હિમાંશી શેલતની વાર્તાઓ/અગિયારમો પત્ર

Revision as of 05:36, 5 March 2022 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| અગિયારમો પત્ર | }} {{Poem2Open}} સંબોધન વગરનો આ પત્ર બાજુ પર મૂકી ન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


અગિયારમો પત્ર

સંબોધન વગરનો આ પત્ર બાજુ પર મૂકી ન દેતાં, પ્લીઝ... જરા લાંબો છે તોયે ધીરજ રાખીને વાંચજો. તમને લખું લખું કરતાં પૂરાં ત્રણ વર્ષ જવા દીધાં છે. કેટલાં, પંચાવન થયાં તમને? હું તો તમારાંથી બારેક વર્ષ મોટી છું. બે દિવસ પછી સડસઠ પૂરાં કરીશ. એ પહેલાં આ પત્ર તમને પહોંચાડવાનો દૃઢ નિર્ધાર છે જ. રાતના સાડા અગિયાર વાગ્યા છે અને આમ તો મારે ઊંઘવાનો સમય ક્યારનોયે વીતી ગયો છે છતાં આજે તો આટલું લખીને જ આંખ બંધ કરીશ. તમે મને ઓળખો છો. દીઠે પણ અને નામથી પણ. આપણો પહેલો પરિચય ત્રિલોકજીને ત્યાં થયેલો. યાદ છે તમને? હું એ વખતે એમના સ્ટડીરૂમમાં જ હતી અને તમે ત્યાં આવેલાં. સરસ દેખાતાં હતાં તમે. તમે શા પ્રયોજને આવ્યાં હતાં એ બરાબર યાદ નથી રહ્યું. માત્ર એટલું જ યાદ છે કે તમે ખૂબ જ આત્મવિશ્વાસથી બોલતાં હતાં અને ત્રિલોકજીના અત્યંત પ્રભાવક વ્યક્તિત્વથી અંજાયા વિના પ્રવર્તતા હતા. ચશ્માં ટેબલ પર ગોઠવીને ત્રિલોકજીએ તમારી સામે જે રીતે જોયું હતું એ ક્ષણે જ મારું હૃદય ધબકારો ચૂકી ગયેલું. હું પામી ગયેલી કે આ માણસ હવે તમારી નજીક પહોંચી જવાનો, સો ટકા. તમે તો પછી હાથ જોડીને તરત ઊભાં થઈ ગયાં હતાં. એ પહેલાં ત્રિલોકજીએ મારી ઓળખાણ કરાવેલી. એ ઘડીએ અસ્વસ્થ થવાનું કોઈ દેખીતું કારણ નહોતું છતાં હું જરા હચમચી ગયેલી. ત્રિલોકજીના હોઠમાંથી સરેલું અહોભાવભીનું એક નાનકડું વાક્ય કદાચ એ માટે જવાબદાર હોઈ શકે. ‘ગોલ્ડ મેડલિસ્ટ છે... સાત ભાષા જાણે છે...’ હશે. એ તે કઈ મોટી વાત? મેં ત્યારે આવું કશું વિચારવાની કોશિશ કરેલી. જોકે એમાં હું ખાસ સફળ થઈ નહોતી એ જાણે જુદી વાત. પછી જે બન્યું એ આપણે બંને જાણીએ છીએ. ત્રિલોકજીના પ્રભાવમાંથી મુક્ત રહેવાનું તમારે માટે સાવ અશક્ય બની ગયું. એમ જ બનતું આવ્યું હતું વર્ષોથી. મારી બાબતમાં ત્રિલોકજીએ તમને શું કહ્યું હશે એની ખબર નથી, કદાચ એમ કહ્યું હોય કે મને પારિવારિક મુશ્કેલીમાં એમણે મોટી સહાય કરી છે, કદાચ એમ કહ્યું હોય કે