કિરીટ દૂધાતની વાર્તાઓ/૧૦. કૂતરાં

Revision as of 11:56, 14 March 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૧૦. કૂતરાં

મને હમણાં હમણાંથી લાગ્યા કરે છે કૂતરાં અંગે સમગ્રપણે વિચાર કરવો જોઈએ. નવા ઘરમાં રહેવા આવ્યા છીએ એટલે અહીં ગોઠવાઈશું કે કેમ એની બધાને ચિંતા રહ્યા કરે છે. એમ તો નોકરીમાં ઘણાં શહેરોમાં જુદા જુદા ઠેકાણે રહ્યા, પણ એમાં ઘરની લાગણી ઊભી ન થઈ. હવે બચતની મૂડીમાંથી શહેરથી ઠીક ઠીક દૂર આ પોતાનું ઘર લીધું એટલે ખોટો નિર્ણય તો નથી થઈ ગયોને. એની ચોકસાઈ કરવા બધા સવારમાં એકબીજાને પૂછે છે, ઊંઘ તો બરાબર આવી હતીને? પછી બધા એકમેકને આશ્વાસન આપતા હોય એમ કહે, અરે! ઘસઘસાટ આવી ગઈ’તીને, શું કહું મને દૂરથી મોર બોલતા હતા એ પણ સપનામાં બોલતા હોય એવું લાગ્યું. પછી મને પૂછે, તમને? મેં કહ્યું, હું પણ મોરનો અવાજ સાંભળતો હતો, સાથોસાથ મને કૂતરાં પણ રડતાં હોય એમ સંભળાય છે. કૂતરાંના અવાજો ઊંઘમાં ખલેલ પાડ્યા કરે છે. બધા એકબીજા સામે જુએ અને અચકાતાં કહે, ના રે ના, કૂતરાં કેવાં અમને તો ફક્ત મોર જ સંભળાય છે. પછી સધિયારો આપતાં હોય એમ કહે, તમને હજી આ નવી જગા માફક નથી આવી લાગતી એટલે એવો વહેમ રહ્યા કરે છે. હા, કૂતરાંના અવાજોથી મને ઊંઘ નથી આવતી એટલે સવારમાં વહેલો ઊઠી જાઉં, અથવા તો જાગતો પડ્યો રહું. વહેલી સવારે માંડ ઊંઘ આવે. ક્યારેક વહેલી સવારે ઠંડી હવામાં થરથરતો કે સૂરજ ઊંચે આવી જાય ત્યારે પરસેવે રેબઝેબ થતો ચાલતો નીકળી પડું. નવા વસવાટવાળાં મકાનો કે અરધી બંધાયેલી સ્કીમના ફ્લેટ વટાવી ગાડાંકેડા પર જ બનાવી દીધેલા મોટરેબલ રસ્તા પર ચાલતો ચારેબાજુના સૂનકારમાં આગળ વધું છું અને મને દેખાય છે કૂતરાં. રોજબરોજ ફૂટી નીકળતી નવી સોસાયટીઓને કારણે વસ્તીથી થોડે દૂર આઠ-દસની સંખ્યામાં, દિવસે દિવસે ક્ષીણ થતાં જતાં. શરીરોથી, એ કોઈ બીજી જ દુનિયાના જીવો હોય એવો આભાસ રચતાં, એમની વસ્તીમાં આ રીતે અચાનક આવી ગયેલાને અવિશ્વાસથી તાકી રહેતાં કે પૂંછડી પટપટાવી આપણો વિશ્વાસ જીતી લેવા મથતાં, ખુલ્લા મોંએ, લાળ ટપકતી જીભે, ઉચાટથી બેસવાની જગા સતત બદલતાં, થોડું અંતર રાખીને અંદરોઅંદર હરફર કર્યા કરતાં કૂતરાં. આટલું વાંચીને તમને થશે કે હું આ કૂતરાંનો સંપૂર્ણ વિશ્વાસ જીતી ચૂક્યો છું પણ ના એવું નથી. થોડાક દિવસો પહેલાં એ રીતે ચાલતો જતો હતો ત્યાં પાછળથી પિંડી પાસેથી પેન્ટ ખેંચાતું હોય એમ લાગ્યું. મેં પાછળ નજર નાખી તો એક કૂતરું નીચું મોં ઘાલી પાછું ફરી જતું હોય એમ લાગ્યું. મને ધ્રાસકો પડ્યો. મેં એક નવી શરૂ થયેલી સ્કીમની