઠેલા એટલી રાહત. એક યુવતી માઇક સામે ઊભી.

અડધો કલાકથી ઉપર. જમની સભાખંડમાંથી ક્યારનીયે ચીકુવાડી પહોંચી ગઈ હતી. ઝાડવાં-ઝાંખરાં વચ્ચે સાવ ઉઘાડી પડેલી નાનકડી રેવુ અને એના સાંઠીકડા જેવા પગ વચ્ચે દદડતો લાલ રેલો. ઓ માડી રે! આ છોકરીને મારીને કયો જમડો...? હોહા, ચીસાચીસ, ભાગદોડ, ઢીંકમુક્કાનો માર ખાતો ભોંય રગદોળાતો, ગંધાતો, પાલીનો કપાતર.

જમનીબેન હવે એમની વાત કહેશે. જમનીબેન, આવો. બિલકુલ સંકોચાતાં નહીં. અહીં સહુ ઉપરી અધિકારીઓ હાજર છે. તમારો અનુભવ સાફ સાફ કહો.

ચંપલમાં પગ બરાબર ખોસીને સફાળી ઊભી થયેલી જમની આંખને આંજી દેતા ઝબકારામાં સામે દેખાતા ચહેરાઓ જોવા મથતી હતી. એકેએક સાફસૂથરા જાજરમાન, સજેલા. શું બોલવાનું હતું, અને શી બાબતે ન્યાય માગવાનો હતો એની સૂધબૂધ ખોઈ બેઠેલી એ મૂંગીબહેરી બની ગઈ. ભાવનાબેન પાસે આવ્યાં, ખભો દાબ્યો, પણ હિંમતનો સંચાર અસંભવ. એકાદ અડધુંપડધું અને ન સમજાય એવું વાક્ય બોલીને જમની ખુરશી પર બેસી ગઈ. ભાવનાબેને કપાળે આંગળીઓ પછાડી. પછી પાલીનો વારો. છોકરાની દારૂની લત વિશે કહેવા બેઠી. મૂળ ઘટનાનો કોઈ ઉલ્લેખ જ નહીં. અંતે એ ડૂમે ચડી ગઈ. છોકરાને પોલીસે મારીને અધમૂઓ કર્યો એની ફરિયાદ કરી.

વૉટ ડઝ શી મીન?

પરપ્રાંતીય અધિકારીને સમજાવવામાં ભાવનાબેન ઊંડાં ઊતરી પડ્યાં. જમની બધું પતે એની ઉતાવળમાં ખુરશી પર સળવળતી હતી. ઠેઠ ખડકમાળ પહોંચવાનું. ખુરશીઓ ખસવાનો અવાજ કાને પડ્યો કે તરત જમની લગભગ ઊડતી ઊડતી દાદર તરફ પહોંચી. પાછળ એના નામની બૂમો પડતી રહી. છેવટે કોઈએ એને આંતરી.

આવવા-જવાનું ભાડું લેવાનું છે, તમારે બંને જણે.

સો, કડકડતા અને નવા નક્કોર-હાથમાં પકડાવી દીધા.

આટલું બધું ભાડું નથી થતું.
નહીં થતું હોય પણ તમારે રાખો લેવાના છે. તમારે ફરી વાર પણ આવવું પડે એમ બને. બીજી મિટિંગ કરવી પડશે.

જમનીએ મુઠ્ઠી વાળી દીધી. ત્રાંસી આંખે જોયું તો પાલી પાછળ રહી ગયેલી દેખાઈ. કદાચ જાણીને જ.

તમને વાહન મળશેને? મોડું થાય એવું હોય તો કાલે સવારે નીકળજો. અહીં વ્યવસ્થા થઈ જશે.
નંઈ રે! જવાશે. સાદડા લગણ બસ મળવાની. પછી છકડા તો ખડકમાળ જતા-આવતા હોય, મોડે લગી.

