ખરા બપોર/૭. ગોપો

Revision as of 05:52, 15 April 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૭. ગોપો|}} {{Poem2Open}} એ વખતે હું બહુ જ નાનો હતો. સૂરજ ઊગવાને બહુ વાર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૭. ગોપો

એ વખતે હું બહુ જ નાનો હતો. સૂરજ ઊગવાને બહુ વાર હોય અને હું મારું દફતર લઈ, અમારી વાડીએથી દોઢ ગાઉ ચાલીને ગામમાં નિશાળે જતો.

મને બધું યાદ છે – એ ખુશનુમા પ્રભાત, પટેલની વાડીની એ ચમેલીની મઘમઘતી વાડ, નદીની ઘૂઘવતી ભેખડો! રોજબરોજ એની એ કેડી પર, કોઈક વાર રિસોટી વગાડતો હું ચાલ્યો જતો.

ઝાકળ પડતી, પ્રભાત ફોરતું અને લહરીઓ વહેતી!

કોક સામું મળતું તેને હસી હસીને હું કહેતો: ‘નિશાળે જાઉં છું!’ એ હાસ્યને ઊડતાં પણ બહુ વાર ન લાગતી.

આજે જોકે મને પળિયાં આવ્યાં છે અને રસ્તે મળનારની દરેકની નજર ચૂકવતાં આજે હું અસ્વસ્થ બની જાઉં છું…. પણ જવા દો એ વાત!

આજે ખાસ તો હું એ કહેવા માગું છું કે….

હું રોજ નિશાળ જતાં ગોપાળના ખેતર આગળથી પસાર થતો. મારી એ આદત પડી ગઈ હતી કે એનીક વાવ આગળનો ટીંબો ચડી હું ગોપાના ખોરડામાં નજર નાખતો અને રોજની રોજ મારી નજર ત્યાં ભોંઠી પડી, ગોપાને બાવળના ઝાડ નીચે બેઠેલો જોતી.

ગોપો રંગે કાળો અને દેખાવે કદરૂપો હતો. એને કોઈ નહોતું: માબાપ નહિ, ભાઈબહેન નહિ, દોસ્તો પણ નહિ! એના ખોરડામાં હાંડલાંઓ તૂટેલાં અને રાચરચીલું ભાંગેલું હતું. એના ખેતરમાંથી હળ ચોરાઈ ગયું હતું અને પાસે બળદો નહોતો! એની વાવની બખોલમાંથી પારેવડાં પણ ક્યારનાં માળો ઉઠાવી ગયાં હતાં. એક લીંબડો, બે આંબા અને એક જાંબુનું ઝાડ, સુકાયેલાં, દયાપાત્ર બની ઊભાં હતાં. નજરને ખેંચે એવું ત્યાં એક બાવળનું ઝાડ હતું અને એની નીચે ખાટલા ઉપર ગોપો પડયો રહેતો.

કેટકેટલાં વરસો પછી એ ટીંબાને આજે હું નજર સામે જોઈ રહું છું અને જોઉં છું તો લાગે છે કે આટઆટલાં વરસો ફોગટનાં અહીંથી પસાર થયાં છે!

જાણૈ કશું બન્યું જ નથી!

ટીંબો ચડીને જોઉં છું તો એની એ જ વાવ અને એ જ બાવળ નીચે ગોપો હજુયે બેઠો છે.

મારા પગનો અવાજ સાંભળતાં ગોપો મારી તરફ ફરે છે અને ફરતાં, એ ખાંસીની ઘૂમરીઓમાં ચક્કર ખાઈ જાય છે!

હું ટીંબો ઊતરી એની પાસે જાઉં છું. એનું શરીર હવે હાડપિંજર માત્ર બાકી છે. એની લાલ આંખોમાં બુઝાતી સંધ્યાનો અગાધ થાક દેખાય છે. તૂટેલા ખાટલા પર એ રંજાડેલા પશુ જેવો પડયો છે.

ધીમે ધીમે, સૂરજ ડૂબતો જાય છે, પક્ષીઓ કલ્લોલતાં પસાર થવા લાગે છે અને ફાગણની સન્ધ્યાની ખુશનુમા લહરીઓ સરતી જાય છે.

ગોપો જુવાન હતો ત્યારે એની છાતી પહોળી, આંખો લાલઘૂમ અને શરીર લોખંડી હતું ક્યારેક એ મજૂરી કરતો, ક્યારેક નાની ચોરીઓ કરતો અને ક્યારેક આજુબાજુનાં ગામડાંમાં ખેપ કરી એ પેટ ભરતો. એ બહુ જ ઓછું બોલતો પણ વાતવાતમાં કજિયો કરવા ઊતરી પડતો.

