હિમાંશી શેલતની વાર્તાઓ/સજા

Revision as of 05:40, 5 March 2022 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| સજા | }} {{Poem2Open}} આ આદમી શું ખરેખર પોતાનો? લતા ઝીણી નજરે ઓરડીની...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સજા

આ આદમી શું ખરેખર પોતાનો? લતા ઝીણી નજરે ઓરડીની બહાર ખાટલી પર પથરાયેલા નરેશને જોઈ રહી. બરછટ, વજનદાર, રૂંવાટીવાળો એક હાથ છાતી પર પડ્યો હતો બીજો શિથિલ થઈને પડખે. છાતીની ધમણ ઊંચીનીચી થતી હતી. ગંજી મેલીદાટ દેખાતી હતી. આટલે દૂરથીયે લતાને એમાંથી ગંદી વાસ આવી અને એની સાથે જ એક જોરદાર ઊબકો. અત્યારે તો નરેશ દુનિયાથી બેખબર ઘોરતો હતો. રાતે ખૂબ મોડો આવેલો એટલી લતાને ખબર હતી. આવ્યા પછી એક પણ શબ્દની વાતચીત વગર એ ખાટલી પર આડો થયો અને લાગલો જ નસકોરાં બોલાવવા માંડ્યો. બહુ થાકી ગયો હોય એમ સાફ સમજાય. ચારેક દિવસ પહેલાં લતાના મામાનો છોકરો આવેલો. ખાસ્સો હાંફળોફાંફળો અને ડરી ગયેલો. – પકડવાના છે બધ્ધાને. અહીંના જ ત્રીસેક જણ હતા. એમ કે’કે દસબાર જણને તો ખેતરાંમાં જ ઊભા ઊભા સળગાવી દીધા. બે બાઈઓ હતી. જુવાન... એમાંની એકને તો દહાડા હતા... એ બેયને પકડીને એ લોકોએ... લતાને કાન પર દાટા મારવાનું ઠીક લાગ્યું હોત. એવા ચસોચસ કે આ બધી વાતો બહારની બહાર જ આંટાફેરા મારતી રહે. છતાં જે સંભળાયું એ તો છેક અંદર સુધી પહોંચ્યું. આ બહાર ખાટલી પર જે માણસ નિરાંતજીવે ઘોરતો હતો તે પણ એ દિવસના પેલા ટોળામાં જ સામેલ હતો. સો ટકા. એ દિવસનું ટોળું. બેરહમ જીવોની ક્રૂર રમત, હાથમાં સળગતા કાકડા ને લાકડા લોહીનો રેલો નીકળે કે હરખની બેફામ ચિચિયારીઓ. માણસનાં આ કરતૂતોથી ડઘાઈ ગયેલી સ્તબ્ધ સવાર. વળગાડ હોય એવો દેખાતો નરેશ બ્હાવરો – ઉતાવળો ઘરમાં દોડી આવેલો. – કેમ આમ? શું થ્યું? જવાબ દેવાને બદલે નરેશે લતાને ધકેલી દીધી હતી. કશો જીવનમરણનો સવાલ હોય એમ એ ભાગ્યો હતો. ખાલી હાથે નહીં, માળિયામાંથી બાપાનું કટાઈ ગયેલું ધારિયું લઈને. – કઈ બાજુ આમ દોડતા દોડતા? લતાના પ્રશ્નનો ઉત્તર વાળવા નરેશ પાસે વખત નહોતો. બધા દાઢીમુછાળા ગયા એટલે પોળ ખાલી થઈ ગઈ. ફફડતી સ્ત્રીઓ એકલી પડી, આપત્તિમાં એકમેકની હૂંફ શોધતી માદાઓ પેઠે