પન્ના ત્રિવેદીની વાર્તાઓ/એક અ-શીર્ષક વાર્તા

Revision as of 05:51, 25 March 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
એક અ-શીર્ષક વાર્તા


ટ્રેન! ખૂબ રાહ જોવડાવ્યા પછી મશ્કરી કરતી કોઈ નખરાળી પ્રેયસીની જેમ ડોલતી ડોલતી આવીને એની મસ્તીમાં ઊભી રહેશે, મૂડમાં આવીને એકાદ સીટી ય મારશે ને પછી જાણે મિજાજથી કહેશે કે ચાલ, બેસી જા ઝટ! ઝાઝા નખરાં નહીં. ઊભી છું તો વળગી પડ મને. નહીં તો હું આ ચાલી... પછી ઊભા રે’જો ને બીજીની પ્રતીક્ષામાં! – ને કદાચ પેલી બીજીના આવવા સુધીમાં તો ભયંકર ખાલી ચઢેલા પગમાં ચઢવાનીયે તાકાત ના હોય તો? અને સાચે જ પછી તો એ ય ચૂકી જવાય... ને ધારો કે કોઈ એવા અજાણ્યા ધક્કાથી ચઢી પણ જવાય ને પછી એવા જ ધક્કાથી માઝમ રાતના અંધકારમાં ક્યાં...ય ઊતરી પણ જવું પડે તો? આજે પહેલી જ વાર ધક્કામુક્કીના, ખાલી ચઢવાના, ટ્રેન છૂટી જવાના વિચારો નહોતા આવતા. અને પહેલી જ વાર ટ્રેન પણ એના સમયે મળી ગઈ હતી. નહીંતર ધોળા દિવસે પણ આખા રસ્તે પરેશાન કરી મૂકતા વિચારોનો અંધકાર ઘેરી વળતો. આજે રિઝર્વેશન કરાવી લીધું હતું. માટે કશો જ રઘવાટ નહોતો. હું ટ્રેનમાં ચઢ્યો. જાણે એને વળગી જ પડ્યો હોઉં એવું લાગવા માંડ્યું. મારી બેઠક પાસે ગયો. જોયું તો ત્યાં કોઈક બેસી ગયું હતું. બારી પાસે સીટ મળી હતી. હું અંદરથી ખુશ થઈ ગયો. મને જોઈને પણ મને ન જોયાનો ડોળ કરતો પેલો માણસ બેસી જ રહ્યો. કેવો માણસ છે? હું ધૂંધવાઈ ઊઠ્યો. ‘ભાઈ સાહેબ! રિઝર્વેશન છે મારું.’ એણે ઊંચું જોયું, થોડા લાંબા એવા ચહેરા પર તરત અણગમો પથરાઈ ગયો. એની મોટી આંખો વધારે મોટી થઈ ગઈ. ઊઠવાની એની દાનત જ નહોતી. ઊલ્ટું અક્કડ શરીરે બેસી જ રહ્યો. મેં ટિકિટ બતાવવા પેન્ટના ખિસ્સામાં હાથ નાંખ્યો ત્યાં તો એ ઊભો થઈ ગયો. જતાં જતાં એના બૂટની અણી મને વગાડતો ગયો. હું ચોક્કસ એને શૂળ જેવો જ લાગ્યો હોઈશ. મેં મારી બેઠક લઈ લીધી. ભીડ, ધક્કામુક્કી, ઘોંઘાટ અને પરસેવાને ચીરતા, બેસવા માટે વલખાં મારતા રઘવાટભર્યા ચહેરાઓ તરફ હું તાકી રહ્યો. ‘રિઝર્વેશન ના હોત તો?’ એવા વિચારે જ મારા શરીરમાંથી એક લખલખું પસાર થઈ ગયું. બારીના સળિયા પર મૃદુતાથી હાથ ફેરવ્યો. યાત્રા સ્વપ્નમય બનવી જોઈએ. આનંદ થવો જોઈએ. અને શહેરમાં રહ્યે રહ્યે થોડા થોડા દિવસે અજાણ્યા પ્રકારના ઘેરાવને અનુભવું છું ત્યારે ત્યારે મારે ગામ થોડો હળવો થવા જતો હોઉં છું. આજે પણ ત્યાં જ જવા નીકળ્યો છું એટલે હળવાશ તો મળવી જ જોઈએ પણ કોણ જાણે કેમ મારા ચહેરા પર એક પ્રકારની વ્યગ્રતા છવાતી અનુભવતો હતો. અચાનક મારાથી મારો જમણો હાથ શર્ટના ખિસ્સા પર મુકાઈ ગયો. બારીના સળિયા પર હાથ પસવારતી વખતે જ મૃદુતા હતી તે ક્યાંય અલોપ થઈ ગઈ. હૃદય બમણા વેગે ધબકવા લાગ્યું. હૃદય ક્યાંક બંધ પડી જશે તો? આ વિચાર જ કેટલો ભયાનક છે? મારું માથું ભમવા લાગ્યું. પગ ધ્રૂજવા લાગ્યા. પેલા માણસના બૂટની અણી વાગ્યાનું દર્દ હવે થવા લાગ્યું. થોડા વધુ પાછળ ઝૂકીને મેં મને સીટ પર પડતો મૂકી દીધો. પગ થોડા લાંબા કર્યા. રિઝર્વેશન હતું તોય મારા ચહેરા પર પેલી ધક્કામુક્કી કરતી, પરસેવે રેબઝેબ થયેલી ભીડના જેવો જ પરસેવો હતો. મેં બારી પર માથું ઢાળ્યું. કદાચ પવનની લ્હેરખીઓથી પરસેવો સુકાઈ જાય. શર્ટના બે બટન પણ ખોલી નાખ્યા અને મેં આંખો બંધ કરી દીધી. મારા લંબાયેલા પગ પર કોઈએ લથડિયું ખાધું. હું ઝબકી ગયો. આંખો ખોલી નાખી. સામેની સીટ પર કેટલાંક મુસાફરો ગોઠવાઈ રહ્યાં હતાં. એમનું પણ રિઝર્વેશન જ હશે. હું જરાક ટટ્ટાર થઈ ગયો. એક સ્ત્રી બારી પાસે બેસી ગઈ હતી. બાજુમાં એનો પતિ અને સાથે સરસ મજાની બે બાળકીઓ પણ હતી. એક સાત-આઠ વરસની લાગતી હતી અને બીજી પાંચ-છ વરસની હશે. બંનેએ ફ્રોક પહેર્યાં હતાં એક સરખા અને માથામાં હેરપિન ભરાવી હતી એક સરખી. બસ, ખાલી હેરપિનમાં ચોંટાડેલા ફૂલોના રંગો અલગ અલગ હતા. એકમાં સફેદ હતું અને બીજામાં લાલ. બંને ગમી જાય એવા હતાં. રંગો પણ ફૂલો પણ. આ ફૂલોના રંગો માટે બંને વચ્ચે ઝઘડો તો નહીં થયો હોય ને? મારા આવા બાલિશ વિચાર માટે મને થોડું હસવું આવી ગયું. મારી નજર એક સાથે બધા જ ચહેરાઓ ઉપર ફરી વળી. સારું થયું કે આ લોકો આવી ગયા. ગંધાતા-ગોબરા, ઘૃણા ઊપજે એવા લોકો હોત તો મારી હાલત વધારે બગડી ગઈ હોત. ટ્રેને ગતિ પકડી. હવે ટ્રેનનો અવાજ પણ ધીમે ધીમે મારા શરીરની ઝણઝણાટીમાં ભળવા લાગ્યો. મેં ફરીથી આંખો મીંચી. હાથ અનાયાસે જ ખિસ્સા તરફ ગયો. બેચેની પણ એટલી જ ઝડપથી લંબાતી ગઈ. મારા ખિસ્સામાં એક પત્ર હતો. આ પત્રના અક્ષરો મને વીંધી રહ્યા