એની વાડીમાં એકલવાયા બાવળ નીચે એ એકલવાયો પડી રહેતો. ટાઢ હોય, હિમ પડતું હોય, તડકો હોય કે ધૂળના વંટોળિયા ઊડતા હોય, પણ એના મનમાં આવે તો એ ત્યાંથી ડગતો નહીં. મને એમ થતું કે દિવસોના દિવસો સુધી એ ખાતોપીતોય નહીં હોય! એના મનમાં શું હતું એની કોઈને કળ પડી નહોતી. કોઈએ એ જાણવાની દરકાર કરી નહોતી.

કોઈ વાર ગોપો ગામમાં આવતો. વધેલી દાઢી, દિવસો સુધી ન ધોયેલું મોઢું, (નાહવાનું તો ઘેર ગયું!) મેલાં, ફાટેલાં કપડાં અને રીંછ જેવો ગંધાતો એ ચોરે આવી બેસતો. એની આંખોમાં ખુન્નસ ભરેલું દેખાતું. ખિસ્સામાં હોય તો દસબાર બીડીઓ એ ઉપરાઉપરી પી નાખતો, નહીં તો, બેઠો હોય ત્યાં થૂંકી થૂંકી જમીન ભીની કરી દેતો. તે દહાડે ‘ગોપો આવ્યો છે’ની ખબર કાનેકાન ઊડતી અને ગામની સુસ્તી ઉડાડી દેતી! એની બેસવાની છટા અને એની આંખોની રોશનીનો પડકાર જોઈ લોકો એનાથી ડરતા. દૂરથી પસાર થતો તોય એકાદ કજિયો કરી થોડુંક લોહી વહેવડાવી, ગોપો રાતના એના બાવળ નીચેના ખાટલે પહોંચતો.

ગોપો ઘણી વખત માર ખાતો ! પણ કોઈ પણ ભોગે સામા થવાની એની આદત, સ્વભાવની જીદ અને પશુનો હઠાગ્રંહ ગયાં નહોતેં.

એ ગોપો હતો.

એ ગોપો હતો, જે કંઈ ન કરતો હોય ત્યારે એની વાડીના બાવળ નીચેના તૂટેલા ખાટલા પર પડયો પડયો, એકધારું આકાશ સામે જોઈ રહેતો. એના ખુલ્લા શરીરને ન તો તડકો ડામી શકાતો, ન તો ઠંડી થિજાવી જતી. રાતે એના ખાટલા નીચેથી સર્પ અને વીંછીઔ પસાર થઈ જતા. સૂવર એને સૂંઘીને ચાલ્યાં જતાં.

ખુશનુમા પ્રભાત, કોઈક રંગીલી સનધ્યા, ચાંદની ઓઢીને પસાર થતી કોઈ મદભરી રાત – કેટકેટલી પસાર થઈ ગઈ! કેટકેટલી વસંત અને શિશિર નૃત્ય કરી ગઈ! પણ ગોપાના મોઢા પર ભાવનાની એકેય કરચલી મહેકી નહીં.

એવો પશુ જેવો ગોપો માણસ હતો અણે એ આટલાં વરસો એના તૂટેલા ખાટલા પર પડયો રહ્યો!

માહ મહિનાની એક ઠંડી બપોરે બહારવટિયાઓએ ગામને ભાંગ્યું. ગામમાં રાડ બોલી ગઈ. ફડોફડ બારણાં દેવાઈ ગયાં. મેડીઓની સળિયાવાળી બારીઓમાંથી બીકથી ચટપટતી આંખો જ માત્ર શેરીનું નિરીક્ષણ કરી રહી. કૂતરાં અને ગધેડાં ધોળે દિવસે બરાડવા લાગ્યાં. બહારવટિયાઓનો મુખી ગામને ચોરે આવીને બેઠો. એના માણસોએ ધનિકોનાં ઘરનાં બારણાં કુહાડાથી તોડી તોડીને, એમને પગેથી ઘસડી ઘસડી બહાર કાઢયાં.

એ વખતે અચાનક ગોપાનું ગામમાં આવવું થયું!

એ મૂરખ હતો અને મૂઢ હતો. સગી આંખે જોયું તોય એ પાછો ભાગ્યો નહિ. એમ કરવું એના સ્વાભાવમાં નહોતું.

એનામાં પશુનાં બધાં જ લક્ષણ હતાં. માણસજાતને દેખતાં એની આંખોમાં લોહી ઊભરાતું, એના અલમસ્ત સ્નાયુઓ તંગ થઈ જતા અને હિંસક પશુ જેવો એ પોતાની તાકાતનું માપ કાઢવા ઇંતેજાર થઈ રહેતો.

એ ગોપો….

એ ગોપો બેધડક અને બેફિકર ચોરામાં આવી ઊભો. એની નજર આજુબાજુની મેડીઓ, ખોરડાં, સૂની શેરીઓ અને ગધેડાં-કૂતરાં પરથી પસાર થઈ, આખરે બહારવટિયાના મુખી ઉપર ઠરી ગઈ. એ નજરમાં ડર નહોતો. કુતૂહલ, મૂઢ, બેશરમ અને પાશવી મસ્તી માત્ર હતી!