મારા બાપુજીને એમની સાથે સારો સંબંધ હોવાથી આ શહેરમાં મારી જવાબદારી એમણે માથે લીધી છે અથવા તો પછી માત્ર એટલું જ કહ્યું હોય કે હું એમની નજીકની મિત્ર છું... જે હશે તે. એમણે જે કહ્યું તે તમે સ્વીકારી લીધું હોય, કે પછી એમ બન્યું હોય કે એમને માટેનું તમારું ખેંચાણ જ એટલું દુર્નિવાર હોય કે આવી બધી વિગતો તમને બિનજરૂરી અને ખંખેરી કાઢવા જેવી લાગી હોય. ત્રિલોકજીની આભા એવી જ હતી. સાવ સાચું જ કહીશ, ત્રિલોકજીને તમારી નજીક આવતા જોઈને મને ભયંકર ગુસ્સો આવેલો. પણ એ થોડા સમય પૂરતો જ. શેષ રહ્યો તે વત્સલભાવ, મોટી ખરીને તમારાથી! મને સમજવામાં ગફલત ન કરતાં. આ કોઈ ગુરુતા ગ્રંથિમાં રાચતી વ્યક્તિના બોલ નથી. હું તો સામાન્ય જ રહી છું. આકાશમાં ઊડી શકું એવી નથી મારી કોઈ સિદ્ધિ કે નથી એવી કોઈ મહત્ત્વાકાંક્ષા. ભણાય એટલું ભણી અને પછી સંશોધન ક્ષેત્રમાં ખૂંપી ગઈ. આરંભે જ ત્રિલોકજી મળી ગયા એટલે મારી કારકિર્દી એમણે ઘડી આપી એમ કહું તો કશી અતિશયોક્તિ નથી. એ દિવસોમાં ત્રિલોકજીનેય કદાચ મારી ચશ્માં ચડાવેલી બદામી આંખોનું આકર્ષણ હશે. હું તો, અલબત્ત, એમની બુદ્ધિમત્તા અને પ્રખર સર્જકતાથી અવાક્‌ બની ગયેલી. પાંચ-પચીસ ઘેલા જુવાનિયાઓ વચ્ચે વજનદાર અવાજમાં તર્કબદ્ધ દલીલો કરતો આ માણસ મને કોઈ કાળે લોકોત્તર લાગતો. યુગપુરુષથી જરીકે ઓછો નહીં. એમને હાથે કશુંક અદ્‌ભુત થવાનું છે એની ગળા સુધીની ખાતરી હતી મને તો. આ અસાધારણ પુરુષની નજીક હોવાની મોહિની વર્ણવું શું કરવા? તમેય જાણો જ છો ને! એટલે મેં જે અનુભવ્યું એની તમને નવાઈ ન લાગવી જોઈએ. તમે આવ્યાં અને ત્રિલોકજીના જીવન પર છવાઈ ગયાં ત્યારેય એમનું કર્તવ્યભાન ઊંચું જ રહ્યું હતું. વાતચીતની કુમાશ, સહાયભૂત થવાની તત્પરતા, સહૃદયતા બંધુ અકબંધ. ફરિયાદનો મોકો ન મળે એવું ટકોરાબંધ અને છતાં મને એમ થઈ આવતું કે હું દૂર ધકેલાઈ રહી છું. બહાર કોઈને આ જણાય નહીં. હું પહેલાંની પેઠે જ ત્રિલોકજીને ત્યાં આવતી-જતી. જાણે કશું જ બદલાયું નથી એ રીતે. તમને તો યાદ હશે કે વીસમી સદી પૂરી થઈ એ નિમિત્તે એક ભવ્ય કાર્યક્રમ યોજાયેલો. આયોજન ત્રિલોકજીનું હતું. એ પ્રસંગે પ્રગટ થનારી સ્મરણિકાની જવાબદારી મારે માથે હતી અને ત્રિલોકજી તમને લઈને ફરતા. ક્યારેક કોઈ ઉદ્યોગપતિના સંકુલમાં તો ક્યારેક કોઈ અખબારના તંત્રી