હતા. મારું શરીર ચાળણી જેવું થઈ જશે કે શું! આજે જ, અહીં સ્ટેશન પર જ એણે પત્ર મારા હાથમાં મૂક્યો હતો. શા માટે આપ્યો હશે? શું લખ્યું હશે એમાં? મારા ખિસ્સામાં પડેલા એ પત્રના રહસ્યએ મને વિહ્‌વળ કરી મૂક્યો. પત્રો લખવાના એ ગુલાબી દિવસોમાંય એણે એકેય પત્ર લખ્યો નથી મને. મેં પણ નથી લખ્યો એને. પણ આજે એણે મારા હાથમાં એક પત્ર આપ્યો હતો મારી ધારણા બહાર. પણ મેં પોતેય ક્યારેય ધાર્યું નહોતું કે આડત્રીસ વરસની ઉંમરે આમ સાવ એકાએક મારા કપાતા અંગો સાથે ઊભો હોઈશ. મારું શરીર સંકડામણનો અનુભવ કરવા લાગ્યું. મેં આંખો બળપૂર્વક ખોલી. જોયું તો થોડીવાર પહેલા જ સીટના છેડે ઊભેલો માણસ જેમ તેમ જગ્યા કરીને સીટની ધાર પર બેસી ગયો હતો. તે લાચારીભર્યું હસ્યો. મને સખત અકળામણ થઈ પણ હું પ્રતિકાર ના કરી શક્યો. મેં સામે જોયું. એક બાળકી વોટરબેગની ટોટી ચૂસીને પાણી પી રહી હતી. તેને પાણી પીતી જોઈને મને પણ તરસ લાગી ગઈ. તરસનો રંગ કેવો હશે? સહરાના રણ જેવો? ખબર નથી. પણ મને તરસ લાગી હતી. ઘેરથી જ પાણી પીને નીકળ્યો હતો આમ તો, છતાં અડધે રસ્તે આમ તરસ લાગી ગઈ! મેં પેલી બાળકી પાસે પાણી માંગ્યું. એક ક્ષણ એની સાવ નિર્દોષ ચમકતી આંખો મારા થાકેલા ચહેરા પર પડી. એણે આખી વોટરબેગ જ ધરી દીધી મારી ધારણા બહાર. મેં બે’ક ઘૂંટડા પાણી પી લીધું. વોટરબેગ પેલી બાળકીને પાછી આપતા હળવેથી એના ગાલ થપથપાવ્યા. એ હસી પડી. તરોતાજું કોઈ ફૂલ જેવું. હું ય હસ્યો પણ ખિસ્સાની યાદ આવતા જ મારું હાસ્ય તરત વિલોપાઈ ગયું. કશુંક ગૂંચડું વળીને અંદર પડ્યું પડ્યું મને ખોતરતું હોય એમ લાગતું હતું. શું હશે પત્રમાં? અંદરના કાળા અક્ષરો જાણે રિવોલ્વરની ગોળી જેવા લાગવા માંડ્યા. ભયભીત બની ગયો. એક એવો પણ વિચાર આવ્યો કે એણે કદાચ કાળી શાહીથી ન પણ લખ્યું હોય. એને લીલો રંગ ગમે છે. કદાચ લીલો અંધકાર મને ભરડામાં લેવા મથતો હોય એમ લાગ્યું. મેં બારી બહાર જોયું. લીલાછમ ખેતરોને પગ ફૂટ્યાં હતા. તે બેફામ બનીને દોડતા હતા. કોને મળવા જતા હશે આટલા ઉતાવળા? અને અચાનક મને મારા ખિસ્સામાં મૂકેલો પેલો પત્ર સાંભર્યો. ન સમજાય એવી પીડા થતી હતી. અંદર રહ્યે રહ્યે કોઈ સતત મને પીંખી રહ્યું હોય, મારા અંગે અંગ વેરવિખેર થઈ રહ્યાં હતાં... પીડાને