સહુ એકઠી થઈ. – એવું બોલતા’તા કે આ ફેરો લાગમાં આવેલા છે તે પતાવી જ દો... – આ એમ તે કંઈ જીવતાંને પતાવી દેવાય? – કેમ, એ લોકો નથી પતાવતા લાગ મળે ત્યારે? – કરે તેવું પામે, નિયમ છે સંસારનો. – પણ આ કંઈ છેડો છે? કાલે હવારે પાછો એમનો વારો આવહે મારવાનો, તેનું કેમ કરવાનું? – એ તો એમ જ થાય, જે થાય તે જોવાનું. કાલ કેવી પડશે તેની ચિંતામાં ચર્ચા આગળ વધી નહીં. મોડી રાતે પોળ ખળભળી. વીરરસમાં તરબોળ સશસ્ત્ર સેના પરત. મોટા ભાગના સહુ જીતના નશામાં છાકટા. સ્ત્રીવર્ગને કોઈએ કશી માહિતી વિગતે આપેલી નહીં છતાં ખૂણે-ખૂણે સમાચાર પહોંચી ગયા કે પેલા ભાગતા અગિયારે અગિયારને આગમાં.... બાઈઓમાંની એક મરી ગઈ ને એક ભાગી છૂટી. નરેશ પાનમસાલો ચાવતો-ચાવતો થૂંક્યો અને બોલ્યો કે સાલીને જવા નહોતી દેવી જોઈતી. રઘલો બોલ્યો હતો કે જઈ જઈને કેટલુંક જવાની... આખી ને આખી ફાટી ગઈ છે તે અધવચ્ચે જ તફડી પડવાની... એ સ્ત્રીની દુર્દશા ૫૨ ખિખિયાટા કાઢતા બે ચારે એકબીજાને તાળીઓ આપી. એમાં નરેશ પણ હતો જ. રસોડાના જાળિયામાંથી લતાએ એને જોયો. ગેલમાં આવી જઈને તાળી દેતો. એ જ નરેશને કે પરણવા આવ્યો ત્યારે લતા ઉમળકામાં ઠેઠ આકાશે ચડી હતી અને હેઠે આવવાનું નામ સુધ્ધાં લેતી નહોતી. – અલી લતુડી, તારો વર તો અદ્દલ રાજેશ ખન્ના જેવો લાગે છે ને કંઈ! વીરુમાસીના જમાનામાં એક જ નામ જીભે ઉછળતું અને પછી તો એ સિનેમા જોતાં જ ક્યાં હતાં તે બીજાં નામ યાદ આવે? ધમાલ પૂરી થયા પછી જ નરેશનો પગ ઘરમાં જરાતરા ઠર્યો. હજી કામધંધા ચાલુ થયા નહોતા. શહેર મરણતોલ માર ખાઈને ખોડંગાતું હતું. નરેશ અને પોળના બીજા આદમીઓ છાપાં લઈને રોજેરોજ બેસતા. એવામાં વળી એક રાતે નરેશ ઘેર આવ્યો નહીં. પોળના બીજા છએક પુરુષો પણ ફરક્યા નહીં. જાણે કોઈ ગળી ગયું. ન સંદેશો, ન કશા સમાચાર. બધાની મા અને વહુઓ રોકકળ કરે. – ગાંડાં છો બધાંયે! એ તો સંતાઈ ગ્યા છે. પકડાઈ જવાની બીકમાં. કેસ ચાલવાના છે એકેએક પર.

લતાની જીભ ઊંડી ચાલી ગઈ. એને નરેશ પર દાઝ ચડી. કામકાજના ઢંગ નથી અને મોટો ધારિયું લઈને દોડ્યો’તો તે દહાડે... હવે કોણ એના બચાવમાં આવવાનું? એકુએક પકડાઈ જવાના. કેટલા દહાડા સંતાતા રહેશે? પોળમાં તો કેટલીયે વાતો ફરતી થઈ. 

