હિમાંશી શેલતની વાર્તાઓ/ગોમતીસ્તોત્ર

Revision as of 05:42, 5 March 2022 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| ગોમતીસ્તોત્ર | }} {{Poem2Open}} આનંદીની કલ્પનામાં હુસેન સાહેબે આલ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ગોમતીસ્તોત્ર

આનંદીની કલ્પનામાં હુસેન સાહેબે આલેખેલી જમના પ્રત્યક્ષ. એના ધબકારા પણ આનંદીને સંભળાય અને જો આંખ બંધ કરે તો નદીમાં જળકન્યા પેઠે સેલારા લેતી ભળાય. જમના કેટલી સુંદર હશે તે આનંદી ચોક્કસ વર્ણવી શકે, પણ એ માટે પૂછનારને હુસેન સાહેબની આત્મકથા બાબત માહિતી હોવી જોઈએ. હવે આ વાત આગળ ચલાવવી હોય તો જમનાને ઓળખવી પડે અને એટલે જ હુસેન સાહેબની આત્મકથા સુધી જવું પડે. – તો બનેલું એમ કે આ જમના નદી કિનારે ન્હાવા આવે, પછી થોડું પાણીયે ભરી લે અને જરાક તરીને એકાદ ખોબો આનંદ મેળવી લે. સુવર્ણરજની ઢગલીમાંથી પસાર થઈ નદી તટે પહોંચતાં બાલસૂર્યનાં કોમળ કિરણોના ઉજાસમાં બારેક વર્ષના કિશોર મકબૂલે જમનાના અલૌકિક રૂપને જોયું. ધરતી પર ડગલાં ભરતી, માનવકુળની કોઈ કન્યા આવી અનુપમ હોય એ માનવું મુશ્કેલ. કિશોર મકબૂલ સ્તબ્ધ અને મંત્રમુગ્ધ. પછી તો નદીકિનારે એ પૂરી આરતથી પ્રતીક્ષા કરતો હશે, ને મોટે ભાગે જમના ત્યાં આવતી હશે. જમનાનું ઓજસ્વી સૌંદર્ય ઇન્દોર માટે દંતકથા જેવું જ હોવું જોઈએ. એમાં તે એથી લાલખાં દરજીની મલિન નજર એના પર પડી ગઈ, જે કંઈ અસાધારણ હોય તેને ઝપટ મારીને જકડી લેવાનો લાલખાંનો સ્વભાવ. એણે જમનાને પોતાના ઘરમાં ગોઠવી દીધી. લગભગ સાતેક વર્ષ બાદ યુવાન મકબૂલને જમના ફરી જોવા મળી. બે બાળકો સોડમાં અને ત્રીજું પેટમાં. દેહ વપરાઈ વપરાઈને ઘસાઈ ગયો છે. દેખાતા અને વણદેખ્યા બોજને વેંઢારતી જમના થાક્યાં-હાર્યાં ડગલાં માંડ માંડ ભરી રહી છે. એના અપ્રતિમ સૌંદર્યની આરાધના કરી ચૂકેલો યુવાન કલાકાર અત્યારના દૃશ્યથી સળગી ઊઠે છે. એક જડસુના હાથે મધમધતા ફૂલની બેરહમ હત્યા એને ક્રોધથી પાગલ બનાવી મૂકે છે. લાલખાં દરજીની દુકાનની પાછલી દીવાલ પર ધગધગતા પેશાબની ધાર માર્યા પછીયે એનો ગુસ્સો ઠંડો પડતો નથી. એ દીવાલ પર જ લાલખાંનો ડરામણો ચહેરો ચીતરીને એને માથે શીંગડા ઉગાડીને લાલખાંનું રાક્ષસી રૂપ ઉઘાડું કરે છે. છતાં ઉકળાટ ખદબદે છે, એટલે અંતે લાલખાંની નિંદા કરતી જલદ કવિતા લખી કાઢે છે. આક્રોશ અને હતાશા વ્યક્ત કરવા માટે આથી વધુ ધારદાર કે અસરકારક કોઈ હથિયાર કલાકાર પાસે નથી. મકબૂલની વાત બસ અહીં અટકે છે. પણ આનંદી તો પોતાની રીતે આગળ વધવાની. લાલખાં એની રૂપવતી પત્ની સાથે બીભત્સ વહેવાર કરતો હશે. બીભત્સ એટલે કેવો? જેમકે પોતાના અને આખીયે માનવજાતના ઉદ્‌ભવસ્થાનને સંડોવતા, જગતભરની સ્ત્રીઓનો તિરસ્કાર કરતા પેલા ગંધાતા શબ્દો એ બેફામ ઠાલવતો હશે. આનંદી આવું કલ્પી શકે કારણ કે એણે પોતાના ઘરમાં એ એંઠવાડ ઠલવાતો જોયો છે. હાલતાંચાલતાં, રોજેરોજ, અહીં કે ત્યાં, સ્ત્રીઓના શરીરને અપમાનિત કરતા આ શબ્દો સાંભળીને બળવો કેમ ફાટી નથી નીકળતો એ હકીકતનું એને અપાર આશ્ચર્ય હતું. પોતાના દેહની આવી અવમાનના સ્ત્રીઓ ક્યારથી સ્વીકારતી થઈ હશે? દેવોની ભાષા સંસ્કૃતમાં આ પ્રકારની ગાળો હશે ખરી? આનંદીના સવાલો એની અંદર જ ઠરી જતા.

