જેલ-ઑફિસની બારી/આંસુની મહેફિલ
શા સારુ તમે મારી જાળીમાંથી પાનની પિચકારીઓ થૂંકો છો?
તમે જેલ-ઑફિસના કારકુનો અને હું જેલ-ઑફિસની બારી, એટલે શું તમે મને નિર્લજ્જ ધારી લીધી? હું નિષ્પ્રાણ છું. લોઢા-લાકડાની બનેલી છું, અનેક ચોર-ડાકુઓની આંસુદારે ધોવાઈને દયાહીન બની ગઈ છું, મારપીટ, ગડદાપાટુ અને ગાળાગાળીની સાક્ષી છું, એટલે શું હું સ્ત્રીજાતિની મટી ગઈ છું, વીરા મારા?
તમે પાન ચાવીને મુખ રાતાં કરી કરી ઘેરથી દમામભેર ચાલ્યા આવો છો, એટલે શું એમ માનો છો કે તમારી હાજરીના ભડકા હું નથી જાણતી? જાણું છું, બધુંય જાણું છું. આ કાળમુખા સત્યાગ્રહે તમારું કામ દસગણું વધારી દીધું છે. પણ સરકાર કંઈ દિવસના પચીસ કલાકો થોડી કરી શકે છે? – તમારાં સ્ત્રી-બાળકો માંદાં મરે છે તેને માટે દવા લઈ આવવાનીય તમને વેળા નથીઃ તમારી રસોઈ કરનાર કોઈ નથી; તમે ચા પીને પેટના ખાડા પૂરો છો; ઉપર અક્કેક પાનપટ્ટી ચાવો છો; પીળી પડેલી આંખો ઘુરકાવી ઘુરકાવીને તમે એ ટોળે ટોળે આવતા ગુનેગારો ઉપર રાતાચોળ ચહેરા કરો છો; તમે અંદર અંદર કામની મારામારી ને ગાળાગાળી ચલાવો છો; એ બધું શું હું નથી ભાળતી? તમે પુરુષો થઈને આવા કાયર; ત્યારે હું નારી છતાં કેટલું સહું છું!
હા-હા-હા-હા!
તમે મારા હસવાના ખડખડાટ નહિ સાંભળતા હો, ખરું? લોઢાના સળિયા મારા કાળા કાળા દાંત છે. હું તો ડાકિની છું. હું તો તમને જૂઠું જૂઠું કહેતી હતી. મારે વળી લાગણી કેવી? જાડી જાડી દીવાલઃ એમાં જકડેલું મારું દેહપિંજરઃ લોઢાના સળિયાની બનેલી મારી પાંસળીઓઃ તેની ઉપર પણ પાછી લોઢાની નસો જેવી તારની જાળીઃ આખા દેહમાં ક્યાંય છાંટો લોહી ન મળે, કે ન મળે લોચો માંસઃ ન મળે આંખો, કે ન મળે છાતી. ફક્ત જાણે એકલું દાંતવાળું મોઢું અને તળિયા વગરની હોજરી.
સવાર પડયું છે. મારી પાંસળીઓની આરપાર ઠંડો પવન ફૂંકાય છે. ફૂંકો જોરથી. હજુ વધુ સુસવાટા લગાવો. જુઓ પેલા કાળમુખા કેદીઓની કતાર ચાલી જાય છે જેલની બહારની મજૂરી ખેંચવા. જુઓ, એની છાતી ઉપર તો ચામડી છે. ચામડી ઉપર પાછાં કૂડતાં છે, તોયે જાણે પવન એનાં ખોળિયાંની આરપાર શારડી-શો છેદ પાડતો પરોવાઈ જાય છે. જુઓ જુઓ, કાળી ટોપી, લાલ ટોપી, લાલ-કાળી ટોપી, ધોળી ટોપી, પીળી ટોપીઃ ટોપી! ટોપી! ટોપી! તેની પાછળ ડંડા મારતી પીળી પગડીઃ તેની પાછળ ખાખી વેશવાળો ચાબુકદાર ચોકીદારઃ ચોકીદારનાં ચકચકતાં ચગદાં ઉપર પણ તાળું અને ચાવી કોતરેલાં! જુઓ, માનવ-પશુઓનાં ટોળાં ચાલ્યાં જાય. બેડીઓનાં ઝંકાર બોલે છે. ચાવીઓ અને તાળા ચીં ચીં કરે છે, જૂની વાર્તાઓ માંહેલી કોઈ નજીવા નગરીમાં ઢૂંઢા રાક્ષસને રાજદરબારે જાણે નાટારંભ થાય છે.
