ઋણાનુબંધ/૯. સુખી થજે

Revision as of 11:35, 20 April 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૯. સુખી થજે


“અંધેરીના આપણા ‘મોદી નિવાસ’ની ગૅલેરીમાં ઊભી છું ને અમેરિકા આવતા વિમાનને જોઉં છું. એ વિમાનને કહું છું કે પાછું આવે ત્યારે મારી દીકરીને લઈને આવે. એ ન આવે ત્યાં સુધી મારો આટલો જ સંદેશો; આવજે. સંભાળજે. સુખી થજે.”

બા વિશે લખવા માંડું છું ત્યારે એમના કાગળના આ શબ્દો મારી ભીની આંખને સંભળાય છે. “આવજે-આવજે-આવજે” અને “સુખી થજે-સુખી થજે-સુખી થજે”નાં પરિવર્તનો મારા કાનમાં આંદોલાય છે.

બા આજે હયાત નથી પણ હયાત છે. બરકત વીરાણીનું એક બહુ જ સુંદર કાવ્ય છે જેમાં એ કહે છે કે મરે છે ત્યારે સ્ત્રી મરે છે, માતા કદાપિ મરતી નથી.

હૃદયમાં પડેલી બાની છબી આવી છે: બા નીચાં. માંડ ૪’ ૧૧” હશે. ખૂબ જ ગૌરવર્ણાં અને લાવણ્યસભર. જીવનમાં ક્યારેય મેક-અપ શું છે એનો અનુભવ કર્યા વિનાય સ્નિગ્ધ અને તેજીલી ત્વચા. ખૂબ જ વ્યવસ્થિત સાલ્લો પહેરે. માથે ઓઢે. લાલચટ્ટક ચાંલ્લો કરે. સાદાઈમાં પણ અતિ કમનીય, શોભામય અને ગૌરવશીલ વ્યક્તિત્વ.

સૂરતના કાપડના સંપન્ન વેપારી ગોરધનદાસ વાવવાળાની એકની એક દીકરી. બાને એક વર્ષના મૂકી નાની અવસાન પામ્યા. મોસાળમાં અપરિણિત મામા શંકરલાલ બૅંકર (જે પછીથી ગાંધીજીના સહકર્તા અને અમદાવાદની મજૂર મહાજન પ્રવૃત્તિના પ્રણેતા). નાના ફરી પરણ્યાં. સાવકી માનું બાને સુખ નહોતું. ફોઇને ત્યાં બાની ઉંમરનો દીકરો હતો. ફોઇએ બાને પણ ઉછેર્યા. થોડું ભણાવ્યા. અને ચૌદ વર્ષની ઉંમરે પરણાવ્યા.

પરણ્યા પછી બા એટલે રતનબહેન ધીરજલાલ મોદી. બા એટલે સૂરતની એમ.ટી.બી. કૉલેજના સંસ્થાપક ભાઈઓ છગનલાલ અને મગનલાલ ઠાકોરદાસ બાલમુકુંદદાસના પુત્રવધૂ, બા એટલે મુંબઈની જૂની (ઈ.સ. ૧૯૦૦માં સંસ્થાપિત) અને જાણીતી ગુજરાતી ટાઇપ ફાઉન્ડ્રીના સંસ્થાપક છગનલાલ ઠા. મોદીનાં પુત્રવધૂ, એ જ છ. ઠા. મોદી ગાયકવાડ સરકારના રાજ્યમાં શિક્ષણપ્રધાન પણ હતા.

બા ચૌદ વર્ષની ઉંમરે પરણીને મોદીકુટુંબમાં આવ્યાં ત્યારે મોદીકુટુંબના શિક્ષિત અને સમાજના આગેવાન પુરુષોના વિચાર ભલે avant garde હતા પણ સ્ત્રીવર્ગનું માનસ હજી રૂઢિપ્રચુર હતું.

