Many-Splendoured Love/એક જ મિનિટ

Revision as of 02:56, 9 March 2022 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| એક જ મિનિટ | }} {{Poem2Open}} સામંતે ફરી એક વાર આજુબાજુ જોયું. ‘સારી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


એક જ મિનિટ

સામંતે ફરી એક વાર આજુબાજુ જોયું. ‘સારી એવી ભીડ થઈ છે ને દેશીઓ હોય એટલે ઘોંઘાટ તો ખરો જ. પણ નાચ ઠીક છે.’ ત્રણ કિશોરીઓ કોઈ ફિલ્મી ગીત પર ખાસ્સું ઝડપી નૃત્ય કરી રહી હતી. ‘બહુ એનર્જી છે ભઈ, આ છોરીઓમાં,’ વિચારતાં સામંતે હાથમાંની બૉટલ મોઢા સુધી લીધી. એ તો ક્યારની ખાલી થઈ ગઈ હતી. કાઉન્ટિના ઇન્ડિયન ઍસોસિયેશને પહેલી વાર બહુ મોટા પાયા પર સ્વાતંત્ર્યદિન નિમિત્તે એક ઉત્સવનું આયોજન કર્યું હતું. બેએક ટાઉનના મુખ્ય રસ્તા પર સરઘસ કાઢ્યું, ને પછી શૉપિંગ સેન્ટરના મોટા પાર્કિંગ પ્લૉટમાં મેળા જેવું ગોઠવ્યું હતું. એક તરફ ખાવાનું વેચાતું હતું, બીજી તરફ એક તંબુ બનાવીને એમાં પ્રદર્શન યોજ્યું હતું. વચ્ચે બનાવેલા સ્ટેજ પરથી કાર્યકરોએ ઘણા ઉત્સાહ સાથે ભાષણો કર્યાં, જે સાંભળવામાં મેદનીને રસ લાગ્યો નહીં. નાચ વખતે પણ વધારે અવાજ તો વાતોનો જ હતો. વચ્ચે એક કિશોર થોડી વાર સિતાર વગાડી ગયો, પણ ત્યારે તો કદાચ એક પણ જણે એની સામે નહીં જોયું હોય. આવા જાહેર ઇન્ડિયન પ્રોગ્રામોમાં જવું સામંતને ગમતું જ નહીં. ખોટી ભીડ ને ઘોંઘાટ, એને થતું કાંતિ એને ખેંચી જતો. આજે પણ, ‘ચાલ ને યાર. જોઈએ તો ખરા કે એસોસિયેશનવાળાંઓ શું અજવાળે છે,’ કહી એ સામંતને ખેંચી લાવેલો. ‘ને હવે મારા ખાસ મિત્ર કાંતિલાલ ગયા ક્યાં?' સામંત નક્કી નહોતો કરી શકતો કે ત્યાં જ ઊભા રહેવું કે કાંતિને શોધવા જવું. પણ બિયરની ખાલી બાટલીવાળી બ્રાઉન-પેપર બૅગ પકડી રાખવાનો એને કંટાળો આવ્યો. એને ફેંકવા માટે એ ખાવાનાંના સ્ટૉલ તરફ ગયો. ત્યાં કાંતિલાલ બે ગોરી છોકરીઓ સાથે કોઈ વાત પર ખૂબ હસી રહ્યો હતો. સામંતને ચઢેલી ચીડ પર ધ્યાન આપ્યા વગર એણે ઉતાવળે કહ્યું, આ સૅમિ. માય બેસ્ટ ફ્રેન્ડ.’ બંને છોકરીઓ એકસાથે ટહુકી, ‘હાય સૅમિ, બાય કૅનિ. સી યુ લેટર.’ ‘આ બધું પતે એટલે એ બંને આપણી સાથે આવવાની છે. ત્યારે સરખી ઓળખાણ કરાવીશ.’ કહીને કાંતિ રંગમંચ તરફ જવા માંડ્યો. એના હાથમાં પાણીની મોટી બૉટલ હતી. ‘તું ખોટો ગભરાતો હતો કે પબ્લિકમાં ના પીવાય. બીજા કેટલાયે આપણી જેમ લઈને આવ્યા છે. તેંય બિયર પતાવી દીધો છે ને? તો હવે આ જીન ઍન્ડ ટૉનિક લગાવ.’ સામંતને થયું કે પોતે ક્યારેય કાંતિલાલને ના કહી શકતો નહોતો. આજે પણ નહીં. જોઈએ કહેવા ઊંચા કરેલા હાથમાં કાંતિએ બૉટલ પકડાવી જ દીધી. ને તે પણ ઢાંકણું ખોલીને સામંતે એને મોઢે માંડીને એક ઘૂંટડો લીધો. ‘સાલો, આઇસ-બૉક્સમાં મૂકીને લાવવાનું યે ચૂક્યો નથી.’ સામંતે બીજો ઘૂંટડો લીધો. ડ્રિન્કની ઠંડકને એણે અંદર ઊતરતી અનુભવી. છાંયડામાં જઈને આંખો મીંચીને બેસવાનું એને મન થયું. તે જ ઘડીએ કાંતિની કોણી એવી વાગી કે બૉટલમાંથી છલકીને થોડું પીણું એના હાથ પર પડ્યું. બૉટલને ખેંચી લેતાં કાંતિ બોલ્યો, ‘અરે. સ્ટેજ પર જો. જો, કોણ નાચે છે. મિન્ડિ છે કે શું? ચૂપચાપ સામંત સ્ટેજ તરફ જોઈ રહ્યો. ‘લાગે છે તો મંદા જેવી જ.’ બૉટલનું ઢાંકણું બંધ કરતાં, ઘૂંટડો ગળે ઉતારીને કાંતિ બોલ્યો, હા, હા, મિન્ડિ જ છે. મારી ભાભી – એક વખતની તો ખરી ને? જબરી નીકળી સાલી. વરને છોડ્યો પણ નાચવાનું ના છોડ્યું.’ સામંતે કશું સાંભળ્યું નહોતું. એ સ્તબ્ધ થઈ ઊભો હતો. એની આંખો કથક નૃત્ય કરતી યુવતી પરથી ખસતી નહોતી. ‘મંદા જ છે. કેવી સરસ લાગે છે!’

નૃત્ય પૂરું કરી મંદા તંબૂમાં ચાલી ગઈ. એમાં એક બાજુ કલાકારોને બેસવા માટે થોડી ખુરશીઓ રાખેલી હતી. માઇકલે તરત એને ભેટીને અભિનંદન આપેલા. ‘બહુ તાળીઓ પડી. સાંભળી હતી ને? યુ આર રિઅલી ટેરિફિક, યુ નો.’ એણે કહેલું. મંદાએ એનો હાથ પકડી રાખ્યો હતો, ને આંખોથી જ આભાર માન્યો હતો. નૃત્ય પત્યા પછી પણ એ હજી નર્વસ હતી. ‘કેટલા બધા વખતે ફરીથી જાહેરમાં નૃત્ય કર્યું! માઇકલનો સાથ હોત નહીં, ને આવા પ્રોગ્રામને માટે ફરી હું કદી તૈયાર થઈ શકી હોત નહીં.’ મંદાની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં. એક-બે કાર્યકરો એની સાથે વાત કરવા આવ્યા. એટલે માઇકલ એને માટે કૉફી લેવા ગયો. પ્રદર્શનવાળા ભાગ તરફ મંદાની પીઠ હતી, ને કોણ આવ્યું કે ગયું છે એ જોઈ શકતી નહોતી. સંગીતના ને વાતોના અવાજમાં એને કોઈ બોલાવે તે પણ સંભળાય તેમ નહોતું. પણ પેલા કાર્યકરોએ એનું ધ્યાન ખેંચ્યું કે કોઈ એને બોલાવતું હતું. પાછળ ફરીને મંદાએ જોયું તો બે પુરુષો એની સામે જોતા ઊભા હતા. એમની ને એની વચ્ચે પ્રદર્શનનો વિભાગ છૂટો પાડતું લાંબું ટેબલ હતું. મંદા તરત બેમાંના કોઈને ઓળખી ના શકી. પણ એમાંનો એક જણ હસતો હસતો બોલ્યો, ‘કેમ છો, ભાભી? શું ઓળખાણ ના પડી? હું કેનિ, અરે, આ સૅમિને પણ ભૂલી ગયાં? અલ્યા, તું તો કાંઈ બોલ.’