ઑફિસના પગથિયે બેસીને પગ પરથી પેન્ટનો પાયચો ઊંચો લઈને જોયું તા પિંડી પર ઉઝરડાનાં આછાં નિશાન જોયાં. એ નિશાન કૂતરાના નહોરનાં હતાં કે દાંતનાં એ નક્કી ન થયું. હું હતપ્રભ બનીને થોડી વાર એમ જ બેસી રહ્યો. મને એમ કે આટલા સંસર્ગ પછી કૂતરાં મારા પર વિશ્વાસ મૂકતાં થયાં હશે, પણ મારી માન્યતા ખોટી હતી કે શું? મને તરત જ હડકવા રોકવાના ઇન્જેક્શનનો વિચાર આવ્યો. નજીકની સિવિલમાં તો રોજ પાંચસો-છસોની ઓપીડી હોવાનું મેં નજરે જોયું હતું એટલે ત્યાં જવાની ઇચ્છા ન થઈ. આ નવી વસ્તીમાં કોઈ અનુભવી ડૉક્ટર નહોતા. એકાદ આયુર્વેદિક વૈદ્ય હતો જે દરદીએ જાતે બાજુના મેડિકલ સ્ટોરેથી ખરીદી લાવેલાં એલોપેથીનાં ઇન્જેક્શન મૂકી આપતો હતો. હું આજુબાજુ ફરી રહેલાં કૂતરાંને તાકી રહ્યો. સહેજ અવિશ્વાસ અને અસહાયતાથી ઘર તરફ આવતો હતો ત્યાં સામેના એક શોપિંગ સેન્ટરમાં એકબીજીને ચોંટાડેલી હોય તેવી સાંકડમોકડ બંધ દુકાનોમાંથી એકને પહેલી વાર ખુલ્લી જોઈ. એના પર આસોપાલવનાં તોરણ લટકતાં હતાં. આગળના ભાગમાં સફેદ કપડાંનો એક મંડપ તાણીતૂસીને બાંધેલો હતો. થોડા લોકોની ચહલપહલ હતી. આ વિસ્તારમાં પહેલીવેલી કોઈ દુકાન ખૂલી હોય એમ લાગ્યું. હું કુતૂહલવશ એ તરફ ગયો. માઈકમાં ‘યે દુનિયા પીતલ કી... યે દુનિયા પીતલ કી...’ ગીત વાગતું હતું. હાટડી કહી શકાય એવી એક કરિયાણાની નવી દુકાનનું ઉદ્‌ઘાટન હતું. સગાં અને પરિચિતો કૃત્રિમ રંગ નાખીને ચળકાવેલો અને સેકેરીન નાખીને વધુ પડતો ગળ્યો કરી નાખેલો આઇસક્રીમ કચકડાની ટૂંકી, બટકણી, બૂચી ચમચીથી આરોગતાં હતાં. દુકાનના કાઉન્ટર પર એક જણ માંડ માંડ ઊભો રહે એટલી જ જગા હતી પણ એક આધેડ અને એક યુવાન બે જણ સંકડાશથી ઊભા હતા. મને અજાણ્યાને નાઈટડ્રેસમાં જોઈને એમને મારામાં સંભવિત ગ્રાહક દેખાયો. બંને હર્ષથી બોલ્યા, આવો આવો શાયેબ, આપડે આ નવી દુકાન ચાલુ કરી સ. બધી ચીજ-વસ્તુ બજાર કરતાં સસ્તા ભાવે આલવાના શીએ, તમે ચિયા ગોમના? મેં સામે થોડે દૂર એપાર્ટમેન્ટ સામે આંગળી ચીંધી. બંને એકસાથે કોરસમાં બોલતા હોય એમ બોલતા હતા, તી ઇમાં તો અમારા ગોમવાળા રે સે, હવડો જ આઇસક્રીમ ખઈન જ્યા, રઘુકુળ પ્લાયવાળા પશા પટલ, ઇ અમારા ગોમ વાળા સ, એમની એવી દસ તો દુકાનો સે, પાર્ટી જોમી જેલી સ.. તમે તો ઓળખતા જ હશો? મેં નકારમાં માથું ધુણાવ્યું, કોય વાંધો નૈ પણ નાશ્તો તો કરશોન? લ્યા ટેણિયા આ શાયેબને નાશ્તો આલ. હું સીંગદાણાનાં સાવ નાનાં ફાડિયાંથી ભરપૂર ગળું પકડાઈ જાય એટલો તીખો તમતમતો અને મુઠ્ઠીભરીને ખાંડ નાખી ગળ્યો બનાવી દીધો હોય એવો પીળા પૌંઆવાળો ચેવડો અને પ્રસાદિયા પેડાને કાગળની ડિશમાં એક હાથે પકડી, બીજા હાથે પ્લાસ્ટિકની ખુરશી થોડે દૂર ખેંચી જમીન પર સમથળ રહે તેમ ગોઠવી બેઠો. સામે સોસાયટીના એક દરવાજે ઘરઘરાઉ બ્યુટીપાર્લર અને બીજા દરવાજે નિઃશુલ્ક યોગા ક્લાસની જાહેરાત કરતાં ફ્લેક્સનાં બે બેનરો ફડફડતાં હતાં. સામે કાચા રસ્તા પરથી એ.