જાવા દો બેટાઓને. બપોરે તો હું આંહીં મારા ખોળામાં એમાંના કંઈકને પોસ પોસ આંસુડે રોવરાવીશ. ભલે જાય, ભલે છૂપી બીડીઓ પીએ; પગે બાધીને છૂપી બીડીઓ છોને જેલની અંદર લઈ આવે! હું ડાકિની છતાં સ્ત્રીજાત હોવાથી ન બોલી શકું તેવી ગલીચ ચાલાકી કરીને ભલે તમાકુ, ગાંજો ને અફીણ એની બુરાકોમાં ચોરી લાવે; મારો વારો તો બપોરે છે ને!
બપોર તપતા આવે છે. મારી ભૂખતરસની જ્વાલા વધતી જાય છે, મારું જઠર ‘આંસુ! આંસુ!’ અને ‘નઃશ્વાસ! નઃશ્વાસ!’ એમ ભોજન માટે પોકાર કરી રહ્યું છે. ઓ ડંડાખાન! ઓ પીળી પગડીવાલા દીનમહમદ! હવે તો મુલાકાતવાળાઓને તેડી લાવ. જો, એનાં ત્રણ ત્રણ મહિને આવેલાં સગાંઓ બહાર તાપમાં ટળવળે છે. તું તો ખૂની છે, બુઢ્ઢો છે. તોયે રહમદિલ છે. તારે તો ત્રણ વર્ષ પછી છૂટીને શાદી કરવી છે ને!
‘હાં સા’બ શાદી ક્યોં ન કરે! જરૂર કરેંગે!’
વાહ ડંડાખાન, તો બોલાવી લે મુલાકાતવાળાઓને અને એની દુવાઓ ભેગી કર, ભાઈ! હું કંઈ તારા ભલા સારું કહું છું કે દયા ખાતર કહું છું એમ ન માનતો. હું તો ચીસો પાડું છું, કે મારે તો મારું જઠર ભરવું છે; મારે આ ચોરડાકુઓનાં નઃશ્વાસ, હાહાકાર અને હૈયાફાટ વિલાપની ઉજાણી માણવી છે.
ડાંગોવાળા બારૈયાઓ, ધીંગા ધીંગા ધારાળાઓ, લૂંગી પહેરેલા મુસલમાનો, સુરમેભરી કાળી આંખો અને વાંકડિયાં ઓડિયાંવાળા પઠાણોઃ આ કોઈ નવાં ઓઢણાં પહેરીને આવેલી નવયૌવનાઓ, અને લીરા લીરા થઈ ગયેલા સાડલામાં અંગની એબ ઢાંકીને ઊભેલી બચરવાળ ઓરતોઃ આ મેલાંઘેલાં છોકરાં અને નવી આંગડી પહેરીને બાપને મળવા આવેલી કોઈક છોકરીઓઃ હા-હા-હા-હા! કેવાં એ બધાં મારી સામે મેંઢાં બનીને ઊભાં છે! આ શેરબહાદુરી ટીકીટીકીને મને જોઈ રહેલ છે. દિલમાં થાય છે કે એ તમામને ટગવવા હું થોડી વાર મારાં બારણાં બંધ કરી દઉં, અને પછી એ સહુની આજીજીઓ ને ચીસોમાંથી મીઠું સંગીત સાંભળું. પણ ત્યાં તો –
આવો કસળાજી બારૈયા! આવો રૂપસંગ ભીલ! આવો આવો મિયાં જમાલુદ્દીન! આવો ઠાકરડા ગેમાજી!