સંપન્ન કુટુંબ. ખાસ્સું મોટું ઘર. પણ ઘરમાં સાસુ અને વિધવા નણંદની સત્તા. બાને પાણી ભરવું પડતું, દળણાં દળવાં પડતાં ને રસોઈ કરવી પડતી. એ તો ઠીક પણ એમના સાસુજી નક્કી કરે ને હુકમ કરે ત્યારે બાપાજી સાથે બેડરૂમ વાપરવાનો. બાને સોપારી બહુ ભાવે પણ એ તાળાકૂંચીમાં રહે. (બા કહેતા કે પાછલી જિંદગીમાં જોઈએ એટલી સોપારી ખાઈ શકે એવી સ્થિતિ હતી ત્યારે દાંત નહોતા). ઘરમાં મરજાદી સેવા એટલે દિવસમાં દસ વાર નહાવાધોવાનું અને એઠુંજૂઠું સાચવવાનું. પણ બાના પ્રેમાળ અને સેવાભાવી સ્વભાવે સૌને જીતી લીધાં.

અમે પાંચ ભાઈ અને ચાર બહેનો જીવિત રહ્યાં પહેલાં એક ભાઈ ગુજરી ગયેલો. હું સમજણી થઈ પછી બે બહેનો — એક સોળ વર્ષે ટાઇફૉઇડમાં અને બીજી એકવીસ વર્ષે શીતળામાં — ગુજરી ગયાં. એનો કારમો ઘા જીવ્યાં ત્યાં સુધી બા-બાપાજીએ સહન કરેલો. હું સૌથી નાની.

મને એવું કશું યાદ નથી કે બાએ મને ખોળે બેસાડી લાડ કર્યાં હોય, મારી પ્રવૃત્તિઓમાં રસ લીધો હોય, કે મારી મુશ્કેલીઓ વિશે ચર્ચા કરી એનું નિવારણ કર્યું હોય. ત્યારે કદાચ સભાન બાળઉછેર થતો’તો જ ક્યાં? બાળકો એમની મેળે ઉછરી જતાં. કદાચ આટલા મોટા કુટુંબની જવાબદારીમાંથી સમય મળવો પણ મુશ્કેલ. હું મોટી થઈ ત્યારે હંમેશ કહેતાં: “મને આવડે એવું ઉછેરી છે. સુખી થજે.”

બા સવારે વહેલાં ઊઠે. એમની અને બાપાજીની ચા કરે. બન્ને ચા પીતાં પીતાં અલકમલકની વાતો કરે. એ પ્રસન્ન દામ્પત્યનું ચિત્ર હજી મારી આંખ આગળ એવું ને એવું છે. ઘરમાં રસોઇયો, ચાકર, અને બાઈ હતાં તોય રસોઈની થોડી તૈયારી કરે. પછી સ્નાન કરી ‘લાલિયા’ની — શ્રીનાથજીનું લાડીલું નામ — સેવા કરે. પુષ્ટિમાર્ગી વૈષ્ણવ ખરાં પણ મરજાદ નહીં. ઠાકોરજીમાં અડગ શ્રદ્ધા. પુષ્ટિમાર્ગનાં બધાં પદો મોઢે. ચોર્યાશી વૈષ્ણવની વાર્તા વાંચે. ભાગવત વાંચે. રામાયણ વાંચે. મહાભારત નહીં. કહે કે ઘરમાં રાખવાનું નહીં ને વાંચવાનુંય નહીં. કુટુંબીજનો વચ્ચે અણબનાવ થાય, યુદ્ધ થાય. સવારનું ‘મુંબઈ સમાચાર’ અને સાંજનું ‘જન્મભૂમિ’ નિયમિત વાંચે. નરસિંહ, મીરાં, ને દયારામને વારંવાર વાંચે. કલાપી અને મેઘાણીને વાંચેલા. એમનાં કાવ્યો કડકડાટ બોલે. મેઘાણીને તો સાંભળવાય જતાં. મેં કાવ્યો લખવાનું શરૂ કર્યું ત્યારથી મારાં કાવ્યો વાંચે. અમુક કાવ્યોની ટીકા કરે ને કહે, “આવું ન લખાય. આનંદી સૂરમાં જ લખવાનું, ઈશ્વરમાં શ્રદ્ધા રાખવાની” મોટે મંદિરે (વૈષ્ણવોની હવેલી) દર્શન માટે નિયમિત જાય. મોટા મંદિરના અધિપતિઓ મુકુંદરાય અને માધવરાય સાથે ઘર જેવું. મુકુંદરાય અચ્છા સંગીતકાર અને સાહિત્યના પણ રસિયા. એમની સાથે મારાં કાવ્યોની ચર્ચા કરે. મારા પ્રથમ કાવ્યસંગ્રહ “પ્રવેશ”ના ઉદ્ઘાટન પ્રસંગે એમણે મુકુંદરાયને આશીર્વચન માટે સવિશેષ નિમંત્રેલાં.

