સોરઠી સંતો/સોરઠનો ભક્તિપ્રવાહ

Revision as of 07:33, 21 April 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
સોરઠનો ભક્તિપ્રવાહ

શૈવ, વૈષ્ણવ, જૈન અથવા સ્વામીપંથી એવા કોઈ એક સંપ્રદાયની અંદર મહિમા પામેલા ધર્મગુરુઓનાં આ વૃત્તાંતો નથી. અહીં સંઘરવામાં આવ્યાં છે તે, અને હવે પછી સંઘરાશે તે તમામ તો લગભગ બિનસંપ્રદાયી અને ગ્રામ્ય વસ્તીના નીચામાં નીચા પડ સુધી ઊતરેલા ઈશ્વરપ્રેમી સેવાભાવી સામાન્ય સંતોનાં બયાનો છે. એનું ‘લોક-સંતો’ એવું નામ બરાબર અર્થવાહી લાગે છે, કેમ કે તેઓ લોકોને રંગે રંગાયા હતા, અને લોકો તેઓને રંગે. લોક-સમાજના નજીકમાંના નજીક ચોકીદારો તેઓ જ હતા. સાંપ્રદાયિક સંતો પૈકી જેઓ આ કક્ષામાં આવી શકશે, તેઓને પણ બેશક અત્રે સંઘરવામાં આવશે.

ધાર્મિક વાતાવરણ

સૌરાષ્ટ્ર એટલે મિલન-ભોમ : શૂરાઓની તેમજ સંત જનોની. સૌરાષ્ટ્ર એટલે પ્રણય-ભોમ : સાંસારિક તેમજ પારમેશ્વરી પ્રેમિકોની. સૌરાષ્ટ્ર એટલે સમરાંગણ : ધરાકામી તેમજ મુક્તિકામી બન્ને જાતિના લડવૈયાઓનું. આ રસકસભરી ભોમ પર લોભાઈને જેમ ત્રણ દિશાએથી ક્ષત્રીકુલો ખડગ વીંઝતાં આવ્યાં, ડુંગરિયાળ ગૌચરો અને અખંડ વહેતી નદીઓથી નજરાઈને જેમ આહીર, ચારણ ને ભરવાડ રબારી માલધારીઓ ગૌધન ઘોળી ઊતર્યા, તેમ ગરવા ગિરનાર, સોમનાથ અને દ્વારામતીને ધર્મ-આકર્ષણે ભરતખંડના ખૂણેખૂણેથી સંતો પધાર્યા. ગિરનાર એટલે ગુરુ દત્તની નવ નાથ અને ચોરાસી સિદ્ધોવાળી તપસ્વી-સેનાનું બેસણું, અરધ-ગુપ્ત અને અરધ-પ્રકટ એવું એક તપોવન : પહાડનો પોતાનો જ દેખાવ કોઈ પલાંઠી વાળી યોગાસને બેઠેલા ત્રિકાલાતીત યોગી જેવો. પાષાણ, પાણી અને વનસ્પતિના ત્રિગુણ પ્રભાવ તે ગરવા ગિરનારના; જૈન તીર્થંકર નેમિનાથ, હિન્દુ દેવતા દત્ત ગુરુ, મુસ્લિમ ઓલિયા જમિયલશા અને શક્તિ જોગણી અંબાજી, એવાં સર્વેનું એ સહિયારું સંગમ-તીર્થ; એની સર્વદેશીય અસર સારાયે ભરતખંડ પર ગરવા ગિરનારે છાંટી. સૌરાષ્ટ્રના આથમણા મહાસાગરને કિનારે સોમૈયોજી સ્થપાયા. કૃષ્ણચંદ્રના ઉતારા પણ સાગરતીરે મંડાયા. એ બન્ને તીર્થોએ દીધું દરિયાઈ વાતાવરણ. અને આ ભરતખંડમાં વિરલ એવી સૂર્યદેવની સ્થાપના પણ સોરઠને પાંચાળ પ્રાંતે ‘સૂરજ દેવળ’ નામે પ્રખ્યાત થઈ. કોઈને ન નમનાર એવા કાઠી-કુલે ત્યાં જઈ એ આકાશી દેવની સન્મુખ શિર નમાવ્યાં. વરાહ તેમજ વામન અવતારની પ્રતિષ્ઠા પણ સમગ્ર હિંદ ખાતે સોરઠમાં જડે છે. લોભાઈ લોભાઈને દૂરદેશવાસી ભક્તજનો સોરઠમાં ઊતર્યા; ને એણે પર્યટનનો માર્ગ સમુદ્રને કિનારે કિનારે લીધો. આપણે ઉગમણે કિનારે જોતા જાઓ : યાત્રિકોની કેડી પડી છે : તળાજા, કોળિયાક, ખારી-મીઠી વીરડી, ગોપનાથ, પીપાવાવ, વરાહરૂપ, મૂળદ્વારકા, ઉપરગાળે આવેલાં ગુપ્તપ્રયાગ, તુલસીશ્યામ, પ્રભાસપાટણ, સુદામાપુરી અને ત્યાંથી દ્વારામતી : એ મહાયાન પર તીર્થગામીઓનો સંઘ કંઈ સૈકાથી ચાલ્યો જ આવે છે. ભક્ત પીપાજી, રહીદાસ, તુળસીશ્યામના દૂધાધારી સ્થાપક વગેરે ઘણા ઘણા ત્યાં થઈને આવ્યા ને માર્ગે જ્યાં જ્યાં મન ઠર્યાં ત્યાં ત્યાં ધર્મશાળા, સદાવ્રતો કે ગૌશાળાનાં તોરણ બાંધતા ગયા. અનેક ખાખી બાવાઓનાં બેસણાં પણ એ જ રીતે અહીં બંધાયાં. શ્રીમદ્ વલ્લભાચાર્યના દેશપર્યટન દરમ્યાન પાવન થયેલી ગણાતી ચોરાસીની મહાપ્રભુજીની ‘બેઠકો’ પૈકી એકસામટી આઠેક બેઠક તો અહીં સૌરાષ્ટ્રમાં જ ગણાવાય છે. પરંતુ આપણે તો તેથીયે જરા જૂની તવારીખમાં ડોકિયું કરીએ : સૌરાષ્ટ્ર પર મહાન અસર પાડીને અહિંસાને રંગે રંગનારો બોદ્ધ ધર્મ એક વાર અહીં કેવળ રેવતાચળની જ આસપાસ નહીં, પણ છેક પૂર્વ ખૂણામાં તળાજા સુધી પ્રવર્ત્યો હશે. એભલ-મંડપ અને સાણાનાં ખંડિયરો એની સાક્ષી પૂરે છે. આમ કેટલાં કેટલાં ધર્મતત્ત્વોનો પાસ સોરઠનાં લોકોના અંતઃકરણો પર બેઠો હશે એ સમજી શકાય છે : યોગીઓના યોગતત્ત્વનો, સોમનાથ-પ્રેમીઓનાં શૈવતત્ત્વનો, બોદ્ધમતના દયાતત્ત્વનો અને ઈસ્લામની એકોપાસનાનો. ને આ બધી ભાત ઊઠી તેનું કારણ સૌરાષ્ટ્રની જનપ્રકૃતિ. મુખ્યત્વે પશુધારીઓ : લક્ષ્મીનાં લાલચુ ઓછાં, કુદરતનાં સંગીઓ, સ્વપ્નાવસ્થ ઊર્મિભર્યાં, ભાવઘેલડાં, શ્રદ્ધાળુ, અંધશ્રદ્ધાળુ, અને વહેમી પણ સારી પેઠે! વળી દેહમનથી જેમ યુદ્ધ, વેર અને પ્રેમમાં જોરાવર તેમ, અથવા તેથી જ ત્યાગ, આસ્થા અને ભક્તિ પરત્વે પણ ઉગ્ર આવેશમય. એવી ભોં ઉપર ભક્તિનાં બીબાં ઘાટાં ઊઠ્યાં. જેમ લક્ષ્મીનાં ઢગલામાં લેટીલેટીને થાકેલા અમેરીકાવાસીઓ કોઈ ધર્મ, કલા કે સાહિત્યના વ્યાખ્યાન તરફ અથવા આધ્યાત્મિક વાતો તરફ તૃષાતુરોની ધખનાથી ઢળે, તેમ લડાઈઓ, ધાડાં, રક્તપાત વગેરે વિકટ જીવનક્રમમાં પીડાતાં સૌરાષ્ટ્રવાસીઓ ધર્મની શાંતિ તરફ સહેલાઈથી વળતાં હતાં.