– ચાર પાંચ કેદીઓને લઈને ડંડાખાન આવી પહોંચ્યા.
તમે પાંચેય જણા અહીં મારી પાસે જ ઊભા રહો. નહિ, નહિ, મારી બાજુમાં બીજી બારી છે ત્યાં નહિ જવાય. ત્યાં કેમ દોડયા જાઓ છો, ગમારો? આ મુકાદમ! મારો, મારો એને બે-ચાર તમાચા, અને પાછા મારી પાસે ધકેલો. સાન નથી એ જંગલીઓને કે એ બારીના સળિયા આડી મારા જેવી તારની જાળી ક્યાં ગૂંથેલી છે! પણ હું તમારી લુચ્ચાઈ સમજું છું. તમારે તો એ બારીના નર્યા સળિયામાંથી સગાંવહાલાનાં મોં ચોખ્ખેચોખ્ખાં જોવાં છે, ખરું કે? મારી જાળીમાંથી તમને એકબીજાંના શરીરો ટુકડા-ટુકડા દેખાય છે તે નહિ ગમતું હોય! તો ગુનો શીદ કર્યો? ગુનો નથી કર્યો, તો પૂરા સાક્ષીપુરાવાથી બચાવ કાં ન કર્યો? બિચારા મેજિસ્ટ્રેટની તથા પોલીસની બચરવાળ સ્થિતિનો વિચાર પણ ન કર્યો? શા સારું તમે સીધેસીધી જુબાની આપી દીધી વારુ?
માટે ચૂપ બનીને અહીં ઊભા રહો. ઓ મુકાદમ! પેલો પાંચમો ગેલિયો આવ્યો, તેને પણ આ ચારની વચ્ચે ઠાંસી દે. સમાતા નથી? તો પછી શા સારુ એનાં શરીરો એટલાં બધાં જાડાં રાખેલાં છે? રસોડામાંથી તેલ હમણાં કેમ ઓછું ચોરાય છે? સાંજની ભાજીમાં શકરિયાનાં કોઈ કોઈ બટકાં પણ શા સારું રહેવા દો છો?
હાં, કરો હવે વાર્તાલાપ. તમારી મુલાકાતો શરૂ થઈ ગઈ. તમારી પાંચની સામે પચીસ જણાં મુલાકાતિયાં ઊભાં છે. તમારી અને એની મળી ત્રીસ જીભો બની. વાહ વાહ! ચીડિયાખાનામાં જાણે ચીંકાર ચાલુ થયા. બોલો બોલો, જે પૂછવું હોય તે પાંચ મિનિટમાં પૂછી લો. જવાબ પકડવાની પરવા ન કરો. સામાં પચીસ જણાં જવાબ આપે તેમાં મારો શો ગુનો?
ક્ષુધાતુર જીભો જાણે ખાઉં ખાઉં કરતી હોય તે રીતે ચિત્કાર કરે છે. મજા આવે છે. કોઈ કોઈનું કાન પડયું સંભળાય જ નહિ. એ તમામ ચીંકારોમાંથી એક નવી ભાષા સરજાય છે. ફૂલઝરમાંથી ઝરતા રંગો સમાન એ શબ્દો –
‘મારા બરધિયા શું કરે છે? એ કાકા, મારા બરધિયાને બરાબર ચારજો હો કે! હું છ મૈને બા’ર આવીને ખેતરડાં ખેડી નાખીશ. હું તૂટી મરીને પણ તમારાં નાણાં ભરી દઈશ, પણ મારા બરધિયાને ચાર નીરજો હો! એને ભૂખ્યા રે’વા દેશો મા!’