પપ્પાએ ફોનમાં પૂછેલું. ‘તું ઉતાવળ નથી કરતી ને, મંદા? તને ખરેખર સારો લાગે છે આ સામંત?’ ઊંચો, પાતળો, હસતો ને આછી મૂછોવાળો સામંત મંદાને ગમી તો ગયેલો જ. કઝિનના લગ્નને બહાને એ ફરી અમેરિકા આવેલી ને એના આગ્રહને કારણે રિસેપ્શન વખતે એણે નૃત્ય પણ કરેલું. ‘પણ ક્લાસિકલ કથક, ફિલ્મી ગીત પર તો નહીં જ.’ મંદા મક્કમ રહેલી. એ પછી સામંત ખાસ વાત કરવા આવેલો, ઘણાં વખાણ કરેલાં ને જીવનમાં સંગીતની અગત્ય વિશે ચર્ચા કરેલી. એમાંથી ફોન શરૂ થયો ને પછી મળવાનું ચાલ્યું. મમ્મીએ જ પપ્પાને ખાતરી આપેલી, ‘ના, ના, સારો જ છોકરો છે. હું મળી ને ઘણી વાર એને. દેખાવડો છે, ભણેલો-ગણેલો છે. ડૉક્ટર છે, ખબર છે?’ કદાચ સૌથી મોટી ભૂલ એ હતી. પણ કોની ભૂલ? સામંતે કહેલું કે એ હૉસ્પિટલમાં કામ કરતો હતો. કોઈએ આગળ કશું પૂછ્યું નહીં ને માની જ લીધું – જે ફાવે તેવું હતું તે. બંને પાસે ગ્રીનકાર્ડ હતું, તેથી એ તો નક્કી જ હતું કે એટલા માટે સામંતે મંદાને નહોતી પકડી. મમ્મી થોડું વધારે અમેરિકામાં રોકાઈ ગયેલી, ને લગ્ન લઈ લીધેલાં. થોડા મહિના પછી બંને સાથે પૂના જશે, પપ્પાને મળશે, મોટું સરસ ફંક્શન કરવામાં આવશે, એવો નિર્ણય લેવાયો હતો. પહેલેથી જ દરેક બાબતમાં મંદાને જતું કરવું પડ્યું. સામંતના ટેસ્ટ સાવ સાધારણ હતા. એની બોલવાની રીત, કપડાંની પસંદગી. જમવા માટે બહુ જ ચીકાશ. સહેજ ના ભાવે તો એ તરત મંદા પર ચિડાઈ જતો. ‘નાચવા સિવાય કશું શીખી છે કે નહીં?' એક વાર એ બબડ્યો હતો. મંદા ઉદાસ થઈ ગઈ હતી ને તોયે મન વાળી લીધું હતું. પછી દિવાળીના જાહેર ઉત્સવમાં નૃત્ય કરવા માટેનું આમંત્રણ આવ્યું. સામંતે ત્યારે તો ચોખ્ખું જ કહી દીધું કે ‘પાંચસો જણની સામે એમ ઉમરાવજાન થવાની આપણે જરૂર નથી હોં.’ મંદા દલીલ કરવા ગઈ તો ગુસ્સે થઈને સામંદે હાથ ઉપાડેલો. માર્યું જ હોત, પણ એ જ ઘડીએ ડોરબેલ વાગ્યો. મંદા ખસી નહીં. હાથને હવામાં વીંઝતાં સામંત બારણું ખોલવા ગયો. ‘અરે, ક્યાં ખોવાઈ ગયા છો, ભાઈ? પાડોશીને ભૂલી જ ગયા?’ કહેતાં એક હસમુખ બહેન અંદર ધસી આવ્યાં. ‘અમે બહારગામ હતાં તે લગન મિસ કર્યું, પણ હવે તો ઓળખાણ કરાવો નવી વહુ સાથે.’ ‘હા, હા, આવો ને,’ સામંત બોલ્યો. ‘જો મંદા, આ શ્યામુભાઈ છે ને આ મંજુભાભી. પાછળ જ રહે છે.’ ‘તમારી ભાભી થતી હોઈશ, પણ આની તો હું મોટી બહેન થાઉં હો.’ કહી મંજુબહેન મંદાને ભેટ્યાં. ચા પીને એ લોકો ગયા પછી સામંત કહે, ‘દેશીઓ, ફોન કર્યા વિના આમ અવાતું હશે?’ પણ મંદાને એ બંનેનો સ્વભાવ ખૂબ ગમી ગયો. રોજ સવારે મંજુબહેન સાથે વાત કરવાનો રિવાજ શરૂ થઈ ગયો. જોકે સામંત નોકરી પર જાય પછી. મંજુબહેન થોડામાં ઘણું સમજી જતાં. એમણે મંદાને કહી દીધેલું કે, ‘કોઈ પણ સમયે જરૂર પડે કે વાતો કરવાનું મન થાય તો ઘેર આવી જવાનું. ફોન કરવા રહેવાનું જ નહીં, હોં.’ કાંતિ ઘણું આવતો – ક્યારેક એકલો, ક્યારેક કોઈ અમેરિકન છોકરીને લઈને. ત્યારે સામંત ઘણું ખીલતો. ‘ભાભી, તમે સાથે હો તો બહુ ગમે. કોઈ વાર તો કંપની આપો, ભાભી.’ કાંતિ પાસે આવી બોલતો. એના કહ્યે કહ્યે લિઝી કે ડેઈઝી કે મલિસા પણ બોલતી, ‘મિન્ડિ, હેવ વન. યુ વિલ લાઇક ઇટ.’ મંદાની અકળામણનો પાર નહોતો રહેતો, પણ મનોમન એ આશા રાખતી કે ધીરે ધીરે બધું સરસ થઈ જશે ને ખરેખર, સામંતનાં બહેન- બનેવી બારેક દિવસ માટે રહેવા આવ્યાં ત્યારે કેટલી મઝા આવી! બધાં સાથે કેટલું હસતાં, સામંતનું પીવાનું સાવ ઘટી ગયેલું. બહેન પાસેથી મંદા એ ઘરની રીતની રસોઈ શીખી. લગ્નના બે મહિના થયાને પ્રસંગે સામંત બધાંને બહાર જમવા લઈ ગયો ને ચાર મહિના પૂરા થયાનો પ્રસંગ આપણે પૂનામાં ઊજવીશું કહી મંદાને સરસ સરપ્રાઇઝ આપી. કાગળ લખી નાખજે ને કહેજે કે રિસ્પેશનની તૈયારીઓ કરવા માંડે!’ આના થોડા દિવસ પછી મંજુબહેનના કોઈ કૉન્ટેક્ટને લીધે ભારતની કળા અને નૃત્યશૈલીઓ વિશે બોલવા એક સ્કૂલમાંથી આમંત્રણ આવ્યું. બપોરે બે કલાક માટે જવાનું હતું. મંદાને એમ કે સામંત બદલાય છે, ને વાંધો નહીં લે. વળી, ત્યાં નૃત્ય નહોતું કરવાનું. હાથની થોડી મુદ્રાઓ ખરી, પણ વધારે તો વાતો. તેથી એણે આમંત્રણ સ્વીકાર્યું. લેક્ચર ડેમોન્સ્ટ્રેશન ખૂબ સરસ ગયાં, ખૂબ તાળીઓ પડી, ફરીથી આવવાનો આગ્રહ થયો અને ફૂલોનો મોટો ગુચ્છ એને ભેટ મળ્યો. ઘેર આવતાંની સાથે જ, સરસ ગોઠવેલાં ફૂલો જોઈ સામંતે પૂછ્યું કે, ‘ક્યાંથી આવ્યાં?' જવાબ પૂરો સાંભળ્યો-ના સાંભળ્યો ને જોરથી એ બરાડ્યો : ‘મેં ના પાડી હતી તોયે ગઈ? મેં કહ્યું નથી તને કે હવે નાચ નથી કરવાના?' મંદાનાં બાવડાં પકડીને એણે ખૂબ હચમચાવી. પછી એના હાથ એવા મરડવા માંડ્યો કે જાણે તોડવાનો ના હોય. મંદાથી ચીસ પડાઈ ગઈ ને ત્યારે એ અટક્યો. પણ ફૂલોને જમીન પર નાખીને પગથી એમને મસળી-કચડી નાખ્યાં ત્યારે એ જંપ્યો. પછીને દિવસે મંદાના સૂજી ગયેલા હાથ જોઈને મંજુબહેન અનુમાન કરી શક્યાં કે શું થયું હશે. ત્યારે તો એમણે મંદાને કશું કહ્યું નહીં, પણ રાતે શ્યામુભાઈ સાથે અમુક ચર્ચા એમણે કરી લીધી. ને ત્યારબાદ એ આડીઅવળી વાતોની વચ્ચે – વરોની હેરાનગતિથી બચવા ભાગી છૂટતી સ્ત્રીઓના દાખલા, સ્ત્રીઓને મદદ કરતી સંસ્થાઓના ઉલ્લેખ વગેરે કહેવા માંડ્યાં. એક વાર સાધારણ ભાવે એ બોલેલાં, ‘કોઈ પણ સ્ત્રીએ પીડાતાં પીડાતાં શા માટે જીવવું જોઈએ?’ મંદા મનમાં જરા ફફડી ઊઠી હતી. જાણે એના જ મનની અંદરનો પ્રશ્ન એમણે ઉચ્ચાર્યો ના હોય! મંજુબહેને એક દિવસ એક અમેરિકન સ્ત્રીનો કિસ્સો ટાંક્યો હતો કે એના વરે એનો પાસપોર્ટ લઈ લીધેલો ને એને પૂરી મૂકી હતી વગેરે. છાપામાં બધું વિગતે આવેલું. પછી મંદાને સીધું જ પૂછેલું, ‘તારાં ઘરેણાં ને પાસપૉર્ટ સેફ ડિપોઝીટ વોલ્ટમાં છે, બરાબર? એની ચાવી ક્યાં રાખો છો?' ગંભીર ભાવે એમણે સલાહ આપેલી કે ‘ખાનામાંથી લઈને એક ચાવી – ના હું તો કહું છું – બંને ચાવી તારી પર્સમાં સાચવીને મૂકી દે. જરૂર પડે ત્યારે એક પર્સ જ લેવાની રહે. એક મિનિટ માંડ લાગે. સમજીને?’ કાંતિનું આવવાનું તો ચાલુ જ હતું. વખતોવખત સામંત મોડો આવતો. ‘ઓવર ટાઈમ મળતો હોય તો શું કરવા નહીં?’ એ કહેતો. ત્યારે પણ કાંતિ આવીને બેસતો – ઘરની જેમ જ. મંદા પાસે ચા બનાવડાવતો. ટી.વી. ચલાવતો, ગાવા માંડતો, કાંઈ કાંઈ વાતો કરતો. મંદાને બહુ ગમતું નહીં, પણ સામંતને કશું કહેવાની એનામાં હિંમત નહોતી. એક સાંજે સામંતે કાંતિને ખાસ જમવા બોલાવેલો. કાંતિ મલિસાને લઈને આવેલો. એ ત્રણે પહેલાં એક એક બિયર ને પછી વાઇન પીતાં રહ્યાં. મંદા રસોઈ કરતી રહી. કાંતિએ બે વાર એને બોલાવી, ‘ભાભી, ઓ ભાભી. સાથે બેસીને આજે તો થોડું લો મારી સાથે. મારી વર્ષગાંઠનું તો માન રાખો હવે.’ ‘જવા દે ને યાર’, સામંત અકળાઈને બોલેલો. ‘એ નહીં શીખવાની. છોડ એને. આપણે ત્રણ છીએ ને.’ બીજી શું વાત એ બંનેની વચ્ચે થઈ, ને ક્યારે થઈ તે મંદાને ખબર નહોતી, પણ જમ્યા પછી થોડી વારે, ‘હું મલિસાને મૂકીને આવું છું. કાંતિ બેઠો છે.’ કહીને સામંત જતો રહ્યો. પહેલી વાર કાંતિ સાથે એકલાં પડતાં મંદાને ડર લાગવા માંડ્યો. એ રસોડામાં જતી રહી, તો કાંતિ હાથ પકડીને એને બહાર લઈ આવ્યો. ‘હવે તો પાસે બેસવું જ પડશે.’ એ હસ્યો. ‘સામંતે મને વચન આપ્યું હતું કે આ વર્ષગાંઠ પર હું માગું તે ભેટ મને આપશે. ને એણે આપીયે ખરી. સાચો જીગરી છે મારો.’ મંદાની દશા વેચાવા મૂકેલા પંખી જેવી થઈ ગઈ. અને આજે તને ‘ભાભી’ નથી કહેવાનો. મિન્ડિ કેવું મીઠું લાગે છે.’ હાથ એણે છોડ્યો જ નહોતો. ઊઠીને ભાગી જવાની કે મંજુબહેનને ફોન કરવાની કોઈ શક્યતા હતી નહીં. મંદાનું મગજ – ભાન ચૂક્યા વગર – બચવાના ઉપાય વિચારવા માંડી ગયું હતું. આ તો હદ થઈ ગઈ હતી. ‘કોઈ પણ સ્ત્રીએ હેરાન થઈ થઈને શા માટે, ને ક્યાં સુધી જીવવું જોઈએ? મંદા રટતી હતી. કાંતિ વ્હિસ્કીની બૉટલ ખોલીને પીવા લાગ્યો હતો. એનો નશો વધી ગયો હતો. જરા અસ્થિર પગે ઊભા થઈ એ મંદાને બેડરૂમ તરફ ખેંચી જવા માંડ્યો ત્યારે એક ઉપાય મંદાને સૂઝી આવ્યો. એ જ કાંતિને દોરી ગઈ ને એને ખાટલા પર બેસાડ્યો. ‘જુઓ, તમે નિરાંતે બેસો પગ ચડાવીને. હું બરફ ને ગ્લાસ લઈ આવું.’ મંદાની નજર પર્સ પર હતી. એ પકડી લઉં તો છટકી જઈ શકું. એક મિનિટ માંડ જરૂરી હતી બચવા માટે. ‘તમે જોજો બે ગ્લાસ લાવું છું કે નહીં.’ જલદી જલદી મિન્ડી મિન્ડી પાછી આવ.’ કાંતિની આંખો સંતોષમાં બંધ થયેલી હતી.’ ‘હા, હા, એક જ મિનિટ. આ આવી.’ બૅન્કના બૉક્સની જ નહીં, ઘરની તેમજ બેડરૂમની ચાવી પણ પર્સમાં જ હતી. ‘હવે સામંત જ્યારે પાછો આવે ત્યારે ખરો. ને પછી જે કરવું હોય તે કરે એ ને એનો કાંતિ.’ એણે બેડરૂમના બારણાને બહારથી ચાવી મારી, બહારના બારણા પાસે પડેલાં સૅન્ડલ પહેર્યા, બારણું ખોલ્યું. બહાર જઈ એને પણ ચાવી મારી ને પર્સને હૃદયસરસી ચાંપીને મંજુબહેનના ઘર તરફ દોડી. એ એક મિનિટમાં મંદાની આખી જિંદગી બદલાઈ ગઈ. શ્યામુભાઈ અને મંજુબહેને એને દરેક રીતે ઓથ આપી. પોતાના ભાઈને ત્યાં એને મોકલી આપી કે જેથી સામંત એને શોધી જ ના શકે. ‘સહેલી’ સંસ્થાએ છૂટાછેડા બાબતે મદદ કરી. પપ્પા-મમ્મીએ તો એને પૂના આવી જવા ઘણી આજીજી કરી, પણ મંદા સૌથી પહેલાં પોતાના પગ પર ઊભી રહેવા ઇચ્છતી હતી. એણે વધારે સમય બગાડ્યા વગર અમેરિકન લિટરેચર અને આર્ટ્સમાં માસ્ટર્સનું ભણવાનું શરૂ કરી દીધું. એ દરમિયાન માઇકલ સાથે એને ઓળખાણ થઈ ને ધીરે ધીરે ગાઢ મૈત્રી. અઢી વર્ષમાં માઇકલે મંદાના મનને ફરી ખીલવી દીધું હતું. એ મંદાને પરણવા માગતો હતો. પપ્પા-મમ્મી અમેરિકા આવીને માઇકલને મળી ગયેલાં, ને હવે નિશ્ચિંત થયાં હતાં. સાદાઈથી પરણીને બંને માઇકલની એસ્ટેટ પર, પર્વતોની વચ્ચે રહેવા જતાં રહેવાનાં હતાં. એ પહેલાં એક વાર મંજુબહેનને મળી જવા એમના ખાસ આગ્રહથી બંને મંદાના ભૂતકાળને સ્થાને આવેલાં. સ્વાતંત્ર્યદિનના પ્રોગ્રામમાં એક નૃત્ય રજૂ કરવાનો આગ્રહ તો શ્યામુભાઈનો. કહે, ‘દીકરી, તું દૂર જાય તે પહેલાં અમને એક વાર તારી કળાનો લાભ આપતી જા.’

મંદા ધ્રૂજી રહી હતી. બંને હાથે એણે માથું પકડ્યું હતું. એને જાણે ચક્કર આવતાં હતાં. ક્યાં હતી એ? પાછી પેલા ફ્લૅટમાં? કપરા વીતેલા સાડા ત્રણ જેવા મહિનાની આટલી બધી વાત યાદ કરતાં કેટલો સમય લાગે? કલાકો? દિવસો? મંદાને કોઈનો અવાજ સંભળાતો હતો. ‘કેમ છો, ભાભી? ઓળખાણ ના પડી? હું કૅનિટ એક શબ્દ તો બોલો મોઢામાંથી. આ સૅમિ પણ યાદ નથી? અલ્યા, તું તો બોલ કાંઈ.’ મંદાએ જોરથી આંખો મીંચી રાખી. બંને કાન પર હાથ જોરથી દબાવી રાખ્યા. ત્યારે જો માઇકલે આવી ચડીને એને સંભાળી લીધી ના હોત તો એ પડી જ ગઈ હોત. હાથમાંની કૉફી ટેબલ પર મૂકી માઇકલે મંદાને ખુરશીમાં બેસાડી. એની સામે નીચે ઉભડક બેસીને એણે મૃદુ અવાજે કહ્યું, ‘મંદા, આંખો ખોલ, ડિયર. જો, હું છું. હવે ગભરાવાનું કોઈ કારણ નથી.’ મંદાની આંખમાંથી આંસુ વહી રહ્યાં હતાં. મંજુબહેન પણ એટલામાં આવી ગયેલાં. એમણે કાંતિ અને સામંતને ઓળખી લીધા. એમણે માઇકલની સામે જોઈને એ બેની તરફ ઇશારો કર્યો. માઈકલ ઊભો થઈને તરત ટેબલની પેલી બાજુ ઊભેલા પુરુષો તરફ ગયો. એણે જોયું કે એમાંનો એક તંબૂના બારણાની દિશામાં જવા માંડ્યો હતો. કાંતિએ સામંતની બાંય ખેંચીને કહેલું, ‘ચાલ, ચાલ, નીકળી જઈએ.’ સામંત ખસી નહોતો શક્યો. એના હોઠ ફફડતા હતા. અવાજ નીકળતો નહોતો. માઇકલે સામે જઈને પૂછ્યું, ‘કોણ છો તમે?’ સામંત જરા ગળું ખંખેરીને કહ્યું, ‘મંદા ઈઝ માય. મંદા વોઝ. મંદા સાથે થોડી – વોન્ટ ટુ ટૉક.’ કશું પણ બોલ્યા વગર માઇકલ સ્થિર, ભાવહીન નજરે સામંતની સામે જોઈ રહ્યો, ને પછી એણે તંબૂના બારણા તરફ હાથ લાંબો કર્યો. એમાં જે આદેશ હતો તે સ્પષ્ટ હતો. નીચે માથે, ચૂપચાપ સામંત બહાર જતો રહ્યો. મંજુબહેને આપેલું પાણી પીને મંદા થોડી સ્વસ્થ બની હતી. એ બંનેને માઇકલ તંબૂના પાછલા બારણા પાસે ઊભી રાખેલી ગાડી તરફ લઈ ગયો અને હોટેલમાં પહોંચાડીને કેટલીક વારમાં પ્રોગ્રામના ચોગાનમાં પાછો આવ્યો. શ્યામુભાઈને શોધીને પાછળ ગાડી પાસે મળવા કહ્યું ને એ પછી સામંતને ભીડમાંથી તારવવા નજર ફેરવવા લાગ્યો. ખાવાનું વેચાતું હતું ત્યાંથી એક પુરુષ અને બે ગોરી છોકરીઓની પાછળ સામંત જતો દેખાયો. ઝડપથી ત્યાં પહોંચીને માઇકલે એને ઊભો રાખ્યો, અને એક કવર એના હાથમાં આપ્યું.' ‘મંદાએ કાગળ લખી મોકલ્યો છે?’ પણ ખોલીને અંદર જોતાં સામંતના મોં પરની આછી ખુશી અદૃશ્ય થઈ ગઈ. માઇકલ ભાવહીન અવાજે બોલ્યો, ‘પચાસ ડૉલરના બે ટ્રાવેલર્સ ચેક સુપર-માર્કેટના નામે છે. એ એના ખાવાનો ખર્ચો ભરપાઈ કરી દેશે. ત્રીજા ચેકમાં નામ નથી લખ્યું. એ પચાસ ડૉલર તમે છૂટા કરાવી લઈ શકશો. મારી ના છતાં એ એણે તમારી દયા ખાઈને આપ્યા છે. જો અક્કલ હોય તો એ પૈસા દવા ને વિટામિન માટે વાપરજો. નહીં તો તમે જાણો.’ સામંત માઇકલને દૃઢ પગલે જતો જોઈ રહ્યો. કાંતિ દૂરથી એને બોલાવતો હતો. ‘એય સૅમિ, ચાલ હવે જલદી. આપણે જઈએ હવે.’ સામંતે માથું હલાવી એ તરફ ફર્યા વગર, પહેલવહેલી વાર એના જીગરી દોસ્ત કાંતિને ના પાડી – દૃઢ થઈને.