સહરાની ભવ્યતા/ડૉ. પ્રબોધ પંડિત
પંડિત કે. કા. શાસ્ત્રીની જીવનશૈલી પ્રાચીન ભારતીય, ભાયાણીસાહેબની આધુનિક ભારતીય અને ડૉ. પ્રબોધ પંડિતની આધુનિક પાશ્ચાત્યએવું વિધાન થોડીક અતિશયોક્તિ સાથે પણ કરી શકાય. ભાષા અને જીવન બેઉને જોવાનો વૈજ્ઞાનિક અભિગમ શરૂશરૂમાં પંડિતસાહેબનેકંઈક આત્યંતિક વલણ ધરાવતા વિદ્વાનની ખ્યાતિ અપાવતો રહ્યો. એમનું વ્યક્તિત્વ વિલક્ષણ કહેવાયું અને વિદ્વત્તા અસાધારણ.
ડૉ. પ્રબોધ પંડિત અકારણ કશુંય ન બોલે. કોઈના પર આક્ષેપ કરવા માટે એમની પાસે સમય ન હોય પણ પ્રશ્નનો ઉત્તર કે અભિપ્રાયનોપ્રતિભાવ જરૂર હોય. આમ અભિજાત અને ઔપચારિક પણ કશું ગોળગોળ નહીં. રોકડું પરખાવી દેવાનો અશિક્ષિતોનો દોષ તેપંડિતસાહેબના સંસ્કૃત વ્યક્તિત્વનો ગુણ. એમનાં વિદ્યાવ્યાસંગ અને સત્યનિષ્ઠા એવાં તો પ્રખર હતાં કે સહુના વિરોધીઓ પણ એમનોવિરોધ કરવામાં પોતાની પ્રતિષ્ઠા ખોવાનો ભય અનુભવતા.
ભાષાવિજ્ઞાન જેવા વિષયમાં બહુ વિદ્યાર્થીઓ હોય નહીં. દરેક વિદ્યાર્થીની તેજસ્વિતાનું પ્રમાણ પરખાઈ જાય. હિંદીના એક ખ્યાતનામવિદ્વાને કહેલો પ્રસંગ છે: એક સુંદર કન્યાને બીજા પરીક્ષકે ઘણા વધારે માર્ક્સ આપેલા. એમ.એ.માં તો મોડરેટરની કાનૂની વ્યવસ્થા ન હોયપણ પંડિતસાહેબે માર્ક્સશીટ વાંચ્યા પછી ઉત્તરવહીઓ મંગાવી. વાંચી. પુનર્મૂલ્યાંકન કર્યું. વધારાનો ભાગ નીકળી ગયો. આમ તો એમણે જેકર્યું એ એમના અધિકારક્ષેત્રની બહારનું હતું. પણ કોઈ ચૂં તો કરે! કાયદેસરની જોગવાઈઓનો દુરુપયોગ થતાં અટકાવવા એમના જેવી દૃઢશક્તિ જોઈએ. નિર્ભય સક્રિયતા જોઈએ.
ભુવનેશ્વરની સમર ઈન્સ્ટિટ્યૂટમાં ભોળાભાઈ ગયેલા. કહે: આખો મહિનો પંડિતસાહેબ ભાષાવિજ્ઞાનના વિદ્યાર્થીઓ સાથે રહ્યા, સાથે જમ્યા. અજાણ્યા માણસને એમના ખાનપાન વિશે વિચારતાં પાશ્ચાત્ય પાર્ટીઓના જ ભણકારા વાગે. પણ વિદ્યાર્થીઓને ખાતર પોતાનાં બધાંસુખસગવડ જતાં કરી શકતા. બલ્કે સહુની સાથે અગવડ વેઠતા. ભારતમાં ભાષાવિજ્ઞાનનું શિક્ષણ એમણે એક આંદોલન ચલાવવાની રીતેઆપ્યું, લગભગ ઉનાળાની બધી જ રજાઓ આરામ કરવાને બદલે શિક્ષણમાં વાવી. નવા ગણિતની સમજ કેળવવામાં ડૉ. પી. સી. વૈદ્યેકંઈક આ પ્રકારની ભૂમિકા ભજવી હતી. દેશમાં એવા અન્ય વિદ્વાનો પણ હશે. પંડિતસાહેબ આપણી વિદ્વત્તાને વૈજ્ઞાનિક પદ્ધતિ ભણીવાળવામાં નિમિત્ત બન્યા અને ભાષાવિજ્ઞાનને ક્ષેત્રે ભારત વ્યાપી ‘પ્રબોધકાળ’ મૂકી ગયા. એમની ખ્યાતિ ભારત બહાર પણ હતી. એમાંઓટ આવવાની શક્યતા ન હતી.