કેટલીક જાતના સંતો

એ રંગોમાં રંગાઈને પ્રવર્તેલા સંતોની હવે આપણે વહેંચણ કરવી જોઈએ. હું એ સમુદાયના આટલા ભાગ પાડું છું : 1. લંગોટધારી, ભભૂતધારી ગિરનારીઓ : ખાખી બાવાઓ : જેના મુકામો મુખ્યત્વે કરીને ગિરનાર ફરતા મળે છે. ધૂંધળીનાથ, સિદ્ધનાથ, કરેણીનાથ વગેરેની ‘પટ્ટણ સો દટ્ટણ’ જેવી અલગારી કથાઓ અહીં પ્રચલિત છે. તેઓ સદંતર ત્યાગીઓ હતા. વસ્તીથી નિરાળા ગુફાવાસી કે તરુછાયાના નિવાસી હતા, તપસ્વી હતા. દુર્વાસાના વારસદાર ક્રોધી પણ હોવા જોઈએ. આજ એનો પંથ અતિ જાલિમ બન્યો છે. એ ગામડાંને શોષે છે. 2. બિનભજનિક, ધંધાર્થી, સંસારભોગી સત્પુરુષો : ભેખ પહેરીને એકાંત તપશ્ચર્યા માટે અરણ્યમાં કે પર્વતોમાં ચાલી નીકળેલા નહીં પણ ગૃહ-સંસાર ચલાવતાં અથવા તો ફક્કડ અવસ્થામાં રહ્યે રહ્યે સુકૃત્યો — લોકસેવાનાં કૃત્યો કરે, વિકારોને જીતવા મથે. 3. ત્રીજો સમુદાય તે ભજનિક સંતોનો. 4. ચોથો સમુદાય વાડીના સાધુઓનો : એટલે કે અંત્યજ ભક્તોનો; જેમાં રહીદાસ ચમાર, ત્રિકમ ને ભીમ મેઘવાળ, દાસી જીવણ વગેરે નામો ઝબૂકે છે. એ વેલ તો બહુ ફૂલીફાલી છે. એની ફોરમો સહુથી અનેરી છે. એની વાણીની તો જાણે ‘ગુપત ગંગા’ ફૂટી નીકળી છે. ‘દાસી જીવણ’નાં ભજનો મીરાંનાં પદોની યાદ આપે છે. એનો પણ અલાયદો જ વિભાગ કરશું.

બિનભજનિક સંતો

તેઓને ખાસ કોઈ પંથ-સંપ્રદાય નહોતો. ખાસ કોઈ પૂજા, ક્રિયાકાંડ, ધ્યાન કે સમાધિ નહોતાં. ભક્તિરસમાં તેઓ તન્મય બનેલા નહોતા. ભજન-સાહિત્યના પણ બહુ ભોગી નહોતા. તેથી જ મોટે ભાગે ભજનની વાણીનો અભાવ. અથવા દાના ભગત અને શાદૂળ ભગતની વચ્ચે ઘટના બની ગયેલી તે પ્રમાણે વાણીની બહુલતા પ્રતિ કટાક્ષ પણ ખરો, એટલી સંસ્કારિતા પણ ઓછી : મોટે ભાગે કર્મપ્રધાન હોવાથી વ્યવહારકુશળતા વાપરી જાણે. તદ્દન પ્રભુમય ન હોવાથી રાગદ્વેષને ક્વચિત્ અધીન બની દુભાય, અંતરમાં ઘવાય, છૂપો શાપ પણ આપી બેસે ખરા. એને ‘સંતો’ કરતાં ‘સમાજસેવકો’ કહીએ તો ચાલે. એમનાં સુકૃત્યો ખાસ કરીને કયાં કયાં? ગૌસેવા અને અન્નદાન.

ગૌસેવા

‘કામધેનુઓની ટેલ’ એ પ્રત્યેક સંતને દેવામાં આવતો ગુરુમંત્ર હતો. નાનપણથી જ ‘વાછરુ પારવું’ ને ઘોળી ચારવા લઈ જવા આપવામાં આવતી ‘લાકડી’ એ સંતના દીક્ષાદંડ સમી લેખાતી. ગાયોનાં છાણવાસીદાં ઉપાડવાનો સૂંડો એની દીક્ષાના પ્રથમ પ્રભાતથી જ એનો સંગાથી બનતો. જાદરા, દાના અને ગીગા કે વિસામણ જેવા દરેક સિદ્ધિવંત ગણાતા સ્થાપકનો જીવન-પ્રારંભ ગાયોની જ ચાકરીથી થયેલો. દિવસ અને રાત્રિ ગાયોનાં ચરણ, જળાશયો વગેરેની ચિંતા એ લોકોને બાલ્યાવસ્થાથી જ લગાડવામાં આવતી. એ ગૌસેવા જ તેઓના ત્યાગવૈરાગ્યની કસોટી ગણાતી. ગીગા જેવા ભક્તનું જીવન એ તામાં તવાઈને શુદ્ધ કુંદન બન્યું હતું. અને તેઓનો ગાયો પ્રત્યેનો પ્રેમ કેટલી કોટિએ પહોંચ્યો હશે તેના દૃષ્ટાંતરૂપે આપણે ગોરખા ભગતના જીવનમાં વાંચીએ છીએ કે જ્યારે મોરબીના દરબારી માણસો પાંચાળમાંથી એની જગ્યાની ગાયો લૂંટી ગયા ત્યારે ગોરખાએ કહ્યું : ‘ભાઈ, વાંસે વાછરુ સોત દઈ મેલો : નીકર બાપડી કામધેનુ દુવાશે!’

અન્નદાન

ગૌસેવા જેટલું જ તીવ્ર લાગણીભર્યું કર્તવ્ય તે સદાવ્રતો તેમજ રાંધ્યું ધાન આપવાનું હતું. પોતાને આંગણે આવેલા હરકોઈ ક્ષુધાતુરોને આહાર દેવો એ સર્વ ધર્મમાં પરમ ધર્મ ગણાતો. જગ્યાઓના આદ્ય સંસ્થાપકો પ્રથમ તો ઝોળી લઈને રોટલાના ટુકડા માગવા નીકળી પડતા. એમ કરતાં કરતાં તેઓને આંગણે અનાજનાં ગાડાંની ભેટો આવવા લાગતી. પછી વસતી પોતાના શિર પર લાગા નાખીને દાણા પૂરા પાડતી અને પછી ધીરે ધીરે જગ્યાઓને જમીનો પણ અર્પણ થતી ગઈ. આ બધી આવકને ભક્ત રાંધ્યા ધાનરૂપે ખેરાતમાં દઈ દેતો. પોતે ભૂખ્યાને રામરોટી આપે છે એ એનો મોટો આત્મસંતોષ હતો. એ આપવામાં લાયક-નાલાયક ન જોવાતાં. અન્નદાનમાં ભેદબુદ્ધિ નહોતી રખાતી. કતીકડા જેવા પ્રમાદી બાવાઓ, નિરાધાર ઘરડાં, લૂલાં, પાંગળાં કે ચેપીલાં કોઢિયાં, રક્તપીતિયાં સહુ સમાન ભાવે આ પોષણ પામતાં. પરનાતીલાંની કે રોગિયાંની સૂગ રાખવી એ આવી ધર્મજગ્યાઓમાં નામંજૂર હતું. કોઢિયાં પીતિયાં રસોઈમાં કામે લાગે અથવા પીરસવા ઊઠે તો કોઈથી મોં બગાડી શકાતું નહીં. પરબવાવડીની સંત દેવીદાસની જગ્યાનું એ બિરદ હતું.

ભજનિક સંતો

એમને આપણે કવિ ભક્તો કહેશું. ખાસ કરીને કબીરસાહેબની વાણીની અસર તળે આવેલાં એ મીરાં અને નરસિંહના અનુગામીઓ હતા. લોકસેવાને બદલે સાહિત્યસર્જન એમનો મનપસંદ વિષય હતો. ઊર્મિના આવેશ અનુભવી અપાર્થિવ મસ્તી (‘એક્સ્ટસિ’)માં ચડી જઈને એ ભજનિકો કવિતા જોડતા. અલખ, અગમ, ગગન-જ્યોત, બ્રહ્મઝાલરી વગેરે તત્ત્વનું ચિંતન કરનારા એ શોધકો (‘સીકર્સ’) હતા. અથવા બધા જ કાંઈ શોધકો નહોતા, શાબ્દિક અનુકરણ કરનારા પણ હતા. અગમનિગમની ન સમજાય તેવી ઘણી વાતો તેઓનાં કાવ્યોમાં ઊતરતી. એ પોતે પણ કદાચ સ્પષ્ટ ન સમજે તેવી શબ્દરચના તેઓ કાવ્યોમાં આણતા. એ કવિતા એકલા શુષ્ક વૈરાગ્યની નહોતી, જીવનની અસારતાનાં જ એકલાં કલ્પાંતો નહોતાં; પરંતુ એમાં તો આત્માની સમાધિના સૂર સુધ્ધાં હતા. બ્રહ્મના ભેદ પામવાની તાલાવેલીના, વિરહાકુલ ગોપીના, સૂફી ફિલસૂફના તેમજ વ્યવહારગામી સુજ્ઞના સૂરોનું એમાં એકીકરણ હતું. એ કાવ્યમાં કોઈ પંથનો આગ્રહ નથી, કોઈ દેવતાની સ્તુતિ નથી. પણ શરણાગતિ, મસ્તી, આનંદ-ઉદ્રેક ને પ્રભુવિરહના ભાવો ગવાયા છે; જીવનની લોલુપતા, સ્વાર્થાંધતા ને જડતા ઉપર મર્મપ્રહારો પણ છે. ગુરુભક્તિ પણ સવિશેષ છે. આ પ્રથમ ખંડમાં તો આપણે ફક્ત એ પ્રદેશની કોર જ ‘વેલા બાવા’ના વૃત્તાંતમાં દેખીએ છીએ. એમાં ખરેખરો વિહાર તો હવે પછીના ખંડોમાં કરશું. આ ભજનિક-સંતોના સંઘમાં કેટલાક તો ઉદ્યમવંત ઘરબારીઓ જ હતા : જેવા કે મીઠો ઢાઢી, ભોજો ભગત વગેરે. બાકી ઘણાખરા ઘરબારી છતાં પણ બિનરોજગારી, કેવળ વસ્તીની સહાય પર રહેનારા હતા; જેવા કે ભાણસાહેબ, ખીમસાહેબ, રવિસાહેબ વગેરે : કબીરજીની માફક સંસારવાસીઓ હતા, છતાં ભેખધારી કહેવાતા.

તેઓની ફિલસૂફી

આ સોરઠી સંતોની જીવન ફિલસૂફી શી હતી? તેઓના ચિંતનમાંથી કયો ધ્વનિ ઊઠતો? પ્રથમ તો તેઓની દૃષ્ટિમાં ન્યાતજાતોનું ઊંચનીચપણું નાશ પામ્યું હતું. સર્વે મનુષ્યો પ્રભુ અને પૃથ્વીમાતાનાં સંતાનો હતાં. સર્વને ધર્મ આચરવાનો, ઉપદેશ દેવાનો, મુક્તિ મેળવવાનો અધિકાર હતો. તેથી જ આપણે તેઓના સંઘમાં આહીર, ચારણ, ગધઈ, કુંભાર, ઢાઢી, કનિષ્ટ મનાતા કોળી, અંત્યજ વગેરે તમામ જાતના સંતોનો બેધડક સમાવેશ જોઈએ છીએ. મોટા–નાનાની મારામારી મચ્યાનો બહુ ઇતિહાસ આપણને મળતો નથી. એ જ ઉદાર વલણ પાપી અને પતિતો પ્રત્યે અંગીકાર થયેલું જોવાય છે. ઘોરમાં ઘોર પાપાત્માની સામે પણ પરિત્રાણનાં દ્વાર બંધ થઈ નથી જતાં એ આ સંતોનો સૂર છે. રામડો શિકારી, જાદરો ચોર, વિસામણ લૂંટારો, જારકર્મ કરી બેસનારી ગધઈ નારી લાખુ, અથવા ગરીબોનાં ગળાં કરનાર વ્યાજખાઉ વાણિયો રવિદાસ : એ તમામને ‘ચેતી જવા’નો હક્ક મળ્યો છે. તેઓને કોઈ સંતે શાપ આપી નરકની વાટ દેખાડી નથી, પણ પરિપક્વ થયેલા ફળની માફક, તેઓનાં પાપાચરણની મધોમધમાં પસ્તાવાની એક જ ઘડીમાં આવતાં તેઓને ચૂંટી લીધા છે. સમાજ પોતાની મરજાદી રૂઢિઓના મિથ્યાભિમાનમાં ચકચૂર થઈ જ્યારે ગધઈ યુવતી લાખુને એક જ ચારિત્ર્યદોષને કારણે તિરસ્કાર દઈ કૂવામાં ધકેલતો હતો ત્યારે એ જ વસ્તીમાં રહેનાર, વસ્તીની જ સખાવત પર નભનાર અને જૂના યુગના સંસ્કારો ધરાવનાર ભગત દાનાએ દુનિયાની તમા રાખ્યા વિના એ અબળાને ઉગારી, આશરો દીધો, ગર્ભપાલન કર્યું, સુવાવડ કરી, એના ગીગલા બેટાને રમાડ્યો અને છેવટે ગીગલાને સંતપદ દીધું. પોતે એ ગધઈ માતાની રાંધેલી રસોઈ એની સાથે એક જ થાળીમાં બેસીને જમ્યા. એવી જ રીતે આપા દાનાએ ન્યાતની નિર્દય રૂઢિચુસ્તતા સામે ઉગ્ર લડત કરી બે રાજગર બાળકોને ન્યાતમાં લેવરાવ્યા. વટાળના સાંકડા વિચારો એનાથી સહન ન થઈ શક્યા. આ રીતે તેઓ, દુનિયાની અંદર રહ્યા રહ્યા પણ, દુન્યવી સમાજના સાંકડાપણાની સામે ઊઠેલા હતા. ત્રીજું : સૌરાષ્ટ્રની ઊતરતી જાતિઓમાં દેવીપૂજાની ઓથે જીવહિંસા પ્રચલિત હતી. અને કાઠી રજપૂત જેવી જાતિઓમાં માંસાહાર, સુરાપાન વગેરેનું જોર હતું. આ મેલાં દેવદેવીની પૂજા તજાવી પ્રભુભક્તિ અને સદાચાર પર ઘણા મોટા સમૂહને લઈ જનાર પણ આ સંતવર્ગ જ હતો. જીવહિંસાનું જોર તેઓએ ઘણે મોટે અંશે તોડ્યું હતું. પશુઓનાં બલિદાન, ભૂવાનાં ધૂણવાં, દોરા ને ધાગા વગેરે વહેમો ટાળી ‘ઠાકર’ અને ‘દયાવાન’ પર પ્રીતિ નિપજાવવાનો તેઓનો પ્રયત્ન હતો. ચોથું : મોટાં મોટાં મંદિરો ચણાવી, દિવસ–રાત પથ્થરની પ્રતિમાઓના સાજશણગાર કરાવવા : દિનમાં આઠ વાર આરતી, શયન કે ઉત્થાનનાં દર્શન કરાવવાં : અન્નકૂટ પૂરવા : પ્રતિમાઓનાં વસ્ત્રાભૂષણ પર દ્રવ્યની છોળો ઉડાડવી — એ બધા બાહ્ય આચાર આ વર્ગમાં બહુ ભાગે નજીવા જ જોવામાં આવે છે. તેમ સામાન્ય રીતે પોતાની નિરક્ષરતાને કારણે, તેમજ કર્મમાર્ગી જીવનમાં રોકાણોને પરિણામે, શાસ્ત્રાભ્યાસ, પુરાણકથાનાં કથન વગેરે તો ભાગ્યે જ તેઓનાં વૃત્તાંતોમાંથી નીકળે છે. જે કાંઈ વાણી હતી તે અનુભવની, નિરીક્ષણની અને વહેવારની જ હતી, ધર્મના અવગાહનની નહોતી. ઊલટું વિદ્યાભ્યાસ તેમજ જટિલ ક્રિયાકાંડ સામે તો તેઓનાં ભજનસાહિત્યમાં ઘણા ઉગ્ર કટાક્ષો ઠેર ઠેર નજરે પડે છે : સ્થૂળ ધર્મવહેવારને તેઓ ઘણી વાર ભાવનારૂપે જીવી કાઢીને ક્રિયાકાંડ પ્રતિ બેપરવાઈ કેળવતા, જેમ કે — 