બા માણસભૂખ્યાં. સૌને વહાલ કરે. અમારી બાજુના મકાનમાં નીચે પારસી ને ઉપર મુસ્લિમ કુટુંબ રહે. અવરજવર થાય. એમને ત્રાહિત જેવું ન લાગે. અમારાં ભાઈબહેનના બિનહિંદુ મિત્રો છૂટથી આવે ને જમ્યા વિના ન જાય. વાતાવરણ સંપૂર્ણ કોસ્મોપોલિટન. બા એમનો ધર્મ પાળે.

બાએ જાહોજલાલી જોયેલી તોય કોઈ અગવડમાં હોય તો આગળથી પામી જાય અને સહાય માંગવા કોઈનો હાથ લાંબો થાય એ પહેલાં જ બા હાથ લાંબો કરતાં. સ્ત્રીશિક્ષણના આગ્રહી એટલે મદદ માંગવા આવેલી બહેનો પૂર્ણ સંતોષ સાથે પાછી જાય.

૧૯૩૦માં બાપાજી સત્યાગ્રહની લડતમાં જોડાયા. જેલમાં ગયા. છૂટ્યા પછી આજન્મ ખાદી પહેરી. બાએ પણ સાથ આપ્યો.

સુરત, વડોદરા, મુંબઈમાં ગિરગામ અને જુહુ વગેરે ઠેકાણે સંયુક્ત કુટુંબમાં રહ્યા પછી અંધેરી રહેવા આવ્યા. ૧૯૪૦માં બાને જ પૈસે ‘મોદીનિવાસ’ ખરીદાયું. અમારી જ્ઞાતિમાં અમારો પરિવાર સુખી અને સંસ્કારી ગણાતો. અંધેરીમાં એ દિવસોમાં મોટર અને ટેલિફોન જેવા સાધનો હતાં. પણ બા તો બસ અને ટ્રેન લઈ અંધેરીથી મુંબઈ જતાં.

બા અંધેરીમાં મોભાદાર વ્યક્તિ. ખૂબ લોકો મળવા આવે. સલાહ પૂછે. બહેનોમાં અતિ લોકપ્રિય. સ્થાનિક મહિલામંડળના થોડો સમય પ્રમુખ નિમાયેલાં. રાસગરબાની હરીફાઈમાં જજ તરીકે જતાં.

બા અને બાપુજી બન્ને શિક્ષણની બાબતમાં ખૂબ જ આગ્રહી. પણ એ છોકરાઓ પૂરતું જ મર્યાદિત નહીં. ઉછેરમાં છોકરા-છોકરીનો ભેદ નહીં. બા હંમેશાં કહેતાં કે પન્ના ખૂબ ભણશે અને હંસાબહેન (જીવરાજ મહેતાનાં પત્ની, બાપાજી એમને બહેન ગણતાં)ની જેમ આગળ આવશે. હું સેંટ ઝેવિયર્સમાંથી એમ.એ. થઈ ત્યારે મને કહે કે હવે પીએચ.ડી. બાકી રહ્યું. મને નાટકોમાં રસ. આઈ.એન.ટી. જેવી સંસ્થામાં કે કૉલેજ તરફથી થતાં નાટકોમાં ભાગ લેવાની છૂટ. રેડિયો પર કામ કરવાની છૂટ. રેડિયોના મહિલામંડળના કાર્યક્રમમાં અને નાટકોમાં મારો અવાજ સાંભળી એમની છાતી ગજ ગજ ફૂલતી. આ બધું આજે સહજ લાગે. પણ એ જમાના માટે આટલું ખુલ્લું અને મોટું મન હોવું એ અસાધારણ ગણાતું હતું.

