ભારતીયકથાવિશ્વ-૨/સંપાદક-પરિચય

Revision as of 06:36, 23 March 2022 by Atulraval (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સંપાદક-પરિચય

લુહાર જ્ઞાતિમાં જન્મેલા શિરીષ પંચાલ (1943)ને સાહિત્ય કળાનો એવો કોઈ વારસો મળ્યો ન હતો. અંતર્મુખી જીવનશૈલીને કારણે ઘરની ચાર દીવાલોમાં રહીને તેમણે જે કંઈ હાથે ચડે તે વાંચવા માંડ્યું. એમ કરતાં કરતાં એક પછી એક સોપાન સિરે કરતા ગયા. વડોદરામાં જન્મ, વડોદરામાં જ ભણતર, – નિશાળનું અને કોલેજનું – આજીવિકા પણ વડોદરામાં. ભણતાં ભણતાં સુરેશ જોષી અને હર્ષદ ત્રિવેદી દ્વારા સાહિત્યના ઉચ્ચ સંસ્કારો પ્રાપ્ત થયા – ખાસ તો સુરેશ જોષી દ્વારા. તેઓ ગુરુના અંતરંગ વર્તુળમાં સ્થાન પામ્યા અને સુરેશ જોષીએ જે જે સામયિકો ચલાવ્યાં (ક્ષિતિજથી આરંભીને) તે બધાં દ્વારા પણ તેમને ઉત્તમ સાહિત્યિક પત્રકારત્વનો પરિચય થયો.

સુરેશ જોષીના હાથ નીચે પીએચ.ડી. માટે સંશોધન કાર્ય હાથ ધર્યું અને ‘કાવ્યવિવેચનની સમસ્યાઓ'(1985) એ શોધનિબંધથી શરૂ કરીને એમણે ગુજરાતી, અને મુખ્યત્વે પશ્ચિમી વિવેચન-પરંપરા અંગે ઘણા વિવેચન-ગ્રંથો આપ્યા છે એમાં એમની ઝીણી અભ્યાસદ્રષ્ટિ અને સ્વસ્થ મૂલ્યાંકનો આગળ તરી આવે છે. ‘વાત આપણા વિવેચનની' એ એમનો ગુજરાતીના મુખ્ય વિવેચકો વિશેનો અભ્યાસગ્રંથ છે.

ક્ષિતિજથી માંડીને એતદ્ માં તેઓ વિવેચન લેખો - અનુવાદો કરતા રહ્યા - અને ધીમે ધીમે એ અનુવાદો પુસ્તકાકારે પણ પ્રગટ થયા. ગોવર્ધનરામ ત્રિપાઠીએ ગાંધીજી પૂર્વે કેવી રીતે ત્યાગ, અહિંસા, કરકસરનો મહિમા ‘સરસ્વતીચંદ્ર’ નવલકથામાં ગાયો હતો તે જણાવીને ગુજરાતી ભાવકોના મનમાં ‘સરસ્વતીચંદ્ર’ના મહિમાને દૃઢાવ્યો.

શિરીષ પંચાલના સમયમાં આધુનિકતા પરાકાષ્ઠાએ પહોંચી હતી – પણ તેમની વાર્તાઓ ધ્યાનથી વાંચતાં લાગશે કે તેઓ પરંપરાનો મહિમા કરે છે, તેમની વાર્તાઓનાં માળખાં પરંપરાગત જ રહ્યાં. ગો-વર્ધન મહોત્સવ, હરિશ્ચન્દ્ર, કથા ધારિણી અને પૂર્ણની, ત્રીસલોકનો યાત્રી જેવી વાર્તાઓમાં પુરાકથાઓને આધુનિક સંદર્ભ અપાયો છે.

સાથે સાથે કોઈ પણ પ્રકારના પારિતોષિક ચંદ્રકોથી તેઓ દૂર જ રહ્યા. માત્ર ભાવકો દ્વારા મળતો સ્વીકાર – એ જ તેમને મન મોટો પુરસ્કાર. સુરેશ જોષીના સંપૂર્ણ સાહિત્યવિશ્વના પંદર ભાગ પ્રગટ કરી ગુરુ ઋણ ચૂકવ્યું. તો બીજી બાજુએ ‘ભારતીય કથાવિશ્વ’ના પાંચ ભાગ પ્રગટ કરીને આપણા ભૂતકાલીન વારસાને ફરી પાછો પ્રજા સમક્ષ મૂકી આપ્યો. જીવનના પ્રત્યેક રંગ નિહાળવાને તેઓ સદા ઉત્સુક રહ્યા છે.