ખદબદતા રસ્તા પર જમની અને પાલી છેટાં છેટાં ચાલ્યાં. ભૂલથીયે પાસે આવી ન જવાય એની તકેદારી રાખીને. બસસ્ટેન્ડની ભીડ અને બણબણતી માખીઓ. ટોળેટોળાં કાબરો ભોંયે પડેલું કચરપચર વીણતી હતી. એકની ચાંચે વળી જીવડું ચડ્યું. દાબીને પકડ્યું અને પછી જમીન પર રગડ્યું. જમનીએ આંખ ફેરવી લીધી. અવળું જોતાંની સાથે પાલીનો ભૂરો સાડલો દેખાયો. જમની ચાર ડગલાં પાછળ હટી અને થાંભલાની આડશ ખોળી કાઢી. બસ ચક્કર મારીને પાછી આવતી હતી અને કંડક્ટર વ્હીસલ વગાડતો બસનું પતરું ઠોકતો હતો. આંચકા સાથે બસ ઠરી. ધાડું તળે-ઉપર થતું, મરણિયું અને રઘવાટિયું ધસ્યું. જમની હડસેલા ખાતી આગળ વધી ત્યારે પાલી વેગળી જ રહી, કશી ઉતાવળ ન હોય એમ. ઠેઠ પાછલી સીટ પર જમનીને માંડ જગ્યા મળી. બારીમાંથી ભૂરો સાડલો આંખે પકડી પાડ્યો. રેવુ જેવડી પાતળી નાનકડી બસમાં ચડવાનું કરતી હતી એને પાલીએ લગભગ તેડીને ચડાવી દીધી. આગળ તો ઊભાંયે ન રહેવાય એટલી ભચડકચડ, પાલી પણ પાછલી તરફ જ ગઈ. જમનીની આગળ જરીક અમથી જગ્યામાં બેસવા જેવું કર્યું.

બંને સાદડા જાઓ છો તે સમજી લેજો અંદરઅંદર. મારે એટલું પરચૂરણ બચે. આમેય એટલા છુટ્ટા નથી મારી કને.

કંડક્ટરે જમનીને બે ટિકિટ આપી, અને કટાણે મોંએ જમનીએ એક પાલી સામે ધરી. પાલીની પડખે બેઠેલાં માજીને ઓછું સંભળાતું હોય એમ પાલી એમને કહેતી હતી કે છોકરો વેર વાળવા બેઠો છે. બહુ કનડે છે. હરાયા ઢોર જેવો. જમની તતડી ઊઠી. છોકરો કેવું કામ કરીને જેલમાં પુરાયો છે તે વાત બોલની, જો તાકાત હોય તો! તે દહાડે લખુભઈ ચીકુવાડીમાં ન ગયા હોત તો છોકરી તો બાપડી મરી જાત કે બીજું કંઈ? આવા લોંઠકા પેદા જ શું કરવા થતા હશે! સાંઢિયો, હરામી, નખ્ખોદિયો... ધમધમતી બસ હાઇવે પર આવી. આખા દિવસના તપેલા તવા પર આળોટેલી હવા, ઊની લ્હાય, બારીમાંથી બેરોકટોક અંદર ધસી આવી. ૫રસેવે નીતરતા મોં પર પાલવ દાબતી જમનીને દેખાઈ ગયું કે પાલી પણ એવું જ કરતી હતી. પછી તો બંનેની આંખ બંધ થઈ ગઈ, પાંપણો પર ભવોભવનો થાક તોળાઈ રહ્યો.

અચાનક લાગ્યું કે હવા બંધ થઈ ગઈ છે. ગભરામણમાં આંખ ખૂલી ગઈ. બસ અટકી હતી અને આગળપાછળ વાહનોની લાંબી કતાર. શું થયું? શું થયું? સવાલો ટપોટપ બસમાંથી કૂદી આગળ દોડ્યા. જવાબમાં અકસ્માત. બધું ખસેડી રહ્યા છે. હજી અડધોપોણો કલાક થવાનો.

ભઈ... કેટલા વાગ્યા?

જમનીને ખડકમાળના એના ઘર ભણી જતું નેળિયું હવે યાદ આવી ગયું. ઉજાસ હોય તો હરકત નહીં, આટલા અંધારે ત્યાંથી નીકળાય ખરું? સાદડાથી છકડો તો મળે, અને ખડકમાળ જવાય પણ ખરું, તોયે ઘર લગી પુગાય? નેળિયામાંથી... જનુ હતો ત્યારે નેળિયાની આરપાર બીક વગર નીકળી જવાતું. પીધેલો હોય તોયે જનુની હાજરી પૂરતી. એ પછી અંધારામાં નેળિયું પસાર કરવાનો વખત આવેલો નહીં.

ખડકમાળ... કોણ છે ખડકમાળવાળું?

છકડામાંથી માત્ર જમની અને પાલી હેઠાં આવ્યાં. પાલીનો કૂબો તો જાણે ઓ દેખાય. જમની રસ્તાની કોરે જઈ વિમાસણમાં ખોડાઈ ગઈ. પાલીએ ડાબી તરફ ડગલું ભર્યું અને પછી એ અટકી. ધાક જમાવતો નફ્ફટ અંધકાર બંનેને કચડી રહ્યો હતો.

અત્તારે નેળિયામાંથી ના જવાય. અહીં આમ ક્યાં લગણ ઊભી રહીશ? મારે ઘેર ચાલ.

