અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ/નવ – તારામૈત્રક

Revision as of 04:53, 18 April 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|નવ – તારામૈત્રક|}} {{Poem2Open}} ૧૯૧૫ના જાન્યુઆરી માસની ૯મી તારીખે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
નવ – તારામૈત્રક

૧૯૧૫ના જાન્યુઆરી માસની ૯મી તારીખે ગાંધીજી સદાને માટે દક્ષિણ આફ્રિકા છોડી હિંદમાં કાયમી વસવાટ કરવા સારુ મુંબઈ બંદરે ઊતર્યા. એમના પહેલાં એમની કીર્તિ ભારતની ભૂમિ પર પહોંચી ગઈ હતી. તેમણે દક્ષિણ આફ્રિકામાં વસતા ભારતીયોના પ્રશ્નને લઈને એક એવી અહિંસક લડાઈ ઉપાડી હતી અને તેમાં એટલી સફળતા મેળવી હતી કે દુનિયાના અનેક વિચારકોનું ધ્યાન સામાજિક અને રાજનૈતિક પરિવર્તનના નવા સાધન ‘સત્યાગ્રહ’ તરફ ખેંચાયું હતું. ભારતની રાષ્ટ્રીય મહાસભાએ આ અગાઉ જ આ ચળવળને ટેકો આપતો ઠરાવ કર્યો હતો. રાષ્ટ્રના નેતાઓમાં ગાંધીજીના આ અભિનવ પ્રયોગ વિશે સૌથી ઊંડો રસ જગાવ્યો હતો ભારતસેવક ગોપાળ કૃષ્ણ ગોખલેએ. પોતે એક વખત દક્ષિણ આફ્રિકાની મુલાકાત લઈ ચૂક્યા હતા અને હિન્દીઓના પ્રશ્નો વિશે અંગ્રેજ સત્તાધારીઓનું ધ્યાન આકર્ષિત કરી ચૂક્યા હતા. સત્યાગ્રહની એ અપૂર્વ લડતના આગેવાન ગાંધીજી ગોખલેજી પરત્વે અસાધારણ આદર અને માન ધરાવતા તેમ જ ગોખલેજીએ પણ ગાંધીજીના હીરને પારખી લીધું હતું. દક્ષિણ આફ્રિકાથી પાછા ફર્યા પછી વિદ્યાર્થીઓની એક સભામાં ગાંધીજી વિશે બોલતાં તેમણે કહ્યું હતું: ‘આ માણસ સાધારણ માટીમાંથી મરદ પેદા કરી શકે એવો છે.’ એ વાક્ય તરુણ મહાદેવના વાંચવામાં આવ્યું ત્યારથી જ તેઓ આવી શક્તિવાળા માણસ વિશે વધુ જાણવાનો નિશ્ચય કરી ચૂક્યા હતા.

૨૨–૫–૧૯૧૫ને દિને ગાંધીજીએ અમદાવાદમાં શહેરને સામે કાંઠે કોચરબ ગામમાં બૅરિસ્ટર જીવણલાલના ભાડાના બંગલામાં આશ્રમની સ્થાપના કરી હતી. આશ્રમને ‘સત્યાગ્રહ આશ્રમ’નું નામ તો પાછળથી અપાવાનું હતું; અને આખા દેશમાંથી સત્યાગ્રહની તાલીમ લેવા આવનાર કાર્યકર્તાઓ તો મોટે ભાગે એ આશ્રમ સાબરમતી નદીને એ જ પશ્ચિમ કાંઠે કોચરબથી આશરે છ કિલોમીટર ઉત્તરે દૂધેશ્વર પાસે બંધાયો ત્યારે આવવાના હતા. પણ ગાંધીજીએ આશ્રમની સ્થાપનાની સાથે જ એનો આધ્યાત્મિક પાયો નાખવાનું કામ શરૂ કરી દીધું હતું. આશ્રમના ઉદ્દેશ અને એની નિયમાવલિ સમજાવતી એક પત્રિકા કાઢીને તેમણે દેશભરમાં પ્રસારિત કરી હતી. એને અંગે અનેક સજ્જનો તેમ જ વિદ્વજ્જનોના અભિપ્રાય આમંત્ર્યા હતા. આ નિયમાવલિ આશ્રમવાસીઓના ચારિત્ર્યઘડતરના પાયારૂપ હતી અને અત્યાર સુધી સત્ય, અહિંસા, અપરિગ્રહ, અસ્તેય વગેરે જે વ્યક્તિગત ગુણો ગણાતા હતા તેને ક્રાંતિકારી સામાજિક મૂલ્યોનું સ્થાન આપનારી હતી. વળી આ નિયમો, જેને પાછળથી તેમણે ‘વ્રતો’ કહ્યાં, તે કાંઈ કૂલડીમાં ગોળ ભાંગવા સારુ કે વાતને ખાનગી રાખવા સારુ નહોતાં. તેથી ગાંધીજીએ એને વિશે વ્યાપક ચર્ચા થાય એમ ઇચ્છ્યું હતું. એ જ હેતુથી તેમણે એ પત્રિકાની થોડી નકલો અમદાવાદની ગુજરાત ક્લબને પણ મોકલાવી હતી. ગુજરાત ક્લબ તે કાળે અમદાવાદ શહેરનું એક સાંસ્કૃતિક કેન્દ્ર ગણાતું. અમદાવાદમાં વકીલાત કરતા હતા ત્યારે મહાદેવભાઈ હિમાભાઈ ઇન્સ્ટિટ્યૂટના સભ્ય બન્યા હતા પણ નરહરિભાઈ ગુજરાત ક્લબના સભ્ય હતા. અમદાવાદના ઘણા વકીલો એ ક્લબના સભ્ય બનતા. ક્લબના ટેબલ પરથી નરહરિભાઈએ આ નિયમાવલિની એક નકલ લીધી હતી અને ઘેર જઈને તેમણે અને મહાદેવભાઈએ સાથે મળીને વાંચી હતી. ગાંધીજીની વિનંતીને માન આપીને આ બંને વકીલમિત્રોએ આ નિયમો અંગે પોતાના પ્રતિભાવો મોકલવાનું ઠરાવ્યું હતું અને પહેલાં બંનેએ જુદી જુદી નોંધ કરી. ત્યાર પછી બંને નોંધોને મેળવીને તેમણે એક પત્ર તૈયાર કર્યો હતો અને બંનેની સંયુક્ત સહીથી તે ગાંધીજીને મોકલ્યો હતો. તે અંગે નરહરિભાઈ કહે છે, ‘પત્રનો લેખી જવાબ આપવાની તસદી ન લેતાં યોગ્ય લાગે તો અમને રૂબરૂ બોલાવવાની વિનંતી અમે કરી હતી.’ એ કાગળની નકલ તો અત્યારે મારી પાસે નથી, પણ ફરજિયાત બ્રહ્મચર્યમાંથી અનેક દોષો પેદા થવા સંભવ છે તથા હાથઉદ્યોગનો જ આગ્રહ રાખવાથી દેશની આર્થિક પ્રગતિ રોકાઈ જવાનો ભય છે, એવી ટીકાઓ લખી અમારું પુસ્તકપાંડિત્ય અમે ઠાલવ્યું હતું. પાંચછ દિવસ જવાબ ન આવ્યો એટલે અમે માન્યું કે ગાંધીજીને અમારો કાગળ મહત્ત્વનો નહીં લાગ્યો હોય.