– પેલી એક બાઈ ભાગી ગઈ’તી એણે જ ફરિયાદ કરી. કે’કે બધ્ધાને ઓળખી દેખાડું. વકીલ બી કરેલો છે. – મૂઈને શરમ ન આવી? આવું થ્યું હોય તો હું તો મોંયે ન દેખાડું કોઈને! પાછી આવી તેવારે સાવ નાગીપૂગી! છી! લતાનું લમણું ગરમીથી ફાટી ગયું. એણે બરાડો પાડ્યો. – તે આ કોઈને શરમ ન આવી બાઈની સાથે એવું કરતાં? જરા મૂકી તો જુઓ તમારી જાતને એ બાઈની જગ્યાએ... એમ કરો તો ખબર પડે.. રોજ રાતે ઘરનાં બારણાં બંધ કરતી વખતે અંધારામાં ઘરની સામે એક બાઈ ઊભેલી દેખાય છે, ચહેરો ઢાંકીને, સોડિયું વાળીને. લતાને એવું લાગે છે જાણે એ એને તાકીને જોયા કરે છે. આ કઈ બાઈ? પેલી મરી ગઈ તે તો નહીં? કે પછી પેલી બચીને ભાગી છૂટી એ? એનું પેટ જરીક ઊપસેલું દેખાય છે. જોકે અંધારામાં ખાસ ખબર નથી પડતી. લતાના હાથ આગળિયા ૫૨ જ ઠરી જાય છે. માથામાં ભઠ્ઠી ધગધગે છે. પોળની બાઈઓ વાટ જુએ છે આદમીઓની, એમના સંદેશાની. – એ લોકો હમણાં નહીં આવે. જોતાં નથી રોજ દા’ડે પોલીસ આવે છે તે? પેલી બાઈને તો વકીલ બી મળી ગયો છે. આ તરફ બધા જેવા આવે તેવા પકડાઈ જવાના. – હાય, મા! જેલમાં જવાના એ લોકો? – સાબિત થાય તો જવુંયે પડે! શહેર ટાઢું પડતું ગયું. બળતી ચિતા ઠરી ગઈ. હવે માત્ર અસ્થિવિસર્જન. તૂટીફૂટીને વેરવિખેર થયેલા ધંધાધાપાને થરથરતા હાથ ટેભા મારવામાં જોતરાયા. પોળની ઓરતો બે ટંક ખાવાની જોગવાઈ કરવામાં પડી. જે ભાગી ગયા એને ભરોસે કેટલા દહાડા બેસી રહેવાય? એક સવારે વળી સાવ જુદા જ સમાચારે બારણાં ઠોક્યાં. – આ કોઈને હવે નથી પકડવાના. – જા, જા, એમ કોણે કીધું? એ તો એ લોક પાછા આવે તે સારુ ફસાવવા માટેની વાતો હશે... – ના. સાચ્ચે જ. આપણી જ્યોતિ પેલી સીવણના ક્લાસમાં જાય છે ત્યાં નફીસા કરીને એક આવે છે. પેલાઓના જ એરિયામાંથી. તે કે’તી’તી કે કોઈ ફરિયાદ જ નથી કરવાનું. એમ કે જાણે પાણીમાં રે’વાનું ને મગર જોડે વેર ઠીક નથી. – એ લોક ડાહ્યાં છે. વેરઝેરમાં પાર ન આવે એ જાણે. આપણાં કામ પણ પાછાં જોડાયેલાં, એમ લડવડ કરીએ તો ખાઈએ શું? – મૂઆ તે કંઈ પાછાં તો આવવાનાં નથી. એક જ બાઈ બચી છે... ને એણે જ ના પાડી ફરિયાદ કરવાની. પછી શું છે? – ચાલો, શાંતિ થઈ. હવે આપણાવાળા પાછા આવે તો સારું, લતાની આંખો પોળના નાકાને અડીને પાછી આવી. નરેશ પાછો આવે એવો ખરો? ખબર નહોતી સાંભળેલું સાચું. નરેશ પાછો આવ્યો. મોટા ભાગના બધાયે પાછા આવ્યા. પોળમાં જાણે જશ્નનું વાતાવરણ. અવળચંડા છોકરાઓએ તો ફટાકડા સુધ્ધાં ફોડ્યા. નરેશની