જમનીને પોતાના કાન પારકા લાગ્યા. ખરેખર સાંભળ્યું કે અમથું અમથું લાગ્યું એવું? ના રે... પાલી શેની બોલે આવું કશું! મનનો વહેમ. આવા વહેમ પર પણ એને દાઝ ચડી આવી.

જો રાત ઝાઝી થાય એ પે’લાં કૂબા ભેળાં થઈએ. ચાલ, મળસ્કે નીકળી જજે તું તારે. અત્તારે તો મારી ભેળી ચાલ. નથી જવું નેળિયા ભણી...

જમની જમીન પર સજ્જડ ચોંટી ગઈ. શું કરવું એની ગમ પડતી નહોતી. પાલી ઝડપથી આગળ આવી અને જમનીનો હાથ પકડી લીધો. ચાલ, ઝટ ચાલ... બે ઓળા સાથોસાથ ડાબી તરફ વળી ગયા. બે-ચાર કૂતરાં ભસ્યાં, પછી પગલાં ઓળખી જંપી ગયાં.

પોપડા વળી ગયેલી ભીંતો વચ્ચે, તિરાડોવાળું જર્જર બારણું વાસીને, વચ્ચે ગાંઠીઆનું પડીકું ખોલીને બે સ્ત્રીઓ બેઠી, મધરાત તો ખરી, પણ બંનેની આંખમાં ઊંઘને ઠેકાણે કાળી બળતરા.

ખાઈ લે જરી. પેટમાં ભાર પડે તો થોડી આંખ મળે.
ભાર ને બાર. જેનાં કરમે આવા હેલારા લખાયા હોય તેને ઊંઘ કેટલીક આવે?

એ જ ઘડીએ પતરા પર ધબાકો થયો અને બિલાડીઓના ઝઘડાનો કર્કશ ઘુરકાટ રાતના સન્નાટામાં ખાબક્યો.

કાબરીએ વાડાના પીપડા મ્હાંય બચ્ચાં જણ્યાં છે. બીજી એક કાળી છે તે રોજ આવે, ને રોજ મરું કે મારું જેવા ઝઘડા ચાલે, ઊંઘ બગાડે બેય જણીઓ!
તારો વર પાછો થયે કેટલાં, ચારેક થઈ ગયાં?
પાંચ. એ મૂઓ તેવારે આ છોકરો ચૌદેકનો તો ખરો. લોહી પી જવાનો મારું. બાપે પીધું, બાકીનું તે આ પીવાનો.

જમનીએ આખા દિવસને છેડે પહેલી વાર પાલીને ધ્યાનથી જોઈ. ઝૂકી ગયેલા ખભા પર ખોખલું બ્લાઉઝ અને ચપ્પટ બેસી ગયેલું પેટ, ભૂખરાં લટિયાં અને તગતગતી નસોવાળા હાથ. બે ટંક સરખું ખાતી હશે કે કેમ, રામ જાણે! છોગામાં પેલા રખડેલનું ડોઝરુંયે ભરવાનું, મા મૂઈ છે એટલે પેટના જણ્યાનું એટલું તો કરવું જ પડે...

તારી સાસુ ઘેર છે તે ઠીક છે, રેવુની ચિંતા ઓછી. તું રેવુને ભણાવજે હોં, હુસિયાર છે. ઉઠાડી ન લેતી ભણવામાંથી...
હજી પંદર દા’ડા મહિનો છો પડી ઘેર. કોઈ નકામું પૂછે કરે તો હેબતાઈ જાય, છોકરું કેવાય એ તો.
લે, વાતો કરતાં થોડું થોડું પેટમાંયે નાખ.
છ વાગતામાં ઘેર પુગી જવું પડે. રેવુને દવાખાને લઈ જવાની. ટાંકા આવેલા છે. દાક્તર બાઈ બચારી ભલી છે.
જાણું. જીવ બળે તેવું જ તો, એનો વર તો રયો છે તે ખરું?

પાલીએ પડીકામાં હાથ ફેરવ્યો. આંગળીની પકડમાં ભૂકા સિવાય બીજું કશું આવ્યું નહીં.

જમની. આમાં તો કંઈ નથી!
જા, જા, બે કાગળિયાની બેવડમાં જો, ભરાઈ ગયા હોય...
હાચ્ચે, તું જ જો! ખાલીખમ્મ!
આપડે આટલા બધા ગાંઠીઆ ખઈ ગ્યા, એમ?
એમસ્તો, આટલે તારા ને મારા સિવાય છે કોઈ બીજું?
લે, ખરાં આપડે તો! ગાંઠીઆ પેટમાં ને ખોળીએ પડીકામાં..

જમનીએ પાલીને સહેજ આગળ આવેલી હથેળી પર ટપલી જેવી તાળી મારી, અને બેય સ્ત્રીઓ મોંએ લૂગડું દાબી હસવા માંડી.