એમના લેખો અને પુસ્તકો ગુજરાતી, અંગ્રેજી અને હિન્દીમાં પ્રગટ થયેલાં છે. ‘ગુજરાતી ભાષાનું ધ્વનિસ્વરૂપ અને ધ્વનિપરિવર્તન’ એ1966માં પ્રગટ થયેલું એમનું પુસ્તક ભાષાવિજ્ઞાનની મહત્ત્વની કૃતિ છે. ‘ભાષાવિજ્ઞાનના અર્વાચીન અભિગમો’ એમનું બીજું પુસ્તક છે. પરિષદના સંશોધન વિભાગના પ્રમુખ તરીકે એમણે ‘પહેલી ભાષા, બીજી ભાષા… અને?’ એ નામે વ્યાખ્યાન આપેલું. ભાષાનો સૈદ્ધાન્તિકઅભ્યાસ, બોલીવિજ્ઞાન અને ગુજરાતની બોલીઓનો અભ્યાસ, સંસ્કૃત અને પ્રાકૃતનું જ્ઞાન, ભાષાશિક્ષણના પ્રશ્નો, અન્ય સામાજિક શાસ્ત્રોનાસંદર્ભમાં ભાષાવિજ્ઞાનનું અધ્યયન, દ્વિભાષિતા, બહુભાષિતા, માતૃભાષા અને અન્ય ભાષાઓનું શિક્ષણ અને એના પ્રશ્નો જેવા મુદ્દાઓ પરપંડિતસાહેબનું કામ વિશેષ નોંધપાત્ર હતું.
અધ્યાપક થયા પછી ભાષાવિજ્ઞાનમાં કશુંક કામ કરવાના ખ્યાલથી હું એમનું માર્ગદર્શન લેવા ગયો. બ્લૂમફિલ્ડનું પુસ્તક ‘લેંગ્વેજ’ પકડાવ્યું, ત્યારે ભાષાવિજ્ઞાન તો ઘણું આગળ પહોંચી ગયું હતું પણ વિદ્યાર્થી શરૂઆતથી શરૂ કરે એમ એ ઇચ્છતા. વિદ્યાર્થી ખોટું શીખી બેઠો હોયતો પહેલાં સાફસૂફીનું કામ પણ એ જ કરતા. એક સંગીતકારનો દાખલો આપતા. ખ્યાતિ સાંભળીને એક ઉત્સાહી સંગીતરસિક એમનીપાસે પહોંચ્યો. પોતાની યોગ્યતાનું વર્ણન કરીને એ શાંત થયો કે તુરત પેલા સંગીતકારે પૂછ્યું: કોઈની પાસે શીખીને આવ્યા છો? વિદ્યાર્થીએ વિગતવાર જણાવ્યું. સંગીતકારે કહ્યું: તો બેવડી ફી થશે. પેલો વિદ્યાર્થી તો રાહતની ધારણા રાખતો હતો. શીખીને આવ્યો હતોને! અચંબો પામ્યો. કારણ પૂછ્યું. સંગીતકારે કહ્યું: પહેલાં તો તમે શીખ્યા છો એ ભૂલવવું પડશે. એમાં પણ મારી એટલી જ શક્તિઓરોકાશે તેથી બેવડી ફી. પંડિતસાહેબ બેવડી ફી તો ન લેતા, વિદ્યાર્થીને જરૂર હોય તો આપે એવા હતા, પણ સમય જરૂર બેવડો માગતા.
