રવીન્દ્રનાથની કાવ્યસૃષ્ટિ

Revision as of 21:45, 18 April 2022 by Atulraval (talk | contribs)


રવીન્દ્રનાથની કાવ્યસૃષ્ટિ

ગુજરાતી અવતરણ: 
શૈલેશ પારેખ

કવિવર રવીન્દ્રનાથ ટાગોરની બંગાળી કાવ્યરચનાનો
 અંગ્રેજીમાંથી કરેલો ગુજરાતી ભાવાનુવાદ


બંગાળી ભાષા ન જાણનાર માટે રવીન્દ્ર-સાહિત્યનું મુખ્ય પ્રવેશદ્વાર એટલે તેમણે પોતે અંગ્રેજીમાં અનુવાદ કરેલાં પોતાનાં કાવ્યો. તેમાં અંગ્રેજી ગીતાંજલિ (ગીતાંજલિ: સોંગ ઓફરિંગ્સ)ને સિંહદ્વાર કહી શકાય. ૧૯૧૨માં પ્રગટ થયેલી અંગ્રેજી ગીતાંજલિને સામાન્ય જનતા તેમ જ વિવેચકો તરફથી ઉત્તમ પ્રતિભાવ મળ્યો અને રવીન્દ્રનાથ જગતના સાહિત્ય-વર્તુળોમાં જાણીતા થઈ ગયા. અંગ્રજી ગીતાંજલિમાં મોટા ભાગનાં કાવ્યો દિવ્ય તત્ત્વ પ્રતિ ઢળે છે. તેને કારણે પશ્ચિમમાં રવીન્દ્રનાથની છાપ સંત કવિની પડી. પોતાની સમગ્ર કાવ્યસૃષ્ટિનો પશ્ચિમને ખ્યાલ આપવા માટે રવીન્દ્રનાથે ૧૯૧૬માં ધ ગાર્ડનર અને ક્રેસંટ મુન, ૧૯૧૬માં ફ્રુટગેધરિંગ, ૧૯૧૮માં લવર્સ ગીફ્ટ એન્ડ ક્રોસિંગ અને ૧૯૨૧માં ધ ફ્યુજિટીવ પ્રગટ કર્યાં હતાં. ૧૯૨૧ પછી રવીન્દ્રનાથે પોતાનાં કાવ્યોના અંગ્રેજી અનુવાદનું એક પણ પુસ્તક પ્રગટ કર્યું ન હતું. પણ તેનો અર્થ એવો નથી કે તેઓ અંગ્રેજી અનુવાદ કરતા ન હતા. તેમના મૃત્યુ પછી એક વર્ષે, ૧૯૪૨માં પ્રગટ થયેલા પુસ્તક, પોએમ્સમાં રવીન્દ્રનાથ અનુદિત ૧૧૮ કાવ્યો છે જે અન્યત્ર પ્રગટ થયાં ન હતાં ને તેમાંથી ૫૩ કાવ્યો મૂળ બંગાળીમાં ૧૯૨૧ પછી લખાયાં હતાં. આ બધા જ અનુવાદોને અનુસર્જન કહેવું વધુ ઉચિત લાગે છે. માત્ર મૂળ કવિ જ લઈ શકે તેવી બધી જ છૂટ રવીન્દ્રનાથે આ અનુવાદોમાં લીધેલી છે. ક્યારેક બે કાવ્યોનો અનુવાદ એક કાવ્યમાં કર્યો છે તો ક્યારેક એક કાવ્યના અનુવાદમાં વધારે કાવ્યો પ્રસ્તુત કર્યાં છે. બુદ્ધદેવ બસુ એમ કહેતા કે બંગાળી ગીતાંજલિમાં ‘સોંગ’ વધરે છે અને અંગ્રેજી ગીતાંજલિમાં ‘ઓફરિંગ’! જિજ્ઞાસુ વાચકનું ધ્યાન ધ ઈંગ્લીશ રાઈટીંગ્સ ઓફ રબીન્દ્રનાથ ટાગોર, વોલ્યુમ ૧, પોએમ્સ, (સાહિત્ય અકાદેમી, ન્યુ દિલ્હી પ્રકાશન, ૧૯૯૪)ની શિશિર કુમાર દાસની માહિતીપૂર્ણ અને વિદ્વત્તાસભર પ્રસ્તાવના તરફ દોરવું ઘટે. અહીં આ અનુવાદોનો ઇતિહાસ, અગત્યતા, મહત્તા, વિશ્લેષણ બધું જ સંક્ષિપ્તમાં મળી રહે છે. સામાન્યતઃ એમ કહેવાય છે કે ગીતાંજલિ – સોંગ ઓફરિંગ્સ પછીના અનુવાદોથી રવીન્દ્રનાથની કવિ તરીકેની ખ્યાતિમાં પશ્ચિમમાં ઓટ આવી. તેના કારણોમાં એક જ શૈલીની, વૈવિધ્ય વિનાની ભાષા, એક જ પુસ્તકમાં ઐક્ય વિનાના વિષયોની પ્રસ્તુતિ ઈત્યાદિ ગણાવવામાં આવે છે. ઉપરોક્ત પુસ્તકના વિદ્વાન સંપાદક, શિશિર કુમાર દાસ પણ આ બધું જ લખે છે. મારો અંગત અનુભવ જુદો છે. અંગ્રેજી ગીતાંજલિથી પ્રભાવિત થઈને જયારે મેં બીજા અંગ્રેજી પુસ્તકો વાંચવાનો આરંભ કર્યો ત્યારે મને તો તેમાં પણ અત્યંત આનંદ જ આવ્યો હતો અને તે કાવ્યોને વધુ માણવા અને સમજવા માટે હું ગુજરાતી અનુવાદ કરતો રહ્યો અને રવીન્દ્રનાથની પ્રતિભાથી પ્રભાવિત થતો રહ્યો. જયારે રવીન્દ્રનાથનાં કાવ્યો બંગાળીમાં વાંચ્યાં ત્યારે સમજાયું કે તેમના અંગ્રેજી અનુવાદમાં લાઘવ હોય છે, મૂળ બંગાળીનું જાદુ અને માધુર્ય અદૃશ્ય હોય છે પણ વિભાવનાનું સુંદર, સચોટ અને સફળ નિરૂપણ હોય છે. અંગ્રેજીમાંથી કરેલ અનુવાદોને મૂળ બંગાળીના કાલાનુક્રમે ગોઠવતા રવીન્દ્રનાથની કાવ્યસૃષ્ટિનું વૈવિધ્ય, વૈપુલ્ય તેમ જ નૈપુણ્ય દેખાય છે, તેનો વિકાસ અને પ્રગતિ પણ દૃષ્ટિગોચર થાય છે. રવીન્દ્રનાથનાં અંગ્રેજી પુસ્તકો પછી અન્ય અનુવાદકો ધ્યાનમાં આવ્યાં, જેમાં અરવિંદ બોઝ, કેતકી કુશારી ડાયસન, શીલા ચેટરજી, વિલિયમ રેદિચી, ક્ષિતિસ રોય, અમીય ચક્રવર્તીનો સમાવેશ કરી શકાય. તેમના કરેલા અનુવાદો મૂળને વધુ વફાદાર હોય છે (અરવિંદ બોઝ ક્યારેક સંક્ષિપ્ત કરતા હોય છે). રવીન્દ્રનાથ અનુદિત અંગ્રેજી કાવ્યના શીર્ષકમાં રવીન્દ્રનાથના અંગ્રેજી પુસ્તકનું નામને શીર્ષક/કર્મ, કાવ્યની નીચે બંગાળી પુસ્તકનું નામ અને કાવ્યનો ક્રમ અથવા કાવ્યનું શીર્ષક અને બંગાળી પુસ્તકનું નામ તેમ જ રચનાનો સમય આપ્યા છે. અન્ય અનુવાદક હોય ત્યાં અંગ્રેજી કાવ્ય ઉપર જો તેમણે શીર્ષક આપ્યું હોય તો તે, અને કાવ્યની નીચે બંગાળી પુસ્તકનું નામ અને કાવ્યનો ક્રમ અથવા કાવ્યનું શીર્ષક અને બંગાળી પુસ્તકનું નામ તેમ જ રચનાનો સમય અને અનુવાદકનું નામ આપ્યા છે. સમગ્ર કાવ્યસૃષ્ટિના ચાર ભાગ પાડ્યા છે:

ક્રમ બંગાળી પુસ્તકો
૧. પ્રથમ મુકુલદલ: ૧૮૮૬-૧૯૦૦ કડિ ઓ કોમલ, માયાર ખેલા, માનસી, સોનાર તરી, ચૈતાલી, ચિત્રા, કલ્પના, ક્ષણિકા
૨. જગત પારાવારે: ૧૯૦૧-૧૯૧૪ નૈબેદ્ય, શિશુ, સ્મરણ, ખેયા, ગીતાંજલિ, રાજા, અચલાયતન, ગીતાલિ, ગીતિમાલ્ય, ઉત્સર્ગ
૩. અન્યત્ર: 
૧૯૧૬-૧૯૩૬ બલાકા, પલાતકા, લિપિકા, શિશુ ભોલાનાથ, પૂરબી, પ્રબાહિની, મહુઆ, પરિત્રાણ, પરિશેષ, પુનશ્ચ, બિચિત્રિતા, બીથિકા, શેષ સપ્તક, પત્રપુટ, સ્યામલી
૪. સાંધ્યઆરતી: ૧૯૩૭-૧૯૪૧ પ્રાંતિક, સેન્જુતિ, આકાશપ્રદીપ, પુનશ્ચ, રોગ-શય્યાય, સાનાઈ, આરોગ્ય, જન્મદિને, શેષ લેખા
અહીં પ્રસ્તુત ૪૮૦ જેટલાં કાવ્યો/ગીતોમાં રવીન્દ્રનાથનો ભૌતિકમાંથી આધ્યાત્મિક પ્રતિ, નારીશ્વરથી જીવનદેવતા પ્રતિ વિકાસ, સર્વત્ર છવાયેલા ઈશ્વરથી અન્યત્રની ગતિ, ગદ્યકાવ્યોની છટા, અનન્ય આશાવાદ, અલંકારહીન ભવ્ય કવિતા – બધું જ છે. સાથે છે એક અટલ વિશ્વાસ, માનવીમાં અને દિવ્ય તત્ત્વમાં. આ જ કવિ ‘દૂર-સુદૂર કિનારો’ જોતાં કહી શકે કે ‘તોફાની દરિયો પાર કરી આવ્યો છું’.

જ્યારે મારા પહેલ વહેલા ગીતો મારા અંતરે ઊગ્યા,

ત્યારે મને લાગતું કે તે પ્રભાત પુષ્પના મિત્રો છે.

જ્યારે તેમને પાંખો આવી અને તે વેરાનમાં ઊડ્યા,

ત્યારે મને લાગતું કે તેમનામાં હાસ્ય વેરતા મેઘની ચેતના છે.

મને થતું કે ગાંડા તોફાનની હાકલે દોડેલા મારા ગીતો

સાંધ્ય પ્રદેશની સીમાપાર ખોવાઈ જશે.

પણ હવે જ્યારે સાંધ્ય પ્રકાશમાં હું દૂર–સુદૂર કિનારો જોઈ શકું છું.

ત્યારે મને લાગે છે કે,

મારા ગીતોની નાવમાં હું તોફાની દરિયો પાર કરી આવ્યો છું.


શૈલેશ પારેખ



રવીન્દ્રનાથની કાવ્યસૃષ્ટિ



રવીન્દ્રનાથની કાવ્યસૃષ્ટિ–૧




રવીન્દ્રનાથની કાવ્યસૃષ્ટિ–૨




રવીન્દ્રનાથની કાવ્યસૃષ્ટિ–૩




રવીન્દ્રનાથની કાવ્યસૃષ્ટિ–૪