કોઈ રંગ હશે ખરો? મેં કાંપતા હાથે પત્ર બહાર કાઢ્યો. આમ બી બીને ક્ષણે ક્ષણે મરવું એ કરતાં એકવાર એને વાંચી નાખવો સારો. મારી આંગળીઓ કાગળની ગડી ઊકેલવા ધાર પર પહોંચી. લાગ્યું કે આંગળીઓ પરથી કોઈ નખ ખેંચી રહ્યું છે. શ્વાસ ફરીથી કંતાવા લાગ્યા. પત્ર ઝડપથી પાછો ખિસ્સામાં સેરવી દીધો. એ સાથે જ ગઈકાલની પેલી રાત બહાર નીકળી આવી. કાલે ટેનિસ રમીને ઘેર પહોંચ્યો ત્યારે ખાસ્સું મોડું થઈ ગયેલું છતાંય મૃણાલ જાગતી હતી. મારી થાળી પણ એણે જ તૈયાર કરી. જમાડતી વખતે પહેલી જ વાર મને ત્રીજી રોટલી માટે આગ્રહ ના કર્યો. લગ્નના પંદર વરસ પછી પણ આપણા પોતીકા ઘરમાં જ આગ્રહ કરતી પત્ની પર ચિડાઈ જવાય ઘણીવાર. મને પણ એવી જ ચીડ ચડતી. એટલે મૃણાલના આગ્રહ ન કરવાથી સારું લાગવું જોઈતું હતું પણ છતાં કોણ જાણે કેમ હું ઝંખના કરવા લાગ્યો એના આગ્રહની અને એના શબ્દોની... એને ફિલ્મો ગમે છે. કદાચ મારા જેટલી જ. અમુક નવું ગાયન કઈ જૂની તરજ પરથી બનાવેલું છે, અમુક કડી લખવા પાછળનું નિમિત્ત શું હતું, કયા પિકચરના ટાઈટલ બદલીને રાખવા પડ્યા, નવી કઈકઈ ફિલ્મો આવે છે? જોવા જેવી ગમે તેવી કેટલી છે? કઈ ફિલ્મોની રિ-મેક્સ તૈયાર થઈ રહી છે?... આમ તો હરહંમેશ જમતી વખતે આવી એકાદ વાત તો એ કરે જ કરે. પણ કાલે ફિલ્મની એક પણ વાત ના કરી, બલ્કે શબ્દોની કોઈ જ આપ-લે થઈ નહીં. મારી સામું જોયા વિના જ રોનકને લઈને ચૂપચાપ લેશન કરાવવા જતી રહી. બારણું પછડાયું. મેં એ દિશામાં જોયું એ સ્ટૉરરૂમમાં કેમ ગઈ હશે? જાણે ખામોશીભર્યા અવાજો એમાં સ્ટૉર થઈ ગયા હતા. હું બેડરૂમ તરફ ધસ્યો. મારી નજર સફેદ ચાદર પર પડેલાં કાળા રંગના મોબાઈલ પર પડી. મને યાદ આવી ગયું કે બહાર નીકળતી વખતે હું મોબાઈલ ઘેર જ ભૂલી ગયો હતો. મોબાઈલ હાથમાં લીધો. એ લોક કર્યો નહોતો. સ્ક્રિન પર નેન્સીનું નામ જોઈને હું બરફ બની ગયો. મૃણાલ અંદર આવી. જાણે કાંઈ જ બન્યું નથી, એમ વૃક્ષને પર્ણો ફૂટે એટલી સહજતાથી બોલ્યો; ‘આજે ઘરનો ચંદ્ર સૂરજ કેમ છે?’ અને એણે મારી સામું એ રીતે જોયું કે પછી મારાથી એની સામું જોવાયું જ નહીં. એ અવળું ફરીને સૂઈ ગઈ. મારા મનમાં ત્યારે કેટકેટલી સૂતેલી ક્ષણો જાગી ઊઠી એકાએક! પંદર વરસથી મને સતત સાચવતી, ભરપૂર ચાહતી મૃણાલ... શું કમી છે આ સ્ત્રીમાં? ન જ હોઈ શકે. એનો પ્રેમ એ ભૂતકાળની ક્ષણો જેટલો જ જીવંત છે આજે પણ. ‘સીધા બેસોને બંને જણ! બારી પાસે કોઈ એકથી જ બેસાય ને! ચાલ જોય, પહેલાં મારી ગુડ્ડીનો વારો. બડકી, થોડીવાર પછી તારો વારો હોં!’ એકાએક કરડાકીભર્યા અવાજોથી હું સીધો જ રાતમાંથી ટ્રેનની બેઠક પર આવી ગયો. સામે જોયું તો બારી પાસે બેસવા લડતી બંને છોકરીઓમાંથી બડકીનું મોં થોડું પડી ગયું હતું. એ કતરાતી નજરે નાની ગુડ્ડી તરફ જોઈ રહી. ગુડ્ડીને ઠેંગો બતાવતી, ચાળા પાડતી જોઈને બડકીની નાનકડી આંખો ભીંજાઈ ગઈ. એના પપ્પાએ એને ખોળામાં લીધી, વ્હાલથી માથે હાથ ફેરવ્યો – ‘તું પપ્પાની બેટી છે હોં! આપણે એવી ગંદી જગ્યાએ બેસવું જ નથી ને?’ પણ બડકીને પપ્પાની ડાહી ડાહી વાતો ક્યાં સંભળાતી હતી? એનું મોં હજી ય ગુડ્ડી તરફ જ મંડાયેલું હતું. એ ધીમેથી બોલી; ‘મંમા, તને કોણ વધારે ગમે? ગુડ્ડી કે હું?’ બડકીના પ્રશ્નએ મારી આંખોમાં બે ય ચહેરા ચમકાવી દીધા. ખિસ્સામાં મૂકેલા પત્રમાં હવે અક્ષરોને સ્થાને મૃણાલનો ચહેરો તરવરી ઊઠ્યો. મેં બહાર જોયું. ટ્રેનની સમાંતરે દોડતાં લીલાછમ ખેતરો વચ્ચે ખડખડાટ હસતી નેન્સી દેખાતી હતી. કોણ વધારે ગમે? હું જાણે મીણ બની ગયો. બડકીની માની જેમ કોઈ જ પ્રત્યુત્તર નહોતો મારી પાસે. મેં બાજુમાં નજર કરી. થોડોક જાડો કહી શકાય એવો માણસ આટલા ઘોંઘાટ વચ્ચે મોં ખુલ્લું રાખીને નિરાંતે ઊંઘતો હતો. મેં એના ખિસ્સા સામું જોયું. એમાં કોઈ જ પત્ર મૂકેલો નહોતો. એટલે જ એ સોનેરી ઊંઘ માણી શકતો હતો. મારો હાથ ખિસ્સા તરફ વળ્યો અને મેં પત્ર બહાર કાઢ્યો, હવે તો વાંચી જ લઉં, કદાચ હું પણ ઊંધી શકું નિરાંતે. પણ શરીરે પરસેવો વળવા લાગ્યો. હથેળી પણ પ્રસ્વેદથી ભીંજાઈ ગઈ હતી. આંગળીઓ રીતસર કંપવા લાગી. આંખે હવે થોડા થોડા અંધારા પણ આવવા લાગ્યા. – મૃણાલે પત્ર લખ્યો? જેને પંદર વરસથી અવિરત ચાહતો આવ્યો છું એ જ મૃણાલે? મેં એનું નામ બે-ત્રણ વાર મનમાં ઘૂંટી જોયું. મેં મને ચૂંટી ખણી. ચામડી ચચરી ઊઠી, શું લખ્યું હશે એમાં? મારું લગ્નજીવન તૂટવાના સમાચાર હશે? વિશ્વાસઘાત કર્યાનો આરોપ હશે? કદાચ સજા પણ હોય. કદાચ તો હતાશા કે નિઃસાસા... કે પંદર વરસ સુધી ભરપૂર પ્રેમ કરવાના વળતરરૂપે ઉદાર થઈને માફી પણ આપી હોય! ને