અને બે ઘડી પછી તો એ બન્નેની નજર એકબીજા સાથે અથડાઈ ત્યારે ગોપો ન તો સંકોચાયો, ન તો પાછો હઠયો. એણે ફક્ત જોયા જ કર્યું.

અને ઘડીના છઠ્ઠા ભાગમાં એ ગામનો ઇતિહાસ ઘડાઈ ગયો. ગોપાની આખી જિંદગીનો પહેલો અજોડ બનાવ બનવા પામ્યો.

‘અલ્યા કોણ છો તું? મુખીએ પૂછયું.

‘ગોપો!’

‘શું કરછ – અહીં?’

‘ફરેછ કાં?’

મુખી પોતાના માણસો તરફ ફર્યો.

‘એલાઉ ઠોકો એને! ઈ ફરેછ! એનું ફરવું અટકાવી દો! સૂવર સાળો – ફરેછ કાં?’

ગમે તેમ હોય, દુનિયામાં ન બનવાનું પણ કોક વાર બની જાય છે: ગોપાએ પોતાનો સ્વભાવ બદલ્યો અને બદલ્યો તે કેવો બદલ્યો કે એ મુખીના પગે જઈ ઢળી પડયો. એ રડવા અને કકળવા લાગ્યો. એ આવડત એનામાં ક્યાંથી આવી એ હજી સુધી એક વિસ્મયની વાત જ બની રહી છે!

‘લે ઊઠ હવે!’ મુખીએ કહ્યું. ‘છો તો ગોધા જેવો ને બકરી જેવું રડછ તે!’ એણે પોતાના માણસો તરફ ફરીને કહ્યું: ‘એલાઉ આને કામ આપો. જા, જા, હવે કહેછ કે ‘ફરુંછ!’ મારો બેટો!’

એ ગામને તે દહાડે અકબર પડી કે ગામમાં આટલું બધું ધન હતું! ઘૂંટણભર ધોતિયું, દિવસમાં એક વખત ખાતા અને ગોકળ આટમને દિવસે ગાયોને ચારો નાખતા સાકરચંદને ઘેર બે કોઠીઓ રૂપાંનાણાંથી ભરેલી હતી અને વાઘજીની ડેલીની ભીંતની આઠ ઈંટો ચાંદની નીકળી. એ તો ગામ લૂંટાયું ત્યારે ખબર પડી કે ગળાટૂંપ ગરીબી અને અઢળક દોલત એકીસાથે, બાજુ બાજુમાં આસાનીથી રહી શકે છે.

સાકરચંદને ઘેરથી બહારવટિયાઓએ રૂપાનાણાંની થેલીઓ ભરીભરીને ગોપાના ખભે મૂકી. ‘જા પાદરમાં અમારાં ઊંટ અને ઘોડાં છે, ત્યાં બીજાં માણસોયે હશે, એમને આપજે. સમજ્યો, અલ્યા ભૂત? જોજે ક્યાંય ફરવા ન હાલ્યો જતો – હા – હા! કહેછ! ફરુંછ! મારો બેટો!’

ગોપા પૈસાની થેલીઓ ભરી ભરીને ગામમાંથી પાદરમાં પહોંચાડવી શરૂ કરી. એક ફેરો, બીજો ફેરો અને ત્રીજે ફેરે એણે વિચાર કર્યો. ગોપો વિચાર કરતો થઈ ગયો હતો. ચોથે ફેરે પાદર તરફ જતાં જતાં, રસ્તામાં આવતા એક ખંડિયેરમાં પોતે ઉપાડેલી બે થેલીઓ સંતાડી દીધી. ત્યાર પછીના દરેક ફેરે બેત્રણ, બેત્રણ કરી કરીને એ થેલીઓનો ઢગલો ખંડિયેરમાં જમા કરતો ગયો. ગોપાના ચાટડા જેવા માથામાંથી આ ભેજું નીકળશે એની કોઈને ગંધ સુધ્ધાં નહોતી આવી.

ત્યાં તો ખબર પહોંચ્યા કે ‘વાર’ ચડી ચૂકી હતી. પોલીસ પાર્ટી ગામ તરફ આવી રહી હતી!

બહારવટિયાઓ અવ્યવસ્થિત દશામાં ભાગી છૂટયા. એ ગયા અને પોલીસ આવી. ગભરાટના સમયનો લાભ લઈ ગોયો ખંડિયેરમાં ભેગું કરેલું ધન પોતાના ખેતરે લઈ ગયો અને દાટી પણ દીધું અને એ જ બાવળના ઝાડ નીચે, એ જ તૂટેલા ખાટલા પર લાંબો થઈ પડયો.

એના મોઢા પર સૂવરની છાપ હંમેશાં પડી રહેલી દેખાતી એ છાપ અત્યારે હાજર હતી. એ છાપની કર્કશતા નીચે બીજા ભાવોની કુમાશ હણાઈ જતી, પણ કુમાશને અને ગોપાને કંઈ લાગતુંવળગતું નહોતું.

પોલીસે ગોપાને પકડયો, માર્યો અને થાણે પણ લઈ ગઈ! પણ ચાર દહાડા એને હેરાન કરી ‘કમ અક્કલ છે કમ અક્કલ!’ કહીને એને કાઢી મૂક્યો.

ગોપાને હવે હૂંફ મળી! – ના! ગોપાના શરીરને હૂંફની જરૂર નહોતી. હૂંફ, ટાઢ, માણસ અને કુદરત તરફથી થતી હેરાનગતિને એ ક્યારનો પચાવી બેઠો હતો! એના મનની અત્યાર સુધીની જે ઠંડી ગતિહીનતા હતી એને એની વાવની કૂંડીના તળિયામાં દાટેલા ધનની હૂંફ મળવા લાગી. ગોપો ધીમે ધીમે પશુ મટીને માણસ બનવા લાગ્યો અને બિચારો માણસ તે કેવો માણસ બન્યો કે માણસની રીતથિ એની જિંદગીની છેડે ધોખો કરતો, પોતાની જાત પર લ્યાનત વરસાવતો, ક્ષયના રોગથી આખરે રિબાઈ રિબાઈ મૂઓ!

પોલીસને થાણેથી પાછો આવી ગોપો સીધો ગામમાં પહોંચ્યો અને રામજી સલાટની સાથે કામ પર ચડી ગયો. જોતજોતામાં ગોપાની સારા સલાટમાં ગણતરી થવા લાગી. એમ થોડાક મહિના વીત્યા. હવે ગોપો કંઈ ન કરતો હોય ત્યારે, કોઈક વાર બાવળ નીચેના એના ખાટલા પરથી ઊઠી એ હોટલમાં આવી ચા અને ગાંઠિયા ખાતો, કોઈક વાર હસતો ખરો…. અને રસ્તે જતાં સામે મળતી ગાયના કપાળે હાથ ફેરવીને પંપાળી લેતો.

એક દહાડો, તેજપારના હાટે બીડીઓ લેતાં લેતાં એણે વાત વહેતી મૂકી: ‘આપણે તો જાવું છ આફ્રિકા.’

‘આફ્રિકા?’

‘હા, કમાવા!’

‘તારા તો જોને દી ફર્યા છ તે!’ તેજપારે એની ઠેકડી કરી, ‘કમાવાની તને લત લાગી છ!’

સાંજે હોટલમાં અને રાતે ચોરા પર જામી પડેલી ભજનમંડળીમાં ગોપાએ એ જ આફ્રિકા જવાની વાત કહી અને ચોથે દહાડે તો ગોપો ગટે તેને રામરામ કરીને ચાલી નીકળ્યો.

આમ અઢી વરસ વીતી ગયાં. જેવાં વીતે છે એવા ઉનાળો, શિયાળો, ચોમાસું…. વરસાદ અને વાવાઝોડાં, માવઠું અને વંટોળિયા, રોગ અને ભૂખમરો, દિવસ ઊગે અને આથમે, એ કંઈ નવી વાત નથી. હંમેશ જેવા એ ગામમાં ગોપા વગરનાં અઢી વરસ વીતી ગયાં!

વૈશાખને ધોમધખ્યે, અઢી વરસ બાદ, ગોપો પોતાને ગામ પાછો ફર્યો. એણે છત્રી ઓઢી હતી અને કોટપાટલૂન પહેર્યાં હતાં, એની મૂછો ખૂબીથી કાપેલી હતી. એણે રુઆબથી તેજપારના ઘીના ડબા ઉપર રૂપિયો ફેંક્યો અને કહ્યું: ‘સીઝર’ લાવ.’

તેજપાર એક વાર તો એને જોઈ રહ્યો – કદાચ ઓળખ્યો નહિ હોય: પછી મનમાં થયું, હશે: ‘અલ્યા, ગોપો તો ન હોય!’

‘કાં ડરેછ?’ ગોપાએ હસીને કહ્યું: ‘આ ચોરીનો પૈસો ન હોય હો! પસીનાની કમાણી છે. હું આફ્રિકા ખેડીને, ખારાં પાની વલોવીને, પાછો આવ્યો છું, સમજ્યો?’

ગમેતેમ હોય, ગોપો અઢી વરસે પાછો આવી પોતાની વાવની કૂંડીમાં દાટેલી મિલકતનો છડેચોક ધણી થઈને બેઠો. ગોપો ભારે ઉસ્તાદ નીકળ્યો!

એણે ગામમાં જગા બાંધવી શરૂ કરી; મેડી પણ ચણાવી અને આંગણામાં વાવ પણ ખોદાવી – આ એ જ ગોપો, જે દિવસરાત બાવળના ઝાડ નીચે તૂટેલા ખાટલા પર સૂઈ રહેતો!