ઘટડામાં ચાંદો, ઘટડામાં સૂરજ
ઘટડામાં નવલખ તારા રે
કાચી કેણે ઘડેલી મોરી કાયા!
અથવા
ગરવાનાં ત્રોવર મારે રોમે રોમે રોપાણાં,
શિખરું રોપાવેલ મારે શીશ જી,
નવસો નવાણું નદીઉં અંગડે ઊલટિયું રે,
ગંગા જમના સરસતી જી.

ગંગાયમુના કે કાશી–કેદારની યાત્રાઓ ન થાય તો કશી ફિકર નહીં : સદાચરણ પાળનારને તો અંતઃકરણમાં જ ગંગા છે, અને ખુદ ગંગાને પણ પોતાના મળ ધોવા સંતોને ચરણે આવવું પડે છે, એવાં સાદાં જીવનસૂત્રો તેઓ લોકોને શીખવી ગયા છે.

મેળા

મેળાઓની પ્રથામાં સંતોએ ઘણું જીવન મેલી દીધું હતું. મેળાને તીર્થસ્થળો સાથે સંધાડી દઈ તીર્થસ્થાન, ભજનકીર્તન, અન્નદાન અને પોતાની હાજરી વડે ધાર્મિક વિશુદ્ધિનો પાસ આપવાનો એ પ્રયત્ન હતો. એવા નિર્ભય વાતાવરણને લીધે નર તેમજ નારી, બન્નેનાં વૃંદ ઊમટ્યાં. એ શુદ્ધ વાતાવરણની સાથે સાહિત્ય, કળા, રમતો, શરીરબળ, હટાણાં, પશુપાલન વગેરે પોષાતાં. મેળાઓની આજે જે ઝડપભેર અધોગતિ થતી જાય છે, તે પરથી ગમ પડે છે કે જો આ લોકસંતોની જીવનશુદ્ધિ મેળાઓમાં ન સિંચાઈ હોત તો તેમાં સારાં તત્ત્વો ખીલી શક્યાં જ ન હોત.

સંતોની જગ્યાઓ

પ્રથમ સાદી પર્ણકુટી કે માટીનું સાદું ભીંતડું : પંથીઓને અથવા પશુઓને માટે પાણી પીવાની કે નાહવાની નાની કૂઈ કે અવેડી : નિરાધાર ક્ષુધાતુરોને માટે રોટલા માગી લાવવાની એક ઝોળી : એકાદ દૂબળી ‘કામધેનુ’ : આ રીતે જગ્યાનો પાયો રોપાય. પાંચ-પાંચ સાત-સાત ગાઉ સુધી સંતો ઝોળી ફેરવે, ટુકડા ઉઘરાવે, સહુ સાથે બેસીને ખાય. પછી લોકો પોતાના ખેડ-વેપાર પર લાગા કરી આપે : સદાવ્રત ચાલુ થાય : પરગજુને ઉદ્યમી પ્રજા પોતાની કમાઈમાંથી ધર્માદાનો હિસ્સો કાઢી અનાજની ગૂણીઓ કે ગાડીઓ ઠાલવી જાય. રસોડાં વહેતાં થાય. ધેનુઓ વધે, કામ કરનારા વધે. તે પછી સંતપુરુષની સિદ્ધિનો મહિમા દાખવનારા બે-ત્રણ પરચા ચમત્કારો બહાર પડે : વસ્તીની આસ્થા વધે : ઈષ્ટ ફળની સિદ્ધિ માટે માનતા માની હોય તે પરિપૂર્ણ થતાં લોકો પોતાનાં ગાયો, ઘોડાં, નિર્વંશીઓની ઘરવખરી વગેરે જગ્યામાં અર્પણ કરી જાય. એટલે જગ્યાએ ધર્યાં રૂપ : એક અનાથ-આશ્રમનું અને બીજું ગૌશાળાનું. અપંગો, કોઢિયાં, પીતિયાંઓ, નમાયાં ને નબાપા, નિરાધારો ને બુઢ્ઢાં, અશક્તો, સાચા ત્યાગીઓ અને જૂઠા એદીઓ, બધાંનો ત્યાં આશરો બંધાયો. સમાજ કે વહાલામાં વહાલું સગું પણ જેને ન સાચવે તેને આ જગ્યાઓ સાચવતી. વિના સુગાયે એનાં પાસપરુ ને મળમૂત્ર અહીં ધોવાતાં. પછી રાજદરબારોએ તો આસ્થાને વશ બનીને જમીનો આપવા માંડી. પણ મૂળ સ્થાપકો આ પ્રલોભનનું બૂરું પરિણામ સમજતા હતા. તેથી જ આપા દાના સમા ડાહ્યા પુરુષે આખાંને આખાં ગામડાંનાં દાન સ્વીકારવાની પણ ના પાડેલી. છતાં બહોળી લોકસેવાની અભિલાષાએ આવા ગરાસો આખરે સ્વીકારાયા. એટલી સેવાનો પરિગ્રહ વધ્યો. એનું મેલું ફળ મૂળ સંસ્થાપકના મૃત્યુ પછી તરત આવ્યું. સ્થાપકોએ કાં તો પોતાના અથવા ભાઈભત્રીજાના વંશમાં એ જગ્યાની સોંપણી કરી, અથવા કોઈ સુપાત્ર ચેલાને બેસાડવાની પ્રથા પાડી. નવા સંતો સેવક મટીને ગાદીપતિ બન્યા. છડી, પધરામણી ને સામૈયાની જાળમાં ફસાયા. પૂર્વજે કરેલી કમાઈને જોરે અંધશ્રદ્ધાળુઓમાં પોતાના જૂઠા પરચાની વાતો ફેલાવી. મૂળ સ્થાપકની દીન મઢૂલીની સન્મુખ જ મોટા મહેલો ખડા કર્યા. મંદિરોનાં ઈંડાં પણ આસમાને ચડાવ્યાં. વાહનો, રિયાસતો ને વૈભવવિલાસો વધારી રાજદરબારોની હોડ કરી. જગ્યાને વંશપરંપરાની જાગીરો બનાવી. ને કાં તો જગ્યાના વારસા માટે લડતા ચેલાઓએ અદાલતે ચડી લાગતીવળગતી રાજસત્તાઓનાં આધિપત્ય સ્વીકાર્યાં, ભેખને નામે કેવળ ભગવા રેશમની ધજા રહી. ગૌશાળામાં ગાયો ઉપવાસ કરતી ખીલે બંધાઈ રહી. ઘોડહારમાં ઘોડાં લાંઘણ કરી મૂઆં ને કાં અમલદારોને જ ખપમાં આવ્યાં. અને ધર્મઘેલડા અંધશ્રદ્ધાળુ લોકોએ તો ‘ગાયના દૂધ સામું જોઈએ, ગાયના ઓખર સામું કાંઈ જોવાય?’ એવાં નાદાન સૂત્રો પકડી રાખી આ પાપનાં થાનકોને પોતાની સખાવતો વડે પોષ્યે જ રાખ્યાં. એટલે જ આજે કેટલાંય ધર્મસ્થાનો પર મહંત નામધારી પામર માનવી વ્યસન, બહુપત્નીત્વ, વિલાસ વગેરેમાં ડૂબી ગયો હોય ત્યાં સુધી પણ લોકોએ પાતાની સખાવતોના લાગા બંધ નથી કર્યા. આપા દાનાની જગ્યા એ તો કેવળ કુટુંબી જાગીર જ બની ગઈ છે. સંત દેવીદાસની પરબ-વાવડીની જગ્યા પર એક બાઈએ કુટુંબનું સ્વામીત્વ જમાવ્યું છે. વીરપુર જલા ભગતની જગ્યા એના કુટુંબીઓને વારસામાં ઊતરી છે. બચી હોય તો અપવાદરૂપ એકાદ પીપાવાવ જેવી જગ્યા. ઘણા સંત–મહંતોના મઠોનો ઇતિહાસ વધતો–ઓછો શોચનીય છે.