હુસેન સાહેબે વર્ણવેલી જમનાનો પુનર્જન્મ થયો હશે? સ્થળ તો એમની આત્મકથામાં ઉલ્લેખેલું એ જ. ગુલેરશાહ બાબાની દરગાહ એક કાંઠે અને બીજે કાંઠે શિવાલય. વચ્ચે નદી વહે ખળખળ. સાતેક વર્ષની આનંદી એની મા જોડે આવે અને એવી એક સવારે એણે નદી કાંઠે એક પરી દીઠી. પોતાને પરી જોવા મળી એ ઘટનાથી રોમાંચિત આનંદી દાદીને આ ખબર આપવા દોડી. ઃ પણ એને પાંખ નહોતી. હશે તો મને દેખાઈ નહીં. ઃ એ તો પાણીમાં પલળી જાય એટલે સંભાળીને મૂકી હશે ક્યાંક! પરીનું નામ ગોમતી અને આ જાણકારી આનંદીને ઘણી મોડી મળી. ગોમતીને કારણે નદીકિનારો આનંદીનું સ્વર્ગ બની ગયો. લાલખાં તો દરેક જમાનામાં હોય. નામરૂપ નોખાં, બાકી મૂળ ધાતુમાં ફરક નહીં. ગરીબ અને ગરજાળ માબાપની પાંચમા નંબરની ગોમતી, સામે લાલસાનો અવતાર ત્રિલોક. એણે પોતાની પહોંચ અને વગના ઘટાટોપમાં અભાવગ્રસ્ત પરિવારને આવરી લઈ બધાના પગ તળે મખમલનાં પાથરણાં કર્યાં. ઓશિયાળાં ન હોય એવાંયે ખરીદાઈ જાય છે તો વળી ગરજાળને ખરીદી લેવામાં શી વાર? ગોમતીનાં મૂલ ચૂકવી દીધાં અને ત્રિલોક એને લઈ આવ્યો. આ બન્યું ત્યારે આનંદી ઇન્દોર બહાર અને ભણતરમાં ગળાડૂબ. પાછી આવી કે પહેલી યાદ કરી પોતાની પરીને. ઃ ગોમતી છે કે અહીં? કોઈ રજવાડામાં પરણી તો નથી ગઈને? રાજરાણીનું રૂપ બીજે તો શોભે નહીં! ઃ રજવાડું? સાંજે અહીં આપણા ઘર કનેથી જ જશે, જાતે જોઈ લેજે તું... ગોમતીએ ગલીનો વળાંક લીધો ત્યારે સૂરજ આથમવાની તૈયારી હતી. આનંદી ધા ખાઈ ગઈ, આ ગોમતી? અડખેપડખે બે છોકરા, ત્રીજું પેટમાં, કષ્ટાતી ચાલ. ચહેરાની સુરખી ગાયબ. જોડકું હશે આ વેળા? લમણે જોરદાર પ્રહાર થયો હોય તેમ આનંદી નીચું જોઈ બેસી રહી. ફરી વાર ગોમતી તરફ જોવાની હિંમત ન ચાલી. ત્રિલોકના ઘરની દીવાલ પર શીંગડાવાળો રાક્ષસ ચીતરવાની એની પાસે આવડત નહોતી અને નિંદાની કવિતા લખી કાઢીને જીવને ટાઢો પાડવાની એની દાનત નહોતી. ઃ જોઈ ગોમતીને? મળી કે નહીં? ઃ ના. અજંપો સંતાડવાનો આ સહેલો ને સટ ઉપાય.