એના દોસ્તો, આશ્રિતો અને ખુશામતિયાઓ વધવા લાગ્યા. ક્યારેક ઉજાણીઓ થતી. કાવા-કસુંબા નીકળતા અને હોકો તો દિવસરાત ગગડયા જ કરતો. કોઈ કહેતું આ ધંધો કરો, કોઈ કહેતું તે! પણ ગોપો હજીયે ઓછું બોલતો. એ સાવ ચૂપ થઈ બેસતો અને એની મેડીના ગોખમાંથી દેખાતી ઉનાળાના આકાશની ઝગમગતી પ્રતિભાને જોઈ રહેતો ત્યારે એનું મોઢું પહેલાંના જેવું જ દિશાશૂન્ય અને વધારે લાગણીહીન દેખાતું. એ મોઢા તરફ જોનાર કોઈકને ત્યારે વિચાર આવતો કે આ વ્યક્તિને આટલી સમૃદ્ધિ અને આ મહત્તા ક્યાંથી મળી? એનું અસ્તિત્વ જ એની લાયકાત સામે એક પુકાર હતો!

પણ આ જમાનામાં ન બનવાનું અને અણછાજતું નથી બનતું?

પણ આ વાત અહીં નથી અટકતી! આ તો કેફ ચડવાની શરૂઆત હતી રંગ આવવો તો હજી હવે બાકી હતો!

એક દહાડો ગોપાને ઘેર મુંબઈના મહેમાનો આવી ઊતર્યાં. અમસ્તા જ આવ્યા હતા અને અમસ્તા જ ગોપાને મુંબઈ ઉપાડી ગયા! પણ વાતો એમણે કેવી કેવી કરી? ‘આ તે કંઈ ઘર છે તમારું? અરે, ત્યાં તો સાત સાત મેડીઓ એક-બીજા ઉપર ચડે છે, આ – આમ’ કરી એક જણે સિગારેટની ડબી ઉપર દીવાસળીની પેટીને ચડાવી: ‘અને ત્યાં તમારા બળદોના વેપાર નહિ હો! ત્યાં વાતોનો વેપાર! રાતના સૂઓ અને સવારે આંખ ઉઘાડી જુઓ તો દસના પંદર હજાર! ના, આ મશ્કરી નથી, ખરેખર!’

ગોપાને વાતોના આ વેપારની ખાતરી કરવી જ રહી. બીજે દહાડે એ એમની સાથે મુંબઈ પહોંચવા હાલી નીકળ્યો.

ગોપાએ મોટરમાં બેસીને મુંબઈ જોયું – ના, એ જોઈને એ ગાંડો ન બન્યો. જરાય નહિ! એના પેટમાં એ પાણી ન હતું જે હાલી ઊઠે. જેમ એના બાવળની કાંટાવાળી ઘટામાંથી એ વરસો પહેલાં આકાશ જોઈ રહેતો તેમ અત્યારે મુંબઈના એ પાંચ માળિયા મકાનમાંથી એ જોઈ રહેતો ગોપો એનો એ જ હતો.

ગોપાએ મુંબઈમાં વાતોનો વેપાર પણ કર્યો. દસના પંદર હજાર કર્યા – થઈ ગયા! એણે નોકરો રાખ્યા, દલાલો આવ્યા, મોટર, ડ્રાઈવર, મકાન, ટપાલ તાર, ટેલિફોન, વકીલ ડૉક્ટર વગેરે! એની જંજાળ વધવા લાગી; જાણે માથામાં જૂ પડી!

પણ ગોપો બહાર નીકળતો જ નહિ! એ ટેલિફોનને અડતો નહિ. એ તો મહેતાજી ટેલિફોન પકડીને એને કહેતો, ‘શેઠ, ગોવિંદરામ ખરીદે છે,’ પણ ગોપો એની ખુરશી પર પલાંઠી વાળીને બેસી રહેતો – જાણે સાંભળતોયે ન હોય અને ઉપરાઉપરી ટેલિફોન આવતા, ગવર્નમેન્ટનું નવું બિલ, મ્યુનિસિપાલિટીનું બજેટ, બર્મામાં વાવાઝોડું, જાપાનમાં ધરતીકંપ! પણ ગોપો સામેના મકાનની અગાશીએ બેઠેલા કાગડા તરફ જોતો; એમ જ ચુપચાપ મોં પર એક નવી કરચલી પડયા વગર કે જૂની કરચલી ઉખેડયા વગર બેસી રહેતો અને વચ્ચે ચલમ પીતો હોય એમ સિગારેટમાંથી ચાર દમ ખેંચી કાઢતો.

એની મરજીમાં આવે ત્યારે ‘વેચો’ અથવા ‘ખરીદો’ એ કહેતો. એની ઇચ્છા સિવાય બીજાં કંઈ કારણો નહોતાં! એ મનમાં એમ સમજતો હોય કે આખરે એ પોતાનો વેપાર હતો ને! ગમેતેમ હોય પણ ગોપો ગુમાવવા કરતાં કમાતો વધારે!