પાસે. એકાદ બે વખત તો શહેરથી દૂર આવેલા ફાર્મહાઉસ ભણીયે તમે જઈ આવેલાં. આ બધી દોડધામ કામ અંગેની છે એમ ઠસાવવા ત્રિલોકજીએ મરણિયા પ્રયત્નો કર્યા હતા. બિચારા! મૂળ તો આ તમારો સહવાસ મેળવવાની તરકીબ હતી એ તમારાથી અજાણ્યું તો નહીં જ રહ્યું હોય ને! અસૂયા નહોતી થતી એવું ખોટું નહીં બોલું. શબ્દશઃ બળતરા થતી હતી, પણ ત્રિલોકજીની ખાસિયત હું જાણું. જો વિરોધ પ્રગટ થયો તો એ ન કરતા હોય તેયે કરવાના. એટલે ચૂપ જ રહી. ચહેરા પરની પ્રસન્નતા લેશ પણ ઝાંખી ન થાય એની કાળજી રાખવામાં તૂટી પડી. અસંતોષ કે અણગમો એકાદ આછી પાતળી રેખામાંય દેખાવા ન દીધો. મારા જમાનામાં હું અભિનય સારો કરી લેતી! અને દુઃખી થવામાં મારા અહંકારને ઠેસ પહોંચતી હતી... એ દિવસોમાં ત્રિલોકજીના ઘરમાં એક પત્ની પણ વસતી હતી. તમે મળ્યાં જ હશો એને. પછી તો એ મૃત્યુ પામી. હૃદયરોગનો તીવ્ર હુમલો, સેવા ચાકરી કે ચિંતા, કશું ત્રિલોકજીને ભાગે આવવા ન દીધું. એણેય ત્રિલોકજીને બહુ સાચવેલા એટલે ત્રિલોકજીને ખાલીપો લાગે એ સ્વાભાવિક છે. શોકના આ દિવસોમાં વળી તમે ત્રિલોકજી તરફ વધારે ઢળ્યાં, હું તો એ ઘરની સાવ નજીકની વ્યક્તિ લેખે આ સઘળું જોતી રહી. તમારી હાજરીથી ત્રિલોકજીને શાતા મળે છે એવું સહુ સ્વીકારતા હતા. મેં પણ સ્વીકારી લીધું. હવે મુખ્ય વાત. જે કહેવા આ પત્ર લખું છું તે. ત્રિલોકજીના અવસાન પછી, ચારેક મહિના ગયા બાદ, મને એમનાં બહેને બોલાવી. ત્રિલોકજીનું અપ્રગટ સાહિત્ય પુસ્તકરૂપે મૂકવાની એમની યોજના છે. ખાસ તો ત્રિલોકજી પાસે સચવાયા છે એ પત્રો. નેતાઓ, કલાકાર, દેશ વિદેશની નામાંકિત હસ્તીઓ અને સ્વજનોના પત્રો એક મોટી પેટી ભરીને છે, માનશો? ત્રિલોકજી એટલા સાજાસમા હતા કે એમના ચિત્તમાં આવો કોઈ વિચાર આવ્યો જ નહીં હોય બાકી તો એ આયોજનના માણસ, સૂચના આપ્યા વિના જાય નહીં. – તો આ પેટીની સામગ્રી મારે વ્યવસ્થિત કરવાની છે અને પછી પત્રો પસંદ કરવાના છે. એમાં અંગત એવું ખાસ્સું છે, પણ ત્રિલોકજીનાં બહેન મને બહારની ગણતાં જ નથી. આ કામ માટે તમને કેમ ન બોલાવ્યાં એમ મનમાં લાવી રખે ખિન્ન થઈ જતાં! પેટીમાંથી તમારા પત્રો નીકળ્યા છે, જેમ મારાયે નીકળ્યા જ છે. (એમની પત્નીનાયે છે જ... પણ એ બહારગામ હોય ત્યારે લખેલા. આપણે તો અહીંનાં અહીં છતાં યે...) હા, ચારેક કાગળ તમે વિદેશ ગયેલાં