પરચાનાં સત્યાસત્ય

હવે આપણે સોરઠી સંતોના એક ભ્રમણાજનક અંગ ઉપર આવીએ છીએ. એ અંગ છે પરચાનું, ચમત્કારોનું. ચમત્કારોના થર કેવળ સોરઠી સંતોના જ નહીં, પણ દુનિયાના લગભગ તમામ પ્રદેશોના પુરાતન સંતોની તવારીખ પર બાઝેલા જોવાય છે. ખુદ ઈસુ ખ્રિસ્તથી માંડી, અથવા તેનીયે પૂર્વના યહુદી સંતોથી આરંભી ખ્રિસ્ત ધર્મના અનેકાનેક ઓલિયાઓ — જેમને ‘સેન્ટ્સ’ કહેવામાં આવે છે તેઓના — ચમત્કારો સુવિખ્યાત છે. ઈસ્લામના ઓલિયાઓનાં ચરિત્રોમાં પણ ‘કરામતો’ની બાજુ હાસ્યજનક હદ લગી ગયેલી વર્ણવાય છે. દક્ષિણ હિંદના તમિલ તેમજ મહારાષ્ટ્રી સંતોના ચમત્કારો પુસ્તકોમાં સંઘરાયા છે. આપણે ઘરઆંગણે મીરાંનું વિષપાન, પ્રભુપ્રતિમા સાથે મીરાંની પ્રેમગોષ્ઠિઓ, નરસિંહ મહેતાની હૂંડીનો શામળ ગિરધારીએ કરેલો સ્વીકાર, કુંવરબાઈનું મામેરું પૂર્યાની, કારાગૃહમાં હાર પહોંચાડ્યાની, મલ્હાર રાગિણીના પ્રભાવે મેઘ વરસાવ્યાની વગેરે વાતો આવે છે. ને સાહિત્યમાં એ બધી હકીકતો સત્ય જેવી બની વણાઈ ગઈ છે. એ જ રીતે આ ‘સોરઠી સંતો’ના પહેલા જ પાના પરથી પરચાની શરૂઆત થાય છે અને તે છેલ્લે સુધી આવ્યા જ કરે છે. આ ચમત્કારો ને પરચાઓ શું છે? એ કેવળ નિર્મૂલ છે? મેલી જાદુગરી છે? નજરબંધી છે કે શુદ્ધ સત્ય વસ્તુસ્થિતિ છે? વાદળીના ધોધમાર વર્ષણ વચ્ચે કોરાં નળિયાં રાખી દેવાં, મરેલાને પાછા પ્રાણ આપવા, એક નિઃશ્વાસ અથવા શાપ વડે લીલાંને સૂકાં કરી દેવા, જળાશયના નીરમાં અદલાબદલી આણવી, દાતણની ચીર વાવી વડલો ઉગાડવો અથવા પીપળાની ડાળી કુદરતી રીતે ન કોળે છતાં તેને કોળાવવી, સૂકી ધરતીનાં પડોમાંથી પાણી ખેંચી પિયાવા રચવા, પશુને વાગેલી ગોળીનાં વીંધ પોતાના દેહમાં અનુભવવાં વગેરે એ સર્વ સૃષ્ટિમાં શો ભેદ સમાયેલો છે? એનો ભેદ પામવાના પ્રયાસો આ યુગે – વિજ્ઞાનનાં નક્કર સત્યો પર પોતાના પાયા ચણીને બુદ્ધિનું શુદ્ધ આરાધન કરનાર આ યુગે – પણ કરી જોયા છે. આ મહાયુગની સત્યશોધક વૃત્તિએ કોઈ પણ વસ્તુને કોઈના ભરોસા પર ન સ્વીકારતાં, પરંપરાની પૂજનીયતાને ઠોકરે વધાવી, દરેક સત્યને પોતાની બુદ્ધિ-તુલાએ ચડાવી જોખી જોયું છે, અને તે તુલામાં બેસીને જોખાવાની ના પાડનાર ચાહે તેવી પ્રતિષ્ઠાવંત વસ્તુને પણ ફગાવી દીધી છે. પરંતુ પ્રત્યેક માન્યતા અથવા વસ્તુની આવી આવી ઉગ્ર હાજરી લેવાના હકદાર આ મહાયુગે સાથોસાથ પોતાની ચકાસણીનાં સાધનો પણ બની શક્યાં તેટલાં સૂક્ષ્મ, પારગામી ને બહોળાં વસાવ્યાં છે. એણે પોતાની કોઈ શોધને કે પોતાના કોઈ નિર્ણયને છેલ્લાં નથી માની લીધાં. આ પંચમહાભૂતોના કેવળ સ્થૂળ સ્વરૂપ સુધી જ પોતાની દૃષ્ટિમર્યાદા ન માનતાં એણે તો અણદીઠ, અગોચર, ગેબી લેખાતી દુનિયાનાં દ્વાર પણ ખખડાવ્યાં છે, ને ‘ક્લેરવોયન્સ’, ‘ઑકલ્ટિઝમ’, ‘મેસ્મેરિઝમ’ વગેરે ચાવીઓ શોધી કાઢી એ ગેબનાં તાળાં ઉઘાડવા મથ્યા છે. એ શોધકો શ્રદ્ધાળુ ધર્મિષ્ઠ નથી, પણ કડક કઠોર વૈજ્ઞાનિકો છે. એ આર્યવર્ત જેવા પ્રભુઘેલડા ને ધર્મઘેલડા દેશના નિવાસીઓ નથી, પણ પશ્ચિમના બુદ્ધિપ્રધાન જડવાદમાં જન્મેલા, ઊછરેલા, નિર્દય સત્યશોધકો છે. ને તેવાઓની શોધકતા આસ્તે આસ્તે પોકારે છે કે આ પંચમહાભૂતનું પૂતળું જે માનવશરીર, તેને અને બહારની પ્રચંડ પંચભૂત સૃષ્ટિને ઘાટો સંબંધ છે. માનવદેહમાં રમતી માનસિક ને આત્મિક શક્તિઓ એ પંચમહાભૂતની રચના પર અદૃશ્ય કાબૂ મેળવીને પાતાની ઇચ્છા અનુસાર એની ઘડભાંજ કરી શકે છે. ‘સુપર-હ્યુમન’ અથવા ‘સુપર-નેચરલ’ એવી એ સિદ્ધિ નથી. એ કોઈ આકાશવાસી ઈષ્ટદેવની આરાધના વડે સાંપડેલી જડીબુટ્ટી અથવા મંત્રસિદ્ધિ નથી; કેવળ સારા ને નરસા સહુ માણસોની આંતરિક ઇચ્છા કેળવવાથી, સાંકળવાથી, કુદરતના ગુપ્ત નિયમોનું જ્ઞાન પામવાથી અટલ પરિણામ તરીકે પ્રાપ્ત થતી સિદ્ધિ છે — વૈજ્ઞાનિક સિદ્ધિના જેવી જ એ સિદ્ધિ છે. વીજળી, વરાળ, પાણી, વાયુ, અગ્નિ વગેરે પર વિજ્ઞાનના જાણભેદુએ જે કબજો મેળવી કાઢ્યો, તે જ પ્રકારના કબજાની આ બધી માનસિક સિદ્ધિઓ છે. તફાવત માત્ર એટલો જ છે કે વિજ્ઞાનવીરોએ પોતાના પરિમિત વિજ્ઞાનના નિયમોને રીતસર ગોઠવી સર્વગમ્ય સર્વસુલભ બનાવી લીધા, જ્યારે આ ગેબી વિજ્ઞાનને એવા બંધારણપૂર્વકના નિયમ પર ગોઠવવાનું કાર્ય આ શોધકો હજુ કરી શક્યા નથી. આ બધા વિષયને લગતું સાહિત્ય થિયૉસૉફીના ક્ષેત્રમાં ખેડાયું છે, અને બીજા ઘણાઓ એને ઉકેલી રહ્યા છે. જિજ્ઞાસુઓએ એ સર્વ શોધી લેવું રહ્યું છે. અહીં તો એના ઉલ્લેખથી જ આપણું કાજ સરે છે.