એમ.ટી.એસ.ની એક ખખડધજ બસ રાઉજ થયેલા એન્જિનનો અવાજ કરતી પસાર થઈ. એણે ઉડાડેલી ધૂળ પ્લેટમાં ચવાણા પર છવાઈ ગઈ, મારી બાજુમાં બેઠેલા એક વૃદ્ધ અને એક યુવાન પહેલેથી વાતોમાં મશગૂલ હતા. મેં ખુરશી ખેંચી એના અવાજથી બંને ચોંક્યા, મને ધારદાર નજરથી સ્કેન કર્યો. પણ મારામાં કંઈ શંકાસ્પદ ન જણાયું હોય તેમ ફરીથી ચેવડાના બુકડા ભરતા વાતે વળગ્યા. – મારું કેવું સે કે મારો દિયોર આ વિષ્ણુ ફાઈ જ્યો, વૃદ્ધે કાઉન્ટર પર ઊભેલા યુવાન તરફ હાથ કરીને કહ્યું. સાથેવાળો બોલ્યો, – હું હમજ્યો નહીં, કાકા. – ચ્યમ ભઈ ના હમજ્યો? બિલ્ડર ગોમમાં બધોને વીઘાના દહ લાખ માંડ આલે સે, પણ આ વિષ્ણુન તૈણ વીઘાના તેર ગણી ઉપરથી લટકાનો એક ઉમેરી ચાલીશ આલ્યા. – એ તે ઇની જમીનની ફરતી બધી જમીન બિલ્ડરે લઈ લીધી પણ ઇમાં આ તૈણ વીઘાનો કકડો રહી જ્યેલો તે મારા ખોતી વિષ્ણઅ લાભ લીધો. એટલું જ કહ્યું ન ક સે નશીબવાળો. – તમે હમજતા નહીં, કાકા. – ચ્યમ ભે? – જોવો, આ વિષ્ણુ ફાહે હાત પેઢીથી શેતીની જમીન હેંડી આઇ સ, બરાબર? એ પહેલી વાર જમીન વનાનો થ્યો, બરાબર? અટલ ઇન દુકાન કરવી પડી, બરાબર? હવ આપણ ગોમમાં ખેતી લાયક જમીન રૈય જ નૈ, બરાબર ને? મારા દિયોર બિલ્ડરો ગોમની હતી એટલી બધી જમીન ઓહિયા કરી જ્યા, બરાબર? એ જ ભાવમાં જો જમીન લેવી હોય તો દહ ગઉ આઘા જવું પડે અને દહ જણનું કુટુંબ લઈન રવડવું પડ, બરાબર? એટલે આઘે ચ્યો ડોહો જવાનો? એટલે આ દુકોન કરી અને આ બોલેરોય – ઓમાં નસીબ ચ્યાં આવ્યું? – પણ વિષ્ણુ તો કહેતો કે આ દુકાન હમેર ચાલે તો ઇમાંથી બીજી ક૨વી સે, યુવાન કંઈક રોષથી, હોવ મારા ભઈ, બોલીને ઝડપથી ચવાણું ચાવવા મંડ્યો. હું ડિશનો ડૂચો વાળીને કચરાપેટીમાં નાખવા ઊભો થયો, ત્યાં એક ડોશી વિષ્ણુને કહેતી હતી. – ભૈ તમારે તો જમીનના બહુ ભાવ આયા! ગાડીભેગાય થ્યા! હું તો રાજી સુ ભૈ. પણ અમારી ચંદાને હાહરેથી ગોમ તેડાવવી હોય તો તમારી ગાડી કોકદીન આલજ્યો ભૈ. – ઇમાં તમાર કેવુ ન પડે. કાકી. હું તમારો ભત્રીજો નૈ? ચંદી તો મારી બુન સ. ઈના માટે જાણ જોવ તાણે ગાડી હાજરાહજૂર સ. ઇ વાત હાચી ક બોલેરો ગાડી ધંધામાં વાપરીએ સીએ પણ જાણે વરધી ના હોય તાણે એ તમારી જ ગણવી. – હારુ ભૈ શુખી થોવ, બોલીને ડોશી ડગુમગુ કરતાં ગયાં.