ત્રિલોકની જીભ લપટી, બોલવું બેલગામ. આમેય આ તરફ પુરુષોની ગાળો કુખ્યાત. સ્ત્રીઓ પણ ક્યારેક બોલી પડે પણ એનો ખુદનો દેહ ગાળોમાં ખરડાય એનો થોડો સંકોચ નડે. ત્રિલોક જો બોલવા બેસે તો રુંવે રુંવે આગ લાગે સાંભળનારને. એ ગાળોનો અર્થવિસ્તાર કરવા બેસીએ તો દેહ પર વેરાગ આવે. એ તો સારું કે ગાળનો અર્થવિસ્તાર કોઈ કરવા ન બેસે. સાવ સહજ ભાવે સાંભળી લે, શરીરના એ અંગો પોતાની પાસે હોય જ નહીં એ રીતે, કે પછી ઉધરસના ઠસકાની જેમ, અથવા છીંકની જેમ. રોકી ન શકાતી હોય એવી કુદરતી ક્રિયા માનીને. સ્ત્રીઓ તો ગાળો એ રીતે જ સાંભળે છે ને? જો કે એક વખત આનંદીને એની નાની બહેને બરાબર આંતરેલી. પૂછે કે આજે નાનકીને લેવા એના બાપા આવેલા નિશાળે તે ‘આવી આવી’ ગાળ બોલેલા. એનો શો અર્થ? ઃ ગાળ કોને દીધી? ઃ શી ખબર! કદાચ નાનકીને, કદાચ એની માને, કદાચ ટીચરનેય હોય. આનંદીએ ગલ્લાંતલ્લાં કર્યાં. ગાળને શી રીતે સમજાવાય? પણ પેલી ડાહી તો વિસ્તાર કરવા બેઠી. સમજદાર મહિલાની જેમ. ઃ જનમ આપનારી મૂળ જગા પવિત્ર ગણાય. ગામની નદી જે પહાડમાંથી નીકળે ત્યાં મેળો ભરાય, ભજનકીર્તન થાય, લોકો માનતા માને અને માથાં ટેકવે. નદીના મૂળનો આવો મહિમા તો માણસજાત કેમ અમુક શબ્દો ગાળમાં ખાસ વાપરે જ વાપરે? આનંદી મૂંગીમંતર. કોયડો વણઉકલ્યો. શી રીતે ટકી જાય છે સ્ત્રીઓ?

બેજીવી ગોમતીનું ચિત્ર આનંદીના મનમાં ઝૂલતું રહ્યું. કામમાં, નિરાંતમાં, ઊંઘ આવવાની તૈયારી હોય ત્યારે, અને જાગવાનો સમય હોય ત્યારે ગોમતી દેખાયા કરતી. થોડાં વર્ષો પછી ફરી ઇન્દોર આવવાનું થયું ત્યારે ગોમતીને શોધી કાઢવાનો નિશ્ચય આનંદીની પાછળ પડ્યો. નદી તરફ જતા રસ્તામાં આવતી દુકાનોમાં પૂછપરછ આદરી. ઃ એક ગોમતી હતી અહીં, આખા દેશની સુંદરમાં સુંદર દસ સ્ત્રીઓમાં એની જગ્યા અચૂક હોય એટલી રૂપાળી, ત્રિલોક નામના આદમીને પરણેલી... કોઈને કશી ખબર નહોતી. કમાલ કહેવાયને! ગોમતી જેવી અનુપમ સ્ત્રી વિશે કોઈ જાણતું નહોતું. આ તો કેવું લાપરવાહ, સૂકુંભઠ્ઠ શહેર! ઃ ફોટુ હૈ હીરોઈન કા? એક ગલ્લાવાળાએ ઝીણી આંખ કરી સવાલ ધર્યો. તમારી હીરોઈનો તો કંઈ નથી ગોમતી સામે, આનંદી છંછેડાઈ પડી. રઝળપાટનો અર્થ નહીં. ત્રિલોકને કોઈ જાણતું નથી. એવા ત્રિલોક તો કેટલાયે હોય. એક દુકાને જરા આશા દેખાઈ. ઃ અરે, અપના વો ઠાકુરદ્વારવાલા તિરલોક તો નહીં? ઃ કૌન? જો ગંદી ગંદી ગાલિયાં દેતા ફીરતા હૈ વો લફંગા? ઃ વહી નિકમ્મા. મગર ઉસકી ઔરત તો આપ બતાવે વેસી ખૂબસૂરત નહીં... આપ જાઈએ ઠાકુરદ્વાર, પતા કર લીજિયે, શાયદ... દિશા જાણી લીધા પછી પણ ઠાકુરદ્વાર એમ ઢૂંકડું ક્યાં? આનંદીનાં ઝડપી પગલાંને અનેક અવરોધ નડ્યા. રસ્તાની બેહદ ગંદકી, રઘવાટભેર દોડતા અસંખ્ય પગ, વાહનોના કર્કશ અવાજો, છાણના પોદળાઓ અને પ્રાણીઓનાં યથેચ્છ ભ્રમણ, છલકાતી નીકોની દુર્ગંધ. આ બેહાલી ઠાકુરદ્વાર તરફ પહોંચાડી શકે ખરી? છેવટે આવ્યું તો ખરુંં ઠાકુરદ્વાર. ગલીમાંથી ફૂટતી ગલી અને એનાયે પાછા ફાંટા, ગલીઓની ધારે ધારે ઓરડીઓની હારના બખિયા કોલાહલથી તડતડ તૂટતા હતા. રડવાનો અને ગાળોનો ઘોંઘાટ, વચ્ચે વચ્ચે ટીવી સિરિયલની ચીસાચીસ. આવા સ્થળે ગોમતીનું હોવું એ જ એનું મોટામાં મોટું અપમાન, ભીતરનો ઘૂંઘવાટ આનંદીને દઝાડતો હતો. ગોમતી! ગોમતી! આ દોજખમાં ક્યાં ફસાઈ પડી! ઠાકુરદ્વારનો છેડો નજીક હતો. કોઈની ગફલત થઈ હોય એમ બની શકે. ક્યારેક અહીં રહેતી હોય ગોમતી અને હવે એ લોકો ક્યાંક જતાં રહ્યાં હોય. એકાએક આનંદી થંભી ગઈ. ગલીનો ફાંટો જ્યાં પૂરો થતો હતો ત્યાં સફેદ ફૂલોવાળું એક અજાણ્યું વૃક્ષ દેખાયું. નીચે એક ખાટલી ઢાળેલી, તે પર આધેડ દેખાતી એક મા, ચોમેર ફાલેલાં તુલસી વચ્ચે. આ જગ્યા પર વારી ગયાં હોય એમ માંજર ખેરવતાં રહ્યાં હશે, તેમાં જ તો આ તુલસીવન. માની અડખેપડખે બે છોકરા, વય તો નાની નહીં પણ વધવાનું ક્યાંક અટકી ગયું હોય એમ લાગે. એમનાં અસ્થિર માથાં અને ગાફેલ આંખો જાહેર કરી દે કે એમની પાસે એક ખાસ ચીજ નથી જેના વગર એમનાં જીવન હવે શાપિત. દેખતાંવેંત અરેરાટી છૂટી જાય એવા આ છોકરાઓનાં મોંમાં મા કોળિયા મૂકી રહી છે. ચંચળ માથાં આમતેમ ડોલતાં અન્નથી પેટ અને પગ ખરડાયાં છે. અપાર ધીરજ અને વણખૂટ વ્હાલથી મા એમને સાફ કરતી જાય છે, ખવડાવતી જાય છે, એમના કાનમાં મીઠા બોલ ઠાલવતી જાય છે. આજે, આ ઘડીએ પ્રલય થવાનો હોય તો પણ એ ઊભી નહીં થાય એટલી તન્મયતાથી. ઓરડીની પાછલી તરફ એક આદમીના એલફેલ બોલનો ગંદવાડ રેલાયો છે. દાંત ખોતરતા, ગોબરા, ઓળાનાયે ઓળા જેવા મરદની હયાતી છોકરાનાં જતન કરતી મા માટે છેક અર્થ વિનાની છે. પુરુષબીજની સહાય વિના, ચમત્કારે સર્જાયા હોય એવા છોકરાઓમાં માનો જીવ ઓળધોળ એમનાં ખૂલેલાં મોંનું બ્રહ્માંડ એ ભાળી ગઈ છે. પોતાના તરફ આવતી આનંદીને જોઈ મા એના તરફ નજર ફેરવે છે. એ ઘડીએ પેલી આંખોનો ઉજાસ આનંદી પારખી લે છે. આ તો ગોમતી, ચોક્કસ ગમતી જ. એની નજીક પહોંચવા આતુર આનંદી લગભગ દોટ મૂકીને ચરણરજ લેવાની હોય એમ ગોમતી આગળ નમી પડી. ઠાકુરદ્વારના ફાટફાટ કોલાહલમાં આનંદીના તમામ કોયડાઓનું સમાધાન થઈ ગયું. આ ક્ષણ સુધી જે રહસ્ય હાથ લાગ્યું નહોતું તે સહજ રીતે એની હથેળીમાં ગોઠવાઈ ગયું. જે લાધ્યું એના તેજમાં પૃથ્વી પરના બધાયે લાલખાંઓ અને ત્રિલોકોની હયાતીનો સમૂળગો છેદ ઊડી ગયેલો પેખી આનંદીને પાંખો ફૂટી.