જેલ-ઑફિસની બારી/કેદીનું કલ્પાંત

Revision as of 05:14, 20 April 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
કેદીનું કલ્પાંત

ઊંચી ઊંચી ડાળના લીંબડા, હો ભાઈ! ઊંચી ઊંચી ડાળના હો લીંબડા! મારે તું વિના ન કોઈની સગાઈ રે, જેલનાં જીવન એવાં રે.
લાખ લાખ પાંદ તારી આંખડી, હો ભાઈ! લાખ લાખ પાંદ તારી આંખડી; મારા ગામ તણી સીમડી કળાય રે? – જેલનાં0
મહીસાગર તીર મારાં ખોરડાં, હો ભાઈ! મહીસાગર તીર મારાં ખોરડાં; એની ઓસરીએ ચાંદની ચળાય રે – જેલનાં0
ઘરની ધણિયાણી મારી ફાતમા, હો ભાઈ! ઘરની ધણિયાણી બીબી ફાતમા; જોજે, ખેતર ગઈ છે કે કૂબા માંય રે – જેલનાં0
કાસદ કરી મેલ્ય એક કાગડો, હો ભાઈ! કાસદ દઈ મેલ્ય કાળો કાગડો; મને એક વાર હળીમળી જાય રે – જેલનાં0
ત્રણ ત્રણ મહિનાની મુલાકાત છે, હો ભાઈ! ત્રણ ત્રણ મહિનાની મુલાકાત છે; ઝીણી જાળીઓ આડેથી વાતો થાય રે – જેલનાં0
કે’જે સીવડાવે નવાં પગરખાં, રે ભાઈ! કે’જે સીવડાવે નવાં પગરખાં; એના તળિયામાં રૂપૈયા રખાય રે – જેલનાં0
રૂપિયો દેવો પડે સપાઈને, રે ભાઈ! રૂપિયો દેવો પડે સપાઈને; નથી દેતા તો ચામડાં ચિરાય રે – જેલનાં0
પંદર મીલેટના મેળાપ છે, રે ભાઈ! પંદર મીલેટના મેળાપ છે; ભૂંડી! જાળવજે, રોઈ ના જવાય રે – જેલનાં0
રોશું તો પડશે મને ધોકલાં રે ભાઈ! રોશું તો પડશે ધીંગા ધોકલા; તારી નજરું સામે એ નૈ સહાય રે – જેલનાં0
મરિયમ નાની છે મારી દીકરી, રે ભાઈ! મરિયમ નામે છે ડાહી દીકરી; એને કે’જે જાળીને ન અડકાય રે – જેલનાં0
મરિયમની કૂણી કૂણી આંગળી, રે ભાઈ! મરિયમની કૂણી કૂણી આંગળી; એને ટેરવે અડું તો સજા થાય રે – જેલનાં0
મરિયમને દૂરથી બકા કરું, રે ભાઈ! મરિયમને દૂરથી બકા કરુ, તો તો જેલર ખારો થઈ ખિજાય રે – જેલનાં0
પૂછીશ ના સુખદુ:ખની વાતડી, રે ભાઈ! પૂછીશ ના ભીતરની વાતડી; મારાં માફી તણાં દનૈયાં કપાય રે – જેલનાં0
બરધિયાને કાંધ હવે કેમ છે, રે ભાઈ! (મારા) બરધિયાને કાંધ હવે કેમ છે? રે’તા ભૂખ્યા કે રાતના ધરાય રે – જેલનાં0
અરધાં ભૂખ્યાં તમે ભલે રહો, રે ભાઈ! અરધાં ભૂખ્યાં તમે ભલે રહો મારા બરધિયાની સાર લ્યો સવાઈ રે – જેલનાં0
વેચો વળીઓ ને વેચો વાંસડા, હો ભાઈ! વેચો વળીઓ ને વેચો વાંસડા મારા બરધિયાને વરસ બે જિવાડય રે – જેલનાં0
ફટકા ફાંસીનું શીખું કામ જો હું ભાઈ! ફટકા ફાંસીનું બૂરું કામ જો; વધે માફી વળી રૂપૈયા રળાય રે – જેલનાં0
બદનામી થાય આખી જેલમાં, હો ભાઈ! બદનામી થાય આખી જેલમાં; પીર દાવલશા સોણલે ભળાય રે – જેલનાં0
ઘોળી માફી ને ઘોળ્યા રૂપિયા, હો ભાઈ! ઘોળી માફી ને ઘોળ્યા રૂપિયા; વરસ બે તો વહી જાશે પલક માંય રે – જેલનાં0
[લેખકના કાવ્યસંગ્રહ ‘યુગવંદના’માંથી]