મણિલાલ હ. પટેલ/૮. ખેંચાયેલો વરસાદ
વચગાળાનો વરસાદ ખેંચાતાં સીમખેતરનો મોલ તડકો ચડતામાં તો વિલાવા માંડતો. માથે વાદળી પસાર થતાં હોય ને છાંટોય પાણી ન મેલતાં હોય એ વાત પશીને મૂંઝવતી. વાદળી છાંયડાથી કૂણા કાચા મોલ કેટલો વખત બચી શકવાના? બાપાની જેમ પશીનેય ચિંતા થતી. ગયું વર્ષ તો અરધું-પરધું પાક્યું - ના પાક્યું ને અછતનો ગોદો મારતું ગયેલું... આ વરસેય વણસ્યું તો મહેમાન-પરોણા તેડવા સારુય બાપાએ લોકનાં ઘર ગણવાનાં થશે? એની આંખોમાં સાસરિયા તેડત તરવરી રહ્યા. વગડા વાટે બેઉ બાજુ કલાં-કલાં કરતી સીમની જોવનાઈને પશી જોતી જાય છે... ધરતીની તરસ અને હવાનો બાફ એની કાયામાં પરસેવો કરે છે... ડિલે ભીંસ કરવા માંડેલા કબજાનું છેલ્લું બટન ખોલ્યા વિના એ ન રહી શકી... જરાક શાતા વળતાં એ પોતાની જાતને નીરખી રહી... મેળામાં, ગયે વર્ષે, પોતાના ‘પરણ્યા’ સાથે હિલ્લોળે ચઢેલી સૈયર ચકી સાંભરી આવી... ભરાવદાર છાતી અને કમરના મરોડ કરી-કરીને મૂઈ શું મલકાતી હતી! એના ‘પરણ્યા’ કરતાં એની સાથેના દોસ્તદારો વધારે વાયરે ચઢેલા... પશી તો લજવાઈ ગયેલી. આખા મેળામાં એની તરસી આંખો ફરી વળેલી, પણ શહેરમાં હીરા ઘસવા ગયેલા પતિ નટુને આવો ગાડિયો મેળો સાંભરે શું કામ? શહેરમાં તો નિત્ય મેળા... ને રોજનું મ્હાલવાનું. ચકી તો જેઠ આણે ગઈ. અત્યારે તો એ અને એનો ‘એ’ બેઉ...! પશીના ગાલે રાતા રાતા શેરડા જોનારું કોઈ નહોતું. મનને ઘણુંય કાઠું કરવા છતાં પશી વિચારોને નાથી ના શકી. પોતાનો પડોશી અને બાળભેરુ મનુ એને સાંભરી આવ્યો. મનુ હોત તો એ કાલે અગિયારસને મેળે ગઈ હોત! હાસ્તો. પણ એનું ભણતર કોણ જાણે કેટલાંય વર્ષોથી ખૂટતું જ નથી. બધાં કહે છે પણ શહેરમાં રહેવાથી ને વધારે ભણવાથી મનુ કાંઈ બગડી ગયો નથી, પશીના મનમાં એ આવી ઊભો. ચોખ્ખીચણાક કોડી જેવી ચમકતી આંખો, ચૂંટી ખણીએ તો લોહી દદડી આવે એવા ગાલ, વારેવારે જમણે કપાળ – આંખે ઊતરી આવતા બાલને સરખા કર્યા કરવાની એની ટેવ, રોજ બદલાતાં કપડાં, એમાંય ધોળા લેંઘોઝભ્ભો પહેરે ત્યારે તો ભારે રૂપાળો લાગે... પશીને થતું કે ભણીગણીને સિનેમામાં ઊતરશે કે મોટો સાહેબ થશે. ગામમાંય બધાં મનુનો દાખલો લ્યે. મૂળથી ભણવામાં આગળ ને બોલવા-ચાલવામાં ડાહ્યો, વિવેકી આજેય આવે ત્યારે પશી જોડે નિરાંતે બેસે, શહેરની વાતો કરે. બધું સમજાવે. એ તો અડધી-અડધી થઈ જાય. પશીની આંખમાં પાણી આવી જતું. મનુ એનું મન પામી જતો, કહેતો : ‘ગાંડી, તુંય શહેરમાં જ જવાની ને! નટવર હીરા ઘસવામાં સારું કમાય છે... ચિંતા, ન કરતી.’ આ ક્ષણેય પશીને લાગી આવ્યું. કળશી વલોપાત મંડાયો; ક્યાં મનુ અને ક્યાં નટુ! રાજા ભોજ અને ગાંગો તેલીની કહેવત યાદ આવતાં એની ઉદાસી ઘૂંટાઈને ઘટ્ટ બની. સીમની તળાવડી પાસે આવીને એ ઊભી રહી. ટકોટક બરોબર કાંટોકાંઠ ભરાઈ આવેલી તલાવડી હવે એકાદો સારો વરસાદ ભાર દઈને પડે તો છલકાઈ જવાની, પશીને થયું. પાછી પેલી સરખામણી આગળ ચાલી. કોક વહુવારુ કે સૈયર સાસરીથી વાત લાવતી કે નટવર તો પૈસા ઉડાવે છે, ઘેર બહુ આવતો નથી, સિગારેટ પીવે છે ને ક્યારેક તો... એ આગળ વિચારતાં ગભરામણ અનુભવી રહી. મનુએ ક્યારેય એને જુદી રીતે જોઈ નથી, હસીમજાક કરી નથી. પશીને આ પળે એનો આનંદ થવાને બદલે જરાક લાગી આવ્યું. એ પોતેય સમજી ન શકી કે આજે મનુ આટલી બધી વાતેભાતે શું કામ સાંભરી આવ્યો છે! પહેલા ધોરણથી છેક દસમા સુધી બધાં જોડે ભણ્યાં. પાંચમાથી તો નજીકના લાલપરા ગામે ભણવા જવાનું હતું. રસ્તામાં મનુ સિવાય પણ બીજા ઘણાય છોકરા અને છોકરીઓ હોય. કોક-કોક ન બોલવાનું બોલે, હાઈસ્કૂલના દિવસોમાં તો એવી મજાકો વધી ગયેલી. ચકી તો બધા છોકરાઓ સાથે ભળે, ક્યારેક મજાકનો આકરો જવાબ વાળે તો ક્યારેક સામી મરક્યા કરે કે ‘બે અર્થવાળું’ બોલી લ્યે... ચીમન ઉછાંછળો, ચાલાક ને કૈંક ભારાડી જેવો. ચકીને સંભળાવવા ઘણી વાર નગીનને કહેતો : ‘બાપુની ઘોડી પલાણતાં શીખવું હોય તો આ રવિવારે પડતરમાં આવજે —’ ‘ક્યાંક લાત ના વળગાડે એ જોજે’ ચકી સામો ઉત્તર વાળતી. નગીન જરા મરડમાં બોલતો : ‘મને તો પડતરનાં કોતરોની બહુ બીક લાગે... ફાંહાઈ પડતાં વાર નઈ.’ વાટમાં વાડે ચરતાં બકરાં જોતો ત્યારેય ચીમન ચગ્યા વિના નહોતો રહેતો – ‘અલ્યા, નગીન! આવડા મોટા બકરીઓના ટોળામાં બકરો તો એક જ ભાળું છું.’ ‘તે તું જોડાઈ જા – ’ નગીન નિર્લજ્જતાથી કહી નાખતો ને ટોળીમાં હાહાહીહી થઈ રહેતું... કોક વળી વાત ચગાવતો – ‘એને તો ઘેર ભેંસ વિયાઈ છે ને પાડી આવી છે—’ પશી મનુ સામે જોઈને શરમાઈ જતી. મનુ આ ટોળાથી બને એટલો આગળ કે પાછળ રહેવા મથતો. પશી પણ તેમ કરતી એથી વળી પેલી ટોળી ગંદીગોબરી વાતો ઉપજાવી કાઢતી આવું થાય ત્યારે ચકી છોકરાઓનો ઊધડો લેતી એ પશીને ગમતું. પણ ચકી મનુની નોટ-ચોપડી લ્યે કે વાતો કરે ત્યારે એ મનોમન અકળાઈ રહેતી. સ્કૂલમાંય વિધવા બ્રાહ્મણીની પુષ્પા મનુને ટગરટગર તાકી રહેતી ને રિસેસમાં મનુને એને ઘેર પાણી પીવાના બહાને તેડી જતી ત્યારે તો પશી રડું-રડું થઈ જતી. મનુ એને કેહેતો : ‘આપણું ધ્યાન ભણવામાં રહેવું જોઈએ. હું તો બધાંની ભણવા સિવાય કોઈ વાત સાંભળતો નથી.’ પશી બપોરિયા નાસ્તામાંથી વઘારેલો તીખો રોટલો પાછા વળતાં મનુને આપતી. મનુ એની લાગણી સમજતો, છતાં ક્યારેક પ્રેમથી કહેતો : ‘નાસ્તો ખવાય એટલો લાવવો, વધે તો તારી બહેનપણીઓમાં વહેંચવો....’ બધી સૈયરોનાં આણાં થઈ ગયાં. ભણતર મેલ્યાનેય વખત વીત્યો... નટુ મૅટ્રિકમાં નાપાસ થયેલો. પછી કારખાનાં-મિલો કરતો-કરતો છેવટે હીરા ઘસવામાં ગયો... પશીના ભણતર પર ‘બ્રેક વાગી ગયેલી.’ કાચી વયમાં પરણાવેલાં તે શું થાય! ધણીથી આગળ થોડું જવાય છે! મનુ તો કાચા લગનનો વિરોધ કરીને બચી ગયેલો. પશીને સમજાતું નહોતું કે આ જ ગામનો, પોતાના સમોવડિયો, આજ માટીનો છોકરો... ગામ જેવું જ ખાતોપીતો ને તોય આટલો બધો જુદો કેમનો પાક્યો હશે?! આ ઉનાળે તો મનુ ખાસ દેખાયો જ નહીં! એના લગનનાં માગાં આવતાં ત્યારે ત્યારે પશીની છાતીમાં ધબકારા વધી જતા... એનો મૂંઝારો કોકને કહેવા એ રઘવાઈ થઈ જતી. ડાબરામાં નાની-નાની માછલીઓ પકડતાં નાયકાંનાં ટાબરિયાં તરફડતી માછલીને મુઠ્ઠીમાં બંધ કરીને હસતાં ત્યારે પશીથી રહેવાતું નહીં. ડોડા – મકાઈની વેળા આવી છે. મનુ આવે તો એ એને શેકી-શેકીને ડોડા ખવરાવશે, પોતાને ત્યાં કરેલો દાણો એને હોંશથી આપશે... જો વરસાદ વધારે ખેંચશે તો મકાઈ ડોડામાં દૂધ નહીં ભરાય, ડોડાની હારોં નહીં ઊભરે.. એણે આભલાં તાક્યાં. ઉતાવળી ને પાણીઝલ્લી વાદળીઓને બદલે ફોદા થઈને વેરાઈ રહેલાં પથ્થરિયાં વાદળો એને વરવાં ને વસમાં લાગ્યાં. મનુનો મીઠો અવાજ. ગરમ ડોડાનો ઊનોઊનો સ્વાદ. આંખનો બોલાશ. ચહેરાનો અજવાસ... તળાવડીનાં જરાક ડહોળાં પાણીમાં પશી પોતાનો ચહેરો ચોખ્ખેચોખ્ખો જોઈ શકતી નહોતી. જળ નીતરવાની હજી વાર હતી. પાસેની ક્યારીમાં ગામપાડો લીલીછમ ડાંગર ભેળી રહ્યો હતો. પશીને ડર લાગ્યો કે પાડો રૂતળીને એને મારવા તો નહીં દોડે ને! પાડાની જાતને એ બરોબર જાણતી હતી. નબળા મુખી માટે સાકર કાકીએ કાલે કહેવત વાપરેલી ‘હરાયો પાડો ને ચોમાહું ચર્યો! પસે પૂછવું હું –’ પશીના કાનમાં એ શબ્દો પડઘાયા અને ડિલમાંથી એક ધ્રુજારી નીકળી ગઈ. તળાવડી ઉપર નજર પાછી વળી, સામા અવાવરું કાંઠે ધરુગડાંના ઘટાટોપ આગળનાં શાંત જળમાં લાલ પોયણવેલ પાંગરી હતી... પશીએ જોયું કે એક પોયણું તો ઊઘડી ગયું હતું રાતુંચોળ! બાજુમાં બબ્બે કળી-ડોડવા દેખાતા હતા... એને એ રમાડવાનું મન થયું... પેલાં કંકુવરણાં પોયણાં માટેય એનો જીવ લલચાયો... પણ વચ્ચેનાં પાણી કાપીને ત્યાં સુધી પહોંચવાનું કેમ કરીને! પશીથી એક આછો નિઃશ્વાસ મુકાઈ ગયો. એણે ખેતર બાજુ પગ વાળ્યા. વાટની બેઉ બાજુ ઊગેલા વગડાઉ ઘાસ ઉપર લચી આવેલાં ઝીણાંઝીણાં ફૂલોને પંપાળવાનો ઉમળકો પશીએ ગણકાર્યો નહીં. પણ પાસેની વાડ ઉપર છવાઈ ગયેલાં વાદળી – સફેદ ફૂલોને એ ચૂંટ્યા વગર રહી ન શકી. વાડમાં ઊછરેલી ડોડીવેલનાં ફૂલોને તોડીને ખાવા સાથે ડોડીની ડૂખ તોડી નાકમાં નાખી એણે બેત્રણ છીંકો ખાઈ લીધી... થોડી હળવાશ આવી ગઈ. થોર પર ડોક કાઢી રુઆબથી જોતાં કંકાસિનીનાં ફૂલોમાંથી એકબે તોડતી ને ગાલ સાથે ફૂલોને અથડાવતી એ એના ખેતરમાં પેઠી. બાપા ખેતરમાં નહોતા. પાધરી વાટે ઘેર ગયા હશે. પશીને ખેતરમાં આવેલી ભાળીને નગીને એના ખેતરને માળેથી ગીત વહેતું મેલ્યું : ‘ઝેંણી ઝેંણી મોરલીઓ વાગે સે...’ પશીને થયું ભલે ગાતો. કાચી વયે મેળામાં ડાબે હાથે કૃષ્ણ છૂંંદાવેલા. પશી બંગડીઓ વચાળે એ કૃષ્ણને, એમની મોરલીને જોઈ રહી. ઊંડેઊંડે રણઝણાટ ઘૂઘવાટમાં બદલાતો અનુભવાતાં એણે વાડ પાસેના વેલાને ખેંચ્યો. કંથેરમાંથી હોલી ઊડી, એના ઓચિંતા અવાજથી પશી જરાક બી ગયા જેવી થઈ. હોલીનો માળો ખાલીખમ હતો. એક કાંટાળા થોરને કૂણાં પાંદડે ભરાવદાર વેલી વીંટળાઈ હતી. એ થોરને માથે, ચોમાસું અધવાર્યા છતાં જેનો મદ આછર્યો ના હોય એવો રાતાકાળા ગળાવાળો કાચિંડો ડોક હલાવતો બેઠો હતો. હમણાં જ કકરાવેલા દાતરડાની આકરી ધારથી એની ડોક ઉરાડી દેવાનો પાશવી વિચાર પશીને આવી જતાં એ થોડુંક થરથરીને રહી ગઈ. મકાઈના હારબદ્ધ છોડવાઓની કેડ્યે ફૂટી આવ્યા હતા. એની કથ્થાઈ પીળી મૂછો ઉપર હાથ પસવારતી પશીને ગલીપચી થતી હતી. કૂણાં મૂછિયાંને ચૂમી લેવાનું મન થયું. એક વાર મનુના ઘરમાં એ જઈ ચડેલી, બપોરી વેળાએ મનુ એકલો ઊંઘતો હતો. એના ઊંઘલ્યા મોંને એણે ઝૂકીને ચૂમી લીધેલું... એ ચૂમીસ્પર્શ પાછો ઝંકૃત થઈ રહ્યો. એ હસી. જાગેલા મનુ ત્યારે એને કાંઈ કહે કે ઝાલીને કદાચ વળતી ચૂમી લ્યે એ પહેલાં તો એ ભાગી છૂટેલી. બેચાર દિવસ સુધી એ એનાથી સંતાતી રહેલી.... મનુએ વાતને તરત ધરબી દીધેલી. આજે જાણે એ પાછળ દોડ્યો આવતો હોય એ રઘવાટ લૈને બીજે શેઢે જઈ ઊભી. બે બાઈઓ પાસેની ડાંગર ક્યારીમાં નીંદામણ કરતાં વાતે ચઢેલી : ‘મારી બૈ! વરહાદ આવે કે ના આવે... આપડે તો નેંઘા-ગોડ્યા થોડું સાલવાનું સે!’ ‘કે’તમાં ક’યું સે ને કે ધરતી, દેઈ (દેહ) ને ઘર એ તૈણને અવેર્યા વના સાલતું નથી... મનેખનો અવતાર ને એમાંય ખેતીવાળાના ઘેર! હું કર્યા વના સાલે બુન! એટલું ઓછું ઑય એમ પાછો અસ્તરીનો અવતાર...’ ‘માટીની માયા સૅ બધી! હાહ તાં લગી હોહ!’ પશીએ દાતરડું ચલાવ્યું.. ચારની કાલરો ખડકાતી જતી હતી.. હુક્કો પીએ એટલી વારમાં તો મોટો ભારો ચાર એણે આડી સૉત કરી દીધી. હાથમાં હજી દાતરડું સળવળતું હતું. શેઢે સુકાવા આવેલા પોદળાને એ ફેંદી રહી... ગંદા ભીંગારા એકબીજા ઉપર ચઢતા-પડતા-ગબડતા હતા. એ એમને જુદા પડાવાનું પાપ કરી રહી... આ જ ખેતરોમાં મનુએ એને સુંવાળી રાતી ઇન્દ્રગોપ ‘ભગવાનની માસી’ કહીને બતાવી હતી. ગોકળગાય અને કનડીઓ દેખાડ્યાં હતાં. તો વીંછી પણ કાઢીને એનો અંકોડો બતાવેલો! ચારનો ભારો બાંધીને એ પોતાનાં બે ખેતરો વચ્ચેના શેઢે ચઢી.... અડધે પહોંચી હશે ને ક્યાંકથી નગીન ફૂટી નીકળ્યો... એ ચમકી, એક પળવાર એની અંદરના અમળાટે એને ઊભી કરી દીધી. હુમલો કરવાને બદલે પશીની રૂખ પારખતાં હેબતાઈ ગયેલો નગીન... ‘ઉં તો અમથો... શંકરકાકા બાપા નથી.. જરા બીડી પીવા...’ પશીના હાથમાં દાતરડું રમતું જોઈ નગીન ઝટ વળી ગયો. તંગ ખેંચાયેલી પણછ જેવી પોતાની કાયા સામું પશીએ જોયું.. એક અશમ્ય તરસ... રણઝણાટ... ધ્રુજારી બધું ગૂંચવાતું એ અનુભવી રહી. દાતરડા પર રોષ પણ થયો... બીજા શેઢે પહોંચી તોય પેલો અમળાટ શમ્યો નહોતો... હમણાં વરસાદ ખેંચાતાં રોજ સાંજે ફળિયે – ચોપાડે બધાં ભેગાં બેસતાં, અલકમલકની વાતો થતી. બૈરાંમાં બે વાતોએ વધારે રસ જગવેલો. પરગણાની કણબણ મ્હેતી થઈને દૂરના તાલુકે નોકરી કરતી, ત્યાં નિશાળના વણકર માસ્તરને લઈને ભાગી ગયાના વાવડ હતા. બીજી વાતમાં માંહ્યલા ગાળાના એક આગેવાનોના ગામમાં આબરૂદાર ઘરની વહુ ધણીને ઊભા ભાલે મેલીને જૂના પ્રેમી સાથે પોબારા ગણી ગયેલી. લોક મોઢાં એટલી વાતો કરતું! પશીને બેઉં વાતોનો મર્મ જંપવા નહોતો દેતો. છાતી પરથી ખસી ગયેલો પાલવ સરખો કરતાં એ અટકી. મેળાનો ચગડોળ સાંભર્યો. પોતે મનુને લપાઈને બેસતી તેમતેમ મનુ સંકોડાતો હતો.. વળતી વાટે ચીમનનો બફાટ ચાલુ હતો. આ ટેકરીઓય મેળે જવા ઊઘલી હોય એવી છે’લ્યા. એમનેય જોવનાઈના દહાડા છે. બે ખેતરવા આઘેના પડતરમાં સાકરકાકીનો જણ પડતર ભોંયને પાછોતરી બાજરી વાવવા માટે ખેડતો હતો... ખેડતાં ખેડતાં ગાતો હતો : ‘તાંણી બાંધું રે તંગ જોતરાં કાંઈ લાંબેરો મેલું નાડ હુક્કી ભોંયમાં પાડું ચાહડા કાંઈ ઓરું મનખાવતાર....’ મોટો ભારો મુસીબતે માથે ચઢાવી પશી ચરામાં ચરતી સારસ જોડ જોતી જોતી ઘરની વાટે વળી ત્યારે નગીને ફરીથી ગળું વહેતું મેલ્યું હતું : ‘ડુંગરે ડુંગરે દવ બળે ને નદીએ હોંકારા થાય...’ પશીએ પડસાળમાં ભારો નાખ્યો ત્યારે બાપા ચોપાડમાં હુક્કો પીતાં પીતાં બાને કહેતા’તા કે ઓણસાલ તો ખેતરો પાકે કે ન પાકે, પશલીનું આણું વળાવ્યે જ છૂટકો.... આણાની વાતે પશીને ઝાઝો હરખ નહોતો એ ખરું, તોય આવી રૂડી વાત કરવા દોડી જવા જેવી સૈયરોય ગામમાં હાજર ક્યાં હતી! બીજે દા’ડે ખેતરે જતાં લૂગડાં પલળે એટલા છાંટા થયેલા. વાટની પડછે ચરાના હવડ ખાબડામાંય પોયણીઓ પાંગરતી હતી. બાવળીઓમાં કરોળિયાઓએ ઝાળાં રચ્યાં હતાં ને મેઘે વળતો મારગ બદલ્યો હતો. લીલીછમ સીમ વહેલી વળવા માંડેલી, વાવ-કૂવાનાં તળિયાં દેખાયાં ત્યારે ખાવાજોગ પાન ને ઢોર ઘાસની આશાઓ બંધાઈ હતી. ભર્યાં ખેતરો બપોરી તાપમાં દયામણાં લાગતાં... પશી પોતેય એ ખેતરો જેવી... વિલાતી ને વમળાતી. ઘરના વાડામાં શરદનાં રંગબેરંગી પતંગિયાં ઊડાઊડ કરતાં હતાં. આંગણે રાવણહથ્થો લૈને ભરથરી આવી લાગતો ને ગાતો – ‘મણિયારો રે કળાયલ મોરલો ને કાંઈ હું તો ઢળકતી ઢેલ રે...’ કે ‘પ્હેલા પ્હેલા જુગમાં રાણી તું હતી પોપટી ને – ’ નવરાત્રિના દિવસો આવી ઊભા, ‘મારી મહીસાગરને આરે ઢોલ વાગે સે..’ ગાવાનો પશીનો ઓરતો મનુના આવ્યા વિના અધૂરો રહ્યો. ‘મનુને પરીક્ષાઓ જ ખૂટતી નથી’ એવું એનાં મા પશીને કહ્યા કરતાં! એને એક જ આશા હતી કે આણાના દિવસો સુધીમાં મનુ આવી જાય તો... પોતાને સજાયેલી જુએ એ નસીબ. ગામતળાવડી રાતાંગલ પોયણાંથી ભરચક થઈ ગઈ. પશીનું આણું આવ્યું. તળાવનાં નીતર્યાં પાણીમાં એ મોઢું જોઈ રહેલી. બાપાએ શું વેચીને ખર્ચનો વેંત કર્યો છે એ જાણવા એ બાપા સામે ઊભી રહી. ‘ગાંડી થૈ બેટા! તારો વચાર કરીને મેં તો બધીય વેવસ્થા રાશેલી... તું બેફકર્ય રે’જે....’ બાપાએ પોતાનો ચાંદીનો કંદોરો વેચીને પશી માટે ઝૂડો-કંદોરો ને જમાઈ સારુ પોંચી કરાવેલાં... બધું રંગેચંગે થયું. વરસાદ ખેંચાય તોય શું કર્યા વિના ચાલે? રાતા ગવનમાં પશી રજપૂતાણી જેવી શોભતી હતી. માબાપને ભેટતાં એ હીબકે ચઢી ગઈ. એને સાંત્વના આપવા સરખી વયની કોઈ સૈયર ગામમાં નહોતી રહી. સૌના આણાં તો ક્યારનાંય... ને મનુ તો વરસાદ જેવો... આગળ નીકળેલા તેડતની પાછળ નીકળેલી પશી ઉતાવળે મનુના ઘરમાં થઈને વાડામાં ગઈ... ચારેક દિવસથી નહીં ચૂંટેલા ગુલાબ તોડવા એના હાથ લંબાયા... પણ ગુલાબની પાંદડીઓ ખર ખર વિખાઈ પડી... નીચે નમીને ફૂલોની પાંદડીઓ વીણતી પશીનાં આંસુ એ છોડને સીંચવાનો વૃથા પ્રયત્ન કરતાં હતાં... ખોબામાં પાંદડીઓ લઈ મનુના ઉંબરે માથું ટેકવી ધીમી પણ મક્કમ ચાલે ચાલી જતી પશીને આખું ફળિયું ભીની આંખે જોઈ રહ્યું.