ગોપો મુંબઈમાં જામી પડયો! એવો તો જામી પડયો કે એ બીજું બધું ભૂલી પણ ગયો હોય કે નહીં ભૂલ્યો હોય! કોને ખબર! એને કળી પણ કોણ શક્યું હતું? એના મોઢા પર ચીટકી પડેલી પેલી સૂવરની છાપમાંથી એનું દિલ, આરપાર, કોઈએ નહિ જોયું હોય! આવડી મોટી અને આવડી ચિત્રવિચિત્ર નગરીમાં, આટલી સમૃદ્ધિના ખોળામાં આળોટવા છતાં એની નજર કોઈ ઊડતા પંખી ઉપર, કોઈ મકાનની છત ઉપર, એનાથીયે દૂર, એ નગરીના મહત્ત્વ ખોઈ બેઠેલા પેલા ખુલ્લા આકાશમાં ખોવાઈ જતી! બસ એટલું જ!

ગોપા માણસ હતો કે ભૂત! આખરે એણે જિંદગીની શું કિંમત આંકી હતી?

આખો દહાડો બેસી બેસીને એને શરૂઆતમાં કબજિયાત, પછી હરસ અને આખરે અપચો લાગુ પડયો; દવા એને પીવી ગમતી નહિ એટલે ડૉક્ટરો એને ઇન્જેકક્ષન આપતા. પછી તો પેટમાં, છાતીમાં અને માથામાં થડો દુખાવો રહ્યા કરતો. એની બેચેની ઊડતી નહિ. આખરે ‘વેચો’ અને ‘ખરીદો’માં ભયંકર અદલાબદલી થઈ જતી.

એક દહાડો એના મહેતાજીએ એને કહ્યું: ‘જુઓ શેઠ, માઠું નહિ લગાડતા પણ આ તમારો તુક્કો હવે ચાલતો નથી!’

આ વખતે ગોપોએ મહેતાજી સામે જોયું. જરા જોઈ રહ્યો. પછિ ઑફિસ છોડી બહાર ચાલ્યો ગયો.

મોડી રાતે ગોપો પાછો ફર્યો. જિંદગીમાં બીજી વાર ગોપો બદલાયો. એણે મહેતાજીને ટેલિફોન કરીને બોલાવ્યો અને બજારના બધા સમાચાર પૂછયા, એને રાતે સારી ઊંઘ નહિ આવી.

પછી તે હંમેશાં ટેલિફોન પર બેસી રહેતો. બજારની બધી ગપ સાંભળતો. એને અમેરિકાથી માંડીને જાપાન અને ઇંગ્લંડની ફિકર કરવી પડતી. એ ફિકર કરતાં ભૂલ્યો પોતાની અને પોતાના શરીરની!

એક સાંજે એને શરદી થઈ, તાવ ભરાયો અને ટાઢ ચઢી.

‘હવે ગયા ડૉક્ટર પાસે, શેઠ!’ એના એક દલાલે કહ્યું, ‘ચાલો મારી સાથે હું તમારી દવા કરી દઉં!’

ગોપાએ પહેલી વાર ‘બ્રાન્ડી’ પીધી. બીજે દહાડે પણ એનો ખપ પડયો – એનો રોજ ખપ પડવા લાગ્યો, દિવસે પણ.

‘શેઠ, તમારી જીદ છોડી દો. ગોવિંદરામ ખેલો કરે છે!’

પણ ગોપાનો જૂનો જિદ્દી સ્વભાવ એના દૂબળા શરીર પર સવાર થઈ બેઠો. ડૉક્ટરોએ કહ્યું, ‘તમારે બધો પરિશ્રમ બંધ કરી પથારીવશ થવું જોઈએ. તમને ક્ષય લાગુ પડયો છે.’

પણ ગોપાના પૈસાને ક્ષય થાય તે એનાથી જોવાય તગેમ નહોતું. આ વાતોનો વેપાર આવો જ હશે એનુ એને ત્યારેયે ભાન ન થયું! ગોપો જિદ્દે ભરાયો હતો. પાછું ફરતાં એ શીખ્યો નહોતો. એને કોઈની, ક્ષયના જંતુઓની સુધ્ધાં પરવા નહોતી. એને બળખામાં લોહી પડયું, ભલે પડયું! પચાસ ગાંસડીઓ વેચો. એણે પચાસ ‘કેલસીઅમ’નાં ઇન્જેકક્ષનો લીધાં, એને ઝાડા થવા લાગ્યા, થાય એ તો…..! હોમ મેમ્બરને પાર્ટી આપોને! એટલી પીડા ઓછી!’

ચાર રાતથી ઊંઘ નથી આવી? ચાલો ત્યારે આજે ગાણું સાંભળવા જઈએ….એ પેલી…વખણાયે છે નહિ? કયો રાગ? માલકોસ પ, ધ, પ, મ….આ….આ મુખ મોડ મોડ….અરે આ કોનો તાર? શું કહે છે – કંપની વૅગન નહિ આપે? ત્યારે વાયદા પ્રમાણે ડિલિવરી….!’