એ અરસામાં અમદાવાદમાં પ્રેમાભાઈ હૉલમાં એક જાહેરસભામાં બાપુજી ભાષણ કરવા આવેલા.૧ ત્યાંથી બાપુજી આશ્રમમાં પાછા જતા હતા તેમની પાછળ પાછળ અમે ગયા. તેમની તેજ ચાલ એટલે લગભગ દોડીને અમે તેમને એલિસબ્રિજ ઉપર પકડી પાડ્યા અને અમારા કાગળની વાત કરી. તેમણે કહ્યું કે, ‘હા, બે જણની સહીવાળો એક કાગળ આવ્યો છે ખરો, એ બે તમે જ કે? હું તમને બોલાવવાનો જ હતો. બીજા પ્રાંતોમાંથી તો ઘણા અને સારા સારા કાગળો આવ્યા છે. સર ગુરુદાસ બેનરજીનો કાગળ તો ઘણો સારો છે. ગુજરાતમાંથી તો થોડા જ કાગળો આવ્યા છે. તેમાં તમારો મને ઠીક લાગ્યો છે. તમને હું જરૂર વખત આપીશ. અત્યારે જ જો તમને વખત હોય તો ચાલો મારી સાથે આશ્રમમાં, આપણે વાતો કરીશું.’

અમે તો રાજી થઈને તેમની સાથે ચાલવા માંડ્યું. બાપુજીએ અમને પૂછ્યું, ‘શું કરો છો?’ ‘વકીલાત,’ અમે જવાબ આપ્યો. એટલે પૂછ્યું, ‘તમારી પાસે છેલ્લી इंडियन इयर बुक છે? મારે તેમાંથી થોડું જોઈ લેવું છે!’ મેં કહ્યું, ‘મારી પાસે ગયા વરસની છે. પરંતુ આપને છેલ્લી મેળવીને મોકલી આપીશ.’ એટલે કહે, ‘એવા કેવા વકીલ છો? હું જ્યારે હજામત કરતો હતો ત્યારે બધો સાજ છેલ્લામાં છેલ્લી ઢબનો રાખતો.’

આશ્રમમાં પહોંચ્યા પછી અમારો કાગળ કાઢ્યો. તેમાંથી વાંચતા ગયા અને વિવેચન કરતા ગયા. લગભગ દોઢ કલાક સુધી પોતાના આદર્શો અને વિચારસરણી સમજાવી. અમે વચ્ચે ક્યાંક ક્યાંક દલીલ કરતા, પણ અમારે વિશેષે તો સાંભળવાનું જ હતું. આ દોઢ કલાકની વાગ્ધારાની અમારા બંનેના ચિત્ત ઉપર ઊંડી છાપ પડી. લગભગ દસેક વાગ્યાના સુમારે અમે આશ્રમમાંથી નીકળ્યા. મેઘલી રાત હતી. ઝરમર ઝરમર છાંટા પડતા હતા. અમે બંને એકબીજા સાથે કશું બોલ્યા વગર ચાલતા હતા. જોકે અમારા બંનેનાં દિલમાં વિચાર તો એક જ ચાલી રહ્યો હતો. એલિસબ્રિજ પર આવતાં મહાદેવ બોલ્યા, ‘નરહરિ, મને તો આ પુરુષને ચરણે બેસી જવાનું મન થાય છે.’ મેં જવાબ આપ્યો, ‘એમ કરી શકીએ તો આપણાં ધનભાગ્ય, પણ અત્યારે તો કશો નિર્ણય થઈ શકતો નથી.’ પાછા અમે શાંત થઈ ગયા અને કશું બોલ્યા વિના જ પોતપોતાને ઘેર પહોંચ્યા. આ અમારી પહેલી દીક્ષા, આશ્રમમાં જોડાવાના સંકલ્પનો પ્રથમ ઉદય.૨

સને ૧૯૧૬માં લૉર્ડ મોર્લેના ऑन कॉम्प्रोमाइझનો અનુવાદ મહાદવે લગભગ પૂરો કરી નાખ્યો હતો. તે છપાવતાં પહેલાં મોર્લેની પરવાનગી મેળવવી જોઈએ. પરવાનગી મેળવવાના કાગળનો મુસદ્દો મહાદેવે તૈયાર કર્યો અને મને કહે કે, ‘લૉર્ડ મોર્લે જેવાને કાગળ લખવાનો, માટે આપણે ઇંગ્લંડની રીતભાત અને શિષ્ટાચારના જાણકાર એવા કોઈ તાજા ઇંગ્લંડ જઈ આવેલાને આ કાગળ બતાવીએ તો ઠીક.’ મેં કહ્યું, ‘બીજા કોઈને બતાવવા કરતાં ગાંધીસાહેબ (અમે તે વખતે એમને ગાંધીસાહેબ કહેતા)ની પાસે જ શું કામ ન જઈએ?’ અમે તો કાગળ લઈને આશ્રમમાં ગયા. મહાદેવે कॉम्प्रोमाइझના અનુવાદને લગતી બધી હકીકત કહીને પેલો કાગળ બાપુજીને બતાવ્યો. કાગળ વાંચીને કંઈક દુ:ખ સાથે એ બોલ્યા:

‘અંગ્રેજો આપણને ખુશામતખોર અને સ્વરાજ્યને માટે નાલાયક કહે છે તે કંઈ અમસ્તા કહે છે? આવા કાગળમાં તમે મોર્લેની વિદ્ધત્તાનાં અને તત્ત્વવેત્તાપણાનાં આટલાં ગુણગાન કરો એ અપ્રસ્તુત છે. વળી એમને કાગળ લખતાં તમારી કલમ અને હાથ ધ્રૂજે શું કરવા? તમારે તો એક કામકાજી (બિઝનેસ) કાગળ લખવાનો છે, તેમાં ફાર્બસ સભાએ આ કામ માટે તમારી કેવી રીતે પસંદગી કરી એ ટૂંકમાં આવે અને તમે બહુ કાળજીપૂર્વક અનુવાદ કર્યો છે તે આવે. આવો કાગળ તો બાર-પંદર લીટીનો હોય. તેથી લાંબો કાગળ લખો તો લૉર્ડ મોર્લે તે વાંચે પણ નહીં, તમારે જોઈતો હોય તો હું કાગળ લખાવું લખો.’

તે દિવસે ગુજરાતી ભાષા અને સાહિત્યને લગતા વિષયો પર અમારે ઠીક ઠીક વાતો થઈ. આ વાતોમાં કોઈ કોઈ વાર જુસ્સામાં આવી જઈ મહાદેવ ઠીક ઠીક અંગ્રેજી શબ્દો અને વાક્યો પણ બોલી જતા. બધું સાંભળી લીધા પછી કંઈક ઉપહાસયુક્ત સ્મિત કરતાં બાપુજીએ મહાદેવને કહ્યું:

‘તમારી મા આગળ આવું બધું બોલો તો મા જાણે કે દીકરો બહુ ભણ્યો છે પણ બિચારી કશું સમજે નહીં.’ ત્યાર પછી આપણા ભણેલા લોકો ગુજરાતી ભાષા પ્રત્યે બેદરકાર રહી કેટલા અપરાધી બન્યા છે તેના પર વિવેચન ચાલ્યું. ગુજરાતી ભાષાની ઉપાસના કરવાની આ બીજી દીક્ષા અમને મળી.૩

આમ પહેલી મુલાકાતે જ બંને તરુણ મિત્રો ખૂબ પ્રભાવિત થયા હતા. નરહરિભાઈ શ્રી મોહનલાલ પંડ્યા અને મહાદેવભાઈ શ્રી દયાળજીભાઈ દેસાઈ વિશે પહેલેથી આદર ધરાવતા હતા. શ્રી પંડ્યાજી ખેડા જિલ્લાના અને દયાળજીભાઈ સુરત જિલ્લાના કાર્યકર્તા હતા. બન્ને એક રીતે જોતાં ગાંધીઘેલા જ હતા. એ બંનેએ આ તરુણોને ગાંધીજી ભણી જવાને ઘણું પ્રોત્સાહન આપ્યું.