આહાહા! એટલું કહેતાં તો ગેમો બારૈયો રડી પડે છે.
ઓ મુકાદમ! નજર રાખ. આ કેદી મુલાકાત કરવા આવ્યો છે કે રડવા? માર ડંડો ને કાઢ પાછો.
પગે લાગે છે? આજીજી કરે છે? ‘ભાઈસાબ, હવે નહિ રડું’ એમ કહે છે? તો ઠીક, છો ઊભો.
સામેથી સગાંવહાલાં જવાબ વાળે છે કે, ‘તું હેમત રાખ્ય! હેમત રાખ્ય! મરદ છો કે બૈરું! હું બા’ર જીવતો બેઠો છું તાં લગી તારા બરધિયાને શો વાંધો છે? હેમત રાખ્ય ન સજા ભોગવી કાઢય, ભૂંડા!’
ઘૂમટો કાઢીને પેલી રૂપસંગ ભીલની બૈરી ઊભી છે. એકબીજાને નીરખે છે. અરે, ડાઘો રૂપસંગ ભીલ પણ રડી પડે છે! શાબાશ, મારા પથ્થરો રૂપસંગ ભીલને આંસુડે ભીના થયાં, એ મારો વિજય કંઈ જેવો તેવો છે? સાવજ સરખો રૂપસંગ ચોધાર આંસુડે પેલી ઘૂમટાવાળીને કરગરે છે કે ‘અરે ભૂંડી, ત્રણ મૈનાની મુલાકાતમાં પણ તું ના આવે! મોઢુંય ન બતાવે! મારાં છોકરાંની ખબરેય ના આલે?’
‘શું કરું?’ ઘૂમટાવાળી રડતી રડતી કહે છેઃ ‘રેલભાડાનાં નાણાં નૂતાં, તે મેં મારાં કડલાં મેલીને ભાડું જોગવ્યું. અને દીચરી તો પંદર દી પેલાં માતામાં ગુજરી જઈ –’
– અને રૂપસંગની આંખોએ ઝરા વહેતા મૂક્યા.
મુકાદમ! ઓ મુકાદમ! આ રડે છે, મુલાકાતમાં રડે છે! લગાવ એને ધોકલા. એની બૈરી દેખે તેમ લગાવ. જોજો મોટો મુછાળો થયો છે અને રડે છે! મારો એને, પાછો કાઢી મૂકો.
બારણાં સુધી જઈને વળી એ કેમ ઊભો રહે છે? ત્યાં દૂરથી બીજી બારી સોંસરવી નજર માંડીને કેમ એ એની બૈરીને જોઈ લે છે? એની મુલાકાત પૂરી થયા પછી એનાથી આવું તારામૈત્રક થઈ શકે કે? કાયદો શા માટે શિથિલ કરી મૂકો છો, મુકાદમ? આ તે જેલ છે કે બૈરી સાથે પ્રેમની નજર ખેલવાનું ભીલડાંનું ખેતર છે? દીચરી મરી ગઈ તેમાં આંહીં શાનો રડવા બેઠો? બહાર નીકળે તે દા’ડે પોક મૂકી મૂકીને દીચરીને સંભારજે ને!
શા સારું આવી મુલાકાતો જ થવા દેવી? હવે ચાર દિવસ સુધી રૂપસંગ ભીલડો સરખું કામ નહિ કરી શકે. તમે મારી મારીને તે એને કેટલો મારશો?