ઘેર પહોંચ્યો તો શ્રીમતી ઉંચાટથી રાહ જોતાં હતાં, કેમ આટલું બધું મોડું થયું? દીકરો અરીસામાં જોઈને ઊભો ઊભો દાઢી ટ્રિમ કરતો હતો. એને સંબોધીને કહે, આ તારા પપ્પા તો કૂતરાંને ન જુએ ત્યાં સુધી આગળ ને આગળ ચાલ્યા જ જાય. પછી ભલેને બીજા ગામની સીમમાં ન પહોંચી જવાય! મને તો થાય છે કે કૂતરાંનું એક મંદિર બનાવવામાં આવે તો એ પૂજારીની જગ્યા માટે સૌ પહેલાં અરજી કરી દે. દીકરો હસવા મંડ્યો, શું તુંયે મમ્મી! મેં કહ્યું, મા-દીકરો ભેગા થઈને મારી ઉડાડવા બેઠાં છો પણ તમારી સગવડોમાં વધારો થાય એવી દરખાસ્ત લઈને આવ્યો છું. સામે શોપિંગ સેન્ટરમાં કરિયાણાની નવી દુકાન ખૂલી છે તે અમૂલ દૂધની કોથળીઓ આપણને ઘરના જાણીને આખો દિવસ ભાવ ટુ ભાવ આપવાના છે. અચ્છા! શ્રીમતી કંઈક અવિશ્વાસ અને અસંતોષથી બોલ્યાં. – અરે હેન્ડ સફાઈ કરેલું કરિયાણું કાલુપુરના ભાવોભાવ ઘેરબેઠાં ડિલિવરી આપવાના છે. હોલસેલના ભાવે છૂટક! દુકાનદાર કાકાએ તને રૂબરૂ ભાવ ચેક કરવા પણ બોલાવી છે. – ના રે ના, મારે રિલાયન્સ ફ્રેશ કે સ્ટાર બજાર શું ખોટા છે? – અરે! એક વાર અજમાવવામાં આપણું શું જાય છે? – જો આ તારા પપ્પા, એક વાર ના તો કહ્યું તોય એમનો મુદ્દો પડતો નહીં મૂકવાના. હવે તમે આ નવી લપ ઊભી ના કરશો ભાઈશાબ.

કરિયાણાની બાબતમાં શ્રીમતીનો જીવ ઊંચો થઈ ગયો. આવામાં કૂતરાંએ કરેલા ઉઝરડાની વાત કરવાથી એમને એક વધારાનો મુદ્દો મળી જશે એમ વિચારીને એ વાત છુપાવી એકલો જ આયુર્વેદિક ડૉક્ટરના દવાખાને પહોંચ્યો. બહારના રાજ્યમાંથી આવ્યા હોય તેવા ત્રણ-ચાર મજૂરો બેઠા હતા. કદાચ નવાં બંધાઈ રહેલાં મકાનોની સ્કીમમાં મજૂરી કરવા માટે ઠેકેદાર બિલ્ડરો વતી લાવ્યો હશે. ડૉક્ટર ઝડપથી એક પછી એકને તપાસતા હતા. વચ્ચે એક જણ બોલ્યો, દવાઈ તો લીખ દિજીએ, ડાક્ટર. નહીં નહીં, મેં અપને પાસ સે દેતા હૂં ના, કહીને એણે એક ખાનું ખોલીને તેમાંથી લાલ, લીલા અને સફેદ રંગની ટીકડીઓ કાઢી. કેટલીક ટીકડીઓ અર્ધેથી વ્યવસ્થિતપણે ટુકડા કરેલી હતી. બીજા ખાનામાંથી હથેળીના માપના છાપાની પસ્તીના માપસર કાપેલા ટુકડા કાઢ્યા અને પાનના ગલ્લાવાળાની સફાઈથી પડીકું વાળીને કઈ દવા કેમ લેવી તે સમજાવ્યું. મારો વારો આવતાં કૂતરાએ દાંત ભરાવ્યાની વાત કરી. એમણે મને કહ્યું બાજુમાં મેડિકલેથી ઇન્જેક્શન ખરીદી લાવો, હું આપી દઈશ. હું ઇન્જેક્શન લાવ્યો એટલે એમણે આપી દીધું, બોલ્યા, વીસ રૂપિયા. મેં રૂપિયા આપ્યા. એમના ટેબલ પર કોઈ જમીનના ૭/૧૨ના ઉતારા પડેલા જોયા. મેં કહ્યું, શું વાત છે. ડૉક્ટરસાહેબ! અહીં મેડિકલ જર્નલને બદલે ૭/૧૨ના ઉતારા! ડૉક્ટર મુસ્કુરાયા, તે ઉં જમીનનું કરુંને, પછી ૭/૧૨નો ઉતારો મને બતાવીને કહે, તમને આ જોતાં આવડે? પ્ર.