૧૯૧૫ના છેલ્લા અઠવાડિયામાં રાષ્ટ્રીય મહાસભાની બેઠક મુંબઈમાં થઈ. એમાં હાજરી આપવા મહાદેવભાઈ ખાસ અમદાવાદથી મુંબઈ ગયા. આ અધિવેશનમાં ગાંધીજીએ પણ હાજરી આપી હતી. બીજે દિવસે ગાંધીજી દક્ષિણ ગુજરાતનાં કેટલાંક ગામોમાં જવાના હતા. મહાદેવભાઈ તે દિવસે રાત્રે નીકળીને અમલસાડ પહોંચ્યા. તે દિવસે મહાદેવભાઈની ૨૫મી વરસગાંઠ હતી. ગાંધીજી તે દિવસે અમલસાડ ઊતરી એમના દક્ષિણ આફ્રિકાના સાથી શ્રી પ્રાગજીભાઈ દેસાઈને ત્યાં સાલેજ ગયા અને ત્યાંથી પાછા ફરી અમલસાડ થઈ સુરત ગયા. મહાદેવભાઈએ પોતાની પચીસમી વરસગાંઠ આખો દિવસ ગાંધીજીની સાથે ફરીને કાઢી.

આ બાજુ નરહરિભાઈને પણ ગાંધીજીની મોહિની લાગી હતી. ગાંધીજી જ્યારે અમદાવાદમાં હોય ત્યારે પંડ્યાજી અચૂક આશ્રમમાં જતા. તેમની જોડે ઘણી વાર નરહરિભાઈ પણ જતા. આશ્રમમાં મળવા આવનારાઓને જરૂર પડે સત્યાગ્રહ કરી જેલમાં જવાની તૈયારી અંગે પૂછતા. પંડ્યાજી અને નરહરિભાઈ બંનેએ જેલ જવાની તૈયારી બતાવેલી. આશ્રમમાં થતી વાતોના અહેવાલો લાંબા લાંબા પત્રો દ્વારા નરહરિભાઈ પોતાના મિત્ર મહાદેવને મુંબઈ મોકલતા, ને મુંબઈમાં મહાદેવભાઈ પોતાની મિત્રમંડળી સાથે બેસી એ અહેવાલો રસપૂર્વક વાંચતા. ગાંધીજીના દૃઢ વલણને જોઈ એમણે આપેલી મુદત પહેલાં જ ગિરમીટપ્રથા નાબૂદ કરવાનું જાહેર થયું હતું.

આ જ અરસામાં ચંપારણમાં જેલમાં જવાની શક્યતા ઊભી થયેલી ત્યારે ગાંધીજીએ અનેક મિત્રોને પત્રો લખીને કામકાજની ફાળવણી કરેલી. આશ્રમના વ્યવસ્થાપક, પોતાના ભત્રીજા શ્રી મગનલાલ ગાંધી ઉપરના પત્રોમાં તેમણે નરહરિભાઈનો ઉલ્લેખ કરીને કહેલું કે, ‘એમને આશ્રમ જેવા જ ગણશો, તેના ઉપર મારી આંખ ઠરી છે. અમદાવાદનું કાંઈ પણ કામ એને સોંપવામાં સંકોચ ન રાખશો.’ આ પત્ર મગનલાલ ગાંધીએ નરહરિભાઈને બતાવ્યો તેથી ‘તેમના હરખનો પાર ન રહ્યો.’

ઉનાળાની રજાઓમાં નરહરિભાઈએ આશ્રમમાં જવા વિચાર કરેલો. તે અરસામાં આશ્રમમાં રાષ્ટ્રીય શાળા ખોલવાની વિચારણા ચાલતી હતી. એના પાઠ્યક્રમો વગેરે વિચારવામાં ગુજરાત કૉલેજના પ્રાધ્યાપક શ્રી સાંકળચંદ શાહ તથા કાકાસાહેબ કાલેલકર સાથે નરહરિ પણ ભળતા. બોધિજયંતી એટલે કે, ૭મી મે, ૧૯૧૭ને દિવસે શાળા શરૂ થવાની હતી. નરહરિભાઈએ કહ્યું કે ગાંધીજીની સંમતિ હોય તો પોતે પણ એ શાળામાં શિક્ષક તરીકે જોડાવા તૈયાર હતા. મગનલાલભાઈએ એમને બાંયધરી આપી કે ગાંધીજીની સંમતિ છે જ એમ માનીને ચાલી શકો છો.

પોતાના કોઈ સગાવહાલા કે સ્નેહી-સંબંધીને પૂછ્યા વિના જ નરહરિભાઈએ આશ્રમમાં જોડાવાનો નિર્ણય કરી નાખ્યો. એમને ખાતરી હતી કે એ લોકો કાંઈ સંમતિ આપે એમ નહોતા. પિતા તો નાનપણમાં જ ગુજરી ગયેલા, માતાની આજ્ઞા ઉથાપીને અવાય એમ હતું નહીં. પરંતુ માના મરણ પછી એમણે તરત આ નિર્ણય લઈ લીધો. વડીલોને ખોટું લાગ્યું કે અમારી સલાહ પણ ન લીધી. કુટુંબીજનોને વકીલ તરીકેની ધીખતી પ્રૅક્ટિસ છોડીને એક આશાસ્પદ સભ્ય આશ્રમમાં જોડાતા હતા તેનો વસવસો હતો. એક સ્નેહી સબ-જજે તો પોતાની પાસે નરહરિભાઈને બોલાવીને થોડો ઠપકો પણ આપ્યો! વકીલમંડળીમાંથી માત્ર એક આગેવાન એવા (દાદાસાહેબ) ગણેશ વાસુદેવ માવળંકરે ઠેઠ આશ્રમમાં આવીને નરહરિભાઈને અભિનંદન આપ્યાં.

અને મહાદેવ તો હરખઘેલા થઈને મુંબઈથી અમદાવાદ સુધી નરહરિને અભિનંદવા આવી પહોંચ્યા. પોતાના દિલમાં ગડમથલ ચાલતી હતી તે વખતે નરહરિએ પોતાના નિશ્ચયાત્મક પગલા વડે મહાદેવને ભારે ટેકો પૂરો પાડ્યો હતો. મહાદેવ એકથી વધારે વાર આશ્રમનો આંટો મારી ગયા અને આશ્રમનું આદર્શરૂપ વર્તનવાળું સાચકલું જીવન જોઈને અભિભૂત થતા રહ્યા.