ત્યારે લખાયેલા છે એ ખરું. આ તમામ પત્રો વાંચવા એ કોઈ ઓછું તપ નથી. ત્રિલોકજીએ તમારા પત્રોને ક્રમ આપ્યો છે. દરેક કવર પર લાલ અક્ષરે આલેખેલો ક્રમ. આવા અગિયારમા પત્રમાં તમે લખો છો : ‘સુ. સાથે તમારા સંબંધો કેવળ શુદ્ધ મૈત્રીના રહ્યા છે અને એમાં સ્ત્રી-પુરુષ વચ્ચે હોય તેવા ખેંચાણનો સદંતર અભાવ છે એ જાણીને કેટલો રોમાંચ થયો છે એ શબ્દમાં શી રીતે દેખાડું? મને ખબર છે કે તમારા આ સંબંધને કારણે તમે કેટલી ટીકા વહોરી લીધી છે. તેજોદ્વેષથી પીડાતા માણસોએ તમને કનડવામાં પાછું વાળીને જોયું નથી. છતાં તમે ડરી નથી ગયા. પ્રતિષ્ઠાને હોડમાં મૂકીનેયે તમે તમારી મૈત્રી સાચવી છે, એનો આદર કર્યો છે. તમારી આ નૈતિક હિંમત અને પારદર્શક વ્યવહાર માટે મારા મનમાં એવી તો ઉત્કટ...’ બસ, આપણને જેનો ખપ છે તે માત્ર આટલું. બાકી તમારી બિરદાવલી લાંબી છે. ભલે રહી એને ઠેકાણે. મૃત્યુ પામેલી પ્રિય વ્યક્તિ માટે ખોટું બોલવું એ મારે મન અક્ષમ્ય અપરાધ છે. હું જે કહું છું એ સાચું છે એમ સ્વીકારજો અને તેમ કરવામાં મન આનાકાની કરે તો સીધાં મારી પાસે આવજો. મારી સચ્ચાઈની સાબિતી આપવા માટે ત્રિલોકજીના પત્રો મારી પાસે છે જ. વાંચી શકો છો તમે. જે કબૂલાત કરું છું એ માટે તૈયાર રહેજો હવે. ત્રિલોકજીએ મારી સાથે બધા જ સંબંધો રાખ્યા હતા. છોછ વગર. અમારાં લગ્ન નહોતાં થયું એટલું જ. બાકી અમે સંસાર તો પૂરેપૂરો ભોગવ્યો છે. એમનાં પત્નીથી અમે અમારો સંબંધ સંતાડ્યો નહોતો. તમને એમણે શું કહ્યું હશે એ કલ્પી શકું છું. પણ એવું કેમ કહ્યું હશે એ સમજાતું નથી. એ દંભ કરી શકે એવા તો નહોતા જ. મારી સાથેના એમના સંબંધને કારણે તમે કદાચ એમની નજીક ન આવી શકો એવી એમને દહેશત હોય અને તમારે માટે એમને એટલી તો તીવ્ર – ખેર, જવા દઈએ. આ અટકળોનો કશો જ અર્થ નથી. આપણે તો સત્ય સાથે નિસ્બત છે. તમે પૂછશો કે તમને આમાંનું કશું મેં પહેલાં કેમ કહ્યું નહીં... નહોતું કહેવું મારે. જે પુરુષ માટે સ્નેહ હોય એને લજ્જિત થવું પડે એવું કંઈ કહેવા કરવાની મને ઇચ્છા જ નહોતી. આજે જ્યારે ત્રિલોકજી નથી ત્યારે આ સ્પષ્ટતા કરવાનું ખાસ કારણ છે. મને ખાતરી છે કે આ ચોખ્ખી કબૂલાત પછીયે તમારા એમને માટેના પ્રેમભાવમાં ઓટ આવવાની નથી. એ પૂરા મનુષ્ય રહી શકેલા, પોતાની ચાહના સંતાડ્યા વિના વ્યક્ત થતા ઉષ્માભર્યા