અમે સુરતના દશા દિશાવળ વાણિયા. મારા પાંચે ભાભી પરજ્ઞાતિના. ભાઈઓનાં લગ્ન સમયે બાએ નક્કી કરેલું કે કન્યા માત્ર સવા રૂપિયો લાવે. વિશેષ કશું જ નહીં. દહેજનો તો સવાલ જ નહોતો. મારાં ભાભીઓ વહુવારુની જેમ ક્યારેય નહીં પણ મોદી કુટુંબની દીકરીઓની જેમ જ સચવાયા છે.

અમારા સુધરેલા કુટુંબમાં લાજનો રિવાજ તો નહોતો જ પણ માથે ઓઢવાનું પણ વૈયક્તિક ઇચ્છા પ્રમાણે. બા કહેતાં કે માથે ઓઢવાથી જ આમન્યા સચવાય એવું થોડું છે! એક ભાભી કાયમ બંગાળી ઢબે સાડી પહેરતાં તો એનોય વિરોધ નહીં. આ બધું ઉદાર મન દાખવે છે.

હું ફિલાડેલ્ફિયા આવી ત્યારે અમારું કુટુંબ પચ્ચીસ જણનું હતું. બા-બાપાજી, પાંચ ભાઈ-ભાભીઓ, બે બહેનો અને અગિયાર ભત્રીજા-ભત્રીજીઓ. આવું બહોળું સંયુક્ત કુટુંબ નભાવવું એ એક સંસ્થા ચલાવવા જેવું અઘરું કામ છે. એમાં સતત પ્રેમ હતો અને કડવાશ નહોતી એવું નહોતું, પણ વ્યાવહારિક, સેવારત અને ત્યાગશીલ બાના સ્વભાવે ઘરસંસાર નભ્યો. બાની વાત કરવાની રીત અનોખી હતી. વાત શરૂ કરે તો એમાં વિનોદ અને ટીખળ જરૂર હોય. સાંભળનારને ઊભા થવાનું મન ન થાય. જૂની રંગભૂમિના નાટકો જોતાં એટલે ‘વડીલોનાં વાંકે’, ‘સંતાનોના વાંકે’, ‘કોના વાંકે’ વગેરે નાટકોમાંથી સંવાદો ટાંકતાં. બા અંગ્રેજી ભાંગ્યુંતૂટ્યું બોલે પણ સમજે બધું. બાપાજી પૂછે, “કેમ મધર?”નો જવાબ આપે, “બોલો અધર.” અને પછી બાપાજી પૂછે, “શું ખાશો?” તો જવાબ આપે, “ટોસ્ટ ઍન્ડ બટર.” બાની ભાષા વેધક અને ભાષાની સમૃદ્ધિ અસાધારણ. એમના અનુભવોનો નિચોડ એમની વારંવાર (કેટલીક વાર તો વાક્યે વાક્યે) વપરાતી કહેવતો અને રૂઢિપ્રયોગોમાં જોવા મળતો. એમાંની કેટલીક તો સર્વસામાન્ય છે. મારી પાસે એની નાની યાદી છે. પણ એ અંગે ભવિષ્યમાં કોઈક વાર.

બાનું એક પાસું એવું હતું કે સૌને રીઝવતાં રહે અને સૌથી દબાતાં રહે. નાનપણમાં એમને પ્રેમ ન મળ્યો હોય એ પણ એક કારણ હોઈ શકે. ઘરમાં એ દીકરાઓ અને વહુઓથી દબાઈ ગયેલાં. દીકરાઓ એમને વઢતાં ત્યારે ખૂબ રડતાં ને મન હળવું કરતાં. જીવનમાં હસવું ને ગમ ખાતાં શીખવું જોઈએ એ એમનો ધ્રુવમંત્ર હતો.