સ.પ. અને જૂની શરતનો તફાવત તમે જાણો કે? આ તો થોડી ગાઇડલાઇન જોઈતી હતી. મેં હસીને હાથ જોડ્યા, ના રે! આને ૭/૧૨ કહેવાય એટલું જાણું, ડૉક્ટર ખૂલ્યા, વાત એમ છે કે હું સાઇડમાં જમીનનું બી કરી લઉં. તમે તો આ મજૂરિયા દરદીને જોયા કે ની? એમાં તો દવાખાનાનું લાઇટનું બિલ બી ના નીકળે સાહેબ, એટલે વિચાર્યું કે જમીનમાં નસીબ અજમાવીએ. વળી બપોર પછી મારાં મિસિસ દવાખાનું સંભાળે, એ બી બી.એસ.એ.એમ. છે. તો હું આજુબાજુનાં ગામોમાં જમીન જોવા જઉં. આજે જ એક લગડી જમીન જોવા જવાનો. ઇન્ટરેસ્ટ હોય તો તમે પણ હેંડો. તમારે પાંચ પૈસા, દસ પૈસા રોકવા હશે તો વિચારી લઈશું. મારી ગાડીમાં જઈએ, અંધારું થતાં તો આઈ જઈશું. એમણે બહાર પડેલી વેગન-આર તરફ હાથ કર્યો. મેં હસીને હાથ જોડ્યા. પછી હડકવાનો વિચાર આવતાં પિંડી ઉપર હાથ દબાવ્યો. ડૉક્ટરે કહ્યું, ઠીક ત્યારે આવતા બુધવારે મેડિકલેથી બીજું ઇન્જેક્શન લઈને આઈ જજો. પાછો આવ્યો તો એપાર્ટમેન્ટમાં નીચે વૉકવેમાં ‘ડી’ બ્લોકવાળાં મિસિસ ખુરાના એમના પાળેલા બુલડોગ ‘પેન્થર’ને લઈને ઊભાં હતાં. સાથે મિ. ગુપ્તા, મિ. નાયર અને મગનભાઈ કથીરિયા ઊભા હતા. પેન્થર મને જોઈને જોરથી ભસ્યો. મિસિસ ખુરાના બોલ્યાં, નહીં પુત્તર, એ તો અપને પટેલ અંકલ હૈ. ઠીક હેના જી? પેન્થરે પોતાની મરજી વિરુદ્ધ સંમત થવું પડ્યું હોય તેમ ઘૂરક્યો. કથીરિયા બોલ્યા, પણ ઈ પટેલભાઈને ક્યારેક જોવે તો ઓળખેને! એલા ભાઈ, ગુરુવારે વિડીઓ સત્સંગમાં તમે એકલા જ ગેરહાજર હોવ છો હોં. પૂનમે બ્લોક નીચે બેનોના ભજનમાં તમારાં મિસિસેય દેખાયા નથી ઇ વાતની પણ સર્વે સભ્યોએ નોંધ લીધી છે. હું ખસિયાણું હસ્યો, હવેથી ચોક્કસ. મિસિસ ખુરાના બોલ્યાં, મૈં તો ઉનકો જ્યાદા બંજરમે ઘૂમતે દેખું જી. આપ વો સ્ટરે ડોગ્સકા ખયાલ રખ્ખા કરો. કહીં કાટ ના લે. મિસ્ટર ખુરાના જબ ભી ખાલી ખેતોંકી ઓર નીકલતે હૈ તો પેન્થરકો લિયે બીના નહીં નીકલતે, કહીને એમણે પેન્થરને પંપાળ્યો અને બોલ્યાં, મેરા મુન્ના બેટા, લુ..લુ..લુ. પટેલ અંકલકો હલ્લો બોલો. મેં પેન્થરની આંખોમાં જોયું. એની નજરોમાં નિર્લેપતા હતી. એ જોરથી ભસ્યો.