એક વાર મહાદેવ આશ્રમ આવ્યા ત્યારે નરહરિ વગેરે રાષ્ટ્રીય શાળાના શિક્ષકો કાંઈક વિમાસણમાં હતા. સત્યાગ્રહનું સ્વરૂપ સમજાવનારી એક નાની સરખી પત્રિકા ગાંધીજીએ લખેલી. તે તેમણે રાષ્ટ્રીય શાળાના શિક્ષકોને એનું અંગ્રેજી ભાષાંતર કરવા આપી. ગાંધીજીની કડક કસોટીમાંથી પસાર થવાય એવું અંગ્રેજી શી રીતે લખાશે એની ચિંતામાં નરહરિભાઈ, કાકાસાહેબ વગેરે હતા. એટલામાં મહાદેવ આવી પહોંચ્યા. એટલે નરહરિએ રાહત અનુભવી. એમની અનુવાદકળા નરહરિથી અજાણી નહોતી. મહાદેવે આત્મવિશ્વાસપૂર્વક પત્રિકાનું ભાષાંતર કરીને ગાંધીજીને તપાસવા આપ્યું. ગાંધીજી જ્યારે અંગ્રેજીની દૃષ્ટિએ તપાસતા હતા ત્યારે રાષ્ટ્રીય શાળાની શિક્ષકમંડળી આસપાસ વીંટળાઈને અનુવાદની ખૂબીઓ અને ખામીઓ અંગે પાઠ લઈ રહી હતી. તે પ્રસંગ અંગે નરહરિભાઈ કહે છે:

‘આ અનુવાદ ગાંધીજી સુધારતા હતા તે વખતે મહાદેવભાઈએ તે વિશે તેમની સાથે ઠીક ઠીક ચર્ચા કરી. મહાદેવભાઈના આ અનુવાદે અને સુધારવા દરમિયાન તેમની ચર્ચાએ બાપુજીના હૃદયમાં મહાદેવભાઈને વિશેષ સ્થાન અપાવ્યું.’૪

એક તરફ મહાદેવના હૃદયમાં મંથન ચાલતું હતું, તો બીજી તરફ ગાંધીજીને પોતાના કામ સારુ જેવો જોઈતો હતો તેવો માણસ મહાદેવના રૂપમાં મળતો હોય એમ લાગ્યું.

પરસ્પર ઓળખાણ તો થઈ ચૂકી હતી. પ્રથમ દૃષ્ટિએ પરસ્પર પ્રેમ પણ બંધાઈ ચૂક્યો હતો, પરંતુ હજુ એનો એકરાર નહોતો થયો. સપ્ટેમ્બરમાં એની તક પણ આવી પહોંચી. મહાદેવભાઈએ મુંબઈથી નરહરિભાઈને નામે રજી સપ્ટેમ્બર, ૧૯૧૭ના રોજ લખેલો પત્ર નીચે આખો ને આખો આપીએ છીએ, કારણ, મહાદેવ તથા ગાંધીજી બંનેના હૃદયના ભાવો તથા બંનેની શૈલીઓ સમજવામાં તે ખૂબ ઉપયોગી થાય એવો પત્ર છે. મહાદેવના જીવનનો એક નવો અધ્યાય, નવો કાંડ, નવો સર્ગ ઊઘડી રહ્યો હતો. એમને જીવનકાર્ય સાંપડી રહ્યું હતું.

ભાઈ નરહરિ,

આ પત્ર તદ્દન ખાનગી લખું છું. એમાંની વાત તમારા સિવાય બીજું કોઈ ન જાણે એવું તમને અગાઉથી કહીને જ આ પત્ર તમને લખું છું. મારી નિયમિત હાજરી ગાંધીજીને મુકામે થતી હતી એ તમોને મેં કહ્યું છે. તા. ૩૧મી ઑગસ્ટને દિને સવારે બાપુજીએ કેટલાંક વચનોથી મને પ્રેમ, આશ્ચર્ય અને આનંદમાં ગરક કર્યો. તે દિવસની ટૂંકી પણ પત્ર ઉપર ન મુકાય એવી વાતચીત પત્ર ઉપર મૂકવાનો પ્રયત્ન કરું છું. ‘તમોને દરરોજ હાજરી ભરવાનું કહું છું તેનું કારણ છે, તમારે તો મારી પાસે આવી રહેવાનું છે. આ છેલ્લા ત્રણ દિવસોમાં તમારું ઝવેર મેં જોઈ લીધું છે. આ બે વર્ષ થયાં, હું જેવા જુવાનની શોધમાં ફરતો હતો તે મને મળી રહ્યો છે. તમે માનશો? જેને મારું કામકાજ કોઈ દહાડો સોંપી દઈ હું નિરાંતે બેસું, જેને હું સુખે લટકી પડી શકું એવો માણસ મારે જોઈતો હતો. અને તે તમે મને મળી ગયા છો. હોમરૂલ લીગ, જમનાદાસ વગેરે બધું મૂકી દઈને મારી પાસે જ આવવાની તમારે તૈયારી કરવાની છે. આ જિંદગીમાં આવા શબ્દો બહુ ઓછા જણોને મેં કહ્યા છે: માત્ર ત્રણ જણને — પોલાક, મિસ શ્લેશિન અને ભાઈ મગનલાલ. આજે તમને તે શબ્દો કહેવા પડે છે. અને આનંદથી કહું છું, કારણ, તમારામાં ત્રણ ગુણો હું ખાસ જોઈ શક્યો છું: પ્રામાણિકતા, વફાદારી અને સાથે હોશિયારી. મગનલાલને મેં એક દિવસ ઉપાડી લીધો ત્યારે બહારથી જોઈએ તો મગનલાલમાં કાંઈ ન હતું, પણ આજે તો તમે મગનલાલને જોઈને ચકિત થાઓ છો ને? એ કાંઈ શીખેલો ન હતો. મેં પ્રેસને માટે પહેલાં એને તૈયાર કર્યો. પહેલાં ગુજરાતી બીબાં ગોઠવતાં શીખ્યો, પછી અંગ્રેજી, પછી હિંદી, તામિલ વગેરે સઘળાં બીબાં હોશિયારીથી ગોઠવતાં શીખી ગયો. અને એ બધું એણે એટલા ઓછા વખતમાં આટોપ્યું કે હું જોઈ રહું, ત્યાર પછી તો એણે કંઈ કંઈ કામ કરી બતાવ્યાં છે. પણ મગનલાલની વાત તો કોરે રહી, તમારામાં જે હોશિયારી મેં જોઈ છે તે મગનલાલમાં નથી જોઈ. તમારા ગુણોને લીધે તમે મને અનેક કામોમાં ઉપયોગી થઈ પડશો એવી મારી ખાતરી છે.’ (આ બધું હું કંઈક આશ્ચર્ય, કંઈક શરમ અને સંપૂર્ણ મૌનથી સાંભળી રહ્યો હતો. મારાથી વચ્ચે બોલાઈ ગયું કે, ‘મેં કંઈ મારું કરેલું કામ બતાવ્યું નથી.’ તેના ઉત્તરમાં હવે પછીનું બોલાયું.) ‘તમને શું ખબર પડે? હું તો બહુ ઓછા વખતમાં માણસને જોઈ શકું છું. પોલાકને પાંચ કલાકમાં પારખી લીધેલા. છાપામાં મારો એક પત્ર વાંચી પોલાકે મને એક પત્ર લખ્યો અને મળવા આવ્યો ત્યારે જ મેં એને જોઈ લીધો અને પછી તો એ મારો થઈ ગયો. એ પરણ્યા અને વકીલ થયા તે પણ મારે ત્યાંથી. પરણતાં પહેલાં મને કહે કે મારે થોડું કમાઈ લેવું જોઈએ. બચ્ચાંછોકરાં સારુ. મેં તેને સ્પષ્ટ કહ્યું કે હવે તું મારો છે. તારી ચિંતા અને તારાં બચ્ચાંછોકરાંની ચિંતા મને છે. હું તને પરણાવું છું અને તું પરણે એમાં કંઈ વાંધો નથી. અને પછી મારા ઘરમાં જ એનાં લગ્ન થયેલાં. વારુ, એ વાત તો થઈ રહી, પણ હવે તમને કહું છું કે તમે હોમરૂલ તથા જમનાદાસની વાત છોડી દો. હૈદરાબાદ જાઓ. એકાદ વર્ષ ખેલી ખાઓ. જગતની મજા ભોગવો અને ધરાઈ લો. હૈદરાબાદમાં ગયા પછી જે દિવસે અને જે ઘડીએ તમને ત્યાં તમારાપણું જતું લાગે તે જ ઘડીએ રાજીનામું આપી ચાલતા થવું અને મારી પાસે આવીને બેસવું.’ (એટલે મેં કહ્યું કે, ‘હું તો આજે પણ આવવા તૈયાર છું’), તમે તૈયાર છો એ હું જાણું છું. પણ તમે હજી જરાક જિંદગી જુઓ અને ખેલ ખેલી લો એવો મારો તમને આગ્રહ છે. તમારા કૉ-ઑપરેશનના જ્ઞાનની પણ મને જરૂર પડશે. આપણે તો એ ખાતાનો ખોડો કાઢવો છે. બિલકુલ નિશ્ચિત રહો અને થોડો વખત ખેલી લઈ મારી પાસે જ આવી રહો, શાળાને માટે કે બીજા કામને માટે નહીં પણ મારે પોતાને માટે તમારી જરૂર છે. તમે એક વર્ષ, છ માસ ખેલી લો તેટલો વખત હું ચલાવી લઈશ.’