પધરામણીયે રોજના જેવી નહીં. એ એકદમ મસ્તીમાં હતો નહીં ત્યારે તો ચકળવકળ આંખે ભરાતો હતો ઘરમાં. આ તો એકદમ શાનથી બહા૨ ધમાલ કરતા છોકરડાંમાંથી એકને બોલવી સોની નોટ હાથમાં મૂકી. – જા, સમોસાં અને આઇસક્રીમ લઈ આવ... પછી લતા તરફ ફરીને આંખ મિચકારી. ઊભો થઈને લતાને બેચાર વખત વળગ્યો, પણ લતાએ એને હડસેલ્યો. આ જાણે લાડ હોય એમ નરેશ તો હરખાતો જ રહ્યો. અમથો અમથો બબડતો રહ્યો. સમોસાં અને આઇસક્રીમ આવ્યાં. વધેલા પૈસા નરેશે પાછા ન લીધા. – મોજ કર દોસ્તો જોડે... લતાને હાથ ખેંચીને બેસાડી, એના મોંમાં આઇસક્રીમની ચમચી ખોસી. – શું કરું? સંતાવાનું ગમે નહીં સાલું... પણ આ તો બીજો રસ્તો જ નહીં... આ તો ખબર પડી કે પેલીએ... અમને તો એમ કે એ મરવાની... પણ... શબ્દો આઇસક્રીમની ચૉકલેટી ઠંડકમાં ઓગળી ગયા. લતાએ માંડ માંડ ખાધું. પેટ ભરીને મનહરની ખોલીમાં યાર-દોસ્તો સાથે ગપસપ માટે નીકળવાનો ક્રમ નરેશે સાચવ્યો. એની પીઠ ફરી કે લતા ઉભડક જીવે પથારીમાં પડી. સાડા અગિયાર-બારની આસપાસ નરેશનો પગ પાછો ઓરડીમાં પડ્યો. ચલ છૈયાં છૈયાં છૈયાં ગણગણતો એ આવ્યો તેવો જ લતાની ઉપર ફસકાયો. ગંધાતી, ફદફદતી લાશ પડી હોય એમ. લતાને અણગમાની ઓકારી આવી. નરેશ આગળ કંઈ કરે કે કશું સમજે એ પહેલાં જ લતાના કસાયેલા હાથનો એક જોરદાર ધક્કો એને લાગ્યો. અણધાર્યા આઘાતથી એ ગાંડોતૂર બની ગયો. એક જ સપાટે પથારીમાંથી ઊભી થઈ ગયેલી લતાને એ આંતરે એવી ક્ષણ આવી જ નહીં. લતા વાવાઝોડું થઈને ઓરડીમાંથી બહાર નીકળી ગઈ. ઓરડીનું બારણું ઝડપભેર બંધ કરી એણે આગળો મારી દીધો. હવે ઉત્તેજિત શ્વાસ ધીમા પડી રહ્યા હતા. અંદર ઓરડીમાં કેદ થયેલો નરેશ બારણાં પર લાતો મારી ગાળો સમેત પોતાનો ક્રોધ ઠાલવી રહ્યો હતો. ભલે. થાકશે એની મેળે. પણ આ આદમીને અડવાયે ન દેવાય. છો જાય એને જ્યાં જવું હોય ત્યાં. બહાર પડેલી ખાટલીમાં લતાએ સફાઈ આદરી. ગોદડી ઝાટકી, વળગણી પરથી ચાદર લીધી ને જૂની ચાદર બદલી ઓશીકાની ખોળ પણ નવી નાખી. પછી કોકડું વાળીને સૂવાની આદતને સભાનતાપૂર્વક પલટીને એણે ધીરે ધીરે પોતાનું શરીર ખાટલા પર ફેલાવા દીધું. પેલાં બંધ બારણાં હજી થોડી થોડી વારે ધધડતાં હતાં. મનહરની ખોલીમાંથી અવાજ આવ્યો કે લતાભાભી, આ ચાલે છે કેમનુંક.... લતાએ ટાઢે સ્વરે જવાબ આપ્યો કે એ તો અમથાં જ બારણાં ભટકાય છે! ખાટલીમાંથી માથે ફેલાયેલું આકાશ જોવાનું સુખ એ જાણે પહેલી જ વાર અનુભવતી હતી. હવાની લહેરખી લતાની પાંપણ પર પીંછા જેવી ફરફરતી રહી.