શ્રીમતીએ મને કપડાંની થેલી પકડાવતાં કહ્યું, સવારે અણધાર્યા મહેમાનો આવ્યા એમાં દૂધ ખૂટી પડ્યું. સામે વિષ્ણુભાઈની દુકાનેથી પાંચ થેલી લેતા આવો. બપોરે પછી કોઈ આવી જાય તો ક્યાં દોડીશું વળી? હું થેલી ઝુલાવતો દુકાને ગયો. કાકા એકલા કાઉન્ટર પર બેઠેલા હતા. મેં દૂધ લીધું. ખાસ ઘરાકી ન દેખાઈ. હું વાતો કરવા ઊભો રહ્યો, અરે કાકા, વિષ્ણુભાઈ ક્યાં? હમણાં દસ-પંદર દિવસથી દેખાતા નથી. કાકા પડી ગયેલા અવાજે બોલ્યા, તે અહીં બે જણની ચ્યો જરૂર સે? આટલી નોની દુકોન તો મેં એકલો ચલાવી લઉં. મેં કીધું કે તું કોઈક આગવો ધંધો કરવાનું કરી જો. અહીં એકની જરૂર સે તાણે બે જણ સુ ફોડવા સે? તો ઇ સાયંસ સિટી બાજુ ધંધા માટે જગા હોધે સે. મને અચાનક યાદ આવ્યું, અરે કાકા, એમ કરો, બાસમતીની પાંચ કિલોની એક થેલી ખાલી દ્યોને. બે દિવસથી ભુલાઈ જાય છે. ચોખા તો હવે નહિ રાખતા ભૈ. લોક ઐથી માલ લઈ જાય છે, પછી સુપર મોલના ભાવ હાથે હરખાડી જોવે સે. ન પાસાં અઈ આઈ ન ઝઘડા કરે સે. એટલે થાચીને ચોખા મગાવવાનું બંધ કર્યું. મેં દુકાનમાં નજર ફેરવી તો અગાઉ માલસામાનથી છલકાતી છાજલીઓ અરધી ખાલી હતી. મને શંકા પડી. બાર બોલેરો ઊભેલી ન જોઈ, કાકા, બોલેરો? વરધીમાં ગઈ? – ના ભૈ ના, વેકી મારી. ડીઝલના પૈશાય નો’તા નીકળતા. વિષ્ણુ તો હાંજ પડે એટલે એમાં બેહી ન ફૂલફટાક થૈને નેકળી પડે, તે ઠેઠ રાતે બાર વાગે ઘેર આવે. શી ખબર ચેવીએ પાર્ટીઓ કરતો હશે. મેં કીધું મેલ દિવાહળી આ ટ્રાવેલને અને ધંધામાં ધ્યોન આલ.

આજે ઘરમાંથી માગ ઊઠી કે ઘણા દિવસથી બહાર ગયા નથી તો બે-ત્રણ કલાક એકાદ મોલમાં ફરતા આવીએ, મલ્ટિપ્લેક્સમાં એકાદ ફિલ્મ જોઈએ અને જમવાનું પણ બહાર પતાવીશું. છાપાંમાં અને તેની સાથે આવતા ફરફરિયામાં રોજેરોજ સેલની જાહેરાતોનો મારો ચાલતો હતો. મોલમાં પહોંચ્યા તો બધે અપ ટુ પ૦ ટકા અને અપ ટુ ૭૦ ટકાનાં સ્ટિકર ઝૂલતાં હતાં. શ્રીમતીએ પહેલાં ભોંયરામાં આવેલી રોજબરોજની વસ્તુઓના સ્ટોરથી શરૂઆત કરી. બ્રાંડ વગરની અને ઝીણા અક્ષરે ચાર-પાંચ લીટીમાં, શક્તિશાળી બિલોરી કાચ વગર વાંચી ન શકાય એવા કંઈક લખાણ લખેલી, સસ્તા પ્લાસ્ટિકની કોથળીઓમાં પેક કરેલી, નાનીમોટી કરિયાણાની વસ્તુઓથી ઘોડા લચી પડતા હતા. ધોળે દિવસે અંધારું કરીને એમાં ઊભા કરેલા કૃત્રિમ ઝળહળાટમાં જોરથી વાગી રહેલા સંગીતના ઘોંઘાટથી માથું ભમવા લાગ્યું. આવા વાતાવરણમાં આભાસ થતો હોય એમ મેં એક જાણીતો ચહેરો જોયો. આ આસપાસના પરિવેશમાં એનો મેળ બેસાડતાં થોડી વાર લાગી પછી ખ્યાલ આવ્યો કે એ વિષ્ણુ હતો. એ કોઈ કામમાં મશગૂલ હતો. કરિયાણું અને બીજી રોજબરોજની વસ્તુઓના ઘોડા આગળ ઝૂકીને, એક પછી એક કોથળી અને વસ્તુઓ હાથમાં લઈને એ કદાચ એની કિંમત જોતો હતો. થોડી વાર પછી એણે ખિસ્સામાંથી એક ચબરખી કાઢી, બોલપેનથી કશુંક લખવા મંડ્યો. એવું લાગ્યું કે એ વસ્તુઓના ભાવ નોંધે