સ્વાધ્યાયલોક—૮/આપણો ઘડીક સંગ

Revision as of 20:26, 24 April 2022 by Shnehrashmi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


‘આપણો ઘડીક સંગ’

કાળની કેડીએ ઘડીક સંગ,
રે ભાઈ, આપણો ઘડીક સંગ,
આતમને તોય જનમોજનમ લાગી જશે એનો રંગ!
રે ભાઈ, આપણો ઘડીક સંગ!

ધરતીઆંગણ માનવીના આ ઘડીક મિલનમેળા,
વાટમાં વચ્ચે ક્યારેક નકી આવશે વિદાયવેળા,
તો કેમ કરીનેય કાળ ભૂલે ના એમ ભમીશું ભેળા!
હૈયાનો હિમાળો ગાળી-ગાળીને વહશું હેતની ગંગ!
રે ભાઈ, આપણો ઘડીક સંગ!

પગલે પગલે પાવક જાગે ત્યાં ઝરશું નેનની ઝારી,
કંટકપથે સ્મિત વેરીને મ્હોરશું ફૂલની ક્યારી,
એકબીજાને જીતશું, રે ભાઈ, જાતને જાશું હારી!
ક્યાંય ન માય રે એટલો આજ તો ઉરને થાય ઉમંગ!
રે ભાઈ, આપણો ઘડીક સંગ!

અહીં સ્ટુડિયોમાં સામે એક લાલબત્તી છે. એ બંધ થશે એટલે આ આપણા સંગનો અંત આવશે. આ થયો ‘આપણો ઘડીક સંગ’. એક મિત્રને નવા વરસને દિવસે સાલમુબારકમાં આ ગીત લખી મોકલ્યું હતું. ત્યારે, અલબત્ત, મારી પાસે માત્ર ધ્રુવપંક્તિ હતી. પછી બે અંતરા રચીને ગીત પૂરું કર્યું હતું. પાછળથી એક પંક્તિમાં પાઠફેર કર્યો હતો. આ એનું અંતિમ સ્વરૂપ છે. આ ગીતનો વિષય છે સંગ એટલે કે મિલન એટલે કે મૈત્રી. મૈત્રી ન કરી હોય એવો કોઈ મનુષ્ય હશે? મિત્ર વિનાનો કોઈ મનુષ્ય ક્યાંય ક્યારેય નહોતો, નથી અને નહિ હોય. કોઈ મનુષ્ય ‘અજાતમિત્ર’ નથી. એટલે કે જેનો મિત્ર ન જન્મ્યો હોય એવો મનુષ્ય જન્મ્યો નથી. મૈત્રી એ એક એવો સનાતન સાર્વભૌમ સર્વાનુભવ છે. એ અનુભવનું આ ગીત છે. એમાં મૈત્રીનો મહિમા ગાયો છે. એની પ્રશસ્તિ રચી છે, એનું મહત્ત્વ કર્યું છે. આ ગીતમાં બે અંતરા છે. પહેલા અંતરામાં મૈત્રીની ક્ષણિકતા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. બીજા અંતરામાં મૈત્રીના વિરોધાભાસ પર ભાર મૂકવામાં આવ્યો છે. અને એ દ્વારા, એ બેના સરવાળા રૂપે, ગીત સમગ્રમાં મૈત્રીનું જે રહસ્ય છે, મૈત્રીનો જે આનંદ છે એનો અનુભવ થાય છે. ગીતની ધ્રુવપંક્તિ લઈએ. એમાં સમગ્ર ગીતનો ભાવ અને વિચારનું બીજ છે. ‘કાળની કેડીએ ઘડીક સંગ’ — મનુષ્યના જીવનની યાત્રા માત્ર સ્થળમાં જ થતી નથી. પણ એક ક્ષણમાંથી બીજી ક્ષણમાં, આજથી કાલમાં એમ કાળમાં પણ થાય છે. એથી ‘કાળની કેડીએ’ એવો શબ્દપ્રયોગ અહીં ગીતના આરંભે જ કર્યો છે. અને આ કાળની કેડી પર જ એક મનુષ્યનો બીજા મનુષ્ય સાથે એટલે કે આપણો ઘડીક સંગ થતો હોય છે. સંગ થતો હોય છે પણ ઘડીક. કારણ કે આ સંગ કાળની કેડી પર થતો હોય છે. આ કોઈ પણ બે મનુષ્યના સંગનું વાસ્તવ છે. ગીતની પ્રથમ પંક્તિમાં જ આ વાસ્તવનો સ્વીકાર કર્યો છે. અને પછી ‘આતમને તોય જનમોજનમ લાગી જશે એનો રંગ’ — એમાં આ ‘કાળની કેડીએ ઘડીક સંગ’ હોવા છતાં જનમોજનમ આતમને એટલે કે આત્માને એનો રંગ લાગી જશે એવી ભાવના આ વાસ્તવના સ્વીકાર પછી તરત જ બીજી પંક્તિમાં વ્યક્ત કરી છે, ‘તોય’ શબ્દપ્રયોગ દ્વારા આ વાસ્તવ અને આ ભાવનાના સંબંધની સંકુલતા સાથે વ્યક્ત કરી છે. આમ, અહીં ધ્રુવપંક્તિમાં આ વાસ્તવના સ્વીકારની સાથે-સાથે જ આ ભાવના વ્યક્ત કરી છે. કહો કે એકસાથે, એકશ્વાસે વાસ્તવ અને ભાવનાનું ઉચ્ચારણ કર્યું છે. અને એનું જ પછીના બે અંતરામાં સ્પષ્ટીકરણ કર્યું છે. હવે પહેલો અંતરો લઈએ. એમાં મૈત્રીની ક્ષણિકતામાંથી ત્યાગ અને પ્રેમ દ્વારા મૈત્રીની અમરતા અને અનંતતા સિદ્ધ થાય છે. ‘ધરતી આંગણ માનવીના આ ઘડીક મિલનમેળા’ — ધરતીને અહીં આંગણ કહ્યું છે. સમસ્ત પૃથ્વી એ મનુષ્યજાતિનું માત્ર આંગણ છે. તો એનું ઘર તો કેવુંય હશે? આ આંગણામાં મનુષ્યો મળે છે, રમે છે, અને કાળની કેડીએ ભમે છે. મનુષ્યોના આ સંગને અહીં ‘માનવીના આ ઘડીક મિલનમેળા’ કહ્યા છે. મેળામાં જેવાં ચિત્રવિચિત્ર, રંગબેરંગી, જાતભાતનાં રમકડાં એવાં અહીં માનવીઓ! અને જેવો રમકડાંનો મેળો ઘડીકનો એવો જ આ માનવીનો મેળો પણ ઘડીકનો જ! ‘વાટમાં વચ્ચે ક્યારેક નકી આવશે વિદાયવેળા’ — વિદાયવેળા એટલે મૃત્યુ. અહીં ‘વાટમાં વચ્ચે’ એ શબ્દો દ્વારા મૃત્યુ પછી મનુષ્યના જીવનની, અમર જીવનની યાત્રા તો ચાલુ જ રહે છે એવું સૂચન છે. પણ ‘નકી’ શબ્દ દ્વારા આ મૃત્યુ અનિવાર્ય છે એવું સૂચન છે. એમાં મૃત્યુનો સ્વીકાર છે અને એથી મૃત્યુ સાથે મૈત્રીનો અંત આવે છે. એટલે મનુષ્યોનો સંગ છે પણ ઘડીક સંગ છે એવો ગીતની પ્રથમ પંક્તિમાં જ સ્વીકાર છે. વિદાય છે જ! મૃત્યુ છે જ! હા, પણ મિલન છે માટે જ વિદાય છે. જન્મ છે માટે જ મૃત્યુ છે. જો મિલન અને જન્મ ન હોત તો વિદાય અને મૃત્યુ પણ ન હોત! છૂટા પડવાનું ન થાય માટે મળવું જ નહિ એ વધુ સારું કે ભલે છૂટા પડવાનું થાય પણ મળવું એ વધુ સારું? મરવાનું ન થાય માટે જન્મવું જ નહિ એ વધારે સારું કે ભલે મરવાનું થાય પણ જન્મવું એ વધુ સારું? મનુષ્યોનું જન્મવું અને એકમેકને મળવું એ અકસ્માત આ વિશ્વમાં અદ્ભુત આશ્ચર્ય છે. એક અનન્ય આનંદ છે. એના જેવો બીજો આનંદ એકે નથી. જોકે જન્મ્યા અને એકમેકને મળ્યા પછી જન્મવું વધુ સારું કે ન જન્મવું વધુ સારું, મળવું વધુ સારું કે ન મળવું વધુ સારું એ પ્રશ્ન અને પસંદગી અપ્રસ્તુત અને અર્થહીન છે. જન્મ્યા પછી જન્મનો અને મળ્યા પછી મિલનનો સ્વીકાર અનિવાર્ય છે. અને