લગભગ અડધો-પોણો કલાક આ અમૃત હું પીધા કરતો હતો. એટલામાં લોકોની મેદની થવા લાગી અને અમારી ખાનગી વાત બંધ થઈ ગઈ. હાજરી તો હું ભરું છું અને આજે રાત્રે પાલગઢ સુધી તેમની સાથે પાછા જવાનો વિચાર છે. શંકરભાઈને માટે ફળ — એમણે આટલી મમતા બતાવ્યા પછી — એમની સાથે મોકલવામાં મને કંઈ ખોટું લાગતું નથી, આજે સવારે મેં એમને કહ્યું કે બૅંકર મારી સાથે બહુ ખિજાયા છે. એટલે પૂછ્યું, ‘કેમ ભલા?’ મેં જવાબ આપ્યો: ‘મેં પરમ દિવસનો નિશ્ચય કર્યો તેથી.’ બાપુએ કહ્યું: ‘ત્યારે એમનો ખિજવાટ ખમી લો. ખમી લીધે જ છૂટકો છે.’ એટલે મેં કહ્યું: ‘એમનું કહેવું એવું છે કે તમે હૈદરાબાદ ન જતા હો અને અહીં જ રહેવાના હો તો તો બૅંકના કરતાં હોમરૂલ લીગમાં તમને આવવા દેવામાં ગાંધીજીને શો વાંધો હોય?’ એટલે મેં કહ્યું કે, ‘મારે બદલે ‘ઑર્ગેનાઇઝિંગ વર્ક’ કરનારો બીજો તમને મળી રહેશે.’ ત્યારે મને કહે કે, ‘ના, બીજો તમારા જેવો ના મળે,’ મારી સ્થિતિ કંઈક કફોડી છે, એ લોકો હું મારી જેટલી કિંમત કરું છું તેના કરતાં વિશેષ કિંમત કરે છે. એટલે બાપુજીએ ટૂંકમાં પતાવ્યું, “લોકો આપણી કિંમત કરે તે આપણે સ્વીકારી લઈએ તો તો મરવાનો જ વારો આવે. ભલે તેઓ તેમ કહેતા. તેની સાથે તમારે લેવાદેવા નથી, તમે મુંબઈ રહો તે દરમિયાન સાંજે બે કલાક એમ ને એમ લીગને સેવા આપી એટલું બસ છે.”

આવી સ્થિતિ છે, પત્ર લાંબો થઈ જાય છે, પણ આ વાતો તમને નહીં કહું તો કોને કહું? પત્ર વાંચીને મને પાછો મોકલી આપજે, કારણ કે જે શબ્દો પત્રમાં મેં બાપુજીના લખ્યા છે તે લગભગ જેમના તેમ છે, કાળ જતાં તે ભુલાઈ જાય કદાચ, મારા પિતાને કે બીજા કોઈને મારે હોમરૂલમાં જોડાવાનો નિશ્ચય બદલવાનાં કંઈ કારણ જણાવ્યાં નથી. આ વાતો એવી છે કે પત્રોમાં જણાવીએ તો બેવકૂફી કહેવાય. કોઈ દિવસ એ પત્ર પિતાને અને ગિન્નીને વંચાવું ખરો.

ત્રણસો રૂપિયા આપો તો આવું એવો તાર મેં હૈદરાબાદ કરેલો તેનો જવાબ આવ્યો નથી. હૈદરાબાદ ન જાઉં તો બાપુજી કહે ત્યાં સુધી અહીં બૅંકમાં જ રહીશ અને થોડા વખતમાં મુંબઈમાં ઘર લઈશ. બાપુજી બોલાવે ત્યારે જવાની અત્યારથી તૈયારી કરવા માંડવાની છે. તૈયારી મોટી સાધનસંપત્તિની. હરિ મને સામર્થ આપો. ગોખલેજીનું ભાષાંતર કાલથી શરૂ કરીશ. માત્ર સવારે જ થોડું થોડું થશે. કારણ, સાંજના બે કલાક તો હોમરૂલના છે. ગિન્નાં હવે સારાં થયાં હશે.

લિ. તમારો મહાદેવ

વળી તાજા કલમમાં મહાદેવ ઉમેરે છે:

‘જે જિંદગીને નકામી માની કેટલીક વાર કંટાળતો તેને હવે જીવવા જેવી (worth living) માનવા જેટલી શ્રદ્ધા મનમાં આવી છે. જોકે બાપુજીએ જે મને આટલું બધું કહી શરમમાં દબાવ્યો છે તે તો હું મારે વિશે માનવાને હજી અશક્ત છું. માત્ર એટલું જ કે એવું સર્ટિફિકેટ મને જિંદગીમાં કદી મળ્યું નથી, કદી મળનાર નથી. ભવિષ્યમાં કંઈ કામનો હું નિમિત્ત થાઉં અને જગત મને પ્રશંસે તોપણ આ અંતરના ઉદ્ગારો મારા અંતરનો અને જિંદગીભરનો ખજાનો છે.’૫