ગોપાએ માથા પરથી બરફની કોથળીનો ઘા કરી બારી બહાર ફેંકી દીધી. એનો નોકર એના પલંગની બાજુમાં ઊંઘી ગયો હતો. એનું દર્દ એમનું એમ જ હતું. બધે જ દુખાવો અને દિલમાં બેચેની.

એણે ધીમે રહીને એક ખુરસી ગૅલેરીમાં ખેંચી અણે ગોદડું ઓઢીને ત્યાં બેઠો. મધરાત વીતી ગઈ હતી. પોષ મહિનાની મીઠી ઠંડીએ મુંબઈની રાતને મદભરી બનાવી દીધી હતી. કેટલા બધા તારા! અને કેવું ખુલ્લું આકાશ! આ પેલી દેખાય રેવતી અને આ આકાશગંગા! ગંગા! ગોપાની ગામની બાજુના એક ડુંગરમાંથી પાણી ઝરતું લોકો એને પણ ગંગા કહેતા. ગોપો છેક નાનો હતો અને એ ગંગાના કાદવમાં રમતો ત્યારે બાવળની શૂળો એને ભોંકાતી. બાવળ! એનું ખેતર, એ ભાંગેલો ખાટલો, ખંડિયેર ખોરડાં, એ અવાવરુ વાવ, કાગડા, પારેવડાં, ચકલી, બુલબુલ, તેતર અરે ઓ – પણ છાતીની આ શૂળ કેમ વેઠાય?

માણેકચંદની નાની છોકરીના હાથમાંથી એણે સોનાની ઝીણી બંગડીઓ ઉતારી હતી ત્યારે ફોજદારે એને કેવો પીટયો હતો? કૂખમાં લાત મારી હતી, એણે ચાર દિવસ પીડા કરી પણ આ પણ કાંઈ ઓછી પીડા હતી?

ગોપાએ ગણતરી કરી જોઈ. એ આફ્રિકા ગયો જ ક્યાં હતો? સિંધમાંથી પાછો આવ્યો હતો.

પણ – એ બધું, એના અંતમાં શું? ‘ઓય મા! જો એ આવી પાછી ઉધરસ.’

‘પાછો જાઉં?’

‘દવા પીવાનો ટાઈમ થયો છે.’

‘આવતી કાલે વલણ ક્યાંથી ચૂકવાશે?’

ગોપાની આંખ આડે અંધારાં ઘેરાવા લાગ્યાં. જાણે પોષ મહિને માવઠું થવાનું ન હોય!

‘અરર – તો ઘઉંનો પાક નાશ પામી જાય!’

અને ગોપાનું દિલ ઊડતું ઊડતું ક્યાંનું ક્યાં ફરી આવ્યું! એ એક વખત હતો જ્યારે ઝાકળનાં ટીપાં બાવળના ઝાડ પરથી હળવે હળવે રહીને સરી આવી એના ખુલ્લા બદન પર ટપકી ટપકી એને ઊંઘમાંથી જગાડતાં અને એની ઊઘડતી આંખ સામે, એની વાવના ટીંબા ઉપર સૂર્યનાં કુમળાં કિરણ આવી હસતાં અને એની સામે હસી રહેતાં!

ત્યારે કોઈ સુખ નહોતું – કોઈ દુ:ખ નહોતું, હાસ્ય નહોતું, આંસુઓયે નહોતાં! જેવી ચારે પાસ એવી એના દિલમાં નરી મોકળાશ ભરી હતી. નહોતું તો કંઈ નહોતું, હતું તો એ બધું હતું! એટલે જ ગોપો ડરતાં શીખ્યો નહોતો. જે દિલની મોકળાશ ટકાવી રાખવા ગોપાને જેટલા અનુભવો લેવા પડતા એની અડફટમાં આવતા એ અનુભવો એ લેતો. મોતનો અનુભવ સુધ્ધાં લેવ એ તૈયાર હતો. એના શરીરમાં એ તાકાત હતી. એની એને ખુમારી હ તી.

જાણે ચોમાસાના પહેલા વરસાદનો રેલો ધરતીને તૃપ્ત કરતો હોય એમ ગોપાનાં એ સંભારણાં અત્યારે ઓચિંતાં ફૂટી નીકળ્યાં અને વહેવા લાગ્યાં.

એક બળખો એના ગળાને રંજાડવા લાગ્યો. ગોપો ભયંકર ઉધરસ ખાઈ ગયો. એની હાંફ જરા હેઠી બેઠી ત્યારે નિશ્ચય કરી લીધો.

‘બસ, આપણે પાછા જાવું છ!’

એણે ન તો મોટર લીધી, ન ટ્રેઈન પકડી! એ પોતાના ગામની દિશા તરફ મીટ માંડીને આગળ ને આગળ ચાલતો થયો. ડામરના રસ્તા પસાર કર્યા. પથ્થરની સડકો આવી એ વટાવી અને ગામડાના ચીલા આવ્યા. શરીરને ભયંકર થાક લાગ્યો હતો, અંગ આખું ગૂમડા જેવું દુખતું હતું અને આંખે લાલલીલાં કૂંડાળાં વળતાં હતાં. એની ગોપાને પરવા નહોતી. બસ એ જ ગામ, એ જ બાવળ, એ જ ખાટલો અને એ જ ખંડિયેર જેવાં જ ખોરડાં, બસ એની એ જ મોકળાશ.