જન્મ પછી જન્મ્યા માટે જ છેવટે ન છૂટકે મરવાના જ, મિલન પછી મળ્યા માટે જ છેવટે ન છૂટકે છૂટા પડવાના જ, એમ મૃત્યુ અને વિદાયનો સ્વીકાર પણ અનિવાર્ય છે. ‘તો કેમ કરીનેય કાળ ભૂલે ના એમ ભમીશું ભેળા’ — વિદાય છે જ! મૃત્યુ છે જ! આપણો ઘડીક સંગ છે માટે જ જન્મનું અને મિલનનું મૂલ્ય છે, એનું મહત્ત્વ છે, એનો મહિમા છે. તો જન્મનો અને મિલનનો, જન્મ્યાનો અને એકમેકને મળ્યાનો એવો તો રસકસ કાઢવો જોઈએ, એવો તો તીવ્ર અને ઉગ્ર અનુભવ કરવો જોઈએ કે જન્મની અને મિલનની એક ક્ષણ અનંત બની જાય. કેમ કરીનેય કાળ ભૂલે ના એવી મહાકાળના વક્ષસ્થળ પર અંકિત બની જાય. ધ્રુવપંક્તિમાં આત્માને વિશે જે ભાવના છે તે અહીં અંતરામાં કાળને વિશે વ્યક્ત કરી છે. ‘હૈયાનો હિમાળો ગાળીગાળીને વહશું હેતની ગંગ’ — પથ્થરને પણ હૃદય હોય છે, કોમળ હૃદય હોય છે અને એ દ્રવે છે. ભવ્યમાં ભવ્ય પથ્થર હિમાલય એનું ઉત્તમમાં ઉત્તમ ઉદાહરણ છે. ગંગામાં એનું કોમળ હૃદય દ્રવે છે, સતત દ્રવે છે. એનો પ્રેમ વહે છે, સતત વહે છે. આ પંક્તિમાં ‘ગાળીગાળીને’ એવું જે પુનરાવર્તન છે તે અત્યંત સૂચક છે. હિમાલયનું કોમળ હૃદય જો સતત ન દ્રવે તો ગંગાનું અસ્તિત્વ જ ન રહે, ગંગા અલોપ થાય. અને ગંગા જો સતત ન વહે તો ગંગા જેવી પવિત્ર ગંગા પણ ગંદી બની જાય, ગંધાય. આમ પથ્થરને પણ જો હૃદય હોય છે, કોમળ હૃદય હોય છે અને એ દ્રવે છે, સતત દ્રવે છે તો મનુષ્યનું શું? એણે એના હૃદયનો પથ્થર, હૈયાનો હિમાળો ગાળીગાળીને એમાંથી હેતની ગંગા વહાવવી, સતત વહાવવી! સૌ મનુષ્યોને સતત પ્રેમ અર્પવો! આ આપવું, સતત આપવું એ જ જીવન, કારણ કે ન આપવું અથવા આપતાં-આપતાં અધવચ અટકી જવું એ જ સાચું મૃત્યુ છે. એ સિવાયનું મૃત્યુ એ મૃત્યુ જ નથી. જે આપે છે, સતત આપે છે એને મૃત્યુ જ નથી, એ અમર છે. પ્રેમ એટલે ત્યાગ અને ત્યાગ એટલે અમૃત. આમ, ધ્રુવપંક્તિમાં ‘આતમને તોય જનમોજનમ લાગી જશે એનો રંગ’ — એમ ગાયું છે એમાં જે રંગ છે તે આ પ્રેમ, આ ત્યાગ! આગલી પંક્તિમાં ‘તો કેમ કરીનેય કાળ ભૂલે ના એમ ભમીશું ભેળા’ — એમાં જે અમરતા અને અનંતતા છે એનું રહસ્ય તે આ પ્રેમ, આ ત્યાગ! આમ, આ પહેલા અંતરાને અંતે ગીતની એક પરાકાષ્ઠા આવે છે. એમાં રંગ, આંગણ, મેળા, વાટમાં વચ્ચે, હિમાળો, ગંગ વગેરે પ્રતીકો દ્વારા સંગની ક્ષણિકતામાંથી ત્યાગ અને પ્રેમ દ્વારા એમની અમરતા અને અનંતતા સિદ્ધ થાય છે. હવે ગીતનો બીજો અંતરો લઈએ. એમાં મૈત્રીના વિરોધાભાસમાંથી ત્યાગ અને આનંદ દ્વારા મૈત્રીની અમરતા અને અનંતતા સિદ્ધ થાય છે. ‘પગલેપગલે પાવક જાગે ત્યાં ઝરશું નેનની