ભાષાવિજ્ઞાનના નામે ગુજરાતીમાં કે અન્ય ભાષાઓમાં થયેલાં કાચાં કામોને એ નિષ્ઠુર રમૂજથી જોતા. સ્મિત ચાલે એમ હોય ત્યાં શબ્દવાપરવાનું ટાળતા. ગુજરાત યુનિવર્સિટી પાસેનાં શિરીષ વૃક્ષો નીચે એમની સાથેની થોડીક વાતો દરમિયાનનું એ વિરલ સ્મિત આ ક્ષણેસાંભરી આવે છે.
એમનો જન્મ 1923માં. 1950માં એ પીએચ. ડી.ની પદવી લઈને ઇંગ્લેન્ડથી સ્વદેશ પાછા ફર્યા. 1975 સુધી એમની વિદ્યાસાધના અવિરતચાલી. અમદાવાદ, પૂના, દિલ્લીને એમની સેવાઓ મળી. મુલાકાતી અધ્યાપક તરીકે વિદેશોમાં જવાનું પણ બનતું. એમના આ સ્વાધ્યાયઅને અધ્યાપનના કાર્યને મૂલવતાં ડૉ. શાંતિભાઈ આચાર્ય લખે છે:
આ 26 વર્ષનો બરાબર અડધો ગાળો એટલે કે 13 વર્ષ તેમણે ગુજરાતને આપ્યાં છે. તે ગાળા દરમિયાન તેમના અભ્યાસનું કેન્દ્રઐતિહાસિક તુલનાત્મક ભાષાશાસ્ત્રનું ક્ષેત્ર રહ્યું છે અને સંશોધનનો વિષય પોતાની માતૃભાષા રહ્યો છે. તેમનો ભાષાવિજ્ઞાનના ક્ષેત્રમાંપ્રવેશ થાય છે તે ગાળા સુધી ગુજરાતમાં ડૉ. ટી. એન. દવે અને ડૉ. ભાયાણીના અપવાદે અટકળિયા વ્યુત્પત્તિઓનું ભારે જોર હતું. ધ્વનિનિયમોને આધીન વ્યુત્પત્તિનું ક્ષેત્ર હોય છે, તેવી સમજણ પ્રવર્તવાની હજી બાકી હતી. ટર્નરે એ ગાળામાં પણ જે કંઈ આપ્યું હતું તેમહાંશે ઝિલાયું ન હતું. તેમની પાસેથી તાલીમ મેળવીને આવેલા ડૉ. પંડિત પોતાના અભ્યાસલેખોમાં વૈજ્ઞાનિક વિચારસરણીનું પ્રતિબિંબ પાડેછે. (પૃ. 138, ડૉ. પ્રબોધ પંડિત)
1942ની રાષ્ટ્રીય ચળવળમાં ભાગ લેવા પ્રબોધભાઈએ કેવી કુનેહથી સંમતિ લીધી એ પ્રસંગ શાંતિભાઈએ નોંધ્યો છે: પ્રબોધભાઈએભણવાનું છોડી લડતમાં ઝંપલાવવાનું નક્કી કરી નાખ્યું. એક દિવસ ઘેર આવીને પંડિતજી (પિતાશ્રી બેચરદાસજી)ને કહે: ‘શિર જાવે પણઆઝાદી ઘર આવે.’ એ જાણીતા થયેલા અને ખૂબ જ ગવાતા ગીતમાં કોના શિર મૂકવાની વાત છે? પંડિતજી કહે: ‘બધાંનાં.’ ‘બધાંમાંઆપણે પણ ખરાં ને?’ પંડિતજી કહે ‘હાસ્તો!’ ‘તો પછી હું જેલમાં જાઉં ને?’ ઘરમાં સોપો પડી ગયો. અહીં દાદીથી જોયું નહીં જાય તેમમાનીને પંડિતજીએ તેમને પૂના જઈને પકડાવાનું જણાવ્યું. પ્રબોધભાઈ પકડાયા તે આઘાત દાદીમાથી જીરવાયો નહીં ને એ બીમાર પડીએકવીસમે દિવસ અવસાન પામ્યાં.
