સ્વાધ્યાયલોક—૮/બચુભાઈ

Revision as of 20:18, 24 April 2022 by Shnehrashmi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


બચુભાઈ

બ્યાંસી વરસનું આયુષ્ય — બચુભાઈનું આ સદ્ભાગ્ય. આયુષ્યનાં અધઝાઝેરાં વરસો લગી, એકવીસ વરસની વયથી તે આયુષ્યના અંત લગી બાસઠ વરસો સુધી સક્રિય — બચુભાઈનું આ એથી યે મોટું સદ્ભાગ્ય. અને પોતાને પ્રિય એવી કવિતા-કળાની પ્રવૃત્તિમાં સક્રિય — બચુભાઈનું આ સૌથી મોટું સદ્ભાગ્ય. અમદાવાદ બચુભાઈની જન્મભૂમિ અને એ જ એમની કર્મભૂમિ. પ્રાથમિક અભ્યાસ અમદાવાદમાં. પણ પિતા સૌરાષ્ટ્રમાં ગોંડલમાં વેટરીનરી સર્જન એટલે મૅટ્રિક લગીનો અભ્યાસ ગોંડલમાં. પછી પિતાની ઇચ્છાને અધીન સોળ વરસની વયે અભ્યાસનો અંત અને ચાર-પાંચ વરસ લગી ગોંડલમાં શિક્ષક. અહીં પ્રશ્ન પૂછી શકાય કે બચુભાઈ યુનિવર્સિટીમાં ગયા હોત તો? તો ઉત્તર પણ આપી શકાય કે બચુભાઈ કદાચ અધ્યાપક થયા હોત… આ થયા હોત… તે થયા હોત… પણ કદાચ બચુભાઈ ન થયા હોત. ત્યારે એકવીસ વરસના આ યુવાનમાં એ બચુભાઈ થાય એવું શું હતું? આ પ્રશ્નનો ઉત્તર તો એક શબ્દમાં જ આપી શકાય. અંગ્રેજિયત. ગોંડલમાં પિતા વેટરીનરી સર્જન અને અંગ્રેજીના જાણકાર. ગામથી દૂર એમનો પૅડોક. વળી ગોંડલમાં ત્યારે જે ચાર પાંચ અંગ્રેજો હતા એમનો પણ ગામથી દૂર નિવાસ. આ અંગ્રેજો અને પિતા પરસ્પર પડોશી. એથી આ અંગ્રેજોની પિતા સાથે મૈત્રી. આ અંગ્રેજોમાં એક ગાર્ડન સુપરિન્ટેન્ડેન્ટ મિ. મેરટ હતા. એ પ્રસિદ્ધ અંગ્રેજી સાપ્તાહિક ‘બુકમેન’ના ચાહક અને ગ્રાહક. પિતા આ સામયિક પોતે વાંચવા માટે અને યુવાન પુત્રને વંચાવવા માટે મિ. મેરટ પાસેથી નિયમિત ઘરે લાવે. આ સામયિકમાં વરસમાં એક વાર કોઈ એક કવિ કે સાહિત્યકાર કે સાહિત્ય-પ્રવૃત્તિ પર એક વિશેષ ચિત્રસંપુટ પણ સાથે આવે. એના ક્રિસ્ટમસના અંકો અત્યંત સમૃદ્ધ. એના તંત્રી સેન્ટ જ્હૉન ઍડકોક એક વિરલ વ્યક્તિ. અંગ્રેજી સાહિત્યના જગતમાં એમનો પ્રબળ પ્રભાવ. ફ્લીટ સ્ટ્રીટમાં એમની કૅબિનમાં રોજ મોડી રાત લગી દીવો બળતો હોય અને એ કોઈ નવા લેખકનો લેખ સુધારવામાં કે કોઈ તરુણ સર્જકને પ્રોત્સાહનનો પત્ર લખવામાં કાર્યરત હોય. અંગ્રેજ પ્રજાએ એમના અવસાન પછી એમને ‘ફલીટ સ્ટ્રીટના સેન્ટ જ્હૉન’ના નામે નવાજીને અંજલિ અર્પી હતી. ‘બુકમેન’ આ યુવાનની યુનિવર્સિટી અને સેન્ટ જ્હૉન ઍડકોક આ યુવાનના કુલપતિ. આ અંગ્રેજી સામયિક, આ અંગ્રેજ તંત્રી અને એમની અંગ્રેજિયત એ યુવાન બચુભાઈના જીવન અને કાર્યની મુખ્ય અને પ્રથમ પ્રેરણા. આ ઉપરાંત ગોંડલના કવિ ‘વિહારી’ની પ્રેરણાથી કવિતા — સવિશેષ ગુજરાતી કવિતા–માં ભારે રસ. અન્ય સ્થાનિક કવિઓ, લેખકો અને ચિત્રકારોની મૈત્રી. સ્થાનિક લાઇબ્રેરીમાંથી પુસ્તકોનું વાચન ને પ્રસિદ્ધ ગુજરાતી સામયિક ‘વીસમી સદી’નું ભારે આકર્ષણ. પરિણામે ગોંડલમાં આ યુવાને એ હજી અમદાવાદ જાય અને બચુભાઈ થાય તે પૂર્વે સ્વરચિત લખાણો અને ચિત્રોથી સભર એવું ‘જ્ઞાનાંજલિ’ હસ્તલિખિત પ્રગટ કર્યું હતું. આ ‘જ્ઞાનાંજલિ’ને નિમિત્તે જ ગોંડલમાં આ યુવાનનું રવિશંકર રાવળ સાથે મિલન થયું. આ મિલનમાં આ યુવાનને ગોંડલથી વધુ વિશાળ એવા કોઈ જગતમાં કશુંક કરવાની ઇચ્છા છે અને રવિશંકર રાવળને પણ એવી જ કોઈ ઇચ્છા છે એમ પરસ્પર સ્વપ્નવિનિમય થયો. આમ, આ મિલન ‘કુમાર’ના બીજરૂપ હતું. એકવીસ વરસની વયે બચુભાઈ અમદાવાદમાં આવ્યા. આરંભમાં ‘સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય’માં કાર્ય કર્યું. પછી મુંબઈમાં ‘વીસમી સદી’માં કાર્ય કરવાનું વિચાર્યું ત્યાં જ એના તંત્રી હાજીમહમદ અલારખિયાનું અકાળ અવસાન થયું. રવિશંકર રાવળના સૂચનથી બચુભાઈએ ‘હાજી મહમદ સ્મારક ગ્રંથ’નું સંપાદન કર્યું. એમાં બચુભાઈનું ગુજરાત વિશેનું એક કાવ્ય પ્રગટ થયું. આ સમયમાં જ ‘નવજીવન’નો આરંભ થયો એમાં પણ બચુભાઈએ દોઢેક વરસ કાર્ય કર્યું. આમ અમદાવાદમાં આરંભનાં પાંચ વરસ લગી આ બે પ્રસિદ્ધ મુદ્રણ-પ્રકાશનની સંસ્થાઓમાં બચુભાઈનું કાર્ય ‘કુમાર’ની પૂર્વભૂમિકારૂપ હતું. વિશેષ તો ગોંડલમાં ‘બુકમેન’ના અનુભવના અનુસંધાનમાં અમદાવાદમાં બચુભાઈ રેલવે સ્ટેશન પરના વ્હીલર બુકસ્ટૉલ પર દાયકાઓ લગી દર અઠવાડિયે નિયમિત ગયા. પરદેશનાં કળા અને સાહિત્યનાં અનેક સામયિકોના પરિચયમાં આવ્યા. એમાંથી કેટલાંક સામયિકો એ નિયમિત ઘરે લાવ્યા. અને એના વાચનમનનથી સમૃદ્ધ થયા. એમાંથી ‘જ્હૉન ઑફ લંડન્સ વીકલી’ના તો એ ગ્રાહક પણ થયા. ઇંગ્લૅન્ડના કવિઓ અને સાહિત્યકારોનું એ પ્રિય સાપ્તાહિક. એમાં ‘લૅટર્સ ટુ ગૉગ ઍન્ડ મૅગૉગ’ આદિ તંત્રીલેખો, સાહિત્ય વિશેના વિવિધ પ્રશ્નોના તંત્રીના ઉત્તરો, વચ્ચેનાં પાનાં પરના વાય. વાય.ના ઉપનામથી રૉબર્ટ લીન્ડના અંગત નિબંધો આદિનું બચુભાઈને ભારે આકર્ષણ. ત્યારે બચુભાઈનું બીજું એક પ્રિય સાપ્તાહિક તે ‘એથીનિયમ.’ મિડલટન મરી, કૅથૅરિન મૅન્સફીલ્ડ, ડી. એચ. લૉરેન્સ આદિ એનાં સંપાદકો. બચુભાઈનું એવું જ એક પ્રિય સામયિક તે અમેરિકાનું ‘લિટરરી ડાયજેસ્ટ.’ એનો ‘કરંટ પોએટ્રી’ — કવિતા વિભાગ અત્યંત સમૃદ્ધ. એમાં અનેક નવીન કવિઓનાં અનેક કાવ્યો એકસાથે પ્રસિદ્ધ થાય. એના વાચનમનનથી બચુભાઈનો કવિતારસ વધુ તીવ્ર થયો. વળી બચુભાઈનું બીજું એક પ્રિય સાપ્તાહિક તે ‘ઍમૅટર ફોટોગ્રાફર.’ ફોટોગ્રાફીની કળાનું એ પ્રસિદ્ધ સામયિક, એમાં નવા ફોટોગ્રાફરોની કૃતિઓ પરનું વિવરણ, ફોટોગ્રાફીની કળા પરના લેખો આદિનું બચુભાઈને ભારે આકર્ષણ. આમ અમદાવાદમાં આરંભમાં જ બચુભાઈનું આ સામયિકોનું વાચનમનન ‘કુમાર’ની વધુ સૂક્ષ્મ પૂર્વભૂમિકારૂપ હતું. અને ૧૯૨૪માં રવિશંકર રાવળ અને બચુભાઈએ ‘કુમાર’ માસિકનો આરંભ કર્યો. ત્યાર પછીનો બચુભાઈની સંપાદનસિદ્ધિનો ઇતિહાસ તો ૧૯૨૪ના જાન્યુઆરીના પ્રથમ અંકથી તે એમણે આયુષ્યના અંતિમ દિવસોમાં પણ મૃત્યુશય્યા પરથી જેનું સંપાદન કર્યું તે ૧૯૮૦ના જુલાઈના અંક લગીના ‘કુમાર’ના પ્રત્યેક અંકને પાનેપાને અંકિત છે. ૧૯૪૨માં રવિશંકર રાવળ ‘કુમાર’થી મુક્ત થયા. એથી ૧૯૪૩થી ‘કુમાર’નું ‘કુમાર કાર્યાલય લિમિટેડ’માં રૂપાન્તર થયું. બચુભાઈના અંગત મિત્રોની સક્રિય સહાયથી ‘કુમાર’ સજીવન રહ્યું અને બચુભાઈ હવે ‘કુમાર’ના સંપાદક ઉપરાંત આયુષ્યના અંત લગી ‘કુમાર કાર્યાલય લિમિટેડ’ના સંચાલક પણ રહ્યા. બચુભાઈએ એમના અંતિમ દિન લગી ‘કુમાર’નું સંપાદન કર્યું હતું. એમણે ૧૯૮૦ના જુલાઈનો સમગ્ર અંક ૧૪૫૪ રાયપુરમાંથી નહિ પણ નિવાસસ્થાન ‘નેપથ્ય’માંથી તૈયાર કર્યો પછી ૧૨મીએ એમનું અવસાન થયું એથી તો એમની અવસાનનોંધ એ અંકની વચમાં ૨૩૬/૧ થી ૨૩૬/૪ એવા પૃષ્ઠાંક સાથે ચાર પાનાંમાં પ્રગટ કરવામાં આવી છે. ‘કુમાર’ જેવા સાહિત્યસભર અને કળાસમૃદ્ધ સામયિકનું સતત અઠ્ઠાવનેક વરસ લગી લિપિ અને મુદ્રણની સૂક્ષ્મ અને માર્મિક સૂઝસમજપૂર્વકનું સંપાદન — બચુભાઈની આ સંપાદનસિદ્ધિ એ સંપાદનના ઇતિહાસની એક વિરલ ઘટના છે. અક્ષરો — સ્વરો અને વ્યંજનોના અવાજને જેમ એનો આરોહ, અવરોહ અને લયલહેકો હોય છે તેમ એમના આકારને પણ એનો મોડમરોડ અને લયલહેકો હોય છે. અક્ષરોમાંથી, શબ્દોમાંથી, વાણીમાંથી જેમ સર્વાંગસંપૂર્ણ અને સાદ્યંતસુંદર એવી સુશ્લિષ્ટ અને સુગ્રથિત કૃતિ, કલાકૃતિ, કલા-આકૃતિનું સર્જન થાય છે તેમ અક્ષરોમાંથી, લિપિમાંથી, મુદ્રણમાંથી પણ એવી જ કૃતિ, કલાકૃતિ, કલા-આકૃતિનું સર્જન થાય છે. બચુભાઈએ ‘કુમાર’ના અસંખ્ય અંકોમાં, અન્ય સામયિકોના અનેક અંકોમાં અને કેટલાક ગ્રંથોમાં — અરે, પત્રિકાઓ, લગ્નપત્રિકાઓ, મંગલાષ્ટકો, માનપત્રો, પ્રમાણપત્રો, પત્રનામાક્ષરો આદિ સુધ્ધાંમાં — આવું સર્જન કર્યું છે. આ અર્થમાં બચુભાઈ સર્જક હતા, કલાકાર હતા. ગુજરાતી લિપિએ બચુભાઈ સમક્ષ એનું હૃદય ખુલ્લું કર્યું હતું. બચુભાઈએ ગુજરાતી લિપિને કેટકેટલાં લાડ લડાવ્યાં છે. મુદ્રણની કળા બચુભાઈને સહજ હતી. મુદ્રણ એક કળા છે એ દૃષ્ટિ ગુજરાતને બચુભાઈને અર્પી છે, તો લિપિ અને મુદ્રણ અંગેની અનેક ઔપચારિક-અનૌપચારિક સંસ્થાઓના અને સમિતિઓમાં પદ દ્વારા તથા પદકો અને પુરસ્કારો દ્વારા અનન્ય અને અધિકારજન્ય એવી પ્રતિષ્ઠા ગુજરાતે બચુભાઈને અર્પી છે. સવિશેષ તો ગોંડલમાં અને અમદાવાદમાં ‘બુકમૅન’, ‘જ્હૉન ઑફ લંડન્સ વીકલી’, ‘લિટરરી ડાયજેસ્ટ’, ‘ઍમૅટર ફોટોગ્રાફર’, ‘ઇલસ્ટ્રેટેડ લંડન ન્યૂઝ’ આદિના અનુભવના અનુસંધાનમાં બચુભાઈએ, ૧૯૨૪માં ‘કુમાર’ના આરંભની સાથે-સાથે જ રવિશંકર રાવળે ‘કુમાર કૅમેરા ક્લબ’નો પણ આરંભ કર્યો હતો એની પૂર્તિ રૂપે નવા ફોટોગ્રાફરોને એમની કૃતિઓના વિવરણ અને વિવેચન દ્વારા પ્રોત્સાહન અને માર્ગદર્શન પ્રાપ્ત થાય એ માટે ‘નિહારિકા’નો આરંભ કર્યો. કુમાર કાર્યાલયમાં દર શુક્રવારે રાત્રે આઠ વાગ્યે ‘નિહારિકા’ની આ પ્રવૃત્તિ નિયમિત યોજાવા લાગી. પછી તો ‘નિહારિકા’નો સ્વતંત્ર વિકાસ થયો અને આજે હવે ફોટોગ્રાફીની કળાની એક રાષ્ટ્રીય સંસ્થા રૂપે એનું સ્વતંત્ર એવું સ્વાયત્ત અસ્તિત્વ છે. ૧૯૨૪થી તે આજ લગી ‘કુમાર’ના પ્રત્યેક અંકમાં કવિતાનું સ્થાન પણ ખરું. એથી ‘કુમાર’ માટે ટપાલમાં કાવ્યો આવે. સ્થાનિક નવા કવિઓ રૂબરૂ કાવ્યો લાવે. એ કાવ્યો વિશે બચુભાઈ અને દેશળજી પરમાર આદિ કવિમિત્રો વચ્ચે અવારનવાર ચર્ચા-વિચારણા થાય. આ પરથી તરત જ ‘નિહારિકા’ને પગલેપગલે બચુભાઈએ નવા કવિઓને એમની કૃતિઓના વિવરણ અને વિવેચન દ્વારા પ્રોત્સાહન અને માર્ગદર્શન પ્રાપ્ત થાય એ માટે ‘બુધસભા’નો આરંભ કર્યો અને કુમાર કાર્યાલયમાં દર બુધવારે રાત્રે આઠ વાગ્યે ‘બુધસભા’ની આ પ્રવૃત્તિ નિયમિત યોજવાનો નિર્ણય કર્યો. રવીન્દ્રનાથના શાંતિનિકેતનમાં રજા દર