એમ ન હોય તો? કદાચ કાલાવાલા, કાકલૂદી... છેવટે રોનક માટેય પાછા વળવાની વિનંતી... પણ હું એનામાંથી નીકળીને ક્યાંય ગયો જ નથી છતાં ક્યાંક પ્રવેશ્યો છું એ ચોક્કસ. મારી વહેંચાઈ ગયેલી ક્ષણો સાથે હું પોતે જ વિભાજિત થઈ ગયો, મારાથીયે અજાણ. ટ્રેનની ગતિ કરતાં મારા વિચારોની ગતિ વધારે તીવ્ર બની. નેન્સીના ભાઈના લીધે જ ઘરોબો બંધાયેલો એના ઘર સાથે. ટેનિસે મને ઋતાંશ જેવો મિત્ર આપ્યો અને ઋતાંશે નેન્સીની દોસ્તી. એના ભાઈ સાથે વાત કરતી વખતે પણ નજર તો એને જ ખોળ્યા કરતી. એ ન હોય ત્યારે ઋતાંશ અને મારી વાર્તાનું કેન્દ્ર ટેનિસરૂમ જ રહેતો પણ નેન્સી હોય ત્યારે ટેનિસરૂમ તો ક્યાંય પરિઘમાં ધકેલાઈ જતો. એનો સદાય હસતો ચહેરો, જિંદગી વિશેના ભારેખમ લાગતા સવાલોને ચપટીમાં જ ઉકેલી નાખવાની કુનેહ, એના રૂપનું લાવણ્ય, એની સાદગી, એનું બિન્દાસ વ્યક્તિત્વ... મારી ભીતર ક્યારે ઠલવાતું ગયું મને ખબર જ ન રહી. જેવા હોઈએ તેવા દેખાવું આ દુનિયામાં કેટલું મુશ્કેલ છે! એણે જ શીખવ્યું કે પોતીકા અસ્તિત્વનો સ્વીકાર કેમ કરાય. સત્યને સત્યરૂપે સ્વીકારતા પણ એણે જ શીખવ્યું. આ બધાથી મોટી વાત તો એ હતી કે એ જીવનથી ભરી ભરી રહેતી. એ જુદી હતી. એટલે જ આડત્રીસ વરસનો હું એનાથીયે અજાણ એની પચ્ચીસ વરસની દુનિયામાં પ્રવેશી ગયો. હું એને ન મળતો ત્યારે માથું ફાટવા લાગતું. કારણ વગર ચિડાઈને રોનકને મારી બેસતો. પાકીટ ક્યાંક મુકાઈ જતું. ઘણીવાર પડી પણ જતું. હું નેન્સીને જોવા એટલો તત્પર બની જતો કે ડ્રાઇવ કરતી વખતે રસ્તે રેડ સિગ્નલ દેખાતું જ નહોતું. ક્યાંક બાઈક અથડાઈ જતી. જુદા જુદા બહાને શબ્દોનો ઘટાટોપ રચીને એને ફોન કરતો ને કોઈક કામમાં વ્યસ્ત રહેતી નેન્સી મને મળવાની ના પાડે ત્યારે મારું અસ્તિત્વ ચૂરેચૂરા થઈ જતું. એ મળતી ત્યારે વિખેરાઈ ગયેલો હું ફિનિક્સ પંખીની જેમ રાખના ઢગલામાંથી પણ બેઠો થઈ જતો. હું નથી જાણતો એ મારા વિશે શું માને છે? જીવવાની તરસ જેવું એક વિસ્મય ટકી રહ્યું છે અંદર-એ કયા રૂપે જોતી હશે મને? એકવાર રોનકે નવો કંપાસ મંગાવેલો. તે ખરીદીને સીધો એને ત્યાં ગયેલો. નવો કંપાસ જોઈને એ નાના બાળકની જેમ ઉછળી પડી; હું સ્તબ્ધ બની ગયો. મારો પથ્થર શો ચહેરો જોઈને એણે કહેલું; ‘મોટા થઈ ગયા તો શું થઈ ગયું? આવું બધું ખરીદતા રહેવું જોઈએ. શૈશવનો ચહેરો પણ કેટલો સુંદર હોય છે નંઈ? મને તો હજીય ગમે આવું બધું ખરીદવાનું. એનાં નવાં નક્કોર સાધનો પર હાથ ફેરવવાની મજા પડે યુ નૉ! કંપાસ સાથે આવતા રબરની સુગંધ... આહ!’ ખબર નહીં પણ તે દિવસે મનમાં કંઈક ખૂંચ્યું હતું. જાણે કંપાસમાં આવેલું પરિકર ભોંકાઈ ગયું ભીતર. ગયા વરસે રોનકના બર્થ-ડે પર હૉટલમાં જમવા ગયેલા. ડીનર વખતે કોઈ ન જુએ એમ એની થાળીમાંથી એણે ખાધેલી સ્વીટનો એક ટુકડો ઝડપથી મોંમાં મૂકી દીધેલો. આવા રોમિયોવેડા કરવાનો આનંદ અનુભવું એ પહેલા જ નેન્સીએ મને કોણી મારી. છેક મારા કાન આગળ મોં લાવીને હળવેથી કહેલું, ‘અબે યાર... આ શું કર્યું? મારી થાળીમાંથી તો એક જ જણ ખાઈ શકે. યુ નૉ?’ અને એણે આંખ મીંચકારી. હું એકાએક કપાઈ ગયો જાણે. હું કાંટા ચમચી ભણી તાકી રહ્યો હતો. પછી એક અઠવાડિયા સુધી એ મળી જ નહીં. મને લાગ્યું હું મૅડ થઈ જઈશ સાવ. અને મેં ફોન કરીને કહી જ નાંખ્યું; ‘તારી ખૂબ જ યાદ આવે છે નેન્સી! અત્યારે જ મળવા આવ મને. તારા ઘરથી થોડેક આગળ, રસ્તા પર પેલો બાંકડો છે ત્યાં.’ હું પહોંચું એ પહેલાં તો એ ઊભી જ હતી. હું ધરાઈ ધરાઈને અને મારી આંખો વડે પી રહ્યો હતો. કંઈક બોલું એ પહેલાં તો એણે મારા વાળમાં એની લાંબી આંગળીઓ ખોસીને બગાડી નાંખ્યા... ‘બોલો હવે, શું છે? તમે બોલાવો ને હું ના આવું એમ બને? આજે એકદમ કૉલેજિયન બૉય લાગો છો ને કંઈ! એં...હેં... રફ ઍન્ડ ટફ... એક રાઝની વાત કહું? એકદમ હેન્ડસમ લાગો છો તમે! બાય ધ વે, ભાભીએ તમને આજે કંઈક કહ્યું નહીં તમારા આ ટીપટોપ લૂક વિશે? યુ નૉ, કેટલાં લકી છે ભાભી!’ એકાએક કંઈક યાદ આવ્યું હોય એમ એની નાજુક ગ્રીવા અને હરણ જેવા ચંચળ નયનો આસપાસ ત્વરાથી ફરી વળ્યા ‘મને તમારી સાથે અહીં કોઈક જોઈ લે તો શું ય ધારી બેસે...ઓ. કે. હુ કૅર! ડૉન્ટ વરી કંઈ જ પરવા નહીં. હું તો મને ઓળખું છું ને! હં... બોલો, કંઈ અરજન્ટ...’ એ બોલ્યે ગઈ. હું સુંદર છું. નેન્સીએ ના કહ્યું હોત તો પણ મને ખબર હતી. મારા પરિચિતો કહે છે તેમ રોનક સાથે ના ઊભો હોય તો લાગુ પણ નહીં કે પરણેલો છું. પણ નેન્સીએ કહ્યું ત્યારથી ખરેખર જ હું મને ગમવા લાગ્યો. એ પળે એમ પણ ઇચ્છ્યું કે કોઈ અમારા વિશે આવું ધારી લે તો કેવું સારું!