માણસ. મર્યાદા પુરુષોત્તમ હોવાના દાવા એમણે વળી ક્યારે કરેલા? ને તો પછી આપણે એમને માથે બોજ શા સારુ લાદવો? છતાં તમારે તો એમને જાણવા જ જોઈએ. એ જેવા હતા તેવા જ રૂપમાં. ઢોળ કે વરખવાળા નહીં. તમે એમને ચાહી શક્યાં એટલે એમને પૂરેપૂરા જાણવાનો તમારો અધિકાર છે, જેને બધું સમર્પિત કર્યું એ પુરુષને ઓળખવાનો સ્ત્રીનો અધિકાર. એ તમારો હક્ક યાદ કરાવું છું. મારો આશય માત્ર એટલો જ છે કે તમે ત્રિલોકજીને પૂરા પામો, એમને બરાબર જાણો. જેમ મેં એમને એમની પત્ની પાસેથી જાણ્યા એમ જ... અને ત્રિલોકજીનાં પ્રેમલગ્ન હતાં, કુટુંબના વિરોધ વચ્ચે કરેલાં, ઘેરથી ભાગીને અને મિત્રોની મદદથી, જાણો છો તમે? આ વાત કરેલી એમણે તમને ક્યારેય? મૂળ તો એમનું હૃદય પ્રેમથી છલકાતું હતું, સહુને એમ જ લાગે કે આ તો મારી નિકટ જ છે... એકાદ સ્ત્રીને ચાહીને પછી ખાલીખમ થઈ જાય એવા રાંક એ નહોતા. ચોમેર લ્હાણ કરે તોયે એમની ભીતરનું પ્રેમપાત્ર ઊભરાવા કરતું સતત... આગળ લખ્યું છે તેમ તમને આ બધું જરા અણગમતું કે અસ્વીકાર્ય લાગે તો ત્રિલોકજીના મારી ઉપર લખેલા પત્રો વાંચી જજો, મેં હજી લગી તો સાચવી રાખ્યા છે. તમારા તમામ પત્રો હું તમને પરત કરવા ઇચ્છું છું અને મારા પત્રો તો હું સળગાવી દઈશ. આ પેટીમાં અન્ય જે પત્રો છે તે ભલે પ્રગટ થતા. આપણા પત્રો પ્રસિદ્ધ થવા માટે નહીં, રાખ થવા માટે જ લખાયેલા તે આપણેય ક્યાં નહોતાં જાણતાં? મને લાગે છે કે મારો આ નિર્ણય સાચો છે. કોઈ નબળુ જણ વાંચશે તો એક ઉમદા વ્યક્તિ માટે નાહક ગેરસમજ થશે. કેટલાક માટીપગાઓ ત્રિલોકજીને પોતાના જમાતના ગણી હરખાશે તો કેટલાક ટીકાકારો પેલી નાજુક હકીકતોને ચોમેર ઉછાળી ઉત્સવ મનાવશે. આપણા સંબંધોની ઋજુતા, સૂક્ષ્મતા અને વાસ્તવિકતાને કોઈ પામી નહીં શકે. ત્રિલોકજી માટે આપણને જે લાગણી હતી એને કશા સાથે લેવાદેવા નહોતી એટલે જ હું અસૂયાથી ન બંધાઈ અને તમારું પણ કદાચ એમ જ હશે....જે કદી બંધનરૂપ થયો જ નહીં એ પ્રેમ બહુ ઊંચો હોય છે, બધાંથી ત્યાં ન પહોંચાય. ત્રિલોકજીની ઓજસ્વી છબિ ઝાંખી પડે તે આપણને તો કેવી રીતે ગમે? – તો આપણા પત્રો પેટીમાંથી કાઢી લઉં છું. તમારા પત્રો લેવા તમે આવશો ને? મળીશું તો વાતો થશે. એવી વાતો, જે આપણા બે વચ્ચે જ સંભવી શકે. તમારી રાહ જોઉ છું. આવો છો ને? લિ. નામની જરૂર જ ક્યાં રહી છે?