બુધવારે હોય છે એની બચુભાઈને માહિતી હતી એમાં બુધવાર માટેની પ્રેરણા હતી. અંગ્રેજી કવિતાનું અગ્રણી સામયિક લંડનની ‘પોએટ્રી સોસાયટી’નું દ્વિમાસિક ‘પોએટ્રી રિવ્યૂ’ અને અમેરિકન કવિતાનું અગ્રણી સામયિક શિકાગોનાં વિદુષી સન્નારી હૅરિયટ મન્રોનું માસિક ‘પોએટ્રી’ — દેશળજી પરમાર ત્યારે આ બન્ને સામયિકોના ગ્રાહક હતા. આ સામયિકોમાં જે સામગ્રી હતી એમાં ‘બુધસભા’ માટેની મુખ્ય પ્રેરણા હતી. આરંભનાં પાંચ-છ વરસમાં ‘બુધસભા’માં સંખ્યા નહિવત્, પછીથી ઠીક ઠીક. આ સમય ગુજરાતી કવિતાના ઇતિહાસમાં એક નવા યુગના આરંભનો સમય હતો. એટલે ૧૯૩૦માં તો વીરમગામ સત્યાગ્રહ છાવણીમાંથી ટપાલમાં એક દિવસ ઉમાશંકરનાં કાવ્યો આવ્યાં. સુંદરમ્ સ્વયં એમનાં કાવ્યો લાવ્યા. પછીથી આ બન્ને કવિઓ સત્યાગ્રહમાં સક્રિય એથી અભ્યાસ માટે કૉલેજ કે વિદ્યાપીઠમાં નહિ, પણ સ્વરાજયના પ્રચારકાર્ય માટે ગ્રામ પ્રદેશમાં પ્રવાસમાં હોય ત્યાંથી કોઈ કોઈ બુધવારે અવારનવાર અમદાવાદ પાછા ફરે અને કુમાર કાર્યાલયમાં અને પછીથી ક્યારેક બચુભાઈના નિવાસસ્થાન ‘નેપથ્ય’માં જ રાતવાસો કરે. એમાં સાથે રામપ્રસાદ શુક્લ પણ હોય. પછી સુન્દરમ્‌ અમદાવાદમાં સ્થાયી થયા. એથી ‘બુધસભા’માં એમની નિયમિત હાજરી હોય. એમણે આ વરસોમાં કાલિદાસ અને પ્રેમાનંદની કવિતાનું તથા સંસ્કૃત કાવ્યશાસ્ત્ર અને આઈ.એ. રિચર્ડ્ઝના ‘પ્રિન્સિપલ્સ ઑફ લિટરરી ક્રિટિસિઝમ’નું નિયમિત વાચન કર્યું અને આમ એક દાયકામાં ‘બુધસભા’ સમૃદ્ધ બની, કવિતાની ‘વર્કશોપ’ (કાર્યશિબિર) બની. પછીના દાયકામાં તો રાજેન્દ્ર શાહ, પિનાકિન્ ઠાકોર, બાલમુકુન્દ દવે, વેણીભાઈ પુરોહિત, અશોક હર્ષ, રમણીક અરાલવાલા આદિ કવિઓની નિયમિત હાજરી હતી એથી ‘બુધસભા’ વધુ સમૃદ્ધ બની. વધુ સક્રિય ‘વર્કશોપ’ બની. ‘બુધસભા’માં મારો પ્રવેશ ૧૯૪૩માં થયો. ત્યારે હું મૅટ્રિકમાં. મારો નિવાસ ચંદનભવનમાં. નિકટમાં જ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય. ૧૯૩૮થી, એટલે પુસ્તકાલયના પ્રથમ દિવસથી જ, લગભગ રોજ ત્યાં સામયિકો વાંચવા જવાનું. દર મહિને નિયમિત ‘કુમાર’ વાંચવાનું. એમાં પહેલું પાનું પણ અચૂક વાંચવાનું, જોકે આ વરસોમાં મને ચિત્રકળા અને ગણિત-વિજ્ઞાનમાં વિશેષ રસ. ત્યારે મને ખ્યાલ જ નહિ કે મારે ક્યારેય કવિતા કરવાનું થશે અને એ તો સ્વપ્નેય ખ્યાલ નહિ કે ‘કુમાર’ને પહેલે પાને મારું કાવ્ય મારે વાંચવાનું હશે. ત્યારે મને એવી કોઈ ઇચ્છા જ ન હતી. મને જો કોઈ ઇચ્છા હોય તો ત્યારે ચિત્રકાર થવાની ઇચ્છા હતી. પણ ૧૯૪૧થી અકસ્માત જ કવિતા કરવાનું થયું. કવિતા દ્વારા લાખિયા કુટુંબનો પરિચય થયો, પછી ૧૯૪૩માં લાખિયા કુટુંબ દ્વારા ‘રંગમંડળ’માં પિનાકિન્ ઠાકોર અને મહેન્દ્ર ભગતનો પરિચય થયો અને પિનાકિન્ ઠાકોર દ્વારા રાજેન્દ્ર શાહનો પરિચય થયો. એક બુધવારે રાત્રે આઠ વાગ્યે રાજેનભાઈ, પિનુભાઈ અને મહેન્દ્રની સાથે પ્રથમ વાર ‘બુધસભા’માં ગયો. પૂર્વે કુમાર કાર્યાલય પર કદી ગયો ન હતો એટલે કુમાર કાર્યાલય પર પણ આમ પ્રથમ વાર જ ગયો. રાયપુર ચકલાથી સારંગપુર ચકલા જવાના મોટા માર્ગ પર ડાબી બાજુ ૧૪૫૪ નંબરના ચોથા મકાનમાં કુમાર કાર્યાલય છે. એને બે બારણાંનો મોટો દરવાજો છે. રાતનો સમય હતો એટલે દરવાજો અંદરથી બંધ હતો. અમે ચારે મિત્રો સાઇકલ પર ગયા હતા. જમણા બારણામાંની બારીમાંથી સાઇકલો કુદાવીને અમે અંદર ગયા હતા. આ આગલા ખંડમાં ડાબી બાજુ હિસાબખાતું હતું અને જમણી બાજુ સાઇકલો માટેની વ્યવસ્થા હતી. બચુભાઈની સાઇકલ ત્યાં હતી. એકને ટેકે એક એમ અમારી ચારે સાઇકલો ત્યાં ગોઠવીને અમે સામી ભીંતની જમણી બાજુના બારણામાંથી બે પગથિયાં ચડીને વચલા ખંડમાં ગયા. વચલા ખંડમાં વચમાં ચોક હતો. જમણી બાજુની ભીંતની ધારેધારે પાંચ-છ કેઇસીસ અને સ્ટૂલ્સ એમ કમ્પોઝ માટેની વ્યવસ્થા હતી. ડાબી બાજુ આગળ એક ખુરશી અને એક ટેબલ એમ એક સહાયક માટેની વ્યવસ્થા હતી. પછી એક બાજુ ભીંત અને બાકીની ત્રણ બાજુ પર લાકડાનાં કબાટો, ખોખાં ને પાટિયાંની ભીંતો રચીને એક નાનકડો ખંડ કર્યો હતો. એમાં બચુભાઈની બેઠક હતી. ચોકની બાજુથી એનો પ્રવેશ હતો. જમણી બાજુ બે ટ્રેડલ મશીન હતાં. પછીથી બેઠકને અંતે પાછલા ખંડમાં પાણી પીવા જવાનું થયું ત્યારે કાર્યાલયનો બાકીનો ભાગ જોવાનું પણ થયું એનું વર્ણન પણ અહીં જ અગાઉથી કરવું જોઈએ. ટ્રેડલ મશીન પછી આ વચલા ખંડની સામેની ભીંતમાં ડાબી બાજુ પાછલા ખંડમાં જવાનું બારણું હતું. પાછલા ખંડમાં પણ વચમાં ચોક હતો. જમણી બાજુ એક મોટું પ્રિન્ટિંગ મશીન હતું. એની સાથે બેત્રણ કેઇસીસ અને સ્ટૂલ્સ એમ કંપોઝ માટેની વ્યવસ્થા હતી. ડાબી બાજુની ભીંતની ધારે-ધારે બેત્રણ મોટા ઘોડાઓ પર જે ફરમા તાજા છપાયા હોય એને સૂકવવાની વ્યવસ્થા હતી ને પછી ડાબી બાજુ બે ખંડ હતા. આગલા નાના ખંડમાં કટિંગ મશીન અને પાછલા મોટા ખંડમાં કાગળના સંગ્રહ માટેની વ્યવસ્થા હતી. પાસે જ ડાબી બાજુ મેડા ઉપર જવાનો દાદર હતો અને જમણી બાજુ પાણિયારું હતું. મેડા પર દાદર પાસેનો ખંડ તે સ્ટોરરૂમ હતો, જ્યાં એક સમયે દિવસના ભાગમાં રવિભાઈનો કલાવર્ગ ચાલતો ને રાતના ભાગમાં એ વર્ગ વિદ્યાર્થીઓનો નિવાસ હતો, સાથે-સાથે અવારનવાર મેઘાણી, ઉમાશંકર આદિનો પણ રાતવાસો થતો. એની બાજુનો ખંડ તે પ્રોસેસ ખાતાનો ડાર્કરૂમ. બાકીની બહારની ખુલ્લી જગામાં પ્રોસેસ ખાતાનો કૅમેરા આદિ સાધન-સામગ્રીની વ્યવસ્થા હતી. આ હતું ત્યારનું ‘કુમાર કાર્યાલય.’ એ પણ અહીં જ નોંધવું જોઈએ કે પછીનાં વરસોમાં વચલા ખંડમાંથી એક ટ્રેડલ મશીન દૂર થયું છે, જ્યારે પાછલા ખંડમાં એક વધુ મોટું પ્રિન્ટિંગ મશીન અને પાછલી જમણી બાજુ વધુ નવી જગાનો તથા મેડા પર એક ખંડનો ઉમેરો થયો છે. આ નવી જગામાં ત્રણ નાના ખંડ છે. એમાં આગલા ખંડમાં બેત્રણ કેઇસીસ અને સ્ટૂલ્સ એમ કંપોઝ માટેની વ્યવસ્થા છે, વચલા ખંડમાં એક વધુ મોટું પ્રિન્ટિંગ મશીન છે. અને પાછલા ખંડમાં સ્ટેશનરીની દુકાન છે. આ દુકાન રાયપુર ચકલાથી ખાડિયા ચાર રસ્તા જવાના મોટા માર્ગ પર ખૂલે છે. મેડા પરના ખંડમાં જવા માટે વચલા ખંડના ચોક પછી ડાબી બાજુ નવો દાદર છે અને ખંડમાં લાઇબ્રેરી તથા વાંચવા-લખવાની અને સૂવા-બેસવાની વ્યવસ્થા છે. આમ, કુમાર કાર્યાલયનો આકાર લંબચોરસ છે અને આજે એનો એક છેડો રાયપુર ચકલાથી સારંગપુર જવાના મોટા માર્ગ પર અને બીજા છેડો રાયપુર ચકલાથી ખાડિયા ચાર રસ્તા જવાના મોટા માર્ગ પર છે. કુમાર કાર્યાલય એટલે માત્ર આટલી જ જગા અને આટલી જ સાધનસામગ્રી. અહીં એનું આટલું વિગતે વર્ણન સકારણ કર્યું છે. જેમ ‘કુમાર’ને પાનેપાને તસુએ તસુ જગામાં તેમ કાર્યાલયને ખૂણેખૂણે, ઉપરનીચે, આજુબાજુ, આગળપાછળ જ્યાં નજર નાખો ત્યાં, ઇંચ-ઇંચ જગામાં બચુભાઈનું વિશિષ્ટ વ્યક્તિત્વ પ્રત્યક્ષ થતું હતું. બધું જ સ્વચ્છ, સુઘડ, સુન્દર અને સુવ્યવસ્થિત. બચુભાઈ એટલે કરકસર, કંજૂસાઈ નહિ પણ કરકસર. બચુભાઈ એટલે જાહોજલાલી, ઉડાઉગીરી નહિ પણ જાહોજલાલી. બચુભાઈ એટલે ચીવટ અને ચોકસાઈ. બચુભાઈ એટલે પ્રશિષ્ટતા. બચુભાઈ એટલે પ્રશિષ્ટતામાં હોય તે સમૃદ્ધિ અને સંયમ. ત્રેવડ બચુભાઈનો ત્રીજો નહિ પણ બીજો ભાઈ. અરે, બચુભાઈ એકાદ નાનો સરખો પત્ર લખે ને તો એ પણ હંમેશાં લખાણના પ્રમાણમાં ‘કુમાર’નાં ચિહ્ન-નામ-સરનામાવાળા કાગળ કે કાર્ડ પર લખે, એટલું જ નહિ પણ ઝીણા મોતી જેવા સ્વચ્છ, સુઘડ, સુંદર અને વ્યવસ્થિત અક્ષરોમાં લખે. શું પત્ર, શું ‘કુમાર’, શું કાર્યાલય, તસુએ તસુ, ઇંચેઇંચ જગાને રસેકસે નહિ તો બચુભાઈ નહિ. ૧૯૪૨ લગીમાં ‘કુમાર’નું જો એક સધ્ધર અને સમૃદ્ધ સંસ્કારસંસ્થાનું સ્વરૂપ થયું હોય તો તે ૧૯૨૪થી ૧૯૪૨ બરોબર બે તપની બચુભાઈની નૈષ્ઠિક તપશ્ચર્યાને કારણે. રવિશંકર રાવળ તો પ્રાણવાયુરૂપ, વાતાવરણરૂપ હતા. ૧૯૪૨માં તેમણે સ્વાસ્થ્યને કારણે ‘કુમાર’માંથી મુક્ત થવા નિર્ણય કર્યો. પછી ‘કુમાર કાર્યાલય લિમિટેડે’ ‘કુમાર’ સંભાળી લીધું. એમાં અલબત્ત કેટલાક સંસ્કારી, સંપન્ન, સહૃદય સજ્જનોની આર્થિક સહાય તો હતી જ. પણ ‘કુમાર’ને સંજીવની તો અર્પી બચુભાઈએ, એમનાં ત્યાગ અને સમર્પણ દ્વારા. ત્યારથી તે આયુષ્યના અંતિમ શ્વાસ લગી એમણે એકલે હાથે ‘કુમાર કાર્યાલય લિમિટેડ’નું, આર્થિક લાભાલાભનાં લેખાંજોખાં કર્યા વિના, વેતનની રકમમાં એક પણ મીંડું ચડાવ્યા વિના સંચાલન કર્યું. બચુભાઈને આટલી ઓછી જગા અને આટલી આછી સાધનસામગ્રીને સ્થાને વિશાળ જગા અને વિપુલ સાધનસામગ્રી સુલભ હોત, અથવા બચુભાઈમાં ગુજરાતીઓને સહજસુલભ એવું સાહસ, આર્થિક સાહસ હોત તો… તો આજે ‘કુમાર’ એ માત્ર ગુજરાતની જ નહિ પણ સમગ્ર ભારતની રસરુચિપૂર્વકની, કલાસૂઝપૂર્વકની, સૌંદર્યદૃષ્ટિપૂર્વકની એક અગ્રણી સંસ્કારસંસ્થા હોત! અમે ચાર મિત્રોએ બચુભાઈની બેઠક જ્યાં હતી ત્યાં ચોકની બાજુથી પ્રવેશ કર્યો. પિનુભાઈએ બચુભાઈને અને મને પરસ્પરનો પરિચય કરાવ્યો. જોકે બચુભાઈ તો મને ૧૯૩૮થી એમના નામથી અને કામથી પરોક્ષ રૂપે પરિચિત હતા. પણ હું એમને મારા નામથી કે કામથી (કામ તે વળી કર્યું જ શું હતું?) પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે પરિચિત ન હતો. બચુભાઈ પ્રવેશ માટેના ખૂણાથી બરોબર સામેના ખૂણામાં એક રિવૉલ્વિંગ ચૅર પર બેઠા હતા. કોઈને પત્ર લખી રહ્યા હતા — કદાચને કોઈ કવિલેખકને એના કાવ્ય-લેખના સ્વીકારનો અથવા, અલબત્ત, પ્રોત્સાહન અને માર્ગદર્શનના બે શબ્દો સાથે જ અસ્વીકારનો; અથવા કાવ્યલેખમાં કોઈ સુધારાના સૂચનનો, અથવા માત્ર સંસ્થાના કોઈ વ્યાપાર-વ્યવહારનો — તે લખવાનું ચાલુ રાખ્યું. અસ્ત્રી વિનાનું, ખાદીનું સફેદ લાંબી બાંયનું, બંધ કૉલરનું પહેરણ અને ખાદીનો સફેદ સુરવાલ પહેર્યાં હતાં. જમણી બાજુ ઊંચે ખીંટી પર અસ્ત્રીવાળો ખાદીનો સફેદ, લાંબો કોટ લટકાવ્યો હતો. તો ટોપી ક્યાં હશે? એ ખાદીની, સફેદ ઊંચી દીવાલની ટોપી તો અસ્ત્રી કરવા ખુરશીની ગાદી નીચે દાબી હતી, તે બેઠકને અંતે કોટની સાથે પહેરે ત્યારે જ પામી શકાય ને? બચુભાઈને કદી આથી અન્ય એવા કોઈ પોશાકમાં જોયાનું સ્મરણ નથી, કોઈને નહિ હોય. લાંબો-પાતળો દેહ; શ્યામ વર્ણ; ચોરસ, ચપટું મોં; મોટું કપાળ; ઊંડા ગાલ; લાંબા પહોળા કાન, ગોળ બેઠું નાક, પાતળા દાબેલા હોઠ; પહોળી, તીણી આંખો — જેમ બચુભાઈનું આંતર વ્યક્તિત્વ તેમ એમનું બાહ્ય વ્યક્તિત્વ પણ વિશિષ્ટ હતું. ડાબી બાજુ ખૂણામાં એક કબાટ હતું. કબાટનું કબાટ અને ટેબલનું ટેબલ. કબાટનું એક ખાનું એવું કે તેને ઢાંકતું પાટિયું નીચે કરો એટલે એ ખાનું ઊઘડી જાય અને ટેબલ તરીકે કામ લાગે. ખાનામાં યે અંદર અનેક ખાનાં. એક-એક ખાનામાં અનેક ચીજવસ્તુ. કોઈ ખાનામાં પ્રેસના એકએક વિભાગની માહિતીની વિગતોની નોંધપોથીઓ, કોઈ ખાનામાં અનેક પ્રેસકટિંગ્સ, કોઈ ખાનામાં અનેક પત્રો, કોઈ ખાનામાં અનેક લેખોની હસ્તપ્રતો, કોઈ ખાનામાં અનેક કાવ્યોની હસ્તપ્રતો; કોઈ ખાનામાં અનેક ફોટોગ્રાફ્સ, કોઈ ખાનામાં પેન, પેન્સિલ, રબર, શાહી, ગુંદરની શીશી, કાતર, ફૂટપટ્ટી, મૅગ્નિફાઇંગ ગ્લાસ આદિ અનેક સામગ્રી, કોઈ ખાનામાં જુદાજુદા કદનાં ‘કુમાર’નાં ચિહ્ન-નામ-સરનામાવાળાં અનેક કોરા કાગળો અને કાર્ડ્ઝ, ત્રણ બાજુ લાકડાનાં કબાટો, ખોખાં અને પાટિયાંની ભીંતો રચી હતી. એમાં સામયિકો, પુસ્તકો, કોશો, સંદર્ભગ્રંથો આદિ અનેક સામગ્રી. બચુભાઈની બેઠકની જમણી બાજુ બેચાર ગાદીવાળા મૂડા અને સામેની બાજુ ચારેક વ્યક્તિઓ બેસી શકે એવી એક ગાદીવાળી પાટલી. બધું જ સ્વચ્છ, સુઘડ, સુંદર અને સુવ્યવસ્થિત. જેમાં દિવસે પણ વીજદીવો કરવાનો હોય એવો આ માંડ ૮x૮નો નાનકડો ખંડ. એ જ બચુભાઈનું ગોકુળ અને એ જ બચુભાઈનું વૃંદાવન! અમે ચારે મિત્રો બચુભાઈની ખુરશીની સામેની પાટલી પર બેસી ગયા. પછી જે કવિમિત્રો આવ્યા તે બચુભાઈની ખુરશીની જમણી બાજુ મૂડાઓ પર બેસી ગયા. ત્યાર પછી જે કવિમિત્રો આવ્યા તે પ્રવેશના ખૂણામાં કંપોઝિટરોનાં સ્ટૂલ્સ લાવીને એની પર બેસી ગયા. (પછીના વરસોમાં જ્યારે સંખ્યા કંઈક વધુ — વીસપચીસની — હતી ત્યારે કેટલાક કવિમિત્રો ચોકમાં પણ સ્ટૂલ્સ લાવીને એની પર બેસી જતા હતા. ‘બુધસભા’નો જે સામાન્ય ઉપક્રમ હતો એનું વર્ણન પણ અહીં જ કરવું જોઈએ. પ્રથમ જે કવિમિત્રો આવ્યા હોય એમાંથી જેઓ કાવ્યો લાવ્યા હોય એમનાં કાવ્યોનું પઠન થાય — પઠન કવિ સ્વમુખે કરે અથવા બચુભાઈ કરે, ક્યારેક બન્ને — પ્રથમ કવિ અને પછી બચુભાઈ — કરે, અને એ કાવ્યો વિશે ચર્ચા થાય. પછી ટપાલમાં જે કાવ્યો આવ્યાં હોય એનું બચુભાઈ પઠન કરે અને એ કાવ્યો વિશે ચર્ચા થાય. આવો ક્રમ હતો. બેઅઢી કલાકનો આ ઉપક્રમ. સાડાદસ-અગિયાર વાગ્યે બેઠક બંધ થાય. જેમને તરસ લાગી હોય તે પાછલા ખંડમાં પાણિયારે પાણી પીવા જાય. ક્યારેક કેટલાક પાણી પીવાને બહાને વચમાં જતાં કે આવતાં જો ‘કુમાર’નો પહેલો ફરમો છપાયો હોય અને ઘોડા પર સુકાવા મૂક્યો હોય અથવા સુકાયો હોય ને વાળીને ખૂણામાં મૂક્યો હોય તો પહેલે પાને કોનું કાવ્ય છપાયું છે તે છાનુંમાનું જોવાને જાય. ત્યાં પણ ક્યારેક ચર્ચા ચાલુ હોય. ત્યાં લગીમાં બચુભાઈ કબાટ બંધ કરે, કોટટોપી પહેરે, મુખ્ય દરવાજાના બારણા પાસે સાઇકલની બાજુમાં એમના દોરી વિનાના બૂટ મૂક્યા હોય તે પહેરે અને ઘરે જવાની તૈયારી કરે. અને આમ સૌ ઘરે જાય. ના, ક્યારેક ચર્ચામાં એવી ઉગ્રતા કે ઉત્તેજના હોય તો પિનુભાઈ, પ્રિયકાન્ત, નલિન, હસમુખ, શેખાદમ અને હું એમ કેટલાક કવિમિત્રો રાયપુર ચકલામાં અથવા બાલાહનુમાન પાસે અથવા ભદ્રના બસસ્ટૉપ પાસે અથવા એલિસબ્રિજને નાકે અથવા નદી પાર ટાઉનહૉલ પાસે મધરાતના એકાદ વાગ્યા લગી થોભી જઈએ અને અમારી ચર્ચા ચાલુ હોય. તો વળી અશોક હર્ષ, કાલિદાસ જાદવ આદિ કેટલાક કવિમિત્રો રાયપુર ચકલા અથવા રાયપુર દરવાજા અથવા કાંકરિયાની પાળે લગભગ સવારોસવાર લગી થોભી જાય અને એમની ચર્ચા ચાલુ હોય — રાયપુર દરવાજાનાં ભજિયાં અને મરચાંનો તીખો રસ પણ એમની ચર્ચાના મધુર રસમાં વૃદ્ધિ કરે. બચુભાઈએ એમનું પત્ર લખવાનું થોડીક વારમાં જ પૂરું કર્યું અને મને પૂછ્યું, ‘કાવ્યો લાવ્યા છો?’ મેં કહ્યું, ‘હા.’ એટલે બચુભાઈએ તો કહ્યું, ‘તો વાંચો!’ મેં કહ્યું, ‘તમે વાંચો!’ અને બે કાવ્યો લાવ્યો હતો તે બચુભાઈના હાથમાં ધર્યાં. ક્યારેક ખાનગીમાં રાજેન્‌ભાઈ, પિનુભાઈ, મહેન્દ્ર કે અન્ય કોઈ અંગત આત્મીય અતિ નિકટના મિત્ર સમક્ષ મેં મારાં કાવ્યોનું પઠન કર્યું હતું, પણ જાહેરમાં કદી કર્યું ન હતું. શાળાના વાર્ષિક નાટ્યોત્સવ કે ‘રંગમંડળ’ના નૃત્યનાટ્ય માટે કેટલાંક ગીતો રચ્યાં હતાં એ જાહેરમાં અન્ય ગાયકોને કંઠે ગવાયાં હતાં, પણ સ્વકંઠે કદી ગવાયાં ન હતાં. બચુભાઈ મારી મૂંઝવણ તરત સમજી ગયા અને એમણે બન્ને કાવ્યોનું પઠન કર્યું. ‘સ્વપ્ને છકેલ બસ પાગલ જિંદગાની…’ એક સૉનેટ અને પછી ‘છકેલી ફાલ્ગુની છલબલ છટા શી પૃથિવીની…’ બીજું સૉનેટ જેમ બચુભાઈના અક્ષરો તેમ બચુભાઈના ઉચ્ચારો પણ સ્વચ્છ, સુઘડ, સુન્દર અને સુવ્યવસ્થિત. બચુભાઈને છંદોનો પક્ષપાત, છંદોમાં લઘુને સ્થાને ગુરુ અને ગુરુને સ્થાને લઘુ અક્ષરના સ્વછંદનો વિરોધ, વ્યાકરણશુદ્ધિનો આગ્રહ. મને પણ ત્યારે બાલાશંકર-મણિશંકરના છંદોનો છાક, એથી બચુભાઈ બન્ને કાવ્યોના છંદોલયથી પ્રસન્ન, બન્ને કાવ્યોમાં વ્યાકરણશુદ્ધિ તો હતી, પણ ‘ફાલ્ગુની’માં ગુરુને સ્થાને લઘુ અને ‘પૃથિવીની’માં લઘુને સ્થાને ગુરુ અક્ષર આદિ દોષોથી એ અપ્રસન્ન. પણ બચુભાઈને બન્ને કાવ્યો અને તે પણ સૉનેટો, અને વળી તે પણ સત્તર વરસના છોકરડાનાં સૉનેટો — છંદો ઉપરાંત ભાવ અને વિચારને કારણે પણ કાવ્યો તરીકે ગમ્યાં હશે એથી જ તો એમાંથી એક સૉનેટ એમણે પછીથી ૧૯૪૫ના ફેબ્રુઆરીના ‘કુમાર’ના અંકમાં પહેલે પાને પ્રથમ સ્થાને ‘જાગૃતિ’ શીર્ષક સાથે અને માત્ર ‘નિરંજન’ એટલા જ કવિનામ સાથે પ્રગટ કર્યું હતું. શીર્ષક અને સંકોચને કારણે અપૂર્ણ કવિનામ બન્ને મેં સૂચવ્યાં હતાં. આ મારું પ્રથમ પ્રસિદ્ધ કાવ્ય હતું. બચુભાઈએ આમ વરસે-દોઢ વરસે આ સૉનેટ પ્રગટ કર્યું એમાં એમની પ્રસિદ્ધ એવી સંપાદનની લાક્ષણિક શૈલી હતી. સ્વયં કવિને કે પછી સંપાદકને કાવ્યમાં કંઈ સુધારો-વધારો-ઘટાડો કરવાનું સૂઝે તો! એથી કાવ્યહિતાર્થે બચુભાઈ ‘કુમાર’ માટે કાવ્ય પસંદ કરે પછી લાંબા સમય લગી પ્રગટ કરે નહિ. બચુભાઈએ બન્ને સૉનેટોનું પઠન પૂરું કર્યું અને પછી એમણે પૂછયું, ‘બીજાં કાવ્યો છે?’ મેં કહ્યું, ‘ના.’ એટલે પિનુભાઈએ કહ્યું, ‘છે પણ લાવ્યા નથી. ગીતોપણ રચે છે.’ બચુભાઈએ તરત કહ્યું, ‘કોઈ ગીતો સ્મરણમાં હોય તો ગાઓ!’ શાળાના વાર્ષિક નાટ્યોત્સવ માટે ‘જમુનાને તીર.. નીર.. ગાગર… સાગર’ એવા પ્રાસ સાથે ગોવાલણી વિશે એક ગીત રચ્યું હતું તે સ્મરણમાં હતું (આજે હવે નથી!) તે ગાયું. અને પછી બન્ને સૉનેટો અને ગીત વિશે ચર્ચા… આમ, ‘બુધસભા’માં નિયમિત જવાનો મેં આરંભ કર્યો. ત્યારથી માંડી ૧૯૪૬ લગી ત્રણ-ચાર વરસ હું ‘બુધસભા’માં નિયમિત ગયો. આ વરસોમાં બચુભાઈએ મારાં બે કાવ્યો ‘કુમાર’ને પહેલે પાને પ્રગટ કર્યાં હતાં. કાવ્યના કદ પ્રમાણે એક, બે કે ત્રણ રૂપિયાનો પુરસ્કાર મને પ્રાપ્ત થયો હતો. આ મારી મહેનતમજૂરીની પહેલવહેલી કમાણી હતી. આ પરસેવાનું ધન હતું, એથી મને — અને વિશેષ તો મારી બાને — અનિર્વચનીય આનંદ થયો હતો. એટલો આનંદ પછીથી જીવનભરની કમાણીથી, અનેકગણા ધનથી પણ અમને બેમાંથી એકેને કદી થયો નથી. ૧૯૪૬થી ૧૯૪૮ બે વરસ હું મુંબઈ ગયો. તે પૂર્વે ૧૯૪૪થી રાજેન્‌ભાઈ મુંબઈમાં વસ્યા હતા. હું ગીરગામ પર વ્હીગાસ સ્ટ્રીટમાં અને એ કાલાબાદેવી પર ભૂલેશ્વરમાં. પાસેપાસે. એટલે રાજેન્‌ભાઈને કબૂતરખાના પાસેના મણિભવનને ચોથે માળે એમને ઘરે લગભગ રોજ રાતના નવથી દસ-અગિયાર લગી મળવાનું થતું હતું. પરસ્પરનાં કાવ્યોનું વાચન-વિવેચન કરવાનું અને ક્યારેક એમાં સુધારા-વધારા કરવાનું થતું હતું. ત્યારે અમારે બન્નેને અવારનવાર અમારાં કાવ્યો મુંબઈથી ટપાલમાં બચુભાઈને મોકલવાનું થયું હતું. જોકે આ વરસોમાં ઉનાળા-શિયાળાની લાંબીટૂંકી રજાઓમાં અમદાવાદ આવું ત્યારે ‘બુધસભા’માં નિયમિત ગયો હતો. આ વરસોમાં બચુભાઈ જ્યારે મુંબઈ આવે ત્યારે એમને પ્રિન્સેસ સ્ટ્રીટ પર કીકાભાઈ ટાઇપ ફાઉન્ડ્રીના મેડા પર બીજે માળે શ્રી હરિશ્ચન્દ્ર ભટ્ટને ઘરે ઊતરવાનું થતું હતું. આ સમયમાં બચુભાઈ જ્યારે મુંબઈ આવે ત્યારે રાજેન્‌ભાઈની સાથે મારે એમને હરિશ્ચન્દ્રભાઈને ઘરે અવારનવાર મળવાનું થયું હતું. ૧૯૪૬માં બચુભાઈએ મને હરિશ્ચન્દ્રભાઈનો પરિચય કરાવ્યો હતો. હરિશ્ચન્દ્રભાઈના ઘરમાં યુરોપીય કવિતાના અંગ્રેજી અનુવાદોની નાની પણ અતિ સમૃદ્ધ લાઇબ્રેરી હતી. શાળામાં હું ફ્રેન્ચ ભણ્યો હતો એથી ફ્રેન્ચ કવિતાની પૂર્વભૂમિકા તો હતી. હવે હરિશ્ચન્દ્રભાઈને કારણે મને યુરોપીય કવિતા — સવિશેષ બૉદલેર અને રિલ્કેની કવિતાના વિશાળ વિશ્વમાં વિચરવાનું - વિહરવાનું થયું. ૧૯૪૬થી તે આજ લગી હું વિશ્વકવિતાનો અનિર્વચનીય આનંદ લૂંટી રહ્યો છું એનું અધઝાઝેરું શ્રેય હરિશ્ચન્દ્રભાઈને છે, ૧૯૪૬થી ૧૯૫૦માં હરિશ્ચન્દ્રભાઈના અવસાન લગી એમની સાથેની મૈત્રી એ મારા જીવનનું એક પરમ સદ્ભાગ્ય છે. આ મૈત્રીનું શ્રેય બચુભાઈને છે. આ અનુભવ માટે બચુભાઈ પ્રત્યેની મારી કૃતજ્ઞતા હું શબ્દોમાં કદી પ્રગટ નહિ કરી શકું. આ વરસોમાં