ટ્રેન ઊભી રહી. નવું સ્ટેશન આવતાં જ ટ્રેનમાં અવાજો વધતા જતા હતા. અને ઉપરથી એમાં ચેન વેચવાવાળા, ચા-બિસ્કીટવાળા, પીપરમીન્ટવાળા, તાળા-ચાવીવાળા, ફ્રૂટવાળા, બોરિયાં-બંગડીવાળા, ભિખારીઓનાં લાચાર અવાજો ઉમેરાતા જતા હતા. જાણે મારો ભીતરનો એક અવાજ પણ છટકી જઈને એમાં ભળવા લાગ્યો? એને છેતરીશ-જાતને પણ છેતરીશ? આ સ્વાંગ ક્યાં સુધી? સ્વીકારી લઉં સત્યને. અને આ ક્ષણનું સત્ય એ જ છે કે મૃણાલ અને મારા અસ્તિત્વની સાથે સાથે એનો પણ સ્વીકાર કર્યો છે મેં. આવતી ક્ષણની ખબર નથી પણ આ ક્ષણનું સત્ય તો આ જ છે. મારી જાત સામે એનું અનાવરણ કરી દેવું છે બસ! હે ઈશ્વર! મારા પર હજાર કોરડા વરસાવજે. તારી દુનિયા જેને પાપથી ઓળખે છે એ ભૂલ મેં જાણીબૂઝીને કરી છે કદાચ આગળ પણ કરતો રહું. હજારો સૂર્યની અગ્નિથી મને સળગાવી દેજે. પણ એને સદાય હસતી રાખજે. મેં સામે જોયું. બડકી બારી પાસે બેઠી બેઠી એક ચિત્તે બહાર જોઈ રહી હતી. ગુડ્ડી એના પપ્પાના પગ પર માથું નાખીને સૂઈ ગઈ હતી. મેં પત્રની બંધ ગડી અડધી ઊકેલી. મૃણાલની આંખો મારી સામે તરવરી ઊઠી. પત્રને પાછો ખિસ્સામાં મૂકી દીધો. ટ્રેન ઊપડી. જાણે કોઈ અજાણ્યા સૂનકારને ચીરતી તે આગળ ધપી રહી હતી. કોઈ અંધકારભર્યા પાતાળમાં ઉતરી પડું એ પહેલાં હું ઊભો થઈ ગયો. ગબડી ના પડાય એની તકેદારી રાખતો હું આગળ વધ્યો તો ય સ્હેજ આગળ ઊભેલા વૃદ્ધ સાથે અથડાઈ ગયો. એણે ગુસ્સાથી મારી સામું જોયું. ‘સોરી’ જેવો સાવ મામૂલી શબ્દ વાપરીને હું બહાર દરવાજા તરફ ગયો. થોડી વાર ત્યાં જ ઊભો રહ્યો. એક સ્ટેશન આવ્યું. સાથે જ માણસો અને અવાજોનો એક ધક્કો અંદર આવ્યો. અને એક એવો જ ધક્કો બહાર ચાલ્યો ગયો. બે સ્ટેશન પછીનું સ્ટેશન મારું હતું. ઘર હવે નજીકમાં જ હતું. ઘરે પહોંચતા પહેલાં જ ઘેરાવમાંથી બહાર નીકળી ચૂક્યો હતો. થયું કે હવે મરી જવાય તો ય વાંધો નહીં. હું ફરીથી મારી જગ્યાએ પહોંચ્યો. જોયું તો મારી સીટ પર કોઈક બેસી ગયું હતું. એણે નમ્રતાથી પૂછ્યું; ‘રિઝર્વેશન છે?’ હું હસ્યો. મારા એ હાસ્યમાં રહેલું ખોખલાપણું એની નજરે નોંધ્યું હશે કે કેમ મને ખબર નથી. હું સાવ ધીમેથી એટલું જ બોલી શક્યો; ‘રિઝર્વેશન? હોય તો ય કોઈ ફેર નથી પડતો.’ મારા પ્રત્યુત્તરથી પરેશાન થયેલા એ ચહેરા પર એક નજર નાખી અને મેં ખિસ્સામાં મૂકેલા પત્રને ફાડીને ટ્રેનની બારીમાંથી બહાર ફેંકી દીધો.