ભાષાવિજ્ઞાનનો શુદ્ધ અભિગમ અને સાચા વિદ્યાર્થીને શોધી કાઢવાની ચીવટ એ બે લાક્ષણિકતાઓ સાથે ઉમાશંકર પ્રબોધભાઈની વ્યાપકસંસ્કારિતા અને મૈત્રીભાવનાને યાદ કરે છે: ‘બીજા વિષયના અભ્યાસીઓ સાથે એમનો મૈત્રી સંબંધ ગાઢ હતો. અનેક વિદ્યા–વિષયોમાં જનહીં, વ્યવહારની અનેક સામાજિક, આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક જીવનની અનેક બાબતોમાં એ ઊંડો રસ લેતા… દિવાળી પછી સંગીતનાકાર્યક્રમો હતા તેમાંથી સાંભળવા ન જઈ શકાય તે રેડિયો ઉપર તેઓ સાંભળતા અને શ્રી ધીરુબહેન અર્ધું સાંભળ્યા વગર સૂઈ ગયાં તોબીજે દિવસ કહે: ‘તારે માટે એ ભાગ મેં ટેપ કરી રાખ્યો છે.’ કલા અને સાહિત્ય પ્રત્યેની પંડિતસાહેબની અભિરુચિ જાણીતી હતી. રમતોમાં પણ એટલી જ રુચિ. ટેનિસ–બેડમિન્ટનની સ્પર્ધામાં એક વાર એમણે લંડન સ્કૂલનું પ્રતિનિધિત્વ કરેલું. એટલું જ નહીં, પિંગપોંગનીરમતમાં એમણે એકવાર હાથ પણ ભાંગ્યો હતો! એક ‘અણિશુદ્ધ વિદ્યાવ્યાસંગી’ અણનમ ખેલાડી પણ હોય એવું ભાગ્યે જ બને. ગુજરાતીસાહિત્ય વિશે પણ તટસ્થ વિશ્લેષણ ધરાવતું વિવેચન થાય એમાં એમને રસ હતો. સર્જાતા સાહિત્ય વિશેનાં અવલોકનો વાંચતા. નીવડેલીકૃતિઓ વાંચતા. મૂળ તો એ સંસ્કૃતના અધ્યાપક હતા ને! ટર્નર પાસે પીએચ. ડી. કર્યા પછી પેરિસ જઈ જ્યૂલ બ્લોક પાસે તાલીમ લીધી. એ માટે ફ્રેંચ પણ શીખ્યા ને એ જમાનામાં ભાષાવિજ્ઞાનનો પાયો પાકો કરવા માટે શક્ય હતો એ બધો સ્વાધ્યાય કર્યો. ભારતમાં આવીનેપાછા કૉલેજમાં સામાન્ય અધ્યાપકની કામગીરી બજાવવાની હતી. ‘શેકસ્પિયર આજીવિકા માટે અભિનેતાનું કામ કરે અને વિશ્વકવિનીકામગીરી રાતઉજાગરો કરીને બજાવે.’ એ દૃષ્ટાંતથી ઉમાશંકરે પછી પોતાના સહકાર્યકર બનેલા આ વિદ્વાનની કામગીરીને યથાર્થ અંજલિઆપી છે. અવશ્ય, શેકસ્પિયરના ઉજાગરા સાથે સરખાવવા યોગ્ય એમની કામગીરી હતી. એનું વૈશ્વિક મહત્ત્વ નિર્વિવાદ છે.
પ્રતિભાશાળીઓ થોડાક વિલક્ષણ હોય એ માન્યતા ખોટી નહીં હોય. એવા ઘણા પ્રસંગો શાંતિભાઈએ નોંધ્યા છે જેમાં પંડિતસાહેબનાઅનોખા વ્યક્તિત્વની ઝાંખી થયા કરે: ચોથા ધોરણમાં હતા ત્યારે રમત કે ઝઘડામાં જમણા હાથે વાગ્યું. પરીક્ષા નજીક હતી. શું કરવું? ડાબા હાથે લખવાની ટેવ પાડી ને પછી તો ડાબોડી બની ગયા.
ઘરમાં રાષ્ટ્રીય કેળવણીનું વાતાવરણ, તેથી પ્રબોધભાઈ શાળામાં ખાદીની ટોપી પહેરીને જતા. શિક્ષકે ખાદીની ટોપીની મના ફરમાવી. તોબસ, પ્રબોધભાઈએ નિશાળમાં જવાની જ ના પાડી દીધી. આ કારણે વળાથી અમરેલી જવાનું થયેલું.
1942ના આંદોલનમાં એમના બે આગ્રહો હતા. જે કંઈ ભાંગફોડ કરવામાં આવે એમાં કંઈ જાનહાનિ થવી ન જોઈએ અને સત્તાધારીઓનેઅગાઉથી કહી દેવું જોઈએ કે અમે આમ કરવાના છીએ.
કોઈકને તદ્દન ગૌણ લાગે એવી એક વિગત અહીં નોંધવાનું મન થાય છે. પંડિતસાહેબ પાઈપ પીતા, સતત અને શાંતિથી. એ પાઈપ પીતાએ એમને બરોબર શોભતું. આપણી અને એમની નજરની વચ્ચે ધૂણી આવી ન જાય એ રીતે એમની પાઈપ કામ આપતી. એમની પાસેઅનેક પાઈપ હતી. વિવિધ આકારની અને બધી જ સુંદર. એક નાનું સંગ્રહસ્થાન હતું. એમાંથી ઊભા થયેલા કલાગુણને કારણે આ વ્યસનપણ એમના વ્યક્તિત્વનું એક જમા પાસું લાગતું. કોઈ કહેતાં કોઈ વળગણ ન હતું એમને. એ ચોખલિયા ન હતા. મોટાં મૂલ્યો સાથે એમનોતાર સંધાયેલો હતો.
આ ક્ષણે યાદ આવે છે કે 1971માં દિલ્લીમાં નેશનલ બુક ટ્રસ્ટના ભારતીય લેખક–મિલનમાં હું કવિતા વાંચવાનો હતો તે સભામાંપંડિતસાહેબને પાઈપ સાથે જોયેલા. શક્ય છે સંદર્ભ આઘોપાછો થતો હોય પણ મેં છેલ્લે એમને જોયેલા તે ભગવાન બાલમુકુન્દના મુખમાંનાઅંગૂઠાનું સાદૃશ્ય ધરાવતી પાઈપ સાથે જ. સ્મરણમાં તો એ સ્વરૂપે જ એ દેખાય છે.
ટર્નરસાહેબે પોતાના બાગમાં ઉગાડેલી તમાકુ વિશે ચરોતરમાં વપરાતી પરિભાષામાં પંડિતસાહેબને વિલાયતથી પત્ર લખેલો. સાહેબ, શિષ્યોઅને સ્નેહીઓને એ પત્ર વિશે નિરાંતે વાત કરતા. એથી મારા મનમાં એમ ઠસી ગયેલું કે પંડિતસાહેબે દિલ્હીમાં તમાકુ વાવેલી. તમાકુવાવવાથી ત્યાંની જમીન નહીં સુધરે એની પણ એમને ખબર હોવી જોઈએ. ખેર, મારી ધારણા ખોટી પડી. ખાતરી કરવા ગયો તોશાંતિભાઈએ કહ્યું કે તમાકુ વાવવા સુધી એ આગળ વધ્યા ન હતા.
તથ્ય ગમે તે હોય, સત્ય એ છે કે પંડિતસાહેબ તમાકુ વાવી બેઠા હોત એવો ગાઢ અને ઉમદા એમનો પાઈપપ્રેમ હતો. પણ કમાલ! એમણેએક ક્ષણે નિર્ણય કર્યો અને ધૂમ્રપાન જ સદંતર છોડી દીધું! કોઈક ખોટા પુરવાર થયેલા ધ્વનિનિયમની જેમ બધી પાઈપ પછી એમને માટેમાત્ર ઐતિહાસિક મહત્ત્વની રહી ગઈ.