અમદાવાદમાં પિનુભાઈ અને મહેન્દ્રએ તથા મુંબઈમાં રાજેન્‌ભાઈ અને મડિયાએ જ્યારે-જ્યારે કોઈ અપરિચિત કવિ કે સહૃદય સાથે મારો પરિચય કરાવ્યો હોય ત્યારે ‘કુમાર’માં કાવ્યો વાંચ્યાનો ઉલ્લેખ થાય. કવિઓ અને સહૃદયોના આ પ્રતિભાવ પરથી ‘કુમાર’નું પહેલું પાનું એ કવિઓને માટે એમની મહત્ત્વાકાંક્ષાનું કેવું તો પરમ લક્ષ્ય છે અને સહૃદયોને માટે એમની રસચર્વણાનું કેવું તો અમોઘ આકર્ષણ છે એનો અનુભવ થયો. ૧૯૪૭માં ‘સંસ્કૃતિ’ પ્રગટ થયું ત્યાં લગીના બે દાયકા સુધી ‘કુમાર’નું પહેલું પાનું એ ગુજરાતી કવિતાનું એકમાત્ર ‘ધોરણ’ હતું. જે કવિનું કાવ્ય ‘કુમાર’ને પહેલે પાને પ્રગટ થાય એનો ગુજરાતમાં કવિ તરીકે તરત સ્વીકાર થતો હતો. આ સદીની પહેલી પચ્ચીસીમાં ફ્રેન્ચ કવિતાના જગતમાં ‘નુવેલ રવ્યુ ફ્રાન્સેસ’ અને ગાલિમારનું જે સ્થાન તે માત્રાનું નહિ તો તે પ્રકારનું આ સદીની બીજી પચ્ચીસીમાં ગુજરાતી કવિતાના જગતમાં ‘કુમાર’ અને બચુભાઈનું સ્થાન. ૧૯૪૮માં હું અમદાવાદ પાછો આવ્યો. પછી ૧૯૫૬ લગી ‘બુધસભા’માં નિયમિત ગયો હતો. આ સમયમાં પ્રિયકાન્ત મણિયાર, નલિન રાવળ, ઇન્દુકુમાર ત્રિવેદી, શેખાદમ આબુવાલા, હસમુખ પાઠક, લાભશંકર ઠાકર આદિ અનેક કવિમિત્રોનો ‘બુધસભા’માં પ્રવેશ થયો હતો. એમાંથી પ્રિયકાન્તે ‘બુધસભા’નો સૌથી વધુ આનંદ લૂંટ્યો હતો. આ સમયમાં ‘બુધસભા’ના અનુસંધાનમાં બે બુધવારની વચ્ચેના દિવસોમાં ચંદનભવનના હીંચકા પર લઘુ ‘બુધસભા’ રૂપે આ કવિઓનું મિલન વારંવાર થતું હતું. ૧૯૫૩માં પ્રિયકાન્તે એમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘પ્રતીક’ પ્રગટ કર્યો એમાં અર્પણમાં સુયોગ્ય એવું પ્રથમ બચુભાઈનું નામ છે. ૧૯૫૧થી ૧૯૫૬નાં પાંચેક વરસો મુંબઈમાં રાજેન્દ્રભાઈએ અને મેં તથા અમદાવાદમાં આ કવિઓમાંથી મુખ્યત્વે પ્રિયકાન્ત, નલિન, હસમુખ, શેખાદમ અને મેં — એમ અમે કેટલાક કવિઓએ અનેક સ્થળે, અનેક સમયે, અનેક કાવ્યોનું જાહેરમાં, કવિસંમેલન રૂપે પઠન કર્યું હતું. એમાં કોઈ ઘોષણાપાત્ર નહિ — કોઈ વ્યૂહરચના નહિ, અન્ય એવી કોઈ ચેષ્ટા નહિ, કેવળ કાવ્યપઠન. કવિતારસિકો સમક્ષ સ્વયં કાવ્ય રજૂ કરવું એ જ એકમાત્ર ઉપક્રમ હતો. અંતે શું થાય તે કાવ્ય જાણે અને શ્રોતા જાણે! એની સાથે અમારે કવિઓને કંઈ નહિ. જે કંઈ કહેવા-કરવાનું હોય તે કવિતાએ, અમારે કંઈ કહેવા-કરવાનું નહિ. અમારી એવી શૈલી હતી. અમારા આ કાવ્યપઠનમાં ‘બુધસભા’ની પરોક્ષ પ્રેરણા હતી. આ સમયમાં ક્યારેક સુન્દરમ્‌, ઉમાશંકર, રાજેન્દ્ર, પ્રજારામ આદિ કવિઓ અથવા ભટ્ટસાહેબ આદિ સહૃદયો ‘બુધસભા’માં આવ્યા હતા. એમનાં કાવ્યોનું પઠન અને એમની સાથે વાર્તાલાપ એ જ ‘બુધસભા’નો ત્યારે એકમાત્ર ઉપક્રમ હોય. આ સમયમાં ‘છંદોલય’, ‘કિન્નરી’, ‘અલ્પવિરામ’ અને ‘પ્રતીક’નું પ્રકાશન થયું. બચુભાઈએ એનું મુદ્રણ કર્યું. સંગ્રહનું કદ, સંગ્રહનું પૂઠું, સંગ્રહનો કાગળ, જાત, વજન, રંગ, ડિઝાઇન, લે-આઉટ આદિ અથથી ઇતિ બચુભાઈનો નિર્ણય. ત્યારે બચુભાઈના અપાર વાત્સલ્યપ્રેમનો ને એમની લિપિ તથા મુદ્રણ વિશેની અસાધારણ સૂઝસમજનો અંગત અનુભવ થયો હતો. પછીથી ૧૯૭૮માં ‘સાહિત્ય’ ત્રૈમાસિકનું સંપાદન કરવાનું થયું ત્યારે પણ અગાઉથી જ બચુભાઈએ સામેથી કહ્યું હતું, ‘સાહિત્ય’ તો હું જ છાપીશ.’ ત્યારે પણ એવો જ અંગત અનુભવ પુનશ્ચ થયો હતો. આ સમયમાં મારું કોઈ કાવ્ય ‘બુધસભા’માં રજૂ ન થયું હોય અને અન્યત્ર કોઈ સામયિકમાં પ્રગટ થયું હોય અને બચુભાઈના ધ્યાન પર આવ્યું હોય તો એમણે અચૂક કહ્યું જ હોય, ‘આ કાવ્ય ‘બુધસભા’માં તમે રજૂ કર્યું ન હતું. ‘બુધસભા’માં રજૂ થયું હોત તો ‘કુમાર’માં પ્રગટ થયું હોત.’ એમ ન થયું એનું બચુભાઈને દુઃખ. ‘બુધસભા’ અને ‘કુમાર’ પ્રત્યે એમનું આટલું મમત્વ હતું. એમની આટલી મમતા હતી. આ સમયમાં એક વાર બચુભાઈ અને હું ન્યૂ ઑર્ડર બુક કંપનીમાં એકસાથે થઈ ગયા. દિનકરભાઈએ બચુભાઈને મારે વિશે પૂછ્યું, ‘આ ‘બુધસભા’માં આવે છે? ત્યાં શું કરે છે?’ બચુભાઈએ કહ્યું, ‘કાચી કેરી જેવો ખાટો છે, ખાટો. પાકશે એટલે મીઠો થશે, છૂટકો નથી.’ મેં કહ્યું, ‘અને પાકશે નહિ તો બગડી જશે.’ તાજેતરની એકાદ ‘બુધસભા’માં મારી ચર્ચામાં કંઈક વધુ ઉગ્રતા કે ઉત્તેજના હશે એના અનુસંધાનમાં આ સંવાદ હતો. એમાં પણ મને બચુભાઈના એ જ અપાર વાત્સલ્યપ્રેમનો અનુભવ થયો હતો. સત્તાવીસ વરસનો અમારો સંબંધ. બચુભાઈના વાત્સલ્યપ્રેમનાં આવાં અનેક સંસ્મરણો છે. એ વિશે અત્યારે અહીં નહિ; અન્ય કોઈ સમયે, અન્ય કોઈ સ્થળે. ૧૯૫૬ પછી ‘બુધસભા’માં અવારનવાર ગયો હતો અને ૧૯૫૮ પછી તો ક્વચિત્. એનું મુખ્ય કારણ ૧૯૫૮ પછી મારી પાસે કવિતા ન હતી. જોકે બચુભાઈને પણ ‘બુધસભા’માં જેટલો આનંદ સુંદરમ્–ઉમાશંકરના સમયમાં હશે તેટલો આનંદ પછીના દાયકામાં નહિ હોય. અને તે પછી તો ક્રમેક્રમે એકંદરે એથી પણ ઓછો આનંદ હશે. જોકે ત્યારે પણ આરંભમાં લાભશંકર જેવા એક પ્રતિભાશાળી કવિને કારણે અને વળી ત્યારે રાવજી પટેલ, ચંદ્રકાન્ત શેઠ, રાજેન્દ્ર શુક્લ, દિનેશ કોઠારી, આદિલ મન્સૂરી, ચિનુ મોદી, મનહર મોદી, સુભાષ શાહ, રઘુવીર ચૌધરી, યોસેફ મૅકવાન, અનિલ જોષી, માધવ રામાનુજ, હરિકૃષ્ણ પાઠક, હેમંત દેસાઈ, વ્રજલાલ દવે, ગીતા પરીખ, ધીરુ પરીખ આદિ અનેક કવિમિત્રોનો પણ ‘બુધસભા’માં પ્રવેશ થયો હતો એ કારણે પણ હજુ આનંદ તો હશે જ. પણ પછીથી કવિતામાં શૈલીસ્વરૂપ અને વસ્તુવિષયમાં છંદ, વ્યાકરણ, નીતિ, બોધ આદિના એમના કેટલાક આગ્રહને કારણે ક્યારેક ક્લેશ પણ થતો હશે એવું એમના અંતિમ વરસના એક વક્તવ્યમાં સૂચન છે. અરધી સદીથી યે વધુ સમય સુધી બચુભાઈએ સતત નિયમિત ‘બુધસભા’નું સંચાલન કર્યું. ગુજરાતના કવિઓની ચાર પેઢીઓના સાન્નિધ્યમાં. કોઈ કોઈ વિરલ અપવાદ સાથે બચુભાઈ બુધવારે આઠથી દસ-અગિયાર ‘બુધસભા’માં જ હોય. શિયાળામાં ઠંડીમાં કે ચોમાસામાં વરસાદમાં ક્યારેક તો એકલા જ હોય. માત્ર સગડી અને છત્રી સાન્નિધ્યમાં. બચુભાઈએ ૧૯૬૨માં અને ૧૯૬૫માં એમ બે કાવ્યસત્રોનું ‘બુધસભા’ના સહયોગથી આયોજન કર્યું. રણજિતરામ ‘કુમાર’ અને બચુભાઈના જીવન તથા કાર્યમાં પરોક્ષ પ્રેરણારૂપ હતા. એથી જ્યારે ૧૯૮૦માં બચુભાઈએ જેની સ્થાપનામાં રણજિતરામ પ્રત્યક્ષ પ્રેરણારૂપ હતા એ ગુજરાતી સાહિત્ય પરિષદને ‘બુધસભા’નું સંચાલન વિધિપૂર્વક અર્પણ કર્યું ત્યારે એમને પરમ ચરિતાર્થતાનો અનુભવ થયો હશે એ સહેજે કલ્પી શકાય છે. બચુભાઈ સ્વયં કવિ કે સર્જક નહિ. જોકે આરંભમાં ક્વચિત્ કાવ્યસર્જન કર્યું હતું. પણ ‘કુમાર’માં પ્રસંગકણિકા આદિ સ્વરૂપે તથા અન્યત્ર લિપિ અને મુદ્રણ વિશે નિબંધ, વ્યાખ્યાન આદિ સ્વરૂપે કેટલુંક મૌલિક ગદ્યલખાણ કર્યું છે. ‘કુમાર’માં ચિત્રો અને કાવ્યોની નીચે નોંધ સ્વરૂપે કેટલુંક વિવેચન પણ કર્યું છે. બચુભાઈએ અંતિમ વરસોમાં પ્રસંગકણિકાનો સંગ્રહ ‘ચારિત્ર્યરેણુ’ શીર્ષકથી પ્રગટ કરવાનું વિચાર્યું હતું. એ અને અન્ય ગદ્યપદ્ય લખાણોમાંથી બે-ત્રણ સંગ્રહોનું મરણોત્તર પ્રકાશન હવે થવું જોઈએ. બચુભાઈને ગુજરાતી ભાષાનાં ઉત્તમ કાવ્યો — આદિ કવિથી તે આજના કવિનાં ઉત્તમ કાવ્યોનો સંચય પ્રગટ કરવાનું, ઉમાશંકર એનું સંપાદન કરે તો એમને એનું સુન્દર મુદ્રણ-પ્રકાશન કરવાનું સ્વપ્ન હતું. એનો હું સાક્ષી છું. હવે એ સ્વપ્ન તો સ્વપ્ન જ રહ્યું! બચુભાઈની કવિતા વિશેની સૂઝસમજને મર્યાદા હતી તે ભલે, બચુભાઈ કવિતા-વિવેચક નહિ, તે ભલે. પણ બચુભાઈ એક ઉત્તમ કવિતાપ્રેમી, એક ઉત્તમ કવિતા- સંચાલક-કવિતાસંપાદક. કવિ અને કવિતાના એક પરમ સખા, એક પરમ સુહૃદ. ‘બુધસભા’ જેવી કવિતાની ‘વર્કશોપ’ — કાર્યશિબિર — શું ભારતમાં કે શું જગતમાં, કોઈ પણ ભાષામાં વિરલ. કવિનો કાવ્યસંગ્રહ પ્રગટ થયા પછી એનું અવલોકન-વિવેચન પ્રગટ થાય એથી સહૃદયોને લાભ થાય. કવિને કે કાવ્યને નહિ. પણ કવિનું કાવ્ય હજી હસ્તપ્રતમાં હોય અને અન્ય કવિમિત્રો અને સહૃદયોનો પ્રતિભાવ પ્રગટ થાય તો કવિને અને કાવ્યને ક્યારેક લાભ થાય. ‘બુધસભા’ જેવી કવિતાની ‘વર્કશોપ’નું આ મૂલ્ય, આ મહત્ત્વ. ‘બુધસભા’ એ બચુભાઈની એક અસાધારણ સિદ્ધિ છે. મારા સાહિત્યિક મુરબ્બી મિત્રોમાં પાંચ મિત્રો સંપૂર્ણપણે ગુજરાતી, પણ માત્ર ગુજરાતી નહિ, ગુજરાતીથી કંઈક વિશેષ. બલ્લુકાકા ગ્રીક, હરિશ્ચન્દ્ર ફ્રેન્ચ, મડિયા અમેરિકન, ઉમાશંકર (અન્ય એક જ પ્રદેશનું નામ આપવું શક્ય નથી એથી) વૈશ્વિક અને બચુભાઈ અંગ્રેજ. બચુભાઈ એટલે શિસ્ત, વ્યવસ્થા, નિયમિતતા. આરંભનાં વરસોમાં બચુભાઈનું ઘર રાયપુરમાં અને પછી પાનકોરનાકામાં. એ ચાલીને કાર્યાલય પર જાય. ૧૯૩૩માં એલિસબ્રિજમાં ‘નેપથ્ય’માં નિવાસ કર્યા પછી સાઇકલ પર જાય. અંતિમ વરસોમાં સ્વાસ્થ્યને કારણે સાઇકલનો ત્યાગ કર્યો હતો, ત્યારે બસ કે રિક્ષામાં જાય. અંતિમ દિવસોમાં એક બપોરે બારેક વાગ્યે હું કાર્યાલયથી એમના ઘર લગી એમની સાથે રિક્ષામાં ગયો હતો. અચાનક અંગ્રેજોના આગમન પછીનું અમદાવાદ અને ગુજરાત તથા ભારત, ભારત અને યુરોપની બે મહાન સંસ્કૃતિઓનો સમન્વય, એ સમન્વયની સિદ્ધિઓ, સિદ્ધિઓમાં અંગ્રેજોનું અર્પણ એ સતત અમારા વાર્તાલાપનો વિષય હતો. ત્યારે બચુભાઈએ ગણીગણીને અંગ્રેજોના એકેએક ગુણનું હોંસે-હોંસે સ્મરણ કર્યું હતું. (બચુભાઈમાં અંગ્રેજનો આત્મા હતો. ૧૯૭૭માં ઇંગ્લૅન્ડ ગયા ત્યારે બચુભાઈને જાણે ગુજરાતમાં દેશવટે વસીને સ્વદેશ પાછા ફર્યા જેવો આનંદ થયો હશે.) બચુભાઈ સાથેનું મારું એ અંતિમ મિલન હતું. એ બચુભાઈ વિશેનું મારું અંતિમ સ્મરણ હતું. બચુભાઈ ગુજરાતીઓમાં અંગ્રેજ હતા. બચુભાઈના સમૃદ્ધ જીવન અને સધ્ધર કાર્યનું રહસ્ય હતું બચુભાઈની અંગ્રેજિયત!

૧૯૮૧

*