હું જ્યારે જ્યારે મુંબઈ જતી ત્યારે એમના અતિવ્યવસ્થિત કબાટમાંથી એક પોટલી કાઢતાં. એમાં સાડી, ચણિયો, કબજો, કંકુ, બંગડી વગેરે અંતિમ ક્રિયા વખતે પહેરવાની ચીજો હતી. બધું જાતે તૈયાર કરી રાખેલું. કહેતાં કે ઠાકોરજીએ કહ્યું છે કે બાપાજી પહેલાં એ જશે.

એમનું પ્રસન્ન દામ્પત્યજીવન બરાબર સડસઠ વર્ષ રહ્યું. સવારે ચા પીતાં અને સાંજે હીંચકે બેસીને એ લોકો અરસપરસની આંખોમાં આંખો મેળવી વાતો કરતાં. વાતોનો એ દોર એમની લગ્નતિથિને દિવસે જ તૂટ્યો. એમને દાહ દીધો એ સમય સાંજનો હતો. બાપાજીએ મને કહ્યું કે જે સમયે તારી બાને પરણ્યો’તો એ જ સમયે એને વિદાય કરી. “તારી બા જશે પછી હું થોડા જ મહિના જીવીશ.” બાપાજી દસ મહિના પછી અવસાન પામ્યાં.

૧૯૭૯માં બાને મળીને જાન્યુઆરીમાં હું ફિલાડેલ્ફિયા પાછી ફરી હતી. મે મહિનાની તેરમી તારીખે — એ દિવસે અમેરિકામાં મધર્સ ડે હતો — બા અવસાન પામ્યાં. એમના છેલ્લા દિવસનું એક કાવ્ય ‘બાનું અંતિમ દિન’ લખ્યું જેમાં મને થયેલી અનુભૂતિ છે.


બાનો અંતિમ દિન

‘એ’ હવે આવવા જ જોઈએ-ની
પ્રતીતિમાં
ઉઘાડબંધ થઈ કશુંક શોધતી
ઝાંખું ઝાંખું જોતી
પાંપણોઃ
બાપુના હાથમાં હાથ હોવા છતાંય
ઓઢેલા શામળા કામળામાં
ઠંડા થતા જતા હાથ;
મૂળમાંથી ઊખડવા આવેલા
પડું પડું થતા વૃક્ષની
ત્વચા જેવા
તૂટક તૂટક વિચારો;
વિસ્તરેલી ચાર પેઢીની
છેલ્લાં દર્શનાર્થેની
સતત અવરજવર વચ્ચેય
દસ હજાર માઈલ દૂર
સાસરે ગયેલી
દીકરીની આંખોમાં
છેલ્લી નજર મેળવવાની
રહીસહી ઝંખનાની તરસ;
ઘૂંટાતા શ્વાસમાં
દૂર થયેલી દીકરીના સુખ માટે
કશુંક પ્રાર્થતા
કશુંક ગણતણતા
સૂકા સૂકા હોઠ;
મનની શાંતિ અર્થે
થતા મંત્રોચ્ચાર વચ્ચે
કાન સુધી પહોંચવા મથતાં
નજીક આવતાં જતાં લાગતાં
દીકરીનાં પગલાં?
ના, ના, દીકરી તો સાસરે જ શોભે!
સાસરાને સાચવતી અને શોભાવતી દીકરી
હવે આવી નહીં શકે તેની
મનોમન ખાતરી થતાં
સાત સાગરને
ન ઓળંગી શકતી
એમની આંખોને
એમણે
બારી બહારના
ખુલ્લા ભૂરા
જમ્બો જેટ વિનાના
આકાશ તરફ મીટ માંડી
સ્થિર કરી દીધી—
સદાય માટે!