છે. હું એ તરફ જવા ગયો પણ ત્યાં એ સ્ટોરનો સિક્યોરિટીવાળો આવ્યો અને વિષ્ણુ તરફ શંકાથી જોઈ પૂછપરછ કરવા મંડ્યો. વિષ્ણુનો દેખાવ જોતાં સિક્યોરિટીવાળાને શંકા ગઈ હશે. એની દાઢી અવ્યવસ્થિત વધેલી હતી અને ચહેરા પર નૂર નહોતું. શર્ટ ચોળાયેલું અને મેલું હતું. સિક્યોરિટીવાળાને જોઈને વિષ્ણુનું મોઢું પડી ગયું. એણે કશું બોલ્યા વગર ચૂપચાપ ચાલતી પકડી. સિક્યોરિટીવાળો તેની પાછળ ઠેઠ દરવાજા સુધી ગયો. મને અચાનક આજુબાજુનું સંગીત અને લોકોનો અવાજ સંભળાતો બંધ થઈ ગયો હોય તેમ લાગ્યું. કોઈ મૂંગી ફિલ્મમાં, કોઈ અભિનેતા ઓછી ફ્રેમમાં ઝડપાયેલા દૃશ્યમાં હવામાં તરતો હોય એમ ચાલીને ધીમે ધીમે બહાર નીકળે એમ વિષ્ણુ આ ઝળહળતા પ્રકાશમાં જાણે હવામાં સરકતો હોય એ રીતે બહાર નીકળ્યો અને અદૃશ્ય થઈ ગયો. કદાચ મોલની બીજી દુકાનોમાં ભાવતાલ ચેક કરવા અને લખવા ગયો હોય. દોઢ-બે કલાકે અમે મોલમાંથી નીકળીને ઘર તરફ જતા હતા ત્યારે મેં એક ઝાડ પાસેના બસસ્ટેન્ડ પર એને ફરીથી જોયો. એનાં ચંપલ ધૂળ ધૂળ હતાં. પેન્ટ પણ શર્ટની જેમ ચોળાયેલું અને ગંદું હતું. છ મહિનામાં એનો દેખાવ ઘણો ફરી ગયો હતો.

નીચે એપાર્ટમેન્ટના વૉકવેમાં ઊભા રહીને મિસ્ટર ખુરાના બૂમો પાડતા હતા. એમને અને એમના બુલડોગ પેન્થરને ઘેરીને એ જ મિ. ગુપ્તા, મિ. નાયર અને મગનભાઈ કથીરિયા ઊભા હતા. આજુબાજુના બ્લોકના ફ્લેટની ગેલેરીમાં કપડાં સૂકવવા નીકળેલી બહેનો પણ એ બધાને જોતી ઊભી રહી ગઈ હતી. ખુરાના જોરજોરથી બરાડતા હતા, માર ડાલા, કાટ ડાલા સાલોંકો. આજ તો મેરે પેન્થરને લાજ રાખ્ખી. મેં પૂછ્યું, શું થયું મિસ્ટર ખુરાના, સોસાયટીમાં કોઈ ચોર ઉચક્કા આયા થા ક્યા? ખુરાના હજી ઉત્તેજિત હતા. એમણે તિરસ્કારથી કહ્યું, હં હં, હમારી સોસાયટીમેં ચોર-બોર કૈસે આયેગા? મેરે પાસ તો પોલીસ સ્ટેશનકા નંબર હે ઔર પી.એસ.આઇ. વાઘેલાકા મોબાઇલ નંબર ભી મેરે મોબાઇલમેં સેવ હૈ – તો ફિર? – અરે સુબહ મૈ પેન્થર કો લેકે ઘૂમને ખેતોંકી ઔર ગયા થા, તો અપની ધૂન મેં થોડા દૂર નિકલ ગયા. તો આસપાસ કે કુત્તોં ને પહેલે તો પેન્થર કો ભોંકા, ફિર એટેક કર દિયા. તો મેરે કો ભી ગુસ્સા આ ગયા. મૈને ભી પેન્થર કો ખુલ્લા છોડ દિયા, જા બેટે ફતેહ કર, તો પેન્થરને સબકો ઐસા કાટ ડાલા કે સ્સાલે ડેડ જૈસે પડે કે ખેતો મેં. સબ સ્સાલે આઉં... આઉ... કરતે ભાગ ગયેં. – અલ્યા ખેતરાઉ કૂતરાં પર બુલડોગ છોડી મૂક્યો? – તો ક્યા કરે? સ્સાલા ઇધર રહને કો આયા તો ફ્લેટ કા બેર પ્રાઇસ, ડૉક્યુમેન્ટ ફી, ઔડા કા ચાર્જ, ઇલેક્ટ્રિક કા ચાર્જ, ફર્નિચર કા ચાર્જ સબ મિલાકે એક કરોડ પૂરા હો ગયા હૈ. ફિર ભી રોજ ગાંવ કે કુત્તોં કા ભોકના સુનના પડતા હૈ. ઇસકે પૈસે થોડે દિયે હૈ? મૈ તો બોલતા હૂં કિ એપાર્ટમેન્ટ કે સબ લોગ બુલડોગ યા અલ્સેશ્યન લેલો. મગનભાઈ કથીરિયાએ માથું હલાવ્યું, એલા ભાઈ, વાત તો વિચારવા જેવી ખરી.