સાંજના ઓળા ઊતરે છે. પચીસ જણાની આવી મુલાકાતો પતી જાય છે. કેદીઓની ચોપડીઓમાં ‘ત્રૈમાસિક મુલાકાત આપી’ તેવી છાપ છપાઈને જેલરની સહી થઈ જાય છે. રાત્રિના અંધારામાં હું એકલી પડીને એ ચોપડીઓ સામે તાકું છું. પવનને બોલાવીને એ ચોપડીઓનાં પાનાં ઉરાડાવી મશ્કરી કરાવું છું. એટલાં બધાં એ ચોપડીનાં ખાનાંની અંદર ખરાં ખાનાં તો આંકેલાં જ નથી ના! આંસુનાં ટીપાંની સંખ્યા મૂકવાનું ખાનું ક્યાં? રૂપસંગની દીચરી મરી ગઈ એનું ખાનું ક્યાં? મુલાકાત કરતાં કરતાં રખે રડી પડશું તો પાછળથી ધોકા લાગશે, એવી બીકે ગેમાએ કેટલી વાર પછવાડે જોયા કર્યું તેની નોંધ ક્યાં? જમાલુદ્દીન મિયાંના દિલના ધબકારા કેટલા ગણા વધી ગયા હતા તેની તો નોંધ જ નહિ ને?
અંધારે બેઠી બેઠી હું એ આંસુઓને મારા ખોળામાંથી વીણી વીણીને ગણું છું. અંધારે એ ટીપાં સરોવરની માછલીઓ જેવાં ચોખ્ખાં ચળકે છે. એ એક્કેક ટીપામાં જુદા જુદા આકારો દેખાય છેઃ કોઈમાં બરધિયાઃ કોઈમાં ખેતરઃ કોઈમાં પાંચીકે રમતી નાની દીચરીઃ કોઈમાં વળી મૂએલી પુત્રીનું મડદ: કોઈમાં કબાલો લેવા ઘેરે આવી ઊભેલો વિકરાળ સંધીઃ તો કોઈમાં વળી ઘરમાં બે ઠામડાંની જપ્તી કરતા સિપાહીદાદાઃ નદી કાંઠે નાનાં ગામડાં, ગારાનાં ભૂખરાં ખોરડાં, ખોરડામાં પડેલી સુવાવડી બાયડીઃ એવા તો અપરંપાર આકારો.
આંસુના પ્રત્યેક બિંદુને હું નિહાળીને જોઉં છું. એ તો મારી રોજની કમાણીનાં રત્નો છે. દિવસવેળા એ ધગધગતા છાંટા પડતા મારા ખોળાનો ચૂનો પણ ખદખદી જાય છે. છતાં હું ધીરજ ધરીને સહી સહી સંઘરું છું. પછી એ થીજેલાં ટીપાંની અંદર આખી રાત આવી રીતના આકારો પ્રકટતા જોવાની લહેર આવે છે. મારી એ કમાણી જોઈ જોઈ હું છાનીમાની ફુલાઉં છું. ચાલતું હોત તો એ ટીપાંનો હાર પરોવીને મારે સળિયે તોરણ બાંધત. પણ પચાસ વર્ષોથી એકઠાં થતાં એ આભરણોને હું ક્યાં સમાવત! જોઈને કેટલાય લોકો ઈર્ષ્યાથી ફાટી પડત. પેલો ફાંસી દેનારો કસાઈ કેદી જો જોઈ જાત તો ચોરી કરીને ઉઠાવી જાત. રાતભર મારો ખજાનો નીરખી નીરખીને પ્રભાતે પાછું જાણે કશું જ બન્યું નથી. મારી કને ગુપ્ત કશી સંપત્તિ નથી – એવી ચાલાકી કરીને હું કેવી ડાહીડમરી થઈ ઊભી રહું છું.
ફરી પાછી ફિક્કી આંખોવાળા કારકુનોના મોંમાંથી પાનની પિચકારીઓ મારી જાળી પર છંટાવી શરૂ થાય છે, ને હું થરથરી ઊઠી પુકારું છું કે શા સારું મને અબળાને સંતાપો છો? હું જેલની બારી એટલે શું મને હીન, અકુલીન માની લીધી? નીચા કુળની બધીને જ શું તમે ભ્રષ્ટ સમજો છો? તમારી જુવાનીમાં તે હવે એવું શું બળ્યું છે કે તમે પાનબીડી ચાવો છો ને પિચકારીઓ છાંટો છો?