પરચા અને સંતો

હવે સંતોને તથા આવી ગેબી સિદ્ધિઓને શો સંબંધ હોઈ શકે, એ સવાલ ઊઠે છે. આના જવાબમાં આપણને જ્ઞાનીઓ એવી સમજ આપે છે કે સંતો બે પ્રકારના હોય : એક ત્યાગી ને બીજા યોગી. ત્યાગીનું લક્ષ બહારની કોઈ શક્તિ-સિદ્ધિઓ મેળવવા ન જતાં કેવળ પોતાના જ મનની શુદ્ધિ કરી લેવાનું, કામ, ક્રોધ, મદ, મોહ આદિ વિકારો પર વિજય મેળવવાનું છે; જ્યારે યોગીનો મનોરથ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સિદ્ધિઓ પ્રાપ્ત કરી પ્રભુને પામવાનો હોય છે. ત્યાગ સાત્ત્વિકતાને આરાધે છે. યોગી રાજસી તત્ત્વને ભજે છે. ત્યાગી તો વિકારમુક્ત બની જગતને ચરણે ચગદાઈ જવા પણ તત્પર રહે છે, જ્યારે યોગી સત્તા પ્રાપ્ત કરી પોતાને દમવા આવનાર દુનિયાને ડારે પણ ખરો. ત્યાગી મુક્તિનો કામી છે, યોગી શક્તિનો કામી છે. ગૌતમ બુદ્ધ ત્યાગીની કોટિમાં સંચર્યા હતા. અને તે પછીના ઘણા બૌદ્ધ સાધુઓ શક્તિને માર્ગે વળી તાંત્રિકો બન્યા હતા. જૈન તીર્થંકરો ત્યાગીઓ હતા, જૈન સાધુએ સદા ત્યાગના જ માર્ગે રહી જિતેંદ્રિય બનવાનું છે; પણ તેમાંય યોગનો, તંત્રનો, શક્તિનો ઉપાસક યતિવર્ગ નીકળ્યો હતો. મહાત્મા ગાંધીનો ત્યાગધર્મ છે. અરવિંદ ઘોષ યોગને પંથે શક્તિના ઝરા શોધે છે. દયાનંદ, સહજાનંદ વગેરે કેવળ ત્યાગીયે નહીં, પણ બન્નેના મેળ મેળવનાર હતા. દયાનંદનો વૈરાગ્ય જ્યાં જ્યાં એમના વ્યક્તિત્વની છાપ પાડવા અશક્ત નીવડ્યો હતો, ત્યાં ત્યાં એમણે પાતાનાં નેત્રોનાં તેજ વડે, અવાજના પ્રતાપ વડે, મક્કમ ઇચ્છાશક્તિની મદદથી માણસોને ડાર્યા છે, ને પોતાનાં વર્ચસ્વ સ્થાપ્યાં છે. સહજાનંદ ત્યાગમય હતા, છતાં ઘણા મોટા અને જડ પાખંડી સમુદાય પર પોતાનું પરિબળ પાથરવા માટે એમણે ચમત્કારો બતાવ્યા. આ સોરઠી સંતમંડલની અંદર પણ ત્યાગ અને યોગ ઉભયનું મિશ્રણ આપણી નજરે ચડે છે. ખરેખરા વૈરાગ્યમાં ગળી જઈ પ્રભુ-ઇચ્છાને માર્ગે પોતાનું સમર્પણ કરી દેનારા નિર્વિકારી જિતેન્દ્રિયો તમામ તો એ નહીં જ હોય. પાતાની ઇચ્છાશક્તિને — ‘વિલપાવર’ને — એ હિંસક પણ બની જાય એટલી હદ સુધી કેટલાકોએ કેળવી હશે. એટલું પોતાનામાં પ્રભુત્વ — ઈશ્વરી તત્ત્વ — રહેલું હોવાનો કદાચ પોતાનો જ ભ્રમ. હવે, જન્મથી જ, અથવા તો કહો કે પૂર્વજન્મથી જ, ઇચ્છાશક્તિના ‘વિલ ફોર્સ’ના અથવા ‘સોલ ફોર્સ’ના — એવા બળિયા મનુષ્યોનું અસ્તિત્વ માનવું કઠિન નથી; એ માની શકાય એવી વાત છે. એમાં આત્મશ્રદ્ધા અને પ્રભુશ્રદ્ધા બન્નેની શક્તિ કામ કરી રહી હોય છે. એ શક્તિની વ્યવસ્થિત કેળવણી કદાચ તેઓને નયે આવડી હોય. એ કેળવણી કુદરતી રીતે જ થઈ ગઈ હોય, અને પોતે એ શક્તિની પ્રાપ્તિને ઈશ્વરી પ્રસાદરૂપ જ સમજી લીધી હોય. આ દેહે અને ચાહે તે કોઈ માનવીને માટે એ સાધ્ય છે તેવું તેઓ નયે માનતા હોય અને આવા અજ્ઞાનને પ્રતાપે જ કદાચ તેઓએ પોતાની સિદ્ધિઓનો સ્ફોટ જગતની સન્મુખ નહીં કર્યો હોય. એટલે જ આ ચરિત્રમાં કેટલાક ચમત્કારો ચાહીને અમુક કાજ સાધવા માટે બુદ્ધિપૂર્વક અજમાવેલા લાગે છે. કેટલાકમાં ચમત્કારનો અંશ ઓછો અને ઇચ્છાશક્તિ, કારુણ્યની ભાવના તથા કાંઈક વિજ્ઞાનતત્ત્વ એ ત્રણેયનો અંશ અધિક છે. દૃષ્ટાંત તરીકે દાના ભગતે કણબીની દીકરીનું માથું ચાટી ઊંદરીનો વ્યાધિ મટાડ્યો, એ ઘટનામાં કશી અપ્રાપ્ય ને ઈશ્વરી સિદ્ધિનું આરોપણ કરવાની જરૂર નથી. એક તો થૂંક પોતે સામાન્ય રીતે અકસીર ઔષધિનાં તત્ત્વો ધરાવનાર વસ્તુ છે. તેની અંદર એ ચાટનાર પુરુષની અનંત કરુણા રેડાઈ, અખૂટ પ્રભુશ્રદ્ધા પણ સિંચાઈ ગઈ. અનુકમ્પા અને આસ્થા તો લગભગ દરેક માનવના જીવનમાં કેવા બળવાન ઉપચારની ગરજ સારે છે, તે આપણા સહુના અનુભવની વાત છે. એ બળ શક્તિ સામાન્ય જીવદયાના પ્રસંગ કરતા દાના ભગતવાળી આ ઘટનામાં સહસ્રગણી પ્રબળ બની ગઈ હોવી જોઈએ; નહીં તો જીભે ચાટવાની ઊર્મિ કદી ન આવે ને આટલા પ્રાબલ્યની તાત્કાલિક અસર એ છોકરીના માથાના વ્યાધિ પર નીપજે તેમાં કશો અચંબો નથી. તે જ મિસાલે દાના ભગતે ઘોડાની જીભ સાંધ્યાનું દૃષ્ટાંત સમજીએ : શરીરશાસ્ત્રીઓ કહે છે કે શરીરના સર્વ ભાગો કરતાં જીભના પરમાણુઓની રૂઝણ-શક્તિ ઘણી વધુ ત્વરિત છે. એનો જખમ ઝડપથી મળી જાય