ગાંધીજીના આ પ્રેમાક્રમણથી મહાદેવભાઈનો મૂંઝારો ઓર વધી ગયો. એક તરફથી ગાંધીજીએ પોતાની પ્રત્યે દર્શાવેલા વિશ્વાસથી તેઓ પોતાની જાતને ધન્ય માનતા હતા. અને એમની આજ્ઞાને અમલમાં મૂકવા એમના ઘટના ઘોડા થનગની રહ્યા હતા. બીજી તરફથી પિતાશ્રીની નિવૃત્તિ પછી કુટુંબના યોગક્ષેમની વ્યવસ્થા કરવાનો પ્રશ્ન હતો. પિતાની આજ્ઞા લેવાનું તો હજી બાકી જ હતું. પુત્રવિયોગે પિતા કેવા ઝૂરશે એની કલ્પના સંવેદનશીલ મહાદેવને હતી. પત્નીની સાથે વાતચીત થઈ નહોતી, પણ પત્ની પછી સૌથી વધુ નિકટ એવા મિત્ર નરહરિને ગાંધીજીના આશ્રમમાં પહોંચી ગયેલા જોઈને મહાદેવનું હૈયું ઝાલ્યું નહોતું રહેતું. તેથી તેમણે સપ્ટેમ્બરના આરંભમાં થયેલા ગાંધીજી સાથેના સંવાદ પછી અનેક મિત્રોને એ સંવાદનો સાર સંભળાવી એમની સલાહ લીધી. જુદા જુદા અભિપ્રાયોમાં ઓરિયેન્ટલ ટ્રાન્સલેટરની કામગીરીના કાળના તેમના ઉપરી એવા વડીલ મિત્ર શ્રી સંજાણાની સલાહ તેમને સ્પર્શી ગઈ. તેમણે મહાદેવને પૈસાનો વિચાર ન કરતાં તેમના અંતરાત્મા અને આદર્શને અનુરૂપ નિર્ણય કરવાની સલાહ આપી.

નરહરિભાઈ ઉપરના પત્રમાં છેવાડાના ભાગમાં આપણે જોયું કે મહાદેવ કહે છે કે, ‘જે જિંદગીને નકામી માનીને કેટલીક વાર કંટાળતો તેને હવે જીવવા જેવી (worth living) માનવા જેટલી શ્રદ્ધા મનમાં આવી છે.’

જિંદગીને નકામી માનવા જેવી નિરાશા મહાદેવમાં કેમ આવી હશે તેનો થોડો વિચાર આપણે આગળ ઉપર કરી ગયા છીએ. અહીં એને ફરી જોઈ જઈએ.

વકીલાતમાં મહાદેવભાઈને દેખીતી રીતે નિષ્ફળતા સાંપડી હતી. કદાચ મનમાં ને મનમાં એ સરખામણી પણ થઈ હશે કે મિત્ર નરહરિભાઈને એક પછી એક કેસ મળતા ગયા હતા, જ્યારે પોતાને તો માત્ર એક કેસ કમાણી કરાવનાર મળ્યો હતો અને તે પણ રા. વિ. પાઠક જેવા મિત્રની ભલામણથી.

સહકારી ખાતામાંથી ભ્રષ્ટાચાર કાઢવાની અને કાર્યક્ષમતા વધારવાની મહાદેવભાઈની હોંશ પણ પૂરી થઈ શકી નહોતી. એમની બૅંક ઇન્સ્પેક્ટર તરીકેની જગા જ કમી કરીને એમને ઑફિસમાં બેસીને ચૂપચાપ કામ કરવાનું કહ્યું હતું.

થોડીઘણી નિરાશા કદાચ જેમની પાસેથી કામ શોધતા હતા તેમનામાં બેવડી જવાબદારી જોઈને પણ નીપજી હોય. હોમરૂલ લીગના એક આગેવાનને મહાદેવ સંસ્થાનો મંત્રી થાય તેના કરતાં પોતાનો અંગત મંત્રી બને તેમાં વધુ રસ હતો. અને બીજા આગેવાનને શ્રદ્ધા ગાંધીજીના કાર્યક્રમ વિશે હતી અને કામ સંસ્થાનું કરવું અથવા કરાવવું હતું.

પણ જીવન વિશે નિરાશ થવાનું આ બધાં કરતાં વધારે મોટું કારણ તો કદાચ મહાદેવભાઈનો સ્વભાવ અને એમની ઉંમર હશે. પાછળથી મહાદેવભાઈને એમના ગુરુ ગાંધીજીએ ગુલાબના ફૂલ જોડે સરખાવેલા. કવયિત્રી સરોજિનીદેવી નાયડુએ તેમને ‘ગુલે ગુજરાત’નું બિરુદ આપેલું, તે તેમની પુષ્પ જેવી સુકોમળ લાગણીઓ જોઈને જ લાગણીપ્રધાન મહાદેવ પોતાનાં નામરાશિ પૌરાણિક મહાદેવની માફક જેમ આશુતોષ હતા, તેમ સહેજ આંચકો લાગતાં નિરાશ થઈ જાય તેવાયે હતા. એને પરિણામે જીવનમાં સાંપડેલી આ ક્ષુલ્લક નિષ્ફળતાઓને લીધે જીવનને જ નકામું માનતા થઈ ગયા હશે. એમની જુવાનીને લીધે લાગણીએ વધુ ઉછાળા માર્યા હશે. રીઢા રાજકારણીની માફક મહાદેવભાઈ જાડી ચામડીના નહોતા કે નિષ્ફળતાઓને ઘોળીને પી જાય. એમનો માંહ્યલો કવિનો હતો. આશા-નિરાશાના દરેક તરંગ સાથે તે હિલોળા ખાતો હતો.

૧૯૧૭નો નવેમ્બર માસ. મહાદેવના જીવનને એક જબરદસ્ત નવો વળાંક આવે છે. પચાસ વર્ષના અલ્પજીવી આયુષ્યની બરાબર વચ્ચે, એટલે પચીસ વર્ષે, મહાદેવ એક એવું પગલું ભરે છે કે, જ્યાંથી એ પછી કદી પાછું ફરીને જોવાના નથી. જે નિર્ણય એમના મનમાં છેલ્લાં દોઢ-બે વરસથી પરિપક્વ થતો જતો હતો તેને આ માસમાં છેવટનું રૂપ મળે છે. છેવટના નિર્ણયની બાહ્ય વિગતોનો વિચાર કરીએ તે પહેલાં આપણે જરા એ વિચાર કરીએ કે આખરે મહાદેવભાઈને ગાંધીજી આગળ સંપૂર્ણ સમર્પણ કરવાની પ્રેરણા ક્યાંથી મળી? ગાંધીજી સાથે જોડાયા પછી થોડા જ વખતમાં તેમણે એવો વિચાર કર્યો હતો કે, ‘મારી મનોકામના તો હનુમાન જેવાને આદર્શ રાખી તેની સ્વાર્પણસેવા પોતાનામાં ઉતારવી અને કેવળ સેવાભક્તિથી તરી જવું.’ જીવનનો આવો ઉચ્ચ છતાં પોતાને નામશેષ કરી નાખનાર આદર્શ પાછળ કઈ પ્રેરણા કામ કરતી હશે?

આ લેખકના નમ્ર મત મુજબ એ સર્વસ્વ સમર્પણકારી નિર્ણય પાછળ ભક્તિ, વિદ્વત્તા અને સંસ્કારિતાનો ત્રિવેણીસંગમ હતો.