વર્ણનાત્મક ભાષાવિજ્ઞાનના એ પ્રખર પુરસ્કર્તા હતા. પણ ચોમ્સ્કીએ વાક્ય પર ભાર મૂક્યો અને એમનું ધ્યાન જવામાં વિલંબ ન થયો. એતબક્કે શક્ય હતું એટલું કામ એમણે એ વિષયમાં પણ કર્યું. પૂર્વે જ્યારે ધ્વનિવિજ્ઞાનની પ્રયોગશાળાઓ કે અદ્યતન સાધન–સામગ્રી સુલભ નહતી ત્યારે એમના પોતાના શ્રુતિતંત્રે વિરલ સૂક્ષ્મતા અને ક્ષમતા દાખવેલી. અનુગામી વિદ્વાનોએ એ વિશે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. ગજું જઘણું મોટું.
આઝાદી પછી પંડિતસાહેબ અધ્યાપક તરીકે કૉલેજ કે યુનિવર્સિટીઓનાં સત્તામંડળોથી અલિપ્ત રહી, ક્યારેક એમની ઉપેક્ષા કરી જેઆત્મગૌરવથી અધ્યયન–અધ્યાપનનું કામ કરતા રહેલા છે એની ભૂમિકા ઉપર નોંધેલા એમના ઉછેરકાળના પ્રસંગોમાં પણ જોઈ શકાય. કોઈ પણ ક્ષેત્ર કે કક્ષાએ અર્ધદગ્ધ માણસે આસન જમાવ્યું હોય તો એને પંડિતસાહેબનો સદ્ભાવ કદાપિ ન સાંપડે. એવી જીવદયાએમનામાં ન હતી. પ્રાચ્યવિદ્યાનાં સંમેલનોમાં પણ કોઈ કાચો વિદ્વાન આવી ચડ્યો હોય તો એ પંડિતસાહેબની નિર્મમ નજરે ચડ્યા વિના રહેનહીં. ‘વેદ વિભાગના પ્રમુખનું ભાષણ શોરબકોરને કારણે સાંભળી શકાયું નહીં. પણ જે થોડું સંભળાયું, તેથી બાકીનું ન સંભળાયું તેનોશોક નથી.’ — આવા નર્મ–મર્મ સાથે એ માત્ર મુદ્દાને લક્ષમાં રાખીને વાત કરતા જાય. માત્ર નિષ્ણાતની અને નિષ્ણાતની જ અદબ રાખે. એજ રીતે ભાષાવિજ્ઞાનના સંશોધન કાર્યમાં વિદ્યાર્થી તરીકે પસંદગી કરવામાં સહેજે ઉદાર ન થાય. ‘ભાષાવિજ્ઞાનમાં વિદ્યાર્થી રસ લેતો થાયએ માટે તેમની ખૂબ જ કાળજી, પણ રસના આભાસને તેમની આંખ તરત પામી જાય. અને પામી ગયા બાદ તે જ ક્ષણે ચાળી કાઢે!’ આચાળણી પછી પણ એમને સાતમા દાયકાના આરંભે શાંતિભાઈ આચાર્ય, દયાશંકર જોશી, મૃદુલા એડનવાલા અને યોગેન્દ્ર વ્યાસ જેવાતેજસ્વી અને સન્નનિષ્ઠ વિદ્યાર્થીઓ મળ્યા. પૂના અને દિલ્લીએ પણ એમને કેટલાક સાચા શિષ્યો આપ્યા છે એનો નિર્દેશ હિન્દી–અંગ્રેજીમાંપ્રગટ થયેલી એમની અવસાનનોંધ પરથી મળી રહેતો હતો. આ બધામાંથી એક બીજા પ્રબોધભાઈ પાકે તોપણ ભારતમાં આધુનિકભાષાવિજ્ઞાનનું સ્વતંત્ર ખેડાણ શક્ય બને. એમનાથી આરંભાયેલું કામ એક ઉપલબ્ધિ બને. એકવાર પ્રબોધભાઈએ ચોમ્સ્કીને આઈન્સ્ટાઈનતરીકે ઓળખાવ્યા હતા. ભારતમાં પ્રબોધભાઈને ઓળખાવવા કોને યાદ કરીશું? ભાયાણીસાહેબને પૂછવું પડે.