એનો ખાટલો હજીયે ત્યાં હતો, એની ઉપર સૂકેલાં પાંદડાં અને ધૂળનો થર જામ્યો હતો. ગોપો એની ઉપર આવી ફસડાઈ પડયો – બેભાન થઈ ગયો.

માણસો એને પૂછતાં: ‘ગોપા, તું અહીં ક્યાંથી?’

એ બધાંની સામે હસતો અને ઉધરસ ખાતો.

‘અરે પણ આટલી મિલકત, આટલી બાદશાહી અને તને આ થયું શું?’

એ ફિક્કું હસતો અને એના મોઢામાંથી લાળ ટપકી પડતી. એને કોઈ ને કોઈ લોક ખાવાનું આપી જતા અને બધા પાસે ગોપો પોતાની વાત કરતો. અને અંતમાં કહેતો, ‘હા ભાઈ, હા, ત્યાં બધુંયે છે અને બધુંયે મને મળ્યું પણ આપણને ત્યાં ન ગોઠયું.’

પોતાની વાત કેમ કરવી એની ગોપાને ગમ પડતી નહીં ત્યારે કહી નાખતો: ‘સો વાતની એક વાત, આપણને ત્યાં ગોઠયું નહીં. ઈ આપણું કામ નહીં, આપણા જેવા માણસનું કામ નહિ. ત્યાંના માણસોનું ઈ કામ! અને એ માણસો એવા – એવા – એવા….’ કહેતાં ખાંસી એને ફરી સતાવવા લાગતી.

એ જ બાવળ, એ જ ખાટલો અને ફરી પાછો એ જ ગોપો. એ વચ્ચે આજે કેટલાં અને કેવાં વરસો પસાર થઈ ગયાં હતાં! એ જ બાવળ… એમનું એમ હતું વાવ, કૂંડી, ટીંબો, હજુયે ત્યાં ધૂળદ ઊડતી હતી અને વંટોળિયા ચઢતા હતા. જાણે અહીં કશું જ બન્યું નહોતું પણ બન્યું હોય તો કેટકેટલું અને કેવું બની ગયું હતું?

ગોપો રાતના બાવળ નીચે સૂવાનું કરતો પણ ઉધરસ એને સૂવા નહિ દેતી. એટલે તાપણી ધખાવી એ પોતાના ખોરડાના ડેલામાં સૂતો. પણ એનું મન ખાટલા પર હોય! એ નદીમાં નાહવાનું કરતો પણ એના અંગ પર ચડી બેઠેલો બુખાર એને પાછો વાળતો. આ મુસાફરીનો છેડો હતો. એ છેડે ગોપો હવે પોતાનો બદનનો ગુલામ અને શિકાર બન્યો હતો. એ જેને ને તેને કહેતો ને કોઈક વાર એકલો બબડતો, ‘અરે ત્યાંના માણસો તો એવા – એવા – એવા.’ માણસો કહેતા: ‘એ તો હોય – જિંદગીને છેડે બધાને એવું જ થાય છે –બધાનો દીવો એમ જ વગોવાતો ઓલવાય છે.’

ગોપાને થતું: ‘પણ મેન આમ શા માટે? બસ… ત્યાંના માણસો જ એવા – એવા છે કે કર્યું કરાવ્યું બધું ધૂળમાં જ જાય. જ્યાં સાચું કરવાની દાનત ન હોય ત્યાં ગમે ઈ કરો!’ ફરી સૂરજ ઊગતો, ઝાકળ પડતું, પંખીઓ કલ્લોલતાં, તડકો તપતો અને ધૂળ ઊઠતી. જાણે અહીં કશું બન્યું જ નહોતું.

ગોપાની વાવનો ટીંબો ચડતાં મારા પગ શિથિલ થઈ જાય છે. હું ટોચ પર પહોંચું છું અને મારા પગ નીચે માટીનું એક ઢેફું ભાંગી જાય છે. એ ટીંબો ઊતરવા હું બે ડગલાં ભરું છું ત્યાં મને થાય છે, જોવા દે, મરી તો નથી ગયો ને એ આટલી વારમાં? કહેવાય છે કે માણસ છેલ્લું બોલ ઈ સાચું હોય!

હું ટીંબો ઊતરી જાઉં છું. ત્યાંથી બાવળની છેલ્લી ડાંખળીઓ જ દેખાય છે. કાગડાઓ કકળાટ કરતા બાવળ ઉપર ભેગા થાય છે અને એક બુલબુલ મારા ખભાને છેક અડતું – ચીસો પાડતું ઊડી જાય છે.

હું મારે રસ્તે પડું છું.

એ જ રસ્તે.

અહીં, જાણે કશું બન્યું જ નહોતું!