મહાદેવને મન વિવેકાનંદ વાંચ્યા પછી પણ આકર્ષણ તો રામકૃષ્ણ પરમહંસનું જ હતું. ગોધરાવાળા પુરુષોત્તમ બાપજીની ભજનમંડળીમાં તેઓ પોતાનું બધું ભણતર વિસારીને તન્મય થઈ જતા. કવિતા પર હાથ અજમાવતાં એમની પહેલી પસંદગી ભજનોની હતી. પ્રેમ એ એમની પ્રકૃતિનો સ્થાયીભાવ હતો. તે પ્રેમ ભક્તિસ્વરૂપે ફળીફૂલી ઊઠ્યો.

આ ભક્તિમાં એમની તેજસ્વી વિદ્વત્તા ભળી એટલે તેમને કોઈ મંદિરમાં જઈને આરતી, દીપ, પૂજા-અર્ઘ્યથી સમાધાન ન થાય. ન એને સમાધાન થાય માત્ર ભજનો ગાવાથી. એમનું દર્શનશાસ્ત્ર અને એમનું વિશાળ વાચન એમને માનવમાં રહેલા હરિ સુધી પહોંચાડતાં હતાં. અને ગામડે ગામડે ફરીને એમણે લીધેલો અનુભવ તે હરિને ‘પાછામાં પાછા, નીચામાં નીચા, રંકના ઝૂંપડા’૬ સુધી લઈ જતો હતો. આ હરિની ભક્તિ સારુ પરિવર્તનની આવશ્યક્તા હતી, એ મહાદેવભાઈ સમજી ગયા હતા. પરંતુ સમાજપરિવર્તનનો શુદ્ધ સંસ્કારિતા ભરેલો માર્ગ તો તેમને ગાંધીના ચીંધેલા રસ્તામાં જ દેખાયો. ગાંધીના વ્યક્તિત્વ અને એમની કાર્યશૈલીમાં મહાદેવભાઈને એમની ભક્તિ, એમની વિદ્વત્તા અને એમની સંસ્કારિતા ત્રણેયને પોષે એવાં તત્ત્વો દેખાયાં.

બીજી બાજુ ગાંધી જે કાળે આફ્રિકાથી હિંદમાં આવ્યા તે કાળ હિંદ સારુ ત્રણ ઐતિહાસિક પ્રવાહોના સંધિકાળ સમો હતો. રાજનૈતિક કાર્યકર્તાઓમાં તે વખતે બે મુખ્ય વિચારસરણીઓ પ્રવર્તતી હતી. સાધારણ લોકો એ વિચારસરણીઓને નરમ દળ અને ગરમ દળની વિચારધારા તરીકે ઓળખતા. તે ઉપરાંત રામકૃષ્ણ પરમહંસથી માંડીને શ્રી અરવિંદ સુધી એક ત્રીજી — આધ્યાત્મિક — વિચારધારા પણ પ્રવર્તી રહી હતી. ગાંધીજીના રસ્તામાં મહાદેવભાઈને નરમ દળની વિનીત વૃત્તિ, ગરમ દળની તીવ્રતા અને આધ્યાત્મિક પુરુષોની ઊર્ધ્વ દૃષ્ટિ — ત્રણેનો સંગમ દેખાયો હશે. આમ, દેશનો કાળપ્રવાહ પણ આ ત્રણે ગુણોના મેળાપ તરફ જતો પ્રતીત થયો હશે. આ એક અદ્ભુત સંગમ હતો, જ્યાં દેશનો ઇતિહાસ અને મહાદેવભાઈની આંતરિક પ્રવૃત્તિઓ બંને એક બિંદુ પર આવી એકરૂપ બની જતાં હતાં. ગાંધીજીએ મહાદેવમાં ત્રણ ગુણો ખાસ જોયા હતા: પ્રામાણિકતા, વફાદારી અને હોશિયારી. મહાદેવભાઈની સંસ્કારિતા માત્ર ઉપરછલ્લી દેખાવ પૂરતી નહોતી. એ સંસ્કારિતાનો પાયો તેમની ઈમાનદારી ઉપર ઊભો હતો. એમની વફાદારી ઠેઠ ભક્તિ સુધી પહોંચી હતી, અને એમની હોશિયારી એમની વિદ્ધત્તામાંથી નીપજેલી હતી. ત્રણે ગુણોએ તે કાળનો ઐતિહાસિક સંગમ — વિનીતતા, તીવ્રતા અને આધ્યાત્મિકતાને એક કરતો સંગમ — જ્યાં મૂર્તિમંત થતો હતો તે ગાંધીજીના વ્યક્તિત્વ અને તેમના સત્યાગ્રહમાં પૂર્ણપણે સમાહિત થઈ જાય તો તેને એક અકસ્માત નહીં, પણ ઐતિહાસિક ઘટના જ ગણવી પડશે. જે અધૂરો યોગ પૂરો કરવા મહાદેવે જન્મ લીધો હતો તે યોગ અહીં પરિપૂર્ણ થતો હોય એમ જણાતું હતું.

આ વિશ્લેષણ સાથે એક બીજી એવી જ ઘટનાનો વિચાર કરી લેવો જોઈએ. તે કાળે દેશમાં દેશભક્તિ અને બ્રહ્મજિજ્ઞાસા બે એવાં પ્રેરક તત્ત્વો હતાં કે જેની ખાતર પ્રતિભાશાળી યુવકો પોતાનું સમગ્ર જીવન સમર્પણ કરવા તૈયાર થઈ જતા. ગાંધીજીમાં માત્ર મહાદેવને જ નહીં પણ બીજા પણ અનેક પ્રતિભાશાળી તરુણોને આ બંને પ્રેરણાઓનો મેળાપ દેખાયેલો. એટલે, જેમના હૃદયમાં આ બંને પ્રેરણાઓનો ધક્કો લાગ્યો હતો તેવા અનેક તરુણો મોહનની મોરલીથી મોહેલાં ગોપગોપીઓ અને ગોવાળોની જેમ ગાંધીજીના સત્યાગ્રહમંત્ર ભણી આકર્ષાયેલા. વિનોબા, કિશોરલાલભાઈ, કાકાસાહેબ, સ્વામી આનંદ, નરહરિભાઈ, પ્યારેલાલ વગેરે અનેક સાધકોને ગાંધીના સત્યાગ્રહમાં રાજનૈતિક અને આધ્યાત્મિક મુક્તિના મેળા વર્તાયેલા. આમ, મહાદેવ અનેક સાધકોના સમાજ પૈકી એક હતા. માત્ર એમની અદ્વિતીયતા હતી એમની ભક્તિમાં જે તેમને સંપૂર્ણ સમર્પણયોગ સુધી લઈ ગઈ હતી.