ઝારી’ — સંગમાં, મૈત્રીમાં એટલે કે કોઈ પણ બે મનુષ્ય વચ્ચેના સંબંધમાં બધું જ સીધું, સાદું ને સરળ, સુંવાળું હોતું જ નથી. એમાં પગલેપગલે પાવક જાગે છે, અણસમજ અને ગેરસમજનો, ત્યાં શું કરવું? આંસુથી એને હોલવવો, બુઝાવવો. જ્યારે-જ્યારે અણસમજ કે ગેરસમજ થાય ત્યારે પ્રાયશ્ચિત્ત દ્વારા, પશ્ચાત્તાપ દ્વારા, ક્ષમા માગીને અને આપીને પરસ્પર સમજ કરવી. સમજવું, સતત સમજવું, સમજ્યે જવું એ જ કોઈ પણ સુંદર માનવસંબંધનું રહસ્ય છે. ‘કંટકપથે સ્મિત વેરીને મ્હોરશું ફૂલની ક્યારી’ — કોઈ પણ બે મનુષ્યો વચ્ચે સંબંધ થાય, સંગ, મિલન, મૈત્રી, પ્રેમ થાય ત્યારે એમણે ચાલવાનું હોય છે કંટકપથે. આ કંટક તે પ્રતિકૂળ પરિસ્થિતિના, સાંકડા સંજોગોના, અન્ય મનુષ્યોની ઈર્ષ્યા અને નિંદાના, અન્ય મનુષ્યોના અનાદર અને અસ્વીકારના. ત્યાં શું કરવું? હસવું. નમ્રતા અને ઉદારતાપૂર્વક હસવું. આ કંટકપથ પર સ્મિતનાં ફૂલ બિછાવવાં. કોઈ પણ બે મનુષ્ય વચ્ચે સંબંધ થાય; સંગ, મિલન, મૈત્રી, પ્રેમ થાય ત્યારે એ બે મનુષ્યે એમાંથી જે સાર્થક્ય, જે સામર્થ્ય, જે ઓજસ, જે ઐશ્વર્ય પ્રાપ્ત થાય એ વડે પોતાનાં ચરણોને મઢીને આ કંટકપથ પર ચાલવું. ‘એકબીજાને જીતશું, રે ભાઈ, જાતને જાશું હારી’ — બે મનુષ્ય વચ્ચે મૈત્રી કે પ્રેમ થાય ત્યારે બન્નેને જીતવું હોય છે. પહેલાને જીતવું છે પણ બીજો હારે નહિ તો પહેલો ક્યાંથી જીતે? એટલે પહેલાએ જીતવું હોય તો બીજાએ હારવું પડે. એટલે બીજાએ જીતવું હોય તો પહેલાએ હારવું પડે. આમ, પહેલો અને બીજો બન્ને ત્યારે જ જીતે કે જ્યારે પહેલો અને બીજો બન્ને હારે. એટલે કે બન્ને ત્યારે જ જીતે કે જ્યારે બન્ને હારે! આમ, મૈત્રીમાં અને પ્રેમમાં બન્ને જીતે છે અને બન્ને હારે છે. બન્ને હારે છે માટે જ બન્ને જીતે છે. જે જીતે છે તે હારે પણ છે. જે હારે છે તે જીતે પણ છે. પ્રત્યેક જીતે છે અને પ્રત્યેક હારે છે. પ્રત્યેક એકસાથે હારે છે અને જીતે છે. પ્રત્યેક જીતે છે માટે જ પ્રત્યેક હારે છે. પ્રત્યેક હારે છે માટે જ પ્રત્યેક જીતે છે. મૈત્રીમાં અને પ્રેમમાં પામવું હોય તો આપવું જ પડે, આપ્યા વિના પમાય જ નહિ. ને આપો એટલે પામો જ, પામ્યા વિના રહો જ નહિ. વળી જેટલું પામવું હોય એટલું જ આપવું પડે અને જેટલું આપો એટલું પામો જ. વળી જેમ વધુ આપો તેમ વધુ પામો, અને જેમ વધુ પામો તેમ વધુ ને વધુ આપો, જેમ વધુ ને વધુ આપો તેમ વધુ ને વધુ પામો! આમ મૈત્રીમાં અને પ્રેમમાં આપવાનો અને પામવાનો, હારનો અને જીતનો અંત જ નથી. અને આપવા-પામવાના, હાર-જીતના એટલે કે આ ત્યાગના આનંદને પણ અંત નથી. કારણ કે આ ત્યાગ એ અમૃત છે એથી એનો આનંદ પણ અમૃત છે, અમર અને અનંત છે. ‘ક્યાંય ન માય રે એટલો આજ તો ઉરને થાય ઉંમગ’ — આ આનંદ અનહદ છે. આમ, આ બીજા અંતરાને અંતે ગીતની બીજી પરાકાષ્ઠા આવે છે. એમાં પાવક, નેનની ઝારી, કંટકપથ, સ્મિત, ફૂલની ક્યારી વગેરે પ્રતીકો દ્વારા સંગના વિરોધાભાસમાંથી ત્યાગ અને આનંદ દ્વારા એની અમરતા અને અનંતતા સિદ્ધ થાય છે. ગીતના પહેલા અંતરાના કેન્દ્રમાં છે પ્રેમ અને બીજા અંતરાના કેન્દ્રમાં છે આનંદ. આમ આ ગીત એ પ્રેમ અને આનંદનું અથવા તો પ્રેમના આનંદનું એટલે કે પ્રેમાનંદનું ગીત છે. માનવજીવનમાં શું સૌંદર્ય કે શું સુખ, શું મૈત્રી કે શું પ્રેમ, બધું જ ક્ષણિક છે. પણ એનો શોક ન હોય! એમ કહોને કે એકાદ ક્ષણ કે ક્ષણાર્ધ માટે પણ માનવજીવનમાં સૌંદર્ય કે સુખ, મૈત્રી કે પ્રેમ સિદ્ધ થાય છે! એટલું પણ સિદ્ધ ન થતું હોય તો! સૌંદર્ય આવ્યું અને ગયું, સુખ આવ્યું અને ગયું, મૈત્રી આવી અને ગઈ, પ્રેમ આવ્યો અને ગયો. એની ચિંતા ન હોય! એનો શોક ન હોય! એકાદ ક્ષણ કે ક્ષણાર્ધ માટે પણ સૌંદર્ય આવ્યું, સુખ આવ્યું, મૈત્રી આવી, પ્રેમ આવ્યો એની ધન્યતા અને કૃતજ્ઞતા જ અનુભવવાની હોય! એનું આશ્ચર્ય જ અનુભવવાનું હોય! એનો આનંદ જ અનુભવવાનો હોય! એ દ્વારા જીવનમાં એકાદ ક્ષણ કે ક્ષણાર્ધના સૌંદર્ય કે સુખ, મૈત્રી કે પ્રેમની અમરતા અને અનંતતા સિદ્ધ થાય છે. આ આનંદ જ આ ગીતમાં આદિથી અંત લગી વ્યક્ત થાય છે. કાવ્ય માત્રનો રસ છે આનંદ. શાસ્ત્રમાં અન્ય જે રસ હોય તે, પણ એ સૌ રસોમાં કવિને રસ પડે છે, આનંદ પડે છે, અને શોક અને કરુણમાં પણ કવિને તો આનંદ જ પડે છે એથી તો એ કાવ્યનું સર્જન કરે છે. એટલે અંતે તો આનંદ એ જ કાવ્ય માત્રનો રસ છે અને કાવ્યનો એકમાત્ર રસ છે. આ આખુંય ગીત આનંદનું છે. એમાં પછવાડે, અલબત્ત, શોક ડોકિયું કરે છે. પ્રથમ પંક્તિમાં જ ‘ઘડીક’ શબ્દમાં એનું સૂચન છે અને ‘વાટમાં વચ્ચે ક્યારેક નકી આવશે વિદાય વેળા’ — એ પંક્તિમાં એનો સંપૂર્ણ સ્વીકાર છે. અને એમ તો આખાય ગીત પર શોકની છાયા છે. પણ મૈત્રી અને પ્રેમ એટલે ત્યાગ અને ત્યાગ એટલે અમૃત. આમ, આ આખાય ગીતમાં ક્ષણિકતાના શોકને આ અમૃતનો આનંદ વ્યાપી વળ્યો છે એટલે તો ધ્રુવપંક્તિમાં ‘આપણો ઘડીક સંગ’ ગાઈને તરત જ પછીની પંક્તિમાં ગાયું છે ‘આતમને તોય જનમોજનમ લાગી જશે એનો રંગ’. મૈત્રીમાં અને પ્રેમમાં આ આનંદ દ્વારા જ ક્ષણમાંથી શાશ્વત સિદ્ધ થાય છે અથવા તો આ આનંદને કારણે જ મૈત્રીમાં અને પ્રેમમાં ક્ષણ એ જ શાશ્વત!

(આકાશવાણી, અમદાવાદ પરથી વાર્તાલાપ. ૧૯૬૪.)

*