છે. તે ઉપરાંત ઘોડાની જીભના ટુકડાના રેવણ વખતે સંત દાનાની દયાશક્તિ પણ તીવ્રતાથી એ જીભનાં પુદ્ગલોને જોડાવાનું ગુપ્ત જોર આપી રહી હશે, એ કલ્પવું કઠિન નથી. જગતના કોઈ પણ સ્થૂળ સાધન કરતાં આંતરવૃદ્ધિનું કૌવત ઘણું અધિક હોય છે એ સુવિદિત છે. અંતઃકરણની શુદ્ધ દુવા, પ્રભુપ્રાર્થના ઇત્યાદિનો પ્રભાવ માનવશરીર પર પડે જ છે, એમ બધા કબૂલશે. અને એવો જ પ્રભાવ વનસ્પતિ કે પશુજીવન પર પડવો જોઈએ એમ માનવું, જગદીશ બોઝની શોધ પછીના આ સમયમાં લગારે કઠિન નથી. પંચમહાભૂતોના હૃદય-તાર પરસ્પર રણઝણી રહ્યા છે. એક તાર પર જરી કમ્પ થતાં જ અન્ય અનેક તારોને એનાં આંદોલનો હલાવી શકે છે. માત્ર એ હલનમાંથી સુસંવાદી સંગીત જન્માવવું હોય તો જેમ તારોની ગોઠવણ આવડવી જોઈએ, તેમ પ્રકૃતિના તમામ તત્ત્વોમાં આપણા હૃદય-સૂરોના ધ્વનિ જગાવવા માટે પ્રકૃતિ અને આપણા બન્નેના આતમ-તારોની સૂરીલી ગોઠવણ જ આવશ્યક છે. એ ગોઠવણ તદ્દન સાદી છે. દૃષ્ટાંત લઈએ : રતા ભક્તને ખોળે રમવા સાવજ આવ્યા. હિંસકોએ હિંસા મેલી સંતના ચરણ ચાટ્યાં. એમાં કશો ચમત્કાર નથી. ભ્રાતૃભાવના તારોએ ત્યાં મધુરો મેળ લઈ લીધો. એ જ રીતે દાનાના આતમ-તાર પૃથ્વીના પડ તળે વહેતી સરવાણી સાથે કાં ન મળ્યા હોય? પછી એ સરવાણી બહાર નીકળી પ્રતિધ્વનિ કાં ન પાડે? એમાં જાદુ કે ચમત્કાર કશુંય નથી. વિશ્વતત્ત્વોની રચના કોઈ ઘણા તારોવાળા વાદ્ય જેવી છે. એ તારો એકબીજાની પડખોપડખ છે, અનુકમ્પાયમાન છે. પણ એનો મેળ નથી મળ્યો હોતો. મેળ મળે ત્યારે બેશક એ મનધાર્યાં પરિણામ આપે. અજ્ઞાનીઓ એને પરચા કહે. ચમત્કારોનાં પરિણામ એટલે સુધી તો ચમત્કારનું વૈજ્ઞાનિકપણું આપણે ચર્ચ્યું. અને દલીલ ખાતર અથવા શ્રદ્ધાપૂર્વક માની લઈએ કે કેટલાક સોરઠી લોકસંતોએ કૃતિના નિયમો સાથે આટલી હદ સુધીની એકતાનતા સાધી હશે, પરંતુ તેથી શું એ સિદ્ધિનો ચમત્કારરૂપે ઉપયોગ થવો ઘટિત હતો? એનું પરિણામ કેવું આવ્યું છે? પ્રજાના માનસ પર એની અસર કેવી માઠી નીવડી છે? સંતોનાં વૃત્તાંતો વાંચતાં પરચાને લગતી આટલી વાતો તરી આવે છે : 1. એક પછી એક દરેક માણસે પાતાના ગુરુનો કંઈક ચમત્કાર જોયા પછી જ એનું શિષ્યપદ સ્વીકાર્યું છે. તે સિવાય એ શિષ્યને ખરો વૈરાગ્ય લાગ્યો જ નથી. ગુરુના એકલા ચરિત્રના ગુણો દેખીને કોઈ ચેલો ખરેખરો મળ્યો નથી. 2. લોકસમુદાય પણ સંતોના નર્યા શિયળ-તપને અથવા ત્યાગ-સંયમને નમ્યો નથી. સંતની એકલી સમજાવટ મોટે ભાગે વસ્તીએ માની નથી, એકલા જ્ઞાનને હૃદયપૂર્વક કાન દીધા નથી. એકલી નિર્વિકાર જીવનદશા જોઈને જનતા પીગળી નથી. પણ એના કોપનું બૂરું પરિણામ કલ્પી ભય સેવીને સીધાં આચરણ કર્યાં છે, અથવા એની માનતા માનવામાં ઈષ્ટ ફળની સિદ્ધિ થવાથી એનો પ્રતાપ અંગીકાર કર્યો છે. પરિણામ એવું આવ્યું કે – (ક) સંતજીવનની ત્યાગમયતા, નિર્વિકારતા અને તપશ્ચર્યા કરતાં વધુ મોટો મહિમા પરચા બતાવવાની નીચેરી સિદ્ધિને મળ્યો. લોકોને ન સમજાયું કે પરચા તો પાર્થિવ વસ્તુ છે, એક જાતનું માનસિક સત્તાબળ છે, મુક્તિનું સાધન નથી. જેમ એક પાપી માણસ પણ કસરત કરીને અંગબળ ખીલવી શકે છે, તેમ પાપી અથવા સામાન્ય ચરિત્રનો માણસ પણ પરચાની સિદ્ધિની પ્રાપ્તિ પ્રયત્નો વડે કરી શકે છે. આ વસ્તુ સદંતર વીસરાઈ ગઈ. પરચા-શક્તિને પ્રજાએ અદ્ભુત માની લીધી. (ખ) ગુરુશ્રદ્ધાનું મંડાણ શિયળમય જીવન પર નહીં પણ ભય અને લાલચ પર થયું : ‘ભાઈ! ક્યાંક આપણું ધનોતપનોત કાઢી નાખશે!’ અથવા ‘તો દીકરા દેશે! રોગ મટાડશે! માટે પગે પડો!’ આ હતું લોકમાનસ. (ગ) પરચા આપવાની શક્તિ મહિમાપદે સ્થપાયા પછી તો ચાહે તેવા પતિત પુરુષના નામ સાથે પણ કલ્પિત પરચાઓ જોડી લોકોમાં તેનો પ્રચાર કરવાની કુનેહો વપરાવા લાગી. અમુક સંતે એક માણસને અમુક જાતનો પરચો બતાવ્યો એવી ગપ અત્યંત સહેલાઈથી ગળી જવાની પ્રકૃતિ ગ્રામ્ય પ્રજામાં રૂઢ થઈ ગઈ છે. એટલે ‘પરચા’ સિદ્ધિની વસ્તુ મટી પાખંડની વસ્તુ બની ગયા, અને એનું સત્યાસત્ય ચકાસવાનું કોઈ સાધન તો હોઈ શકે નહીં, તેથી પાખંડ જોશભેર પ્રવર્ત્યું. ઉપર કહ્યા અનર્થોના વિચાર કરી આપણો સ્પષ્ટ નિર્ણય એક જ હોવો જોઈએ કે પરચા — એ સાચા હોય તોપણ — અતિ અનિષ્ટ વસ્તુ છે. એ ભલે સિદ્ધિ હો, ભલે કેળવી શકાય તેવી હો, છતાં એ ભ્રામક, વહેમપોષક અને વિપથગામી મનોદશાની માતા હોવાથી આપણને એ ન ખપે. પરચા-શક્તિના પડદા આડે પાપાચાર ચલાવનાર સિદ્ધોની નહીં, પણ પરચા-શક્તિ વિનાના ચારિત્ર્યવંત અને પ્રભુપરાયણ ભક્તોની જ આપણને જરૂર છે. અથવા તો પરચા-શક્તિ વડે પ્રજા પર અનેકાનેક ઉપકારો કરી શકાતા હોય — જેવા દાના ભક્તે કર્યા — તો તે ઉપકારો પણ આપણે જતા કરવા જોઈએ; કેમ કે એ વહેમને તેમજ અંધશ્રદ્ધાને ઉત્તેજે છે. તેમજ અનર્થ માટે વાપરવાનો પણ ભય છે. ગોરખો પોતાના જ ઉપર ત્રાસ વર્તાવનાર દરબાર નાજા કરપડાને એના પરાજયને સમે એને નગ્ન દશામાં પડેલો સાંભળી, લૂગડાંની પોટલી લઈ એને પહેરાવવા ગયા, અથવા પોતાની ગાયો ચોરી જનારાઓને વાછરડાં પણ મોકલી દેવાની સૂચના કરી, એવી ક્ષમાભાવનાની પડખોપડખ જ્યારે આપણે સાંભળીએ છીએ કે એણે હોકાની નળી ફૂંકાવાની થાનમાં બેઠે બેઠે મોરબીનો ગઢ પાડ્યો, ઘોડહાર તોડી તથા કુંવરને પછાડ્યો, ત્યારે આપણને બે જાતનો અફસોસ થાય છે : એક તો પોતાની સિદ્ધિના આવા દુરુપયોગ માટે; ને બીજો આવા કૂડા સામર્થ્યને નમન કરનાર લોકોને માટે. ગોરખાની સંત તરીકેની મહત્તા તો ઉપર કહ્યા તે પ્રસંગોમાં ઝળકે છે, એની વેર લઈ શકનારી સિદ્ધિમાં નહીં. એ જ દૃષ્ટિથી જાદરા ભગતને તપાસીએ : મેપા ભગતની ચાકફેરણીના પ્રહારો ખાઈને પણ એને મારનારનાં ચરણો ચૂમ્યાં, એ એની મહાનુભાવતા : રાગદ્વેષાદિ શત્રુઓ પરનો એનો વિજય : પછી એણે બકરી જીવતી કરવાના કે મોઘરી સાટે ગાયો આપવાના પરચા બતાવ્યા તોપણ એનું સંતપણું ઝાંખું નથી જ પડતું. સાચા કે જૂઠા, પરચા ન જ જોઈએ, સંસારમાં નંદનવન ઉતારે તોપણ ન જોઈએ. પ્રભુએ પાંચાલીનાં ચીર ન પૂર્યાં હોત તો તેથી શું એ સતીનું સતીત્વ નિસ્તેજ થઈ જવાનું હતું? પાંચાલીની હજારો પુત્રીઓની શિયળ-લૂંટને સમયે શ્રી પ્રભુ નથી પધારતા તેથી શું? એ વસ્ત્રહરણનો જવાબ ઈશ્વરી વસ્ત્રપૂરણથી નહીં પણ ભીમની ગદા વડે અથવા અર્જુનના ગાંડીવ વડે થવો જોઈતો હતો. નરસિંહ મહેતાને કારાગૃહમાં હાર ન મળ્યો હોત તો? અથવા કુંવરબાઈનું મામેરું પ્રભુએ ન પૂર્યું હોત તો? તો શું નરસિંહની ભક્તિમાં ન્યૂનતા ગણાત? મીરાંનાં વિષ-કટોરા અમૃતમય ન બન્યા હોત તો શું ઈશ્વરનું અસ્તિત્વ અને મીરાંનું સતીત્વ ખોટું પડત? ના, એમની નિરાધારતામાં અને શહીદીમાં જ સંતો તો અમર બને છે. દયાનંદ કે શ્રદ્ધાનંદને પરચા પૂરવાની જરૂર નથી પડી. ગૌતમ બુદ્ધે પણ કહ્યું હતું કે મારો પ્રભાવ લોકો પર બેસારવા માટે મારે જાદુ (‘જગલરી, jugglery’) કરવાની જરૂર નથી. પરચા આપણને ઠગે છે. શુદ્ધાત્મા ન હોય તે પણ એ સિદ્ધિ પામી શકે છે. મેલાને પણ મળે એવી વિદ્યા છે. ચારિત્ર્યને બદલે ચમત્કાર આપણી તુલનાનું ધોરણ બને છે. એનાથી ઉત્પન્ન કરેલી શ્રદ્ધા તે શ્રદ્ધા નથી, ભય છે, સ્વાર્થની લાલચ છે. આ ચોપડીમાંનાં ચરિત્રો આલેખવા બેસતાં, પરચાઓ મારાથી છોડી શકાયા નથી. કંઠસ્થ ઇતિહાસ-સાહિત્યને વફાદાર રહેવા માટેની મારી એ ફરજ થઈ પડી હતી. સલાહકારોની સલાહ પણ એવી જ પડી. અન્ય પ્રાન્તોમાં ને દેશોમાં થયેલા આવા સંગ્રહોમાં પણ એ જ પ્રણાલી જોવામાં આવી. એટલે લાગ્યું કે કંઠસ્થ સાહિત્યના સંપાદકે પોતાની વિવેકબુદ્ધિ પોતાના પ્રવેશકમાં જ વાપરવી રહી. વસ્તુના સંગ્રહકાર્યમાં તો એના હાથ અમુક રીતે બંધાયેલા જ હોય છે. વળી, ‘પરચા’ એક શાસ્ત્રીય વિષય છે, અભ્યાસનું અંગ છે. અનભ્યાસી એની સાથે મનફાવતી રમતી રમી શકે નહીં. એના ઉપર ખાસ અભ્યાસી જનોના નિર્ણયો મેળવ્યા પછી જ એનું સાચજૂઠ નક્કી થઈ શકે માટે જ મેં એ બધાને આંહીં સંઘરેલા છે. છતાં એક છૂટ મેં લીધી છે : પરચાઓના થર પર થર ચડેલા છે, તેમાંથી હું આ સંતોની નક્કર જીવન-મહત્તા વણી લેવા મથ્યો છું. પણ કેટલીક મહત્તાનું સુવર્ણ એ માટીની સાથે એવું તો એકમેક થઈ રહ્યું છે કે સાચા કીમિયાગર થકી જ એ જુદું પાડી શકાય. હું એ નથી કરી શક્યો. છતાં નરી માટીને તો મેં ફેંકી જ દીધી છે. જેટલી ધૂળ સોના સાથે ભળેલી છે, તેટલી જ મારે રાખવી પડી છે. જેટલા પરચા સંતોની જીવદયા ને જનસેવાના દ્યોતક છે, એટલા જ અહીં સંઘર્યા છે.