પેલા સપ્ટેમ્બરના આરંભમાં થયેલા વાર્તાલાપને અંતે ગાંધીજીએ મહાદેવને ‘એક વર્ષ — છ માસ ખેલી લેવાની’ સલાહ આપેલી અને એમ પણ કહેલું કે, ‘તેટલો વખત હું ચલાવી લઈશ.’ પણ ઇતિહાસ પાસે ખેલી લેવા જેટલી નવરાશ નહોતી. ૧૬–૯–૧૯૧૭ પહેલાં એટલે કે, મહાદેવભાઈએ નરહરિભાઈને પેલો ચિરસ્મરણીય પત્ર લખ્યો તેનાં લગભગ બે અઠવાડિયાં પછી શ્રી સત્યાનંદ બોઝને નામે લખાવેલો ગાંધીજીનો પત્ર મહાદેવભાઈના અક્ષરોમાં છે. એટલે કે, વિધિપૂર્વક નહીં તો અવિધિપૂર્વક ગાંધીજીએ મહાદેવ પાસે સચિવ તરીકેનું કામ લેવા માંડ્યું હતું. પરંતુ એમ તો ગાંધીજી પોતાને કોઈ મળવા આવે તો તેની પાસે પણ કામ લેતાં ક્યાં અચકાય એવા હતા? પણ નવેમ્બરની બીજી તારીખે એટલે કે બરાબર બે માસ પછી મહાદેવભાઈ ગાંધીજીને ગોધરાની રાજકીય પરિષદમાં જઈને મળ્યા છે. ગાંધીજી સાથે જોડાવું છે એવા વિચાર સાથે દુર્ગાબહેનને પણ લીધાં હતાં, પણ ગોધરામાં ગાંધીજી ‘તમે બંને થોડો વખત મારી સાથે ફરો, પાકો નિર્ણય પછી કરજે’ કહીને બીજા થોડા દિવસ આપે છે. પણ એમની સાથે ચંપારણ ગયા પછી પિતાની રજા લેવા મહાદેવ દિહેણ જાય છે ત્યારે તો ગાંધીજી એમની કાગના ડોળે વાટ જુએ છે. અને નવેમ્બર મહિનો પૂરો થાય તે પહેલાં ૨૪મીએ તો મહાદેવ ગાંધીજીને ફરી આવી મળે છે, ત્યારે ‘તમે ખેલી ખાધું કે? પાકો નિર્ણય કરી લીધો કે?’ એવા પ્રશ્ન પૂછવાની ગાંધીજીને કે એને અંગે ચોખવટ કરવાની મહાદેવભાઈને જરૂર નથી જણાતી.

ચંપારણની થોડી વધુ વાતો આપણે આગળ ઉપર કરીશું. અહીં દિહેણની વાત કરી લઈએ. મહાદેવની દિહેણની ૧૯૧૭ની મુલાકાત પિતાની અનુમતિ લેવા સારુ જ હતી. પોતાના ભાવિ વિશેના વિચારો જેટલી સરળતા અને ઉત્સાહથી નરહરિને લખાઈ જતાં તેટલી છૂટ પિતાશ્રી સાથે નહોતી. મહાદેવભાઈ જાણતા હતા કે એકત્રીસ વર્ષની ઉંમરે જે દીકરો એમને ઘેર અવતર્યો હતો તેને વિશે હરિભાઈને વિશેષ મમતા હતી. એ મમતાને લીધે એક બાજુ એમનાથી દીકરાનો વિયોગ સહન થાય એમ નહોતો. બીજી બાજુ દીકરાની લાગણી દુભાય એ પણ પિતા કદી ઇચ્છે એમ નહોતા. પિતા પાસે એ વાત કરતાં શરૂઆતમાં તો જીભ થોથવાઈ હશે, પણ પાસો ફેંકાઈ ચૂક્યો હતો. ગાંધીજીએ પાછળથી પાકો નિર્ણય કરીને કહેવાની છૂટ ભલે રાખી હોય, પણ પોતા તરફે તો નિર્ણય પાકો થઈ ચૂક્યો હતો. એટલે પિતાશ્રીને વાત કહ્યા વિના છૂટકો નહોતો. હરિભાઈનું વાચન આમ તો વિશાળ હતું, એટલે ગાંધીજીની પ્રવૃત્તિઓથી તેઓ અજાણ નહોતા. ગાંધીજી પ્રત્યે એમના મનમાં માન પણ પુષ્કળ હતું. પણ પુત્ર એમની સાથે રહેવા ચાલ્યો જશે એની એમને કલ્પનાયે નહોતી. મહાદેવ પછી ઘણાં વર્ષે ઇચ્છાબહેનને પેટે જન્મેલ બીજા દીકરા ઠાકોર ઉર્ફે જનાર્દનનું મૃત્યુ તે જ વર્ષે પ્લેગના રોગમાં ત્રણ જ દિવસની માંદગીમાં થયેલું. એનો ઘા તો હજી રુઝાયો પણ નહોતો, ત્યાં મહાદેવ સંન્યાસી થવા બેઠો? — એમ તેમને લાગ્યું હશે. નિવૃત્ત થયા પછી ઘર ચલાવવા સારુ ઝાઝી આવક રહી નહોતી. પણ એનો વિચાર તેમણે નહોતો કર્યો. વળી, મોટો દીકરો સારી પેઠે કમાઈને હવેલી બંધાવશે એવી વાત પણ એમણે મનમાં નહોતી આવવા દીધી. પિતાની આર્થિક સ્થિતિની વાત તો મહાદેવના મનમાં વધારે આવતી હતી. પિતાને મુખ્ય ચિંતા તો એ હતી કે મહાદેવ ફૂલ જેવો કુમળો છે, અને ગાંધીજીની સાથે કામ કરનારાને તો આકરું જીવન જીવવું પડે, એ એનાથી શી રીતે ખમાશે? પિતાની નામરજી જોઈને મહાદેવે પણ વિચાર કર્યો કે મન મારીને અહીં જ બેઠા રહીશું, પણ એમની રજા વિના તો ગાંધીજી પાસે જવું જ નથી. પેલી બાજુ ગાંધીજીએ મહાદેવ અને દુર્ગાને લેવા સારુ નરહરિને સ્ટેશને મોકલેલા, પણ તેઓ કોઈને લીધા વિના પાછા ફર્યા ત્યારે ગાંધીજી પાસે તાર જોયો કે મહાદેવ આવી શકે એમ નથી. નરહરિભાઈથી ઓછી નિરાશા ગાંધીજીને નહીં થઈ હોય. પણ એ શાંત રહ્યા. સમાજસેવાના કામમાં આવાં તો કાંઈક આશા-નિરાશાનાં ઝોલાં ખાવાં પડે એમ માનીને શાંત રહ્યા, પણ પેલી બાજુ મહાદેવભાઈના મનમાં જરાયે શાંતિ ક્યાં હતી? એમનો ચહેરો જ એટલો પારદર્શક હતો કે એમની બધી વેદના વ્યક્ત કરી દેતો. પુત્રવત્સલ પિતાથી પુત્રની આ વેદના શી રીતે સહન થાય? બીજે જ દિવસે એમણે ગાંધીજી પાસે જવાની રજા આપી — ‘ફતેહ કરો.’ એમ કહીને મહાદેવે ગાંધીજીને બીજો તાર કર્યો અને દુર્ગાને લઈને ચંપારણમાં ગાંધીજી પાસે ઉપસ્થિત થયા. બરાબર પચીસ વર્ષની સાધના પછી પચીસ વર્ષનો યજ્ઞ શરૂ થયો.

નોંધ:

૧. આ ભાષણ ૪–૯–’૧૫ને રોજ થયેલું તેથી મોહન અને મહાદેવનું મિલન આ દિવસે થયેલું અનુમાની શકાય.

૨. નરહરિ પરીખ: महादेवभाईनुं पूर्वचरित: પૃ. ૬૯-૭૦.

૩. એજન, પૃ. ૬૮થી ૭૨માંથી.

૪. એજન, પૃ. ૭૭.

પ. એજન, પૃ. ૭૮થી ૯૩.

૬. રવીન્દ્રનાથની गीतांजलिના એક ગીતનો અંશ. અનુ. જુગતરામ દવે, જુઓ गुरुदेवनां गीतो.