આજે આ બાજુ નીકળ્યો તો વિષ્ણુની દુકાન ફરીથી બંધ જોઈ. હું નજીક ગયો. મેં જઈને બાજુમાં ઇસ્ત્રી કરતા ધોબીને પૂછ્યું, અરે ભૈયાજી, યે વિષ્ણુ કી દુકાન ફિર બંધ? સબ ક્ષેમકુશળ તો હૈ ના? ભૈયાજીએ ઇસ્ત્રી સાચવીને બાજુમાં મૂકી, પછી ઉત્સાહથી કહ્યું, અરે! બાબુજી, આપકો પતા નહીં? વિષ્ણુને તો દવાઈ પી લી. – દવા પીધી? ભૈયાએ મારી નજીક સરકીને કોઈ ખાનગી વાત કહેતો હોય એમ નીચા અવાજે બોલ્યો, ઉસકી દુકાન નહિ ચલ રહી થી ના? એક-દો બાર તો કાકા સે ઝઘડા ભી હો ગયા થા. ટેન્શનમાં બહોત ફરતા થા. મૈને દો-તીન બાર સમજાયા ભી થા કિ વિષ્ણુભાઈ, ધીરજ રખ્યો; મગર આદમી હિંમત હાર ગયા. તો દો દિન પહેલાં દવાઈ પી લી. તે કાકાને દોડાદોડ થઈ પડેલી હૈ. બિચ્ચારા હેરાન થઈ ગયા. – ગંભીર છે? કયા દવાખાને લઈ ગ્યા છે? – પતા નહીં. શાયદ સિવિલમે જ લઈ ગયા લગતા હૈ વહાં તો પોલીસ કા લફડા ભી હોગા. મેં દુકાન સામે જોયું. છ મહિનામાં શટર પણ કટાઈ જવા માંડ્યું હતું.

અચાનક આંખ ઊઘડી ગઈ. દીવાલ ઘડિયાળના ચળકતા આંકડા હજી રાતના બે ને ત્રેવીસનો સમય બતાવતા હતા. કેમ ઊંઘ ઊડી ગઈ એનું કારણ સમજાયું નહિ. કૃત્રિમ લાઇટોથી ઝળહળતો અવાજ વગરનો મોલ મનમાં અકારણ ઝબકી ગયો. ઘરના વાતાવરણમાં એવી જ સ્તબ્ધતા હતી. ક્યાંય કશો સંચાર નહોતો. હા, હતો. સરવા કાને સાંભળો તો જ કાને પડે એવો ધીમો અને લગભગ નિશબ્દ. ક્યાંક દૂર કૂતરાં રડતાં હતાં. હું બેડરૂમમાંથી બહાર આવ્યો. આર.ઓ.માંથી એક ગ્લાસ ભરીને પાણી પીધું. બેઠકખંડમાં નાઇટલેમ્પનો પ્રકાશ રેલાતો હતો. રાતના આવા વાતાવરણમાં ઘર મોટું લાગતું હતું. ઘણું મોટું. મેં કાન સરવા કરીને ફરીથી કૂતરાંનું રુદન સાંભળવાની કોશિશ કરી. મને હમણાં હમણાંથી લાગ્યા કરે છે કે કૂતરાં અંગે સમગ્રપણે વિચાર કરવો જોઈએ. તમને શું લાગે છે?